કૉમેડિયન મુનવ્વર ફારૂકીના પુત્રને હતી તે કાવાસાકી બીમારી શું છે?

મુનવ્વર ફારૂકી, ગુજરાત, જૂનાગઢ, બીબીસી ગુજરાતી, કૉમેડિયન, કાવાસાકી બીમારી, હેલ્થ, આરોગ્ય, રોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુનવ્વર ફારૂકીએ જણાવ્યું કે તેમના પુત્રને ત્રણ ઇન્જેક્શન મારવાનાં હતાં, જે ઘણાં મોંઘાં હતાં

સ્ટૅન્ડઅપ કૉમેડિયન મુનવ્વર ફારૂકીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમના પુત્રને કાવાસાકી નામની બીમારી હતી.

મુનવ્વર ફારૂકીએ યૂટ્યૂબ પર એક પૉડકાસ્ટ 'સોશિયલ મીડિયા સ્ટાર વિથ જેનિસ'માં આ માહિતી આપી હતી.

ઇન્ટરવ્યૂ દરમિયાન ફારૂકીએ કહ્યું કે, જ્યારે ડૉક્ટરોએ તેમને આ બીમારી વિશે જણાવ્યું ત્યારે તેમના ગજવામાં માત્ર સાતસો-આઠસો રૂપિયા જ હતા, જ્યારે સારવાર માટેનાં ઇન્જેક્શનની કીમત 25 હજાર રૂપિયા હતી.

કાવાસાકી બીમારીના વાત જાણવા મળ્યા પછી મુનવ્વર ફારૂકીના ફેન્સ સોશિયલ મીડિયા પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે; સાથે જ આ બીમારી સાથે સંકળાયેલા કેટલાક સવાલ પણ છે.

તો ચાલો, આ બીમારીની કેટલીક માહિતી જાણીએ.

કાવાસાકી બીમારી શું છે?

મુનવ્વર ફારૂકી, ગુજરાત, જૂનાગઢ, બીબીસી ગુજરાતી, કૉમેડિયન, કાવાસાકી બીમારી, હેલ્થ, આરોગ્ય, રોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાવાસાકી બીમારીનું કારણ આનુવંશિક હોઈ શકે

દિલ્હીસ્થિત અટલ બિહારી બાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ ઍન્ડ આરએમએલ હૉસ્પિટલમાં પીડિયાટ્રિક્સ વિભાગના વડા ડૉ. દિનેશકુમારે બીબીસી સાથે કાવાસાકી બીમારી અંગે વાતચીત કરી.

તેમણે જણાવ્યું, "કાવાસાકી બીમારી એક ફેબ્રાઇલ એટલે કે તાવવાળી બીમારી છે, જેની મુખ્ય અસર હૃદય પર થાય છે."

તેમણે કહ્યું, "સામાન્ય રીતે આ બીમારી એક વર્ષથી ઓછી ઉંમરનાં, કે પછી એકથી બે વર્ષની ઉંમરનાં બાળકોમાં સૌથી વધારે જોવા મળે છે. પરંતુ પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોમાં પણ આ બીમારી હોય છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. દિનેશ અનુસાર, "આ બીમારી થવાનું કોઈ કારણ જાણવા નથી મળ્યું. સામાન્ય રીતે, સૌથી પહેલાં જાપાન, ચીન અને કોરિયામાં આ બીમારી જોવા મળી હતી; અને ધીમે ધીમે આખી દુનિયામાં તેના કેસ જોવા મળવા લાગ્યા."

ભારતમાં આ બીમારીના કેટલા કેસ છે, તેના આંકડા ઉપલબ્ધ નથી.

અમેરિકાના નૅશનલ સેન્ટર ફૉર બાયૉટેક્‌નૉલોજી ઇન્ફૉર્મેશન અનુસાર, કાવાસાકી બીમારી મુખ્યત્વે મધ્યમ અને નાની આર્ટરીઝ (ધમનીઓ)ને અસર કરે છે.

કોરોનરી આર્ટરીઝ પર તેની ખરાબ અસર થાય છે. આ એ ધમનીઓ છે જે લોહીને હૃદય સુધી પહોંચાડે છે.

કાવાસાકી બીમારી (કેડી)ને મ્યૂકોક્યૂટેનિયસ લિમ્ફ નોડ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલાં સંશોધનો અને અધ્યયનો દર્શાવે છે કે કેટલાંક ખાસ આનુવંશિક લક્ષણ બીમારી હોવાની આશંકા વધારી શકે છે.

આ બીમારી, સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં જોવા મળે છે, પરંતુ, તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે; એટલે સુધી કે યુવાનોમાં પણ. બીમારી સમયે બાળકોમાં તાવ જેવાં લક્ષણો જોવા મળે છે.

કાવાસાકી બીમારી અંગેનો પહેલો રિપોર્ટ ઈ.સ. 1967માં જાપાનના બાળરોગનિષ્ણાત તોમિસાકુ કાવાસાકીએ પ્રકાશિત કર્યો હતો.

કાવાસાકી બીમારીનાં લક્ષણ

મુનવ્વર ફારૂકી, ગુજરાત, જૂનાગઢ, બીબીસી ગુજરાતી, કૉમેડિયન, કાવાસાકી બીમારી, હેલ્થ, આરોગ્ય, રોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સામાન્ય રીતે કાવાસાકી બીમારીમાં બાળકોને તાવ આવે છે

ડૉ. દિનેશકુમારે કહ્યું, "સામાન્ય રીતે, કાવાસાકી બીમારીમાં બાળકોને તાવ આવે છે, જે ચારપાંચ દિવસ સુધી રહે છે."

"આ દરમિયાન મોઢામાં ચાંદી, મ્યૂકસ મેમ્બ્રેન લાલ પડી જવું, હોઠ ફાટી જવા, હોઠનું ક્રસ્ટિંગ થવું, હાથપગમાં સોજા ચડવા, ચામડી ઊખડવી, ગળામાં ગાંઠ, આંખોના પડદા લાલ થવા, ઓરલ કૅવિટીમાં ચાંદી પડવી અને લાલ થવું—આ પ્રકારનાં લક્ષણો જો તાવની સાથોસાથ હોય તો તે કાવાસાકી બીમારી હોઈ શકે છે."

ડૉ. દિનેશનું કહેવું છે કે જો આ બધાં જ લક્ષણો જોવા ન મળે અને આમાંનાં કેટલાંક લક્ષણો જ જોવા મળે, તો તેને 'એ ટિપિકલ કાવાસાકી' બીમારી કહેવામાં આવે છે.

ડૉ. દિનેશ કહે છે, "ઘણાં બધાં બાળકો સિમ્પલ આઇવીઆઇજી લગાડવાથી સાજાં નથી થતાં. એ સ્થિતિમાં તેને રેજિસ્ટન્ટ કાવાસાકી કહે છે. તેમાં ફરીથી આઇવીઆઇજી આપવામાં આવે છે."

તેમના કહ્યા અનુસાર, આઇવીઆઇજી મનુષ્યના સીરમમાંથી બને છે. તેને બનાવવા માટે લોકોના લોહીમાંથી એક ભાગ છૂટો પડાય છે, જેમાં ઘણી બધી બીમારીઓ સામે લડવાની ક્ષમતાઓ હોય છે.

ડૉ. દિનેશે કહ્યું, "આઇવીઆઇજી એટલા માટે આપવામાં આવે છે, કેમ કે, 20 ટકા દરદીઓની કોરોનરી આર્ટરીમાં સોજો આવી જાય છે. તેમાં લોહીના ગઠ્ઠા જામી શકે છે અને દરદીનું મૃત્યુ થઈ શકે છે."

"આવા દરદીઓને હાર્ટ-એટૅક આવી શકે છે અથવા તેમને હૃદયની બીમારી થઈ જશે; કાં તો ઓછું હરીફરી શકશે."

ડૉ. દિનેશે જણાવ્યું, "આ 20 ટકા દરદીઓને બચાવવા માટે કાવાસાકી બીમારી ધરાવતાં બધાં જ બાળકોને આઇવીઆઇજી આપવામાં આવે છે; કેમ કે, આપણી પાસે એવી કોઈ પદ્ધતિ નથી જેનાથી આપણે જાણી શકીએ કે તે 20 ટકા દરદી કયા છે."

સારવાર શી છે?

મુનવ્વર ફારૂકી, ગુજરાત, જૂનાગઢ, બીબીસી ગુજરાતી, કૉમેડિયન, કાવાસાકી બીમારી, હેલ્થ, આરોગ્ય, રોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાવાસાકી બીમારીની સારવાર દરમિયાન આઇવીઆઇજીનું ઇન્જેક્શન મારવામાં આવે છે (સાંકેતિક તસવીર)

ડૉ. દિનેશે કહ્યું, "આ બીમારી ઘણી ખતરનાક છે. સામાન્ય રીતે ડૉક્ટર સામાન્ય તાવ ગણીને તેની સારવાર કરે છે. અને જો કોઈના તાવ સાથે આ પ્રકારનાં લક્ષણો હોય કે મેલેરિયા, ડૅંગ્યૂ, ટાઇફોઇડની આશંકા સાથે પછીનાં ચારપાંચ દિવસમાં આ લક્ષણો દેખાવા લાગે તો ત્યારે અમે તેને કાવાસાકી બીમારી માનીએ છીએ."

ડૉ. દિનેશ કહે છે, "તેની સારવાર સિમ્પલ છે, પરંતુ મોંઘી છે. તેમાં બાળકને આઇવીઆઇજીનાં ઇન્જેક્શન અપાય છે, જે ઘણાં મોંઘાં હોય છે. એક ગ્રામ આઇવીઆઇજી દશથી પંદર હજાર રૂપિયાનું હોય છે."

"તેને શરીરના વજન પ્રમાણે આપવામાં આવે છે. નાનાં બાળકોનું વજન ઓછું હોય છે, તેથી, ઓછો ખર્ચ આવે છે; જ્યારે મોટાં બાળકો માટે આ દવા મોંઘી પડે છે."

અમેરિકાના નૅશનલ સેન્ટર ફૉર બાયૉટેક્‌નૉલોજી ઇન્ફૉર્મેશન અનુસાર, કાવાસાકીની સારવાર દરમિયાન કોરોનરી ધમનીઓના સોજા ઘટાડવાનો પ્રયાસ કરાય છે.

આ બીમારીનાં બેથી ચાર અઠવાડિયાં બાદ કોરોનરી આર્ટરી ઍન્યૂરિઝ્મ (સીએએ)નું જોખમ ખૂબ જ વધી જાય છે. તેમાં કોરોનરી ધમનીઓનો આકાર સામાન્ય કરતાં દોઢ ગણો વધી જાય છે.

કાવાસાકીની સારવાર દરમિયાન દરદીઓને દશથી બાર કલાકમાં આઇવીઆઇજી અને એસ્પિરિનનો હાઈ ડોઝ (એએસએ) આપવામાં આવે છે.

મુનવ્વર ફારૂકીએ શું જણાવ્યું?

મુનવ્વર ફારૂકી, ગુજરાત, જૂનાગઢ, બીબીસી ગુજરાતી, કૉમેડિયન, કાવાસાકી બીમારી, હેલ્થ, આરોગ્ય, રોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુનવ્વર ફારૂકીએ કહ્યું કે તેમના પુત્રને જ્યારે કાવાસાકી બીમારી હતી ત્યારે તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા

ઇન્ટરવ્યૂ દરમિયાન મુનવ્વર ફારૂકીએ કહ્યું, "મારો પુત્ર જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે તે ત્રણચાર દિવસ બીમાર પડ્યો. એ સમયે હું વિરાર (મુંબઈ)માં રહેતો હતો. ત્રણચાર દિવસ તે બીમાર રહ્યો. ડૉક્ટરે દવા આપી, પરંતુ તે સાજો ન થયો."

"પાંચમા દિવસે અમે તેને લઈ ગયાં. જ્યારે તેના બધા ટેસ્ટ વગેરે થયા ત્યારે ખબર પડી કે તેને કાવાસાકી બીમારી છે. આ બીમારીના કારણે હૃદય પાસે સોજો ચડી જાય છે."

મુનવ્વરે કહ્યું, "ત્યાર બાદ મેં ગૂગલ કર્યું અને બીમારી વિશે જાણ્યું. આ બીમારી ખૂબ જ રેર છે, જે દશ લાખ બાળકોમાંથી એકને થાય છે."

"ડૉક્ટરે કહ્યું કે આનો એક ઇલાજ છે, જેમાં દવા ઇન્જેક્ટ કરવામાં આવે છે. તેમાં ત્રણ ઇન્જેક્શન આપવામાં આવે છે અને કોઈ મશીનથી મુકાય છે. એ મશીન પણ તેમની પાસે નહોતું."

મુનવ્વર ફારૂકીએ કહ્યું, "એક ઇન્જેક્શન 25 હજારનું હતું. તે સમયે મારા ગજવામાં સાતસો કે આઠસો રૂપિયા હતા; અને બૅંક એકાઉન્ટમાં તો કશું જ નહોતું. જ્યારે મને ખબર પડી, તો મેં કહ્યું, ઠીક છે, હું લઈને આવું છું."

"મેં હસીને ખૂબ જ નૉર્મલી રિઍક્ટ કર્યું. ડૉક્ટરની સામે પણ હું શરમમાં મુકાવા નહોતો માગતો. તેમની સામે મેં એવો વર્તાવ કર્યો કે ઠીક છે, હું બસ હમણાં જ આપી દઈશ 75 હજાર."

તેમણે આગળ કહ્યું, "હું ખૂબ નૉર્મલી સીડીઓ ઊતર્યો અને હૉસ્પિટલની બહાર અડધો કલાક એક જ જગ્યાએ ઊભો રહ્યો. તે દરમિયાન હું કશું નહોતો વિચારતો. એકદમ બ્લૅન્ક હતો."

"જીવનમાં ક્યારેય જો હું ડર્યો છું તો એ સમયે ડર્યો, (કેમ)કે એ તો પૉસિબલ જ નથી; હું આટલા પૈસા ક્યાંથી લાવું! એ સમય એવો હતો કે; આ પળ મારા જીવનની સૌથી કઠિન પળ છે."

મુનવ્વર ફારૂકીએ કહ્યું, "હું જ્યાં પહેલાં કામ કરતો હતો, તેમની સાથે વાત કરી. બધું કહ્યું. તેમણે કહ્યું, ઠીક છે, આવી જા. પછી હું વિરારથી મુંબઈ સેન્ટ્રલ ટ્રેનથી ગયો અને ત્રણ કલાકમાં પૈસા અને ઇન્જેક્શન લઈને જે રીતે મુસ્કુરાતો હૉસ્પિટલમાંથી નીકળ્યો હતો એ જ રીતે પાછો ગયો."

"પરંતુ મને યાદ છે કે હું કેવી સ્થિતિમાં ગયો હતો; અને જ્યારે પૈસા લઈને આવ્યો હતો, ત્યારે પણ કેટલી શરમ સાથે આવી રહ્યો છું. બધો સમય, હું માત્ર એ વિચારી રહ્યો છું કે, પૈસાની અછત ઊભી નહીં થવા દઉં, ક્યારેય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.