કોરોના વાઇરસ : અમદાવાદમાં ખાનગી લૅબોરેટરીઓને ટેસ્ટિંગની મંજૂરી પછી કેસોની સંખ્યામાં કેટલો ફરક પડ્યો?

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજ્યના આરોગ્યમંત્રી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે 11 જૂને મીડિયાને જણાવ્યું હતું કે "અમદાવાદમાં ખાનગી લૅબોરેટરીઓ કોરોનાનો ટેસ્ટ કરી શકશે. અમદાવાદમાં 1400 જેટલા એમડી (ડૉક્ટર ઑફ મેડિસિન) કન્સલ્ટન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ છે તેઓ લક્ષણ ધરાવતાં શંકાસ્પદ દરદીને ભલામણ કરશે તો ખાનગી લૅબોરેટરી તેમનો ટેસ્ટ કરી શકશે."

ખાનગી લૅબોરેટરીને કોરોના ટેસ્ટ માટે મંજૂરી આપવી જોઈએ એવો ઊહાપોહ ખૂબ થયો હતો.

સરકારે નિષ્ણાતોની જે સમિતિ નક્કી કરી હતી તેમણે પણ સૂચન કર્યું હતું કે ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટને મંજૂરી આપવી જોઈએ. એ પછી રાજ્ય સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો.

નોંધનીય છે કે સરકારે આ નિર્ણય 11 જૂને અમદાવાદ માટે જાહેર કર્યો હતો.

અમદાવાદમાં 11 જૂન પહેલાંના દસ દિવસ અને પછીના દસ દિવસમાં શહેરમાં નોંધાયેલા કેસોની સંખ્યા જોઈએ તો કેસની સંખ્યા વધી છે, ઘટી છે કે સરેરાશ રહી છે એને આધારે દરદીઓના ટેસ્ટિંગનો તાળો મળી શકે.

આ માટે 1 જૂનથી 21 જૂન સુધી અમદાવાદમાં નોંધાયેલા કોરોનાના કેસનું સરવૈયું કાઢીએ તો ખાસ કોઈ ફરક જોવા મળતો નથી.

ખાનગી લૅબોરેટરીને મંજૂરી આપવામાં નહોતી આવી એ અગાઉ અને મંજૂરી આપ્યા પછી શહેરમાં કેસ પૉઝિટિવ કેસ 280થી 325ની સરેરાશમાં જ રહ્યા છે.

તો શું શંકાસ્પદ દરદીઓએ ખાનગી લૅબોરેટરીનો લાભ ઓછો લીધો છે? શું લોકોને કોરોનાના ટેસ્ટ પોષાતા નથી? શું પ્રાઇવેટ લૅબોરેટરીની ટેસ્ટિંગ પ્રક્રિયા લાંબી છે? વગેરે સવાલોના જવાબ મેળવવાનો અમે પ્રયાસ કર્યો.

line

અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા કે ઘટ્યા?

અમદાવાદના એમ.ડી. ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "અમારે ત્યાં તો દરદીઓ આવે છે અને જેમને કોરોનાનાં લક્ષણ જણાતાં હોય તેમને અમે ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ."

"અઠવાડિયામાં વીસથી પચીસ કોરોનાનાં લક્ષણ ધરાવતાં દરદીને અમારે ત્યાંથી લૅબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. એમાંથી સરેરાશ પચાસ ટકા દરદીઓ કોરોના પૉઝિટિવ આવે છે."

હવે વ્યાપક ટેસ્ટ થઈ રહ્યા છે તો પછી આંકડા કેમ એકસરખા જેવા જ જણાય છે? એ વિશે જણાવતાં ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે કે "અગાઉ ખાનગી લૅબોરેટરીને ટેસ્ટિંગની મંજૂરી નહોતી તેથી પ્રાઇવેટ ડૉક્ટર્સ પ્રાઇવેટ લૅબોરેટરીમાં દરદીને ટેસ્ટિંગ માટે મોકલી શકતા નહોતા. હવે મંજૂરી મળી છે તો ડૉક્ટર્સ શંકાસ્પદ કોરોના દરદીને છૂટથી ટેસ્ટ માટે મોકલે છે અને લૅબોરેટરીઓ ટેસ્ટ કરે છે."

દર્દી

ઇમેજ સ્રોત, Getty Images

"શક્ય છે કે અગાઉ માત્ર સિવિલ જેવી સરકારી હૉસ્પિટલ કે સુધરાઈના અર્બન હેલ્થ સેન્ટર્સ પર જ ટેસ્ટિંગ થતું હતું. હવે ખાનગી લૅબોરેટરીને મંજૂરી મળતાં સિવિલ જેવી સરકારી હૉસ્પિટલનો બોજ થોડો ઘટ્યો હોય."

તેઓ કહે છે, "લોકો હવે પ્રાઇવેટ લૅબમાં જતા હોવાને લીધે સિવિલ કે અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ થોડા ઘટ્યા હોય. અગાઉ દરદીએ સિવિલ હૉસ્પિટલ સુધી લાંબું થવું પડતું હતું. હવે નજીકની ખાનગી લૅબોરેટરીમાં જાય છે."

ગર્ગ વધુમાં જણાવે છે કે "ટેસ્ટિંગ જે અગાઉ મર્યાદિત સ્થળે એટલે કે સરકારી હૉસ્પિટલોમાં જ થતું હતું એ હવે વધુ સ્થળો પર એટલે કે ખાનગી લૅબોરેટરીઓમાં વહેંચાઈ ગયું છે. તેથી પણ કદાચ પૉઝિટિવ કેસના આંકડામાં ઝાઝો ફરક ન હોય. આ એક ધારણા છે."

line

'ટેસ્ટિંગના આંકડા જાહેર કરે તો જ સ્પષ્ટતા મળે'

લૅબ

ઇમેજ સ્રોત, Getty Images

શહેરના અન્ય એક ડૉ. રાજેશચન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે "જ્યારથી ખાનગી લૅબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે ત્યારથી અમે કોવિડનાં લક્ષણ ધરાવતાં દરદીઓને લૅબોરેટરી ટેસ્ટ માટે મોકલીએ જ છીએ. એટલે એવું તો નથી કે ડૉક્ટર દરદીને સજેસ્ટ નથી કરતાં કે લૅબોરેટરીવાળા ઠાગાઠૈયા કરતા હોય."

ખાનગી લૅબોરેટરીને મંજૂરી આપ્યા પછી પણ અમદાવાદમાં કોરોના પૉઝિટિવના સરકાર જે આંકડા જાહેર કરે છે એમાં ખાસ કોઈ અંતર જોવા મળ્યું નથી. આનું શું કારણ હોઈ શકે?

ગાંધીનગર ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે "સરકાર કે સુધરાઈ જો કોરોના ટેસ્ટિંગના આંકડા જાહેર કરે તો જ સ્પષ્ટતા મળે."

"ક્યાં-ક્યાં કેટલા ટેસ્ટ કર્યા? ખાનગી લૅબોરેટરીમાં કેટલા ટેસ્ટ થયા? સરકારી હૉસ્પિટલોમાં કેટલા ટેસ્ટ થયા? અમદાવાદમાં કયા વૉર્ડમાં કેટલા ટેસ્ટ થયા એની વિગતો જો જાહેર કરવામાં આવે તો એક સ્પષ્ટ ચિત્ર સામે આવે."

તેઓ કહે છે, "સરકાર જેમ મૃત્યુ પામતાં કોરોના દરદીઓમાં કહે છે કે તેમને કોરોના ઉપરાંત ડાયાબિટીસ કે બ્લડપ્રેશર વગેરેની સમસ્યા પણ હતી એટલે કે મૃતક દરદી કોમૉર્બીડ હતો. તેમ રોજ નોંધાતા પૉઝિટિવ કેસમાં પણ એ કોમોર્બીડ છે કે કેમ એ પ્રકારનું વર્ગીકરણ આપે તો એ બહેતર કહેવાય."

ડૉ. માવળંકર અન્ય એક કારણ જણાવતાં કહે છે કે બીમારી પ્રત્યે થોડું ઉપેક્ષાનું વલણ તો આપણા સમાજમાં પહેલેથી જ છે.

તેઓ જણાવે છે કે "કોરોનામાં જ નહીં અન્ય રોગોમાં પણ લોકો છેક મોડેમોડે એટલે કે જવું જ પડે એવી સ્થિતિ ઊભી થાય ત્યારે ડૉક્ટર પાસે જતાં હોય છે. ખાનગી લૅબોરેટરીને મંજૂરી મળી છે, પરંતુ શક્ય છે કે આ કારણને લીધે પણ ટેસ્ટિંગમાં લોકો તપ્પરતા ન દર્શાવતા હોય."

line

ટેસ્ટ માટે શું કરવું?

ટેસ્ટ કરાવતાં દર્દી

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં ખાનગી લૅબોરેટરી સરેરાશ રોજના કેટલા કોરોના ટેસ્ટ કરે છે? એ વિશે શહેરમાં ઘણી શાખા ધરાવતી એક ખાનગી લૅબોરેટરીના સંચાલકે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે "અમદાવાદ શહેરમાં અમારી વિવિધ શાખાઓમાં મળીને રોજના સરેરાશ સોથી દોઢસો જેટલા કોરોનાના ટેસ્ટ થાય છે. રવિવારે સંખ્યા અડધી થઈ જાય છે."

પૉઝિટિવ કેસના સરેરાશ આંકડા અંગે પૂછતાં સંચાલકે જણાવ્યું હતું કે "પૉઝિટિવ કે નૅગેટિવ કેસની વિગત અમે માત્ર સરકારને જ જણાવી શકીએ, તેથી એના વિશે નહીં કહી શકાય."

ટેસ્ટની સગવડ કઈ રીતની છે એ વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે "ટેસ્ટ કરાવવા આવનાર દરદીએ ડૉક્ટર પાસે ફૉર્મ ભરાવીને લાવવું પડે છે. જેમાં તેનાં લક્ષણોની વિગતો જણાવાયેલી હોય. જેમ કે, તાવ કેટલા વખતથી આવે છે, શરદી-ઉધરસ કેટલા દિવસોથી છે વગેરે."

તેઓ કહે છે, "દરદી જો લૅબોરેટરી પર આવે તો 4000 રૂપિયામાં ટેસ્ટ થાય છે. જો દરદીના ઘરેથી અમારે ટેસ્ટ માટેનું સૅમ્પલ લેવાનું હોય એટલે કે ઘેરબેઠા ટેસ્ટ કરાવવાનો હોય તો 4500 રૂપિયા છે."

"કોઈ દરદી ગરીબીરેખા નીચેનો એટલે કે બીપીએલ (બીલો પૉવર્ટી લાઇન) હોય તો તેમના માટે 2000 રૂપિયામાં ટેસ્ટ થાય છે. તેમણે બીપીએલ કાર્ડ દર્શાવવાનું રહે છે. અમે જે રિપોર્ટ તૈયાર કરીએ છીએ તે દરદી ઉપરાંત શહેર સુધરાઈને પણ આપવાનો રહે છે."

line

'ટેસ્ટિંગમાં રાતોરાતો વધારો થયો નથી'

ટેસ્ટ કરાવતાં દર્દી

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં લૅબોરેટરીને કોરોના માટેની ટેસ્ટિંગ કિટ પૂરી પાડવાના કારોબાર સાથે સંકળાયેલી એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું હતું કે "નીતિન પટેલની જાહેરાત પછી અમારી પાસે લૅબોરેટરી દ્વારા કોરોના ટેસ્ટ માટેની કિટની માગમાં રાતોરાત કોઈ વધારો જોવા મળ્યો નથી."

તેઓ કહે છે કે શક્ય છે કે કેટલીક ખાનગી લૅબોરેટરીઓએ અગાઉથી જ ટેસ્ટિંગ કિટની વ્યાપક સગવડ કરી રાખી હોય.

વધુમાં તેઓ જણાવે છે, "ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટ માટે સરકારની જાહેરાત આવકાર્ય છે પણ લૅબોરેટરીમાં ટેસ્ટ કરાવવા અંગે લોકોની ઉત્સુકતા જોવા મળતી નથી. આનાં બે-ત્રણ કારણો છે. એક તો એ કે લોકોને લાગે છે કે ટેસ્ટ કરાવશું અને કોરોના પૉઝિટિવ આવશે તો સિવિલ હૉસ્પિટલમાં દાખલ થવું પડશે. જેની લોકોના મનમાં બીક છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

"બીજી વાત એ કે ટેસ્ટના જે દર છે 4500 રૂપિયા એ થોડા વધુ છે. એ દરેક પરિવારોને પરવડે નહીં. તેથી તાવ-શરદીનાં કોરોનાનાં લક્ષણ હોય તો પણ તેઓ ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટ કરાવવાનું ટાળે છે અને સ્થિતિ વણસે તો સીધા સરકારી હૉસ્પિટલમાં જ જાય છે."

"એક એવું પણ વલણ જોવા મળે છે કે કોઈને શરદી-ઉધરસનાં લક્ષણ હોય તો સાદા તાવની જેમ જ એને ફિઝિશિયન દ્વારા મટાડવાના પ્રયાસ કરે છે. મહામારી વધી રહી છે અને લૅબોરેટરી ટેસ્ટ હવે થોડા સરળ થઈ રહ્યા છે ત્યારે એમની પ્રાથમિકતામાં એ ટેસ્ટ નથી."

"અમને અંદાજ હતો કે હવે સરકારે ખાનગી લૅબોરેટરીને ટેસ્ટ માટે મોકળાશ આપી છે તો અમારી પાસેથી કિટની ખપતમાં ઉછાળ આવશે પણ એવું થયું નથી."

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો