રાજ કપૂર, દિલીપકુમાર અને દેવ આનંદની દોસ્તીની કહાણી

દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, ફિલ્મો, મનોરંજન, બોલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MOHAN CHURIWALA

ઇમેજ કૅપ્શન, બોલીવૂડમાં દિલીપકુમાર, દેવ આનંદ અને રાજકપૂરની દોસ્તી ખૂબ ચર્ચામાં રહી હતી
    • લેેખક, વંદના
    • પદ, સીનિયર ન્યૂઝ ઍડિટર, બીબીસી ન્યૂઝ

આજની પેઢી જે રીતે શાહરુખ, આમિર અને સલમાનને 'સ્ટાર-ત્રિપુટી' તરીકે ઓળખે છે, કંઈક એવી જ રીતે 50 અને 60ના દાયકામાં દેવ આનંદ, દિલીપકુમાર અને રાજ કપૂરનો 'જલવો' હતો.

2022માં દિલીપકુમારનાં 100 વર્ષ પૂરાં થયાં; 2023માં દેવ આનંદનાં 100 વર્ષ પૂરાં થયાં; અને ડિસેમ્બર 2024માં રાજ કપૂરનાં 100 વર્ષ પૂરાં થયાં.

દેવ આનંદ, દિલીપકુમાર અને રાજ કપૂરે લગભગ એકસાથે 40ના દાયકામાં ફિલ્મી-કારકિર્દીની શરૂઆત કરી, સાથે સાથે જ સફળતાની સીડીઓ ચડ્યા અને દોસ્તી નિભાવી.

કાળખંડ એક જ હતો, પરંતુ ત્રણેયની સ્ટાઇલ જુદી જુદી હતી. પોતાના પુસ્તક 'ખુલ્લમ્ ખુલ્લા'માં ઋષિ કપૂરે એક રસપ્રદ કિસ્સો લખ્યો હતો જે આ ત્રણેના સંબંધ અને તેમની વચ્ચેના ફરક દર્શાવે છે.

ઋષિ કપૂરે લખ્યું છે, "1999માં ચિંપુ (રાજીવ કપૂર)નાં લગ્ન હતાં. મારી માએ કહ્યું કે આપણે જાતે જઈને યુસુફસા'બ (દિલીપકુમાર) અને દેવ આનંદને કાર્ડ આપી આવીએ. કેટલા જુદા હતા બંને. અમે યુસુફસા'બને મળ્યાં અને તેમણે અમને રાજસા'બ અને પોતાના ઘણા બધા કિસ્સા સંભળાવ્યા. અમે બે કલાક બેસી રહ્યાં. ખૂબ જ સારી સરભરા અને મહેમાનગતિ માણ્યાં પછી નીકળ્યાં ત્યારે યુસુફજીએ કહ્યું કે તેઓ લગ્નમાં આવશે; અને કહ્યું, રાજ ખૂબ ખુશ થશે કે તેમનો સૌથી નાનો પુત્ર લગ્ન કરી રહ્યો છે."

"ત્યાંથી સીધાં અમે દેવસા'બના રૂમમાં ગયા. યુસુફસા'બનું ઘર સભ્યતા અને પરંપરાથી ભરેલું હતું, જ્યારે દેવસા'બનો રૂમ હૉલીવૂડનાં પુસ્તકોથી ભરેલો હતો, બધું જ અમેરિકન. અચાનક, પીળું પૅન્ટ, ઑરેન્જ શર્ટ, લીલું સ્વેટર અને એક મફલર પહેરેલા દેવ આનંદ અંદર આવે છે. અમને જોઈને બોલ્યા, હાય બૉય્ઝ, હાઉ આર યૂ? યૂ ગાય્ઝ આર લુકિંગ ડૅમ ગૂડ."

"જ્યારે એમને ખબર પડી કે અમે શા માટે આવ્યાં છીએ, ત્યારે બોલ્યા– સારી વાત છે; લગ્ન કરો, ગર્લફ્રૅન્ડ બનાવો. તમારે ગર્લફ્રૅન્ડ છે કે નહીં. તેઓ એટલા ડૅશિંગ હતા કે તમે એમની એનર્જીના પ્રવાહમાં વહેવાથી બચી ન શકો. હું અને ડબ્બુ આશ્ચર્યચકિત હતા કે બંનેમાં કેટલો બધો ફરક છે."

જુદી જુદી સ્ટાઇલ

દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, ફિલ્મો, મનોરંજન, બોલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RK FILMS AND STUDIOS

ઇમેજ કૅપ્શન, તેમના બે પુત્રો ઋષિ કપૂર અને રણધીર કપૂર(જમણે) સાથે રાજ કપૂર

1944માં 'જવારભાટા' ફિલ્મથી દિલીપકુમાર જ્યારે ફિલ્મોમાં પગરણ માંડી રહ્યા હતા, એ જ સમયે લાહૌરથી આવેલા દેવ આનંદ હીરો બનવાનું સપનું લઈને બૉમ્બેમાં સંઘર્ષ કરી રહ્યા હતા.

ટૂંક સમયમાં, 1946માં તેમની ફિલ્મ 'હમ એક હૈ' રિલીઝ થઈ ગઈ અને એક વર્ષ પછી 1947માં વાદળી આંખોવાળા રાજ કપૂરની ફિલ્મ આવી 'નીલકમલ'. દેવ આનંદની વાત કરીએ તો, તેમને હિંદી સિનેમાના પ્રથમ અર્બન હીરો કહેવામાં આવે છે. તેમના વિશે વિચારતાં જ એક સ્ટાઇલિશ, ફૅશનેબલ શહેરી જુવાનની છબિ આંખો સામે ઊભરી આવે છે.

'ઇન્સાનિયત' જેવી એકાદ ફિલ્મને બાદ કરીએ તો ભાગ્યે જ તમે દેવ આનંદને ગામડાના યુવકના અંદાજમાં જોયા હશે. તેઓ સ્પૉન્ટેનિયસ સ્ટાઇલ માટે જાણીતા હતા.

જ્યારે દિલીપકુમાર ટ્રૅજડી-કિંગ તરીકે જાણીતા થયા. ક્યારેક હારેલા અને પોતાને જ બરબાદ કરી દેનાર પ્રેમીના રૂપમાં દેવદાસ બનીને, તો ક્યારેક ફિલ્મ 'મેલા' (1948)માં વિખૂટા પડી ગયેલા એક પ્રેમીના રોલમાં, જે અંતે મૃત્યુને ભેટે છે.

જોકે, દિલીપકુમારની રેન્જ માત્ર ટ્રૅજડી સુધી જ સીમિત નહોતી; તેમણે 'કોહિનૂર' જેવી ફિલ્મો પણ કરી, જેમાં કૉમેડી હતી. મેથડ ઍક્ટિંગ દિલીપકુમારની ખૂબી હતી, પરંતુ પરદા પર તેઓ ખૂબ સહજ જોવા મળતા હતા.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1960માં આવેલી ફિલ્મી 'કોહિનૂર'નો એ કિસ્સો ખૂબ જાણીતો છે, જેમાં 'મધુબન મેં રોધિકા નાચે રે' ગીત માટે દિલીપકુમાર સિતાર શીખતા હતા. આ બાજુ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું ને બીજી બાજુ દિલીપસા'બ ઉસ્તાદ અબ્દુલ હલીમ ઝાફરખાં પાસે તાલીમ લઈ રહ્યા હતા.

કદાચ, આ બંને વચ્ચે જ ક્યાંક રાજ કપૂર હતા, જેમણે પોતાને ચાર્લી ચૅપ્લિન જેવા સીધાસાદા હીરોના રૂપમાં ઢાળ્યા અથવા તો એમ કહો કે પબ્લિકે ઢાળી દીધા. રાજ કપૂર એ સ્ટાર હતા જે 50ના દાયકામાં જ હિંદી ફિલ્મોને ગ્લોબલ સ્તરે લઈ ગયા.

રાજ કપૂર દિલીપકુમારને કેટલું માનસન્માન આપતા હતા તેનો ઉલ્લેખ ખુદ દિલીપકુમારે પોતાની આત્મકથા 'દિલીપકુમાર – ધ સબ્સ્ટાન્સ ઍન્ડ ધ શૅડો'માં કર્યો છે.

દિલીપકુમારે લખ્યું છે, "1980ના દાયકાની વાત છે, જ્યારે ફિલ્મ 'પ્રેમરોગ'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. નિર્દેશક રાજ કપૂર અભિનેતા ઋષિ કપૂરના ચહેરા પર એક હારેલા પ્રેમીની નિરાશા, ઉદાસી અને લાચારી બતાવવા માગતા હતા. પરંતુ, વારંવારના પ્રયત્નો છતાં રાજ કપૂરને ઋષિ કપૂરના ચહેરા પર એ ભાવ નહોતા દેખાતા."

રાજ કપૂરની ધીરજનો અંત આવી ગયો અને આખા યુનિટ સામે તેઓ ઋષિ કપૂર પર ખિજાયા ને તાડૂકીને બોલ્યા, "મારે યુસુફ જોઈએ. ચહેરા પર એ જ દર્દ જોઈએ જે આવો શૉટ આપતી વખતે યુસુફની આંખોમાં હોય… એ જ સચ્ચાઈ." રાજ કપૂર યુસુફ ખાન એટલે કે, દિલીપકુમારની વાત કરતા હતા.

દિલીપકુમાર અને દેવ આનંદનું રાજ

દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, ફિલ્મો, મનોરંજન, બોલીવૂડ, બીબીસી ગુજરાતી

ત્રણે અભિનેતાઓએ 50 અને 60ના દાયકામાં રાજ કર્યું, પરંતુ, ફૅન્સને ત્રણેને એકસાથે જોવાની તક ક્યારેય ન મળી. જોકે, ફિલ્મ 'અંદાજ'માં દિલીપકુમાર અને રાજ કપૂર બંને હતા.

ઋષિ કપૂરે લખ્યું છે કે, દિલીપકુમારને 'સંગમ'નો રોલ ઑફર કરાયો હતો, પરંતુ, તેમણે ઇનકાર કરી દીધો હતો.

તો, 1955માં દેવ આનંદ અને દિલીપકુમારે એકસાથે કામ કર્યું. 'ઇન્સાનિયત' એકમાત્ર એવી ફિલ્મ હતી જેમાં બંને સાથે જોવા મળ્યા હતા. અને આ કદાચ એક જ ફિલ્મ હશે જેમાં તમે દેવ આનંદને ગામડાના પરિવેશમાં ધોતી–કુર્તામાં જોઈ શકો છો. બે મોટા ઍક્ટર ધરાવતી આ ફિલ્મ સફળ નહોતી થઈ શકી.

રાજ કપૂર અને દેવ આનંદ બંનેએ 'શ્રીમાનજી' નામની એક ફિલ્મમાં કૅમિયો કર્યો હતો; જોકે, બંનેના એકબીજા સાથે એક પણ સીન નહોતા.

દેવ, રાજ અને દિલીપની દોસ્તી

દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, ફિલ્મો, મનોરંજન, બોલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એ સમયના સોવિયેત યુનિયનમાં રાજ કપૂર તેમની ફિલ્મોને કારણે અતિશય લોકપ્રિય હતા

દેખીતું છે કે ત્રણે સ્ટાર વચ્ચે કમ્પિટિશન હતી, પરંતુ બેમિસાલ દોસ્તી પણ હતી અને જ્યાં દોસ્તી હોય ત્યાં ગેરસમજોની શક્યતાઓ પણ ઊભી થતી હોય છે.

આનો સંદર્ભ દેવ આનંદે પોતાની આત્મકથા 'રોમૅન્સિંગ વિથ લાઇફ'માં આપ્યો છે, જેમાં તેઓ પોતાના, ઝીનત અમાન અને રાજ કપૂરના સંબંધની વાત કરે છે.

દેવ આનંદે લખ્યું છે, "ઝીનત અમાનને હું ફિલ્મોમાં લઈ આવ્યો હતો. એક સમયે મને લાગ્યું કે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે. મેં વિચાર્યું કે હું એને દિલની વાત કહી દઈશ. હું તેને એક પાર્ટીમાંથી લેવા ગયો, પરંતુ ત્યાં સૌથી પહેલાં રાજ કપૂર ઝીનતને મળ્યા અને તેઓ હાથ ફેલાવીને તેને ભેટ્યા."

"એવું લાગતું હતું કે આ કદાચ પહેલી વાર નહોતું થયું. ઝીનતે પણ જે રીતે તેનો જવાબ આપ્યો તે પણ કંઈક ખાસ લાગી રહ્યો હતો. ઝીનત રાજને પગે લાગી. રાજે મારો હાથ જોરથી પકડી લીધો, જાણે કે કોઈ ખોટા કામની ભરપાઈ કરી રહ્યા હોય. મને શંકા થવા લાગી."

"મારું દિલ તૂટી ગયું. મેં એક સંબંધને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો, જેમાં બંને તરફથી કશું કમિટમેન્ટ તો નહોતું, પણ તે ઈમાનદાર હતો."

જોકે, ઝીનત અમાને આ બધી વાતોનું ખંડન કરતાં 2023માં પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું, "જ્યારે મેં મારી કરિયરની શરૂઆત કરી ત્યારે એ દિલીપકુમાર, દેવસા'બ અને રાજ કપૂરનો ગોલ્ડન ટ્રાયોનો સમય હતો. રાજ કપૂરજીની ફિલ્મ માટે પસંદ થવું મોટી વાત હતી, પરંતુ મને બિલકુલ ખબર નહોતી કે દેવસા'બ આ વાતોને ખોટી સમજી રહ્યા છે."

"જ્યારે દેવસા'બનું પુસ્તક પ્રકટ થયું ત્યારે હું ખૂબ ગુસ્સે થઈ હતી. જેમાં તેમણે ઇશારો કર્યો કે રાજજી અને મારી વચ્ચે નિર્દેશક–હીરોઇનના સંબંધથી વધારે કશુંક હતું. પરંતુ, એમ પણ વિચાર્યું કે દેવ આનંદ એક રેર ટૅલેન્ટ હતા, જેમના માટે મારા દિલમાં માત્ર આભાર છે. હું દેવસા'બના નામ માટે કશું અપમાન સહન નહીં કરું."

દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, ફિલ્મો, મનોરંજન, બોલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PENGUIN VIKING

ઇમેજ કૅપ્શન, દેવ આનંદે તેમની આત્મકથા 'રૉમાન્સિંગ વિથ લાઇફ'માં લખ્યું હતું કે રાજ કપૂર વિશે તેમને પોતાના રશિયા પ્રવાસમાં વધુ જાણવાનો મોકો મળ્યો હતો.

જોકે દેવ આનંદે, આ બધી વાતો, પોતાની આત્મકથામાં રાજ કપૂરના અવસાનનાં ઘણાં વર્ષો પછી લખી અને ક્યારેય સાર્વજનિક સ્તરે કશું નથી કહ્યું.

તેમણે પોતાના પુસ્તકમાં રાજ કપૂર વિશે લખ્યું છે, "અમે સાથે સોવિયત સંઘ ગયા હતા. ત્યાં અમારા બધામાંથી રાજ કપૂર સૌથી લોકપ્રિય વ્યક્તિ હતા. અમે જ્યાં ક્યાંય જતા હતા, સૌ કોઈની એક જ માગ રહેતી હતી કે રાજ કપૂર 'આવારા હૂં' ગાય. તેઓ પણ, પિઆનો સ્ટૂલ પર બેસીને, જુસ્સાભેર ગાતા હતા અને લોકો તેમને વોડકાનો ગ્લાસ આપતા હતા."

"તેઓ એટલા બધા મશહૂર હતા કે પછીથી જ્યારે ભારતીયો રશિયા જતા હતા તો લોકો પૂછતા હતા, તમે આવારાની માતૃભૂમિના છો? જ્યારે જવાહરલાલ નહેરુ પ્રથમ વાર સોવિયત સંઘ ગયા ત્યારે તેઓ પણ રાજ કપૂરની લોકપ્રિયતાના લીધે કૉમ્પ્લેક્સમાં આવી ગયા હતા. પછીથી ભારતમાં એક કાર્યક્રમમાં પંડિતજીએ અમને ત્રણેને એટલે કે મને, રાજ અને દિલીપને બોલાવ્યા હતા અને અમને ભેટી પડ્યા હતા."

દિલીપકુમારે પણ પોતાની આત્મકથામાં દેવ આનંદ અને રાજ કપૂર સાથેની પોતાની દોસ્તીના ઘણા પ્રસંગો આલેખ્યા છે.

આ ત્રણ સ્ટારનો જન્મ અવિભાજિત ભારતના એવા ભાગોમાં થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. દેવ આનંદ ગુરદાસપુરથી હતા, તો રાજ કપૂર અને દિલીપકુમાર પેશાવરથી.

દિલીપકુમારનું પુસ્તક વાંચીને તમે અનુમાન કરી શકો છે કે આ ત્રણે વચ્ચે જો કમ્પિટિશન રહી હશે તો સાથે, સન્માન અને પ્રેમનો પણ સંબંધ હતો.

રાજ કપૂર ઘણી વાર મીડિયા ઇન્ટરવ્યૂમાં કહેતા હતા કે જો દિલીપ ક્યારેક લગ્ન કરશે તો તેઓ ઘૂંટણિયાભેર તેમના ઘરે જશે. જ્યારે ખરેખર દિલીપના નિકાહ થયા ત્યારે પોતે કરેલા વાયદા પ્રમાણે રાજ કપૂર સાચોસાચ ઘૂંટણિયાભેર દિલીપકુમારના ઘરે ગયા હતા. જ્યારે રાજ કપૂર જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે દિલીપકુમાર તેમને મળવા ગયા હતા.

દિલીપકુમારની આત્મકથામાં ઋષિ કપૂરે આનો ઉલ્લેખ કંઈક આ રીતે કર્યો છે : "રાજસાહેબની સ્થિતિ ગંભીર હતી. દિલીપ અંકલ રાજસાહેબના રૂમમાં ગયા અને બોલવા લાગ્યા, જો રાજ હું હજુ હમણાં જ પેશાવરથી આવ્યો છું. ત્યાંના ચપલી કબાબની ખુશબો તારા માટે સાથે લઈ આવ્યો છું. આપણે બંને સાથે પેશાવર જઈશું, ગલીઓમાં ફરીશું, જૂના દિવસોની જેમ કબાબ અને રોટીની મજા માણીશું. રાજ તમે મને પેશાવરવાળા ઘરના આંગણે લઈ જશો?"

પરંતુ, તે દિવસે રાજ કપૂરે જાણે પોતાના દોસ્તની વિનતી પણ સાંભળી નહીં. ત્રણે દોસ્ત હવે કદાચ પોતપોતાના અંદાજમાં આ વર્ષગાંઠ ઊજવી પણ રહ્યા હશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.