નવરાત્રી : સરસ્વતીચંદ્રથી માંડીને લગાન, પ્રેમ અને બળવાને દર્શાવતાં ગરબા અને ડાંડિયાથી સજ્જ ગીતો

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના આ દૃશ્યમાં ગંગુબાઈ અને તેમની સાથેની સ્ત્રીઓ મળીને ગરબા કરે છે અને ઢોલિડા નામના ગીતે ખૂબ નાચે છે

ઇમેજ સ્રોત, Sanjay Leela Bhansali

ઇમેજ કૅપ્શન, ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના આ દૃશ્યમાં ગંગુબાઈ અને તેમની સાથેની સ્ત્રીઓ મળીને ગરબા કરે છે અને ઢોલિડા નામના ગીતે ખૂબ નાચે છે
    • લેેખક, વંદના
    • પદ, ટીવી એડિટર, બીબીસી ઇન્ડિયા

"નવરાત્રી દરમિયાન ઘરની ખૂબ યાદ આવે છે. આજે આપણા આ મહોલ્લામાં જ નવરાત્રી ઊજવીશું. મેં નિર્ધાર કરી લીધો છે આજે એકેય વ્યક્તિ મને નહીં અડકે." - ઘરેથી નાસી છૂટેલાં ગંગા અને દગાથી વેશ્યાલયે બેસાડી દઈને ગંગુબાઈ બનાવી દેવાયેલ આલિયા ભટ્ટ જ્યારે ઘરને યાદ કરે છે અને પોતાના જેવી તમામ સેક્સવર્કર માટે નિર્ણય લે છે કે તહેવાર તેમનો પણ છે અને તેઓ પણ ઊજવશે.

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના આ દૃશ્યમાં ગંગુબાઈ અને તેમની સાથેની સ્ત્રીઓ મળીને ગરબા કરે છે અને ઢોલિડા નામના ગીતે ખૂબ નાચે છે. આ ગીત ફિલ્મનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

ગમે તે તક હોય, ફિલ્મો અને તેનાં ગીતોમાં આ તહેવારે પોતાની એક જગ્યા બનાવી લીધી છે. પરંતુ નવરાત્રી અને ગરબાની આસપાસ વણેલાં આ ગીતો માત્ર તહેવારો પૂરતાં નથી પણ પોતાની અંદર ઘણા પ્રકારની ભાવનાઓ ધરાવે છે.

નજર કરીએ આવાં જ અમુક ગીતો પર.

line

ફિલ્મ સરસ્વતીચંદ્ર (1968) - મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ (તિરસ્કાર)

આ ફિલ્મ ગોવર્ધનરામ ત્રિપાઠીલિખિત ખ્યાતનામ ગુજરાતી નવલકથા સરસ્વતીચંદ્ર પર આધારિત છે.

ઇંદીવર દ્વારા લખાયેલ અને કલ્યાણજી આનંદજીના સંગીતવાળા આ ગરબા-ગીતમાં નૂતન પોતાની સખીઓ સંગ નાચતાં પોતાના સાસરા અને પતિની પ્રશંસા કરતાં નથી થાકતાં. અને ગાય છે કે 'મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ, પિયા કા ઘર પ્યારા લગે.'

જોવામાં તો આ ગરબાની રાતનું એક ગીત છે, પરંતુ અસલિયતમાં તે બે પ્રકારની જિંદગીને દર્શાવે છે જે નૂતન જીવી રહ્યાં છે. પ્રથમ સગાઈ તૂટ્યા બાદ નૂતન વિવાહ કરીને જે ઘરે આવ્યાં છે ત્યાં તેમને ઠુકરાવીને હંમેશાં વેશ્યાલયે રહે છે.

આ ગીત નૂતનની મનોદશા વ્યક્ત કરે છે, તેઓ ગાય છે કે સૂરજ ભી પ્યારા હૈ, ચંદા ભી પ્યારા. સબ સે પ્યારા હૈ સજના હમારા... આ ગાઈને તેઓ દુનિયાને કંઈક બીજું બતાવી રહ્યાં છે અને સત્ય કંઈક અલગ જ છે.

આ એક ખુશનુમા ગરબા-ગીત હોવા છતાં તિરસ્કાર અને ઉદાસીવાળું ગીત છે. આ ફિલ્મ માટે સંગીતકાર કલ્યાણજી આનંદજીને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

line

સબસે બડા તેરા નામ ઓ શેરોંવાલી - સુહાગ (સસ્પેંસ)

મનમોહન દેસાઈની ફિલ્મ સુહાગ (1979)માં ડાંડિયા કરતાં અમિતાભ બચ્ચન અને રેખાનું આ ગીત આજે પણ પ્રખ્યાત છે

ઇમેજ સ્રોત, Manmohan Desai

ઇમેજ કૅપ્શન, મનમોહન દેસાઈની ફિલ્મ સુહાગ (1979)માં ડાંડિયા કરતાં અમિતાભ બચ્ચન અને રેખાનું આ ગીત આજે પણ પ્રખ્યાત છે

મનમોહન દેસાઈની ફિલ્મ સુહાગ (1979)માં ડાંડિયા કરતાં અમિતાભ બચ્ચન અને રેખાનું આ ગીત આજે પણ પ્રખ્યાત છે. આમ તો આ ગીત મંદિરમાં શૂટ કરાયેલ ડાંડિયા ગીત છે પરંતુ અસલમાં આ ગીત એક સસ્પેંસ થ્રીલર જેવું છે.

મંદિરમાં જ્યાં એક તરફ બધા ભક્તિમાં લીન છે, ત્યાં જ બાબાનો વેશ ધારણ કરેલા અમજદ ખાન પણ હાજર છે, જેમની નજર મૂર્તિ પરનાં ઘરેણાં પર છે જેની તેઓ ચોરી કરવા માગે છે. સસ્પેંસ ત્યારે વધી જાય છે જ્યારે ત્યાં ઇન્સ્પેક્ટર સ્વરૂપે શશિ કપૂર પણ આવી જાય છે.

એક તરફ ડાંડિયા ચાલી રહ્યા છે અને બીજી તરફ ચોર-સિપાઈની સંતાકૂકડી પણ. એક ગીત માત્ર નૃત્ય અને ગીત મટીને ફિલ્મની કહાણીને આગળ લઈ જાય છે, એ તેની શ્રેષ્ઠ મિસાલ છે. આનંદ બક્ષીલિખિત ગીતને સંગીતબદ્ધ લક્ષ્મીકાંત પ્યારેલાલે કર્યું હતું.

line

ઢોલી તારો ઢોલ બાજે (પ્રેમ અને ઉત્સવનું ગીત)

રંગીન પરંપરાગત કપડાં, પ્રેમનો સંદેશ, ગરબાની થાપ સાથેના ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (1999)નું આ ગીત પ્રેમ, શરારત, ખુશીઓના રંગવાળું એક સામૂહિક ગીત છે

ઇમેજ સ્રોત, Sanjay Leela Bhansali

ઇમેજ કૅપ્શન, રંગીન પરંપરાગત કપડાં, પ્રેમનો સંદેશ, ગરબાની થાપ સાથેના ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (1999)નું આ ગીત પ્રેમ, શરારત, ખુશીઓના રંગવાળું એક સામૂહિક ગીત છે

રંગીન પરંપરાગત કપડાં, પ્રેમનો સંદેશ, ઢોલની થાપ સાથેના ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (1999)નું આ ગીત પ્રેમ, શરારત, ખુશીઓના રંગવાળું એક સામૂહિક ગીત છે, જેમાં બે પ્રેમીનો પ્રેમ ઊંચાઈ પર છે.

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અંદાજમાં શરૂ થનાર આ ગીત ગરબા અને ઢોલની થાપમાં તબદીલ થઈ જાય છે.

આ ગીતના સંગીતના ભાગોને જો જુદા જુદા ભાગમાં વિભાજિત કરીને જોઈએ તો તે ઘણા પ્રકારના અવાજોનું મિશ્રણ છે - ક્યારેક મંજીરા, ક્યારેક ચૂડીનો અવાજ તો ક્યારેક પાયલનો ઝણકાર આમાં સાંભળવા મળે છે.

લગભગ છ મિનિટના આ ગીતમાં બોલ સવા બે મિનિટ પછી શરૂ થાય છે. એ પહેલાં આખો ખેલ સંગીતનો છે.

ઐશ્વર્યા રાય અને સલમાન ખાનનું આ ગીત તહેવારના મૂડમાં એકદમ બંધ બેસે છે. કવિતા કૃષ્ણમૂર્તિ, વિનોદ રાઠોડ અને કરસન સાગઠિયાના અવાજમાં આ ગીત ઇસ્માઇલ દરબારનાં શ્રેષ્ઠ ગીતો પૈકી એક છે.

આ ગીતની એક ખૂબસૂરત બાજુ અનિલ મહેતાની સિનેમૅટોગ્રાફી અને નીતિન દેસાઈની પ્રોડક્શન ડિઝાઇન પણ છે. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ સંગીતકાર સહિત ચાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા.

line

મધુબન મેં જો કન્હૈયા કિસી ગોપી સે મિલે - લગાન (પ્રેમ અને ઈર્ષ્યા)

આમ તો લગાન (2001) ફિલ્મનું આ ગીત જન્માષ્ટમીના દિવસે શૂટ કરાયું છે, તેમાં ડાંડિયા અને શાસ્ત્રીય નૃત્યનું મિશ્રણ છે. જાવેદ અખ્તર માટે આ ગીતમાં પ્રેમ, મસ્તી અને ઈર્ષ્યાની ઝલક દેખાય.

વાંસળી, ઢોલ અને બીજાં પરંપરાગત વાદ્યોનો ખૂબીથી ઉપયોગ કરાયો છે આ ગીતમાં. આ ગીતમાં અન્ય પણ અનેક પ્રકારના પ્રયોગ છે જેમ કે શરૂઆતમાં કોયલનો ધીમો અવાજ જે ગીતને અલગ જ રૂપ આપે છે.

ગ્રેસીસિંહ આ ગીત થકી હળવા અંદાજમાં ભુવન (આમિર ખાન) પ્રત્યે પોતાના પ્રેમ અને અન્ય છોકરીઓ સાથે તેને જોવા પર ઈર્ષ્યાની ભાવનાને પ્રકટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

તેઓ ગાય છે, "મધુબન મેં જો કન્હૈયા કિસી ગોપી સે મિલે, કભી મુસ્કાયે, કભી છેડે, કભી બાત કરે, રાધા કૈસે ના જલે."

ડાંડિયાની થાપ પર ભુવન આનો જવાબ વાળે છે - ગોપિયાં આની જાની હૈ, રાધા તો મન કી રાની હૈ, સાંઝ સખારે, જમના કિનારે, રાધા રાધા હી કાન્હા પુકારે.

જાવેદ અખ્તરલિખિત આ ગીતના બોલ સુંદર છે, સરોજ ખાનની કોરિયોગ્રાફી, એ. આર. રહેમાનનું સંગીત કે ઉદિત નારાયણ અને આશા ભોસલેનો અવાજ, કહેવું મુશ્કેલ છે.

જાવેદ અખ્તર અને એ. આર. રહેમાનને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

line

નગાડા સંગ ઢોલ બાજે (વિદ્રોહ)

સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામ લીલા - ગોલિયોં કી રાસ લીલા (2013) ગુજરાતમાં વસેલાં રોમિયો જુલિયટ માફક બનેલ એક હિંસક પ્રેમકહાણી છે

ઇમેજ સ્રોત, Sanjay Leela Bhansali

ઇમેજ કૅપ્શન, સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામ લીલા - ગોલિયોં કી રાસ લીલા (2013) ગુજરાતમાં વસેલાં રોમિયો જુલિયટ માફક બનેલ એક હિંસક પ્રેમકહાણી છે

સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામ લીલા - ગોલિયોં કી રાસ લીલા (2013) ગુજરાતમાં વસેલાં રોમિયો જુલિયટ માફક બનેલી એક હિંસક પ્રેમકહાણી છે.

આ ગીત ગરબાના પરિપ્રેક્ષ્યમાં શૂટ કરાયું છે. સંજય લીલા ભણસાલીએ જાતે આનું સંગીત તૈયાર કર્યું હતું. આ ગીત શ્રેયા ઘોષાલે ગાયું હતું. નગાડા અને ઢોલની થાપવાળું આ ગીત ભલે અપબીટ કે નાચવા પ્રેરિત કરનારું હોય પરંતુ તેનો મૂડ એકદમ અલગ છે.

આ ગીતમાં દીપિકા અને રણવીર બંને છે પરંતુ અહીં રોમાન્સની નહીં એક પ્રકારના તાણ, વિદ્રોહ અને ગુસ્સાની વાત છે જ્યાં દીપિકા લગભગ વિદ્રોહી અંદાજમાં ખુલ્લેઆમ એક એવા શખ્સ પ્રત્યે પ્રેમની કબૂલાત કરે છે જે દુશ્મનના સમુદાયથી છે.

આ ગીત 'ઢોલી તારો' જેવું જરૂર લાગે છે પરંતુ તેનો મૂડ એકદમ અલગ છે જેને સિદ્ધાર્થ-ગરિમાએ કોરિયોગ્રાફ કર્યું છે.

line

ઢોલીડા (ગંગુબાઈ કાઠિયાવાડી)

આ વર્ષે આવેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (2022) 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ' નામના પુસ્તક પર આધારિત હતી જે એસ. હુસૈન ઝૈદી અને જેન બોર્ગેસે લખ્યું છે. ગંગુબાઈનું અસલી નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું.

આ ફિલ્મ ગંગુબાઈના જીવનથી પ્રેરિત છે, જેમણે 1960ના દાયકામાં મુંબઈના કમાઠીપુરામાં સેક્સવર્કરો માટે અવાજ ઉઠાવ્યો હતો.

ફિલ્મમાં દર્શાવાયેલ આ ઢોલીડા નામના ગરબા-ગીતમાં ગંગુબાઈ પોતાની સખીઓ સાથે મળીને નવરાત્રી ઊજવે છે અને ખૂબ નાચે છે. પરંતુ જબરદસ્ત બીટ્સવાળા આ ગીતમાં ઉમંગ, ઉદાસી, વિદ્રોહ અને ગુસ્સો તમામ પ્રકારની ભાવનાઓ છે.

ખરેખર આ ગીત પહેલાં ગંગુ પોતાના ભૂતકાળને યાદ કરી રહ્યાં હોય છે જ્યાં તેમને વેશ્યાલયમાં ધકેલી દેવાયાં હતાં અને 12 વર્ષ બાદ જ્યારે તેઓ ઘરે ફોન કરે છે તો ખબર પડે છે કે તેમના પિતાનું નિધન થઈ ચૂક્યું છે અને માતા તેમની સાથે કોઈ સંબંધ રાખવા માગતાં નથી.

વેશ્યાલયે બેસનારાં એ સાથીઓ અને પોતાના માટે તેઓ વિદ્રોહ સ્વરૂપે નવરાત્રીની ઉજવણીનું આયોજન કરે છે, જેમને સમાજ તહેવારમાં સામેલ નથી કરતો. ગીત ઉત્સવ અને ઉમંગની ભાવના સાથે ગીત શરૂ થાય છે, જ્યાં ગંગુબાઈ નારીત્વની ઉજવણી કરતાં દેખાય છે.

તેમજ ગીત ખતમ થતાં થતાં સફેદ વસ્ત્રોમાં નાચી રહેલાં આલિયાનું અલગ જ ઉગ્ર સ્વરૂપ જોવા મળે છે જ્યાં દર્દ અને વિદ્રોહ બંને સામે આવે છે... કૃતિ મહેશે આ ખૂબસૂરત ગીતની કોરિયોગ્રાફી કરી છે અને ગરબા જેવા લોકનૃત્યને તેમણે ગીતમાં સારી રીતે ઉપયોગમાં લીધું છે.

ઠંડીની ઋતુમાં શૂટ કરાયેલા આ ગીતને જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે કોરિયોગ્રાફીમાં શૉટ ખૂબ લાંબા છે અને એક ડાન્સર તરીકે આટલી વાર સુધી ઊર્જા જાળવી રાખવી એ એક પડકાર છે.

કોરિયોગ્રાફર કૃતિ મહેશ આ ગીત પહેલાં પદ્માવતના ગીત ઘૂમર માટે નેશનલ ઍવૉર્ડ મેળવી ચૂક્યાં છે. આ ગીતને જાન્હવી શ્રીમનકર અને શૈલ હાડાએ અવાજ આપ્યો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન