કોરોના વાઇરસ : અમદાવાદમાં એક હજાર દરદીનાં મૃત્યુ પાછળ કોણ જવાબદાર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતની 'આર્થિક રાજધાની' તરીકે ઓળખાતા અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ ભયાનક બની છે અને તે રાજ્યનું 'કોરોના કૅપિટલ' પણ બની ગયું છે.
દેશમાં કોરોનાને કારણે થયેલાં સરેરાશ છમાંથી એક મૃત્યુ ગુજરાતમાં થયું છે, જ્યારે પૉઝિટિવ કેસોની સંખ્યા 20 હજારને પાર કરી ગઈ છે.
રાજ્ય સરકારનું કહેવું છે કે કોરોનાની સ્થિતિને 'આંકડાકીય રીતે જોઈ ન શકાય તથા અલગ-અલગ પરિબળો તેને અસર કરતાં હોય છે.' રાજ્ય સરકાર નિષ્ણાતોની પેનલના કહેવા પ્રમાણે, અમદાવાદમાં શા માટે મૃત્યુદર વધારે છે, તેનો અભ્યાસ સમય માગી લે તેમ છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, કેસોની સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં પાંચમા ક્રમે (બે લાખ 58 હજાર 90 કેસ) તથા મૃત્યુના આંકની દૃષ્ટિએ 12મા ક્રમે (7,207 મૃત્યુ) છે.

અમદાવાદની ભયાનક સ્થિતિ
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા મુજબ, સોમવારે સાંજે રાજ્યમાં કુલ 20097 કેસ નોંધાયેલા છે, જેમાંથી 14 હજાર 285 કેસ એકલા અમદાવાદમાં નોંધાયેલા છે, જે 71 ટકાની સરેરાશ સૂચવે છે.
ગુજરાતમાં કોરોનાને કારણે 1249 મૃત્યુ થયાં છે, જેમાંથી એકલા અમદાવાદમાં 1,015 મૃત્યુ થયાં છે. અર્થાત્ રાજ્યમાં થયેલાં દર પાંચ મૃત્યુમાંથી ચાર અમદાવાદમાં થયાં છે.
આ બધાની વચ્ચે રાહતની બાબત એ છે કે દરદી અમદાવાદમાં સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કુલ 13 હજાર 635એ આ બીમારીમાંથી મુક્તિ મેળવી છે, જેમાંથી 9,912 અમદાવાદમાં સાજા થયા છે, જે રાજ્યની 73 ટકા સરેરાશ દર્શાવે છે.
મૃત્યુ /કેસની સ્થિતિ અને સરખામણી
મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ અમદાવાદ દેશમાં મુંબઈ બાદ બીજા ક્રમે છે. આ સિવાય કેસની સંખ્યાની દૃષ્ટિએ દિલ્હી અને મુંબઈની સરખામણીમાં અમદાવાદમાં ઓછા કેસ જણાય છે, પરંતુ પ્રતિ 10 લાખની વસતિએ કેસ તથા મૃત્યુની બાબતમાં અમદાવાદની સ્થિતિ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશમાં કોરોનાના આંકડાનું સંકલન કરતી વેબસાઇટ howindialivesના અહેવાલ મુજબ, મુંબઈમાં 1638, અમદાવાદમાં 1015, દિલ્હીમાં 874, કોલકતામાં 254 તથા ચેન્નઇમાં 221 મૃત્યુ થયાં છે.
દર નોંધાયેલા 100 કેસની સામે મૃત્યુનો દર (Case Fatality Rate) દેશના તમામ શહેરોમાં સૌથી વધુ અમદાવાદમાં છે.
કેસની સામે મૃત્યુદર અમદાવાદમાં સૌથી વધુ (સરેરાશ સાત ટકા જેટલો) છે. મુંબઈમાં 48 હજાર 744 કેસ (3.36 ટકા) આંક દર્શાવે છે. ચેન્નાઇમાં 22 હજાર 112 કેસ (એક ટકા જેટલી) સરેરાશ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે આ સંખ્યામાં બૃહદ વિસ્તારને ધ્યાને નથી લેવાયો. જેમ કે અમદાવાદ (તથા તેની આજુબાજુની વસતિ, જે લગભગ ગાંધીનગર સુધી જોડાયેલી છે.), મુંબઈ (ઠાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, ઉલ્લહાસનગર) દિલ્હીમાં (ગાઝિયાબાદ-ગુડગાંવ) વગેરે.
સરકારની તજજ્ઞ તબીબોની સમિતિના સભ્ય તથા અપોલો હૉસ્પિટલ સાથે સંકળાયેલા ડૉ. મહર્ષિ દેસાઈના કહેવા પ્રમાણે, "હાલમાં આંકડા ઉપર ધ્યાન આપવાને બદલે, જે પેશન્ટ દાખલ છે તથા ક્રિટિકલ સ્થિતિમાં છે તેમની સારવાર તથા હૅલ્થ કૅર વ્યવસ્થા ઉપર ધ્યાન આપવું જોઈએ."

વિસ્તાર અને વસતીગીચતા

ઇમેજ સ્રોત, Getty Images
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતી વખતે તેને એક કારણ ગણાવ્યું હતું.
ગૌરાંગ જાનીના કહેવા પ્રમાણે, "કોટ વિસ્તારના અમદાવાદમાં શેરીઓ સાંકડી છે, ઘરો એકબીજાને અડોઅડ આવેલાં છે અને વસતી ઘણી ગીચ છે."
"અહીંના રહેવાસીઓ વાસણ-કપડાં ધોવાં, દાતણ-પાણી કરવા જેવી પ્રક્રિયાઓ ઘરમાંથી બહાર આવીને જાહેરમાં કરે છે, એટલે અહીં જ કરે છે, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાતું."
એક તબક્કે સમગ્ર કોટ વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને તેને કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં ફેરવી દેવાયો હતો. અમદાવાદમાં સૌથી વધુ હૉટ્સ્પૉટ્સ પણ જૂના અમદાવાદમાં જ ચિહ્નિત થયા હતા.
ઉલ્લેખનીય છે કે અમદાવાદને પૂર્વ અમદાવાદ (સાબરમતી નદીને પેલે પાર, જૂનું અમદાવાદ) તથા પશ્ચિમ અમદાવાદ (પાછળથી વિસ્તરેલો એરિયા) એમ બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે.
ડૉ. દિલીપ માલવંકરના કહેવા પ્રમાણે, દેશના સરેરાશ 70 ટકા કેસ 20 જિલ્લામાં નોંધાયેલા છે અને તેમાં પણ 50 ટકા કેસ દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોલકતા અને ઠાણે જેવાં ટોચનાં પાંચ શહેરો ધરાવે છે.
ડૉ. માલવંકરે વસતીગીચતાનો અભ્યાસ કરતું શોધપત્ર પણ તૈયાર કર્યું છે.
આંતરરાષ્ટ્રીય/રાજ્ય મુલાકાતીઓ અને સફર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નિષ્ણાતોના મતે, અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે, દર વર્ષે લાખોની સંખ્યામાં નાગરિકો પર્યટન કે વેપારઅર્થે વિદેશપ્રવાસ ખેડે છે, જેના કારણે ચેપ અમદાવાદના આંગણે પહોંચ્યો.
આ સિવાય વેપારરોજગાર માટે અમદાવાદીઓ અન્ય રાજ્યમાં જાય છે તથા અન્ય રાજ્યના નાગરિકો અમદાવાદમાં આવે છે. ગુજરાતમાં શરૂઆતના તબક્કામાં જે કેસો નોંધાયા, તેનું પગેરું વિદેશમાં અથવા તો દેશના અન્ય હૉટસ્પૉટ (મુંબઈ, અમદાવાદ કે ઇંદૌર) સુધી પહોંચ્યું હતું.
આ સિવાય દિલ્હીમાં તબલીગી જમાતના મરકઝને કારણે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધી હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કહી ચૂક્યા છે, તેમના નિવેદનમાં રહેલી રાજકીય અર્થછાયાને અવગણી ન શકાય.
સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી આ માટે આંતરરાષ્ટ્રીય વિમાનમથક ઉપરાંત સુલભ વાહનવ્યવહાર વ્યવસ્થાને પણ જવાબદાર ઠેરવે છે.

સિવિલની બિસમાર હાલત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અમદાવાદની સિવિલ હૉસ્પિટલ દેશની સૌથી જૂની જાહેર હૉસ્પિટલોમાંની (ઈ.સ. 1871) એક છે, દર વર્ષે અહીં લગભગ સાડા છ લાખ દરદીઓને ટ્રિટમૅન્ટ આપવામાં આવે છે અને 70 હજારથી વધુ સર્જરી કરવામાં આવે છે.
જોકે, કોવિડ-19 બીમારીને પહોંચી વળવા માટે આ હૉસ્પિટલ તૈયાર ન હતી.
વિપક્ષ કૉંગ્રેસે પણ તેની મુલાકાત લઈને કામગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે તેની કામગીરીની ઉપર ટિપ્પણી કરતા તેને 'કાળી અંધારી કોટડી' કહી હતી.
110 એકરમાં ફેલાયેલી સિવિલ હૉસ્પિટલ તથા તેના સાથે સંલગ્ન કૅન્સર હૉસ્પિટલના તબીબી વહીવટદારો વચ્ચેનો ગજગ્રાહ જાહેરમાં આવી ગયો હતો. ગુજરાતના નાયબમુખ્ય પ્રધાન તથા આરોગ્યપ્રધાન નીતિન પટેલને દરમીયાનગીરી કરવી હતી. તેઓ આ વાતનો જાહેરમાં સ્વીકાર કરી ચૂક્યા છે.
અમદાવાદમાં જેટલાં મૃત્યુ થયાં છે, તેમાંથી અડધોઅડધથી વધુ મૃત્યુ સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન થયાં છે. ડૉ. એમ. એમ. પ્રભાકરના કહેવા પ્રમાણે, પહેલાં સિવિલ હૉસ્પિટલ સજ્જ ન હતી, પરંતુ હવે સજ્જ છે.
સારવારમાં સંકોચ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ ડૉ. જયંતી રવિનું કહેવું છે કે, 'કોરોનાનાં લક્ષણ દેખાવાં છતાં નાગરિકો દ્વારા હૉસ્પિટલ સુધી પહોંચડવામાં ઢીલ કરવામાં આવે છે.'
ડૉ. રવિના ઉમેરે છે, 'અશિક્ષિત કે સમાજના નીચલા તબક્કામાં જ નહીં, પરંતુ કહેવાતા શિક્ષિત અને ઉચ્ચવર્ગમાં પણ આ માનસિકતા જોવા મળે છે. ઘણી વખત ચાર-પાંચ દિવસ સુધીનું મોડું થઈ જાય છે, જેના કારણે સારવાર માટેના મહત્ત્વપૂર્ણ દિવસો હાથમાંથી સરી જાય છે.'
અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પણ ટ્વિટર ઉપર આ અંગે વ્યથા વ્યક્ત કરી હતી, તેમણે લખ્યું હતું કે 'કોરોના પૉઝિટિવ ડિટેક્ટ થયા બાદ નાગરિકો હૉસ્પિટલમાં દાખલ થવા તૈયાર નથી થતા.'
બીબીસી સાથે વાત કરતી વેળાએ ડૉ. પ્રવીણ ગર્ગે કહ્યું હતું કે અમદાવાદમાં ટેસ્ટિંગ વધારે થઈ રહ્યું છે એટલે ત્યાં વધુ કેસ જોવા મળી રહ્યાં છે. અન્ય જિલ્લાઓમાં આટલા મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ન થતું હોય એટલે મોટી સંખ્યામાં કેસ બહાર ન આવતાં હોય તેવું બનવાજોગ છે.
નોંધનીય છે કે મૃત્યુને નોંધવા માટેની નિર્ધારિત પ્રક્રિયા તથા ટેસ્ટિંગના પરીક્ષણ અલગ-અલગ હોવાને કારણે બે દેશ વચ્ચેનો મૃત્યુનો દર અલગ-અલગ હોઈ શકે છે.
તંત્રની તૈયારી નહીં

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાનો આરોપ છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ કોરોનાના ભણકારા વાગી રહ્યા હોવા છતાં ગુજરાત સરકાર તથા અમદાવાદનું સરકારી તંત્ર તૈયાર ન હતા, આને બદલે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટેના કાર્યક્રમ 'નમસ્તે ટ્રમ્પ'ની તૈયારીઓમાં વ્યસ્ત હતા.
એટલું જ નહીં, ટ્રમ્પના કાર્યક્રમ દરમિયાન સેંકડોની સંખ્યામાં વિદેશીઓ તથા અન્ય રાજ્યોથી લોકો ગુજરાતમાં આવ્યાં, જેનું યોગ્ય રીતે સ્ક્રિનિંગ થયું ન હતું. તેઓ ચેપ ગુજરાત લાવ્યા અને આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓ થકી આ ચેપ અલગ-અલગ વિસ્તારો સુધી પહોંચ્યો હોવાનું કૉંગ્રેસ માને છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે લગભગ એક લાખ જેટલા લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ટ્રમ્પને સાંભળવા માટે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું મુખ્ય આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા તથા મેયર બિજલ પટેલ આયોજન દરમિયાન મીડિયામાં છવાયેલા રહ્યા હતા.
જોકે, ભાજપ આ આરોપોને નકારે છે અને કહે છે કે જ્યારે 'નમસ્તે ટ્રમ્પ'નું આયોજન થયું હતું, ત્યારે રાજ્યમાં કોરોનાનો એક પણ કેસ ન હતો.

કોરોનાના અને અન્ય બીમારીઓ
ડૉ. જયંતી રવિના કહેવા પ્રમાણે, "60 વર્ષથી વધુ ઉંમરના, તથા 10 વર્ષથી નાની ઉંમરના, સગર્ભા મહિલા તથા કૅન્સર, કિડની, ફેફસા, શ્વાસ, હાઇપરટૅન્શન, હૃદયની બીમારી, ડાયાબિટીસ ધરાવનારી વ્યક્તિનો સમાવેશ 'હાઇ-રિસ્ક'માં થાય છે."
"અગાઉથી કોઈ બીમારી ધરાવનારની કોરોનાની સારવાર જટિલ બની જાય છે અને મૃત્યુ થવાની આશંકા વધી જાય છે."
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ, દેશના સરેરાશ મૃત્યુમાંથી 70 ટકા દરદીઓને અન્ય કોઈ બીમારી હતી, જ્યારે ગુજરાતમાં આ દર 84 ટકા જેટલો ઊંચો છે.
અત્રે એ નોંધનીય છે કે ગુજરાતના સરેરાશ પાંચ મૃત્યુમાંથી ચાર મૃત્યુ અમદાવાદમાં થયાં છે.
ગુજરાત સરકાર દ્વારા તંત્રને માર્ગદર્શન આપવા માટે નવ નિષ્ણાત તબીબોની કમિટી બનાવવામાં આવી છે. અગાઉ અનૌપચારિક રીતે માર્ગદર્શન આપતી સમિતિ હવે ઔપચારિક રીતે જોડાયેલી રહેશે.
રવિવારે પત્રકારો સાથે વાતચીત કરતી વેળાએ ડૉ. પટેલ તથા ડૉ. દેસાઈએ તેમના વિચાર વ્યક્ત કર્યા હતા.
કમિટીના સભ્ય તથા પદ્મશ્રી ડૉ. તેજસ પટેલનું માનવું છે કે ચોમાસાં તથા સરેરાશ 35 ડિગ્રી તાપમાનને કારણે વાઇરસનો પ્રસાર ઘટશે, પરંતુ ડેંગ્યુ, મલેરિયા, ચિકન ગુનિયા અને સ્વાઇન ફ્લૂ જેવી બીમારી ભરડો ન લે, તેની તકેદારી લેવી પડશે.
ડૉ. તેજસ પટેલના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં હૉસ્પિટલમાં જે મૃત્યુદર એ માત્ર સમાજ જ નહીં, પરંતુ તબીબીજગત માટે પણ ચિંતાનો વિષય છે અને તેના ઉપર અભ્યાસની જરૂર છે, જેમાં સમય લાગશે."


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















