'કોરોના વાઇરસે મારા પરિવારને વેરવિખેર કરી નાખ્યો'

ઉમેશનો પરિવાર
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ધોરણ-12 સાયન્યનું પોતાનું પરિણામ લેતી વખતે 17 વર્ષીય ખુશાલી તમાયચીની આંખો માત્ર ભીની નહોતી, પરંતુ તે ધ્રૂસકેધ્રૂસકે રડી રહી હતી. તેના મિત્રો અને તેમના વાલીઓ પણ તેની સાથે રડી રહ્યાં હતાં. આ દિવસની ખુશાલીના પપ્પા ઍડવૉકેટ ઉમેશ તમાયચી ઘણાં વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, અને તેઓ જાણે કે આ દિવસ માટે જ જીવી રહ્યા હતા. આ દિવસ આવે તેના એક દિવસ પહેલાં જ ઉમેશ કોરોના વાઇરસ સામેનો પોતાનો લાંબો જંગ હારી ચૂક્યા હતા.

ખુશાલી તેના પપ્પા વગર જ પરિણામ લેવા આવી હતી. 44 વર્ષીય ઉમેશ તમાયચી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા હતા.

12 મેના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ આવ્યો અને તેમને ખબર પડી કે તેઓ પૉઝિટિવ છે. તેના એક દિવસ અગાઉ 11મી મેના રોજ સોમવારે સાંજે અચાનક જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. અને તેમનાં પત્ની અને મારાં નાના બહેન શેફાલી તમાયચી તેમને લઈને નરોડા વિસ્તારની આનંદ સર્જિકલ પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈને ગયા.

આ હૉસ્પિટલ આ વિસ્તારની સૌથી મોટી હૉસ્પિટલ ગણાય છે અને થોડા દિવસો અગાઉ જ શેફાલીએ છાપામાં વાંચ્યુ હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ હૉસ્પિટલને કોવિડ-19ના દર્દીઓ માટે હસ્તગત કરેલી છે.

જોકે આ હૉસ્પિટલે દર્દીની સારવાર કરવાની ના પાડી દીધી.

આનંદ સર્જિકલથી જ શેફાલીએ મને ફોન કર્યો અને મને ઉમેશની તબિયત વિશે જાણ કરી. આ કૉલ મારા માટે એક આંચકા સમાન હતો. આ કૉલ દરમિયાન મને સમજાઈ ગયું કે કોરોના વાઇરસ મારા પરિવારના આંગણે આવી ચૂક્યો છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

લગભગ એક મહિનાથી વધુના સમય પછી હું પહેલી વખત ઘરથી બહાર એક સ્ટોરીની શૂટિંગ કરવા માટે નીકળ્યો હતો અને હું લીબડીથી પાછો અમદાવાદ તરફ આવી રહ્યો હતો એ વખતે આ કૉલ આવ્યો હતો.

જ્યારે શેફાલીએ મને કહ્યું કે ઉમેશને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે ત્યારે મને ગંભીર સ્થિતિનો અંદાજ આવી ગયો.

હું પોતે ખૂબ ડરી ગયો હતો, પરંતુ મેં શેફાલીને સાંત્વના આપીને તુરંત જ આનંદ સર્જિકલ હૉસ્પિટલમાં ફોન કર્યો.

મને જાણવા મળ્યું કે ભલે એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન)એ આ હૉસ્પિટલને કોવિડ-19 માટે હસ્તગત કરી લીધી છે, પરંતુ હજી સુધી (એટલે કે તારીખ 11મી મેની સાંજે) આ હૉસ્પિટલ પાસે ન તો આઇસોલેશન રૂમ હતો કે ન ડૉક્ટર્સ હતા.

તેમની પાસે વૅન્ટિલેટર પણ નહોતું. મેં શેફાલીને કહ્યું કે કોઈ બીજી હૉસ્પિટલમાં તેમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવાની તે કોશિશ કરે, જેથી મને સમય મળી જાય અને હું કોઈ સરકારી હૉસ્પિટલમાં તેમની ટ્રીટમેન્ટ માટે થોડા ફોન કરી લઉં.

શેફાલી ઉમેશને લઈને એક બીજી હૉસ્પિટલમાં ગઈ અને ત્યાં તેમનો છાતીનો એક્સ-રે કાઢવામાં આવ્યો. રિપોર્ટ જોતા જ રેડિયોલૉજિસ્ટે કોરોના હોવાની શંકા વ્યકત કરી. ઉમેશને કોરોના હોઈ શકે તેની શંકા હવે પ્રબળ થઈ રહી હતી.

ઉમેશ તેમની પત્ની સાથે

મારી બહેન શેફાલી તમાયચી ભારતની એક મોટી આઈટી કંપનીના ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. તેના પરિવાર સાથે તે છારાનગરમાં રહે છે.

અમદાવાદમાં રહેતા લોકો માટે આ વિસ્તાર વિશે વધુ કહેવાની જરૂર નથી. આ વિસ્તારને મુંબઈના ધારવીનું મિનીએચર વર્ઝન કહી શકાય.

એકબીજાથી ચોંટેલાં મકાનો, નાની-નાની ગલીઓ, કોઈ ખાસ સગવડો વગરનું જીવન, અને ગમે તે દિશામાં આગળ વધતું બાંધકામ.

આ વિસ્તાર દારૂના ગેરકાયદેસર વ્યવસાય માટે કુખ્યાત છે. હું અને શેફાલી અમે આ વિસ્તારમાં સાથે જ મોટાં થયાં છીએ. હું ત્યાંથી બહાર નીકળીને બીજા વિસ્તારમાં રહેવા આવી ગયો હતો, જ્યારે તેણે અને ઉમેશે છારાનગરમાં જ રહેવાનું નક્કી કર્યું હતું.

ઉમેશ અને શેફાલીએ ખૂબ મહેનત કરીને છારાનગરના નવખોલીમાં પોતે એક મકાન બનાવ્યું. તેમને બે દીકરી છે, ખૂબ જ હોશિયાર. તે બન્ને દીકરીઓ શાહીબાગની ફિરદોસ અમૃત સ્કૂલમાં અભ્યાસ કરે છે.

છોકરીઓને આવી રીતે કોઈ અંગ્રેજી મીડિયમ શાળામાં ભણાવવું એ આજે પણ આ વિસ્તારમાં એક નવાઈની વાત છે.

સામાન્ય રીતે અહીંના લોકો છોકરીઓના ભણતર પર વધુ ખર્ચ કરવામાં નથી માનતા. મોટી દીકરી ખુશાલીએ 12માં ધોરણની પરીક્ષા આપીને ફસ્ટ ક્લાસ મેળવ્યો છે.

તે હાલમાં મેડિકલ ઍન્ટ્રૅન્સ માટે NEETની તૈયારી કરી રહી છે. નાની દીકરી 15 વર્ષીય ઉર્વશીએ 10માં ધોરણની પરીક્ષા આપી છે, અને તે પોતાના પપ્પાની જેમ વકીલ બનવા માગે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ઉમેશની તબિયત વિશેનો શેફાલીનો ફોન આવ્યો તેના થોડા દિવસ પહેલાં જ, જ્યારે ગુજરાતમાં હજી કોરોનાએ પગપેસારો નહોતો કર્યો ત્યારે મેં કોરોનાની તૈયારી માટે રાજ્ય સરકાર કેટલી તૈયાર છે, તેના પર એક સ્ટોરી કરી હતી.

તે સમયે મેં ગુજરાતના હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરે અને તે સમયના સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ જી.એચ. રાઠોડનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. તેમણે ઇન્ટરવ્યૂમાં તેમની તૈયારીઓ, મેડિકલ સ્ટાફ, સ્ટાફ ટ્રેનિંગ વિશેની અનેક વાતો કરી હતી.

શેફાલી સાથે જ્યારે ઉમેશની બીમારી તબિયત વિશે વાત કરી રહ્યો હતો ત્યારે મને આ સ્ટોરી યાદ આવી અને થયું કે હાલમાં જ્યારે કોઈ પ્રાઇવેટ હૉસ્પિટલ ઉમેશની ટ્રીટમેન્ટ નથી કરી રહી ત્યારે તેને અમદાવાદ સિવિલની 1200 બેડની કોવિડ હૉસ્પિટલમાં જ મોકલવા જોઈએ.

શેફાલી જ્યારે ત્યાં પહોંચી ત્યારે ત્યાંની OPDમાં લાંબી લાઇન હતી. તેનો નંબર આવ્યો અને તેણે ત્યાં હાજર ડૉક્ટર સાથે વાત કરી. જોકે તે ત્યાં પહોંચે તે પહેલાં મારી વાત મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સાથે થઈ ચૂકી હતી અને તેમણે તમામ મદદની બાંયધરી આપી હતી.

ઉમેશનો એક્સ-રે જોયા બાદ તેને સિવિલ હૉસ્પિટલના સંદિગ્ધ કોરોના વૉર્ડમાં દાખલ કરી દેવાયા. બીજે દિવસે તેનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેને કોરનાના વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

જોકે હવે મને શંકા સતાવવા લાગી કે સિવિલ હૉસ્પિટલમાં ઉમેશને યોગ્ય સારવાર મળશે કે કેમ?

આ માટે મેં રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલનો સંપર્ક કર્યો. તેમણે મારી પૂરી વાત સારી રીતે સાંભળી અને ત્યારબાદ ડૉક્ટર્સને યોગ્ય સૂચનાઓ પણ આપી, જેમાં ઉમેશનું ધ્યાન રાખવાની વાત કરવામાં આવી હશે, તેવું હું માનું છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ દર્દી દવાખાનામાં દાખલ થાય તો તેની પરિસ્થિતિ વિશે જે તે ડૉક્ટર સગાંસંબંધીઓને જાણ કરતા હોય છે.

જોકે ઉમેશના કેસમાં નીતિનભાઈએ ડૉક્ટરો સાથે વાત કરીને મને તેમના વિશે જણાવ્યું અને કહ્યું કે તેઓ હાલમાં સામાન્ય ઑક્સિજન પર છે અને તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

line

કોરોના ટેસ્ટ માટે રઝળપાટ

ઉમેશ

જોકે દાખલ થયાના અમુક કલાકોમાં જ ઉમેશની તબિયત ખરાબ થવા માંડી. તેમને ICUમાં શિફ્ટ કરવા પડ્યા. મને હજી સુધી તેમની સારવાર, તેમની હાલત વગેરે વિશે કાંઈ ખાસ ખબર નહોતી. મને લાગ્યું કે મારે ઉમેશને કોઈ પ્રાઇવેટ હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવા જોઈએ.

આ માટે મેં સ્ટર્લિંગ હૉસ્પિટલનો સંપર્ક કર્યો હતો. (હજી સુધી આ હૉસ્પિટલને એએમસીએ પોતાની હસ્તગત નહોતી કરી).

અનેક વખત ફોન કર્યા બાદ, ઓળખીતા ડૉક્ટર્સથી વાત કર્યા બાદ મહામહેનતે જ્યારે સ્ટર્લિંગ હૉસ્પિટલના સ્ટાફ સાથે વાત થઈ તો તેમણે કહ્યું- નો-વૅકેન્સી.

ત્યારબાદ મેં એચ.સી.જી. હૉસ્પિટલનો સંપર્ક કર્યો, જે પણ ફુલ હતી. ત્યારબાદ ચાંદખેડાની એસ.એમ.એસ. હૉસ્પિટલમાં સંપર્ક કર્યો, જેમણે કહ્યું કે પ્રોટોકૉલ પ્રમાણે તેઓ સિવિલ હૉસ્પિટલથી આવેલા દર્દીને દાખલ નહીં કરે. ત્યારબાદ મેં સેટેલાઈટની તપન હૉસ્પિટલ, રખિયાલની નારાયણી હૉસ્પિટલ, સાયન્સ સિટી રોડની સિમ્સ હૉસ્પિટલનો સંપર્ક કર્યો, પણ એકેય હૉસ્પિટલમાં એક પણ ખાટલો ઉપલબ્ધ નહોતો.

મારા પ્રયાસો બાદ મેં હેલ્થ રિપોર્ટર, ક્રાઇમ રિપોર્ટર મિત્રોનો સંપર્ક કર્યો. તેમણે પણ મને પૂરતા પ્રયાસો કરવાની બાંયધરી આપી, પરંતુ સફળતા કોઈને ન મળી.

એટલે કે આખા અમદાવાદમાં કોઈ ખાનગી હૉસ્પિટલમાં કોરોનાના પેશન્ટ માટે એક પણ બેડ ઉપલબ્ધ નહોતો.

મેં અમદાવાદ શહેરનાં મેયર બીજલબહેન પટેલનો પણ સંપર્ક કર્યો અને તેમણે કહ્યું કે તેઓ પ્રાઇવેટમાં દાખલ કરાવવા માટે તો મદદ નહીં કરી શકે, પરંતુ સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સાથે વાત કરશે કે ઉમેશને યોગ્ય સારવાર મળે. હું માનું છું કે તેમણે તે કર્યું હશે.

જ્યારે ખાનગી હૉસ્પિટલમાં ખાટલો મળવાની આશા ઘટતી ગઈ તો મેં ઉમેશની સારવાર સિવિલમાં સારી રીતે થાય અને તેના પર ધ્યાન આપવામાંની દિશામાં મારી ઍનર્જી ડાઇવર્ટ કરી.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

પત્રકારમિત્રોએ પણ કહ્યું કે હાલમાં સિવિલ હૉસ્પિટલ જ સારો ઑપ્શન દેખાય છે.

ડૉક્ટર્સ સાથે વાત કરવી, ઉમેશ સાથે વાત કરવી, નિષ્ણાતો સાથે વાત કરવી તે બધું કર્યું.

12,13 અને 14 એમ ત્રણ દિવસ સુધી સિવિલ હૉસ્પિટલમાં ડૉ. કમલેશ ઉપાધ્યાય સાથે મારી વાત સતત થતી રહી.

જોકે ઉમેશની તબિયત દરેક જતા દિવસે ખરાબ થતી ગઈ, તેમને શ્વાસ લેવામાં તકલીફ વધતી ગઈ.

તેમને વૅન્ટિલેટર પર મૂકતાં પહેલાં મને ડૉ. કમલેશ ઉપાધ્યાયે વીડિયો કૉલ કર્યો અને કહ્યું કે તેમને શ્વાસમાં તકલીફ હોવાને કારણે તેમને વૅન્ટિલેટર પર મૂકવાની જરૂરિયાત છે. ફોનના કૅમેરા પર તેમણે મને ઉમેશને બતાવ્યા, જે ઓક્સિજનના એકએક અંશ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેઓ બોલી નહોતા નહોતા, પરંતુ મને ઇશારો કરીને કહ્યું કે શ્વાસમાં તકલીફ પડી રહી છે.

ઉમેશ એક મજબૂત બાંધાની વ્યક્તિ હતી, નિયમિત કસરત કરતી. તેમને ક્યારેય કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા નહોતી.

તેઓ કોઈ દવા લેતા ન હતા. તેમણે ક્યારેય નહીં વિચાર્યુ હોય કે એક દિવસ કોઈ અજાણ્યા પ્રદેશથી કોઈ અજાણ્યો વાઇરસ તેમને ICUના એક બેડ પર નિ:સહાય કરી દેશે. અને તેમને કે તેમના પરિવારના ભવિષ્ય માટેના સંઘર્ષની જગ્યાએ તેમણે ઓક્સિજનના એકએક અંશ માટે સંઘર્ષ કરવો પડશે.

વીડિયો કૉલ પર તેઓ ખૂબ દુબળા લાગી રહ્યા હતા, જાણે કે ધીરેધીરે તેમની હિંમત તૂટી રહી હોય અને મને કહી રહ્યા હોય કે તું જે કંઈ કરી શકતો હોય તે કર પણ મને મારા પરિવાર પાસે પાછો મોકલ.

તેનો પરિવાર બીજી તરફ એક બીજો જ સંઘર્ષ કરી રહ્યો હતો. છારા સમાજમાં શેફાલી જેટલું ભણતર બીજી કોઈ છોકરીએ લીધું નથી. ખૂબ જ મજબૂત મહિલા, જેણે પોતાનાં સપનાં માટે જીવનના દરેક પડાવ પર ખૂબ સંઘર્ષ કર્યો છે.

જોકે આ મજબૂત છોકરીને ટુકડામાં વિખેરાતાં જોવું ખૂબ જ દુખદાયક હતું. એવો સમય જે કોઈ ભાઈ પોતાની વહાલસોઈ નાની બહેન માટે ક્યારેય જોવા ન ઇચ્છે.

ઉમેશ

દિવસે ને દિવસે તે પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ તો કરી રહી હતી, પરંતુ તેની હિંમત તૂટતી જઈ રહી હતી. તેની આસપાસ પરિવારના ઘણા લોકો રહેતા હોવા છતાંય તે સાવ એકલી હતી, તેની બે દીકરી સાથે, કારણ કે તેમને કોરોના હોઈ શકે તેની શંકામાં તેમની પાસે કોઈને આવવા દેવાતા નહોતા.

તેની દીકરીઓ સાથે તે સાવ એકલી હતી અને આ સમયમાંથી તેને એકલીએ જ બહાર આવવાનું હતું.

બન્ને દીકરીઓએ પપ્પાને હાલમાં પોતાના હાથથી બનાવેલું એક પોસ્ટર તેમના જન્મદિવસે ગિફ્ટ કર્યું હતું, જેના પર લખેલું છે- ધ બેસ્ટ ફાધર. આ પોસ્ટર ઉમેશે ખૂબ જ ગર્વથી પોતાના ડ્રોઇંગ રૂમમાં લગાવ્યું છે. એ પોસ્ટર જોઈને શેફાલી અને બન્ને દીકરીઓ વારેઘડીએ રડી રહી હતી. શેફાલીને પણ ખબર તો પડી ગઈ હતી કે હવે કદાચ ઉમેશ પાછો નહીં આવે.

શેફાલી પોતે હાઈ ડાયાબિટીક છે અને હાઇપરટેન્શનની દર્દી છે. ઉમેશના સીધા સંપર્કમાં હોવાથી તેનો ટેસ્ટ કરાવવાની જરૂરિયાત લાગી. તેણે 104માં ફોન કર્યો, પરંતુ તેનો ટેસ્ટ ન થયો. મેં પણ અનેક અધિકારીઓને ફોન કર્યા, પરંતુ કોઈએ કોઈ યોગ્ય જવાબ ન આપ્યો.

મને બીક હતી કે ડાયાબિટીક હોવાને કારણે જો તે કોરાના પૉઝિટિવ હોય તો કૉમ્પ્લિકેશન થઈ શકે છે.

