મણિલાલ ગાંધી : પિતાએ સ્થાપેલાં મૂલ્યો અને વિચારોને આગળ ધપાવનાર મહાત્મા ગાંધીના પુત્રની કહાણી

ઇમેજ સ્રોત, Keystone-France/Gamma-Keystone via Getty Images
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
ભારતથી બેરિસ્ટર તરીકે દક્ષિણ આફ્રિકા ગયેલા મિસ્ટર ગાંધી 1915માં ભારત પાછા આવ્યા ત્યારે સત્યાગ્રહના સફળ પ્રયોગો કરીને મહાત્મા ગાંધી બની ચૂક્યા હતા. વતન પાછા આવ્યા પછી તેમણે દક્ષિણ આફ્રિકાની રંગભેદની સમસ્યામાં રસ લેવાનું ચાલુ રાખ્યું, પણ તેમણે શરૂ કરેલું સાપ્તાહિક 'ઇન્ડિયન ઓપિનિયન' ત્યાં રહીને લગભગ સાડા ત્રણ દાયકા સુધી ચલાવનાર હતા ગાંધીજીના બીજા પુત્ર મણિલાલ ગાંધી.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ અપનાવેલી સાવ નવી અને દુનિયાદારીથી સામા છેડાની વિચારશૈલી-જીવનપદ્ધતિના કારણે પત્ની કસ્તૂરબા ઉપરાંત મોટા બે પુત્રો હરિલાલ અને મણિલાલની સૌથી વધારે કસોટી થઈ. દક્ષિણ આફ્રિકામાં 'છોટા ગાંધી' તરીકે ઓળખાતા ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલ (1888-1948) પછી નિરંકુશ વિદ્રોહી બન્યા. ત્યારે બીજા પુત્ર મણિલાલ (1891-1956) આજીવન તેમના પ્રતાપી પિતાના આજ્ઞાંકિત રહ્યા, ઘણી વાર તેમનો તાપ વેઠ્યો અને વતનથી દૂર દક્ષિણ આફ્રિકામાં યથાશક્તિ પિતાના કેટલાક સિદ્ધાંતોને અનુસરવાનો પ્રયાસ કર્યો.
ઔપચારિક શિક્ષણનો અભાવ

ઇમેજ સ્રોત, gandhiheritageportal.org
ગાંધીજીની આત્મકથામાં મણિલાલનો પહેલો ઉલ્લેખ પારસી ઢબનાં કોટપાટલૂન અને બૂટમોજાંથી સજ્જ બાળક તરીકે આવે છે. ત્રણ વર્ષ સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા પછી ગાંધીજી વતન આવ્યા હતા અને 1896માં પત્ની કસ્તૂરબા ઉપરાંત રાજકોટમાં જન્મેલા બંને પુત્રો હરિલાલ અને મણિલાલને લઈને તે પાછા ફર્યા. ત્યારે તેમનું વિચારપરિવર્તન થયું ન હતું, પરંતુ ડરબન પહોંચ્યા પછી સ્થિતિ બદલાઈ.
ભારતીય બાળકોને ગોરા લોકોની નિશાળમાં પ્રવેશ ન મળે—અથવા મળે તો પણ બેરિસ્ટર ગાંધીની શરમે. તે સિવાય ખ્રિસ્તી મિશનની નિશાળોની કેળવણી ગાંધીજીને ગમતી ન હતી. એટલે મણિલાલ સહિતનાં તમામ સંતાનો શાળાના ભણતરથી વંચિત રહ્યાં (હરિલાલ પછીથી ભારત આવીને થોડું ભણ્યા). ગાંધીજીએ પોતે નોંધ્યું છે તેમ, ભણતરના અભાવના મુદ્દે સંતાનોને ગાંધીજીની સામે ઓછેવત્તે અંશે ફરિયાદ પણ રહી. ગાંધીજીએ તેમના સંતાનોનું દૃષ્ટિબિંદુ સમજ્યા, પણ સંતાનોને ઔપચારિક કેળવણીથી દૂર રાખ્યાનો તેમને જરાય વસવસો ન હતો. આ બાબતનો ઉલ્લેખ મણિલાલ અને તેમની વચ્ચેના પત્રવ્યવહારમાં ઘણી વાર આવતો રહ્યો.
વર્ષ 1901માં ગાંધીજી ભારત પાછા આવી ગયા અને વકીલાત કરવા માટે મુંબઈમાં સ્થાયી થયા. ત્યાર પછીના ગાળામાં મણિલાલની જીવલેણ બીમારી નિમિત્તે તેમની આકરી કસોટી થઈ. ડૉક્ટરે કહ્યું કે મણિલાલનો જીવ બચાવવો હોય તો તેને ઈંડાં અને મરઘીનો સેરવો આપવો પડશે. ગાંધીજીએ મક્કમતાથી ના પાડી અને કહ્યું કે દીકરો મોટો હોત તો હું તેની મરજી જાણવા પ્રયાસ કરત, પણ અત્યારે તો મારે જ નિર્ણય લેવાનો છે. એટલે જોખમ વેઠ્યે જ છૂટકો. તેમણે પાણીના ઉપચારો કર્યા અને ધીમે ધીમે મણિલાલનો તાવ ઊતર્યો. ગાંધીજીએ લખ્યું હતું, 'આજે મારા બધા છોકરાઓમાં મણિલાલ શરીરે સહુથી વધારે મજબૂત છે.'
આગ્રહી પિતાને અકળાવતી 'નિષ્ફળતાઓ'

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકાની પ્રિટોરિયા જેલમાં ગાંધીજીને દર મહિને એક જ પત્ર લખવાની મંજૂરી હતી, ત્યારે એક વાર તેમણે બીજા બધાને બાજુએ મૂકીને, 18 વર્ષના મણિલાલને લાંબો પત્ર લખ્યો હતો. તેમાં સાથીસ્નેહીઓના ખબરઅંતર અને સૂચનાઓ ઉપરાંત લખ્યું હતું કે 'જો તું આ ત્રણ ગુણનું [સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય] પાલન કરે, જો એ ત્રણે તારા જીવનમાં વણાઈ જાય, તો મારી દૃષ્ટિએ તારી કેળવણી પૂરી થઈ ગયેલી કહી શકાય...આનો અર્થ એવો નથી કે તારે અક્ષરજ્ઞાન લેવું નહીં...પણ એ એક એવી બાબત છે જેના વિષે તારે ચિંતા કરવાની જરૂર નથી.' (પત્ર તા. 25 માર્ચ, 1909)
પરંતુ ફિનિક્સ આશ્રમમાં મણિલાલ અને જયકુંવરના 'ભયંકર પતન'ના પ્રસંગે ગાંધીજીની 'તીખી પરીક્ષા' કરી. જયકુંવર (જેકી) એટલે ગાંધીજીના પરમ મિત્ર-કાયમી મદદગાર ડૉ. પ્રાણજીવન મહેતાનાં પરિણીત પુત્રી. તેમના પતિ મણિલાલ ડૉક્ટર ફીજીમાં વસતા ભારતીયોના કામ માટે ગયા અને એક ફ્રેન્ચ મહિલાને સાથે લેતા ગયા, ત્યારે જયકુંવર ફિનિક્સમાં ગાંધીજી અને સાથીદારો ભેગાં રહેતાં હતાં. મિત્રની પુત્રીને ગાંધીજી પોતાની દીકરીની જેમ રાખતાં હતાં. પરંતુ ચંચળ મિજાજનાં જયકુંવર અને યુવાન મણિલાલ વચ્ચે સંબંધની જાણ થતાં ગાંધીજીને ભારે આઘાત લાગ્યો.
જુલાઇ 1913માં બનેલી આ ઘટના પછી મણિલાલ-જેકીને તેમની 'ભૂલ'નો અહેસાસ કરાવવા માટે, ગાંધીજીએ તેમના જીવનમાં પહેલી વાર સાત દિવસના ઉપવાસ કર્યા અને પછી સાડા ચાર મહિના સુધી એકટાણું રાખ્યું. સાત દિવસના ઉપવાસ દરમિયાન ગાંધીજી પ્રાર્થના વખતે હૃદયદ્રાવક પ્રવચન આપતા હતા. ગાંધીજીના ભત્રીજાના પુત્ર પ્રભુદાસ ગાંધીએ નોંધ્યું છે,'એ પ્રાર્થનાઓમાં તો બાપુજીએ પોતાના દેહનું જ નહીં, સાંભળનારાઓના દેહનું પણ અસ્તિત્વ ભુલાવી દીધું હતું...' સાતેય દિવસ શ્રીમદ્ રાજચંદ્રનું લખેલું 'અપૂર્વ અવસર એવો ક્યારે આવશે' ગવાતું અને મણિલાલ ઑર્ગન પર તે વગાડતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાંધીજીને લાગતું હતું કે તેમણે જેકીના પિતા ડૉ. મહેતા અને પતિ મણિલાલ ડોક્ટર—બંનેના વિશ્વાસનો દ્રોહ કર્યો છે. એટલે મણિલાલ-જેકી સામે આકરાં પગલાં લેવામાં આવ્યાં. પ્રાયશ્ચિતરૂપે અને નવા કામમાં ખૂંપી જવાના ભાગરૂપે મણિલાલે સત્યાગ્રહમાં ભાગ લીધો, બે વાર જેલમાં ગયા. જેકીએ પણ સત્યાગ્રહમાં જેલવાસ વેઠ્યો. ત્યાર પછી બધું સમુંસૂતરું થઈ જશે એવી આશા ફળી નહીં. મે 1914માં ફરી ગાંધીજીએ આ જ મુદ્દે 14 દિવસના ઉપવાસ કર્યા. એ વર્ષે ગાંધીજી-કસ્તૂરબા ઇંગ્લૅન્ડ થઈને ભારત આવવા નીકળ્યાં, ત્યારે ફિનિક્સથી ભારત આવવા નીકળેલી બીજી ટુકડીમાં મણિલાલ પણ સામેલ હતા.
સંસારજીવનના સંઘર્ષો, દાંડી કૂચમાં સામેલગીરી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1918માં મણિલાલ દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા અને બે વર્ષ પછી તેમણે 'ઇન્ડિયન ઓપિનિયન'નું તંત્રીપદું સંભાળી લીધું. પિતા સાથે તે સતત પત્રસંપર્કમાં રહેતા હતા અને પિતાએ અપનાવેલાં-ચીંધેલાં મૂલ્યો પર ચાલવાનો બનતો પ્રયાસ કરતા હતા. બાળલગ્નોના એ જમાનામાં મણિલાલ 35 વર્ષના થયા ત્યાં સુધી તેમનું લગ્ન થયું ન હતું. તે દક્ષિણ આફ્રિકામાં લાંબા સમયથી પરિચયમાં રહેલી યુવતી ફાતિમા ગુલ સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા, પરંતુ ગાંધીજીએ તે બાબતે કઠોર અભિપ્રાય આપ્યો. તેમાં ધાર્મિક ભેદનાં કારણો ઉપરાંત, જાહેર જીવન પર થનારી તેની સંભવિત અસર પણ કારણભૂત હતી.
