એ હત્યારી માતા જેણે અનેક બાળકોને અનાથ કરી નાખ્યાં

મહિલા

ઇમેજ સ્રોત, NATALIA OJEWSKA

1994માં રવાન્ડાના નરસંહારમાં હજારો મહિલાઓએ પણ ભાગ લીધો હતો પણ તેમની ભૂમિકા વિશે જવલ્લે જ કહેવાયું છે અને તેમનાં પરિવાર સાથે તેમનો ફરીથી મિલાપ થાય એ મુશ્કેલ છે.

સંવાદદાતા નતાલિયા ઓજેવ્સ્કાએ જેલમાં કેટલાંક મહિલા ગુનેગારો સાથે વાત કરી છે.

ફોર્ચ્યુનેટ મુકાંકુરાંગા સવારના નાસ્તા માટે જરૂરી પાણી ખેંચવા માટે ગયેલાં હતાં અને એ સમયે તેમણે એક હત્યા કરી હતી.

જેલના નારંગી યુનિફૉર્મમાં સજ્જ અને શાંત, ધીમા સ્વરે વાત કરતા તેમણે 10 એપ્રિલ, 1994ના રવિવારની સવારની ઘટનાઓને યાદ કરી.

તેઓ રસ્તે જઈ રહ્યાં હતાં તે દરમિયાન જ શેરી વચ્ચે બે વ્યક્તિઓને માર મારતા હુમલાખોરોનું એક જૂથ પર તેમને દેખાયું.

70 વર્ષનાં આ મહિલા કહે છે કે "જ્યારે તેઓ બંને નીચે પડ્યા ત્યારે મેં એક લાકડી ઉપાડી અને કહ્યું, તુત્સીઓ મરવા જોઈએ. પછી મેં એકને ફટકો માર્યો અને પછી બીજાને. હું હત્યારાઓ પૈકીની એક હતી"

line

હત્યાઓના ભણકારા

જેલ

ઇમેજ સ્રોત, NATALIA OJEWSKA

ઇમેજ કૅપ્શન, જેલમાં મહિલાઓને ગુનો કબૂલવા અને તેના ભારમાંથી મુક્ત થવા પ્રેરિત કરાય છે.

આ બંને લોકોની હત્યા 100 દિવસ ચાલેલા નરસંહારમાં થયેલી આઠ લાખથી વધારે વધારે હત્યાઓમાં સામેલ હતી.

આ નરસંહારમાં રવાન્ડાના મૂળનિવાસી તુત્સીઓ અને મધ્યમપંથી હુતુઓની હત્યા કરવામાં આવી હતી.

એક મૂળનિવાસી હુતુ એવાં મુકાંકુરાંગા પોતાનાં સાત બાળકો પાસે ઘરે પરત ફર્યાં પરંતુ તેઓ પોતાની જાત પર ખૂબ જ શરમ અનુભવી રહ્યાં હતાં. હત્યાના ઘટનાક્રમની યાદો તેમનો પીછો છોડતી નહોતી.

તેઓ કહે છે , "હું એક માતા છું. મેં કોઈ બાળકોનાં માતા-પિતાની હત્યા કરી છે".

આ હત્યાના થોડા દિવસો પછી બે ખૂબ જ ડરી ગયેલાં તુત્સી બાળકોએ આશરો માગવા માટે તેમનું બારણું ખખડાવ્યું. આ બાળકોનાં માતા-પિતાને એ સમયે ધારિયા વડે કાપી નાખવામાં આવ્યા હતાં.

line

પસ્તાવાનો ઉભરો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમણે કોઇપણ ખચકાટ વિના બાળકોને છુપાવી દીધાં અને તેઓ એ રીતે બાળકો નરસંહારમાંથી બચી ગયા.

મુકાંકુરાંગા કહે છે , "મેં ભલે એ બે બાળકોને બચાવ્યાં હતાં પરંતુ પેલી બે વ્યક્તિઓને મામલે હું ગુનેગાર હતી. મારી આ મદદ પસ્તાવાનો ઉભરો ન ખાળી શકે. "

તેઓ આ નરસંહારમાં સામેલ હોવા માટે કસૂરવાર ઠેરવાયેલાં લગભગ 96,000 મહિલાઓ પૈકી એક છે.

કેટલીક મહિલાઓએ વયસ્કોની હત્યા કરી, કેટલીકે બાળકોની હત્યા કરી અને કેટલીક મહિલાઓએ પુરૂષોને સામેના સમૂહની સ્ત્રીઓ પર બળાત્કાર કરવા અને તેમની હત્યા કરવા માટે ઉશ્કેર્યા.

6 એપ્રિલ 1994ની સાંજે રવાન્ડાના હુતુ પ્રમુખ જુવેનલ હબ્યારિમાનાને લઈ જતાં એક વિમાનને તોડી પાડવામાં આવ્યું હતુ. એ વખતે વિમાન રાજધાની કિગાલીના વિમાનમથક તરફ જઈ રહ્યું હતું.

જોકે એમાં સામેલ હત્યારાઓની ઓળખ ક્યારેય સ્થાપિત થઈ શકી નહીં, તેમ છતાં હુતુ ચરમપંથીઓએ આ હુમલા માટે તુત્સી બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા હતા.

ધિક્કારપૂર્ણ વંશીય કાવાદાવા વડે હાંસિયામાં ધકેલાઈ ગયેલા હજારો હુતુઓ થોડા જ કલાકોમાં આયોજનબદ્ધ રીતે હત્યાકાંડમાં જોડાયા.

રવાન્ડામાં મહિલાઓની પરંપરાગત ઓળખ કોઈ પણ લડાઈને શાંત પાડનાર તરીકે ગણાય છે પણ એ ઓળખથી વિપરીત તેમણે આ હત્યાકાંડમાં ભાગ લીધો.

શાંતિ અને સદભાવનાના પ્રસાર માટે કામ કરતી બિનસરકારી સંસ્થા નેવર અગેઇન સાથે જોડાયેલા રેજિંગ એબાન્યૂઝે કહે છે , "એ સમજવું ઘણું મુશ્કેલ છે કે કઈ રીતે એક માતા કે જે તેનાં બે સંતાનોને પ્રેમ કરે છે તે જ પડોશીના ઘરે તેમનાં બાળકોની હત્યા કરવા માટે જાય ".

છતાં જેવી અત્યાચારની ચિંગારી ભડકી તે સાથે જ હજારો મહિલાઓ પુરુષોની સાથે આ હિંસામાં ભાગીદાર બની.

પરિવાર અને મહિલા વિકાસ વિભાગનાં ભૂતપૂર્વ મંત્રી પૉલિન નયીરામાસુહુકો એવી કેટલીક આંગળીના વેઢે ગણી શકાય એટલી રવાન્ડન મહિલાઓમાંનાં એક હતાં જેમણે પુરુષોના વર્ચસ્વવાળા રાજકીય ફલક પર વગદાર નેતા તરીકે સ્થાન મેળવ્યું.

તેમણે નરસંહારના આયોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

2011માં ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ ફૉર રવાન્ડાએ તેમને નરસંહાર માટે ગુનેગાર ઠેરવ્યાં.

તેઓ અત્યાર સુધી માનવતા વિરુદ્ધના ગુનાઓમાં બળાત્કાર જેવા માટે ગુનેગાર ઠેરવાયેલાં એકમાત્ર મહિલા છે.

પૉલિન નયીરામાસુહુકો બુટારે પ્રિફૅક્ચર ઑફિસ ખાતે તુત્સી મહિલાઓ પર બળાત્કાર કરનાર ચરમપંથીઓનાં નેતા તરીકે જવાબદાર ઠેરવાયાં છે.

પણ જ્યાં તે સર્વોચ્ચ સ્થાને બેઠાં હતાં, ત્યાં જ કેટલીક સામાન્ય રવાન્ડન મહિલાઓ પણ પુરૂષોને ઉશ્કેરવા પાછળ જવાબદાર હતી.

અન્ય કેટલીક મહિલાઓએ પડોશીઓનો સંહાર કરવા માટે હથિયારોનો ઉપયોગ કરવામાં કોઈ જ શરમ નહોતી રાખી.

મહિલા નરસંહાર માટે અલગથી કોઈ પુનર્વસન કાર્યક્રમ નથી. મહિલાઓની હિંસા રોકનારની ભૂમિકા અંગેના પરંપરાગત વિચારને ફરી એજ રીતે જોવામાં હવે અનેક લોકો મુશ્કેલી અનુભવે છે.

line

હત્યાકાંડના બે દૃષ્ટિકોણ

માર્થા

ઇમેજ સ્રોત, NATALIA OJEWSKA

ઇમેજ કૅપ્શન, માર્થા

માર્થા મુકામુશિન્ઝિમાના પાંચ બાળકોનાં માતા છે જેમણે 15 વર્ષ સુધી એકલતામાં તેમના ગુનાનો ભાર ઉઠાવ્યો.

પરંતુ 2009માં તેમણે કાયદાકીય સત્તાધિશો સમક્ષ પોતાના ગુનાનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો કારણ કે તેઓ તેમનાં ગુનાઓના ભાર સાથે વધુ સમય રહી શકે તેમ નહોતાં.

માતૃત્વના પાસાથી જોવામાં આવે તો આમાંનાં ઘણાં મહિલાઓ એક માતા તરીકે તેમની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહ્યાંની શરમ અનુભવે છે.

રવાન્ડા પૂર્વીય પ્રાંત નગોમામાં મહિલા કેદીઓ માટેની જેલનાં ડિરેક્ટર ગ્રેસ નદાવનયી કહે છે, "પુન:સ્થાપન માટે સમયનો જ મુખ્ય સાધન તરીકે અમે ઉપયોગ કરીએ છીએ. અમે તેમને સાંભળવા માટે તેમને જોઈએ એટલો સમય આપવા માંગીએ છીએ અને ધીમે ધીમે તેમને કબૂલાતની ક્ષણ સુધી લઈ આવીએ છીએ."

જેલમાં એક નાની, ઉજ્જડ કોટડીમાં બેઠેલાં મુકામુશિન્ઝિમાના ક્યારેક રડી પડે છે. તેઓ કહે છે, "કારણકે મારું ઘર મુખ્ય રસ્તાની પાસે જ આવેલું હતું, મેં એ તમામ અવાજો સાંભળ્યા છે અને મારા તુત્સી પડોશીઓને જાપ્તામાં ચર્ચમાં લઈ જવાતા જોયા છે."

ન્યામાશેકે પૅરિશ કૅથોલિક ચર્ચની અંદર અને તેની આસપાસ ઠસોઠસ પૂરવામાં આવેલા હજારો તુત્સીઓ એક અઠવાડિયા સુધી તેમના જીવન માટે ઝઝૂમ્યા હતા.

હાલ 53 વર્ષનાં સ્ટેનિશલસ કાયીતેરા બચી જનારાં કેટલાક લોકોમાંનાં એક હતાં.

તેમનાં હાથનાં આગળનાં ભાગે ગ્રૅનેડની તીણી ધારથી પડેલો એક મોટો કાપો છે.

તેઓ કહે છે, "મને યાદ છે કે મહિલાઓ પથ્થર ભેગા કરી પુરૂષોને આપતાં અને તેઓ તેઓ અમારી ઉપર ફેંકતા. પુરૂષો ગોળીઓ પણ ચલાવતા હતા, ગ્રૅનેડ ફેંકતા હતા અને આગ ચાંપતા હતા.પછી તેઓ ચર્ચની અંદર ઘૂસી આવ્યા અને અમને મારવાનું શરૂ કર્યું,"

આ સંહારમાં કાયીતેરા મૃત શરીરોની નીચે છુપાઈને બચ્યાં હતાં.

મુકામુશિન્ઝિમાના કહે છે કે તેઓ આદેશોના પાલન માટે ઉત્સુક હતાં.

મુકામુશિન્ઝિમાનાએ બે અઠવાડિયા પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો , તેઓ કહે છે, "મેં મારા બાળકને મારી પીઠ પર રાખ્યું અને ચર્ચમાં છુપાયેલા લોકોની હત્યા માટે વપરાતા પથ્થરો ભેગા કરતા જૂથમાં જોડાઈ ગઈ" .

જ્યારે 2009માં તેમને જેલ થઈ ત્યારે તેના સગાઓમાંથી કોઈપણ તેના પાંચ બાળકોની સંભાળ રાખવા તૈયાર નહોતું.

રવાન્ડાના નૅશનલ યુનિટી ઍન્ડ રીકન્સીલિએશન કમિશન ખાતે કાર્યકારી સચિવ ફિડેલે નદાયિસાબા કહે છે , "નરસંહાર આખા સમુદાયો વિરુદ્ધનો ગુનો છે. તે ફક્ત ભોગ બનનારના આત્મગૌરવને જ નુકસાન નથી કરતો પણ ગુનેગારોનું આત્મગૌરવ પણ હણે છે અને એવા લોકોના ઘા પણ રૂઝાવાની જરૂર હોય છે."

મહિલા નરસંહારકો જેમણે સત્યની કબૂલાત કરી તેમને તેમનાં પરિવાર અને ભોગ બનનારના સગાઓને પત્ર લખવા માટે પ્રોત્સાહિત કરાય છે જેથી ધીમે ધીમે તેઓ ગુમાવેલો વિશ્વાસ ફરી મેળવી શકે.

જેલમાંથી છૂટ્યા બાદ આ મહિલા નરસંહારકો પુરૂષો સાથે ફરી ભળવાને લઈને ઘણા અલગ પડકારોનો સામનો કરે છે.

તેમાંનાં કેટલાકનાં પતિઓએ ફરીથી લગ્ન કરી લીધા છે અને તેમની સંપત્તિમાંથી તેમને બેદખલ કરી દીધાં છે.

તેમનો સમુદાય તેમને આવકારતો નથી અને તેમનાં નજીકના પરિવારો તરફથી તેઓ નકારનો સામનો કરે છે.

જોકે તેમને રૂઝ આવવામાં સમય લાગે છે, એના પર ઘણો ભાર આપવામાં આવે છે અને હજુ પણ એવા કેટલાક કેદીઓ છે જેઓ વંશીય ધિક્કારની વિચારધારાને પડતી મુકવા તૈયાર નથી.

નદાયિ સાબા કહે છે , "હા, પોતાના ગુનાઓ સ્વીકારવા તૈયાર ન હોય એવા પણ કેટલાક લોકો છે. તેઓ એવા કઠણ કાળજાના લોકો છે. જોકે તેમની સંખ્યા ઘટી રહી છે."

line

હું મારા આંસુઓને રોકી શકી નહીં

મહિલા

ઇમેજ સ્રોત, NATALIA OJEWSKA

ફૉર્ચ્યુનેટ મુકાંકુરાંગાએ 2007માં તેને ગુનેગાર ઠેરવાયાંનાં ચાર વર્ષ પછી તેના ગુનાઓની કબૂલાત માટેની હિંમત મેળવી.

તેમનાં ગુનાઓનો ભોગ બનનારના પુત્ર પાસે માફીની માગણી કરતી વખતની મૂંઝવણને તે યાદ કરે છે.

તેઓ કહે છે, "મારી અપેક્ષાઓથી વિપરીત તે ખુશ અને ઉત્સાહિત હતો જ્યારે તે મને મળ્યો. અને જ્યારે હું તેને ભેટી ત્યારે મારાં આંસુઓને રોકી શકી નહીં."

મુકાકુરાંગા ભવિષ્ય તરફ હવે સાવચેતીપૂર્વક જુએ છે અને આશા રાખે છે કે તેમનાં પ્રિયજનો સાથે વણસી ગયેલા તેના સંબંધોને ફરીથી સ્થાપિત કરી શકશે.

તે ઉમેરે છે , "જ્યારે હું ઘરે પરત ફરીશ ત્યારે હું મારા પરિવાર સાથે શાંતિથી જીવન જીવીશ અને લોકો માટે વધુ પ્રેમાળ અને તેમની સંભાળ રાખનાર બનીશ. હાલ હું મારા ગુનાઓની સજા ભોગવી રહી છું."

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો