રેખા અને અમિતાભની એક એવી પ્રેમકહાણી, જે ખૂલીને ક્યારેય સામે ન આવી

ઇમેજ સ્રોત, SILSILA MOVIE POSTER
- લેેખક, પ્રદીપ સરદાના
- પદ, વરિષ્ઠ પત્રકાર અને ફિલ્મ સમીક્ષક
કેવો સંયોગ છે કે અભિનેત્રી રેખાનો જન્મદિવસ 10 ઓક્ટોબર છે, જ્યારે અમિતાભ બચ્ચનનો 11 ઑક્ટોબર છે. રેખા અમિતાભ કરતાં 12 વર્ષ નાનાં છે.
રેખા આ વર્ષે 10 ઑક્ટોબરે એટલે કે ગઈકાલે 68 વર્ષનાં થયાં છે, જ્યારે અમિતાભ બચ્ચન આજે એટલે કે 11 ઑકટોબરે 80 વર્ષના થયા. બન્નેએ 1981માં 'સિલસિલા' ફિલ્મમાં છેલ્લીવાર સાથે કામ કર્યું હતું, પરંતુ એ ફિલ્મનાં 41 વર્ષ પછી પણ અમિતાભ-રેખાની જોડી એટલી જ વિખ્યાત છે, જેટલી 1976થી 1981 દરમિયાન હતી.
અમિતાભ-રેખાની જોડીની લોકપ્રિયતાને આજની યુવા પેઢી પણ સારી રીતે અનુભવી શકે છે. આ જોડીની ફિલ્મો ધૂમ મચાવતી હતી ત્યારે આજની યુવા પેઢીનો જન્મ પણ થયો ન હતો. આજે 40 વર્ષના લોકો જ નહીં, પણ 20 વર્ષના યુવાઓ અને 14 વર્ષના ટીનેજર્સ પણ જાણે છે કે અમિતાભ-રેખાની જોડીનો જાદુ કેવો છે.
આ બન્ન રૂપેરી પરદા પરની અત્યંત શાનદાર જોડી સ્વરૂપે વિખ્યાત છે. બન્નેએ સાથે મળીને ઘણી યાદગાર અને સફળ ફિલ્મો આપી હતી એ ખરું, પણ આ જોડી તેની વાસ્તવિક જીવનની પ્રેમકહાણી માટે પણ એટલી જ જાણીતી છે.
એક એવી પ્રેમકહાણી, જે ભલે સંપૂર્ણપણે બહાર ન આવી હોય, પણ અમિતાભ અને રેખા એક એવી પ્રેમગાથા છે, જેને ક્યારેય ભૂલી શકાય નહીં. એમની પ્રેમગાથા 40-45 વર્ષ પહેલાં પણ મીડિયામાં ચમકતી હતી અને આજે પણ ચમકે છે. અગાઉ તેની ચર્ચા દબાયેલા અવાજમાં કરવામાં આવતી હતી અને આજે પણ એવું જ છે. લાંબા, ખામોશીભર્યા સફર પછી પણ તેના પડઘા આજે પણ સંભળાયા કરે છે.
આમ તો ફિલ્મજગતમાં પ્રેમકહાણીઓની ખોટ ક્યારેય પડી નથી. રૂપેરી પરદે પ્રેમ કરતાં-કરતાં અનેક જોડીઓ વાસ્તવમાં પ્રેમમાં પડી ગઈ હતી, પરંતુ એ પૈકીના કેટલાંક જ લગ્ન કરીને જીવનસાથી બની શક્યાં, જ્યારે કેટલાંકની પ્રેમકહાણીઓ પર થોડા સમય પછી પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. એ પૈકીના કેટલાક લોકો એવા પણ છે કે જેઓ લગ્ન કર્યાં પછી પણ એક થઈ શક્યાં નહીં. તેમ છતાં તેમની પ્રેમગાથા અમર થઈ ગઈ.
આવી પ્રેમકહાણીઓમાં સૌપ્રથમ હતી રાજ કપૂર અને નરગિસની કથા. એ પછીની કડીમાં પછી અમિતાભ-રેખાની પ્રેમગાથા આવી. હવે રાજ કપૂર અને નરગિસ તો આ દુનિયામાં નથી, પરંતુ તેમની પ્રેમકહાણી આજેય અમર છે. એવું જ અમિતાભ તથા રેખાની પ્રેમકહાણીનું છે, જેને સમયની ધૂળ વર્ષો સુધી ઝાંખી નહીં પાડી શકે.

અમિતાભ-રેખાની પહેલી મુલાકાત

ઇમેજ સ્રોત, SILSILA MOVIE
અમિતાભ અને રેખાની મુલાકાત આમ તો જયા ભાદુરી સાથે અમિતાભનાં લગ્ન થયાં એ પહેલાં 1972માં થઈ ગઈ હતી. જી એમ રોશન નામના એક નિર્માતા તથા કુંદનકુમાર નામના દિગ્દર્શકે અમિતાભ-રેખાને લઈને 'અપને પરાયે' ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું હતું, પરંતુ થોડા દિવસના શૂટિંગ પછી એ ફિલ્મનું કામકાજ બંધ થઈ ગયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી અમિતાભની જગ્યાએ સંજય ખાન અને રેખાને લઈને એ ફિલ્મ 'દુનિયા કા મેલા' નામે બનાવવામાં આવી હતી, જે 1974માં રજૂ થઈ હતી અને ફ્લૉપ સાબિત થઈ હતી.
1973ની 'નમક હરામ' રેખા અને અમિતાભ ફરી સાથે ચમકવાનું કારણ બની હતી, પરંતુ એ ફિલ્મ રેખા અમિતાભની નહીં, પરંતુ રાજેશ ખન્નાનાં નાયિકા હતાં. તેથી અમિતાભ-રેખા વચ્ચે ખાસ કોઈ વાતચીત થઈ શકી ન હતી. આમ ત્યાં સુધી અમિતાભ અને રેખા એકમેક માટે અજાણ્યાં બની રહ્યાં હતાં.

'દો અનજાને'ને કારણે રેખાએ જાણ્યા અમિતાભને

ઇમેજ સ્રોત, DO ANJAANE MOVIE POSTER
અમિતાભ અને રેખાની જિંદગીમાં મોટો વળાંક 1976માં આવ્યો હતો. નિર્માતા ટીટૂ અને દિગ્દર્શક દુલાલ ગુહાએ પોતાની 'દો અનજાને' ફિલ્મ માટે બન્નેને સાઈન કર્યાં હતાં. રસપ્રદ વાત એ હતી કે એ ફિલ્મમાં બન્નેનાં પાત્રનાં નામ અમિત અને રેખા જ હતાં. એ ફિલ્મમાં રેખા નાયિકા હતાં, પણ તેમની ભૂમિકા નૅગેટિવ ટચવાળી હતી.
રેખા એ અગાઉ પોતાની ફિલ્મો માટે વધારે પડતાં ગંભીર રહેતાં ન હતાં. પોતાનું કામ હસતાં-રમતાં જ કરતાં હતાં.
અલબત્ત, ફિલ્મોમાં કામ કરવા માટે જ બન્ને 1969માં જ મુંબઈ પહોંચ્યાં હતાં. એ પહેલાં રેખા બાળ કલાકાર તરીકે કેટલીક ફિલ્મો કરી ચૂક્યાં હતાં. એ ઉપરાંત રેખા 1970માં રજૂ થયેલી તેમની પહેલી ફિલ્મ 'સાવન ભાદો'થી હિટ સાબિત થઈ ગયાં હતાં.
'સાવન ભાદો' પછી અને 'દો અનજાને' પહેલાં રેખાની 'એક બેચારા, રામપુર કા લક્ષ્મણ, કહાની કિસ્મત કી, અનોખી અદા, ધર્મા, ધર્માત્મા, ધર્મ કર્મ, કહતે હૈં મુજ કો રાજા, પ્રાણ જાય પર વચન ના જાએ' અને 'સંતાન' જેવી ફિલ્મોથી વિખ્યાત થઈ ચૂક્યાં હતાં.
અમિતાભ સાથે 'દો અનજાને' ફિલ્મ કરવા બાબતે વાત કરતાં રેખાએ સિમી ગરેવાલના ટીવી શો 'રોંદેવૂ'માં કહ્યું હતું કે "અમિતજીએ દો અનજાને સાઈન કરી છે એવું જાણવા મળ્યું ત્યારે હું થોડી ડરી ગઈ હતી. જોકે, કેટલીક બાબતોમાં હું તેમની સીનિયર હતી, પરંતુ ત્યાં સુધીમાં તેઓ તેમની ફિલ્મ દિવારથી ઘણા સફળ થઈ ગયા હતા."
રેખાએ કહ્યું હતું કે "ત્યાં સુધી હું તેમના વિશે ખાસ કશું જાણતી ન હતી, કારણ કે અમને સાથે બેસીને વાતો કરવાની તક જ ક્યારેય મળી ન હતી. દો અનજાનેના સેટ પર મેં તેમની સાથે કામ શરૂ કર્યું ત્યારે હું નર્વસ હતી, પણ એ દરમિયાન હું તેમની પાસેથી ઘણું શીખી. સેટ પર હોવા વિશેની મારી ધારણા બદલાઈ ગઈ. સેટ મારા માટે ક્યારેય રમતનું મેદાન ક્યારેય ન રહ્યો."

ઇમેજ સ્રોત, SILSILA Movie
પોતે અમિતાભથી કેટલી હદે પ્રભાવિત થયાં હતાં એની વાત કરતાં રેખાએ કહ્યું હતું કે, "અગાઉ હું સામાન્ય માણસથી ક્યારેય પ્રભાવિત થતી ન હતી, પરંતુ અમિતાભ કોઈક એવા માણસ હતા, જેને મેં અગાઉ ક્યારેય જોયા ન હતા. એક માણસમાં આટલી બધી ખૂબી એકસાથે કઈ રીતે હોઈ શકે એ વિચારે હું હંમેશા મૂંઝાયેલી રહેતી હતી."
"મને લાગે છે કે જ્યારે આપણને કોઈ ગમવા માંડે તો તેની દરેક વાત સારી લાગતી હોય છે. હું તેમને મળી ત્યારે મને એવું લાગ્યું હતું કે આવી વ્યક્તિને હું અગાઉ ક્યારેય મળી નથી. અમારી બન્નેની રાશી તુલા છે, પરંતુ એક જ વ્યક્તિ પાસે આટલી બધી સારપ કઈ રીતે હોઈ શકે."
'દો અનજાને'ના શૂટિંગ દરમિયાન અમિતાભની કામ કરવાની શૈલી જોઈને રેખા અચાનક બદલાઈ કઈ રીતે ગયાં? આ સવાલના જવાબમાં રેખાએ કહ્યું હતું કે "હું તો ત્યારે મારા સંવાદ પણ ભૂલી જતી હતી. એ વખતે તેમણે મને કહેલું કે સુનીએ, કમસેકમ અપને ડાયલૉગ્ઝ તો યાદ કર લીજિએ. તેઓ દિગ્દર્શકની વાત બહુ ધ્યાન અને આદરપૂર્વક સાંભળતા એ હું નિહાળતી રહેતી. હું એ પણ તેમની પાસેથી શીખી."
"મને સમજાઈ ગયું હતું કે આ એ જ વ્યક્તિ છે, જેની પાસેથી મારે ઘણુંબધું શિખવાનું છે, પ્રેરણા લેવાની છે. એ પળ મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ બની ગઈ. હું એટલી ભાગ્યશાળી અને બુદ્ધિશાળી છું કે મેં મારી પ્રેરણા માટે તેમની પસંદગી કરી. તેઓ ટોચના એક એવા અભિનેતા છે કે જેમની સામે ઊભા રહેવું આસાન નથી."
રેખાની વાતોથી સ્પષ્ટ જણાય છે કે અમિતાભનું અભિનય કૌશલ્ય, શિસ્તબદ્ધતા, વિનમ્ર વ્યવહાર અને પોતાના કામ પ્રત્યેના સમર્પણની ભાવના જોઈને જ રેખા તેમનાથી પ્રભાવિત થયાં. એટલી હદે પ્રભાવિત થયાં કે અમિતાભ પ્રત્યેનો તેમનો આદર પ્રેમમાં પલટાઈ ગયો.

22 વર્ષનાં રેખા અને 34ના અમિતાભ

ઇમેજ સ્રોત, NAMAK HARAAM MOVIE POSTER
રેખા 1976માં અમિતાભથી પ્રભાવિત થયાં ત્યારે વાસ્તવમાં તેઓ 22 વર્ષનાં હતાં અને અમિતાભ 34ના. એ વયમાં, એ પરિસ્થિતિમાં આવી લાગણી કોઈ અન્ય પ્રત્યે હોય તો પણ આવું જ થવાની શક્યતા હતી.
પોતાના સમયના વિખ્યાત અભિનેતા પ્રદીપકુમારે એક વખત કહ્યું હતું કે "આખરે તો અમે પણ માણસો જ છીએ. ફિલ્મના શૂટિંગ દરમિયાન નાયક-નાયિકા એકમેકને પસંદ કરતાં હોય, એકમેકનો આદર કરતાં હોય તો અંતરંગ દૃશ્યોમાં બન્ને ભાવુક થઈ જ જતાં હોય છે. એ બધું સમય જતાં પ્રેમનું સ્વરૂપ ધારણ કરી શકે છે."
અમિતાભ-રેખાની આ પ્રેમગાથા એવા સંકેત પણ આપે છે કે તેની શરૂઆત ભલે રેખાએ કરી હોય, પરંતુ અમિતાભ પણ તેમની યુવા અવસ્થામાં તેના મોહપાશથી બચી શક્યા ન હતા.
અમિતાભ સાથે મારી પહેલી મુલાકાત 1976માં દો અનજાને પ્રદર્શિત થયા બાદ દિલ્હી ખાતેના તેમના ઘરે જ થઈ હતી. મેં આ ફિલ્મ જોઈ ન હતી, પરંતુ હું ડૉ. હરિવંશરાય બચ્ચનને તેમના વિલિંગ્ડન ક્રેસન્ટસ્થિત મળવા ગયો ત્યારે તેમણે મને કહ્યું હતું કે "અમિતની નવી ફિલ્મ દો અનજાને બહુ સારી છે. તક મળે તો જરૂર નિહાળજો."
તેમની કારકિર્દી પૂરપાટ વેગે શિખર તરફ આગળ વધતી હતી ત્યારે ફિલ્મ સામયિકોમાં એવા સમાચાર ચમકતા રહેતા અમિતાભ અને રેખા વચ્ચે રોમાન્સ ચાલી રહ્યો છે. બન્ને શૂટિંગ પછી રેખાની એક સખીના ઘરે ચૂપચાપ મળે છે.
મેં એક દિવસ હિંમત કરીને બચ્ચનજીને પૂછી લીધું કે અમિતજી વિશે જે સમાચારો પ્રકાશિત થતા રહે છે એ બાબતે તેઓ શું માને છે. ડૉ. બચ્ચને મને કહેલું કે "શરૂઆતમાં અમે આવા સમાચારોથી વિચલિત થઈ જતા હતા, પરંતુ હવે તેના પર ધ્યાન આપતા નથી. અમે હવે સમજી ગયા છીએ કે કેટલાંક સામયિકો આવા ઘડમાથા વગરના સમાચારો, ગોસિપથી જ ચાલે છે."
અમિતાભ-રેખાના રોમાન્સના સમાચારોનું બજાર 1980 સુધી ગરમાગરમ રહ્યું હતું. તેને લીધે જયા બચ્ચન પણ બહુ પરેશાન હોવાનું પણ પ્રકાશિત થતું હતું. એ દરમિયાન જાન્યુઆરી, 1981માં સિલસિલા ફિલ્મના શૂટિંગ દરમિયાન દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટલમાં મારી મુલાકાત અમિતાભ, જયા અને રેખા એ ત્રણેય સાથે થઈ હતી.
મેં જયાજી સાથે વાત કરી ત્યારે તેમના હાવભાવથી એવું જરાય લાગ્યું ન હતું કે તેઓ દુઃખી છે, વિચલિત છે. મારી સાથે પણ તેમણે ખુશખુશાલ મનથી વાત કરી હતી.

જયાને 'દીદી ભાઈ' કહેતા હતાં રેખા

ઇમેજ સ્રોત, TWITTER@NFAIOFFICIAL
થોડા સમય પછી એક દિવસે તેમની ટીમ સિલસિલાના આઉટડોર શૂટિંગ માટે કોઈ ફાર્મ હાઉસ જવા નીકળતી હતી ત્યારે મેં રેખા અને જયા બચ્ચનને પણ બહુ સહજ ભાવે એકમેકની સાથે વાત કરતાં સાંભળ્યાં હતાં.
રેખાએ જયા સાથે વાત કરતાં તેમને 'દીદી ભાઈ' સંબોધન કર્યું ત્યારે હું ચોંકી ગયો અને થયું કે આ શું છે? ત્યાં કોઈને પૂછ્યું ત્યારે ખબર પડી કે રેખા તો જયાને શરૂઆતથી જ 'દીદી ભાઈ' કહીને બોલાવે છે. એ પછી શૂટિંગ યુનિટના કોઈ સભ્યએ મને જણાવેલું કે રેખા, જયાને તેમનાં લગ્ન અમિતાભ સાથે થયાં એ પહેલાંથી ઓળખે છે.
અમિતાભ-રેખાના પ્રેમસંબંધના સમાચારના તોફાનનો સિલસિલો ફિલ્મ સિલસિલા પ્રદર્શિત થયા પછી ધીમે-ધીમે ઓસરવા લાગ્યો હતો. રેખાએ થોડાં વર્ષો પછી દિલ્હીના એક ઉદ્યોગપતિ મુકેશ ગુપ્તા સાથે માર્ચ, 1980માં લગ્ન કરી લીધાં હતાં, પરંતુ લગ્નના થોડા સમય બાદ જ મુકેશે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી ત્યારે રેખા પર જાતજાતના આક્ષેપ કરવામાં આવ્યા હતા. મુકેશના નિધન પછી રેખા ફરી પોતાની સેંથીમાં સિંદૂર સાથે જોવા મળી એટલે રેખા-અમિતાભનું પ્રેમ પ્રકરણ ફરી ચગ્યું હતું.
સિલસિલાની વાત કરીએ તો આ ફિલ્મ 1981ની 14 ઑગસ્ટે પ્રદર્શિત કરવામાં આવી હતી. આશા એવી હતી કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવશે. દર્શકોને એ ગમી નહીં, પણ ફિલ્મનું સંગીત પારાવાર લોકપ્રિયતા પામ્યું હતું.

ઇમેજ સ્રોત, SILSILA MOVIE
વાસ્તવમાં સિલસિલા માટે અમિતાભની સાથે અગાઉ પરવીન બાબી અને સ્મિતા પાટિલને લેવામાં આવ્યાં હતાં, પરંતુ એ દિવસોમાં અમિતાભ-રેખાનું પ્રેમ પ્રકરણ જોરદાર ચર્ચાતું હતું તેને ધ્યાનમાં રાખીને ફિલ્મકાર યશ ચોપરાએ અંતિમ ક્ષણોમાં નિર્ણય બદલ્યો હતો, કારણ કે સિલસિલા પતિ-પત્ની અને પ્રેયસીની કહાણી પર આધારિત હતી.
યશ ચોપરાએ કહ્યું હતું કે "આ ફિલ્મમાં તમારી સાથે પરવીનની જગ્યાએ રેખા અને સ્મિતાની જગ્યાએ જયાને લઈએ એવી મારી ઇચ્છા છે."
એવું કહેવાય છે કે યશ ચોપરાની આ વાત સાંભળીને અમિતાભ ચોંકી ગયા હતા. તેમણે કહેલું કે તમે આ શું કહી રહ્યા છો? તમને લાગે છે કે જયા આ માટે રાજી થશે? યશજીએ કહ્યું હતું કે બધું શક્ય છે. હું રેખા સાથે વાત કરું છું. જયા સાથે પહેલાં તમે વાત કરો. પછી હું પણ કરીશ.
જેની આશા ન હતી એ પછી વાસ્તવમાં બન્યું. યશ ચોપરાનો જાદુ એવો ચાલ્યો કે કાશ્મીરમાં પરવીન તથા સ્મિતાની જગ્યાએ રેખા અને જયા સિલસિલાનું શૂટિંગ કરવા લાગ્યાં હતાં.
અલબત્ત, સિલસિલા ફિલ્મ સાથે જોડાયેલી એક ખાસ વ્યક્તિએ મને જણાવ્યું હતું કે અમિત સિલસિલા પછી રેખા સાથે ક્યારેય, કોઈ ફિલ્મમાં કામ નહીં કરે એ શરતે જયા આ ફિલ્મમાં કામ કરવા રાજી થયાં હતાં.
પહેલાં તો હું તેમની વાત માની શક્યો ન હતો, પરંતુ વાસ્તવમાં એવું થયું કે સિલસિલા અમિતાભ અને રેખાની જોડીની છેલ્લી ફિલ્મ સાબિત થઈ.
સિલસિલા પછી રેખાએ 80 ફિલ્મો કરી છે, જ્યારે અમિતાભ લગભગ 150 ફિલ્મ કરી ચૂક્યા છે, પરંતુ સિલસિલા પછી આ બન્ને સાથે ચમક્યાં હોય એવી એકેય ફિલ્મ આવી નથી. એટલે કે સિલસિલાથી તેમની વચ્ચેનો સિલસિલો તૂટી ગયો હતો.

અમિતાભ-રેખાની યાદગાર ફિલ્મો

ઇમેજ સ્રોત, TWITTER@NFAIOFFICIAL
અમિતાભ અને રેખાએ કુલ 14 ફિલ્મો સાથે કરી છે. 'નમક હરામ'માં રેખાના નાયક રાજેશ ખન્ના હતા.
'ઈમાન ધરમ'માં પણ અમિતાભ, શશી કપૂર, રેખા અને સંજીવ કુમાર હતાં, પરંતુ તેમાં રેખાના હીરો શશી કપૂર હતા, અમિતાભ નહીં.
અમિતાભની ફિલ્મ 'કસમે વાદે'માં તો રેખા મહેમાન કલાકાર જ હતાં.
હાસ્ય કલાકાર જગદીપની સૂરમા ભોપાલીમાં પણ અમિતાભ અને રેખા બન્ને મહેમાન કલાકાર હતાં.
સિલસિલા પછી 2015માં આવેલી આર બાલ્કીની ફિલ્મ 'શમિતાભ'માં મુખ્ય ભૂમિકામાં અમિતાભ હતા, જ્યારે રેખાની ભૂમિકા નાનકડી હતી. તેમાં અમિતાભ-રેખા સાથે હોય તેવું એકેય દૃશ્ય ન હતું.
રેખા-અમિતાભની જોડીની મુખ્ય દસ ફિલ્મો પૈકીની 'દો અનજાને' અને 'સિલસિલા'ને બાદ કરતાં 'ખૂન પસીના', 'મુકદ્દર કા સિકંદર', 'મિસ્ટર નટવરલાલ', 'સુહાગ' અને 'રામ-બલરામ' અત્યંત સફળ રહી હતી. દર્શકોને બહુ ગમી હતી. એમાં પણ 'મુકદ્દર કા સિકંદર' તો બન્ને માટે માઇલસ્ટોન સાબિત થઈ હતી. બન્નેની 'આલાપ' અને 'ગંગા કી સોગંધ' ફિલ્મોને ખાસ સફળતા મળી ન હતી.

અમિતાભે પ્રેમસંબંધ ક્યારેય સ્વીકાર્યો નથી

ઇમેજ સ્રોત, TWITTER@NFAIOFFICIAL
2014માં એક મુલાકાત દરમિયાન મેં અમિતાભને પૂછ્યું હતું કે "તમારી અને રેખાની જોડી રૂપેરી પરદે સુપર હિટ સાબિત થઈ છે, પરંતુ 1981 પછી તમે બન્ને સાથે હો તેવી એકેય ફિલ્મ કેમ આવી નથી?"
અમિતાભે બહુ વિચાર્યા વિના જવાબ આપ્યો હતો કે "એવી કોઈ સ્ટોરી જ મળી નથી, જેમાં અમને બન્નેને લઈને ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મળ્યો હોત. કોઈ એવી કહાણી હશે, સારો પ્રસ્તાવ હશે તો તેમની સાથે હું ફિલ્મ જરૂર કરીશ."
અમિતાભે રેખા સાથેના પ્રેમસંબંધનો ક્યારેય સ્વીકાર કર્યો નથી, પરંતુ રેખા જાહેર મંચો પર ક્યારેય મસ્તી-મજાકમાં, ક્યારેક ગંભીરતાપૂર્વક, ક્યારેક દબાયેલા સ્વરે તો ક્યારેક દર્દભર્યાં ગીત-ગઝલ મારફત કોઈને કોઈ રીતે પોતાના સંબંધને જાહેર કરતાં રહ્યાં છે.
એટલી હદે કે તેઓ છેલ્લાં લગભગ 42 વર્ષથી પોતાના સેંથીમાં સિંદૂર પૂરી અને ગળામાં મંગળ સૂત્ર પહેરતાં રહ્યાં છે. ઋષિ કપૂર અને નીતુ સિંહના 1980માં લગ્ન થયાં ત્યારે સેંથીમાં સિંદૂર અને ગળામાં મંગળ સૂત્ર સાથે રેખા જોવા મળ્યાં ત્યારે ઘણા લોકો વિચારતા થઈ ગયા હતા કે અમિતાભ-રેખાએ ચૂપચાપ લગ્ન તો નથી કરી લીધાંને!

ઇમેજ સ્રોત, SUHAAG MOVIE POSTER
અમિતાભ તો તમારા તેમની સાથેના પ્રેમસંબંધને નકારતા રહે છે, એવું 1984માં ફિલ્મફેર સામયિકમાં પ્રકાશિત એક ઈન્ટરવ્યૂમાં રેખાને પૂછવામાં આવ્યું હતું.
તેના જવાબમાં રેખાએ કહ્યું હતું કે "તેઓ આવું તેમની ઇમેજ, તેમના પરિવાર તથા બાળકો માટે કહી રહ્યા છે. મને લાગે છે કે આ સારી વાત છે, પરંતુ મને તેનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ મને પ્રેમ કરે છે અને હું તેમને. બસ. તેમણે આ વાત મને જ કહી હોત તો હું નિરાશ થઈ હોત. મિસ્ટર બચ્ચન આજે પણ જૂના જમાનાના છે. તેઓ કોઈને પીડા આપવા ઇચ્છતા નથી તો પછી પોતાની પત્નીને દુઃખી શા માટે કરે. અમે માણસ છીએ, એકમેકને ચાહીએ છીએ અને જેવા છીએ તેવા સ્વરૂપે જ સ્વીકારીએ છીએ."
આવી જ રીતે સિમી ગરેવાલે પણ પોતાના શોમાં રેખાને પૂછ્યું હતું કે "દસ ફિલ્મોમાં સાથે કામ કરવા દરમિયાન તમને અમિતાભ સાથે પ્રેમ થઈ ગયો હતો?"
તેના જવાબમાં રેખાએ કહ્યું હતું કે "આ તો બાલિશ સવાલ છે. હું આજ સુધી કોઈ એવા પુરુષ, સ્ત્રી કે બાળકને નથી મળી કે જે તેમને દિવાનગીની હદ સુધી પ્રેમ ન કરતા હોય. તો પછી હું તેમને પ્રેમ કરું છું એ વાતનો ઇનકાર શા માટે કરું? હું બેશક તેમને પ્રેમ કરું છું. આખી દુનિયાનો પ્રેમ એકઠો કરો. તેમાં થોડો વધુ ઉમેરો. એટલો પ્રેમ હું તેમને કરું છું."

અમિતાભે આપેલી બે વીંટી પહેરવાનું રેખાએ બંધ કેમ કર્યું?

ઇમેજ સ્રોત, KASME VAADE MOVIE POSTER
સ્ટારડસ્ટ સામયિકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રેખાએ પોતાની પીડાને પણ વાચા આપી હતી. તેમણે કહેલું કે, "અમિતજીએ નિર્માતાઓને સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ મારી સાથે હવે કોઈ ફિલ્મ નહીં કરે, એવું કેટલાક લોકોએ મને કહ્યું હતું, પણ અમિતજીએ મને એક શબ્દ કહ્યો નથી. મેં તેમને આ બાબતે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે હું કશું કહીશ નહીં. મને પૂછશો નહીં. એ સાંભળીને હું દુઃખી થઈ ગઈ હતી. એ વખતે હું ખૂબસૂરત ફિલ્મનું શૂટિંગ કરતી હતી."
રેખાએ ઉમેર્યું હતું કે "તમે જોયું હશે કે ફિલ્મના આખરી હિસ્સામાં મારા હાથની બે આંગળીઓમાં વીંટીઓ નથી. એ વીંટી તેમણે મને આપી હતી અને એ હું ક્યારેય ઉતારતી ન હતી. ઊંઘતી વખતે પણ નહીં, પણ અમે અલગ થયાં ત્યારે મેં એ વીંટીઓ તેમને પાછી આપી દીધી હતી."
આ બધું જાહેર થઈ ગયા પછી કશું કહેવાનું બાકી રહેતું નથી. તેમ છતાં અમિતાભ-રેખા વચ્ચે ક્યારેય કશું ન હતું એવું કોઈ કહેતું હોય તો અમિતાભ જાહેર સમારંભમાં રેખા સામે આવતાં આટલા ખચકાય છે શા માટે?
રેખા ફિલ્મ સમારંભોમાં જયા બચ્ચનને મળે છે, અભિષેક-ઐશ્વર્યાને મળે છે, પરંતુ રેખા અમિતાભ પાસે પહોંચે એ પહેલાં તેઓ ઝડપથી આઘાંપાછાં થઈ જાય છે. આટલાં વર્ષોમાં રેખા કોઈ સમારંભમાં એક જ વાર અમિતાભ સુધી પહોંચી શક્યાં છે. શશી કપૂરને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અર્પણ કરવા માટે મુંબઈના પૃથ્વી થિયેટરમાં 2015ની 10 મેએ યોજાયેલા સમારંભમાં એ ઘટના બની હતી. ત્યાં મસ્તી-મજાક વચ્ચે રેખાએ અમિતાભ પ્રત્યેની પોતાની દિવાનગી વ્યક્ત કરી દીધી હતી.
2021માં ટીવી કાર્યક્રમ ઇન્ડિયન આઇડલનું સંચાલન કરતાં જય ભાનુશાળીએ કહ્યું હતું કે કોઈએ કોઈ સ્ત્રીને કોઈ પરિણીત પુરુષ માટે આટલી હદે પાગલ થતાં જોઈ છે?

ઇમેજ સ્રોત, SILSILA MOVIE
રેખાએ મસ્તીના મૂડમાં જય ભાનુશાળીને ટોકતાં કહ્યું હતું કે મને પૂછોને. જયે કહ્યું, શું પૂછું? એ સાંભળીને રેખા હસી પડ્યાં હતાં અને કહ્યું હતું કે મેં કશું કહ્યું નથી.
રેખાએ આ બે નાનાં વાક્યોમાં ઘણું કહી દીધું હતું.
1986માં બીબીસી સાથેની એક મુલાકાતમાં રેખાને કશુંક ગાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે મહેંદી હસનની આ ગઝલ ગાઈને પોતાનું દર્દ છલકાવ્યું હતુઃ "મુજે તુમ નજર સે ગિરા તો રહે હો, મેરે પ્યાર કો તુમ ભૂલા ના સકોગે. ન જાને મુજે ક્યું યકીં હો ચલા હૈ, મેરે પ્યાર કો તુમ મિટા ના સકોગે."
અલબત, અમિતાભે તો સાહિર લુધિયાનવીના એ શબ્દોને જ પોતાના માટે ઉપયોગી ગણ્યા છેઃ "વો અફસાના જિસે અંજામ તક લાના ના હો મૂમકીન, ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













