આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI : કોરોના વાઇરસને બહાને નાગરિકો પર સરકારની વૉચ કઈ હદ સુધી જશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબેર અહેમદ
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોના મહામારીએ ભલે દુનિયાના મજબૂત તંત્રને હચમચાવી નાખ્યું છે પરંતુ આ જ સમય દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની ઇકોસિસ્ટમને આગળ વધારવાનું ઘણું પ્રોત્સાહન મળ્યું છે અને એમાં કોરોનાકાળે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ટેકનૉલૉજીનો ઉપયોગ માત્ર વૅક્સિનની શોધ માટે કે સંક્રમણ અટકાવવા માટે જ નથી થઈ રહ્યો પરંતુ નાગરિકોને ટ્રેસ કરવા પણ થઈ રહ્યો છે. નાગરિકોની વ્યક્તિગત પ્રાઇવસીનું ઉલ્લંઘન થાય અને નાગરિકો પર નિગરાનીનો વ્યાપ વિસ્તરે એવી અભૂતપૂર્વ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આવું પહેલાં ક્યારેય પહેલા નહોતું થયું.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે જાણકારોની ચેતવણ છતાં તે કોરોના મહામારી સામેની જંગ લડવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પર કડીની શ્રેણીનો આગળનો લેખ અહીં વાંચો. કોરોનાની મહામારીમાં કેટલું કામ લાગ્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ?
ઇઝરાયલના વિચારક યુવાલ નોઆ હરારીએ બીબીસીના હાર્ડટૉક કાર્યક્રમમાં તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે "આજથી સો વર્ષ પછી લોકો જ્યારે પાછા વળીને જોશે ત્યારે કોરોના મહામારીના સમયને સર્વેલન્સનું નવું તંત્ર સ્થાપિત થવાના સમયગાળા તરીકે યાદ કરશે. લોકો યાદ કરશે કે આ જ એ સમય હતો જેમાં સર્વેલન્સની નવી તાકાતોએ સિક્કો જમાવ્યો અને આ સમયમાં માનવીય શરીરની મશીન દ્વારા નિગરાની કરવાની તંત્રની ક્ષમતાઓ વધી. મને લાગે છે કે 21મી સદીમાં સૌથી મહત્ત્વનો વિકાસ એ જ થયો છે કે માણસને હૅક કરવામાં સફળતા મળી ગઈ છે."
હરારી કહે છે કે, "બાયોમેટ્રિક ડેટા એવું તંત્ર ઊભું કરશે જે લોકોને એટલી સારી રીતે ઓળખતું હશે જેટલું એ પોતાની જાતને નહીં ઓળખતા હોય."
અહીં તેમનો ઇશારો હતો કે સ્માર્ટફોન માટે એવા ઍપ અથવા ખાસ પ્રકારની બાયોમૅટ્રિક બ્રેસલેટ વિકસાવવામાં આવશે જે વ્યક્તિનું મગજ અને ભાવનાઓને પણ વાંચી શકશે.

માનવ અને મશીનનું મિલન

માનવ અને મશીનનાં મિલનનો વિચાર એક સાયન્સ ફિક્શન ફિલ્મની કહાણી જેવો લાગે છે ને? પરંતુ જલદી આ એક હકીકત બની શકે છે.
વેનકુંવરના ટેકનૉલૉજી નિષ્ણાત બી. ગંધમે બીબીસીને કહ્યું કે તમે જે વિચારો છો એ મશીન જાણી લે, એ પ્રકારનો એક પ્રયોગ હવે ઍડવાન્સ સ્ટેજમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રયોગનું ફંડિંગ ડ્રાઇવર વગરની કાર પર કામ કરી રહી ઇલૉન મસ્કની કમ્પની ન્યૂરાલિંકે કર્યું છે.
158 મિલિયન ડૉલરનું ફંડિંગ ધરાવતા આ કૅલિફોર્નિયા આધારિત સ્ટાર્ટઅપે સૌથી નાની ચિપ ડિઝાઇન કરી છે જેને માનવના મગજમાં ફિટ કરી શકાય છે, આમાં માનવ વાળ કરતાં પણ પાતળા ફિલામૅન્ટ બ્લડ વેસલ્સને વીંટાયેલા હશે.
તેઓ આગળ કહે છે, આ ઇલેક્ટ્રોડ્સ એક હજારથી વધારે લોકેશન્સથી મળતા સંકેત વાંચી શકશે અને તેમને પહેરી શકાય એ પ્રકારના ડિવાઇસ સાથે જોડી દેવામાં આવશે જેથી મગજ શું વિચારે છે તે જાણી શકાશે.
જાણકારી ભેગી કરીને મશીન લર્નિંગ એક પૅટર્ન શોધશે, શીખશે અને તેનું વિસ્તરણ કરશે. આને વૈજ્ઞાનિક ભાષામાં ડીપ લર્નિંગ કહે છે. પ્રમોટર્સ માને છે કે ડીપ લર્નિંગ પછી એક સમય એવો પણ આવશે જ્યારે મશીન માણસનું મગજ વિચારે છે એ વિચારી શકશે.
આનું પરિણામ ભયાનક હોઈ શકે છે. જો ટેકનૉલૉજી સફળ થશે અને કમર્શિયલ વપરાશ માટે ઉપલબ્ધ થશે અને જો કોઈ નિરંકુશ તાનાશાહના હાથમાં આવશે તો તેનું ભાષણ કોને પસંદ પડી રહ્યું છે અને કોને નહીં તે જાણી શકશે.
હરારી કહે છે કે, જો તમે ગુસ્સે થાઓ કે પછી તમે એ તાનાશાહની કોઈ વાત સાથે સહમત નથી તો ઍપ તે જાણી શકશે. તમે સહમત દેખાવાની કોશિશ કરીને વગર મને તાળી તાળી પાડી અંદર હસતા હો તો પણ તેને તમારા મનમાં ચાલી રહેલા અસલી વિચારની ખબર પડી જશે.
તાનાશાહને ખબર હશે તે તમે તેની વાતથી ખુશ નથી અને તે તમને ટાર્ગેટ પણ કરી શકશે. આ તેના માટે સહેલું હશે, આનાથી અભિવ્યક્તિની આઝાદી અને લોકતંત્ર માટે ખતરો પેદા થશે. વિરોધીઓનું દમન કરી શકાશે અને એક રીતે કહીએ તો લોકશાહીનો જ ખાત્મો થઈ શકે છે.

શું છે એઆઈ?

ઇમેજ સ્રોત, FABRICE COFFRINI/AFP/GETTY IMAGES
નિષ્ણાતો કહે છે કે એઆઈ એવી ટેકનૉલૉજી છે જે કમ્પ્યુટરને માનવની જેમ વિચારવાનું અને કામ કરવાનું શિખવે છે.
આ ટેકનૉલૉજીમાં મશીન પોતાની આસપાસના પરિવેશને જોઈને માહિતી એકઠી કરે છે અને એ માહિતી મુજબ પ્રતિભાવ આપે છે. આને માટે સટીક ડેટાની જરૂર હોય છે. મશીન લર્નિંગ અને અલગોરિધમ મારફતે ભૂલોને સુધારવામાં આવે છે. આનાથી આજના સમયમાં ડેટા કેટલો મહતત્વનો છે એ સમજી શકાય છે.

આરોગ્ય સેતુ ઍપ કેટલી સુરક્ષિત છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કોરોના ટ્રેસિંગ ઍપ આરોગ્ય સેતુની વાત કરીએ. ભારત સરકારના આ ઍપને બીજી એપ્રિલના દિવસે લૉન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી આ ઍપ શંકાની ઘેરામાં છે.
જ્યારે સરકારે બધા સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે આ ઍપ ડાઉનલોડ કરલી ફરજિયાત કર્યું ત્યારથી તેને લઈને શંકા ઊભી થઈ હતી.
યૂઝરના સ્માર્ટફોનના બ્લૂટૂથ અને જીપીએસ સુધી અનિવાર્ય ઍક્સેસ હોવાને કારણે પહેલેથી પ્રશ્નો હતા કારણકે તેનાથી ઍપનો યૂઝર ક્યાં-ક્યાં જાય છે તે ટ્રેસ કરી શકાય છે.
ઍપ ડાઉનલોડ કર્યા પછી તેની પ્રાઇવસી પૉલિસી જે યૂઝર સ્વીકાર કરે છે તેની વિગતોમાં કહેવામાં આવ્યું છે, કે "રજિસ્ટ્રેશન વખતે, લૉકેશન ડિટેલ્સનો સંગ્રહ કરીને તેને સર્વર પર અપલોડ કરવામાં આવે છે."
મોદી સરકાર કહે છે કે "ઍપ કોવિડ-19 મહામારીને ફેલાતી રોકવા માટેના પ્રયત્નોનો એક ભાગ છે, બ્લૂટૂથ-ઍનેબલ્ડ કૉન્ટૅક્ટ ટ્રેસિંગથી હૉટસ્પૉટ મૅપિંગ કરી શકાય છે."
મોદી સરકારનો દાવો છે કે 26 મે સુધી 11.4 કરોડ યૂઝર્સે આ ઍપ ડાઉનલોડ કરી છે. એનો અર્થ એ થયો કે દુનિયામાં આ સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી કૉન્ટૅક્ટ ટ્રેસિંગ ઍપ છે.
આ ઍપને ડાઉનલોડ કરનાર 98 ટકા યૂઝર ઍન્ડ્રૉઇડ પ્લૅટફૉર્મ પર આ ઍપને 12 ભાષાઓમાં વાપરી રહ્યા છે.
સરકારનો દાવો છે કે આ ઍપ મારફતે નવ લાખ જેટલા યૂઝર્સને ક્વોરૅન્ટીન, સાવચેતીના પગલાં લેવા અને ટેસ્ટિંગની સલાહ આપવામાં આવી છે.
ઍપ મારફતે એકત્રિત કરવામાં આવેલા ડેટાનું શું? સરકારે સ્પષ્ટ કર્યું છે કે મહામારી ખતમ થયા પછી આ ડેટા સ્વત: નષ્ટ થઈ જશે. સરકારે હવે ઍપની પ્રૉડક્ટ ડિઝાઇન અને સ્રોત પણ જાહેર કર્યા છે, જે આપવા માટે અગાઉ સરકાર તૈયાર નહોતી.
કોવિડ-19 મહામારીને ફેલાતી અટકાવવા માટે 30થી વધારે સરકારોએ આ પ્રકારની ઍપ બનાવી છે. ચીનની સરકારે કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે આધિકારિક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ ઍપ બનાવ્યું છે જે યૂઝરની અવરજવર, ડેટા અને પ્રાઇવસી પર નિયંત્રણની દેખરેખ શકે છે.
મહામારી પછી આ ઍપને હઠાવી દેવાશે કે નહીં તે અંગે ન તો ભારત કંઈ રહી રહ્યું છે ન ચીનની સરકાર.
જોકે, સરકારોને મહામારી ખતમ થયા પછી પણ આ ઍપને અનિવાર્ય રાખવાથી રોકી શકાશે એવું કોઈ કારણ નથી દેખાતું.
ગત વર્ષે, અમેરિકાની થિંક ટૅન્ક કાર્નેગીનો એક રિપોર્ટ આવ્યો જેમાં દુનિયામાં અનેક સરકારો દ્વારા થઈ રહેલા ઍડવાન્સ એઆઈના વપરાશ વિશે લખવામાં આવ્યું હતું.
આ રિપોર્ટ જે સરકારો પોતાને ઉદાર લોકતંત્ર ગણાવે છે ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સૌથી વધારે થી રહ્યો છે. ચીન અને અમેરિકાની કંપનીઓએ અત્યાર સુધી 100 જેટલી સરકારોને ઍડવાન્સ એઆઈ સર્વેલન્સ ટેકનૉલૉજી વેચી છે.
રિપોર્ટ મુજબ લોકતાંત્રિક દેશોની સરકારો કરતાં નિરંકુશ અને આંશિક અંકુશ ધરાવતી સરકારો આ એઆઈ સર્વેલન્સનો વધારે દુરુપયોગ કરી શકે છે.
આ રિપોર્ટ કહે છે, "ચીન, રશિયા અને સાઉદી અરેબિયા મોટા પાયે નાગરિકો પર નજર રાખવા માટે એઆઈનો દુરુપયોગ કરી રહ્યા છે. પરંતુ પોતાના રાજકીય લક્ષ્ય હાંસલ કરવા માટે કોઈ પણ એઆઈ સર્વેલન્સનો ગેરકાયદે ઉપયોગ કરી શકે છે."
ગંધમ કહે છે કે ભારતમાં નાગરિકોનો બાયોમૅટ્રિક ડેટા એકઠો કરનાર આધાર કાર્ડની વ્યવસ્થા પહેલેથી જ વિવાદિત રહી છે.
તેઓ કહે છે કે આધાર કાર્ડને લઈને ચિંતા માત્ર હૅકિંગની નથી પરંતુ ટેકનૉલૉજીના વિકાસ સાથે સરકાર નાગરિકોની જાસૂસી કરી શકે છે.
તેઓ આગળ કહે છે, "એઆઈ અલગોરિધમ અને ડીપ લર્નિંગ ડેટાને અકરાંતિયાની જેમ વાપરે છે. ભારતની સરકાર પાસે 1.3 અબજ લોકોનો ડેટા છે. આ ડેટાની મદદથી ગરીબ લોકોનાં ઍકાઉન્ટમાં સીધા પૈસા પહોંચાડી શકાય છે પરંતુ એવું પણ બને કે મોટા પ્રમાણમાં નાગરિકો પર નજર રાખવા માટે પણ તેનો ઉપયોગ થાય."
આરોગ્ય સેતુ ઍપને લઈને સરકારની બાંહેધરી છતાં તેઓ થોડા ચિંતિત છે.
તેઓ કહે છે, "આરોગ્ય સેતુ ઍપને લઈને મારી ચિંતાનો વિષય છે કે સરકાર તેનું નિયંત્રણ કરે છે હું તેનો યૂઝર હોવા છતાં મારી પાસે કોઈ કંટ્રોલ નથી. આ બંને એકતરફી છે. સરકાર મારી અવરજવરની બધી માહિતી મેળવે છે તો એક યૂઝર તરીકે આ ઍપમાં મને સરકારની ટીકા કરવાનો અધિકાર હોવો જોઈએ."
ન્યૂ યૉર્ક સ્થિત એઆઈ નિષ્ણાત યોગેશ શર્મા કહે છે કે જ્યારે તમે થર્ડ પાર્ટી ઍપ વાપરતા હો ત્યારે ડેટા પ્રાઇવસી અને મૉનિટરિંગ હંમેશા ચિંતાનો વિષય હોય છે.
તેઓ આગળ કહે છે કે "ભારત જેવા દેશે એવો નિયમ બનાવવાની જરૂર છે જેમાં યૂઝરને ડેટા ડિલીટ કરવાની શક્તિઓ મળે અને તે કંપનીઓને તેમના સર્વર પરથી હંમેશા માટે તેમનો ડેટા ડિલીટ કરવા અને તેને કોઈ કંપનીને ન આપવા માટે કહી શકે."
સિંગાપુર આધારિત એઆઈ કંપની ક્વિલ્ટ.એઆઈ માને છે કે આ વધારે પડતી ચિંતા કરવા જેવી વાત છે.
કંપની સાથે સંકળાયેલા અંગદ ચૌધરી અને અનુરાગ બેનરજી કહે છે, "આરોગ્ય સેતુ ઍપ યૂઝરની ઓળખ અને ટ્રાવેલ હિસ્ટ્રી સાથે જોડાયેલી છે. અમે આ ઍપ વિશે વાત કરવા માટે અધિકૃત નથી, પણ તમે કેટલો ડેટા આપો છો તેના પર મશીન લર્નિંગ મૉડલ આધાર રાખે છે. જો આ ઍપ લૉકેશન, ઓળખ અને ટ્રાવેલ હિસ્ટ્રીનો ડેટા સ્ટોર કરી રહી છે તો મશીન લર્નિંગ માત્ર તેના પર આધારિત અનુમાન જ કરી શકે છે. અમે આ ઍપના સર્વેલન્સ માટે ઉપયોગને લઈને ચિંતા નહીં કરીએ."

ડેટા નવું સોનું છે, નવી સંપત્તિ છે

ઇમેજ સ્રોત, Getty Images
અનુરાગ અને અંગદ કહે છે કે આપણે હંમેશાથી ડેટા જનરેટ કરતા આવ્યા છીએ.
તેઓ કહે છે, "દરેક દેશમાં વસતીગણતરી વખતે પણ ડેટા ભેગો કરવામાં આવે છે.
તેઓ કહે છે, મોટા પ્રમાણમાં સર્વેલન્સ થવાની શક્યતા હંમેશા હોય છે. ઇતિહાસમાં અનેક વખત આવું જોવા મળ્યું છે. નાગરિકોનો ડેટા હાલ કેટલાક પ્લૅટફૉર્મ અને આઈએસપી પર પહેલેથી છે જ. બૅન્ક, ક્રૅડિટ બ્યૂરો, ઍરલાઇન્સ અને રાઇડ શેરિંગ ઍપ્સ , ઑનલાઇન ઈ-કૉમર્સ વેબસાઇટ્સ અને પાડોશના ગ્રોસરી સ્ટોર પાસે આપણો ડેટા હોય છે.
"જે પણ જગ્યા, સંસ્થાન જ્યાં કોઈ વ્યક્તિ લેવડ-દેવડ કરે ત્યાં તેની કોઈને કોઈ માહિતી રહી જતી હોય છે."
એ ખરી વાત છે પરંતુ આપણે ઑનલાઇન પણ ઘણ બધી માહિતી આપી દેતા હોઈએ છીએ. આપણે મફત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વાપરીએ છીએ પરંતુ આપણે જે સર્વિસ વાપરતા હોઈએ છીએ એ ખરેખર મફત નથી હોતી. તમે ત્યાં તમારો ડેટા આપતા હો છો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સોના જેટલો મૂલ્યવાન છે, તેમાં ડીપ લર્નિંગ, એલગોરિધમનું ગણિત, વૉઇસ રેકગનિશન ટૂલ્સ અને બાયોમેટ્રિક્સ કામ કરે છે. આ આપ-લેની વાત છે, જ્યારે તમે પ્લૅટફૉર્મ પર રજિસ્ટર કરો છો ત્યારે આ બાબતે માહિતી એટલી પ્રાઇવસી પૉલિસીમાં લખેલી હોય છે અન તેને વાંચ્યા વિના તમે સહમતનું બટન દબાવી દો છો.
ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ અથવા ઇ-કૉમર્સ વેબસાઇટ જેમકે ઍમેઝોન અને અલીબાબા પણ આ રીતે જ કામ કરે છે. આ કંપનીઓ સમગ્ર વિશ્વમાં કરોડો લોકો સાથે દરરોજ સંકળાતી હોય છે.
જેમકે ગૂગલ પર તમે જેટલું તમે સર્ચ કરશો તેના કરતાં વધારે ગૂગલ તમને સર્ચ કરશે. ગૂગલ મૅપ અને ગૂગલ હૅંગઆઉટ જેટલું વાપરશો એટલું જ તેમને તમારા વિશે જાણવા મળશે. જેટલો સમય સોશિયલ મીડિયા પર પસાર કરશો એટલું ટ્વિટર, ફેસબુક અને અન્ય પ્લૅટફૉર્મ્સને લાભ થશે. આપણે ઑનલાઇન જેટલી માહિતી છોડી દેતા હોઈએ તેમાંથી મશીન ડેટા કાઢીને ટ્રેન્ડ શોધે છે, મશીન તેના આધારે તમારી પસંદ-નાપસંદ, આપણી રાજકીય વિચારધારા વિશે જાણી લે છે.
આનાથી વિજ્ઞાપન આપતી કંપનીઓને સામાન વેચવામાં મદદ મળે છે તો તાનાશાહ સરકારો આના દ્વારા નાગરિકો પર પકડ મજબૂત બનાવે છે. તેનાથી ચૂંટણીપ્રચાર ડિઝાઇન કરવામાં રાજકીય પક્ષોને પણ મદદ મળે છે.
ન્યૂ યૉર્કના એઆઈ નિષ્ણાત યોગેશ શર્માએ કહ્યું કે આપણે કમ્પ્યુટર પર લૉગ-ઇન કરીએ એટલે આપણે ડિજિટલ ફૂટપ્રિન્ટ છોડીએ છીએ, જેનાથી પ્લૅટફૉર્મ પ્રોવાઇડર્સ અને તેમના માટે ક્લાઇન્ટ માટે ડેટા પૂરો પાડે છે જેમાં વિજ્ઞાપન, સરકારો અને કંપનીઓ સામેલ છે.
આપણે જાણીએ છીએ અને એ પણ ખબર છે કે એઆઈ અને એલગોરિધમ મારફતે ડીપ લર્નિંગમાં થયેલા વિકાસને કારણે આ શક્ય બન્યું છે.
આના માટે ખાસ કંપનીઓ અને તંત્ર છે. જેમકે એમ્બર્સ, આ કમ્પ્યુટર ફૉરકાસ્ટિંગ કંપની છે તે સોશિયલ મીડિયા પર તમે જે પોસ્ટ કરો છો તે ડેટાના ભંડારનું વિશ્લેષણ કરે છે. આ ડેટામાંથી કંપની પોતાના ક્લાયન્ટ્સને કામ લાગે તેવા ટ્રેન્ડ શોધી કાઢે છે.
સિંગાપુરમાં ક્વિલ્ટ.એઆઈ કહે છે કે તે ઇન્ટરનેટ પર માણસના વ્યવહારને બહેતર સમજવાની કોશિશ કરે અને ડેટા સિગ્નલ્સને લોકોને કામ લાગે તેવી સ્પષ્ટ સમજણમાં પરિવર્તિત કરે છે."
આ કંપનીના સહસ્થાપક અંગદ ચૌધરી અને અનુરાગ બેનરજી કહે છે કે, તેઓ સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સામાજિક સંસ્થાઓ અથવા સામાજિક મુદ્દાઓ પર કામ કરતી કંપનીઓ સાથે સંકળાય છે.
તેઓ નથી માનતા કે પ્રોવાઇડર્સ અને યૂઝર્સે વચ્ચે ડેટા આપ-લેની આ વ્યવસ્થામાં કશું ખોટું છે.
તેઓ કહે છે, "આ એક ઓરડામાં બંધ સામાનની જેમ હોય છે. ટૂલ્સ પર દોષારોપણ બરાબર નથી. અંગદ અને હું માનીએ છીએ કે જો લોકોને થોડો ડેટા કે પ્રાઇવસી આપી દેવાનું કહેવામાં આવ્યું હોય તો તેના બદલામાં કોઈ સ્કીમ, ધિરાણ કે પછી કોઈ ખાસ ફાયદો મળતો હોય છે. પરંતુ આનું ઊલટું થવાના ઉદાહરણ ઓછા છે."
પરંતુ આપણા સમયમાં એઆઈ, ડીપ લર્નિંગ અને એલગોરિધમના ગણિતની શક્તિઓ બહુ ઝડપથી વધી છે. આ આપણા જીવન પર ભારે પડી રહી છે. તાનાશાહી સરકારો અને મોટી ટેકનૉલૉજી કંપનીઓ આપણા ખાનગી જીવનમાં ડોકિયું કરી રહી છે અને પહેલા ક્યારેય ન થઈ હોય એટલા પ્રમાણમાં આપણી હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.

હવે પ્રાઇવસી કેટલી હદ સુધી રહી?

ઇમેજ સ્રોત, DAN KITWOOD/GETTY IMAGES
આ સવાલનો જવાબ એ સવાલ પર આધારા રાખે છે કે સુરક્ષિત રહેવા માટે આપણે આપણી પ્રાઇવસી સાથે કેટલું સમાધાન કરવા તૈયાર છીએ.
દિલ્હી આધારિત ડેટા ઍનાલિસ્ટ લલિત કુમાર કહે છે કે, આપણો ડેટા સંભાળતા લોકો પર આપણે કેટલો ભરોસો કરીએ છીએ તેની સાથે આ સવાલ સંકળાયેલો છે.
યોગેશ શર્મા કહે છે કોઈ પણ યૂઝર માટે પ્રાઇવસી ખૂબ જ અગત્યની છે અને તેના પર સમગ્ર અંકુશ યૂઝરનો હોવો જોઈએ.
તો શું આ આપણા માટે માટે ચિંતાનો વિષય છે?
પ્રોફેસર હરીરી કહે છે કે આપણે આ વિશે જાગરૂક તો બનવું જ જોઈએ.
તેમનું કહેવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી ટેકનૉલૉજી છે જેને ધરતીને સ્વર્ગ બનાવવા માટે વાપરી શકાય છે અને એ જ નરક જેવી પરિસ્થિતિ પણ સર્જી શકે છે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












