કોરોના વાઇરસ સારવાર : ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયાના ત્રણ મહિના બાદ કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
'સરકારી જ નહીં ખાનગી દવાખાનાની અસંવેદનશીલતા જોઈને હું સ્તબ્ધ થઈ ગયો હતો. જો મારા પિતાને ક્યાંક પ્રાથમિક સારવાર મળી હોત તો તેઓ કદાચ અમારી સાથે હોત.'
આ શબ્દ છે અમદાવાદમાં રહેતા 35 વર્ષીય હિતેશ ગારંગના, જેમણે થોડા દિવસ પૂર્વે પોતાના પિતા મહેશ ગારંગ (ઉંમર વર્ષ 60)ને ગુમાવી દીધા.
મહેશભાઈને કોરોનાના લક્ષણ હોવા છતાં તેમને સારવાર મળી ન હતી.
બે દિવસ સુધી તાવ રહ્યા બાદ મહેશભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આથી, હિતેશ તેમને 8-10 અલગ-અલગ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા, પરંતુ કોઈ પાસેથી સારવાર ન મળી.
સરકારી હૉસ્પિટલમાં પણ અનેક વિનંતીઓ બાદ તબીબ મહેશભાઈને જોવા માટે આવ્યા હતા.
અંતે એસ. વી. પી. (સરદાર વલ્લભભાઈ પટેલ) હૉસ્પિટલ પહોંચતાં-પહોંચતાં મહેશભાઈએ અંતિમ શ્વાસ લીધા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસી સાથે વાત કરતાં હિતેશ કહે છે કે તેમના જેવા અનેક પરિવારો આમ જ એક કે બીજી રીતે પરેશાન છે, અને તેમને યોગ્ય સારવાર મળતી નથી અને જો સારવાર શરૂ થાય, તો પણ, ત્યાર સુધી ઘણું મોડું થઈ જાય છે.
હિતેશની જેમ તેમના જ વિસ્તારમાં રહેતાં ટીના માછરેકર અમદાવાદના સૈજપુર વિસ્તારની એક હૉસ્પિટલમાં કોરોનાના સંદિગ્ધ કેસ તરીકે સારવાર લઈ રહ્યાં હતાં. તેમને જ્યારે શ્વાસની તકલીફ વધવા માંડી તો હૉસ્પિટલના સ્ટાફે, તેમને સારવાર માટે અન્યત્ર જતાં રહેવાં કહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીનાબહેનને શિફ્ટ કરવા માટે પરિવારે ઍમ્બુલન્સ બોલાવી, પરંતુ તે ન આવી. ભારે પ્રયાસો બાદ બે કલાક બાદ ઍમ્બુલન્સ સૈજપુર પહોંચી. વધુ સારવાર માટે ટીનાબહેનને બીજી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં તેમનું મૃત્યુ થયું.
ટીનાબહેનના પરિવારજન રોમિલ માછરેકરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે ઍમ્બુલન્સ બોલાવવા માટે પણ અનેક ફોન કરવા પડ્યા હતા. કોરોનાના સંદિગ્ધ કેસને રસ્તા ઉપર બે કલાક સુધી શ્વાસ ચડેલો રહ્યો, અંતે તેમના શ્વાસ ખૂટી ગયા.
રોમિલ કહે છે, "અમે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. "
ગુજરાતના તાજેતરના ઇતિહાસમાં ન જોવા મળ્યા હોય એવા અનેક કિસ્સા છેલ્લા ત્રણ મહિના દરમિયાન જોવા મળ્યા છે.
કૂદકે ને ભૂસકે વધારો

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ તા. 19મી માર્ચના દિવસે નોંધાયો હતો, ત્યારબાદ 12મી એપ્રિલે આ સંખ્યા 500ને પાર કરી ગઈ. ત્યાર બાદ કેસની સંખ્યામાં જંગી ઉછાળો આવ્યો.
તા. 17મી એપ્રિલે એટલે કે માત્ર પાંચ જ દિવસમાં કેસની સંખ્યા બમણી થઈને એક હજારને પાર કરી ગઈ. તા. બીજી મેના દિવસે રાજ્યમાં કોરોનાના પાંચ હજાર કેસ થઈ ગયા.
એક પખવાડિયામાં કેસની સંખ્યા 10 હજાર (16મી મે) થઈ ગઈ. વધુ પાંચ હજાર કેસ 11 દિવસમાં નોંધાયા.
સાતમી જૂને કોરોનાના કેસની સંખ્યા 20 હજારને પાર કરી ગઈ અને બુધવારની સ્થિતિ પ્રમાણે, આ આંકડો 24 હજારને પાર કરી ગયો છે.
રાજ્યમાં અમદાવાદ કોરોનાથી સૌથી વધુ પીડિત જિલ્લો છે. શહેરમાં કોરોનાથી અસરગ્રસ્ત પરિવારોને લાગે છેકે આ મહામારીને પહોંચી વળવામાં સરકારી તંત્ર ઊણું ઉતર્યું છે.
સિવિલ હૉસ્પિટલ હોય, સોલા સિવિલ કે એસ.વી.પી. દરેક જગ્યાએ સરકારી તંત્રની કામગીરીમાં ઢીલ હોવાનું મહામારીનો ભોગ બનેલા હિતેશે જણાવ્યું હતું.

ગુજરાતમાં રિક્વરી અને મૃત્યુ
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા મુજબ, 17 હજારથી વધુ દરદી કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
રાજ્ય સરકારના આંકડા પ્રમાણે, ગુજરાતનો રિક્વરી રેટ 69.39 ટકા છે, એટલે કે સરેરાશ 100 દરદીમાંથી 69 સાજા થઈ ગયા છે અને તેમને રજા આપી દેવાઈ છે.
29મી માર્ચે એકસાથે પાંચ દરદીનાં મૃત્યુ થયાં હતાં. ત્યારબાદ પાંચમી મે (49), 18મી મે અને પાંચમી જૂન (35-35), 17મી જૂન (34) મૃત્યુના કિસ્સામાં ઉછાળ નોંધાયો હતો.
બુધવારની સ્થિતિ મુજબ, દેશભરમાં સૌથી વધુ મૃત્યુદર ગુજરાતમાં (6.25 ટકા) નોંધાયો છે. મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, ત્યાં મૃત્યુનો દર 4.88 ટકા જેટલો છે.
દેશની રાજધાની દિલ્હીમાં મૃત્યુદર 4.11 ટકા તથા તામિલનાડુમાં આ દર 1.1 ટકા જેટલો છે. મતલબ કે અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં દાખલ થયેલા દરદીનું કોરોનાને કારણે મૃત્યુ થવાની શક્યતા વધુ છે.
રાજ્ય સરકારે નિમેલી નિષ્ણાતોની કમિટીનું કહેવું છે કે 'રાજ્યમાં મૃત્યુનો દર શા માટે વધારે છે, તે સમય માગી લે તેવો મુદ્દો છે. પ્રાથમિક તારણમાં પેશન્ટ કૉ-મૉર્બિટી (અન્ય બીમારી)ને કારણે વધુ મૃત્યુ પામ્યા છે.'
ગુજરાત રાજ્ય અને ટેસ્ટિંગ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુજરાત સરકારના આરોગ્યવિભાગના આંકડા મુજબ, અત્યારસુધી ત્રણ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગત ત્રણ માસ દરમિયાન કોરોનાના આંકડા અનેક વખત બદલ્યા છે.
ત્રણ મહિનામાં માત્ર 16મી મેના દિવસે 10 હજાર 548 ટેસ્ટ થયા હતા, બાકી કોઈ દિવસ ટેસ્ટિંગની સંખ્યાએ 6,500નો આંકડો પાર નથી કર્યો. 14મી એપ્રિલે એક હજાર કરતાં પણ ઓછા ટેસ્ટ થયા હતા.
શરૂઆતમાં રાજ્ય સરકારે પ્રાઇવેટ લૅબોરેટરીમાં કોરોનાના ટેસ્ટિંગની પરવાનગી આપી, બાદમાં મે મહિનામાં આ મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી.
જૂન મહિનામાં માત્ર અમદાવાદમાં 1400 જેટલા એમ.ડી. (ડૉક્ટર ઑફ મેડિસિન)ની ભલામણથી પ્રાઇવેટ લૅબોરેટરીમાં ટેસ્ટિંગની છૂટ આપવામાં આવી.
હાલમાં સરકારી ઉપરાંત અમુક પ્રાઇવેટ લૅબોરેટરીમાં એમ.ડી. તબીબોની ભલામણથી ટેસ્ટિંગ થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં દર 10 લાખ નાગરિકોએ પાંચ હજાર 620નું ટેસ્ટિંગ કરવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં આ દર ચાર હજાર 362નો છે.

ત્રણ મહિના બાદ...

ઇમેજ સ્રોત, Getty Images
સરકારી આંકડા મુજબ, તા. 10થી 17 જૂનના અઠવાડિયા દરમિયાન કેસની સંખ્યામાં દૈનિક સરેરાશ બે ટકાના દરે વધારો થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં આ વૃદ્ધિદર દૈનિક ત્રણ ટકા જેટલો છે.
જૂન મહિનામાં ટેસ્ટિંગની સંખ્યા પણ સતત ઘટાડવામાં આવી છે. આ મહિનામાં અનેક દિવસો એવા હતા જેમાં ૫૦૦૦થી પણ ઓછા ટેસ્ટ થયા હતા.
જૂન મહિના દરમિયાન ટેસ્ટિંગની સંખ્યા સતત ઘટી છે. ગત દિવસોમાં અનેક વખત એવું બન્યું છે કે દૈનિક પાંચ હજાર કરતાં ઓછાં પરીક્ષણ કરવામાં આવ્યાં હોય.
ગુજરાતના સદનસીબે અમદાવાદ (કુલ 17 હજાર કરતાં વધુ કેસ) સિવાય અન્ય કોઈ જિલ્લામાં કોરોનાની સ્થિતિ વિકરાળ નથી બની. રાજ્યમાં 17 જિલ્લા એવા છે કે જ્યાં કુલ કેસની સંખ્યા 100ને પાર નથી પહોંચી.
'વૅન્ટિલેટર' પર વ્યવસ્થા

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ ઍસોસિયેશન (AHNHA) અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC) મળીને સ્થિતિને પહોંચી વળવા માટે સંઘર્ષરત છે.
AMCએ શહેરની 49 ખાનગી હૉસ્પિટલ સાથે એમ. ઓ. યુ. (મેમૉરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ, સમજૂતિ કરાર) કર્યાં છે, જેના કારણે પ્રાઇવેટ હૉસ્પિટલમાં પણ શહેરના કોરોનાના દરદીને સારવાર મળી શકે છે.
આ સિવાય ટ્રસ્ટ સંચાલિત હૉસ્પિટલોમાં પણ કોરોનાના દરદી સારવાર મેળવી શકે છે.
AHNHA દ્વારા દરરોજ સવારે તથા સાંજે એક યાદી બહાર પાડવામાં આવે છે, જેમાં શહેરની ખાનગી હૉસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સંખ્યા વિશેની માહિતી આપવામાં આવે છે.
17મી જૂનના સવારે 9.30 કલાકની યાદી મુજબ અમદાવાદમાં 988 ખાટલા ઉપલબ્ધ છે, જેમાંથી માત્ર ચાર વૅન્ટિલેટર સાથેના આઈ. સી. યુ. (ઇન્ટૅન્સિવ કૅર યુનિટ) બેડ છે.
મતલબ કે વૅન્ટિલેટરની તાતી જરૂર હોય તેવા માત્ર ચાર જ દરદીને ખાનગી હૉસ્પિટલમાં સારવાર મળી શકે અને તેમણે સરકારી વ્યવસ્થા ઉપર જ આધાર રાખવો પડે.
તેના એક દિવસ પહેલાં 49 ખાનગી હૉસ્પિટલ વચ્ચે માત્ર 10 વૅન્ટિલેટર બેડ પ્રાપ્ય હતા અને 15મી જૂને આવા 14 બેડ ઉપલબ્ધ હતા.

સરકારી બેડ વ્યવસ્થા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસે હાલમાં લગભગ 3500 જેટલા બેડ ઉપલબ્ધ છે, જેમાં એસ. વી. પી. તથા પ્રાઇવેટ હૉસ્પિટલના બેડ પણ સમાવિષ્ટ છે.
ઉપરાંત અમદાવાદ સિવિલ હૉસ્પિટલના 1500 જેટલા અને ખાનગી હૉસ્પિટલના એક હજાર જેટલા બેડ પ્રાપ્ય છે. આમ અમદાવાદ શહેર પાસે કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે લગભગ છ હજાર બેડ ઉપલબ્ધ છે.
અમદાવાદ શહેરમાં લગભગ ત્રણ હજાર જેટલા ઍક્ટિવ કેસ છે. રાજ્યમાં જૂન મહિના દરમિયાન દૈનિક સરેરાશ 400 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના અમદાવાદના હોય છે.
કોરોના વાઇરસ સામે શહેરની તૈયારીઓ વિશે એ.એમ.સી.ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડૉ. મનીષ કુમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું :
"પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા ટૂંક સમયમાં વધુ 25 પ્રાઇવેટ હૉસ્પિટલને હસ્તગત કરવાની કામગીરી હાથ ધરાશે. ખાનગી હૉસ્પિટલો પાસેથી વૅન્ટિલેટરની જરૂરિયાતની વિગતો માગવામાં આવી છે."
"આ વિગતો મળ્યે રાજ્ય સરકાર સમક્ષ પ્રાઇવેટ હૉસ્પિટલો તરફથી વૅન્ટિલેટરની માગ મૂકવામાં આવશે."
ડૉ.મનીષે વધુમાં જણાવ્યું કે જરૂર પડતા નવી પ્રાઈવેટ હૉસ્પીટલને આવાનારા સમયમાં ઉમેરવામાં આવશે.
અમદાવાદમાં લગભગ 3300 દરદીઓએ નિઃશુલ્ક સારવાર મેળવી છે.

ઇમેજ સ્રોત, Reuters
એ. એમ. સી.ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી. એ. શાહનું કહેવું છે કે 'અમદાવાદની ખાનગી હૉસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સામે કૉર્પોરેશનના રૅફરન્સથી સારવાર લઈ રહેલાં દરદીઓની સંખ્યા ઓછી છે, જેનો સીધો મતલબ એ છે કે એ.એમ.સી.એ પૂરતા પગલાં લીધાં છે.'
જોકે કેટલાક નિષ્ણાતોના મતે સરકારના પ્રયાસો લોકો સુધી પહોંચે અને ગરીબ તથા જરૂરિયાતમંદ દરદીઓને વધુ લાભ મળે તે માટે વધુ સારી રીતે સંકલિત પ્રયાસો કરવાની જરૂર છે.
ગુજરાત સરકારની હાઈપાવર કમિટીના સભ્ય તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું :
"જુદાં-જુદાં ખાતાં અને લોકો વચ્ચે તાલમેલ બેસાડવામાં આવે તો જે દરદીઓને તાત્કાલિક સારવારની જરૂરિયાત છે, તેમને મળી રહેશે."
ડૉ. માવલંકર માને છે કે આ આપદામાં લોકોને મદદ મળે તે માટે સરકાર પૂરતા પ્રયત્ન કરી રહી છે.
સિનિયર પલ્મૉલૉજિસ્ટ ડૉ. પાર્થિવ મહેતાનું કહેવું છે કે લોકોએ કોરોના સાથે જીવતા શીખવું જ પડશે. જરૂરી સાવચેતી રાખી, તકેદારીનાં પગલાં લઈને પોતાની જાતને સુરક્ષિત રાખવી પડશે, જેથી તે રોગથી દૂર રહી શકે.
ડૉ. મહેતા માને છે કે જો પૂરતી સાવચેતી લેવામાં આવે તો આપણે આપોઆપ આ સમસ્યામાંથી બહાર નીકળી જઇશું.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












