રામપાત્રની એ પ્રથા જે ગુજરાતમાં દલિતો સાથે 'આભડછેટ' કરે છે

ઇમેજ સ્રોત, Indu Rohit
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી
અમરેલીમાં દલિતને માર મારવાની એક ઘટનાથી ચર્ચા છેડાઈ છે કે 'શું હજી રામપાત્રની પ્રથા ગુજરાતમાં ચાલે છે?'
રામપાત્ર એટલે દલિતો માટે બિનદલિતોનાં ઘરોમાં અલગ રખાતી રકાબી અથવા વાસણ, તેને ગામઠી બોલીમાં રામપાતર પણ કહેવાય.
17મી જૂને કડિયા કામ કરતા 38 વર્ષના દલિત શખ્સને બિનદલિત જ્ઞાતિની વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો.
પોલીસ ફરિયાદમાં સનાભાઈ ચૌહાણ લખાવે છે કે તેઓ રાણાભાઈ બોદારને ઘરે મજૂરીકામ કરવા માટે ગયા હતા અને તેમની ચાની રકાબી રાણાભાઈ બોદારની ચાની રકાબી સાથે મૂકતાં તેઓ રોષે ભરાયા હતા અને જ્ઞાતિ અંગે ટિપ્પણી કરીને તેમને માર માર્યો હતો.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સનાભાઈ ચૌહાણે કહ્યું કે તેઓ સાવરકુંડલાના મઢળા ગામે રહે છે અને મેરિયાણા ગામે મજૂરી કરવા ગયા હતા, ત્યારે રામપાત્ર મામલે તેમને માર મારવામાં આવ્યો.
તેમણે કહ્યું, "અમે દલિત જ્ઞાતિના હોવાથી અમારી માટે અલગ રકાબી રાખવામાં આવે છે. ભૂલથી અમારી રકાબી એમનાં વાસણ સાથે ભેગી થઈ ગઈ તો ગુસ્સે થઈ ગયા અને અમને ઢીકાપાટુનો માર માર્યો હતો."
સનાભાઈ કહે છે, "અમારે આજે પણ મજૂરીકામે જઈએ તો અમારાં પોતાનાં વાસણો લઈને જ જવું પડે છે. અમને એ વાસણમાં જ ચા કે ખાવાનું આપવામાં આવે છે."
"જેની ઘરે કામ કરવા જઈએ તેમનાં ઢોર બાંધવાની ગમાણમાં અમારી માટે રામપાતર રાખ્યું હોય, એ લઈને એમાં ચા પીવી પડે. એટલે અમે પોતાનાં વાસણ લઈને જ જઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સનાભાઈ એવું પણ કહે છે કે તેમની આસપાસનાં મોટાભાગનાં ગામોમાં રામપાત્રની પ્રથા હજી પણ છે.
દલિતો સાથે આભડછેટ કરતી આ 'રામપાત્ર'ની પ્રથા શું છે?

'રામપાત્ર' શું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રૉબર્ટ એફ. કૅનેડી સેન્ટર ફૉર જસ્ટિસ ઍન્ડ હ્યુમન રાઇટ્સ તથા નવસર્જન ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલા સ્ટડીપેપર 'અંડરસ્ટેન્ડિંગ અનટચૅબિલિટી'માં લખ્યું છે, "જ્યારે દલિતોને બિનદલિતોનાં ઘરે ચા પિવડાવાય ત્યારે તેમને અલગ રકાબી, કપ કે વાસણમાં આપવામાં આવે છે. જેને 'રામપાતર' કહેવામાં આવે છે."
ગમાડાઓમાં દલિતો માટે ઘરનાં વાસણો સિવાય અલગથી 'રામપાત્ર' રાખવામાં આવે છે, જેની જગ્યા મોટેભાગે ઘરની બહાર હોય છે.
દલિત કર્મશીલો, સમાજશાસ્ત્રીઓ અને અધ્યાપકો 'રામપાત્ર'ની પ્રથાને આભડછેટ કરતી પ્રથા અને અસ્પૃશ્યતાનો એક પ્રકાર ગણાવે છે.
આ પેપરમાં લખ્યું છે કે "આ પ્રથા ખાનપાન સંબંધિત ભેદભાવ કહેવાય."
વલ્લભવિદ્યાનગરસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક પ્રોફેસર બલદેવ આગજાએ દલિતો પર થતા અત્યાચાર અંગે અભ્યાસ કર્યો છે.
પ્રો. આગજા કહે છે, "રામપાત્ર એ અસ્પૃશ્યતાનું જ એક સ્વરૂપ છે. ગુજરાતનાં ગામડાંમાં આજે પણ ચાની કીટલી પર કે ઘરોમાં જઈએ તો દલિતોને પાણી અને ચા પિવડાવવા માટે અલગ પાત્ર રાખવામાં આવે જ છે."
"98 પ્રકારની અસ્પૃશ્યતામાંથી એક આ રામપાત્ર પણ છે. આ પ્રથા અસ્પૃશ્યતાનો એક પ્રકાર છે."
ગુંજન વેદાએ 'ધ મ્યુઝિયમ ઑફ બ્રૉકન ટી કપ્સ' નામનું પુસ્તક આ જ મુદ્દાને સાંકળીને લખ્યું છે.
આ પુસ્તકથી 'રામપાત્ર'ને સમજવાની દિશામાં વધુ એક કડી મળે છે અને એ કડી એટલે દલિત કર્મશીલ માર્ટિન મૅકવાન.
માર્ટિન મેકવાન કહે છે કે ગુજરાતમાં રિવાજ છે કે કોઈ ઘરે આવે તો ચા-પાણી પૂછવામાં આવે પણ દલિત જ્ઞાતિની વ્યક્તિને બિનદલિત જ્ઞાતિની વ્યક્તિ અસ્પૃશ્ય માને એટલે દલિત વ્યક્તિ માટે જુદી રકાબી રાખવામાં આવે છે.
દલિત શક્તિ કેન્દ્રનાં જૉઇન્ટ ડિરેક્ટર ઇન્દુબહેન રોહિત કહે છે કે આ રામપાત્ર એ અસ્પૃશ્યતાના વિચારનું પ્રતીક છે.
તેઓ કહે છે, "અલગ પાત્રની સાથે જ્ઞાતિલક્ષી ભેદભાવની વાત જોડાયેલી છે, જે કહેવાતી રીતે બે વર્ગ વચ્ચે ઊંચનીચનો ભેદભાવ છતો કર છે."
"આટલાં વર્ષો પછી પણ સ્થિતિ ઝાઝી બદલાઈ નથી. અનેક ગામોમાં દલિતને સરપંચની ખુરશી પર કે પંચાયત ઑફિસમાં ન બેસવા દેવાની ઘટનાઓ પણ ધ્યાને આવતી હોય છે."

'98 ટકા ગામોમાં રામપાત્ર'

ઇમેજ સ્રોત, Indu Rohit
માર્ટિન મૅકવાનની સંસ્થા નવસર્જન ટ્રસ્ટ દ્વારા ગામડાંમાં વ્યાપ્ત અસ્પૃશ્યતાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેની માટે 1,589 ગામોનો અભ્યાસ કરવામાં આવ્યો.
આ અભ્યાસમાં 5,462 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ચાર વર્ષની પ્રક્રિયા બાદ આ અભ્યાસ વર્ષ 2010માં પૂર્ણ થયો હતો.
આ અભ્યાસ પ્રમાણે 98 ટકા બિનદલિતોનાં ઘરોમાં દલિતો માટે રામપાત્ર એટલે કે અલગ વાસણ રાખવામાં આવે છે.
આ ઉપરાંત અહીં રામપાત્ર સાથે જોડાયેલી અન્ય બે પ્રથાઓની વાત કરવામાં આવી છે, જેને પણ મૅકવાન દલિતો સાથેનો ભેદભાવ અને આભડછેટ ગણાવે છે.
ગામડાંમાં દલિત જ્ઞાતિના મજૂરોને બિનદલિત મજૂરોથી અલગ બેસાડીને જમાડવામાં આવે છે. 1,589 પૈકી 96 ટકા જેટલાં ગામોમાં આવું થતું હોવાનું અભ્યાસમાં જણાવ્યું છે.
આ સાથે જ 94 ટકા જેટલાં ગામોમાં એવું સામે આવ્યું છે કે જ્યારે કોઈ પ્રસંગે સમૂહ ભોજન રાખવામાં આવ્યું હોય ત્યારે દલિતોને પોતાનાં વાસણ લઈ આવવા માટે કહેવામાં આવે છે અથવા તો બિનદલિતોના જમી લીધા બાદ જ જમવા માટે બેસાડવામાં આવે છે.

