'આ બાબાસાહેબના વિચારોની જીત છે', સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મેળવનાર મહિલા સરપંચની કહાણી

- લેેખક, શ્રીરંગ ગાયકવાડ
- પદ, બીબીસી મરાઠી માટે
સુપ્રીમ કોર્ટે જલગાંવ જિલ્લાના વિચખેડે ગામનાં દલિત મહિલાને તાજેતરમાં જ સરપંચપદે ફરી નિયુક્ત કર્યાં છે.
આ મહિલાને સરપંચપદેથી દૂર કરવાના જિલ્લા કલેક્ટરના આદેશને હાઈકોર્ટે યથાવત્ રાખ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યા પછી સરપંચ મહિલા મનીષા પાનપાટીલે “આ ડૉ. બાબાસાહેબના વિચારોનો વિજય છે,” એમ કહીને સંતોષ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓને અનામત મળ્યાને ઘણાં વર્ષો થઈ ગયાં છે. તેમ છતાં જો મહિલા દલિત હોય તો તેણે સંઘર્ષનો સામનો કરવો પડે છે.
આવો જ કિસ્સો જલગાંવ જિલ્લાના પરોલા તાલુકાના વિચખેડે ગામનાં દલિત સરપંચ મનીષા રવીન્દ્ર પાનપાટીલનો છે. તેમને સરપંચના હોદ્દા પરથી હટાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા.
એ પ્રયાસોનો મનીષા પાનપાટીલે મક્કમતાથી સામનો કર્યો. સુપ્રીમ કોર્ટ સુધી લડ્યાં અને આખરે સુપ્રીમ કોર્ટે તેમને સરપંચપદે યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ઉજ્જ્વલ ભુયાનની ખંડપીઠે હાઈકોર્ટને ચુકાદાને રદ્દ કર્યો હતો.
વિચખેડે ગામમાંથી આવેલી ફરિયાદ પછી જલગાંવ જિલ્લા કલેક્ટરે મનીષા પાનપાટીલનું સરપંચપદ રદ્દ કર્યું હતું. એ પછી સંભાજીનગર ખાતેની બૉમ્બે હાઈકોર્ટની ખંડપીઠે તેના પર મહોર મારી હતી.
સરકારી જમીન પર મકાન બનાવવા બદલ મનીષા પાનપાટીલને સરપંચ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવે તેવી માગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. તેના આધારે જિલ્લા કલેક્ટરે મનીષાનું સરપંચપદ રદ્દ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડિવિઝનલ કમિશનરે પણ જિલ્લા કલેક્ટરના નિર્ણયને માન્ય રાખ્યો હતો. એ પછી બૉમ્બે હાઈકોર્ટની સંભાજીનગર ખંડપીઠ પાસેથી પણ મનીષાને ન્યાય મળ્યો ન હતો. આથી તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
મનીષાએ સરકારી જમીન પર અતિક્રમણ કરીને ઘર બનાવ્યું હોવાનો આરોપ વિરોધીઓએ મૂક્યો હતો. પરંતુ મનીષાએ અદાલતને જણાવ્યું હતું કે તેઓ તેમનાં સાસુ-સસરાના ઘરમાં નહીં, પરંતુ ભાડાના મકાનમાં રહે છે.
સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું, “કોઈ મહિલા ગામની સરપંચ હોય અને તેના આદેશનું પાલન કરવું પડે છે એ ગામના લોકોથી કદાચ સહન નહીં થતું હોય. સરપંચ મનીષા પાનપાટીલે ગામમાં પક્ષપાતનો સામનો કરવો પડ્યો છે. આવી ઘટનાઓ દ્વારા દેશમાં મહિલાઓના પ્રતિનિધિત્વના પ્રયાસોને નબળા પાડવામાં આવી રહ્યા છે.”
અદાલતે એવું અવલોકન પણ કર્યું હતું, “ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને નજીવા કારણસર હોદ્દા પરથી દૂર ન કરવા જોઈએ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં એવા પદ પર કોઈ મહિલા હોય તો, કારણ કે એ પદ સુધી પહોંચવા માટે મહિલાઓએ બહુ સંઘર્ષ કરવો પડે છે.”
“આ કેસમાં ચૂંટાયેલાં મહિલા સરપંચને પદ પરથી હટાવવામાં માત્ર ગામના લોકો જ મદદ કરતા ન હતા, પરંતુ વહીવટીતંત્રે પણ તેમાં સહયોગ આપ્યો છે. આ મહિલાઓ પ્રત્યેના ભેદભાવનું ઉદાહરણ છે. આ કેસમાં મહિલા સરપંચની કોઈ ગેરવર્તણૂક જોવા મળી નથી,” એમ જણાવતાં સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઈકોર્ટના ત્રીજી ઑગસ્ટના ચુકાદાને ઉલટાવી દીધો હતો અને વિચખેડે ગામના સરપંચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરવાની મંજૂરી મનીષા પાનપાટીલને આપી હતી.
‘ચાર વર્ષ ઘણું સહન કર્યું’

બારમા ધોરણ સુધી ભણેલાં મનીષા પાનપાટીલે કહ્યું હતું, “છેલ્લાં ચાર વર્ષ અમે કેટલું સહન કર્યું છે તેની અમને જ ખબર છે.”
“પહેલાં અમે ગામ છોડવાનું વિચાર્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યો તેનાથી અમને ઘણો સંતોષ થયો છે. હકીકતમાં આ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોનો વિજય છે. સંપત્તિની શક્તિ પર બાબાસાહેબના વિચારોએ જીત મેળવી છે.”
મનીષા પાનપાટીલે ઉમેર્યું હતું, “પહેલાં હું ગ્રામ-પંચાયતમાં સભ્ય બની, પછી નાયબ સરપંચ બની અને પંચવર્ષીય યોજનામાં અનામત જગ્યા પર સરપંચ બની હતી. નાયબ સરપંચ બની ત્યારથી જ મને હેરાન કરવાની શરૂઆત થઈ હતી.”
“મેં તેમના કહ્યા મુજબ કર્યું હોત તો કોઈ તકલીફ પડી ન હોત. તેમને એક દલિત મહિલાના હાથ નીચે કામ કરવામાં શરમ આવતી હતી.”
મનીષા પાનપાટીલના કહેવા મુજબ, “10 વર્ષ પહેલાં ગામમાં અમારા પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓએ સમજાવટ કરીને બધું થાળે પાડ્યું હતું, પરંતુ આપણે જેમને તુચ્છ ગણતા હતા તેમના હાથ નીચે કામ કરવું પડશે, એવી લાગણી સાથે તેમણે મને સરપંચપદેથી દૂર કરવાનું કાવતરું ઘડ્યું હતું. અન્યોના ખભા પર બંદૂક રાખીને અમને નિશાન બનાવાયાં હતાં.”
સરપંચ મનીષા પાનપાટીલ ગામમાં જ ભાડાના મકાનમાં રહે છે. સિવણકામ કરીને તથા નાનકડું બ્યૂટી-પાર્લર ચલાવીને આજીવિકા રળે છે.
કોર્ટ-કચેરીના ધક્કાને કારણે પોતાનો પરિવાર આર્થિક તણાવમાં કેવો સપડાયો હતો, તેની વાત કરતાં મનીષા પાનપાટીલે કહ્યું હતું, “અમે અમારાં બાળકોના શિક્ષણ માટેના પૈસા કોર્ટ-કચેરી માટે ખર્ચ્યા હતા. અમારી પાસે જે કંઈ હતું, દાગીના હતા તેને તોડાવીને કોર્ટ માટે ખર્ચ કર્યો હતો.”
“ઓછામાં ઓછો પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો. અમે ઘણું સહન કર્યું. મદદ કરવા કોઈ આવ્યું નહીં. ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારમાં વિશ્વાસ રાખીને અમે લડતાં રહ્યાં. અંતે તેમના વિચારોને કારણે જ અમને ન્યાય મળ્યો.”
પરિવારનો બહિષ્કાર

મનીષાના પતિ રવીન્દ્ર પાનપાટીલે બીબીસીને કહ્યું હતું, “મનીષા 2021ની 15 ફેબ્રુઆરીએ ગામની સરપંચ બની હતી. ત્યારથી અમારી હેરાનગતિ શરૂ થઈ હતી. અમે અનુસૂચિત માતંગ સમુદાયના છીએ.”
“ગામમાં અમારું એક જ ઘર છે. માતંગ જ્ઞાતિના સરપંચના હાથ નીચે કામ કેવી રીતે કરવું તે ગામના કેટલાક લોકોની અસલી પીડા હતી. તેથી સરપંચ તરીકે મારી પત્નીને કામ કરવા દેવામાં આવ્યું ન હતું.”
“તેને પદ પરથી હટાવવાના પ્રયાસ શરૂ થયા હતા. તેથી મે, 2022માં ગ્રામ-પંચાયતના સભ્ય અને ભીલ આદિજાતિ મહિલાના પતિ પંડિત ગોવિંદ ગોબરુ પવારે અમારી વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી.”
“અમે સરકારી જમીન પર અતિક્રમણ કરીને મકાન બનાવ્યું હોવાનું જણાવીને મારી પત્નીનું સરપંચપદ રદ્દ કરવામાં આવે તેવી માગણી એ અરજીમાં કરવામાં આવી હતી.”
રવીન્દ્ર પાનપાટીલે ઉમેર્યું હતું, “એ ઘર મારાં માતા મીરાબાઈ નિમ્બા પાનપાટીલના નામે છે. હું મજૂરી કરું છું. પત્ની મનીષા સિલાઈકામ કરે છે. તેમાંથી જ અમારું ગુજરાન ચાલે છે.”
“મારો એક દીકરો બી.એસ.સી. કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે, જ્યારે એક દીકરાએ આઈટીઆઈનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. એ બંને હજુ કમાતા નથી. મારા પિતાનું 2018માં અવસાન થયું હતું અને મારાં માતાની વય 70 વર્ષની છે.”
રવીન્દ્ર પાટીલના જણાવ્યા મુજબ, રોજિંદું જીવન જીવવું તેમના માટે સંઘર્ષમય છે.
તેમણે કહ્યું હતું, “2014માં પણ આવી જ સમસ્યા હતી. એ વખતે અમારી ગીર ઓલાદની ગાયને ગામના એક માણસે માર માર્યો હતો. એ ઉપરાંત અમારા ઘરે આવીને ગાળાગાળી કરી હતી. એ પછી આખા ગામે અમારો બહિષ્કાર કર્યો હતો.”
“એ વખતે મારાં પત્ની નાયબ સરપંચ હતાં. તેમ છતાં અમને ગામની કરિયાણાની દુકાનમાંથી માલસામાન આપવામાં આવતો ન હતો. ઘઉં દળી આપવામાં આવતા ન હતા, ગામમાં હજામની દુકાનમાં અમારા વાળ કાપી આપવામાં આવતા ન હતા.”
પોલીસે આ બાબતે કોઈ કાર્યવાહી કેમ કરી નહીં, એવા સવાલના જવાબમાં રવીન્દ્ર પાનપાટીલે કહ્યું હતું, “પોલીસ ગામમાં આવી હતી. તેમણે ગ્રામજનો સાથે બેઠક યોજીને તેમને સમજાવ્યા હતા. મારાં પત્ની સરપંચ બન્યાં પછી હેરાનગતિ ફરી શરૂ થઈ હતી.”
“છેલ્લાં અઢી વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હતો. ગ્રામ-પંચાયતની બેઠકો યોજાતી ન હતી. તેથી ગામમાં વિકાસનાં કામો થતાં ન હતાં.”
કોર્ટ-કચેરીના ધક્કા ચાલુ રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images
આ બાબતે એક સ્થાનિક પત્રકારે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, “10 વર્ષ પહેલાં રવીન્દ્ર પાનપાટીલના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો ત્યારે તેનો ભાઈ છોટુ ઉર્ફે પ્રશાંત પાનપાટીલ ગામથી તાલુકામથક પોરોળા સુધી રિક્ષા ચલાવતો હતો.”
“ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે કોઈ તેની રિક્ષામાં પ્રવાસ કરશે નહીં. પાનપાટીલ પરિવારને ગામની દુકાનોમાંથી કરિયાણું મળતું ન હતું. ચક્કીમાં ઘઉં દળવામાં આવતા ન હતા, હજામ તેમના વાળ કાપી આપતો ન હતો. અંતે પોલીસે બેઠક યોજીને ગામલોકોને સમજાવ્યા હતા.”
આ માહિતી આપતાં તેમણે ઍટ્રોસિટીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું, “ગામમાં સવર્ણ લોકોનો મોટો સમુદાય છે.”
“આ વિવાદમાં ગ્રામજનોને સમજાયું હતું કે તેમની સામે પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તેથી ભીલ જ્ઞાતિના, ગ્રામ-પંચાયતના સભ્યોને આગળ આવીને સરપંચ સામે ફરિયાદ નોંધાવવા કહેવામાં આવ્યું હતું.”
“અદાલતના ચુકાદા પછી પણ વાતાવરણમાં સુધારો થશે એવું લાગતું નથી. તેમના કોર્ટ-કચેરીના ચક્કર ચાલુ જ રહેશે એવું લાગે છે.”
ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિ, ભૂતપૂર્વ સરપંચ અને પરોલા તાલુકા ખેડૂત સંઘના સંચાલક સુધાકર પાટીલે કહ્યું હતું, “હું બે વખત ગામનો સરપંચ હતો. 1,600 લોકોની વસ્તીવાળા ગામની પંચાયતમાં 9 સભ્યો છે. તેમાંથી પાંચ ભીલ જ્ઞાતિના અને એક અનુસૂચિત જ્ઞાતિના છે.”
“આ તેમની વચ્ચેનો અંગત ઝઘડો છે. ભીલ જ્ઞાતિના સભ્યને વધુ બાળકો હતાં. તેથી તેમનું ગ્રામ-પંચાયત સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેમની વચ્ચે વિવાદ શરૂ થયો હતો.”
આ વિવાદ સાથે ગામને કોઈ સંબંધ નથી, એમ જણાવતાં સુધાકર પાટીલે ઉમેર્યું હતું, “આવા વિવાદાસ્પદ વાતાવરણને કારણે ગામનો વિકાસ અટકી ગયો છે. પાણી, રસ્તા, ગટર વગેરે જેવી પાયાની સુવિધાઓની ઉપેક્ષા થઈ રહી છે.”
“ગામમાં એકતા નથી. તેથી ધારાસભ્યો અને સંસદસભ્ય ગામ તરફ ધ્યાન આપતા નથી. મારા કાર્યકાળ દરમિયાન ગામનો વિકાસ થયો હતો. એ પછી કશું થયું નથી. ગામમાં બધાએ સંપીને રહેવું જોઈએ, પરંતુ આ વાત એ ટોળકી સાંભળતી નથી.”
સુધાકર પાટીલના કહેવા મુજબ, “હવે આગામી ચૂંટણીને માત્ર એક વર્ષ બાકી છે અને ગામલોકો તેની રાહ જોઈ રહ્યા છે.”
સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપથી સંતુષ્ટ

ઇમેજ સ્રોત, Getty Images
મહિલા રાજસત્તા આંદોલનના ભીમ રાસકરે કહ્યું હતું, “આ મુદ્દે સર્વોચ્ચ અદાલતે હસ્તક્ષેપ કર્યો તે અમારા માટે સંતોષની વાત છે. સુપ્રીમ કોર્ટના આદેશને લીધે એક દલિત મહિલા સરપંચ તરીકેનો તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે.”
“હવે ગામલોકોએ પણ તેમને સાથ આપવો જોઈએ. ધૂળેમાં અમારી પરિષદ યોજાવાની છે. તેમાં અમે મનીષા પાનપાટીલને આમંત્રિત કરવાના છીએ.”
“ગ્રામ્ય સ્તરે મહિલાઓને સત્તા પર રહેવા દેવામાં આવતી નથી, પુરુષો અવિશ્વાસ ઠરાવ લાવીને મહિલાઓને પદ પરથી હટાવી દે છે, તેવી ફરિયાદો અમને સતત મળતી રહે છે. હવે મહિલાઓ માટે 50 ટકા અનામતની જોગવાઈ હોવાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.”
“અમે લગભગ 350 મહિલાઓની યશોગાથા પ્રકાશિત કરી છે. એ મહિલાઓએ ઘરની સાથે ગામનું પણ સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. હવે ઉચ્ચ શિક્ષિત, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર યુવતીઓ રાજકારણમાં પ્રવેશી રહી છે. આ આશાસ્પદ ચિત્ર છે,” એમ ભીમ રાસકરે કહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












