અજય જાડેજા જેના 'વારસદાર' બન્યા એ નવાનગર સ્ટેટની સ્થાપના કેવી રીતે થઈ હતી?

અજય જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images/Jamnagar.nic.in

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને ગુજરાતના પૂર્વ નવાનગર સ્ટેટના 'વારસદાર' જાહેર કરવામાં આવ્યા છે. તેઓ શત્રુશલ્યસિંહ જાડેજાના અનુગામી બનશે.

હાલ જામનગર તરીકે ઓળખાતા વિસ્તારના આ પૂર્વ શાસક શત્રુશલ્યસિંહે નિવેદન બહાર પાડીને આ વાતની જાહેરાત કરી હતી. અજય જાડેજા તેમના 'સીધી લીટીના વારસદાર' નથી.

અજય જાડેજા પહેલાં રણજિતસિંહ અને દુલીપસિંહ આ પરિવારના વિખ્યાત ક્રિકેટર છે. બંનેના નામથી 'રણજી' અને 'દુલીપ' ટ્રૉફી રમાય છે. આ સિવાય પરિવારના કેટલાક લોકોએ બ્રિટિશકાળ અને સ્વતંત્રતા પછી પણ સેનામાં સેવાઓ આપી છે.

તત્કાલીન નવાનગરના પાટનગર તરીકે જામનગરની સ્થાપના 1540માં થઈ હતી. અને તેની કહાણી કચ્છથી શરૂ થાય છે.

જાડેજાઓ એક તબક્કે કચ્છના રાજવીઓ હતા, પરંતુ 'પૅલેસ પૉલિટિક્સ' અને આંતરિક વેરઝેરને કારણે તેમણે પોતાનો વિસ્તાર છોડી દીધો. લગભગ 480 વર્ષ પહેલાં તેમણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નવા શાસનની સ્થાપના કરી.

પૅલેસ પૉલિટિક્સથી શરૂઆત

દિગ્વિજયસિંહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તત્કાલીન નવાનગર સ્ટૅટના મહારાજા દિગ્વિજયસિંહ કાઠિયાવાડના રાજ્યપ્રમુખ બન્યા ત્યારે

કચ્છમાં જામરાવળ તથા જામહમીર વચ્ચે સીમાઓ અંગે બાપ-દાદાના સમયથી વિવાદ ચાલતો હતો, ત્યારે જામરાવળે પહેલ કરી અને જામહમીરની રાજધાની હબાઈ આવીને સમાધાન કર્યું. એ પછી જામહમીરજીએ પોતાની રાજધાનીને લખિયારવીરા ખસેડી અને ત્યાં જઈને રાજ્યાભિષેક કર્યો.

આ બાજુ રાવળે તેમના ભાયાત હમીરનો વિશ્વાસ સંપાદિત કર્યો, પરંતુ તેમના મનમાં બીજી યોજના ચાલતી હતી. તેમણે જામહમીરને પોતાને ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું.

'કચ્છનો સર્વાંગી ઇતિહાસ'માં (ભાગ-1, પેજ 120-130) બાપાલાલ જાડેજા લખે છે કે 'હમીરજીનો વિશ્વાસ જીતી લેવામાં રાવળને સફળતા મળી. વિશ્વાસ બેસતા જામ હમીરજીએ જવાનું નક્કી કર્યું. '

એ સમયે તેમના કુંવર રાયબજી પારકર વીરાવાવમાં તેમના મોસાળે ગયા હતા. ખેંગારજી તથા સાહેબજી તેમની સાથે જ હતા.

'વિંઝણામાં જામરાવળજીનાં કાકી રહેતાં, જેઓ જામખેંગારજીનાં સગાં માસીબા થતાં. તેમને કાવતરાંની ગંધ આવી ગઈ હતી, એટલે તેમણે બંને કુંવરને રાતવાસો કરવા માટે પોતાને ત્યાં બોલાવી લીધા.'

રણમલ તળાવની તસવીર

ઇમેજ સ્રોત, jamnagar.nic.in

'શ્રીયદુવંશપ્રકાશ'ના (દ્વિતીય ખંડ, પેજ 163-169) વિવરણ પ્રમાણે, 'જામરાવળે દગાથી જામહમીરજીની હત્યા કરી. આ બાજુ, માસીએ વિશ્વાસુ નોકર મારફત બંને કુંવરો ખેંગારજી તથા સાહેબજીને અમદાવાદ મોકલી આપ્યા.'

'જ્યાં તેમણે ગુજરાતના એ સમયના સુલતાન મહંમદ બેગડાની મદદ માગી હતી, જેઓ આ બંને રાજકુંવરોના સાવકા બનેવી થતા. રાવ ખેંગારને સુલતાનનું સમર્થન મળ્યું એ પછી તેમણે ધીમે-ધીમે જામરાવળની જમીન પર કબજો કરવાનું શરૂ કર્યું.'

એક તબક્કે જામરાવળે સૌરાષ્ટ્ર-હાલારની વાટ પકડી અને સદાને માટે કચ્છનો ત્યાગ કર્યો.

'શ્રીયદુવંશપ્રકાશ'માં (ખંડ બીજો, પેજ 167-168) ઉલ્લેખ પ્રમાણે, 'જામખેંગાર સાથે લડાઈ કરવા જતી વખતે જામરાવળ આશાપુરાના મંદિરે આજ્ઞા લેવા ગયા.'

ત્યારે તેમને આભાસ થયો કે 'મારા ખોટા સોગન ખાઈને તમે હમીરજી સાથે દગો કર્યો છે માટે કચ્છ છોડીને બીજે ક્યાંય જશો, તો મારાથી સહાય થશે.' આથી જામરાવળે ઈસર બારોટને સાથે રાખીને સમાધાન કર્યું.

નવાનગરની સ્થાપના

વીડિયો કૅપ્શન, જ્યારે જામનગરના મહારાજાએ પોલૅન્ડના અનાથ બાળકોને આશ્રય આપ્યો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જામરાવળે નવા શહેરની સ્થાપના કરી, જે 'નવાનગર' તરીકે ઓળખાયું. તત્કાલીન 'જામ'શાસકોના નામથી આ વિસ્તાર જામનગર તરીકે ઓળખાયો.

ગુજરાતી વિશ્વકોશમાં શહેર વિશે આપવામાં આવેલી માહિતી પ્રમાણે, જામરાવળે તેમના પિતા જામલાખાની હત્યા માટે કારણભૂતમાંથી એક મનાતા જામતમાચી પાસે પોતાના સૈન્ય માટે અનાજ માગ્યું.

જામતમાચીએ ધૂળ મોકલી. તેને શુકન માનીને તમાચી પર ચઢાઈ કરી અને આમરણને કબજે કર્યું. જામરાવળે વર્ષ 1535માં કચ્છના દક્ષિણે આવેલા નવલખી બંદર પાસે દહીંસરા ગામ ખાતે પોતાનું શાસન જમાવ્યું.

અહીં રહીને જામરાવળ તથા તેમના ભાઈ હરધોળે એક પછી એક જમીનો ઉપર કબજો જમાવવાનું શરૂ કર્યું. હરધોળજીએ ચાવડાને હરાવીને (હાલના) જોડિયા અને ધ્રોળ વિસ્તારને પોતાને આધીન કર્યા.

જામરાવળે વાઢેલો પાસેથી ખંભાળિયા કબજે કર્યું. જામરાવળે વર્ષ 1540માં બેડ ખાતે સ્વતંત્ર રાજગાદી સ્થાપી. જેઠવાઓ પાસેથી નાગમતી અને રંગમતી નદીના કિનારે આવેલો નાગનેસ કબજે કરીને 'નવાનગર'ની સ્થાપના કરી.

ઘૂમલીમાંથી જેઠવા અને કાઠી તથા વાઢેલ હસ્તના પ્રદેશોને હસ્તગત કરીને હાલારમાં સાર્વભૌમ સત્તા સ્થાપી.

ગુજરાતી વિશ્વકોશમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, જામનગરમાંથી રાજકોટ, ધ્રોળ અને ગોંડલની શાખાઓ ફંટાઈ. ઉપરાંત ભાણવડ, ખીરસરા, જાલિયા, દેવાણી, વીરપુર, ખરેડી વગેરેમાં પ્રશાખાઓ પ્રસ્થાપિત થઈ.

