થાઇરૉઇડથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થાય? શું બાળકોમાં પણ તકલીફ થાય?

થાઇરૉઇડની બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. શિલ્પા ચિટણીસ જોશી
    • પદ, સ્ત્રીરોગ નિષ્ણાત, બીબીસી માટે

23-24 વર્ષની સ્માર્ટ એન્જિનિયર યુવતી સારા પગારવાળી નોકરી કરતી હતી અને એક દિવસે એ યુવતીને લઈને તેમનાં માતા મારી પાસે આવ્યાં હતાં. મેં પૂછ્યું કે શું તકલીફ છે તો તેનાં માતા રડવા લાગ્યાં.

“અમે દીકરીનાં લગ્ન નક્કી કર્યાં છે, માગું સારી જગ્યાએથી આવ્યું છે, પરંતુ થોડા સમયથી આને માસિક બરાબર આવતું નથી, તપાસ કરાવી તો ખબર પડી કે તેને થાઇરૉઇડ છે. હવે શું કરીએ અને કેવી રીતે તેમને કહીએ? મારી દીકરીની જિંદગીનું શું થશે?” માતાએ રડતાં-રડતાં આ વાત કહી.

આટલી વાત કહીને તેઓ પાછા રડવા લાગ્યાં.

હું ચોંકી ગઈ હતી.

મેં કહ્યું કે “થાઇરૉઇડ કોઈ મોટી બીમારી નથી. માત્ર હૉર્મોન્સની સમસ્યા છે. હું એક ગોળી લખી આપું છું તે નિયમિત લેશે તો કોઈ સમસ્યા નહીં થાય. ગર્ભાવસ્થામાં કે ડિલિવરીમાં પણ કોઈ તકલીફ નહીં આવે. મેં તેમનાં માતાને સમજાવ્યું કે ડિલિવરીમાં કોઈ સમસ્યા આવશે નહીં.”

ત્યારબાદ મેં યુવતીનાં ભાવિ પતિને બોલાવીને આ અંગે વાત કરી, તેઓ આખી વાત સારી રીતે સમજી ગયા, તેઓ સમજદાર હતા. તેમણે તેમનાં ભાવિ પત્ની અને સાસુને પણ આ અંગે સમજાવ્યાં.

એ વાતને ત્રણ વર્ષ વીતી ચૂક્યાં છે અને હવે એ યુવતીને એક બાળક પણ છે અને તેમનો પરિવાર ખુશીથી રહે છે.

આ કહાણી એટલા માટે કહું છું કારણ કે ઘણા લોકો થાઇરૉઇડને એક મોટી બીમારી માને છે અને તેનાથી ડરે છે, તેને રાક્ષસ સમજે છે. જોકે તે એક ગોળીથી સાજી થનારી બીમારી છે.

બીબીસી ગુજરાતી

બેદરકારી ન રાખવી

થાઇરૉઇડની બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક લોકો થાઇરૉઇડની સમસ્યાને ખૂબ હળવાશથી લે છે.

પાંચેક વર્ષ પહેલાં એક 28 વર્ષનાં યુવતી મારી પાસે આવ્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે, તેમને પિરિયડ્સ સમયસર આવતાં નથી, ત્યારબાદ તેમના રિપોર્ટ્સ કરાવ્યા, તેના પરથી ખબર પડી કે તેમને થાઇરૉઇડ છે.

મેં એ યુવતીને દવા આપી અને બે-ત્રણ મહિના પછી ફરી રિપોર્ટ્સ કરાવવા કહ્યું, પરંતુ ત્યારબાદ એ યુવતીને મેં ફરી વાર જોઈ નથી.

તાજેતરમાં જ તે ફરી આવી હતી, હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેમનું વજન અંદાજે 15 કિલો વધી ગયું હતું. પિરિયડની સ્થિતિ કથળી ગઈ હતી. થોડા મહિના પહેલાં તેમનો ગર્ભપાત થયો હતો. ગર્ભધારણમાં સમસ્યા થવાના કારણે તેઓ મારી પાસે આવ્યાં હતાં.

તેમણે લગ્ન બાદ થાઇરૉઇડની દવા લેવાનું બંધ કરી દીધું હતું. તેમના એક સંબંધીએ તેમને કહ્યું હતું કે જો તેઓ થાઇરૉઇડની દવા રોજ લેશે, તો તેમને જીવનભર તેનો ઉપયોગ કરવો પડશે.

આ પ્રકારે ડૉક્ટરની સલાહ લીધા વિના જાતે નિર્ણય લેવો અથવા સંબંધીઓની સલાહ માનીને દવા બંધ કરવી યોગ્ય નથી.

બીબીસી ગુજરાતી

10માંથી એક વ્યક્તિને થાઇરૉઇડની સમસ્યા

ભારતમાં 10માંથી એક વ્યક્તિ થાઇરૉઇડની બીમારીથી પીડાઇ છે

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં 10માંથી એક વ્યક્તિને થાઇરૉઇડની સમસ્યા છે. 2021ના આંકડા અનુસાર ભારતમાં થાઇરૉઇડનાં 4.2 કરોડ દરદી છે.

પ્રસૂતિ બાદ પહેલાં ત્રણ મહિનામાં 44.3 ટકા મહિલાઓમાં થાઇરૉઇડની સમસ્યા થવાની સંભાવના રહે છે.

આજે 30 વર્ષની ઉંમરમાં ઘણી યુવતીઓમાં થાઇરૉઇડની સમસ્યા થાય છે. અનિયમિત પિરિયડ્સ થાઇરૉઇડની સમસ્યાનાં પ્રમુખ લક્ષણોમાંથી એક છે.

જો મને નિયમિત માસિક ન આવતું હોય તો શું હું ગર્ભવતી થઈ શકું? ઘણી યુવતીઓને આ પ્રશ્ન થાય છે. પરંતુ ડૉક્ટરની સલાહ લઈને અને દવાનો ઉપયોગ કરીને જ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે અને તમે ગર્ભવતી થઈ શકો છો.

બીબીસી ગુજરાતી

થાઇરૉઇડ શું છે?

થાઇરૉઇડની બીમારી શું છે

ઇમેજ સ્રોત, Getty Images

થાઇરૉઇડ ગળા પાસે એક પતંગિયા આકારની ગ્રંથિ હોય છે. મસ્તિષ્ક, હૃદય અને માંસપેશીઓના કાર્ય માટે થાઇરૉઇડ ગ્રંથિના હૉર્મોન ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

તેમાંથી નીકળનારાં હૉર્મોન T3 અને T4 શરીરનું તાપમાન અને હૃદયની ગતિને નિયંત્રિત કરવા માટે ઉપયોગી હોય છે.

હાઇપોથાઇરાઇડિઝ્મ એક એવી બીમારી છે, જેમાં થાઇરૉઇડની ગ્રંથિ શરીરમાં ચયાપચય માટે આવશ્યક હૉર્મોન રિલીઝ કરતી નથી. જો હૉર્મોનનો આવશ્યકતાથી વધારે સ્રાવ થાય તો તેને હાઇપરથાઇરાઇડિઝ્મ કહેવામાં આવે છે.

જે લોકો ખૂબ કૅફિનનું સેવન કરે છે, તેમનામાં હાઇપોથાઇરાઇડિઝ્મનાં લક્ષણ જોવા મળી શકે છે.

તે થાઇરૉઇડ હૉર્મોનની ઉણપના કારણે થતી બીમારી છે.

બીબીસી ગુજરાતી

ગર્ભાવસ્થા વખતે શું કરવું જોઈએ?

ગર્ભધારણ સમયે શું ધ્યાન રાખવું જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images

ગર્ભાવસ્થા સમયે થાઇરૉઇડની બીમારી ધરાવતા લોકોએ ખૂબ સાવચેત રહેવું જોઈએ, ગર્ભધાન પછી પણ ગર્ભપાતની સંભાવના રહે છે. અન્ય આરોગ્યસંબંધી બીમારીઓ પણ થઈ શકે છે. તેથી તમારે સમયસર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

થાઇરૉઇડના હૉર્મોનની ઉણપના કારણે માતાના ગર્ભમાં રહેલા બાળકના મગજ પર તેની અસર થાય છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન બાળકના વિકાસ માટે થાઇરૉઇડની દવા થોડા સમય માટે લેવી જોઈએ, ડિલિવરી બાદ તમે દવાઓ બંધ કરી શકો છો.

જન્મ સમયે બાળકનો થાઇરૉઇડ ટેસ્ટ પણ કરાવવો જોઈએ. કારણકે ઘણી વાર જન્મ સમયે પણ બીમારી થાય છે. જો આ બીમારીની યોગ્ય સમયે જાણ ન થાય તો બાળકના માનસિક અને શારીરિક વિકાસ પર ઘણો પ્રભાવ પડી શકે છે.

બીબીસી ગુજરાતી

અન્ય સાવચેતી રાખો:

  • જો માતાને થાઇરૉઇડની બીમારી હોય તો તેમની દીકરીઓનો ટેસ્ટ પણ કરાવવો જોઈએ.
  • થાઇરૉઇડની બીમારીના કારણે વજન વધવું, વાળ ખરવા, ત્વચા શુષ્ક થવા જેવી સમસ્યા થાય છે. થાઇરૉઇડની દવાના નિયમિત સેવન અને વ્યાયામથી વજન નિયંત્રણમાં રાખી શકાય છે.
  • આયોડિનની ઉણપ હોવાના કારણે પણ થાઇરૉઇડની બીમારી થાય છે. તેથી આયોડિનયુક્ત મીઠાનું સેવન કરવું ખૂબ જરૂરી છે.
  • એવું મનાય છે કે વ્યાયામથી થાઇરૉઇડની બીમારી સંપૂર્ણ ખતમ થઈ થાય છે, જોકે તે હકીકત નથી. વજન ઘટાડવાથી થાઇરૉઇડની દવાના ડોઝ ઓછા થઈ શકે છે, પરંતુ બીમારી ખતમ થતી નથી. કસરત જરૂરી છે, પરંતુ ક્રૅઝી નેક ઍક્સર્સાઇઝ ન કરો. તેનાથી ગળામાં દુખાવો થઈ શકે છે.
  • જીવનશૈલીમાં ફેરફાર કરીને થાઇરૉઇડની બીમારી ઘટાડી શકાય છે.
  • ડૉક્ટરની સલાહ વિના થાઇરૉઇડની દવા લેવાનું બંધ ન કરવું જોઈએ.
  • ઘણા લોકો ટેસ્ટ કરાવ્યા વિના લાંબા સમય સુધી એક જ દવાનો ઉપયોગ કરતા હોય છે. એ પણ ખોટું છે.
  • થાઇરૉઇડની તપાસ દર છ અઠવાડિયે કરાવવી જોઈએ. તેના આધારે ડૉક્ટર દવાઓમાં ઘટાડો કે વધારો કરે છે.
  • સવારે સૌથી પહેલાં થાઇરૉઇડની દવા લેવી જોઈએ. દવા લીધા પછી લગભગ અડધા કલાક સુધી કંઈ પણ ખાવુંપીવું ન જોઈએ.

(નોંધ- લેખક એક ડૉક્ટર છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. ડૉક્ટરની સાલહ લઈને જ કોઈ પણ નિર્ણય લેવો જોઈએ.)

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી