ડીડીએલજેનાં 30 વર્ષ : જ્યારે ફિલ્મે એક અસલી 'રાજ' અને તેની 'સિમરન'નું મિલન કરાવ્યું

ઇમેજ સ્રોત, YRF
- લેેખક, વંદના
- પદ, સિનિયર ન્યૂઝ ઍડિટર, બીબીસી ન્યૂઝ
"હું 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેવી શાહરુખની ફિલ્મ જોઈને મોટો થયો છું. જ્યારે મેં પહેલી વાર ડીડીએલજે જોઈ ત્યારે હું 10-12 વર્ષનો હતો. ત્યાર પછી ઘણી વખત જોઈ. મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે લવસ્ટોરી હોય તો આવી. ત્રણ વર્ષ પહેલાં શાહરુખ ખાન સાથે જોડાયેલા એક પ્રોગ્રામમાં મારી નજર એક છોકરી ઉપર પડી, જેણે સફેદ ચૂડીદાર અને લીલો દુપટ્ટો પહેરેલાં હતાં. જોતજોતામાં એ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ."
હબીબ ખાન પોતાની સાચી પ્રેમ કહાની બિલકુલ શાહરુખ ખાનની રાજવાળી સ્ટાઇલમાં સંભળાવે છે.
હબીબ જણાવે છે, "હું હૈદરાબાદનો છું, એ મુંબઈની. મારા ઘરે કોઈ મુશ્કેલી નહોતી, પરંતુ અમારાં ધર્મ, સંસ્કૃતિ બધું અલગ છે અને તેના પરિવારને મનાવવો સરળ નહોતો. પણ ડીડીએલજેથી પ્રેરાઈને અમે એવું નક્કી કર્યું હતું કે જ્યાં સુધી માતાપિતા નહીં માને, અમે લગ્ન નહીં કરીએ. ધીમે ધીમે મેં તેનાં બહેન અને માતાને મળવાનું શરૂ કર્યું. તેમનાથી વધુ દીદી સાથે વાત થવા લાગી. પછી બનેવી અને ભાઈ સાથે."
"આટલાં વર્ષો પછી અંતે અમે લગ્નની નજીક છીએ. હું એ કહી શકું છું કે જો વાસ્તવ જીવનમાં કોઈ રાજ છે અને તેની સિમરનનો હાથ તેનાં માતાપિતા તમારા હાથમાં સોંપીને કહે છે કે 'જા સિમરન જા, જી લે અપની જિંદગી', તો તેનાથી વિશેષ કશું નથી."
30 વર્ષ પહેલાં જ્યારે 20 ઑક્ટોબરે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' રિલીઝ થઈ હતી, ત્યારે તે રોમાન્સનું બીજું નામ બની ગઈ હતી. 1995માં મુંબઈના મરાઠા મંદિરમાં લાગેલી ડીડીએલજે આજ સુધી ઊતરી નથી શકી.
ડીડીએલજે – વિદ્રોહ વિરુદ્ધ મંજૂરી

ઇમેજ સ્રોત, Ashish Ukey
હબીબ જણાવે છે કે તેમના વાસ્તવ જીવનની ડીડીએલજેમાં માતાપિતાની મરજી વગર લગ્ન નહીં કરવાનો નિર્ણય જેટલો તેમનો હતો, તેટલો જ તેમની સાથીનો પણ હતો.
હબીબની સ્ટોરી સાંભળ્યા પછી અને ડીડીએલજેની સ્ટોરીમાં ફરી ઊંડા ઊતરતાં મારા મનમાં એ સવાલ થાય છે કે આ કહાની પુરુષપાત્ર રાજ (શાહરુખ)ની કેટલી હતી અને સ્ત્રીપાત્ર સિમરનની (કાજોલ) કેટલી હતી?
કે પછી આ ખૂબ જ પ્રખ્યાત ફિલ્મમાં સ્ત્રીપાત્રોનો પોતાનો કોઈ આધાર હતો? હબીબની કહાણીથી અલગ, તેમાં તેના સાથીની પસંદગી દેખીતી અને મૌખિક બંને હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, BBC/Habib Khan
થોડાંક વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર લેખિકા પારોમિતા બારદોલોઈની લખેલી એક પોસ્ટ હતી, જેમાં તેમણે ફિલ્મમાં લગ્નનાં વર્ષો પછી સિમરન (કાજોલ)ના જીવનની કલ્પના કરી હતી.
તેઓ લખે છે, "હવે હું (સિમરન) અને રાજ પણ માતાપિતા છીએ. મેં રાજને કહ્યું હતું કે જ્યારે આપણે પહેલી વાર મળ્યાં હતાં અને તેણે જમીન ઉપર પડેલી બ્રા મારા ચહેરા સામે લહેરાવી હતી. ત્યારે મને ખૂબ અસુરક્ષાનો અનુભવ થયો હતો."
"રાજ પણ એ વાતનો સ્વીકાર કરે છે કે તેને ત્યારે લાગ્યું હતું કે કોઈ છોકરીને પસંદ કરવાનો અર્થ તેની નજીક જવાનો હતો, પરંતુ 22 વર્ષનો રાજ હવે 46 વર્ષની ઉંમરે બદલાઈ ચૂક્યો છે. મને આ વાતની ખુશી છે."
અહીં ફિલ્મના એ સીનની તરફ ઇશારો છે જેને ઘણા લોકો આપત્તિજનક માને છે.
તેઓ આગળ લખે છે, "ઘરે અમને દરેક વાત બાઉજી (અમરીશ પુરી)ના નિયમાનુસાર કરવી પડતી હતી. રાજની સાથે લગ્ન પછી હું જે ઇચ્છું તે કરી શકું છું. વિચિત્ર વાત છે ને કે કેટલી બધી મહિલાઓની આઝાદી અને ખુશી તેમના જીવનમાં આવતા પુરુષ પર આધાર રાખે છે."
ડીડીએલજે સિમરનની કે ફક્ત રાજની કહાની

ઇમેજ સ્રોત, Reuters
ફિલ્મને સીન બાય સીન જોઈએ તો લાગે છે કે દિલવાળાઓની આ દુનિયામાં મહિલાઓની પાસે કોઈ ખાસ હક હતા જ નહીં.
આ ત્યારે જ નક્કી થઈ જાય છે જ્યારે સિમરને પોતાના કૉલેજ મિત્રોની સાથે યુરોપમાં ફરવા જવા માટે પોતાના જ પિતાને વિનંતી કરવી પડે છે – "શું તમે મારી ખુશી માટે મારા પોતાના જીવનનો એક મહિનો પણ મને ન આપી શકો?"
ફિલ્મ પત્રકાર અનુપમા ચોપડા પોતાના પુસ્તક 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે – અ મૉડર્ન ક્લાસિક'માં લખે છે, "ડીડીએલજે મહિલા પાત્રોની ઇચ્છાઓ અને મુશ્કેલીઓને નજીકથી બતાવે છે, પરંતુ આ ફિલ્મ સિમરન (કાજોલ)ને પોતાનો કોઈ અવાજ નથી આપતી. એ ખરું કે, શરૂઆતમાં તે ભાગી જવા માગે છે, પરંતુ ત્યાર પછી તે પોતાના પિતા અને પ્રેમી વચ્ચેના સંઘર્ષના પરિણામની ચુપચાપ રાહ જોતી રહે છે."
"અંતમાં તે એક પુરુષના રક્ષણમાંથી બીજા પુરુષના રક્ષણ હેઠળ જતી રહે છે, અહીં સિમરનને રેલવે સ્ટેશન પર રાજની પાસે જવાની પરવાનગી પણ ફક્ત પિતા જ આપી શકે છે."
ભલે નાજુકતાથી, પરંતુ ડીડીએલજેની કહાની શક્તિ અને આબરૂની પૌરુષીય સીમાઓ હેઠળ જ કામ કરે છે.
ડીડીએલજે મહિલાની નાની એવી દુનિયા પણ બતાવે છે

ઇમેજ સ્રોત, YRF
પરંતુ વિરોધાભાસ એ પણ છે કે નિર્દેશક આદિત્ય ચોપડાએ આ પુરુષપ્રધાન દુનિયામાં મહિલાઓની પણ નાની દુનિયા બતાવી છે, જેને પુરુષ જોઈ શકતા નથી અને અનુભવી શકતા પણ નથી.
જ્યારે કાજોલની સગાઈ તેની મરજી વિરુદ્ધ કુલજિત (પરમિત સેઠી) સાથે થતી હોય છે ત્યારે સિમરનનાં દાદી (જોહરા સહગલ) પોતાના પુત્રને પૂછે છે – "ખબર નહીં કેમ, મેં સિમરનની આંખોમાં એક ઉદાસીનતા જોઈ છે. બધું બરાબર છે ને?"
દાદી તો વર્ષોથી ક્યારેય સિમરનને મળ્યાં પણ નહોતાં, પરંતુ તેની આંખોમાં છુપાયેલી પીડાને સમજવા માટે તેમને સિમરન સાથે વાત કરવાની જરૂરત નહોતી.
પિતાની આસપાસ ફરતા પરિવારમાં માતાપુત્રીના સંબંધના નામે માત્ર થોડીક જ ક્ષણો હતી.
જ્યારે માતા (ફરીદા જલાલ) દૂરથી જુએ છે કે ધાબા પર તેમની પુત્રી સિમરન અને રાજ કરવા ચોથના દિવસે પ્રેમથી એકબીજાંના મોંમાં કોળિયો મૂકી રહ્યાં હતાં, ત્યારે તેઓ કશુંય કહ્યા-સાંભળ્યા વગર સમજી જાય છે કે આ છોકરો જ તેની પુત્રીની જિંદગી છે અને તેઓ તેને લઈને ભાગી જવા કહે છે.
શાહરુખ: હાથમાં મેન્ડોલિન અને 'મહિલાઓ'નું રસોડું પણ

ઇમેજ સ્રોત, Habib Khan
મહિલાઓની આ દુનિયામાં જો કોઈ પુરુષ પ્રવેશી શક્યો હોય તો તે શાહરુખનું પાત્ર રાજ હતો.
એ રાજ, જે રસોડામાં બેસીને ગાજર છીણે છે, મહેમાનોને ભોજન પીરસે છે. આ છબિ સામે તેને કોઈ વાંધો નથી.
લંડનથી આવેલો રાજ જ્યારે પંજાબના સરસવના ખેતરમાં સિમરન માટે મેન્ડોલિન વગાડતો ગાય છે – તુજે દેખા તો યે જાના સનમ… અને કહે છે કે હું તને અહીંથી ભગાડીને કે ચોરીને લઈ જવા નથી આવ્યો. હું અહીં તને મારી પત્ની બનાવવા માટે આવ્યો છું અને તને અહીંથી ત્યારે જ લઈ જઈશ જ્યારે તારા બાઉજી જાતે તારો હાથ મારા હાથમાં સોંપશે… ત્યારે, મૅસ્ક્યૂલેનિટી કે માચો પુરુષના દૂષણવાળી ફિલ્મોની વચ્ચે આ રાજ ઘણા લોકોને કંઈક જુદો, રાહતના શ્વાસ જેવો લાગ્યો હતો.
આ ફિલ્મનો ક્રેઝ આજે પણ ઓછો નથી થયો.

ઇમેજ સ્રોત, BBC/Ashish Uike
મુંબઈથી 600 કિલોમીટર દૂર અમરાવતીમાં રહેતા આશિષ ઉઇકે શાહરુખ ફૅન ક્લબ ચલાવે છે.
તેઓ જણાવે છે, "મરાઠા મંદિર સિનેમા હૉલમાં ડીડીએલજે જોવાનું મારું સપનું હતું. જ્યારે હું મરાઠા મંદિરમાં વર્ષોથી લાગેલી ડીડીએલજે ફિલ્મ જોવા ગયો ત્યારે ત્યાં ભારતીય જ નહીં, અમેરિકા, રશિયા, કોરિયા જેવા દેશોના ફૅન્સ પણ હતા. જેવી રાજ (શાહરુખ ખાન)ની ઍન્ટ્રી થઈ, લોકોએ સીટીઓ મારવાની શરૂ કરી દીધી. જ્યારે અમરીશ પુરી બોલ્યા, 'જા સિમરન જા', ત્યારે થિયેટરમાંના બધા લોકો ઊભા થઈને તાળી વગાડવા લાગ્યા. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' એક ફિલ્મ નહીં, પરંતુ એક સંપૂર્ણ અનુભૂતિ છે."
જોકે, શરૂઆતમાં શાહરુખ ડીડીએલજે કરવા નહોતા માગતા, કેમ કે તેમાં કોઈ ઍક્શન નહોતી, માત્ર બે પ્રેમી હતાં, જે ઘરેથી ભાગતાં નથી.
ડીડીએલજેમાં કોઈ ભાગતાં નથી એ જ આ ફિલ્મની એક યુએસપી હતી, જેને અનુપમા ચોપડા ગ્રાન્ડ રેબિલિયન ટ્વિસ્ટ કહે છે.
તો શું આજના સમયમાં ડીડીએલજે સફળ થાત?

ઇમેજ સ્રોત, AFP
બોલીવૂડ પર ઘણાં પુસ્તકો લખી ચૂકેલા બાલાજી વિટ્ટલ કહે છે, "રાજ અને સિમરનનાં માતાપિતા ભારતથી સ્થળાંતર કરીને લંડન આવ્યાં હતાં, પરંતુ લંડનમાં ભણીગણીને ઊછરેલાં રાજ અને સિમરન, અને તેમનાં બાળકોને આજે કોઈ મોટાં સાંસ્કૃતિક પરિવર્તનોમાંથી પસાર નથી થવું પડતું. પોતાના જીવનસાથીની પસંદગી માટે તેમણે માતાપિતાનો વિરોધ સહન નથી કરવો પડતો. કૉન્ફ્લિક્ટ (સંઘર્ષ) જ નથી, તેથી આજે ડીડીએલજે બની જ ન શકે."
હબીબ આજે પણ પોતાના મોબાઇલ ફોનના કવરની પાછળ ડીડીએલજેની ટિકિટ રાખે છે.
ડીડીએલજેના ચાહક આશિષની વાત સાથે જ સમાપ્ત કરીએ, જેઓ કહે છે, "દરેક વ્યક્તિએ એક વખત ડીડીએલજે મરાઠા મંદિરમાં જરૂર જોવી જોઈએ. તે ખૂબ જ મજાની અનુભૂતિ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