સૌરાષ્ટ્રમાં મોરબીમાંનો જાડેજા વંશ કચ્છના મૂળ વંશની શાખારૂપે હતો. આ સિવાય માળિયા-મિયાણા અને કોટડા સાંગાણીમાં પણ જાડેજા કુળની રિયાસતો હતી.

'નવા'નગરનો ઇતિહાસ

ક્રિકેટર રણજીતસિંહની તસવીર

ઇમેજ સ્રોત, Darshan Thakkar

ઇમેજ કૅપ્શન, ક્રિકેટર રણજીતસિંહ

મુઘલકાળ દરમિયાન અમુક વર્ષ (ઈસ 1663-1709) દરમિયાન નવાનગરમાં તેમનું થાણું હતું અને તે 'ઇસ્લામાબાદ' તરીકે ઓળખાતું. એ પછીનાં વર્ષો દરમિયાન આયોજનબદ્ધ ઇમારતો, રહેણાક મકાનો, બગીચા અને સુવિધાઓને કારણે તે 'સૌરાષ્ટ્રના પેરિસ' તરીકે ઓળખાતું.

સ્વતંત્રતા પછી નવાનગરના તત્કાલીન શાસક જામદિગ્વિજયસિંહજીએ નવાનગર તથા સૌરાષ્ટ્ર વિસ્તારનાં રજવાડાંને ભારતીય સંઘ સાથે જોડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. ગુજરાતની સ્થાપના પછી નવાનગરને 'જામનગર' એવું નામ મળ્યું.

જોકે, તેના તમામ વિસ્તાર ઉપર જામનું પ્રભુત્વ હતું એવું ન હતું. હાલનો દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ એક સમયે જામનગરના ભાગરૂપ હતો.

લાખોટા તળાવ, સૉલેરિયમ, ભુજિયો કોઠો, ખીજડિયા પક્ષી અભયારણ્ય, મરીન નૅશનલ પાર્ક, દરબારગઢ, રણજિત સાગર, આયુર્વેદ યુનિવર્સિટી અને સ્મશાનગૃહ વગેરે આ વિસ્તારના આકર્ષણનાં કેન્દ્રો છે.

ખુશ્કીદળ, નૌકાદળ અને વાયુદળનાં મથકો જામનગર ખાતે આવેલાં છે. સમગ્ર ભારતમાં બહુ થોડાં એવાં સ્થળ હશે કે જ્યાં ત્રણેય સુરક્ષાબળોનાં મથક હોય અને જામનગર તેમાંથી એક છે.

કોણ છે અજય જાડેજા?

અજય જાડેજાની નિમણૂકની જાહેરાત કરતી પ્રૅસનોટ

ઇમેજ સ્રોત, ANI

પૂર્વ રાજવી શત્રુશલ્યજીએ દશેરાના દિવસે સાર્વજનિક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે અજય જાડેજા નવાનગર સ્ટેટના 'વારસદાર' બનવા માટે સહમત થઈ ગયા છે.

તેમણે પોતાના હરખની સરખામણી 14 વર્ષે અજ્ઞાતવાસમાંથી પરત ફરી રહેલાં પાંડવો સાથે કરી હતી અને કહ્યું હતું કે અજય જાડેજાનું 'જામસાહેબ' બનવું એ જામનગરના લોકો માટે આશીર્વાદરૂપ હશે.

અજય જાડેજાના પિતા દોલતસિંહ જામનગરના સંસદ રહ્યા છે. તેઓ અને શત્રુશલ્યસિંહ પારિવારિક ભાઈઓ થાય.

દોલતસિંહની લોકસભા પ્રોફાઇલ પ્રમાણે, તેઓ કૉંગ્રેસની ટિકિટ ઉપર વર્ષ 1971, 1980 અને 1984માં લોકસભાની ચૂંટણી જીતી સંસદસભ્ય બન્યા હતા.

આ પહેલાં તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતસ્તરે પણ પદાધિકારી હતા. વર્ષ 1989માં ભાજપના નેતા સામે દોલતસિંહનો પરાજય થયો હતો.

દોલતસિંહ 1977થી 1980 દરમિયાન ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા. દોલતસિંહ પોતે પણ ક્રિકેટર હતા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના વડાપદે પણ રહ્યા.

ક્રિકૅટ વૅબસાઇટ ક્રિકઇન્ફૉ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, અજય જાડેજાનો જન્મ પહેલી ફેબ્રુઆરી, 1971ના રોજ જામનગર ખાતે થયો હતો.

વર્ષ 1983માં ભારતને ક્રિકેટ વર્લ્ડકપ અપવાનારા કપિલ દેવે ક્રિકેટમાં અજય રહેવાના ગુણ જાડેજાને શીખવ્યા. બૅટિંગની આક્રમકતા, ચપળ ફિલ્ડિંગ તથા વિકૅટ વચ્ચેની ઝડપભેર દોડ દ્વારા તેમણે અનેક પ્રશંસક મેળવ્યા હતા.

જમણા હાથે મીડિયમ ફાસ્ટ બૉલિંગ તથા જમણેરી બલ્લેબાજ અજય જાડેજાએ 28મી ફેબ્રુઆરી, 1992ના રોજ શ્રીલંકા સામે વન-ડે ડૅબ્યુ કર્યું હતું. અજય જાડેજાએ પોતાની પહેલી ટેસ્ટ મૅચ નવેમ્બર-1992માં દક્ષિણ આફ્રિકા સામે ડરબન ખાતે રમી હતી.

અજય જાડેજાએ વર્ષ 2000માં પોતાની છેલ્લી વનડે (પાકિસ્તાન) અને ટેસ્ટ (દક્ષિણ આફ્રિકા) મૅચ રમી હતી.

વૅબસાઇટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ડિસેમ્બર-2000માં તેમની ઉપર બુકીઓ સાથે સંબંધ ધરાવવાના આરોપ લાગ્યા હતા, જેના કારણે તેમની કારકિર્દીમાં અવરોધ ઊભો થયો હતો.

જાડેજાના ક્રિકેટ રમવા ઉપર બીસીસીઆઈએ પાંચ વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. જેને પૂર્વ ક્રિકેટરે દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેના ચુકાદા બાદ અજય જાડેજાનું ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં પુનરાગમન થયું હતું. તેમણે દિલ્હી અને રાજસ્થાનની કપ્તાની કરી હતી.

આ અરસામાં અજય જાડેજાએ અભિનેતા સની દેઓલ સામે ફિલ્મ 'ખેલ' દ્વારા ડૅબ્યુ કર્યું હતું. આ સિવાય 'પલ પલ દિલ કે સાત'માં પણ ભૂમિકા ભજવી હતી. આ સિવાય 'ઝલક દીખલા જા' અને કપીલ શર્મા અને લાફ્ટર શૉના કાર્યક્રમોમાં દેખાયા હતા.

જાડેજાએ કૉમેન્ટેટર તથા દિલ્હી ક્રિકેટ ટીમના કૉચ તરીકેની ભૂમિકા ભજવી છે. આ સિવાય વર્ષ 2023માં તેઓ અફઘાનિસ્તાનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચ હતા. તેમના માર્ગદર્શનમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રભાવક પ્રદર્શન કર્યું હતું.

ક્રિકેટ કારકિર્દી દરમિયાન અજય જાડેજા 291 'એ' શ્રેણી (8304 રન), 196 વન-ડે (5359 રન) અને 111 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચો (8100) રમી છે. આ સિવાય 15 ટેસ્ટ મૅચમાં 24 ઇનિંગમાં 576 રન ફટકાર્યા છે.

અજય જાડેજાએ વન-ડે અને ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં અનુક્રમે 20 અને 54 વિકેટો લીધી છે. જ્યારે પ્રથમ શ્રેણીની મૅચોમાં 49 બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કર્યા હતા.

નવેમ્બર-2013માં નાગપુર ખાતે છેલ્લી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી. હવે તેઓ રાજવી તરીકે નવી ઇનિંગ શરૂ કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.