શું કૅન્સરની સારવાર કોઈ પણ દવા વિના થઈ શકે, ઘરગથ્થુ ઇલાજ આ જીવલેણ રોગ સામે કેટલા અસરકારક?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓએ જણાવ્યું છે કે પરંપરાગત દવાઓને બદલે આહારમાં ફેરફાર અને વૈકલ્પિક ઉપચારના ઉપયોગથી તેમને કૅન્સર મટાડવામાં મદદ મળી છે. કૅન્સર માટે કામ કરતી મોટા ભાગની ચૅરિટી સંસ્થાઓ પ્રમાણે વૈકલ્પિક ઉપચારો કૅન્સરની સારવાર અથવા ઇલાજમાં મદદરૂપ છે કે કેમ તે દર્શાવતા કોઈ તબીબી પુરાવા નથી. તેથી સવાલ થાય કે આ ઉપચારો શું છે અને તેનો ઉપયોગ શા માટે વધી રહ્યો છે?
ટોચના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજકારણી નવજોતસિંહ સિદ્ધુએ નવેમ્બરમાં જણાવ્યું હતું કે તેમનાં પત્ની લીંબુ પાણી, કાચી હળદર, ઍપલ સાઇડર વિનેગર, લીમડાનાં પાન, તુલસી, કોળું, દાડમ, આમળા, બીટરૂટ અને અખરોટ જેવી સામગ્રી આહારમાં ઉમેરીને કૅન્સરમાંથી મુક્ત થયાં હતાં.
એ વીડિયો વાઇરલ થયા પછી એક ભારતીય હૉસ્પિટલના 200થી વધુ કૅન્સર નિષ્ણાતોએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે એ પૈકીની કેટલીક સામગ્રી વિશે સંશોધન ચાલુ છે, પરંતુ તેના ઉપયોગને સમર્થન આપતા કોઈ પુરાવા નથી. "અપ્રમાણિત ઉપચારો" ને અનુસરીને કૅન્સરની સારવારમાં વિલંબ ન કરવા તેમણે લોકોને વિનંતી કરી હતી.
ઑસ્ટ્રેલિયન મૉડેલ એલે મેકફરસને સપ્ટેમ્બરમાં જાહેર કર્યું હતું કે તેમને બ્રેસ્ટ કૅન્સર થયાનું નિદાન સાત વર્ષ પહેલાં થયું હતું અને તેમણે કીમોથેરાપીને બદલે "સાહજિક, હૃદયપ્રેરિત હોલિસ્ટિક અભિગમ"નો ઉપયોગ કર્યો હતો.
ડૉક્ટરોના જણાવ્યા મુજબ, સ્તન કૅન્સરની સારવાર માટે કિમોથેરપી જેવી પરંપરાગત સારવારની સાથે એક્યુપંક્ચર, યોગ અને ધ્યાન જેવા પૂરક ઉપચારોનો ઉપયોગ ઘણી વાર કરવામાં આવે છે. તે સુખાકારીમાં અને પીડાને દૂર કરવામાં મદદ કરી શકે છે, પરંતુ ખાસ કરીને મેડિકલ ટ્રીટમેન્ટને બદલે માત્ર વૈકલ્પિક ઉપચારોની તરફેણ ડૉક્ટર્સ સામાન્ય રીતે કરતા નથી. વૈકલ્પિક ઉપચારોમાં ચોક્કસ આહાર, ખનિજો અને વિટામિનનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, FB
કૅન્સર માટે કામ કરતી ચૅરિટી સંસ્થાઓ પણ ચેતવણી આપે છે કે કેટલાક વૈકલ્પિક ઉપચારો હાનિકારક હોઈ શકે છે, આડઅસરોનું કારણ બની શકે છે અને તબીબી સારવારમાં અડચણ પણ બની શકે છે. 2018ના જામા ઑન્કોલૉજીના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કૅન્સરના દર્દીઓ દ્વારા કરવામાં આવતો પૂરક તથા વૈકલ્પિક ઉપચારનો ઉપયોગ જીવતા રહેવાની ઓછી તક સાથે સંકળાયેલો હતો.
આમ છતાં કૅન્સરના ઘણા દર્દીઓ પૂરક તથા વૈકલ્પિક ઉપચારો કરતા હોય છે અને તેની લોકપ્રિયતા વધી રહી છે. અમેરિકન સોસાયટી ઑફ ક્લિનિકલ ઑન્કોલોજી ઓપિનિયન્સ સર્વેનું તારણ સૂચવે છે કે અમેરિકામાં પુખ્ત વયના લગભગ 40 ટકા લોકો માને છે કે કૅન્સરની સારવાર માત્ર વૈકલ્પિક ઉપચાર દ્વારા કરી શકાય છે.
'કૅન્સર નિવારણ' વિશેના વીડિયોઝને ઓનલાઇન લાખો વ્યૂઝ મળે છે અને એમેઝોન પર કૅન્સર ડાયટ બૂક્સ સૌથી વધુ વેચાતી હોય છે. ઇન્ફ્લુઅન્સર્સ દ્વારા એક ટ્વિટર થ્રેડને વ્યાપકપણે શૅર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે કૅન્સર સામે "કુદરતી રીતે", મોટા ભાગે માત્ર આહારમાં ફેરફાર કરીને લડી શકાય છે. આ થ્રેડને માત્ર 48 કલાકમાં બે લાખ લાઇક્સ મળી હતી. એ પોસ્ટમાં લોકોને જણાવવામાં આવ્યું હતું કે કૅન્સરને "ભૂખથી મારવા" ઉપવાસ કરો અને "તમારા ડીએનએને હેક કરવા" તથા "સ્ટેમ સેલ્સ વધારવા" અમુક ચોક્કસ ખોરાક ખાઓ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅન્સર ચૅરિટી મેકમિલનના જણાવ્યા મુજબ, તમે વૈકલ્પિક ઉપચારનો ઉપયોગ કરવાનું વિચારતા હો તો તમારા કૅન્સર ડૉક્ટરની સલાહ અને મદદ લો.
આનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખોટી માહિતી અહીં એક ભૂમિકા ભજવે છે. વૈકલ્પિક ઉપચારને કોઈ પુરાવા વિના સોશિયલ મીડિયા પર "ચમત્કારિક ઉપચાર" ગણાવવામાં આવે છે.
એક બ્રિટિશ કૅન્સર સર્જન ડૉ. લિઝ ઓ'રિઓર્ડન કહે છે, "કૅન્સર ડરામણું છે. અમારે તમને જોખમ તથા ફાયદાની વાત કરવી પડશે. તમે આશા તથા નિશ્ચિતતા તેમજ ખાતરીબંધ ઇલાજ ઇચ્છો છો, પરંતુ મેઇનસ્ટ્રીમ ડૉક્ટર્સ તેનું વચન આપી શકતા નથી."
આ કહેવાતા "ઉપચાર"ને ઘણી વાર પીડારહિત અને કુદરતી ગણાવવામાં આવે છે, જે ગંભીર આડઅસર ધરાવતી પરંપરાગત, અસરકારક સારવાર કરતાં દયાજનક સ્થિતિમાં હોય તેવા દર્દીને આકર્ષક લાગી શકે છે.
બીજું કારણ એ છે કે વિશ્વના ઘણા દર્દીઓ માટે કૅન્સરની ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર સરળતાથી ઉપલબ્ધ નથી અને ઉપલબ્ધ હોય છે ત્યારે બહુ ખર્ચાળ હોય છે.
ડૉ ઓ'રિઓર્ડન કહે છે, "પૈસાની સમસ્યા હોય ત્યારે આ સસ્તા વૈકલ્પિક માર્ગો ખૂબ જ આકર્ષક હોઈ શકે છે. મારી ચિંતા એ છે કે તેમાં દયજનક સ્થિતિમાં હોય તેવા લોકો શિકાર બની રહ્યા છે. તેમને એવી પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે, જેની તેમને જરૂર નથી."
બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, આફ્રિકામાં કૅન્સર અને અસરકારક તબીબી સારવાર વિશેની વ્યાપક જાગૃતિનો અભાવ, પરંપરાગત તથા વૈકલ્પિક ઉપચારો પર વધુ પડતી નિર્ભરતા, ચિકિત્સકોની અછત તેમજ બહુ ઓછા લોકો સ્વાસ્થ્ય વીમા હેઠળ આવરી લેવાયેલા છે.
વૈકલ્પિક ઉપચાર પદ્ધતિને સંસ્કૃતિમાં પણ સામેલ કરી શકાય છે. આફ્રિકા, એશિયા અને ભારત પાસે પોતપોતાની પ્રાચીન હીલિંગ સિસ્ટમ તથા ફિલસૂફી છે, જે તેમનામાંના વિશ્વાસને વધારે છે. પરંપરાગત ચીની દવાઓ અને આયુર્વેદ કેટલીક બીમારીમાં મદદ કરતા હોવાના પુરાવા છે, પરંતુ કૅન્સરની સારવારમાં એ ઉપયોગી છે તેવું સૂચવતા પુરાવા બહુ ઓછા છે.
વૈશ્વિક સ્તરે સૌથી મોટા વૈકલ્પિક ઉપચારો અને આહાર શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ઉગાડવામાં આવતી હળદરને ઘણી વાર આયુર્વેદમાં કૅન્સરની વૈકલ્પિક સારવાર માનવામાં આવે છે. આયુર્વેદ પ્રાચીન ભારતીય ઉપચારપદ્ધતિ છે અને જડીબુટ્ટીઓ તથા માલિશ પર આધારિત છે. માર્કેટ રિસર્ચ ફ્યુચરના એક રિપોર્ટ અનુસાર, આયુર્વેદ વિશ્વભરમાં લોકપ્રિય બની રહ્યો છે. આ ઉદ્યોગનું કદ 2028 સુધીમાં ત્રણ ગણું થવાનું છે.
ભારતમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગમાં લેવાતા કૅન્સરના અન્ય વૈકલ્પિક ઉપચારોમાં નેચરોપથી, બાયોપથી, હોમિયોપથી, ઘરેલુ ઉપચાર, વ્હીટ ગ્રાસ થૅરપી, હાઇડ્રોથૅરપી, એક્યુપંક્ચર, ઑટો ઇમ્યુન થૅરપી, ઓસ્ટિયોપથી અને વિપશ્યનાનો સમાવેશ થાય છે, એમ લેન્સેટનો એક અહેવાલ જણાવે છે.
આ પૈકીની કેટલીક થૅરપી તબીબી સારવારની સાથે પીડા વ્યવસ્થાપનમાં મદદ કરી શકે, એમ જણાવતાં ડૉ ઓ'રિઓર્ડન ઉમેરે છે કે અન્ય કેટલીક કૅન્સરની સારવારમાં બહુ ઉપયોગી નથી.
કૅન્સર રિસર્ચ યુકેના જણાવ્યા મુજબ, હળદરમાં રહેલું કર્ક્યુમિન અમુક પ્રકારના કૅન્સરમાંના કૅન્સર કોષોને મારી શકે છે, પરંતુ એ બાબતે વધુ સંશોધનની જરૂર છે. હળદર અથવા કર્ક્યુમિન કૅન્સરને રોકી શકે અથવા તો તેની સારવાર કરી શકે એવું દર્શાવતા કોઈ પુરાવા નથી.
પરંપરાગત ચીની ઔષધ
પૂર્વ અને પશ્ચિમના દેશોમાં કૅન્સરના દર્દીઓમાં પરંપરાગત ચીની ઔષધો(ટીસીએમ)ના ઉપયોગનું વલણ વધી રહ્યું છે, પરંતુ ક્લિનિકલ ઑન્કોલૉજી જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ રિવ્યૂ લેખમાં જણાવ્યા મુજબ, એ દવાઓની સલામતી તથા અસરકારકતાના વૈજ્ઞાનિક પુરાવાઓ સામે ઑન્કોલૉજિસ્ટ્સ વારંવાર સવાલ ઉઠાવતા રહ્યા છે.
ડૉ ઓ'રિઓર્ડને જણાવ્યું હતું કે ડૉક્ટરની સલાહ સાથેની તબીબી સારવારમાં ટીસીએમનો ઉપયોગ કરી શકાય, પરંતુ કેટલાક હર્બલ ઉપચારો કૅન્સરની મેડિકલ ટ્રીટમેન્ટમાં ઇન્ટરએક્ટ કરે તેવું જોખમ હોય છે.
આહારમાં ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images
કેટો, શાકાહારી અને અન્ય રિસ્ટ્રિક્ટિવ ડાયટ્સ કૅન્સરના કોષોને "ભૂખે મારતા" હોવાના દાવા કરવામાં આવે છે અને આવી ડાયટ પણ વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની રહી છે.
એક કૅન્સરસંશોધક ડૉ. ડેવિડ રૉબર્ટ ગ્રિમ્સે બીબીસીને કહ્યું હતું, "તમે કૅન્સરના કોષોને ભૂખે મારી શકાતા નથી. તમે તમારી જાતને ભૂખી રાખી શકો છો. તમને કૅન્સર થયું હોય ત્યારે તમારું વજન ઘટે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે."
તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર આવા ઢગલાબંધ દાવાઓ કરવામાં આવે છે અને એ વાંચીને દર્દીઓ એવું વિચારે છે કે તેમના કૅન્સરનું કારણ તેઓ પોતે છે અને તેનાથી પણ વધારે ખરાબ વાત એ છે કે તેઓ જોખમને સમજ્યા વિના આ ડાયટ અપનાવે છે.
ભારતમાં મોહન દાઈ ઓસ્વાલ હૉસ્પિટલના કૅન્સર નિષ્ણાત ડૉ. કનુપ્રિયા ભાટિયા સોશિયલ મીડિયાથી પ્રભાવિત ન થવાની અપીલ દર્દીઓને કરે છે. તેઓ કહે છે, "તમારી જાતે કંઈ પણ ખાવા-પીવાનું શરૂ કરશો નહીં, કારણ કે એવું કરવાથી નુકસાન થઈ શકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
ફેનબેન્ડાઝોલ:
ફેનબેન્ડાઝોલ નામની દવાનો ઉપયોગ પ્રાણીઓમાં પેરાસિસ્ટિક ઇન્ફેક્શનની સારવાર માટે કરવામાં આવે છે. અન્ય વૈકલ્પિક ઉપચારો સાથે ફેનબેન્ડાઝોલ લેવાને કારણે પોતે કૅન્સરમુક્ત થયા હતા, એવું એક અમેરિકન ઉદ્યોગપતિએ જણાવ્યું પછી કૅન્સરની સારવાર તરીકે ફેનબેન્ડાઝોલની લોકપ્રિયતામાં વધારો થયો હતો. પોતે એ સમયે કૅન્સરની અન્ય સારવાર માટેની ક્લિનિકલ ટ્રાયલનો હિસ્સો હતા એ વાતનો ઉલ્લેખ ઉદ્યોગપતિએ કર્યો ન હતો.
આ દવા સમગ્ર દક્ષિણ કોરિયામાં વેચાય છે, ઘણા લોકોએ પોતાની કહેવાતી સારવારનું સોશિયલ મીડિયા પર ડોક્યુમેન્ટિંગ કર્યું છે. ફેફસાના કૅન્સરની બીમારી ધરાવતા એક હાસ્ય કલાકાર અને ગાયકે દાવો કર્યો હતો કે તેમણે આ દવા લીધી હતી અને તેનાથી આંશિક મદદ મળી હતી. જોકે, બાદમાં એવું કહીને એ દવા લેવાનું બંધ કરી દીધું હતું કે તે બિનઅસરકારક છે.
કૅન્સર રિસર્ચ યુકે જણાવે છે કે આ દવા સલામત કે અસરકારક સારવાર છે તે કોઈ ક્લિનિકલ પરીક્ષણમાં પુરવાર થયું નથી.
ગ્રેવિઓલા:
ગ્રેવિઓલા વૃક્ષનાં ફળ, પાંદડાં અને છાલનો ઉપયોગ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં અસંખ્ય રોગની સારવાર માટે કરવામાં આવે છે. ગ્રેવિઓલા કેટલાક ઇન્ફેક્શનમાં મદદરૂપ હોવાના પુરાવા પણ છે.
ગ્રેવિઓલામાં કૅન્સરના "ઇલાજ"ની ક્ષમતા હોવાના પુરાવા ઇન્ટરનેટ પર લાંબા સમયથી કરવામાં આવી રહ્યા છે. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે તે કીમોથૅરપી કરતાં 10,000 ગણું વધારે અસરકારક છે.
કૅન્સર ચૅરિટીઝ અને ફ્રેન્ચ નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટના કહેવા મુજબ, કૅન્સરની સારવાર માટે કોઈ "ચમત્કારિક આહાર" નથી.
ડૉક્ટરો અને કૅન્સર અંગે કામ કરતી સંસ્થાઓ શું કહે છે?
નિષ્ણાતો ચેતવણી આપે છે કે વૈકલ્પિક ઉપચારોનો ઉપયોગ જોખમી છે. સંશોધન સૂચવે છે કે તેનો ઉપયોગ કરતા દર્દીઓ પરંપરાગત સારવારથી દૂર રહે છે અને જીવન ટકાવી રાખવાની શક્યતા પર જોખમ સર્જે છે.
ડૉ. રીઓર્ડન કહે છે, "તબીબી સારવાર સાથે આ પૈકીની કેટલીક થૅરપી ઉપયોગી છે, પરંતુ સમસ્યા એ છે કે લોકો માત્ર વૈકલ્પિક ઉપચાર જ પસંદ કરે છે. આપણે જાણીએ છીએ કે લોકો માત્ર વૈકલ્પિક ઉપચાર જ પસંદ કરે તો તેમના મૃત્યુની શક્યતા અઢી ગણી વધી જાય છે."
ડૉ. ગ્રિમ્સે જણાવ્યું હતું કે કૅન્સરની તબીબી સારવાર મજબૂત વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે.
તેમણે કહ્યું હતું, "વિશ્વભરમાં દર્દીઓ કૅન્સરમાંથી મુક્ત થયાનું પ્રમાણ વધ્યું છે અને વિજ્ઞાનીઓ તથા ડૉક્ટરોના પ્રયાસને કારણે તે બહેતર થશે, વૈકલ્પિક ઉપચારોને કારણે નહીં."
ભારતની મૅક્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૅન્સર કેરના અધ્યક્ષ ડૉ. હરિત ચતુર્વેદીએ કહ્યું હતું, "કૅન્સર કોઈ એવો રોગ નથી, જેની સારવાર એકાદ જાદુઈ ફૉર્મ્યુલા દ્વારા કરી શકાય." કૅન્સરની આધુનિક મેડિસિન ટ્રીટમેન્ટ દરેક વ્યક્તિના કૅન્સરના પ્રકાર, કૅન્સરના કોષોમાં આનુવંશિક ફેરફારો, ઉત્પત્તિનાં અંગ અને રોગના ફેલાવાના પ્રમાણ જેવી બાબતો પર આધારિત છે.
ડૉક્ટરો સામાન્ય રીતે પૂરક ઉપચારનો ઉપયોગ કરતા લોકોને, તેમની બીમારીનો સારી રીતે સામનો કરવામાં મદદરૂપ થઈ શકે તેવા કોઈપણ પૂરક ઉપચારની હિમાયત કરતા હોય છે, પરંતુ મેડિકલ ટ્રીટમેન્ટને બદલે વૈકલ્પિક ઉપચારના ઉપયોગ સામે તેઓ કાયમ સાવધ કરતા હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












