ફિલ્મસ્ટાર્સ જે બ્લૅક વૉટર પીએ છે એ શું છે અને એની એક બૉટલ કેટલા રૂપિયાની આવે?

- લેેખક, રાજેશ પેડાગડિ
- પદ, બીબીસી તેલુગુ સંવાદદાતા
ઍક્ટ્રેસ કાજલ અગ્રવાલ તાજેતરમાં જ મુંબઈના એરપૉર્ટ પર 'બ્લૅક વૉટર'ની એક બૉટલ સાથે દેખાયાં હતાં. પત્રકારોએ એમને પૂછી જ લીધું કે બૉટલમાંના પાણીમાં એવું શું ખાસ છે?
એમણે સ્મિત કરતાં જવાબ આપ્યો, "આ પણ પીવાનું પાણી છે. તમે પણ એક વાર પી જુઓ. તમને પણ એ સારું લાગશે."
જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તેઓ બ્લૅક વૉટર ક્યારથી પીએ છે?, તો એમણે જવાબ આપ્યો - ઘણા દિવસથી.
કેટલાક દિવસ પહેલાં શ્રુતિ હાસને પણ સોશિયલ મીડિયા પર એવું જાહેર કર્યું કે તે પણ બ્લૅક વૉટર પી રહ્યાં છે. એમણે એક વીડિયો રૅકૉર્ડ કર્યો જેમાં એક ગ્લાસમાં બ્લૅક વૉટર દેખાતું હતું.
શ્રુતિએ એ વીડિયોમાં કહ્યું, "જ્યારે મેં પહેલી વાર બ્લૅક વૉટર વિશે સાંભળ્યું ત્યારે એ નવી વસ્તુ લાગી. વાસ્તવમાં, આ કંઈ બ્લૅક વૉટર નથી. આ અલ્કેલાઇન વૉટર છે. આ સ્વાદમાં એવું જ લાગે છે જેવું પીવાનું નૉર્મલ પાણી લાગે છે."
ભૂતકાળમાં મીડિયામાં એવા સમાચાર આવતા હતા છે કે મલાઇકા અરોડા, ઉર્વશી રૌતેલા અને બીજા ઘણા ફિલ્મી સિતારા પણ બ્લૅક વૉટરનો ઉપયોગ કરે છે.

બ્લૅક વૉટર શું છે?

- 'બ્લૅક વૉટર'ને 'અલ્કેલાઇન વૉટર' કે 'અલ્કેલાઇન આયોનાઇઝ્ડ વૉટર' પણ કહે છે.
- મેડિકલ જર્નલ 'એવિડન્સ બેઝ્ડ કૉમ્પ્લિમેન્ટરી ઍન્ડ અલ્ટર્નેટિવ મેડિસિન' (ઇબીસીએએમ) અનુસાર, જીમ કે ફિઝિકલ એક્સરસાઇઝ પછી અથવા તો શરીરમાંથી વધારે પરસેવો નીકળી ગયો હોય તો બ્લૅક વૉટરના ઉપયોગથી થોડીક મદદ મળે છે. વાસ્તવમાં, તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનો સપ્લાય વધારી દે છે.
- ઇબીસીએએમ અનુસાર, લૅબમાં ઉંદર પર કરાયેલા પરીક્ષણમાં એવું પરિણામ જોવા મળ્યું કે અલ્કેલાઇન વૉટર શરીરના વજનને મેન્ટેન રાખવામાં મદદ કરે છે. એના ઉપયોગથી મૅટાબૉલિઝમ (ચયાપચય)ની પ્રક્રિયા પણ ઝડપી બને છે.
- બીજી તરફ, કેટલીક કંપનીઓ પોતાની જાહેરાતોમાં એવો દાવો કરી રહી છે કે પીએચ લેવલ 7થી ઉપરના સ્તરના અલ્કેલાઇન વૉટરથી ઉંમર વધવાનાં ચિહ્નો ઘટવા લાગે છે.
- જોકે, ઇબીસીએએમના રિપોર્ટમાં સંશોધકોનું કહેવું છે કે આવા દાવાઓની પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
બ્લૅક વૉટરમાં શું હોય છે?

ઇમેજ સ્રોત, EVOCUS
આપણા શરીરમાં 70 ટકા પાણી છે. તેથી એ આવશ્યક બની જાય છે કે આપણે જરૂરી માત્રામાં પાણી પીતા રહીએ, જેથી તે શરીરના દરેક ભાગો સુધી સમુચિત માત્રામાં પહોંચતું રહે અને બધું બરાબર ચાલતું રહે.
આપણા શરીરમાંના આવાંછિત પદાર્થોને બહાર કાઢવામાં પણ પાણી ઉપયોગી બને છે. બીજી તરફ, એનાથી શરીરનું ટેમ્પરેચર મેન્ટેન રહે છે અને શરીરના વિભિન્ન ભાગોમાં ખનીજ દ્રવ્યોની આપૂર્તિમાં એની ભૂમિકા રહે છે. ભોજન બરાબર પચે એ પ્રક્રિયામાં પાણીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્લૅક વૉટર વેચનારી કંપનીઓનું કહેવું છે કે તેઓ પોતાની પ્રૉડક્ટમાં 70થી વધારે મિનરલ્સ ભેળવી રહી છે જેથી ઉપર જે વસ્તુઓ જણાવાઈ છે, તે સુચારુરૂપે કામ કરી શકે.
બ્લૅક વૉટરમાં મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ જેવાં મિનરલ્સ હોય છે. જુદી જુદી કંપનીઓનાં ઉત્પાદનોમાં મિનરલ્સની માત્રા જુદી જુદી હોય છે.
કંપનીઓનો દાવો છે કે બ્લૅક વૉટરથી શરીરમાં મૅટાબૉલિઝમ (ચયાપચય)ની પ્રક્રિયા ઝડપી બને છે, પાચન સુધરે છે, ઍસિડિટી ઘટે છે અને ઇમ્યુનિટી વધે છે.

નૉર્મલ પાણી અને બ્લૅક વૉટરમાં શો તફાવત છે?

ઇમેજ સ્રોત, EVOCUS
ડાયટિશિયન ડૉક્ટર રૂથ જયશીલાએ કહ્યું, "આપણે સામાન્ય રીતે પીવાના જે પાણીનો ઉપયોગ કરીએ છીએ એમાં કેટલાંક મિનરલ્સ અપેક્ષાકૃત માત્રા કરતાં ઓછાં હોય છે. એ ખનીજ પદાર્થ આપણા શરીર માટે અનિવાર્ય છે. કેટલાક કિસ્સામાં આ ખનીજ દ્રવ્યોની ઊણપની સ્થિતિમાં વ્યક્તિ બીમાર પણ પડી શકે છે."
એમણે જણાવ્યું, "આરઓ ફિલ્ટરના પાણીમાં પીએચનું સ્તર ઓછું હોય છે. બીજી તરફ, એમાં અમ્લીયતા વધારે હોય છે. તેથી ક્યારેક ક્યારેક આરઓનું પાણી પીવા સાથે શરીરમાં પરેશાની ઉત્પન્ન થાય છે. એનું પરિણામ એ આવે છે કે ક્યારેક ક્યારેક આપણે અલગથી વિટામિન્સ અને સપ્લિમેન્ટ્સ લેવાં પડે છે. એવા લોકો માટે બ્લૅક વૉટર દ્વારા થોડીઘણી માત્રામાં મદદ મળે છે. પરંતુ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ વસ્તુઓની તુલનાએ પ્રાકૃતિક વિકલ્પ હંમેશાં વધારે અસરકારક સાબિત થાય છે."
તરલ રૂપમાં રહેલા કોઈ પણ ખાદ્ય પદાર્થનાં એસિડિક (અમ્લીયતા) અને અલ્કેલાઇન (ક્ષારીય) તત્ત્વોને પીએચથી માપવામાં આવે છે. એને 0થી 14ના અંકના એક સ્કેલ પર માપવામાં આવે છે. જો કોઈ પાણીનું પીએચ લેવલ 1 હોય તો એવું માનવામાં આવશે કે તે વધારે અમ્લીય છે, બીજી બાજુ, જો પીએચ લેવલ 13 હોય તો કહેવાશે કે એમાં ક્ષારીય તત્ત્વોની માત્રા વધારે છે.
સામાન્ય રીતે આપણે જે પાણી પીએ છીએ એનું પીએચ લેવલ 6 અને 7ની વચ્ચેનું હોય છે. પરંતુ અલ્કેલાઇન વૉટરનું પીએચ લેવલ 7 કરતાં વધારે હોય છે. એનો અર્થ એ થયો કે પીવાના સામાન્ય પાણીની તુલનાએ બ્લૅક વૉટર વધારે ક્ષારીય હોય છે.
ડૉક્ટર રૂથ જયશીલાએ કહ્યું કે, "જોકે આપણે એમ ના કહી શકીએ કે સ્વાસ્થ્ય માટે અલ્કેલાઇન વૉટર માત્ર એટલે વધારે લાભકર્તા છે કેમ કે એનું પીએચ લેવલ વધારે હોય છે. એ પાણીમાં રહેલાં મિનરલ્સ પર નિર્ભર રહે છે. સાથે જ એ વાત પણ મહત્ત્વની છે કે આ મિનરલ્સ શરીરના વિભિન્ન ભાગોમાં કઈ રીતે પહોંચી રહ્યાં છે."

બ્લૅક વૉટરથી કોને લાભ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
રિસર્ચર્સનું કહેવું છે કે અલ્કેલાઇન વૉટરથી એવા લોકોને લાભ થાય છે જેમને કેટલીક ખાસ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ છે.
ઉદાહરણ તરીકે, પેપ્સિન નામના એક ઍન્ઝાઇમના કારણે પેટમાં ઍસિડિટી અનુભવાય છે.
અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના રિસર્ચ અનુસાર, અલ્કેલાઇન મિનરલ વૉટરનું પીએચ જો 8.8 હોય તો એનાથી ઍન્ઝાઇમના પ્રભાવને ઓછો કરી શકાય છે.
બિલકુલ આ જ રીતે જાપાનની ઓસાકા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑફ મેડિસિનના વિશેષજ્ઞોના 2018ના એક રિસર્ચમાં એવી બાબત સામે આવી કે અલ્કેલાઇન ઇલેક્ટ્રોલાઇઝ્ડ પાણીથી પાચનક્ષમતા સુધારવામાં મદદ મળે છે અને કબજિયાતની ફરિયાદ રહેતી નથી.
અમેરિકાની થૉમસ જેફરસન યુનિવર્સિટીના વિશેષજ્ઞોનું કહેવું છે કે નૉર્મલ પાણીની સરખામણીએ વધારે પીએચ લેવલવાળું અલ્કેલાઇન પાણી પીવાથી રક્તસંચાર વધારે સારો થાય છે.
મેડિકલ ન્યૂઝ વેબસાઇટ 'ધ હેલ્થલાઇન'નું કહેવું છે કે ઉપર જે ત્રણ રિસર્ચ પ્રૉજેક્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનો સ્કેલ ઘણો સીમિત હતો અને આવા દાવાઓની પુષ્ટિ માટે વ્યાપક સંશોધન આવશ્યક છે.

શું એની કોઈ સાઇડ ઇફેક્ટ પણ છે?

ઇમેજ સ્રોત, CHOKSAWATDIKORN / SCIENCE PHOTO LIBRARY
એવું નથી કે બ્લૅક વૉટરમાં બધું સારું સારું જ છે. કેટલાંક રિસર્ચમાં એવા સંકેતો પણ કરવામાં આવ્યા છે કે લાંબા સમય સુધી બ્લૅક વૉટરનો ઉપયોગ કરવાથી કેટલીક સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ શકે છે.
ફિનલૅન્ડની યુનિવર્સિટી ઑફ તુર્કુનાં પ્રૉફેસર મરીના મર્નના રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે, બ્લૅક વૉટરના વધારે પડતા ઉપયોગથી ઊલટીની સમસ્યા અને શરીરની અંદર રહેલા તરલ પદાર્થોના પીએચ લેવલમાં ફેરફાર થઈ શકે છે.
ડાયટિશિયન નીતા દિલીપે પણ કહ્યું કે, મિનરલ્સનો વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. એમણે જણાવ્યું કે, "મિનરલ્સને સ્વાસ્થ્ય માટે લાભકર્તા માનવામાં આવે છે, પરંતુ મિનરલ્સનો વધારે પડતો ઉપયોગ શરીર માટે ઝેર સમાન બની શકે છે. બીજી તરફ, મિનરલ્સની ઊણપથી બીમારીઓ પણ થઈ શકે છે."
"કૅલ્શિયમની વધારે માત્રા લેવાથી હાઇપર-કૅલ્શિયમ થઈ શકે છે. બિલકુલ એ જ રીતે આયર્ન વધી જાય તો હૅમોક્રોમૅટોસિસ થઈ શકે છે. તેથી કોઈ પણ મિનરલ્સ આપણે જરૂરી માત્રામાં જ લેવા જોઈએ. ઓવર ડોઝ જીવલેણ બની શકે છે."
નીતા દિલીપે કહ્યું કે, "એ સાચું છે કે સિલેબ્રિટીઝ એનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે તેઓ જરૂરી સાવધાની પણ રાખે છે. એમની પાસે પર્સનલ હેલ્થ ઍક્સપર્ટ અને ડાયટિશિયનની ટીમ હોય છે. માત્ર એટલા માટે કે કોઈ બ્લૅક વૉટરનો ઉપયોગ કરી રહ્યા છે તેથી જરૂરી નથી કે આપણે પણ એવું કરવા લાગીએ. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. આપણે દરેક પાસાનું ધ્યાન રાખવું જોઈએ."

બ્લૅક વૉટરનો ભાવ કેટલો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ઘણી બ્રાન્ડ્સ બ્લૅક વૉટર વેચી રહી છે. ઇવોક્સ પણ એમાંની એક છે. મલાઇકા અરોડાના હાથમાં જે બૉટલ દેખાય છે તે આ જ બ્રાન્ડની હોય છે.
એની છ બૉટલ્સનું પૅક 600 રૂપિયામાં ખરીદી શકાય છે. દરેક બૉટલમાં અડધો લીટર પાણી હોય છે.
ગુજરાતમાંથી બિઝનેસ કરનારી ઇવોક્સનું કહેવું છે કે એમની દરેક બૉટલમાં 32 મિલીગ્રામ કૅલ્શિયમ, 21 મિલીગ્રામ મૅગ્નેશિયમ અને 8 મિલીગ્રામ સોડિયમ હોય છે.
'વૈદ્ય ઋષિ' બ્લૅક વૉટર વેચનારી બીજી એક કંપની છે. એનો છ બૉટલ્સ (એકમાં 500 મિલી)નો સેટ 594 રૂપિયામાં મળે છે.
એટલે કે બ્લૅક વૉટરની અડધા લીટરની એક બૉટલની બજારકિંમત 100 રૂપિયાની આસપાસની છે.

શું આપણે એનો ઉપયોગ કરી શકીએ?

ઇમેજ સ્રોત, Getty Images
વિશેષજ્ઞોનું કહેવું છે કે બ્લૅક વૉટરનો નિયંત્રિત ઉપયોગ જોખમી નથી. પરંતુ એમનું કહેવું છે કે સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણું શરીર બ્લૅક વૉટરમાં રહેલાં મિનરલ્સને પચાવવા માટે કેટલું સક્ષમ છે.
નીતા દિલીપે કહ્યું કે, "જો તમારું શરીર બ્લૅક વૉટરમાં રહેલાં મિનરલ્સ પચાવી ના શકે તો એના ઉપયોગનો કશો અર્થ નથી. એવું એટલા માટે કે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે."
તેમણે સૂચન કર્યું કે જો તમે તમારા શરીરને મિનરલ્સ આપવા માગતા હો તો યોગ્ય એ છે કે તમે કુદરતી રીતોનો જ ઉપયોગ કરો.
એમણે જણાવ્યું કે, "ઉદાહરણ તરીકે, અંકુરિત (ફણગાવેલું) અનાજ-કઠોળ, તાજાં ફળ અને શાકભાજી ખાઓ. એમાં રહેલાં ઍન્ઝાઇમ્સ સારાં હોય છે. શરીર એને આસાનીથી સ્વીકારી શકે છે. તમે ક્યારેય તમારા પૂર્વજોને બ્લૅક વૉટર જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા જોયા છે? આપણી તુલનાએ તેઓ વધારે સ્વસ્થ હતા. જો તમે આ સમજી શકો તો માનશો કે પ્રકૃતિ જ બધું છે."
ડૉક્ટર રૂથ જયશીલાએ કહ્યું કે, "બ્લૅક વૉટરના ઘણા પ્રાકૃતિક વિકલ્પ છે. લીંબુપાણી, ગ્રીન ટી, બેસિલ સીડ (તકમરિયાં) વૉટર, નારિયેળપાણી, વગેરે. આ બધાં પ્રાકૃતિક વિકલ્પ છે. જો તમે ખીરા (કાકડી) અને બીજાં ફળ પાણીમાં ડુબાડીને આખી રાત રાખો અને સવારે એનું સેવન કરો તો તમને તમારી જરૂરિયાત અનુસારનાં બધાં મિનરલ્સ મળી જશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













