એવા લોકો જેમને આ દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી, આ કોણ છે અને ક્યાંથી આવ્યા હશે?

ઇમેજ સ્રોત, Fenamad
- લેેખક, સ્ટેફની હેગાર્ટી
- પદ, વૈશ્વિક વસ્તી સંવાદદાતા
ટૉમાસ એનેજ ડૉસ સૅન્ટોસ પેરુમાં એમેઝોનના જંગલમાં એક નાની એવી ખુલ્લી જગ્યામાં કામ કરતા હતા, એવામાં તેમણે કોઈનાં પગલાંનો અવાજ સાંભળ્યો.
તેમને અહેસાસ થયો કે તેઓ ચારેબાજુથી ઘેરાઈ ગયા છે અને તેઓ સ્તબ્ધ થઈ ગયા.
ટૉમાસ જણાવે છે, "એક વ્યક્તિ તીરથી નિશાન તાકીને ઊભી હતી. તેણે મને કોઈક રીતે જોઈ લીધો હતો કે હું અહીં છું. પછી હું ભાગવા લાગ્યો."
ટૉમાસ એ સમયે માશ્કો પિરો જનજાતિની સામે આવી ગયા હતા.
ટૉમાસ ન્યૂઍવા ઓસેનિયા નામના નાનકડા ગામમાં રહે છે. તેઓ દાયકાઓથી આ વિચરતી જનજાતિઓના પાડોશી રહ્યા છે, જે બહારના લોકો સાથેના સંપર્કમાં આવવાથી બચતા રહે છે. જોકે, તાજેતર સુધીના સમયમાં ટૉમાસે કદાચ જ પહેલાં ક્યારેક જ આ લોકોને જોયા હતા.
માશ્કો પિરોએ છેલ્લાં સો વર્ષથી દુનિયા સાથેનો સંપર્ક કાપીને રહેવાનું પસંદ કર્યું છે. તેઓ લાંબા ધનુષ્ય અને તીરકામઠાથી શિકાર કરે છે અને પોતાની દરેક જરૂરિયાતો માટે એમેઝોન વર્ષા વનો (રેઇન ફૉરેસ્ટ) પર નિર્ભર રહે છે.
ટૉમાસ યાદ કરતાં કહે છે, "તેમણે ચક્કર મારવાનું અને સીટી વગાડવાનું શરૂ કરી દીધું, પ્રાણીઓ અને જુદાં જુદાં પક્ષીઓના અવાજો કાઢવા લાગ્યા."
"હું કહેતો રહ્યો 'નોમોલે' (ભાઈ). પછી તેઓ એકઠા થઈ ગયા. તેમને લાગ્યું કે અમે નજીક છીએ, એટલે અમે નદી બાજુ આગળ વધ્યા અને દોડવા લાગ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનવ અધિકાર સંગઠન 'સર્વાઇવલ ઇન્ટરનૅશનલ'ના એક નવા રિપોર્ટ અનુસાર, દુનિયામાં ઓછામાં ઓછા 196 એવા સમૂહ બચ્યા છે, જેમને 'અનકૉન્ટેક્ટેડ ગ્રૂપ' કહેવામાં આવે છે, એટલે કે બહારની દુનિયા સાથે તેમનો સંપર્ક નથી.
એવું મનાય છે કે માશ્કો પિરો એમાંનો એક મોટો સમૂહ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો સરકારો તેમને બચાવવા માટે કોઈ પગલાં નહીં ભરે, તો આગામી દાયકામાં તેમાંથી અડધા સમૂહ સમાપ્ત થઈ શકે છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે લાકડાં કાપવાં, માઇનિંગ અને તેલની શોધ માટે ખોદકામ કરવાના લીધે આ જનજાતિઓ માટે સૌથી મોટું જોખમ ઊભું થયું છે.
સંપર્કવિહોણી જનજાતિઓ સામાન્ય બીમારીઓ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. તેથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્તી મિશનરીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા સંપર્ક કરવો પણ તેમના માટે એક મોટું જોખમ બની શકે છે.
'તેઓ જીવે છે, એ રીતે જ જીવવા દો'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્થાનિક લોકો અનુસાર, અત્યારના સમયમાં માશ્કો પિરોના લોકો ન્યૂઍવા ઓસેનિયા ગામમાં પહેલાં કરતાં ઘણા વધારે આવવા લાગ્યા છે.
તે માછીમાર સમુદાયના સાત-આઠ પરિવારોનું ગામ છે. તે પેરુના એમેઝોનના મધ્યમાં તાઉહામાનુ નદીના કિનારે ઊંચાઈએ આવેલું છે અને અહીંથી સૌથી નજીકની વસાહત પણ હોડી દ્વારા 10 કલાકના અંતરે છે.
આ ક્ષેત્રને અનકૉન્ટેક્ટેડ ટ્રાઇબ્સ માટે રિઝર્વ વિસ્તાર તરીકે માન્યતા આપવામાં નથી આવી અને અહીં લાકડાં કાપનારી કંપનીઓ કામ કરે છે.
ટૉમાસ કહે છે કે ઘણી વખત લાકડાં કાપતાં મશીનોના અવાજ રાત-દિવસ સંભળાતા રહે છે અને માશ્કો પિરોના લોકો પોતાના જંગલને કપાતું જોઈ રહે છે.
ન્યૂઍવા ઓસેનિયાના લોકો કહે છે કે તેઓ અસમંજસમાં છે. તેઓ માશ્કો પિરો જનજાતિનાં તીરોથી ડરે છે, પરંતુ તેઓ જંગલમાં રહેતા પોતાના 'ભાઈઓ' માટે ખૂબ સન્માન પણ ધરાવે છે અને તેમનું રક્ષણ કરવા માગે છે.
ટૉમાસ કહે છે, "તેઓ જે રીતે જીવે છે, એ રીતે જ તેમને જીવવા દો, આપણે તેમની સંસ્કૃતિ ન બદલી શકીએ. તેથી અમે તેમનાથી અંતર જાળવીને રહીએ છીએ."
ન્યૂઍવા ઓસેનિયાના લોકો માશ્કો પિરોની આજીવિકાને થતું નુકસાન, હિંસાનું જોખમ અને એ આશંકાથી ચિંતિત છે કે લાકડાં કાપનારા લોકો તેમને એવી બીમારીઓના સંપર્કમાં લાવી શકે છે, જેની સામે લડવાની તેમના શરીરમાં કોઈ રોગપ્રતિકારક શક્તિ નથી.
જ્યારે અમે ગામમાં હતા, માશ્કો પિરોએ ફરી એક વખત એ વિસ્તારમાં પોતાની હાજરી નોંધાવી. અહીં પોતાની બે વર્ષની પુત્રીની સાથે રહેતાં એક યુવા માતા લેટેશિયા રોડ્રિગેજ લોપેજ જંગલમાં ફળ વીણતાં હતાં ત્યારે તેમણે માશ્કો પિરોના અવાજ સાંભળ્યા હતા.
તેમણે જણાવ્યું, "અમે બૂમોના અવાજ સાંભળ્યા, લોકોની ચીસો. ઘણા બધા લોકોની ચીસો. એવું લાગતું હતું, જાણે આખો સમૂહ બૂમો પાડી રહ્યો હોય."
આ પહેલો પ્રસંગ હતો જ્યારે તેમણે માશ્કો પિરોને જોયા અને તેઓ ભાગી ગયા. એક કલાક પછી પણ ભયના લીધે તેમના માથામાં અસહ્ય દુખાવો થતો હતો.
લોટેશિયા કહે છે, "કેમ કે અહીં લાકડાં કાપનારા અને કંપનીઓ પણ જંગલને કાપી રહ્યાં છે, કદાચ એટલે જ તેઓ (માશ્કો પિરો) ડરના લીધે ભાગી રહ્યા છે અને અમારી નજીક આવી જાય છે."
"અમને ખબર નથી કે તેઓ અમને જોઈને કઈ રીતે વર્તશે. આ વાત જ મને ડરાવે છે."