સરકારી અધિકારીઓએ ટેસ્ટ ન કરવાની વાત કરી ત્યારબાદ પ્રાઇવેટ લૅબમાં પણ પ્રયાસો કર્યાં.

હજી સુધી સરકારી સર્ક્યુલર આવ્યો નહોતો કે જેમાં પ્રાઇવેટ લૅબમાં ટેસ્ટ પર પ્રતિબંધ હોય.

પ્રાઇવેટ લૅબમાં કહેવામાં આવ્યું કે જો કોઈ પ્રાઇવેટ ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તો જ ટેસ્ટ થાય.

છારાનગરની આસપાસના ડૉક્ટર્સ કોઈ દવાખાનું ખોલતા ન હતા, માટે મેં મારા એક ડૉક્ટરમિત્રથી પ્રિસ્ક્રિપ્શન લીધું. જ્યાં સુધી આ પ્રિસ્ક્રિપ્શન અમે લૅબમાં આપીએ ત્યાં સુધી તો સરકારે પ્રાઇવેટ લૅબમાં ટેસ્ટ કરવાનું જ બંધ કરી દીધું.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

જોકે ઉમેશના રિપોર્ટ પછી પણ, જ્યારે ત્રણ દિવસ પસાર હોવા છતાંય તેનો ટેસ્ટ ન થયો ત્યાર નછૂટકે એક ટ્વીટ મારફતે મારા પરિવારને પડતી તકલીફો વિશે મેં દુનિયાને જાણ કરી, જે ટ્વીટ ખૂબ વાઇરલ થયું.

આ ટ્વીટનો ઉદ્દેશ્ય માત્ર મને અને મારા પરિવારને પડેલી તકલીફોની જાણ કરવાનો જ હતો. આ ટ્વીટ બાદ અનેક મિત્રોના ફોન આવ્યા, જોકે કોઈ ખાસ મદદ ન મળી.

મારા ઑફિસના સાથીઓની મદદથી શેફાલીનો ટેસ્ટ ત્રણ દિવસ પછી થયો અને મે 16ના રોજ અમને ખબર પડી કે શેફાલી અને ઉર્વશી બન્ને કોરોના પૉઝિટિવ છે.

ટેસ્ટ કરવાના પોતાના પ્રસાયો દરમિયાન શેફાલી અર્બન હેલ્થ સેન્ટર પર પોતાની બન્ને દીકરીઓ સાથે ગઈ હતી. એક તરફ ઉમેશનો હૉસ્પિટલમાં કોરોના સાથેનો સંઘર્ષ અને બીજી તરફ શેફાલીનો કોરોના ટેસ્ટ કરાવવાનો સંઘર્ષ. અર્બન હેલ્થ સેન્ટરમાં સતત બે દિવસ ગયા પછી પણ ટેસ્ટ કરનાર ગાડી ન આવી હોવાથી તેનો ટેસ્ટ ત્યાં થયો નહોતો.

શેફાલીનો રિપોર્ટ પૉઝિટિવ હોવાથી મેં તેને સિવિલમાં નહીં, પરંતુ પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર કરાવવાનો નિર્ણય કર્યો.

16મી મેનો સાંજે 5 વાગ્યાનો એ સમય, જે મારા માટે મારા જીવનનો સૌથી કપરો સમય હતો.

ઑફિસના એક સાથી કર્મચારીની મદદથી શેફાલીને CIMS હૉસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા પૂરી થઈ અને તે 108 એમ્બ્યુલન્સમાં બેસીને સિમ્સ જવા રવાના થઈ.

line

જ્યારે સમાચાર મળ્યા કે ઉમેશ...

ઉમેશ

હું મારી કારમાં પોતે ડ્રાઇવ કરીને તેની પાછળ-પાછળ જઈ રહ્યો હતો. બરાબર કોવિડ-19 સિવિલ હૉસ્પિટલ પાસેથી અમારી ગાડીઓ પસાર થઈ રહી હતી ત્યારે મારા પર એક સંબંધીનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે, "જરા ચકાસી જો તો, મને ખબર મળ્યા છે કે ઉમેશ આપણી વચ્ચે નથી રહ્યા."

મેં તેમને કહ્યું કે ના, આવું ન બની શકે, કારણ કે હજી ગઈ કાલે જ તો ડૉ. કમલેશ ઉપાધ્યાયે મને કહ્યું કે તેમની તબિયત સુધારા પર છે.

જોકે 16 મે શનિવારની સવારથી અનેક પ્રયાસો બાદ પણ ડૉક્ટર સાથે મારી વાત થઈ ન હતી, મેં તેમને ફોન કર્યા હતા, પરંતુ તેમણે જવાબ આપ્યો નહોતો. મારા એ સંબંધીએ કહ્યું કે તેમને જાણ થઈ છે કે કદાચ ઉમેશ શનિવારની સવારથી જ આપણી વચ્ચે નથી.

મારી પાસે કંઈ જ કહેવા માટે નહોતું, હું કંઈ જ વિચારી શકું તેમ નહોતો, હું લગભગ શૂન્ય અવસ્થામાં આવી ગયો હતો. હવે મને સમજાતું નહોતું કે આ પરિસ્થિતિમાં હું શું કરું. હું મારી કાર રોકી ન શકું, કારણ કે મારી આગળ જતી એમ્બ્યુલન્સમાં શેફાલી હતી.

સૌથી પહેલા મેં ડૉ. કમલેશ ઉપાધ્યાયને ફોન કર્યો તો તેમણે મને કહ્યું કે તેમની શિફ્ટ ન હોવાને કારણે તેમને ખબર નથી કે ઉમેશ સાથે શું થયું. તેમનો આ જવાબ મારા માટે એક મોટા શૉક સમાન હતો.

ડૉ. ઉપાધ્યાય એ પેશન્ટની વાત કરી રહ્યા હતા, જેમના માટે હેલ્થ મિનિસ્ટર અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે તેમને ફોન કર્યો હતો અને તેમની ખાસ સારસંભાળ રાખવાની વાત કરી હતી. તે પેશન્ટ સાથે છેલ્લા 5-6 કલાકો સુધી શું થયું છે તેની તેમને ખબર નહોતી, કારણે કે તેમની શિફ્ટ નહોતી.

મને ખૂબ જ મોડે અહેસાસ થયો કે સિવિલ હૉસ્પિટલમાં ઉમેશને રાખીને ગુજરાત સરકારની હેલ્થ ફૅસિલિટી પર વિશ્વાસ કરી અને ખુદ નાયબ મુખ્ય મંત્રી પર વિશ્વાસ મૂકીને મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી છે.

મારી કાર રોક્યા વગર, ભીની આંખો સાથે મેં ડૉ. મૈત્રેય ગજ્જરને ફોન કર્યો. ખૂબ જ રૂટિન પ્રક્રિયા હોય તેમ તેમણે મને કહ્યું કે, "હા ભાઈ, ઉમેશભાઈનું સવારે મોત થઈ ગયું છે."

જોકે મને તો સાંજે 4 વાગ્યા સુધી હું જ્યાં સુધી ફોન ન કરું ત્યાં સુધી મને કોઈ જાણકારી અપાઈ નહોતી. થોડી વાર બાદ ડૉ. ઉપાધ્યાયનો મારા પર ફોન આવ્યો અને તેમણે કન્ફર્મ કર્યું કે હા, ઉમેશનું મોત થઈ ગયું છે. મેં પૂછ્યું કેવી રીતે મૃત્યુ થયું અને મને કેમ જાણ ન કરવામાં આવી તો તેમણે કહ્યું કે તે વિશે તેમને કંઈ જ ખબર નથી.

'વાઇરસે મારા પરિવારને વિખેરી નાખ્યો'

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

આ પરિસ્થિતિ મારા માટે અકલ્પનીય હતી. કોરોના વાઇરસે મારા પરિવારને વિખેરી નાખ્યો હતો અને હજી વધુ પીડા બાકી હતી.

શેફાલીની એમ્બ્યુલન્સ CIMS હૉસ્પિટલની બહાર પહોંચી, હું તેની પાછળ હતો. મને સમજાતું નહોતું કે હવે મારે શું કરવું જોઈએ. શું તેને દાખલ કરીને તેનાથી આ સમાચાર છુપાવીને રાખું કે તેને કહી દઉં, જેથી જો તેને ઉમેશને એક છેલ્લી વખત જોવો હોય તો જોઈ શકે.

મારે અમુક સેકંડોમાં આ નિર્ણય લેવાનો હતો. જો હું તેને પાછી ઘરે લઈ જવાનું વિચારું તો મારે એ પણ વિચારવાનું છે કે તેને પાછી કેવી રીતે લઈ જવી. મારી કારમાં તે બેસી ન શકે, 108 એમ્બ્યુલન્સ તેને માણસાઈની દૃષ્ટિએ પણ હૉસ્પિટલથી પાછી ઘરે નહીં લઈ જાય, લૉકડાઉન હોવાને કારણ બીજું કોઈ ટ્રાન્સપૉર્ટ પણ ઉપલબ્ધ નહોતું.

અમુક મિનિટોના વિચાર બાદ મેં નક્કી કર્યું કે હું તેને પાછી ઘરે લઈ જઉં. મેં તેને જુઠ્ઠું કહ્યું કે ડૉક્ટર્સ આજે તને દાખલ કરવાની ના પાડે છે અને કાલે આપણે ફરીથી આવીશું.

મારા ઘરેથી મેં એક્ટિવા મગાવ્યું અને શેફાલીને તેને ચલાવીને ઘર તરફ જવાનું કહ્યું અને હું તેની પાછળ-પાછળ ભીની આંખે, ભારે હૃદયે કાર ચલાવી રહ્યો હતો. કોરોનાએ એવો સમય લાવી દીધો હતો કે મારી વહાલસોઈ નાની બહેનને, જેને હંમેશાં ખુશ રાખવાનો આખા પરિવારે પ્રયાસ કર્યો છે, જેને ક્યારેય દુખ ન થાય તેવું વચન મારા પિતાએ મારી પાસેથી લીધું હતું, તેને હું એવા સમાચાર આપવાનો હતો જેના પછી તેના માટે જાણે તેની દુનિયાનો અંત આવી જશે.

મારે તેને કહેવાનું હતું કે જેણે પોતાના બાળપણથી માત્ર તારી સાથે જીવન જીવવાનું સપનું જોયું હતું તે ઉમેશ તને એકલી મૂકીને દૂર ચાલી ગયા છે. જેણે પોતાના જીવનમાં શેફાલીને પ્રેમ કરવા સિવાય બીજાં કોઈ કામ નથી કર્યાં, તે હવે નથી રહ્યો. તેનો મૃત શરીર કલાકો સુધી સિવિલ હૉસ્પિટલના કોઈ ખાટલા પર કલાકો સુધી કોઈની પણ નજર ન પડે તેવી રીતે કદાચ પડ્યું રહ્યું હતું. મારે તેને આ બધું કહેવાનું હતું. કાર ચલાવતી વખતે એ તમામ ક્ષણો સામે આવી રહી હતી, જેમાં મેં આ પ્રેમીજોડાંને હંમેશાં હસતાં જોયાં હતાં.

જ્યારે શેફાલીની એક્ટિવા પાછી તેના ઘર પાસે પહોંચી તો ઘરની આસપાસ લોકોની ભીડ, અને મારો ઉદાસ ચહેરો જોઈને તેણે રાડ પાડી, "ભાયા, શું થયું, મારા ઉમેશને શું થયું."

હું કંઈ પણ કહું તે પહેલાં તે બધું જ સમજી ગઈ અને એક મોટી ચીસ પાડી મને પૂછ્યું, "ભાયા, તું તો કહેતો હતો કે મારો ઉમેશ પાછો આવી જશે, ક્યાં છે મારો ઉમેશ."

મારી પરિસ્થિતિ એવી હતી કે મારી બહેનને હું ભેટીને તેનાં આંસુ પણ લૂછી શકતો નહોતો, તેની નજીક પણ જઈ શકતો નહોતો. જો ભગવાન છે તો હું તો એક જ વિનંતી કરું છું કે આવો સમય તે કોઈને ન બતાવે, ક્યારેય ન બતાવે.

બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

માત્ર ત્રણ જ દિવસમાં કોરોના વાઇરસે શેફાલીના ઘરને પીંખી નાખ્યું હતું. એ ઘર જેને બનાવવા માટે તે ઉમેશની સાથે છેલ્લાં 20 વર્ષથી મહેનત કરી રહી હતી. શેફાલીનાં સાસુ-સસરા, મમ્મી-પપ્પા, મામા-મામી, બધાં જ ગુજરી ચૂક્યાં છે. તેની સાથે માત્ર તેના બે ભાઈઓ જ છે. મારી પાસે તેની સામે ઊભા રહેવાની હિંમત ન હતી. તેણે ઉમેશને કોરોનાથી બચાવવા માટે મારી બુદ્ધિમત્તા, મારા સંપર્કો પર વિશ્વાસ કર્યો હતો અને હું બહુ જ ખરાબ રીતે નપાસ થઈ ચૂક્યો હતો.

હું છેલ્લા બે દાયકાથી પત્રકારત્વમાં હોવાથી રાજ્યના લગભગ દરેક ઉચ્ચ અધિકારી કે મંત્રી સાથે મારી પરિચય છે. કોરોના સામેના મારા પરિવારના આ જંગમાં અનેક વખત હું એકદમ નિઃસહાય હતો, જે આપમેળે જ થઈ જવી જોઈએ તેવી નાની-નાની વાતો માટે ઉચ્ચ અધિકારીઓને ફોન કરવાની મને શરમ આવતી હતી. છેલ્લા ત્રણ દિવસમાં મને અહેસાસ થઈ ચૂક્યો હતો કે એક સામાન્ય માણસની કેવી હાલત થઈ છે આ કોરોનાના સમયમાં.

આજે ઉમેશના મૃત્યુના 20 દિવસ બાદ પણ મને ખબર નથી કે ઉમેશને શું-શું ટ્રીટમેન્ટ આપી હતી, તેની છેલ્લી ઘડીઓ કેવી હતી, શું તેને કોઈ દવાની અસર થઈ હતી કે નહીં, તેમને કયા વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, શું તેમના માટે ધમણ-1નો ઉપયોગ થયો હતો, જે હાલમાં વિવાદમાં છે.

