ICC Women's T20 World Cup : હરમનપ્રીત કૌરે એવી જોરદાર સિક્સર ફટકારી કે ડોપ ટેસ્ટનું તેડું આવી ગયું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વંદના
- પદ, ટીવી એડિટર (ભારતીય ભાષાઓ), બીબીસી
રવિવારે મેલબોર્ન ખાતે સુકાની હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ આઇસીસી મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા માટે ઉતરશે.
આ વાત 2009ની છે. મહિલા વર્લ્ડ કપમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ ચાલી રહી હતી.
એ વખતે નવાં ખેલાડી હરમનપ્રીત કૌરે આઠમા નંબરે બેટિંગ કરવા ઉતરવાનું હતું, પણ કૅપ્ટન અંજુમ ચોપડાએ અચાનક તેમને પહેલાં બેટિંગ માટે મોકલવાનો નિર્ણય કર્યો.
હરમને આઠ બૉલમાં 19 રન ફટકાર્યાં હતાં. તેમાં એક સિક્સર પણ સામેલ હતી. એ સિક્સર એટલી જોરદાર હતી કે મેચ પછી હરમનને ડોપ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યાં હતાં.
અધિકારીઓએ એ વાતનું આશ્ચર્ય હતું કે 'કોઈ નવી મહિલા ખેલાડી આટલો જોરદાર શૉટ કઈ રીતે લગાવી શકે!'
એ જ હરમનપ્રીત કૌર આજે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનાં કૅપ્ટન છે અને મેદાન પર ચોગ્ગા-છગ્ગા ફટકારવા એ તેમની ઓળખ બની ગઈ છે.
હરમનપ્રીત કૌર ટી-20 ફૉર્મૅટમાં 100 મૅચ રમ્યાં હોય તેવાં ભારતનાં પહેલાં મહિલા ક્રિકેટર છે.
હરમનપ્રીતનું સપનું, 21 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી મહિલા ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ જીતવાનું છે. તેમાં ભારતની ટક્કર યજમાન ઑસ્ટ્રેલિયા સામે થવાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબના મોગામાં 1989ની 8 માર્ચે જન્મેલાં હરમનપ્રીતને બાળપણથી ક્રિકેટ રમવાનો શોખ હતો.
હરમનના પિતા હરમિંદર ભુલ્લર પણ ક્રિકેટ રમતા હતા અને હરમન તેમના પિતાને ચોગ્ગા-છગ્ગા ફટકારતા નિહાળતાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
હરમનને બાઉન્ડરી ફટકારવાનો ચસ્કો પિતાની બેટિંગ જોઈને જ લાગ્યો હતો.
મોગામાં એ સમયે રમતના મેદાન પર બહુ ઓછી છોકરીઓ જોવા મળતી, પણ હરમનપ્રીત છોકરાઓ સાથે જ ક્રિકેટ રમતાં.
નજીકની સ્કૂલના એક કોચ કમલદીપસિંહ સોઢીએ મોગામાં હરમનને છોકરાઓ સાથે ક્રિકેટ રમતાં અને બોલરોને ધોલાઈ કરતાં જોયાં એટલે તેઓ દસમાં ધોરણ પછી હરમનને પોતાની સ્કૂલમાં લાવ્યાં.
એ પછી હરમનની કોચિંગ અને ક્રિકેટની નવી સફરની શરૂઆત થઈ હતી.
નાના ગામમાં છોકરી ક્રિકેટ રમે એ સગા-સંબંધીઓને જરાય પસંદ ન હતું, પણ બીબીસી સાથેના એક વર્ષ પહેલાના ઇન્ટરવ્યૂમાં હરમન કૌરનાં પિતાએ જણાવ્યું હતું કે 'હરમનપ્રીતની સિદ્ધિઓએ લોકોનાં મોં પર તાળાં મારી દીધાં હતાં.'

પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ અને રેલવે માટે રમ્યા બાદ 19 વર્ષની વયે 2009માં હરમનપ્રીતે પાકિસ્તાન સામેની વન-ડે મૅચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી મારી.
આજે હરમનપ્રીતને લોકો તેની તોફાની બેટિંગ માટે ભલે જાણતા હોય, એ સમયે દુબળાં-પાતળાં હરમનપ્રીતને મીડિયમ પેસ બોલર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
મુંબઈમાં વેસ્ટર્ન રેલવે માટે ફરજ બજાવતી વખતે હરમનપ્રીતે તેમની બેટિંગ અને ફિટનેસ સુધારવા આકરી મહેનત કરી હતી. તેઓ જાણી ગયાં હતાં કે ભારતીય ટીમમાં સ્થાન પાક્કું કરવું હોય તો કંઈક ખાસ કરવું જરૂરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેઓ, તેમના પ્રિય ક્રિકેટર વીરેન્દર સહેવાગની માફક ઝડપથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કરોડરજ્જૂ બની ગયાં હતાં.
જોતજોતામાં 2016માં હરમનને ટી-20 ટીમનાં કૅપ્ટનપદની જવાબદારી સોંપવામાં આવી હતી.
કૅપ્ટન તરીકે હરમનપ્રીતની ખૂબી એ છે કે તેઓ જોખમ લેતાં ડરતાં નથી, પછી ભલે નવાં ખેલાડીઓને તક આપવાની હોય કે પોતાની બેટિંગ હોય.
તમને 2017ના વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચ યાદ હશે. તેમાં ભારતનો મુકાબલો ઑસ્ટ્રેલિયાની મજબૂત ટીમ સામે હતો.
હરમનપ્રીત 115 બૉલમાં 171 રન ફટકારીને અણનમ રહ્યાં હતાં.
એ 171 રનમાં સાત છગ્ગા અને 20 ચોગ્ગાનો સમાવેશ થતો હતો.
લોકોએ હરમનપ્રીતની સરખામણી કપિલ દેવની વિશ્વ કપની યાદગાર ઇનિંગ સાથે કરી હતી અને હરમનપ્રીત રાતોરાત સ્ટાર બની ગયાં હતાં.
એ સમયે હરમનપ્રીત ઘાયલ હતાં. તેમની આંગળી, કાંડા અને ખભામાં જોરદાર પીડા થતી હતી ત્યારે તેઓ આવી જોરદાર ઈનિંગ રમ્યાં હતાં.
ક્રિકેટ સિવાય હરમનપ્રીતે જે કર્યું છે એ બહુ ઓછાં મહિલા ક્રિકેટ ખેલાડીઓ કરી શક્યાં છે. અનેક મોટી બ્રાન્ડ્ઝે હરમનપ્રીતને પોતાનાં બ્રાન્ડ ઍમ્બેસૅડર બનાવ્યાં છે.
હંમેશા પુરુષ ખેલાડીને બ્રાન્ડ ઍમ્બેસૅડર બનાવતી સીએટ કંપનીએ 2018માં પહેલીવાર કોઈ મહિલા ક્રિકેટરને પોતાનો ચહેરો બનાવ્યાં હતાં.

રૅકર્ડ સર્જવાની આદત

ઇમેજ સ્રોત, Getty Images
રૅકર્ડ સર્જવાની તો હરમનપ્રીતને આદત પડી ગઈ છે. 2018માં આઈસીસીએ હરમનપ્રીતને ટી-20 ટીમના કૅપ્ટન તરીકે પસંદ કર્યાં હતાં.
પુરુષ હોય કે મહિલા, હરમનપ્રીત એવાં પહેલાં ક્રિકેટ ખેલાડી છે જેમને ઑસ્ટ્રેલિયામાં બિગ બૅશ લીગ માટે કરારબદ્ધ કરવામાં આવ્યાં હોય.
2017માં ઇંગ્લૅન્ડમાં સુપર લીગ માટે પસંદગી પામેલાં પહેલાં ભારતીય પણ હરમનપ્રીત જ છે.
2018ના ટી-20 વર્લ્ડ કપમાં હરમનપ્રીતે ન્યૂઝીલૅન્ડ સામે સદી ફટકારી હતી, જે ટી-20 મૅચમાં કોઈ ભારતીય મહિલા ખેલાડીએ ફટકારેલી પહેલી સદી હતી.

વિવાદોના કેન્દ્રમાં હરમનપ્રીત

ઇમેજ સ્રોત, Getty Images
મિતાલી રાજ સાથેનો અણબનાવ હોય કે પછી બનાવટી ડિગ્રીના આરોપસર તેમને પંજાબ પોલીસમાં ડીએસપીના પદેથી હઠાવવામાં આવ્યાં હોય, હરમનપ્રીત કૌર કેટલાક વિવાદોના કેન્દ્રમાં પણ રહ્યાં છે.
જોકે, હરમનપ્રીત તમામ આરોપોનો ઇનકાર કરતાં રહ્યાં છે.
અલબત થોડાક મહિનાઓથી ટી-20માં હરમનપ્રીતનું ફૉર્મ ચિંતાનું કારણ જરૂર બની રહ્યું છે.
2018માં તેમણે ટી-20 મેચોમાં 103 રન નોંધાવ્યાં હતાં, પરંતુ એ પછી હરમનપ્રીત કશું નોંધપાત્ર કરી શક્યાં ન હતાં.
હા, ગયા મહિને ઇંગ્લૅન્ડ સામેની ટી-20 મૅચમાં 42 રનની ઇનિંગ્ઝ રમીને તેમણે ભારતને જીતાડ્યું હતું.

બૉલરોની ઊંઘ ઉડાડનાર હરમનપ્રીતને ઊંઘ બહુ વહાલી

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટ સિવાય હરમનપ્રીતને મોટરકારો, મોબાઇલ અને પ્લે સ્ટેશનનો બહુ શોખ છે.
તેમનાં બહેન હેમજીતે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "તેને મોબાઇલ અને પ્લે સ્ટેશનનો બહુ શોખ છે. કોઈ પણ નવો મોબાઇલ લૉન્ચ થાય ત્યારે હરમનપ્રીતની ઈચ્છા હોય છે કે એ મૉડેલ તેમની પાસે હોવું જોઈએ."
"હરમનપ્રીત ઘરે આવે છે ત્યારે રાતે બે વાગ્યા સુધી ક્રિકેટની વાતો કરતાં હોય છે. ઘણીવાર તેમની વાતો સાંભળીને અમે બોર થઈ જઈએ છીએ."
બૉલરોની ઉંઘ ઉડાડી દેતાં હરમનપ્રીતને ઊંઘવું બહુ જ ગમે છે.
ફોર્બ્સ સામયિકને આપેલા ઇન્ટરવ્યૂમાં હરમને કહ્યું હતું, "હા, હું ગમે ત્યાં ઊંઘી શકું છું. ગેમ બોરિંગ હોય તો પણ મને ઊંઘ આવે છે."
8મી માર્ચે હરમનપ્રીતનો 31મો જન્મદિવસ છે અને તેમની તમન્ના એ દિવસે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ટ્રૉફી ભારત લાવવાની છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