બહારના સંપર્કથી જનજાતિને જોખમ

ઇમેજ સ્રોત, Fenamad
2022માં લાકડાં કાપનારા બે લોકો પર માશ્કો પિરોએ એવા સમયે હુમલો કર્યો હતો જ્યારે તેઓ માછલી પકડતા હતા.
એક વ્યક્તિના પેટમાં તીર વાગ્યું – તે બચી ગઈ, પરંતુ બીજી વ્યક્તિ થોડા દિવસ પછી મૃત મળી આવી. તેમના શરીરમાં તીરના 9 ઘા હતા.
પેરુ સરકારની નીતિ છે કે સંપર્કવિહોણા રહેતા સ્થાનિક લોકો સાથે કશો સંપર્ક કરવામાં ન આવે – તેમની સાથે વાતચીત શરૂ કરવી ગેરકાયદેસર છે.
આ નીતિ બ્રાઝિલમાં શરૂ થઈ હતી, જ્યાં દાયકાઓ સુધી સ્વદેશી અધિકાર સમૂહોએ અભિયાન ચલાવ્યું હતું. તેમણે જોયું હતું કે પહેલી વાર સંપર્કમાં આવતાં જ બીમારીઓ, ગરીબી અને કુપોષણના કારણે જનજાતિનો એક આખો સમુદાય ખતમ થઈ ગયો.
1980ના દાયકામાં જ્યારે પેરુના નાહુઆ લોકો પહેલી વાર બહારની દુનિયાના સંપર્કમાં આવ્યા, તો થોડાંક જ વર્ષોમાં તેમની 50 ટકા વસ્તી ખતમ થઈ ગઈ.
1990ના દાયકામાં મુરુહાનુઓ લોકોની પણ આ જ હાલત થઈ હતી.
પેરુના સ્વદેશી અધિકાર સંગઠન 'ફેમનાડ'ના ઇઝરાઈલ અક્વિસે કહે છે, "બહારના સંપર્ક વગર રહેતા આ લોકો ઘણા સંવેદનશીલ હોય છે."
તેઓ કહે છે, "મહામારીની દૃષ્ટિએ જોઈએ તો કોઈ પણ સંપર્ક તેમનામાં બીમારીઓ ફેલાવી શકે છે. એટલે સુધી કે ખૂબ સામાન્ય કહેવાય તેવો સંપર્ક પણ આવા લોકોને ખતમ કરી શકે છે."
"સાંસ્કૃતિક રીતે પણ, કોઈ પણ પ્રકારનો સંપર્ક કે હસ્તક્ષેપ તેમના સંપૂર્ણ સામાજિક જીવન અને સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક બની શકે છે."
'સરકારે ખરાબ પરિસ્થિતિમાં છોડી દીધા'

બહારના લોકોના સંપર્કથી દૂર રહેતી જનજાતિઓના પડોશીઓ માટે 'સંપર્ક વગર રહેવું' મુશ્કેલ બની શકે છે.
ટૉમાસ અમને જંગલની એ ખુલ્લી જગ્યાએ લઈ જાય છે, જ્યાં તેમણે માશ્કો પિરોને જોયા હતા. તેઓ રોકાય છે, બૂમ પાડે છે, પછી ચૂપચાપ રાહ જુએ છે.
તેઓ કહે છે, "જો તેઓ જવાબ આપે, તો આપણે પાછા જતા રહીએ. આપણે ખાલી જીવજંતુઓ અને પક્ષીઓના અવાજ સાંભળી શકીએ છીએ. તેઓ અહીં નથી."
ટૉમાસને લાગે છે કે સરકારે ન્યૂઍવા ઓસેનિયાના નિવાસીઓને આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે એકલા છોડી દીધા છે.
તેઓ પોતાના બગીચામાં માશ્કો પિરો માટે ખાવાની વસ્તુઓ ઉગાડે છે. આ એક સુરક્ષા ઉપાય છે, જે તેમણે અને અન્ય ગ્રામીણોએ પોતાના પડોશીઓની મદદ અને પોતાની સુરક્ષા માટે અપનાવ્યો છે.
તેઓ કહે છે, "જો હું તેમની ભાષા જાણતો હોત અને કહી શકતો હોત કે, 'લો આ કેળાં છે, આ એક ભેટ છે. તમે સહેજે ખચકાટ વગર આને લઈ શકો છો, પરંતુ મહેરબાની કરીને મને મારો નહીં'."
'તેઓ બૂમ પાડે છે, કેળાં કે શેરડી માગે છે'

ઇમેજ સ્રોત, Fenamad
આ ગાઢ જંગલની બીજી બાજુ લગભગ 200 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિતિ બિલકુલ જુદી છે. ત્યાં, માનુ નદીના કિનારે, માશ્કો પિરો લોકો એક એવા ક્ષેત્રમાં રહે છે જેને સત્તાવાર રીતે ફૉરેસ્ટ રિઝર્વ એરિયા તરીકે માન્યતા આપવામાં આવી છે.
પેરુનાં સંસ્કૃતિ મંત્રાલય અને ફેમનાડે અહીં 'નામોલ કન્ટ્રોલ પોસ્ટ' બનાવી છે, જ્યાં આઠ એજન્ટ ફરજ બજાવે છે.
2013માં જ્યારે માશ્કો પિરો અને સ્થાનિક ગામલોકો વચ્ચે સંઘર્ષ થયો અને તેમાં ઘણા લોકોનાં મૃત્યુ થયાં ત્યારે આ પોસ્ટ સ્થાપવામાં આવી હતી.
આવો બનાવ ફરી ન બને તેની જવાબદારી આ કન્ટ્રોલ પોસ્ટના પ્રમુખ ઍન્ટોનિયો ત્રિગોસો હિડાલ્ગોની છે.
માશ્કો પિરો અહીં નિયમિત રીતે જોવા મળે છે – ક્યારેક તો એક જ અઠવાડિયામાં ઘણી વાર.
તેઓ ન્યૂઍવા ઓસેનિયાની નજીક રહેતા લોકો કરતાં જુદો સમૂહ છે અને એજન્ટોને નથી લાગતું કે તેઓ એકબીજાને ઓળખે છે.
માનુ નદીની પેલે પાર નાના કાંકરાવાળા તટ તરફ ઇશારો કરતાં ઍન્ટોનિયો કહે છે, "તેઓ હંમેશાં એક જ જગ્યાએથી બહાર આવે છે. ત્યાંથી જ તેઓ બૂમ પાડે છે. તેઓ કેળાં, કસાવા [કંદમૂળ] કે શેરડી માગે છે. જો અમે જવાબ ન આપીએ, તો તેઓ આખો દિવસ ત્યાં જ બેસી રહી છે."
એજન્ટ એવો પ્રયાસ કરે છે કે એવી પરિસ્થિતિ ઊભી ન થાય, જેથી પર્યટકો કે સ્થાનિક હોડીઓને ત્યાંથી પસાર થવામાં કશી મુશ્કેલી પડે, તેથી, સામાન્ય રીતે તેઓ જનજાતિઓની માગણી પૂરી કરી દે છે.
જાનવરોનાં નામ પરથી પોતાનાં નામ પાડે છે

આ કન્ટ્રોલ પોસ્ટમાં એક નાનો-શો બગીચો છે, જ્યાં એજન્ટ ખાવાનું ઉગાડે છે. જ્યારે તે સમાપ્ત થઈ જાય છે ત્યારે તેઓ નજીકના ગામમાંથી સામાન મગાવે છે.
જો તે પણ ન મળે તો, એજન્ટ માશ્કો પિરોને કહે છે કે થોડા દિવસ પછી પાછા આવે.
અત્યાર સુધી આ પદ્ધતિ કામ કરતી રહી છે અને તાજેતરમાં કોઈ મોટો સંઘર્ષ નથી થયો.
ઍન્ટોનિયો નિયમિત રીતે લગભગ 40 લોકો પર નજર રાખે છે, જેમાં અલગ-અલગ પરિવારોનાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
તેઓ પોતાનાં નામ જાનવરોનાં નામ પરથી પાડે છે.
આ સમૂહના મુખીનું નામ કામોટોલો (મધમાખી) છે. એજન્ટોનું કહેવું છે કે તે કડક સ્વભાવના માણસ છે અને ક્યારેય હસતા નથી.
અન્ય એક નેતાનું નામ ટકટકો (ગીધ) છે. તેઓ મજાકિયા છે, ખૂબ હસે છે અને એજન્ટોની મજાક ઉડાવે છે.
તેમાં એક યુવા મહિલા છે – યોમાકો (ડ્રૅગન). એજન્ટોનું કહેવું છે કે તેમની સેન્સ ઑફ હ્યૂમર સારી છે.
માશ્કો પિરોને બહારની દુનિયામાં વધુ રસ નથી, પરંતુ તેઓ એ એજન્ટોના વ્યક્તિગત જીવનમાં રસ લે છે જેમને તેઓ મળે છે.
તેઓ તેમના પરિવારો અને રહેઠાણની જગ્યાઓ વિશે પૂછે છે.
જ્યારે એક એજન્ટ ગર્ભવતી થઈ અને મૅટરનિટી લીવ પર ગઈ, ત્યારે માશ્કો પિરો બાળકના રમવા માટે એક રૅટલ (ગળાનો હાર) લઈ આવ્યા, જે હાઉલર વાંદરાના દાંતમાંથી બનાવ્યો હતો.
તેઓ એજન્ટોનાં કપડાંમાં રસ ધરાવે છે—ખાસ કરીને લાલ કે લીલા રંગના સ્પોર્ટ્સ ક્લૉથ્સમાં.
ઍન્ટોનિયો કહે છે, "જ્યારે અમે તેમની નજીક જઈએ છીએ ત્યારે અમે જૂનાં, ફાટેલાં કપડાં પહેરીએ છીએ, જેમાં બટન નથી હોતાં, જેથી તેઓ કપડાં ન લઈ જાય."
કન્ટ્રોલ પોસ્ટના એજન્ટ ઍડુઆર્ડો પૅંચો પિજારો કહે છે, "પહેલાં તેઓ પોતાનાં પારંપરિક કપડાં પહેરતા હતા. કીટકના રેસાથી બનેલાં સુંદર સ્કર્ટ, જેને તેઓ જાતે બનાવતા હતા. હવે, જ્યારે પર્યટકોની હોડીઓ પસાર થાય છે, તો કેટલાક લોકો તેમની પાસેનાં કપડાં કે જૂતાં લઈ લે છે."
જ્યારે પણ ટીમ જંગલમાંના તેમના જીવન વિશે પૂછે છે, માશ્કો પિરો વાતચીત કરવાનું બંધ કરી દે છે.
ઍન્ટોનિયો કહે છે, "એક વાર મે પૂછ્યું કે તેઓ આગ કઈ રીતે પેટાવે છે? તો તેમણે કહ્યું કે તમારી પાસે લાકડી છે. તમને ખબર છે. મેં ભારપૂર્વક પૂછ્યું તો કહેવા લાગ્યા કે તમારી પાસે તો એ બધી વસ્તુઓ છે, તો પછી શા માટે જાણવા માગો છો?"
જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ન દેખાય, તો એજન્ટ પૂછે છે કે તેઓ ક્યાં છે?
જો માશ્કો પિરો કહે કે, "પૂછશો નહીં", તો એજન્ટ માની લે છે કે એ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે.
આ લોકો ક્યાંથી આવ્યા છે?

ઇમેજ સ્રોત, Fenamad
વર્ષોના સંપર્ક છતાં એજન્ટ હજુ પણ એ નથી જાણતા કે માશ્કો પિરો કઈ રીતે રહે છે કે તેઓ જંગલમાં જ કેમ રહેવા માગે છે.
એવું મનાય છે કે તેઓ એ આદિવાસી લોકોના વંશજ હોઈ શકે છે, જેઓ 'રબર બૅરન' તરીકે ઓળખાતા શોષણ અને નરસંહારથી બચવા માટે ઓગણીસમી સદીના અંતમાં ગાઢ જંગલોમાં ભાગી ગયા હતા.
વિશેષજ્ઞોનું માનવું છે કે માશ્કો પિરો કદાચ પેરુના દક્ષિણ-પૂર્વ ભાગના યીન આદિવાસી સમુદાય સાથે સંબંધ ધરાવે છે.
તેઓ એ જ ભાષાનું એક જૂનું રૂપ બોલે છે, જેને યીન સમુદાય સાથે સંબંધ ધરાવતા એજન્ટ શીખી શક્યા છે.
પરંતુ, યીન લોકો લાંબા સમયથી નદીમાં હોડી ચલાવનારા, ખેડૂત અને માછીમાર રહ્યા છે, જ્યારે માશ્કો પિરો આ બધું ભૂલી ચૂક્યા છે.
બની શકે કે તેમણે પોતાની સુરક્ષા માટે વિચરતી અને શિકારનો સંગ્રહ કરનારી જીવનશૈલી અપનાવી હોય.
ઍન્ટોનિયો કહે છે, "હવે હું સમજ્યો છું કે તેઓ કોઈ ક્ષેત્રમાં થોડાક સમય માટે રોકાય છે, એક છાવણી નાખે છે અને આખો પરિવાર ત્યાં ભેગો થાય છે. જ્યારે તેઓ એ જગ્યાની આસપાસથી બધો શિકાર કરી લે છે, ત્યારે બીજી જગ્યાએ જતા રહે છે."
ફેમનાડના ઇઝરાઈલ એક્વિસે કહે છે કે અત્યાર સુધીમાં 100થી વધુ લોકો જુદા જુદા સમયે કન્ટ્રોલ પોસ્ટ પર આવી ચૂક્યા છે.
"તેઓ પોતાના ભોજનમાં ફેરફાર કરવા માટે કેળાં અને કસાવા [કંદમૂળ] માગે છે, પરંતુ ત્યાર પછી કેટલાક પરિવારો મહિનાઓ કે વરસો સુધી ગાયબ થઈ જાય છે."
તેમનું કહેવું છે, "તેઓ માત્ર એમ કહે છે, 'હું થોડાક મહિના માટે જાઉં છું, પછી પાછો આવી જઈશ'. અને પછી અલવિદા કહી દે છે."
આ ક્ષેત્રના માશ્કો પિરો સારી રીતે સુરક્ષિત છે, પરંતુ સરકાર એક સડક બનાવી રહી છે, જે આ ક્ષેત્રને ગેરકાયદે ખનનવાળા વિસ્તાર સાથે જોડી દેશે.
પરંતુ, એજન્ટો માટે એ વાત સ્પષ્ટ છે કે માશ્કો પિરો બહારની દુનિયા સાથે જોડાવા નથી માગતા.
ઍન્ટોનિયો કહે છે, "આ પોસ્ટ પર મારા અનુભવોના આધારે મને ખબર પડી છે કે તેઓ 'સભ્ય બનવા નથી માગતા. કદાચ બાળકો એવું ઇચ્છે, જ્યારે તેઓ મોટા થઈ જાય અને આપણને કપડાં પહેરેલા જુએ—કદાચ, 10 કે 20 વર્ષમાં. પરંતુ વયસ્ક નહીં. તેઓ તો અમને અહીં પણ નથી ઇચ્છતા."
2016માં સરકારે એક બિલ પસાર કર્યું હતું, જેમાં માશ્કો પિરોના અનામત વિસ્તારને વધારીને ન્યૂઍવા ઓસેનિયાને સામેલ કરવાનો પ્રસ્તાવ હતો. જોકે, આ બિલ હજુ સુધી કાયદો નથી બની શક્યું.
ટૉમાસ કહે છે, "આપણે ઇચ્છીએ કે તેઓ પણ આપણી જેમ આઝાદ રહે. આપણે જાણીએ છીએ કે વરસો સુધી તેઓ ખૂબ શાંતિપૂર્ણ જીવન જીવતા રહ્યા છે અને હવે તેમનાં જંગલ ખતમ કરાઈ રહ્યાં છે – નષ્ટ કરાઈ રહ્યાં છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












