ભારતમાં રમતગમત ક્ષેત્રે મહિલા ખેલાડીઓ પાછળ કેટલું બજેટ ફાળવવામાં આવે છે, શું તે પૂરતું છે?

બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસ વીમેન ઑફ ધ યર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવી છે અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ઘણું થઈ રહ્યું છે
    • લેેખક, જાન્હવી મૂલે
    • પદ, બીબીસી સંવાદદાતા

2004માં એક ઑલિમ્પિકમાં એક મેડલ જીતવાથી લઈને 2024માં છ મેડલ જીતવા અને એશિયન ગેમ્સ અને એશિયન પૅરા ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતી ભારતીય રમતોએ ઘણો લાંબો રસ્તો કાપ્યો છે અને ખેલાડીઓ હજુ વધુ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

આ વર્ષે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય માટે સરકારે રૂ. 3443 કરોડનું બજેટ ફાળવ્યું છે.

ગ્રુપએમના એક અહેવાલ મુજબ 2023માં રમતગમત પર ખાનગી ક્ષેત્રનો ખર્ચ વધીને 15,766 કરોડ થયો છે, જોકે આ ખર્ચમાં મોટાભાગનો હજુ પણ ક્રિકેટનો જ દબદબો છે.

ઑલિમ્પિક રમતોને અપાતા સમર્થન અને સફળતામાં વધારો થવાથી નવી પેઢીના ખેલાડીઓની મહત્વાકાંક્ષાઓને વેગ મળ્યો છે. જેમ કે, અદિતિ સ્વામી કે જે 2023 માં ફક્ત 17 વર્ષની ઉંમરે વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય અને વિશ્વની સૌથી નાની ઉંમરનાં તીરંદાજ છે.

તેઓ કહે છે કે, "હું સારું પ્રદર્શન કરી શકી કારણ કે મને સમયસર શિષ્યવૃત્તિ મળી ગઈ હતી નહીં તો રમતગમતમાં કારકિર્દી બનાવવી ખૂબ મુશ્કેલ બની હોત."

મહારાષ્ટ્રના નાના શહેર સતારાનાં શેરડીનાં ખેતરોમાં તેમણે કામચલાઉ રેન્જ બનાવી હતી અને તેણે માત્ર 9 વર્ષની ઉંમરે તીરંદાજીનો અભ્યાસ શરુ કર્યો હતો.

તેમના પિતા ગોપીચંદ શાળામાં શિક્ષક છે અને તેમનાં માતા શૈલા સ્થાનિક સરકારી કર્મચારી છે.

બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસ વીમેન ઑફ ધ યર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

તેમના સામાન્ય પગાર અદિતિની રમતગમત કારકિર્દી માટે ભંડોળ પૂરું પાડવા પૂરતો નહતો. તેમણે આ માટે સતત સંઘર્ષ કરવો પડતો હતો. પુત્રીને ટેકો આપવા માટે તેમણે ઘણી લોન પણ લીધી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"તેને દર 2-3 મહિને નવાં તીરની જરૂર પડતી હતી. અને જેમ તેની ઊંચાઈ વધતી તેમ તેણે ધનુષ પણ બદલવું પડતું હતું."

તીરનાં એક સૅટની કિંમત લગભગ 40,000 રૂપિયા અને દરેક ધનુષ 2 થી 3 લાખ રૂપિયામાં મળે છે. આ ઉપરાંત તેના આહાર અને ટુર્નામેન્ટ માટે મુસાફરીનો ખર્ચ પણ થતો હતો.

આમ થોડાં વર્ષો સુધી તો ચાલ્યું. પરંતુ જ્યારે 2022માં ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોમાં ગોલ્ડ જીત્યો પછી અદિતિને ભારત સરકાર દ્વારા 'ખેલો ઇન્ડિયા' યોજના હેઠળ રૂ. 10,000 ની માસિક શિષ્યવૃત્તિ અને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન તરફથી રૂ. 20,000 ની માસિક શિષ્યવૃત્તિ મળવાની શરૂ થઇ.

આ શિષ્યવૃત્તિથી ખૂબ મદદ મળી, તે વધુમાં ઉમેરે છે કે, "જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ ખર્ચ પણ વધે છે. પરિવારને હંમેશાં નવાં સાધનો ખરીદવાનું પોસાય તેમ નથી હોતું. હું એવા ખેલાડીઓને જાણું છું જેઓ પ્રતિભાશાળી હતા પરંતુ નાણાકીય સહાય ન મળતાં તેમણે રમત છોડી દીધી હતી."

અદિતિની વાર્તા ભારતના અસંખ્ય અન્ય લોકોની સ્થિતિનો પડઘો છે. જેમ કે ઑલિમ્પિયન ઍથ્લીટ અવિનાશ સાબલે જેમણે તેમની સફરના શરૂઆતના દિવસોમાં બાંધકામ કામદાર તરીકે કામ કરવું પડ્યું હતું અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ બ્રૉન્ઝ મેડલ વિજેતા બૉક્સર દીપક ભોરિયા જેમણે સારા આહારના અભાવે લગભગ રમત છોડી દેવાનું નક્કી કર્યું હતું.

અને છતાં તેઓ ટકી રહ્યા અને તેમણે ભારત માટે મેડલ જીત્યા. આવા ખેલાડીઓએ ભારતીય રમતોમાં નવા પ્રાણ ફૂંક્યા.

રમતગમતમાં ભારતની વધતી જતી સફળતા

બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસ વીમેન ઑફ ધ યર, મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલા ખેલાડીઓનો દબદબો વધી રહ્યો છે

સપ્ટેમ્બર 2024 માં દિલ્હીમાં ઑલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાની બેઠક દરમિયાન ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ 'સમગ્ર દેશભરના ખેલાડીઓ માટે સુધારેલી તાલીમ સુવિધાઓ, સારી કોચિંગ અને વધુ તકો' વિશે વાત કરી હતી.

દેશમાં રહેલી ક્ષમતાને ઓળખીને નિષ્ણાતો એ પણ નિર્દેશ કરે છે કે હજુ ઘણું કરવાનું બાકી છે. જે પેરિસ ઑલિમ્પિક 2024માં જીતેલા પદકો દર્શાવે છે.

ભારતે 6 મેડલ જીત્યા અને 71મા ક્રમે રહ્યું, જ્યારે ભારત સમાન વસ્તી ધરાવતા પડોશી ચીને 91 મેડલ જીત્યા અને દુનિયામાં બીજા ક્રમે રહ્યો.

આનાથી સરખામણી થઈ કે રમત માટેનો ભારતનો માથાદીઠ જાહેર ખર્ચ ચીન કરતા 5 ગણો ઓછો છે.

બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસ વીમેન ઑફ ધ યર, મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કબડ્ડી લીગની એક મૅચની તસવીર

બેઝલાઇન વેન્ચર્સ કે જે એક સ્પૉર્ટ્સ મૅનેજમેન્ટ ફાર્મ છે. આ ફાર્મ ભારતના કેટલાક ટોચના ખેલાડીઓનું પ્રતિનિધિત્વ અને સંચાલન કરે છે.

ફાર્મના તુહિન મિશ્રા આ વિશે સમજાવે છે, "વિકાસશીલ અર્થતંત્રમાં રમતગમતને અન્ય આવશ્યક બાબતો જેવી પ્રાથમિકતા આપવામાં આવતી નથી."

તેઓ ઉમેરે છે, "પરંતુ, એકવાર GDP ચોક્કસ સ્તરે પહોંચી જાય છેત્યારે રમતગમત વધુ મહત્ત્વની બને છે. ભારતમાં આપણે આજે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ અને આગામી 15-20 વર્ષોમાં આનો વધુ વિકાસ થશે."

ઑલિમ્પિક્સની તુલનામાં ભારતે પૅરાલિમ્પિક્સમાં વધુ મેડલ જીત્યા છે.

2004માં ફક્ત 2 મેડલ જીત્યા હતા. 2024માં 29 મેડલ જીતીને ભારતે પૅરાલિમ્પિક્સમાં એક છાપ છોડી દીધી છે.

ઘણા લોકો આનું કારણ અપંગતા પ્રત્યેના વલણમાં ફેરફાર અને પૅરા રમતોમાં રોકાણ કરવાની વધેલી જાગૃતિને માને છે.

ભંડોળમાં સુધારો

બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસ વીમેન ઑફ ધ યર, મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પીવી સિંધુ અને બજરંગ પુનિયાની ફાઇલ તસવીર

ભારત માટે 2009-2010 માં રમતગમતના ભંડોળ બાબતે એક મોટો વળાંક આવ્યો.

તે વર્ષે દિલ્હીએ કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું જ્યાં ભારતે 38 ગોલ્ડ સહિત 101 મેડલ જીત્યા હતા.

નિષ્ણાતો કહે છે કે તેણે ઑલિમ્પિક રમતો પ્રત્યે રસ અને જાગૃતિના નવા યુગને આગળ ધપાવ્યો, જેના કારણે ભંડોળમાં વધારો થયો.

આ પછી બે સરકારી કાર્યક્રમો શરૂ થયા જેમ કે 'ટાર્ગેટ ઑલિમ્પિક પૉડિયમ સ્કીમ' - જેને TOPS પણ કહેવામાં આવે છે જે 2014 માં શરૂ કરવામાં આવી હતી અને 'ખેલો ઇન્ડિયા', જે 2017-18 માં શરૂ કરવામાં આવી હતી.

TOPS આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવવાનું લક્ષ્ય રાખતા ઉચ્ચ કક્ષાના ખેલાડીઓને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખેલો ઇન્ડિયા પ્રતિભાશાળી બાળકોને તાલીમ આપવા, ભૂતપૂર્વ રમતવીરોને ટેકો આપવા અને પાયાના સ્તરના રમતગમતના માળખાને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું કે, ખેલો ઇન્ડિયા યોજના હેઠળ 2781 રમતવીરોને કોચિંગ, સાધનો, તબીબી સંભાળ અને માસિક ઍલાઉન્સ આપવામાં આવી રહ્યું છે.

આ યોજનાઓ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, ભારતમાં હજુ પણ રમતવીરોને કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ભંડોળની મુશ્કેલી નડતી હોય છે. ભારત વિવિધ સરકારી નોકરીઓમાં શ્રેષ્ઠ ખેલાડીઓને ક્વોટા પણ ફાળવે છે જેથી તેઓ તેમના રમતનાં વર્ષો પછી પણ નાણાકીય સ્થિરતા મેળવી શકે.

બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસ વીમેન ઑફ ધ યર, મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આદિલ મુમરીવાલા કે જેઓ એએફઆઈના પૂર્વ અધ્યક્ષ છે અને પૂર્વ ઑલિમ્પિયન પણ છે

રમતગમત મંત્રી માંડવિયાએ દાવો કર્યો હતો કે 2014 ની સરખામણીમાં રમતગમત પર ખર્ચવામાં આવેલી રકમ ત્રણ ગણી વધી ગઈ છે.

તેઓ ભારતના વાર્ષિક બજેટમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય માટેની ફાળવણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

અગાઉના બજેટના આંકડા દર્શાવે છે કે કૉમનવેલ્થ ગેમ્સને કારણે 2009-10 માં રમતગમત પર ખર્ચવામાં આવેલા નાણાંમાં વધારો થયો હતો. અને તાજેતરનાં વર્ષોમાં સંખ્યાઓ ફરીથી સતત વધતી જણાય છે.

ભારતમાં વાર્ષિક બજેટમાંથી રમતગમત પર ફળવાયેલા ફંડનું પ્રમાણ વર્ષોથી સ્થિર રહ્યું છે, જોકે નિષ્ણાતો નિર્દેશ કરે છે કે ભંડોળનાં ઉપયોગમાં સુધારો થયો છે.

આ ઉપરાંત, રાજ્ય સરકારો પણ તેમના પ્રદેશમાં રમતગમતના વિકાસમાં ફાળો આપી રહી છે. જોકે આ આંકડા સ્થળ પ્રમાણે બદલાય છે.

આ દર્શાવે છે કે હરિયાણા જેવાં રાજ્યોએ કેટલાક અન્ય પ્રદેશોની તુલનામાં શા માટે સારું પ્રદર્શન કર્યું છે.

વરિષ્ઠ રમતગમત પત્રકાર સૌરભ દુગ્ગલ કહે છે, "હરિયાણાએ રમતગમતમાં રોકાણ કર્યું અને પૅરા-સ્પૉર્ટ્સ સહિત રમતોને પ્રોત્સાહન આપવા માટે મોટી ઇનામી રકમ, સરકારી નોકરીઓ અને પુરસ્કારો ઑફર કર્યાં. આનાથી રમતગમતની સંસ્કૃતિને પોષવામાં મદદ મળી, સાથે સાથે ખેલાડીઓને માન સન્માન પણ મળવા લાગ્યું.

ખાનગી ક્ષેત્રનું યોગદાન

બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસ વીમેન ઑફ ધ યર, મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તીરંદાજ અદિતિ સ્વામી

રાઇફલ શૂટર દીપાલી દેશપાંડેએ 2004 માં ઍથેન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને 2024 પેરિસ ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર સ્વપ્નિલ કુસાલેને કોચિંગ આપ્યું.

તે યાદ કરે છે, "અમારા સમયમાં કૉર્પોરેટ્સ તરફથી બહુ ભંડોળ નહોતું મળતું. કેટલાક વ્યક્તિઓને ક્યારેક ટેકો મળતો હતો. પરંતુ સાધનો અને અન્ય સંસાધનોની કિંમત ખૂબ ઊંચી હતી. હવે આ સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે."

કૉમનવેલ્થ ગેમ્સ 2010 પછી ઑલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ, રિલાયન્સ ફાઉન્ડેશન, JSW સ્પૉર્ટ્સ, ગોસ્પૉર્ટ્સ વગેરે જેવા ઘણાં NGO અને ફાઉન્ડેશનો શરૂ થયાં. તેઓ યુવા રમત પ્રતિભાના વિકાસમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યાં છે.

બ્રાન્ડ્સ હવે નાની ઉંમરથી જ ખેલાડીઓ અથવા ટીમને સ્પોન્સર કરવા માટે તૈયાર હોય છે.

તુહિન મિશ્રા સમજાવે છે, "જ્યારે કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરે છે, ત્યારે તેના પ્રાયોજકોના પ્રયત્નોને પણ લોકો માન્યતા આપે છે. ખેલાડીની લોકપ્રિયતા બ્રાન્ડ મૂલ્યમાં વધારો કરે છે, જેનાથી બંનેને ફાયદો થાય છે. આના લીધે વધુ બ્રાન્ડ્સ રમતને ટેકો આપવા માટે આગળ આવ રહી છે."

પરંતુ મહિલાઓ ખેલાડીઓને આ નાણાંથી કેટલો ફાયદો થઈ રહ્યો છે?

તુહિન કહે છે, "તે હજુ પણ ઓછું છે પણ ચોક્કસપણે સુધારો થઈ રહ્યો છે."

"કૉર્પોરેટ દૃષ્ટિકોણથી મહિલાઓના પ્રદર્શનને જુઓ."

તેઓ ઉમેરે છે, "છેલ્લાં કેટલાંક ઑલિમ્પિકમાં આપણી મહિલા ખેલાડીઓએ નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું છે - પીવી સિંધુથી લઈને મીરાબાઈ ચાનુ, લવલીના અને મનુ ભાકર સુધી. તેથી ચોક્કસપણે તેમનું ધ્યાન મહિલા ખેલાડીઓ તરફ વધુ ખેંચાયું છે."

છેલ્લાં 24 વર્ષમાં ભારતે જીતેલા 26 ઑલિમ્પિક મેડલમાંથી 10 મહિલા ખેલાડીઓ દ્વારા જીતવામાં આવ્યા છે.

ગ્રુપએમ દ્વારા 'ઈન્ડિયા સ્પૉર્ટ્સ સ્પૉન્સરશિપ રિપોર્ટ' અનુસાર, વધુ મહિલાઓ રમતગમતમાં ભાગ લઈ રહી છે અને મહિલાઓ અંગેના જડ થયેલા વિચારોને તોડી રહી છે.

તે કહે છે કે, ' મહિલા-કેન્દ્રિત ક્લિનિક્સ અને ટુર્નામેન્ટ્સ જેવી પહેલનાં કારણે મહિલાઓ વધુને વધુ રમતગમત ક્ષેત્રે ભાગ લઇ રહી છે. '

બીબીસી ગુજરાતી, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસ વીમેન ઑફ ધ યર, મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાનિયા મિર્ઝા અને પીવી સિંધુ

રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે છેલ્લાં આઠ વર્ષમાં ભારતમાં રમતગમત ઉદ્યોગ ક્ષેત્રે થતો ખર્ચ 2016 માં $941 મિલિયનથી બમણો થઈને 2023 માં $1.9 બિલિયન થઈ ગયો છે.

જોકે, આ નાણાંનો લગભગ 87% હિસ્સો દેશની સૌથી મોટી રમત ક્રિકેટનો છે. અને તેનો પણ મોટાભાગનો હિસ્સો લોકપ્રિય ઇન્ડિયન પ્રીમિયર લીગનો છે.

એટલા માટે કેટલાક એવું પણ માને છે કે આપણે સ્પૉન્સરશિપથી આગળનું કંઇક વિચારવું જોઈએ.

ભૂતપૂર્વ ઑલિમ્પિયન અને ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ આદિલ સુમારીવાલા કહે છે, "સ્પૉન્સરશિપ ખૂબ જ અયોગ્ય શબ્દ છે, આપણને સાચા રોકાણની જરૂર છે"

તેમનો દલીલ છે કે મોટાભાગના ખાનગી ભંડોળ આપનારાઓ બદલામાં ફાયદાની અપેક્ષા રાખીને પૈસા આપી રહ્યા હોય છે.

તેઓ કહે છે, "કોચ, મૅનેજર, ડૉકટરો, રમતગમત વૈજ્ઞાનિકો, માલિશ કરનારાઓ, ફિઝિયો અને સ્વયંસેવકો - સંપૂર્ણ ઇકૉસિસ્ટમ બનાવવા અને તેનું પોષણ કરવા માટે ગ્રાસરૂટ લેવલ પર સ્પૉર્ટ્સ ફેડરેશનના સુધારણામાં નાણાં રોકવાની જરૂરિયાત પર ભાર મુકવો જોઈએ."

"તે લાંબા ગાળાના પ્રયત્નો હોવા જોઇએ. પાંચ કે 10 વર્ષ માટેના લાંબા, ફક્ત સ્પૉન્સરિંગ જ નહીં. જેમ કે ઓડિશા રાજ્યએ હૉકીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે."

આ નવા અભિગમો ગતિ પકડી રહ્યા છે.

ભારતના રમતગમત મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા નવા ડ્રાફ્ટ રાષ્ટ્રીય રમતગમત નીતિમાં "ઍડોપ્ટ એન ઍથ્લીટ", "ઍડોપ્ટ એન ડિસ્ટ્રિક્ટ સ્પૉર્ટ્સ પ્રોગ્રામ" અને "ઍડોપ્ટ એન ઍથ્લીટ" જેવી પહેલોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેથી ગ્રાસરૂટ લેવલ પર વધુ સંસાધનો એકઠાં થાય.

સૌરભ દુગ્ગલ સંમત થાય છે અને કહે છે, "એક કહેવત છે – ભાખોડીયા ભરવા, ચાલવું અને દોડવું. હજુ આપણે આપણે ફક્ત ચાલવાનું શરૂ કર્યું છે અને દોડવા માટે હજુ વધુ પ્રયત્નોની જરૂર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.