અમેરિકાનાં એ સાત રાજ્યો જે દેશના નવા રાષ્ટ્રપતિ નક્કી કરશે, કેવી રસાકસીની લડાઈ છે?

- લેેખક, જેમ્સ ફિત્ઝજેરાલ્ડ
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકામાં આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 24 કરોડ લોકો મતદાન કરવાને લાયક છે, પરંતુ તેમાંથી કદાચ બહુ થોડી સંખ્યામાં જ લોકો નક્કી કરવાના છે કે આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે.
નિષ્ણાતો માને છે કે યુએસની ચૂંટણીમાં કહેવાતા "સ્વિંગ" રાજ્યો બહુ મહત્ત્વનાં છે. ડેમોક્રેટ પાર્ટીનાં નેતા કમલા હેરિસ જીતશે કે પછી રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતવાના છે, તે આ રાજ્યોના મતદાન પર આધાર રાખશે.
તેમાંથી સાત રાજ્યો - એરિઝોના, જ્યૉર્જિયા, મિશિગન, નેવાડા, નૉર્થ કેરોલાઇના, પેન્સિલ્વેનિયા અને વિસ્કોન્સિનના હાથમાં વ્હાઇટ હાઉસની ચાવી છે તેમ કહી શકાય.
તેથી બંને નેતાઓ આ રાજ્યોના મતદારોને આકર્ષવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે.
એરિઝોના
ઇલેક્ટોરલ કૉલેજના મતઃ 538માંથી 11
રાજ્યની વસતીઃ 74 લાખ
2020ના વિજેતા: જો બાઇડન 10,000 મતથી જીત્યા
2020માં ડેમોક્રેટ્સે આ ગ્રાન્ડ કેન્યોન સ્ટેટના ટેકાથી પ્રમુખપદ મેળવ્યું હતું. 1990ના દાયકા પછી પહેલી વખત આ રાજ્યે ડેમોક્રેટના ઉમેદવારને સાંકડા માર્જિનથી જિતાડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રાજ્ય મેક્સિકો સાથે સેંકડો માઇલની ધરાવે છે. અમેરિકામાં ઇમિગ્રેશન ચર્ચામાં એરિઝોના કેન્દ્રબિંદુ બની ગયું છે.
તાજેતરના મહિનાઓમાં સરહદ પાર કરીને આવતા લોકોની સંખ્યા વિક્રમજનક સ્તરે છે, તેથી મતદારો ચિંતિત છે અને આ એક મહત્ત્વનો મુદ્દો બની ગયો છે.
ઇમિગ્રેશનના મામલે કમલા હેરિસના રેકૉર્ડની ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ઝાટકણી કાઢી છે, કારણ કે રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા કમલા હેરિસને સરહદની કટોકટી ઉકેલવા અને તેને હળવી બનાવવાનું કામ સોંપાયું હતું.
ટ્રમ્પ જો ફરીથી રાષ્ટ્રપતિ પદ મેળવશે તો તેમણે અમેરિકાના ઇતિહાસમાં "સૌથી મોટી ડિપોર્ટેશન કામગીરી" હાથ ધરવાનું વચન આપ્યું છે.
એરિઝોનામાં જ ગર્ભપાતના અધિકાર અંગે બહુ વિવાદાસ્પદ ચર્ચા થઈ છે. ગર્ભપાત પર 160 વર્ષથી લગભગ પ્રતિબંધ જેવી સ્થિતિ હતી જેને ફરીથી લાગુ કરવા આ સ્ટેટના રિપબ્લિકનોએ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
2022માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપતા સીમાચિહ્નરૂપ ચુકાદાને ઉથલાવી દીધો ત્યારથી આ મુદ્દે ભારે મતભેદ સર્જાયા છે.
જ્યોર્જિયા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇલેક્ટોરલ કૉલેજના મતઃ 538માંથી 16
રાજ્યની વસતીઃ 1.10 કરોડ
2020ના વિજેતા: જો બાઇડન 13,000 મતથી જીત્યા
2020ની ચૂંટણીમાં ટ્રમ્પના ટેકાથી રિપબ્લિકનોએ જે જગ્યાએ બાઇડનને હરાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તે રાજ્યો અમારા સ્વિંગ સ્ટેટ્સની સાથે મેળ ખાય છે.
જ્યોર્જિયાના ફુલ્ટન કાઉન્ટીમાં ટ્રમ્પ સામે ચૂંટણીમાં કથિત દખલગીરીનો આરોપ હતો જેના કારણે તેમની સામે ક્રિમિનલ કેસ થયો છે. (કુલ ચાર ક્રિમિનલ કેસમાંથી ટ્રમ્પને એક કેસમાં દોષિત જાહેર કરાયા છે જ્યારે બાકીના કેસ ચાલુ છે.)
ટ્રમ્પ અને બીજા 18 લોકો પર આરોપ છે કે આ સ્ટેટમાં બાઇડન સામે સાંકડા માર્જિનથી હારી ગયા પછી તેમણે આ પરિણામ ઉલ્ટાવવાનું કાવતરું ઘડ્યું હતું. ટ્રમ્પ પોતાના તરફથી કોઈપણ ગેરરીતિને નકારે છે. ચૂંટણી પહેલાં આ કેસ પર કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા વધુને વધુ ઓછી લાગે છે.
જ્યોર્જિયાની વસ્તીમાં ત્રીજો ભાગ આફ્રિકન-અમેરિકનોનો છે, જે અમેરિકામાં બ્લૅક લોકોના સૌથી મોટા પ્રમાણ પૈકી એક છે. આ ડેમોગ્રાફીના કારણે જ બાઇડનને 2020માં અહીં સફળતા મળી હતી તેમ માનવામાં આવે છે.
અમેરિકાના અશ્વેત મતદારોમાં બાઇડન વિશે અમુક ભ્રમણા દૂર થઈ છે અને તેઓ નારાજ એવું માનવામાં આવે છે, પરંતુ કમલા હેરિસના પ્રચારકોને આશા છે કે આ રાજ્યમાં તેઓ જીતી જશે.
મિશિગન
ઇલેક્ટોરલ કૉલેજના મતઃ 538માંથી 15
રાજ્યની વસતીઃ એક કરોડ
2020ના વિજેતા: બાઇડન 1.50 લાખ મતથી જીત્યા
ગ્રેટ લેક્સ સ્ટેટ તરીકે ઓળખાતા મિશિગનમાં છેલ્લી બે ચૂંટણીઓમાં જે જીત્યું તે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. 2020માં રાજ્યે બાઇડનને ટેકો આપ્યો હતો,પરંતુ ઇઝરાયલ-ગાઝા યુદ્ધમાં રાષ્ટ્રપતિએ ઇઝરાયલને ટેકો આપ્યો હોવાથી તેમની સામે રાષ્ટ્રવ્યાપી નારાજગીમાં આ રાજ્ય પ્રતીકરૂપ બન્યું છે.
ફેબ્રુઆરીમાં મિશિગનની ડેમોક્રેટિક પ્રાઇમરી દરમિયાન એક લાખથી વધુ મતદારોએ તેમના મતપત્રો પર "અનિશ્ચિત" નો વિકલ્પ પસંદ કર્યો હતો. અમેરિકા સરકાર ઇઝરાયલને મળતી સૈન્ય સહાય અટકાવે તેવા હેતુ સાથે અભિયાન શરૂ થયું છે જેમાં આ તારણ નીકળ્યું હતું.
મહત્ત્વની વાત એ છે કે મિશિગનમાં આરબ-અમેરિકનોનું પ્રમાણ સૌથી વધુ છે. આ એવો વર્ગ છે જે બાઇડનને ટેકો આપશે કે નહીં તે નક્કી ન હતું. પરંતુ કમલા હેરિસે ઇઝરાયલ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેથી ગાઝાના કેટલાક પ્રદર્શનકારીઓને આશા છે કે તેઓ તેમના આંદોલન માટે વધુ સહાનુભૂતિપૂર્વક વર્તશે.
ટ્રમ્પે સંભવિત જીતમાં આ રાજ્યના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. મધ્ય પૂર્વની ઘટનાઓ પર ટિપ્પણી કરતા, તેમણે ઇઝરાયેલને ગાઝામાં હમાસ વિરુદ્ધ તેની કાર્યવાહી "ઝડપથી પૂર્ણ કરવા" કહ્યું છે.
નેવાડા
ઇલેક્ટોરલ કૉલેજના મતઃ 538માંથી 6
રાજ્યની વસતીઃ 32 લાખ
2020ના વિજેતા: બાઇડન 34,000 મતથી જીત્યા
નેવાડાએ છેલ્લી કેટલીક ચૂંટણીમાં ડેમોક્રેટને મત આપ્યા છે પરંતુ આ વખતે રિપબ્લિકનો પાસા પલ્ટાવી નાખે તેવા અમુક સંકેત છે.
પોલ-ટ્રેકિંગ ફર્મ 538 દ્વારા પ્રકાશિત તાજેતરની ઍવરેજ મુજબ વોટિંગમાં એક સમયે બાઇડન સામે ટ્રમ્પ બહોળી લીડ ધરાવતા હતા. પરંતુ કમલા હેરિસ ઉમેદવાર બન્યાં ત્યારથી તે ફાયદો ઘટ્યો છે. ડેમોક્રેટ્સે આશા રાખી હતી કે યુવા અને વધુ વૈવિધ્યસભર મતદારોને અપીલ કરી શકે તેવા ઉમેદવારથી આ માર્જિન ઘટશે.
આ રાજ્યમાં લેટિન લોકોની સંખ્યા મોટી છે અને બંને ઉમેદવારો તેને આકર્ષવા માટે મહેનત કરે છે.
બાઇડને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારથી યુએસ અર્થતંત્રમાં મજબૂત વૃદ્ધિ અને નોકરીઓનું સર્જન થયું છે છતાં, કોવિડ પછી રિકવરી અન્ય સ્ટેટ કરતાં નેવાડામાં ધીમી રહી છે.
અમેરિકન સરકારના તાજેતરના આંકડા મુજબ નેવાડામાં બેરોજગારીનો દર 5.1 ટકા છે, જે કેલિફોર્નિયા અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા પછી યુએસમાં સૌથી ઊંચો દર છે,
ટ્રમ્પ ફરીથી સત્તા પર આવે તો તેમણે બધા લોકો માટે ટેક્સ અને રેગ્યુલેશન ઘટાડવાનું વચન આપ્યું છે.
નૉર્થ કેરોલાઇના
ઇલેક્ટોરલ કૉલેજના મતઃ 538માંથી 16
રાજ્યની વસતીઃ 1.08 કરોડ
2020ના વિજેતા: ડોનાલ્ડ ટ્રમ્પ 74,000 મતથી જીત્યા
કમલા હેરિસ મેદાનમાં ઊતર્યા ત્યાર પછી આ રાજ્યમાં રસાકસી વધી હોય તેવું લાગે છે. કેટલાક વિશ્લેષકોના મતે કોઈ પણ પાર્ટીને ફાયદો થઈ શકે છે.
જુલાઈમાં ટ્રમ્પ પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરાયો ત્યાર પછી ટ્રમ્પે પોતાની પહેલી આઉટડોર રેલી માટે આ રાજ્યને જ પસંદ કર્યું હતું.
તેમણે રેલીમાં લોકોને કહ્યું હતુંકે, "આ રાજ્ય જીતવા માટે ખૂબ જ મોટું રાજ્ય છે."
ડેમોક્રેટ્સે પક્ષના સંમેલનની અંતિમ રાત્રે રાજ્યના ગવર્નર રૉય કૂપરને પ્લૅટફૉર્મ આપવાનું નક્કી કર્યું હતું.
નૉર્થ કેરોલિના એ જ્યોર્જિયાનું પડોશી રાજ્ય છે અને ચૂંટણી સંબંધિત ચિંતાઓ પણ સરખી છે. તેને એરિઝોના સાથે પણ તેને સરખાવી શકાય.
ટ્રમ્પે 2020માં નોર્થ કેરોલિનામાં જીત મેળવી, પરંતુ માત્ર 74,000 મતથી જીત્યા હતા. તેના કારણે ડેમોક્રેટ્સને આશા છે કે આ પર્પલ રાજ્ય (જે રેડ કે બ્લૂ ગમે તેને વોટ આપી શકે છે) આ વખતે જીતી શકાશે.
પેન્સિલ્વેનિયા
ઇલેક્ટોરલ કૉલેજના મતઃ 538માંથી 19
રાજ્યની વસતીઃ 1.30 કરોડ
2020ના વિજેતા: જો બાઇડન 82,000 મતથી જીત્યા
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પહેલો પ્રયાસ પેન્સિલ્વેનિયામાં જ થયો હતો. બંને પક્ષ આ મહત્ત્વના રાજ્યમાં જીત માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે.
2020ની ચૂંટણીમાં આ રાજ્યે બાઇડનને ટેકો આપ્યો હતો. તેમણે વર્કિંગ ક્લાસના લોકોના શહેર સ્ક્રેન્ટન સાથે પોતાના જોડાણ વિશે ઘણી વખત વાત કરી હતી, જ્યાં તેમનો ઉછેર થયો હતો.
અહીં ઇકોનૉમી એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. બીજી ઘણી જગ્યાએ પણ આ મુદ્દો ચર્ચાય છે. બાઇડનના વહીવટ હેઠળ સમગ્ર દેશમાં ફુગાવો ઉછળ્યો હતો અને પછી ઘટ્યો હતો.
ફુગાવાના કારણે આખા અમેરિકામાં લોકો જીવનધોરણના વધતા ખર્ચથી પરેશાન છે અને પેન્સિલ્વેનિયા પણ તેમાં સામેલ છે. પરંતુ માર્કેટ ઇન્ટેલિજન્સ અહેવાલ આપનાર ડેટાસેમ્બલી મુજબ બીજા કોઈ પણ રાજ્ય કરતા પેન્સિલ્વેનિયામાં કરિયાણાનો ભાવ ઝડપથી વધ્યો છે.
બીબીસીએ અગાઉ અહેવાલ આપ્યો છે કે લોકો પેન્સિલ્વેનિયાના મહત્ત્વના ગણાતા એરી કાઉન્ટીમાં કેવો સંઘર્ષ કરે છે. અહીં દર આઠમાંથી એક વ્યક્તિ "ખોરાકની બાબતમાં અસુરક્ષા" અનુભવે છે.
વધુ પડતો ફુગાવો ચૂંટણીમાં હેરિસને નુકસાન પહોંચાડી શકે છે. પોલિંગ પ્રમાણે ફુગાવો ઊંચો હોય તો મતદારોમાં અર્થતંત્ર માટે નકારાત્મક વિચાર પેદા થાય છે.
કમલા હેરિસને બાઇડનની ઇકોનોમી સાથે સાંકડીને ટ્રમ્પે તેમના પર હુમલો કર્યો છે.
વિસ્કોન્સિન
ઇલેક્ટોરલ કોલેજના મતઃ 538માંથી 10
રાજ્યની વસતીઃ 59 લાખ
2020ના વિજેતા: બાઇડન 21,000 મતથી જીત્યા
વિસ્કોન્સિનને 'બેઝર સ્ટેટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 2016ની ચૂંટણીમાં આ રાજ્યમાં ટ્રમ્પ જીત્યા હતા જ્યારે 2020માં બાઇડનનો વિજય થયો હતો. બંને વખતે 20,000 મત કરતા થોડું વધારે માર્જિન હતું.
જાણકારો કહે છે કે આ રાજ્યમાં થર્ડ પાર્ટીના ઉમેદવારો પોતાની અસર પાડી શકે છે કારણ કે તેઓ બંને મોટા ઉમેદવારોની નીતિઓ વિરુદ્ધ પ્રચાર કરે છે.
પોલિંગમાં એવો સંકેત મળ્યો છે કે સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયરને અહીં સારું એવું સમર્થન પ્રાપ્ત હતું. તેથી તેઓ કમલા હેરિસ અને ટ્રમ્પના વોટ તોડી શકે તેમ હતા. પરંતુ કેનેડીએ ઓગસ્ટના અંતમાં પોતાનું અભિયાન સ્થગિત કર્યું હતું અને ટ્રમ્પને ટેકો આપ્યો હતો.
ડેમોક્રેટ્સ અહીંથી ગ્રીન પાર્ટીના ઉમેદવાર જીલ સ્ટેઈનને હટાવવા મથી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગ્રીન પાર્ટીએ રાજ્યના ચૂંટણી કાયદાનું પાલન કર્યું નથી. તેમણે ડાબેરી વલણ ધરાવતા કોર્નેલ વેસ્ટ સામે ચૂંટણીને લગતી ફરિયાદ પણ નોંધાવી છે.
ટ્રમ્પે વિસ્કોન્સિનને "ખરેખર મહત્ત્વનું રાજ્ય" કહ્યું છે. તેમણે કહ્યું હતું કે આપણે "વિસ્કોન્સિન જીતી જઈશું, તો બધું જીતી જઈશું". મિલવૉકી ખાતે સમર રિપબ્લિકન નેશનલ કન્વેન્શન યોજાયું હતું.
ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસને પ્રમુખપદના ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે નામાંકિત કર્યાં ત્યારે હેરિસ આ શહેરમાં જ રેલી કરી રહ્યાં હતાં, અને લાઇવ ફીડમાં હાજર થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