'રામપાત્ર-ભીમપાત્ર'ની ચળવળ

ઇમેજ સ્રોત, Indu Rohit
રામપાત્રની પ્રથાના વિરોધમાં માર્ટિન મૅકવાને વર્ષ 2003માં ચળવળ ચલાવી હતી અને આ ચળવળ અંતર્ગત તેમણે 'રામપાત્ર નહીં, ભીમપાત્ર સહી', 'રામપાત્ર છોડો, ભીમપાત્ર અપનાવો'નાં સૂત્રો આપ્યાં હતાં.
માર્ટિન મૅકવાન કહે છે કે "હું કૉલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે એટલે કે વર્ષ 1977માં ખંભાત જિલ્લાના એક ગામમાં મારા અધ્યાપકો સાથે ગયો હતો અને એ વખતે પહેલી વખત મને 'રામપાત્ર'ની પ્રથાનો ખ્યાલ આવ્યો હતો."
"એ ઘટના મારા મનમાં હતી અને એનાં 25 વર્ષ પછી અમે ચળવળ ચલાવી, જેમાં 100 દિવસની પદયાત્રા કરીને અમે 475 ગામોમાં ફર્યા હતા અને એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા."
ઇન્દુબહેન રોહિત કહે છે, "એ પદયાત્રા યોજાઈ ત્યારે હું 16-17 વર્ષની હતી અને હું પણ એમાં જોડાઈ હતી."
"એ વખતે ગામોમાં જઈ-જઈને લોકોને 'રામપાત્ર', એની પ્રથા અને એની પાછળની માનસિકતા તોડવાનો સંદેશ ફેલાવતાં હતાં."
રામપાત્રનો વિરોધ કરવા પાછળનું કારણ પૂછતાં મૅકવાન કહે છે કે "રામપાત્રની સ્વીકૃતિ એ જ્ઞાતિલક્ષી ભેદભાવની વિચારધારાની સ્વીકૃતિ છે. એટલે એનો અસ્વીકાર ન કરીએ તો એ વિચારધારાનો પણ સ્વીકાર કર્યો કહેવાય. ગાંધીજીની અસહકારની ચળવળમાંથી આ ચળવળ માટેની પ્રેરણા મળી હતી."
"જેમ રામપાત્ર છે એમ રામઢોલની રસમ પણ ગામોમાં છે, જે ઢોલ માત્ર દલિત જ વગાડે છે."

શું ગુજરાતમાં હજી 'રામપાત્ર'ની પ્રથા છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમરેલીના સાવરકુંડલામાં ઘટેલી કથિત ઘટના બાદ આ પ્રશ્ન ઊભો થાય છે અને એનો જવાબ મેળવવા માટે અમે અલગ-અલગ જિલ્લાઓના કર્મશીલોનો સંપર્ક સાધી જાણવાનો પ્રયત્ન કર્યો.
સમાચાર વેબસાઇટ 'ધ ક્વિન્ટ' તેના 17 જાન્યુઆરી 2020ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલમાં નોંધે છે કે "ગુજરાતનાં ગામોમાં રામપાત્ર, ભોજન માટે અલગ વાસણ, પીવાનાં પાણીના અલગ કૂવા જેવી માન્યતાઓથી આજે પણ દલિતો સાથે ભેદભાવ થાય છે."
પ્રો. આગજા કહે છે કે "હજી 'રામપાત્ર'ની પ્રથા પ્રવર્તે છે એમાં કોઈ શંકા નથી. હું જે ગામોમાં ગયો છું અને ફર્યો છું, ત્યાં પણ આવા અનેક કિસ્સા મારા ધ્યાને આવ્યા છે."
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કર્મશીલ અરવિંદ મકવાણા નવસર્જન ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. તેઓ જણાવે છે કે તેમના જિલ્લાનાં ગામોમાં આજે પણ 'રામપાત્ર'ની રસમ છે.
તેઓ કહે છે કે આજે પણ દલિતો જ્યારે બિનદલિતના ત્યાં મજૂરી કરવા જાય ત્યારે તેમને રામપાતરમાં જ ચા પિવાડાવાય છે અને દલિતોએ પીવા માટેનું પાણી જાતે લઈને જવું પડતું હોય છે.
તેઓ કહે છે, "બે વર્ષ અગાઉ અમારા જ તાલુકાના ઇટાલિયા ગામમાં જમણવાર હતો. એમાં દલિતો માટે અલગ વાસણો મંગાવવામાં આવ્યાં હતાં, જેના કારણે પોલીસને બોલાવવામાં આવી હતી."
"એ ઘટનામાં છેલ્લે સમાધાન થયું પણ એ પછી એ ગામમાં જમણવાર બંધ કરી દેવામાં આવ્યો હતો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ જ રીતે પાટણ જિલ્લાના કર્મશીલ નરેન્દ્રભાઈ પરમાર પણ કહે છે કે તેમના જિલ્લામાં પણ 'રામપાત્ર'ની પ્રથા હજી પ્રવર્તે છે.
તેઓ કહે છે, "હાલમાં લૉકડાઉન વખતે મેં મારા સંપર્કોમાં ફોન થકી વાતચીત કરીને જુદાં-જુદાં ગામોમાં આભડછેટની શી સ્થિતિ છે એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો."
"એ વખતે મારા સંપર્કો પૈકી 35થી 40 ગામના લોકોએ કહ્યું હતું કે તેમનાં ગામોમાં દલિતો માટે અલગ વાસણ એટલે કે રામપાતર રાખવામાં આવે છે."
તેઓ કહે છે કે પાટણ જિલ્લાના મોટાભાગનાં ગામોમાં ઘરની બહાર ગોખલામાં સ્ટીલની રકાબી મૂકેલી જોવા મળી રહે છે, જે 'રામપાત્ર' છે.
મૅકવાન કહે છે કે 'લાઇન ઑફ પૉવર્ટી' હોય છે એવી જ આ 'લાઇન ઑફ પ્યૉરિટી' બનાવી દીધી છે અને એનું પ્રતીક 'રામપાત્ર' છે.
તેઓ કહે છે, "અલગ વાસણ રાખવા પાછળની માનસિકતા એવી છે કે બિનદલિતો શુદ્ધ છે અને દલિતો અશુદ્ધ છે અને દલિતોના વાસણથી તેઓ પણ અશુદ્ધ કે અપવિત્ર થઈ જશે."

'માટીને બદલે પ્લાસ્ટિકનાં રામપાતર'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
આ જ રીતે મહેસાણા જિલ્લાના કર્મશીલ ભરતભાઈ પરમાર કહે છે કે "પહેલાંના જમાનામાં માટીનો વાટકો કે રકાબી જેવું વાસણ હોય એને રામપાતર તરીકે રાખવામાં આવતું હતું."
"વખત જતાં અમારા જિલ્લાનાં ગામોમાં સ્ટીલનાં રામપાતર દેખાવાં લાગ્યાં હતાં. હવે પ્લાસ્ટિકનાં રામપાતર આવી ગયાં છે."
ભરતભાઈ કહે છે કે બિનદલિતના ઘરે દલિત જાય કે પછી કોઈ જાહેર જગ્યાએ, ચાની કીટલી પર કે પંચાયતની કચેરી બહાર બેઠા હોય ત્યારે બિનદલિત સ્ટીલના કપમાં ચા પીવે અને દલિતને પ્લાસ્ટિકના કપમાં ચા પિવડાવવામાં આવે છે.
તેઓ કહે છે કે આટલાં વર્ષોમાં ફેર એટલો જ પડ્યો છે કે 'રામપાત્ર' માટીને બદલે પ્લાસ્ટિકનાં થઈ ગયાં છે, બાકી પ્રથા તો એની એ જ ચાલી રહી છે.
જ્યારે રાજકોટ જિલ્લાના કર્મશીલ ડાહ્યાભાઈ ડાફળા કહે છે કે સાવ ફરક નથી પડ્યો એવું નથી.
તેઓ કહે છે, "દલિત સમાજમાં અને બિનદલિત સમાજમાં બંનેમાં જાગૃતિ આવી છે."
"સંઘર્ષોને લીધે સ્થિતિ બદલાઈ છે પણ સાવ 'રામપાત્ર'ની પ્રથા બંધ થઈ ગઈ છે, એવું નથી. હજી પણ રાજકોટનાં ગામોમાં આ પ્રથા ચાલે છે અને દલિતો માટે અલગ વાસણ રાખવામાં આવે છે."

'દલિતવાસમાં વાલ્મિકી સમાજ માટે રામપાત્ર'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
જે રીતે દલિતો માટે બિનદલિતોનાં ધરોમાં રામપાત્ર રાખવામાં આવે છે એ જ રીતે દલિતોનાં ઘરોમાં વાલ્મિકી સમાજના લોકો માટે રામપાત્ર રાખવાનું ચલણ રહ્યું છે.
માર્ટિન મૅકવાન કહે છે કે હું એક ગામમાં ગયો હતો ત્યારે પહેલી વખત દલિતવાસમાં ઘરોનાં છાપરાં પર 'રામપાત્ર' જોયું.
તેઓ કહે છે, "મેં એ જોઈને પૂછ્યું કે આ તો બિનદલિતો એમનાં ઘરોમાં દલિતો માટે રાખે ને?"
"તો મને વળતો જવાબ મળ્યો કે ના સાહેબ અમારાં ઘરે વાલ્મિકી સમાજનું કોઈ આવે તો અમે એમને આમાં જ ચા આપીએ. અમે દલિતોમાં ઊંચા કહેવાઈએ"
મૅકવાન કહે છે કે એ ઘટના એમની માટે ચોંકાવનારી હતી, "જે દલિતો પોતાની માટે રામપાત્રનો વિરોધ કરતા હોય, તેઓ જ વાલ્મિકી સમાજ માટે એ પ્રથાને સ્વીકારે છે."
નરેન્દ્રભાઈ પરમાર કહે છે કે પાટણ જિલ્લામાં પણ આવું ચલણ જોવા મળે છે. ત્યાંનાં ગામોમાં પણ દલિત ઘરોમાં વાલ્મિકી સમાજના લોકો માટે અલગ વાસણ રાખવામાં આવે છે.



...તો કાર્યવાહી કેમ નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જો ગુજરાતનાં ગામોમાં મોટાપાયે દલિતો સાથે આ પ્રકારે ભેદભાવ થઈ રહ્યો છે અને એ વિશે કર્મશીલો જાણે છે તો એવા કિસ્સામાં ફરિયાદ કેમ નોંધાતી નથી.
આ પ્રશ્નનો જવાબ આપતાં પ્રો. આગજા કહે છે કે "એ માટે ગામોનાં સામાજિક સ્ટ્રક્ચર અંગે સમજવું જરૂરી છે. ગામમાં દલિતોની સંખ્યા સામાન્ય રીતે બિનદલિતોની તુલનામાં ઓછી હોય છે."
"આ ઉપરાંત જો દલિતો વિરોધ કરે તો બહિષ્કાર વેઠવાની પણ તૈયારી રાખવી પડે, એટલે એવા સંજોગોમાં બંને વર્ગો આવી પ્રથાઓને સ્વીકારી લેતા હોય છે."
નરેન્દ્રભાઈ કહે છે કે મોટાભાગે ગામોમાં દલિત સમાજના લોકો આ પ્રકારની પ્રથાઓને સ્વીકારી લેતા હોય છે.
તેઓ કહે છે કે કેટલાક કિસ્સામાં ઝઘડો થાય કે મામલો ફરિયાદ સુધી પહોંચે તો એવા કિસ્સામાં ગામના લોકો જ મનાવીને પાછા લઈ આવે અને સમાધાન થઈ જતું હોય છે.
અરવિંદભાઈ કહે છે કે અનેક વખત એવું બન્યું છે કે દલિતો દ્વારા ફરિયાદ કરાય એ પછી ગામના લોકો દ્વારા સમાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોય.
તેઓ કહે છે, "સામાજિક બહિષ્કાર થશે, મજૂરીકામ નહીં મળે, ગામમાંથી કાઢી મૂકશે, આવા ડરને લીધે ઘણા લોકો ચૂપ રહી જતા હોય છે."
જોકે મૅકવાન કહે છે કે દલિતોમાં જાગૃતિ નથી આવી, સાવ એવું નથી.
તેઓ કહે છે, "આટલાં વર્ષોમાં જાગૃતિ આવી છે છતાં હજી પણ મોટા પ્રમાણમાં રામપાત્રની પ્રથા ચાલી રહી છે. હજી સાવ ખતમ થઈ નથી."
મૅકવાન કહે છે, "જો જ્ઞાતિ આધારિત ભેદભાવ ખતમ કરવા હશે તો એનાં પ્રતીકોને, પ્રથાઓને પણ ખતમ કરવાં જ પડશે."
આ મામલે સરકારનો પક્ષ જાણવા માટે સામાજિક ન્યાય મામલાના મંત્રી ઈશ્વરભાઈ પરમારનો કૉલ અને એસએમએસના માધ્યમથી સંપર્ક કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો હતો. જોકે કૉલ કે એસએમએસનો પ્રતિઉત્તર મળ્યો નથી. (તેમના તરફથી પ્રતિઉત્તર મળશે એટલે અહેવાલ અપડેટ કરાશે.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