આવા અનેક સવાલો છે, જેના જવાબો હું અને શેફાલી માગતા રહીશું અલગ-અલગ પ્લૅટફૉર્મ પર.

ઉમેશના મૃતદેહ પરથી તેમની હાથ ઘડિયાળ અને મોબાઇલ ચોરી થઈ જવાના સવાલોનો પણ જવાબ હજી સુધી સિવિલ હૉસ્પિટલે મને નથી આપ્યો.

આ તમામ ઘટનાક્રમની વાત જ્યારે હું કોઈને કહું છું તો લોકો મને કહે છે કે જો તારી સાથે આવું થઈ શકે તો વિચાર કર કે સામાન્ય વ્યક્તિ જેનો કોઈ સંપર્ક નથી, તેની કેવી હાલત થતી હશે.

અમદાવાદમાં ખાટલા માટે દર્દીનો સંઘર્ષ

લોકો

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં અમદાવાદમાં દરરોજ અનેક પૉઝિટિવ કેસ આવી રહ્યા છે. એક તરફ કેસ વધી રહ્યા છે અને બીજી બાજુ ખાટલા ઘટી રહ્યા છે. હાલમાં માત્ર લક્ષણ હોય તેવા જ લોકોનું ટેસ્ટિંગ થાય છે, માટે લગભગ દરેક વ્યક્તિ જેનો ટેસ્ટ થાય છે તેને ખાટલાની જરૂર પડે છે, પરંતુ બીજી બાજુ કોઈ વધારાની સગવડો નથી, ઍક્સપર્ટ ડૉક્ટર્સ નથી.

અમદાવાદની પરિસ્થિતિ હાલમાં ખૂબ જ ભયાનક છે, જેવું દેખાય છે તેવું દૃશ્ય નથી. ઉમેશના ગયા બાદ હું ઘણા લોકોને કોરોનાની સારવાર લેવા, ટેસ્ટ કરાવવા વગેરેમાં મદદ કરી રહ્યો છું, લગભગ દરરોજ હું એક-બે લોકોને એક કે બીજી હૉસ્પિટલમાં દાખલ કરાવી રહ્યો છું. હાલમાં જ સુરસિંગ બજરંગે નામના એક વ્યક્તિને શ્વાસ ચઢતા તેમને અનેક પ્રાઇવેટ હૉસ્પિટલના ધક્કા ખાધા બાદ આશ્રમ રોડની સેવિયર હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

મેં જોયું કે લોકોનો સરકારી હૉસ્પિટલ પરનો વિશ્વાસ બિલકુલ ઊઠી ચૂક્યો છે. લોકો દરેક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ફોન કરીને પોતાનાં સગાંને પહેલાં ત્યાં જ દાખલ કરાવવા માગે છે.

હું જ્યારે આ લખી રહ્યો છું ત્યારે નીકુંજ ઇન્દ્રેકર નામનો એક યુવાન પોતાની માતાને ઝાયડસ હૉસ્પિટલમાં લઈને આવ્યો છે. જો તેની માતાનો રિપોર્ટ પૉઝિટિવ આવે તો તેને તાત્કાલિક તેના માટે કોઈ પ્રાઇવેટ હૉસ્પિટલમાં એક ખાટલાનો બંદોબસ્ત કરવો પડશે, જે બહુ મોટું કામ છે, કારણ કે હૉસ્પિટલ્સમાં ખાટલાની કમી દિવસે ને દિવસે વધી જઈ રહી છે.

આ પ્રકારની નિઃસહાય વ્યક્તિ અમદાવાદની લગભગ દરેક હૉસ્પિટલની બહાર મળી જશે. અમદાવાદમાં ઘણા લોકો બીમારીને કારણે ઘરે જ મૃત્યુ પામ્યાં છે, કારણ કે દવાખાનાંઓમાં તેમની માટે જગ્યા નથી. નીકુંજે મને કહ્યું કે આપણા ગુજરાતના વિકાસનો શું મતલબ છે, જો અમે અમારા પરિવારજનોના સ્વાસ્થ્ય માટેની સામાન્ય જરૂરિયાત એક ખાટલો અને તેની સારવાર કરતો ડૉક્ટર ન મેળવી શકીએ.

હાલમાં તો અમદાવાદમાં કોરોના મહામારી શેફાલીની જેમ અનેક પરિવારોને પીંખી રહી છે, અને લાગે છે કે સરકારને તેનો વાસ્તવિક ચિતાર હજી સુધી મળ્યો નથી.

હું માનું છું કે અમને સૌને ગુજરાતમાં સારી સગવડો મળવી જ જોઈએ, ગૌરવપૂર્ણ જીવનની જેમ અમને બધાને એક ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર છે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 7
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 7

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો