રેખા : 'મારે મંદિર જવાની જરૂર નથી મારું ઘર જ મંદિર જેવું છે' માતાના નામે બનાવેલા બંગલાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, યાસિર ઉસ્માન
- પદ, ફિલ્મ ઇતિહાસકાર, બીબીસી હિંદી માટે
પ્રસિદ્ધિના ઝળહળાટથી દૂર રહેતાં એકાંતપ્રિય અને એક હદ સુધી રહસ્યમય રેખા.
એ રેખા જેઓ તેમની ભવ્ય સાડીઓ માટે અને વિખ્યાત, આકર્ષક તથા સફળ મહિલા તરીકે વધારે ઓળખાય છે. તેમના સેંથામાંના સિંદુર બાબતે ગૉસિપ ચાલતી રહે છે, પરંતુ બાળપણમાં તેમણે સહેલી પીડા અને ફિલ્મોદ્યોગમાંના તેમના લાંબા સંઘર્ષની વાતો થતી નથી.
ફિલ્મોથી દૂર હોવા છતાં રેખા તાજેતરના આઈફા ઍવૉર્ડ સમારંભ જેવા કાર્યક્રમોમાં પર્ફોર્મ કરે છે, ત્યારે તેમની ચર્ચા કોઈ નવી અભિનેત્રી કરતાં પણ વધારે થાય છે. એ સદાબહાર રેખા 70 વર્ષનો આંક પાર કરી ગયાં છે.
તેઓ 2014ની ફિલ્મ ‘સુપર નાની’ બાદ એકેય ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં નથી. સામાન્ય રીતે તેઓ ઇન્ટરવ્યૂ પણ આપતાં નથી. તેમના બંગલાની દીવાલોની પાર ફિલ્મી ફોટોગ્રાફર્સના કૅમેરા પણ પહોંચી શકતા નથી.
રેખા લાંબા સમય પછી ગયા વર્ષે (2023) ‘વૉગ’ સામયિકના મુખપૃષ્ઠ પર જોવા મળ્યાં, ત્યારે તેમના એ ઇન્ટરવ્યૂની ખાસ વાત એ હતી કે તેમણે વારંવાર તેમનાં માતાને યાદ કર્યાં હતાં.
...એટલે રેખા બન્યાં 'ઉમરાવજાન'

ઇમેજ સ્રોત, DO ANJAANE MOVIE POSTER
અહીં રેખાના ઘરનો ઉલ્લેખ પણ હતો, જેનું નામ તેમનાં માતા પુષ્પાવલ્લીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
મુંબઈના બાંદ્રા બૅન્ડસ્ટેન્ડ વિસ્તારમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનના ઘરથી થોડે દૂર રેખાનું ઘર આવેલું છે. એ બંગલાના અતીતમાં રેખા તથા તેમનાં માતા પુષ્પાવલ્લીના સંઘર્ષની દાસ્તાન પણ છૂપાયેલી છે.
દરેક વ્યક્તિની કહાણી માતાથી શરૂ થતી હોય છે, એ માતા જે પડછાયો બનીને સાથે રહેતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રેખાના જીવનમાં પણ માતા કદાચ સૌથી વધારે મહત્ત્વનું પાત્ર છે.
રેખા વિશેનું પુસ્તક લખતી વખતે તેમના જીવનનું આ અજાણ્યું પાસું મારી નજરે ચડ્યું હતું.
મેં ફિલ્મ દિગ્દર્શક મુઝફ્ફર અલીને પૂછ્યું હતું કે ‘ઉમરાવ જાન’ની ભૂમિકા માટે તમે રેખાને જ કેમ પસંદ કર્યાં હતાં, જ્યારે કે એ સમયે સ્થાપિત અને બહેતર અભિનેત્રી ગણવામાં આવતાં સ્મિતા પાટીલનો વિકલ્પ તમારી પાસે હતો.
મુઝફ્ફર અલીએ તરત કહ્યું હતું, “રેખાની આંખોમાં પટકાઈને ફરી ઊભા થવાની કેફિયત હતી. જિંદગી લોકોને ખળભળાવી નાખતી હોય છે. માણસ વારંવાર પટકાય છે, પરંતુ દરેક વખત એટલી જ તાકાતથી બેઠો ન થાય તો તેનામાં જીવવાનો અંદાજ પેદા થતો નથી. પટકાઈને વેરવિખેર થયા બાદ ફરી પૂર્વવત્ થવાનો આ અહેસાસ મને રેખાની આંખોમાં દેખાયો હતો.”
મુઝફ્ફર અલીએ જે અહેસાસનો ઉલ્લેખ કર્યો હતો તે કદાચ રેખાના અતીત, તેમનાં માતા સાથે જોડાયેલો છે, જેમાં દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવાની તેમજ તેના પર વિજય મેળવવાની દાસ્તાન પણ છે.
બાળપણનો સંઘર્ષ
આ કથાની શરૂઆત 1947થી થાય છે, જ્યારે મદ્રાસનો પ્રસિદ્ધ જેમિની સ્ટુડિયો તામિલ ફિલ્મ ‘મિસ માલિની’નું નિર્માણ કરી રહ્યો હતો. ફિલ્મનાં હિરોઇન એક નવી અભિનેત્રી પુષ્પાવલ્લી હતાં.
પોતાની નોકરી છોડીને આવેલા સુંદર યુવાન રામાસ્વામી ગણેશનને પણ એ ફિલ્મમાં એક નાનકડો રોલ મળ્યો હતો. ફિલ્મના સેટ પર બન્ને વચ્ચે ઘનિષ્ઠતા વધી હતી.
રામાસ્વામી ગણેશન, જેમિની ગણેશનના નામથી ભવિષ્યમાં તામિલ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર્સ પૈકીના એક બન્યા હતા. જેમિની અને પુષ્પાવલ્લીને ફિલ્મોમાં એક હીટ જોડી તરીકે ઓળખ મળી હતી.
જોકે, જેમિની પરણેલા હતા, પરંતુ પુષ્પાવલ્લી સાથેનો તેમનો સંબંધ જગજાહેર હતો.
1954ની દસમી ઑક્ટોબરે પુષ્પાવલ્લી અને જેમિનીની પહેલી દીકરીનો જન્મ થયો હતો. તેનું નામ રાખવામાં આવ્યું, ભાનુરેખા ગણેશન.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાનુરેખાનો જન્મ જ અફવાઓથી ઘેરાયેલો હતો. એ અફવાઓ અને અંગત જિંદગી સાથે જોડાયેલી ચર્ચાઓએ જીવનભર તેમનો પીછો છોડ્યો નથી. બાળપણમાં માતાએ જ તેમને કહ્યું હતું કે તેમનું નામ ભાનુરેખા ગણેશન છે.
એ નામ મારફત પુષ્પાવલ્લી દીકરીને એ અધિકાર આપવા ઇચ્છતાં હતાં, જેના માટે તેઓ આજીવન ઝંખતા રહ્યાં હતાં. ગણેશન નામ સન્માન અને ગરિમાનો અહેસાસ કરાવતું હતું.
ભાનુરેખા પછી પુષ્પાવલ્લીએ બે વધુ દીકરીઓને જન્મ આપ્યો હતો, પરંતુ ભાનુરેખાને નાનપણથી જ ખબર પડી ગઈ હતી કે તેમના પિતા અન્યત્ર રહે છે અને ત્યાં તેમનો બીજો પરિવાર પણ છે.
એ પરિવારને તેઓ પારાવાર પ્રેમ કરે છે. ભાનુરેખાએ સમગ્ર બાળપણમાં તેમનાં માતાને ધીમે-ધીમે તૂટતાં જોયાં હતાં. એક બાળકના મન પરનો આવો આઘાત આજીવન તેમની સાથે રહેતો હોય છે.
પુષ્પાવલ્લીએ પિતાની ખોટ પૂરવાના દરેક પ્રયાસ કર્યા હતા, પરંતુ એ આસાન ન હતું. પુષ્પાવલ્લીની વય વધી રહી હતી અને ફિલ્મોમાં કામ મળવાનું ઓછું થઈ રહ્યું હતું.
પોતાના પરિવાર માટે તેઓ સતત શૂટિંગમાં જતાં હતાં. 'મૂવી' મૅગેઝિનને મે, 1987માં આપેલી એક મુલાકાતમાં રેખાએ કહ્યું હતું, “અમારી માતા માટે અમારો પ્રેમ એક ઝનૂન હતો અને તેનું કારણ એ હતું કે તેઓ ક્યારેય ઘરે રહેતાં ન હતાં. તેઓ મોટાભાગના સમયમાં શૂટિંગમાં વ્યસ્ત રહેતાં."
"જે દિવસે તેઓ ઘરે હોય એ દિવસ અમારા માટે ઉત્સવ સમાન હતો. હું તેમના પર એ વાતે નારાજ થતી હતી કે તેમનું અમારા પર આટલું પ્રભુત્વ શા માટે છે અને અમને તેમની જરૂર હોય ત્યારે તેઓ અમારી પાસે શા માટે હોતાં નથી? તેમ છતાં મારા પર તેમનો મોટો પ્રભાવ કાયમ રહ્યો છે.”
પુષ્પાવલ્લીને ધીમે ધીમે ફિલ્મોમાં કામ મળવાનું ઓછું થઈ ગયું. પરિસ્થિતિ વણસી અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે કરજ લેવાની સ્થિતિ સર્જાઈ.
તણાવને કારણે પુષ્પાવલ્લીની તબિયત પણ ખરાબ થઈ ગઈ. કરજ વધતું હતું. આખો પરિવાર બરબાદીની અણી પર આવી ગયો હતો.
ફિલ્મી દુનિયાનું કાળું ડિબાંગ સત્ય

ભાનુરેખાને ફિલ્મી દુનિયા ખાસ પસંદ ન હતી. તેઓ તેમનાં માતાના સંઘર્ષમાં ફિલ્મી દુનિયાનું કાળું ડિબાંગ સત્ય જોઈ ચૂક્યાં હતાં, પરંતુ તેઓ પરિવારની છેલ્લી આશા હતાં.
ફિલ્મફૅર સામયિકને 1990માં આપેલી એક મુલાકાતમાં રેખાએ કહ્યું હતું, “નવમા ધોરણથી મારું ભણતર છોડાવી દેવામાં આવ્યું હતું અને 14 વર્ષની વયે મને કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાં સુધી મને એ ખબર ન હતી કે મારાં માતા પર કેટલું કરજ છે. તેથી મને ફિલ્મોમાં કામ કરવાની વાત યોગ્ય લાગી ન હતી.”
નસીબે એક એવી તક આપી, જ્યારે મુંબઈના એક ફિલ્મનિર્માતાએ રેખાને સાઇન કરવામાં રસ દાખવ્યો. પુષ્પાવલ્લી તેમની 13-14 વર્ષની વયની દીકરીને લઈને મુંબઈ પહોંચ્યાં.
રેખા પોતાનું શહેર છોડીને મુંબઈ તો આવ્યાં હતાં, પરંતુ અંદરથી બહુ ગભરાયેલાં હતાં. મુંબઈ શહેર તેમની એકલતા કે જબાનને સમજતું ન હતું.
રેખાને એ વાતે વારંવાર માતા પર ગુસ્સો આવતો હતો કે તેમની મરજી વિના તેમને અહીં ધકેલી દેવામાં આવ્યાં હતાં.
સિમી ગરેવાલને 2004માં આપેલી એક મુલાકાતમાં રેખાએ કહ્યું હતું, “મુંબઈ એક જંગલ જેવું હતું, જ્યાં હું કોઈ હથિયાર વિના આવી હતી. એ મારા જીવનનો અત્યંત ડરામણો દોર હતો...પુરુષોએ મારી સંવેદનશીલતાનો લાભ લેવાના પ્રયાસ કર્યા હતા...13 વર્ષની એક છોકરી સાથે આવું થાય તે બહુ ડરામણું હતું.”
પછી એક દિવસ ભાનુરેખાએ નક્કી કર્યું કે તેમનાં માતાને નથી મળ્યું એ સન્માન તેઓ જરૂર મેળવશે. મુંબઈમાં તેની શરૂઆત પોતાના નામમાંથી ગણેશન સરનૅમ હટાવવા સાથે થઈ હતી.
ભાનુરેખા હવે રેખા બની ગયાં. મુંબઈમાં રેખાનું પહેલું ઘર જુહૂમાં હોટેલ અજંતાનો રૂમ નંબર 115 હતો. એ રૂમમાં તેઓ તેમની પહેલી ફિલ્મની શૂટિંગ દરમિયાન માતા પુષ્પાવલ્લી સાથે રહ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
હિંદી ફિલ્મોમાં કામ કરવા આવેલાં રેખાને શરૂઆતમાં યોગ્ય હિંદી બોલતાં પણ આવડતું ન હતું. તેમના શ્યામ રંગ, વધારે વજન અને “33 ઇંચની કમર”ની સમગ્ર ફિલ્મોદ્યોગમાં મજાક ઉડાવવામાં આવી હતી.
રેખા એ સમયનો ઉલ્લેખ ઘણા ઇન્ટરવ્યૂમાં કરી ચૂક્યાં છે. 2008ની ત્રીજી ઑગસ્ટે તેમણે અંગ્રેજી દૈનિક 'ટૅલિગ્રાફ'ને કહ્યું હતું, “મારી ત્વચાના શ્યામ રંગ અને દક્ષિણ ભારતીય ચહેરાને કારણે મને હિંદી ફિલ્મોની ‘અગ્લી ડકલિંગ’ કહેતા હતા."
"એ સમયની હીરોઇનો સાથે મારી સરખામણી કરવામાં આવતી હતી અને હું તેમની સરખામણીએ કશું જ નથી, એવું કહેવામાં આવતું હતું ત્યારે મને બહુ દુઃખ થતું હતું.”
પહેલી જ ફિલ્મ ‘અનજાના સફર’માં એક કિસિંગ સીન માટે મજબૂર કર્યાના વિવાદથી માંડીને ફિલ્મોમાંથી કાઢી મૂકવાની ઘટનાઓ અને અનેક નિષ્ફળ સંબંધો સુધી રેખાના જીવનમાં નાટકીય ઘટનાઓની કમી ક્યારેય રહી નથી.
શરૂઆતમાં રેખા સાથે જાહેરાતો બનાવનાર ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલે મને કહ્યું હતું, “મેં રેખા સાથે કેટલીક ઍડ-ફિલ્મો કરી ત્યારે તેઓ 13-14 વર્ષનાં હશે."
"તેમને હિંદી આવડતું ન હતું અને તેઓ ફિલ્મોદ્યોગમાં ક્યા કારણોસર ટકી રહ્યાં તેનું મને આશ્ચર્ય થતું હતું, પરંતુ તેમની આંખોમાંની ચમક અને કૅમેરા સામેનો તેમનો જબરો આત્મવિશ્વાસ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. એ વખતે તેમનામાં કંઈક અલગ વાત હતી.”
સફળ ફિલ્મોનો સ્વર્ણિમ સમય
આ જબરા આત્મવિશ્વાસનું કારણ પોતાના માતા હોવાનું રેખા જણાવે છે, જે અત્યંત મુશ્કેલ સમયમાં પણ પડછાયાની જેમ તેમની સાથે રહ્યાં હતાં.
વોગ સામયિકને ગયા વર્ષે આપેલી મુલાકાતમાં રેખાએ કહ્યું હતું, “માતા મારાં મૅન્ટોર હતાં. તેમને જોઈને લાગતું હતું કે જાણે તેઓ દેવી છે. તેમણે પ્રેમ અને સૌમ્યતાથી જીવન જીવવાનું શીખવાડ્યું હતું. તેઓ મને કાયમ કહેતાં કે તું તારી આંખોમાંની ચમકને ક્યારેય ગુમાવતી નહીં.”
એ ચમક રેખાએ ક્યારેય ગુમાવી નહીં અને પછી થોડાં વર્ષોમાં સમય બદલાયો. ખાસ કરીને 1976ની ‘દો અન્જાને’ ફિલ્મમાં તેમના અભિનય પરત્વે બધાનું ધ્યાન આકર્ષાયું.
હિંદી બોલી ન શકતાં, વધારે વજન માટે ભદ્દી મજાક સહન કરનારાં રેખા 70ના દાયકાના અંત સુધીમાં કડકડાડ હિંદી-ઉર્દૂ બોલવા માટે અને બહેતરીન ફિટનેસ માટે ઓળખાવા લાગ્યાં હતાં.
પોતાની કારકિર્દીમાં હાર ન સ્વીકારવાનું ઝનૂન તેમને તેમનાં માતા પાસેથી મળ્યું હતું.
વોગ સામયિક સાથેની મુલાકાતમાં રેખાએ કહ્યું હતું, “માતાએ મને કાયમ શીખવ્યું હતું કે મૌલિકતાનો આગ્રહ રાખો. બીજા કહે એ નહીં, પરંતુ દિલ ઇચ્છતું હોય એ જ કરો.”
1980નું વર્ષ આવતાં સુધીમાં તો ‘ઘર’, ‘ખૂન-પસીના’, ‘મુકદ્દર કા સિકંદર’ અને ‘ખૂબસૂરત’ જેવી સફળ ફિલ્મો દ્વારા તેઓ ટોચની અભિનેત્રીઓની હરોળમાં આવી ગયાં.
પછી ‘ઇજાજત’, ‘કલયુગ’ અને ‘ઉત્સવ’ તેવી સમાંતર સિનેમાની ફિલ્મોમાં તેમણે યાદગાર અભિનય કર્યો.
80ના દાયકાના અંતમાં ચારે તરફ શ્રીદેવીનો જયજયકાર થતો હતો ત્યારે રેખાએ બ્લૉકબસ્ટર ‘ખૂન ભરી માંગ’ (1988)માં ઍક્શન રોલ ભજવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
રેખા સાથે ઘર અને ઇજાજત ફિલ્મો બનાવી ચૂકેલા દિગ્દર્શક-ગીતકાર ગુલઝારે મને કહ્યું હતું, “રેખા પાત્રને વસ્ત્રોની જેમ ધારણ કરી લે છે.”
હવે એ વિચારો કે જે અભિનેત્રીને શરૂઆતમાં હિંદી-ઉર્દૂ બોલતાં આવડતું ન હતું તેણે થોડાં વર્ષો બાદ અત્યંત સુંદર ઉર્દૂ બોલીને ‘ઉમરાવ જાન’ના રોલ માટે નૅશનલ ઍવૉર્ડ મેળવ્યો.
અમિતાભ સાથેના સંબંધની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
રેખાનો ઉલ્લેખ આજે પણ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથેની તેમની ઑનસ્ક્રીન કૅમેસ્ટ્રી અને અંગત જીવનમાં ગાઢ સંબંધ માટે વધારે કરવામાં આવે છે.
ઘણા અંશે તેનું કારણ રેખા પોતે પણ છે. તેઓ તેમના વ્યક્તિત્વ અને કારકિર્દીના મૅકઓવરનું શ્રેય કાયમ અમિતાભ બચ્ચનને જ આપે છે.
ક્યારેક ઇશારામાં તો ક્યારેક ફેરવી-ફેરવીને તેઓ જણાવતા રહ્યાં છે કે તેમની કાયાપલટની પ્રેરણા અમિતાભ જ છે. રેખા તેમના જીવનમાં અમિતાભના મહત્ત્વ વિશેની વાતો કાયમ શરમાઈને, સંકોચાઈને કરતાં રહ્યાં છે.
અમિતાભને કારણે પોતાની જિંદગીમાં થયેલા નાટકીય પરિવર્તને પોતાને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધાં એ કહેવાનું તેઓ ક્યારેય ભૂલતાં નથી. પોતાના જીવનમાં અમિતાભનું મહત્ત્વ માતા પુષ્પાવલ્લી જેટલું જ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આજે રેખાની સમગ્ર કારકિર્દી કરતાં પણ વધારે ઉલ્લેખ અમિતાભ સાથેના તેમના ગાઢ સંબંધનો જ થાય છે.
આ એક જ પાસાંની ચર્ચામાં રેખાની પોતાની મહેનત અને બેમિસાલ સફળતા, ખાસ કરીને પરિવાર પ્રત્યેના તેમના સમર્પણને ભૂલી જવામાં આવે છે.

ઇમેજ સ્રોત, SILSILA MOVIE
રેખા અને તેમનાં માતાનું સપનું એક મોટા અને સુંદર ઘરનું હતું. લાંબા સંઘર્ષ પછી 80ના દાયકાની શરૂઆતમાં રેખાએ તેમનાં માતાનું એ સપનું પણ સાકાર કર્યું હતું.
મુંબઈના બાંદ્રામાંના એ સુંદર ઘરનું નામ તેમણે તેમનાં માતા પુષ્પાવલીના નામ પર રાખ્યું છે. વૉગ સામયિકને આપેલી મુલાકાતમાં રેખાએ કહ્યું હતું, “મને મંદિરમાં જઈને પ્રાર્થના કરવાની જરૂર પડતી નથી. મારું ઘર જ મંદિર જેવું છે.”
રેખાનાં નાના બહેન ધનલક્ષ્મીના પતિ અને અભિનેતા તેજ સપ્રુએ મને કહ્યું હતું, “રેખા એકાકી યોદ્ધા છે. તમામ બહેનો માતાને બહુ પ્રેમ કરતી હતી, પણ રેખા માટે ખાસ છે, કારણ કે તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં ખરેખર બધું એકલા હાથે કર્યું છે."
"તેઓ શાનદાર રીતે લડ્યાં અને જીત્યાં. પોતાના પરિવારને આ સ્થાને પહોંચાડવા માટે તેમણે ઘણાં તોફાનોનો સામનો કર્યો છે.”
નકામી અસંખ્ય ફિલ્મોમાં કામ કરવા માટે રેખાની બહુ ટીકા કરવામાં આવી હતી, પરંતુ રેખાના જીજાજીના જણાવ્યા મુજબ, રેખાએ 70ના દાયકામાં આંખો બંધ કરીને ફિલ્મો સાઇન કરી હતી, કારણ કે તેમના પર તેમનાં માતા, બે ભાઈઓ અને ત્રણ બહેનોના મોટા પરિવારની જવાબદારી હતી.
જેટલી વધારે ફિલ્મો કરે એટલા વધારે પૈસા મળે. એ સમયે હીરો અને હિરોઇનોની ફી વચ્ચે મોટું અંતર હતું.
પરિવારની જવાબદારી સારી રીતે ઉપાડી

ઇમેજ સ્રોત, X/NFAIOFFICIAL
પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારી વિશે રેખાએ ફિલ્મફૅર સામયિકને 2011માં કહ્યું હતું, “ઘણીવાર તો હું મારી માતાની માતા પણ હતી અને ભાઈઓની બહેન પણ. મારો જન્મ થયો ત્યારથી મારામાં માતૃત્વનો ભાવ ઘણો વધારે રહ્યો છે."
"એ આજીવન મારી સાથે રહ્યો છે. મારી સાથે રહેનારા લોકોને તે લાગણી મળી છે, પરંતુ મને લાગે છે કે તે એક મહિલાની લાગણી જ હોઈ શકે છે.”
“કેટલાક લોકો જિંદગીના ઢાંચામાં ફીટ થઈ જાય છે. હું ઘરની કમાતી સભ્ય હતી. મારે રાતોરાત મોટા થઈને મારા પરિવાર, ભાઈ-બહેનોને સંભાળવાનાં હતાં. મારા ભાઈ કસમયે મૃત્યુ પામ્યા હતા."
"મેં મારા અનેક સહકલાકારોનાં ભાઈ-બહેનોને દારૂ અને ડ્રગ્સના નશામાં સપડાતાં જોયાં છે. મેં લાંબા સમય પહેલાં મારી જાતને વચન આપ્યું હતું કે હું મારા પરિવારને તેનાથી બચાવીશ.”
જાતને આપેલું વચન રેખાએ અક્ષરસઃ પાળ્યું. પોતાની બહેનોનાં લગ્ન કરાવ્યા બાદ 1990માં ખુદ રેખાનું પોતાના લગ્ન કરીને ઘર વસાવવાનું સપનું પણ સાકાર થઈ ગયું હતું.
તેમણે દિલ્હીના બિઝનેસમૅન મુકેશ અગ્રવાલ સાથે મુલાકાતના એક જ મહિનામાં લગ્ન કરી લીધાં હતાં, પરંતુ એ સંબંધ લાંબુ ટક્યો નહીં અને બન્ને અલગ થઈ ગયાં.
લગ્નના લગભગ સાત મહિના પછી 1990ની બીજી ઑક્ટોબરે મુકેશે આત્મહત્યા કરી હતી. મીડિયા માટે મુકેશની આત્મહત્યા સૌથી મોટી સનસનાટી હતી.
મીડિયા અને ફિલ્મોદ્યોગે મુકેશ અગ્રવાલના મોત માટે રેખાને જવાબદાર ઠેરવ્યાં હતાં. લોકોએ ઠેકઠેકાણે રેખાની ફિલ્મોનાં પોસ્ટર્સ પર કાળો રંગ ચોપડ્યો હતો.
બિંદાસ રેખા મહિનાઓ સુધી મૌન થઈ ગયાં. એ પછીનાં વર્ષે સુપરહીટ ફિલ્મ “ફૂલ બને અંગારે” સાથે વાપસી કરી ત્યારે રેખા સંપૂર્ણપણે બદલાઈ ગયાં હતાં.
તેમનાં માતા પુષ્પાવલ્લીનું એ જ વર્ષે મદ્રાસમાં લાંબી બીમારી બાદ મૃત્યુ થયું હતું. રેખાએ તેમની અંગત જિંદગીમાં અનેક ઉતાર-ચડાવ જોયા હતા, પરંતુ દરેક તબક્કે પુષ્પાવલ્લી તેમની પડખે રહ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
પુષ્પાવલ્લીનું મૃત્યુ રેખા માટે જાણે કે એ વાતનો અહેસાસ હતું કે તેમના માતાં તેમનું સલામતી કવચ બનીને કાયમ તેમની સાથે હોય.
મા-દીકરી વચ્ચે કેટલો ગાઢ સંબંધ હતો તેનો પુરાવો અને ઉદાહરણ રેખાનો બંગલો છે. એ બંગલો આજે પણ રેખાના દિલની એકદમ નજીક છે.
મુકેશ અગ્રવાલની આત્મહત્યા અને માતાના દેહાંત પછી રેખા કદાચ સંપૂર્ણપણે બદલાઈ ગયાં. મીડિયાથી દૂર રહેવા લાગ્યાં. તેમના ઇન્ટરવ્યૂના સ્વર અને સૂર બન્ને બદલાઈ ગયા હતા.
અગાઉ તેઓ નિર્ભીક રીતે અને ઇમાનદારીથી જવાબો આપતાં હતાં, પરંતુ હવે તેમણે ખુદને જાણે કે સમેટી લીધાં હતાં.
પોતાની આસપાસ એક મજબૂત દીવાલ બનાવી લીધી, જે આજે પણ ક્યારેય તૂટતી નથી. રેખા જે જૂજ ઇન્ટરવ્યૂ આપે છે તેમાં પણ તેમના જવાબ તેમણે જાતે બનાવેલી મર્યાદાની અંદરના જ હોય છે.
રેખાએ જાણીજોઈને પોતાની એકાકી સ્વપ્નસુંદરી કે દીવાની ઇમેજ બનાવી હોય એવું લાગે છે. તેમના ઇન્ટરવ્યૂ હવે નિરાકાર અને દાર્શનિક બની ગયા છે.
જોકે, ‘પુષ્પાવલી’માં જીવતાં રેખા ફિલ્મોમાં સક્રિય ન હોવા છતાં ફિલ્મોદ્યોગનાં સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વો પૈકીનાં એક છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