ગાંધીજીએ મણિલાલને લખ્યું હતું,"તમારા સંબંધથી હિંદુમુસલમાન પ્રશ્નને મોટો ધક્કો પહોંચે. બંને વચ્ચે બેટીવ્યવહાર એ આ પ્રશ્નનો નિકાલ નથી. તમે મારા પુત્ર છો એ તમારાથી ભૂલાય નહીં, સમાજ પણ ન ભૂલે. તમે આ સંબંધ બાંધો તો તમારાથી સેવા ન થઈ શકે. તમે 'ઇન્ડિયન ઓપિનિયન' ચલાવવા પણ અયોગ્ય બનો એમ મને ભાસે છે. તમારે પછી હિંદુસ્તાન આવીને વસવું એ તો હું અસંભવિત માનું છું. બાની રજા હું માગી ન શકું. તેનો જન્મારો તો તદ્દન કડવો થાય." (એપ્રિલ 3, 1926. ગાંધીજીનો અક્ષરદેહ-30, પૃ. 223)
ત્યાર પછીના વર્ષે ગાંધીજીના નિકટના સાથી કિશોરલાલ મશરૂવાળાની ભત્રીજી સુશીલા સાથે મણિલાલનું લગ્ન ગોઠવાયું. જમનાલાલ બજાજના સૂચનથી ગાંધીજીએ બધું નક્કી કરીને મણિલાલને જણાવ્યું હતું અને તે સંબંધનો અસ્વીકાર કરવાનો પણ વિકલ્પ આપ્યો હતો. મણિલાલે તે સંબંધનો સ્વીકાર કર્યો અને 1927માં લગ્ન માટે તે ભારત આવ્યા. ગાંધીજીની ઉપસ્થિતિમાં તેમનું લગ્ન થયું. ત્યાર પછી 1929ના અંતમાં બંને ભારત આવ્યા. એ બહુ જાણીતી વાત નથી કે ગાંધીજીની દાંડી કૂચમાં ભાગ લેનારા 81 સત્યાગ્રહીઓની ટુકડીમાં આફ્રિકાથી આવેલા મણિલાલ પણ સામેલ હતા. કૂચ પછી થયેલી ધરપકડમાં તેમણે જેલવાસ પણ વેઠ્યો.
મણિલાલ-સુશીલા સાથે ગાંધીજી સતત પત્રસંપર્કમાં રહેતાં હતાં અને સુશીલાને પત્રો લખવા પ્રેરતા હતા. ચારેય પુત્રો-પુત્રવધૂઓમાં ગાંધીજીનો સૌથી વધારે પત્રવ્યવહાર મણિલાલ-સુશીલા સાથેનો છે, જે નીલમ પરીખ દ્વારા સંપાદિત 'જ્યાં રહો ત્યાં મહેકતા રહો'માં સંગ્રહિત છે.
મણિલાલ ગાંધીનું 'ઇન્ડિયન ઓપિનિયન'

ઇમેજ સ્રોત, manibhavanmumbai/Instagram
પુત્રવધૂ સુશીલાને એક પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું, 'જો મણિલાલ હિંદુસ્તાનથી કાયર થઈ દક્ષિણ આફ્રિકાની મજાને ખાતર ત્યાં રહેતો હોય તો તે સ્વાર્થ છે. જો બાપે છાપું ચલાવ્યું છે તે સારું હતું, તે નિભાવવાથી દેશને લાભ છે એમ સમજી ધનસંગ્રહ કરવાની ઇચ્છા રાખ્યા વિના દેશવટો ભોગવતો હોય ને તમને ભોગવાવતો હોય તો તે ભારે સમાજસેવા કરે છે ને તેમાં તમે ભાગ પૂરો છો.' સુશીલા પણ 'ઇન્ડિયન ઓપિનિયન'ના પ્રેસમાં બીબાં ગોઠવતાં શીખી ગયાં હતાં.
દક્ષિણ આફ્રિકામાં 'ઇન્ડિયન ઓપિનિયન' ચલાવવાનું મણિલાલને કાઠું પડતું હતું અને એકથી વધુ વાર તેને બંધ કરવા વિશે પિતા-પુત્ર વચ્ચે વાતચીત થઈ હતી. જ્યારે પણ 'ઇન્ડિયન ઓપિનિયન' ચલાવવામાં પડતી તકલીફોની વાત આવતી, ત્યારે ગાંધીજી છેવટનો નિર્ણય મણિલાલ પર છોડતા. તેમનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે 'કોમને જરૂર ન હોય અથવા ખોટ કરતું હોય તો ગમે તેટલું જરૂરનું છતાં બંધ કરવું જોઈએ. પણ કોમને જરૂર નથી તે સાબિત થવું જોઈએ અને ખોટ જવામાં આપણી મંદતા નથી કે લખાણોમાં કચાશ નથી, તે સ્પષ્ટ હોવું જોઈએ.'
આર્થિક ટેકો મળે એ માટે 'ઇન્ડિયન ઓપિનિયન'માં જાહેરખબર લેવાની બાબતે ગાંધીજીએ ન છૂટકે સંમતિ આપી, પણ તેનું પ્રેસ ફિનિક્સ આશ્રમથી ડરબન શહેરમાં ખસેડવાની વાત આવી, ત્યારે ગાંધીજીએ ના પાડી. તેમણે મણિલાલને લખ્યું હતું, "તારું એક પતન થયું તેમાં તો હું ભળ્યો...આ પતન જાહેરખબર બાબતનું. મને તે ગમ્યું ન હતું. 'ઇન્ડિયન ઓપિનિયન' બંધ કરવું હોય તો કર એમ કહેવાની મારી હિંમત ન ચાલી. હવે તું વધારે ન પડ ને મને તારી સાથે ન પછાડ. હું નહીં પછડાઉં." તેમણે સૂચવ્યું કે મણિલાલ-સુશીલાએ ફિનિક્સમાંથી રાજીનામું આપીને પછી જે ઠીક લાગે તે કરવું. અથવા ફિનિક્સ પાછળ ભેખ લેવો અને કહ્યું, 'તારામાં એટલી એંટ તો હોવી જ જોઈએ કે તું બાપના વારસાને શોભાવી નહીં શકે તો બરબાદ નહીં કરે.'
ભારતમાં દલિતો માટે જાહેર કરાયેલાં અલગ મતદાર મંડળના વિરોધમાં ગાંધીજીએ આમરણ ઉપવાસ કર્યા ત્યારે મણિલાલ-સુશીલા ભારત આવ્યાં અને થોડો સમય રહ્યાં હતાં. તેમના પહેલા સંતાન, દીકરીનું નામ સીતા રાખવાનું પણ ગાંધીજીનું સૂચન હતું. તેનું કારણ આપતાં ગાંધીજીએ લખ્યું હતું,'નામ પવિત્ર છે. ત્યાંના સંબંધીઓને ઉચ્ચાર કરવામાં હળવું ને જે ગુણો આપણે તેનામાં ઇચ્છીએ તેનું વાચક એ નામ છે. બીજાં વિચાર્યાં પણ મને આથી સારું એકે નથી લાગ્યું.' ત્યાર પછીનાં મણિલાલ-સુશીલા ગાંધીનાં બીજાં બે સંતાન થયાઃ અરુણ અને ઇલા. પોતાનાં સંતાનોને ઔપચારિક કેળવણીથી દૂર રાખનાર ગાંધીજીએ પૌત્રો-પૌત્રીઓના શિક્ષણનો નિર્ણય તેમનાં માતાપિતા પર છોડ્યો અને તેમને શાળાથી દૂર રાખવાની ફરજ ન પાડી.
દક્ષિણ આફ્રિકામાં બીજા ગાંધીનું સ્થાન

ઇમેજ સ્રોત, Hulton Archive/Getty Images
દક્ષિણ આફ્રિકામાં મણિલાલે સત્યાગ્રહ-અસહકાર જેવાં અહિંસક શસ્ત્રોથી પ્રતિકાર કર્યો હતો અને જેલવાસ પણ વેઠ્યો હતો. છતાં, દક્ષિણ આફ્રિકાની રંગભેદવિરોધી લડતના ઇતિહાસમાંથી તેમનું પ્રદાન સાવ ભૂંસાઈ ગયું. તેમનાં દીકરી સીતાબહેનની એવી લાગણી હતી. સીતાબહેનનાં પુત્રી-દક્ષિણ આફ્રિકામાં ઇતિહાસનાં અધ્યાપક ઉમા ધુપેલિયા મેસ્ત્રીએ તે કસર સરભર કરવા માટે મણિલાલ ગાંધીનું પૂરા કદનું જીવનચરિત્ર લખ્યું. તેનું મથાળું હતું, 'ગાંધીઝ પ્રિઝનર? ધ લાઇફ ઓફ ગાંધીઝ સન મણિલાલ' મથાળામાં રહેલો 'પ્રિઝનર' (કેદી) શબ્દ ગાંધીજીએ લખેલા એક પત્રસંદર્ભે છે, જેમાં તેમણે મણિલાલને લખ્યું હતું કે 'તમે મારા કેદી નથી, પણ મિત્ર છો.' (જાન્યુઆરી 31, 1918)
ઉમાબહેનને અને મણિલાલ વિશે વાંચનાર કોઈને પણ એવી છાપ પડ્યા વિના ન રહે કે ગાંધીજીના આગ્રહો તથા તેમના જાહેર જીવનને કારણે મણિલાલને બહુ વેઠવું પડ્યું અને તેમની અંગત જિંદગી સુધ્ધાં પોતાની ન રહી. સાથોસાથ, તેના આધારે ગાંધીજીને નિષ્ઠુર કે પોતાની પ્રતિષ્ઠા ખાતર સંતાનોની જિંદગી બગાડતા બાપ તરીકે ચિતરવાનો ઉત્સાહ ટાળવા જેવો છે. 1945માં ફિનિક્સ આશ્રમના બે જ ટ્રસ્ટી—ગાંધીજી પોતે અને જોહાનિસબર્ગના વકીલ લૂઇ વોલ્ટર રિચ જીવિત હતા, ગાંધીજીએ તેમાં જૂના સાથી સુરેન્દ્રરાય મેઢ અને બીજા બે જણની સાથે મણિલાલને ટ્રસ્ટમાં લીધા, તેમને વ્યવસ્થાપક ટ્રસ્ટી બનાવ્યા અને 'ઇન્ડિયન ઓપિનિયન' માટે તેમણે વેઠેલો ઘસારો ધ્યાનમાં રાખીને ઠરાવ્યું હતું કે મણિલાલ જ્યાં સુધી વ્યવસ્થાપક અને 'ઇન્ડિયન ઓપિનિયન'ના તંત્રી હોય ત્યારે મહિને સો પાઉન્ડ લેશે અને પત્ની બાળકો સાથે વિના મૂલ્યે રહેશે.
નવેમ્બર 1955માં મણિલાલને સ્ટ્રોક આવ્યો અને 5 એપ્રિલ, 1956ના રોજ તેમનું અવસાન થયું. દક્ષિણ આફ્રિકાની 'નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ' સાથે તે પહેલેથી સંકળાયેલા હતા. પછીનાં વર્ષોમાં તે યુરોપ અને અમેરિકામાં વિવિધ કર્મશીલ સમુદાયોને મળીને રંગભેદ અને એકંદરે માનવ અધિકારની ચળવળોમાં સક્રિય રહ્યા.
દક્ષિણ આફ્રિકાના ઇતિહાસના અધ્યાપક પ્રો. ગુલામ વાહેદે નોંધ્યા પ્રમાણે, અહિંસા અને સામ્યવાદના વિરોધ જેવાં મણિલાલનાં વલણોને કારણે દક્ષિણ આફ્રિકામાં ચાલેલી રંગભેદવિરોધી ચળવળના છેલ્લા દાયકાઓમાં તે મહત્ત્વનું સ્થાન મેળવી શક્યા નહીં. તેમ છતાં, 38 વર્ષ સુધી 'ઇન્ડિયન ઓપિનિયન' ચલાવનાર ભારતીય પત્રકાર અને ગાંધીજીનું કામ પોતાની રીતે આગળ લઈ જવા કોશિશ કરનાર તેમના એકમાત્ર પુત્ર તરીકે મણિલાલ ઇતિહાસમાં સ્થાન પામ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












