વજન ઘટાડવા સવારે નાસ્તો કરવો જોઈએ? નાસ્તાના ફાયદા શું છે?


- નાસ્તો કરવાથી કૅલ્શિયમ અને ફાઇબર મળે છે તેમજ એકાગ્રતા વધારવામાં મદદ મળે છે
- ઑસ્ટ્રેલિયામાં હાથ ધરાયેલા સંશોધન પ્રમાણે નાસ્તો કરવાથી અંદાજે 260 કૅલેરી મળે છે
- સામાન્ય રીતે સવારના સમયે હળવો નાસ્તો, દૂધ તેમજ ફળો લેવા હિતાવહ છે
- સંશોધનના તારણ મુજબ, નાસ્તો કરવાથી કે ન કરવાથી કોઈ મોટો ફરક પડતો નથી

ઘરેથી નીકળતી વખતે મા કંઈક ખાઈને જવાનું કહે છે. ભલે સવારના સમયે પેટ ભરીને ખાવાનું ન ખાધું હોય પણ હળવો નાસ્તો કર્યા બાદ પેટને શાંતિ થતી હોય છે.
માનવામાં આવે છે કે નાસ્તો કરવાના અનેક ફાયદા છે. નિષ્ણાતો માને છે કે નાસ્તામાં કૅલ્શિયમ અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. નાસ્તો કરવાથી એકાગ્રતા વધારવામાં પણ મદદ મળે છે. બાળકોને નાસ્તાથી વિશેષ ફાયદો થાય છે.
નાસ્તો ઊર્જા અને આવશ્યક પોષકતત્ત્વ આપે છે. આ સિવાય કેટલાક સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે સવારે નાસ્તો કરવાથી શાંત રહેવામાં મદદ મળે છે.
પણ જો આપ વજન ઓછું કરવા માગતા હોવ તો શું નાસ્તો ફાયદાકારક છે? શું નાસ્તો બપોરના ભોજન કરતાં વધારે મહત્ત્વપૂર્ણ છે?
તાજેતરના એક અભ્યાસ મુજબ, આ પ્રશ્નનો કોઈ જવાબ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયામાં હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, નાસ્તો કરીએ ત્યારે લગભર 260 કૅલેરી મળે છે. પરિણામે, સવારે નિયમિત નાસ્તો કરનારા લોકોનું વજન નાસ્તો ન કરનારા લોકો કરતાં અડધો કિલોગ્રામ જેટલું વધે છે.
નાસ્તો અને વજન વધારવા અંગે જુદા-જુદા 13 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
મૅલબોર્નની મોનાશ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે જો નાસ્તો ન કરવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંશોધકોના દાવા પ્રમાણે જો સવારે નાસ્તો ન કરવામાં આવે તો દિવસ દરમિયાન લેવામાં આવતી કૅલેરીની સંખ્યા ઘટી શકે છે અને બપોરે ભૂખ પણ ઓછી લાગે છે.
જોકે, આ સંશોધનની કેટલીક મર્યાદાઓ છે. વૃદ્ધ લોકોએ આ ફેરફાર કરતા પહેલાં ઘણી સાવચેતી રાખવી જોઈએ, કારણ કે તેમના પર વિપરીત અસર પડી શકે છે.

સવારે કેટલો નાસ્તો કરવો યોગ્ય?

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધનમાં ભાગ લેનારા લોકોની ખાવાની આદતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નાસ્તો કરનારા અને ન કરનારા લોકો દ્વારા લેવામાં આવતી કૅલેરીમાં નજીવો તફાવત જોવા મળ્યો હતો.
પૌષ્ટિક નાસ્તામાં ઍનર્જી માટે ઘઉંની બ્રેડ કે પછી 'હોલ ગ્રેઇન' લઈ શકાય છે. પ્રોટીનમાટે બ્રેડ-ઑમલેટ, ફળો, બદામ કે પછી દહીં લઈ શકાય છે. જો ફળ ખાવાની ઇચ્છા હોય તો કેળા, પાલક કે પછી કોઈ પણ ફળ પૌષ્ટિક નાસ્તા તરીકે લઈ શકાય છે.
લંડનસ્થિત કિંગ્સ કૉલેજમાં ડાયેટિશિયન પ્રોગ્રામના પ્રોફેસર કૅવિન વ્હેલનના જણાવ્યા પ્રમાણે, સવારે ઓછી કૅલેરી ધરાવતો નાસ્તો કરવો જોઈએ.
તેઓ કહે છે, "સંશોધનનું તારણ એ છે કે સવારે પેટ ભરીને નાસ્તો કરવો યોગ્ય નથી પરંતુ સવારે દૂધ પીવાથી અથવા હળવો નાસ્તો કરવાથી કૅલ્શિયમ તેમજ ફાઇબર્સ જેવા પોષક તત્ત્વો મળી રહે છે. નાસ્તો કરવો એ મહત્ત્વપૂર્ણ છે, તેનાંથી કાં તો તમારો દિવસ સુધરી શકે છે અથવા તો બગડી શકે છે."

બે ટાઇમના ભોજન વચ્ચે લાંબો ગાળો રાખવાથી ચરબી ઊતરે?

ઇમેજ સ્રોત, GRANDBROTHERS
બે ટાઇમનાં ભોજન વચ્ચે મોટો ગાળો રાખીને સમયાંતરે ભોજન કરવામાં આવે તેનાથી ખૂબ ફાયદા થાય છે.
ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગના નામે ઓળખાતા આ ડાયટની ઘણી ચર્ચા થતી રહેતી હોય છે.
લાંબો સમય પેટ ખાલી રાખવાથી શરીરને સ્વસ્થ થવામાં મદદ મળે છે અને લાંબું આયુષ્ય ભોગવવાના લાભો મળે છે તે વાત સાચી હશે, પરંતુ આહારશાસ્ત્રીઓ કહે છે કે વજન ઘટાડવા માટેની આ શ્રેષ્ઠ રીત ના પણ હોય.
પેટ ખાલી રહેવાથી સ્વપોષણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. જોકે આ બાબતને સમજવા માટે ભોજન પછી શું થાય છે તે સમજવું જોઈએ.
લંડનસ્થિત ડિએનએ ડાયેટિશિયનનાં સ્થાપક રેચલ ક્લાર્કસન કહે છે, "રાત્રે 7 વાગ્યે જમી લીધું હોય પછી 10 વાગ્યા સુધી તૃપ્તી રહે, કેમ કે પાચન હજી ચાલી રહ્યું હોય. ભોજનમાં લીધેલા કાર્બોહાઇડ્રૅટમાંથી સરસ ગ્લુકોઝ મળે જે આપણા શરીર માટે કેટલાક કલાકોની ઊર્જા પૂરી પાડતું રહે છે."
તૃપ્તીનો આ સમય એટલે એ સમય જ્યારે શરીર લોહીમાં રહેલા ગ્લુકોઝનો ઊર્જા તરીકે ઉપયોગ કરતું રહે તે. આ ઊર્જા બંધ થાય એટલે ત્રણેક કલાક બાદ શરીર કૅટાબૉલિક સ્થિતિમાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
હવે લીવરમાં અને સ્નાયુમાં રહેલા ગ્લાયકોજેનને તોડીને તેમાંથી ગ્લુકોઝ મેળવવામાં આવે છે. આ રીતે ગ્લાયકોજેન પૂરું થઈ જાય ત્યારે શરીર હવે ગ્લુકોઝના બદલે કેટૉન્સનો ઉપયોગ શરૂ કરે, જે લીવરના ફૅટી એસિડમાંથી બનતું હોય છે. આ તબક્કે હવે કેટૉસીસ એટલે કે સ્વપોષણ શરૂ થાય છે.
ક્લાર્કસન કહે છે, "ગ્લુકોઝથી કેટૉન્સ પર આપણે ક્યારે જતા રહીએ છીએ તે ચોક્કસ આપણે જાણતા નથી. જિનેટિક્સ, આરોગ્ય, જીવનશૈલી એવી ઘણી બાબતો પર તેનો આધાર છે."
"તમે કેટલી કૅલેરી લીધી અને કેટલી બાળી તેના આધારે તમારા શરીરમાં ગ્લાયકોજેન જમા હોય છે."
વધારે ચરબીયુક્ત આહાર લેનારી વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં ગ્લાયકોજેન હોય એટલે તેનું શરીર ક્યારેય સ્વપોષણની સ્થિતિમાં ન આવે.
જોકે ઓછી ચરબી સાથેનો આહાર અને નિયમિત કસરત કરનારી વ્યક્તિનું શરીર ઝડપથી સ્વપોષણની સ્થિતિમાં આવી જતું હોય છે.
ક્લાર્કસન કહે છે, "હું ચરબી ઓછી કરવા માટે સમયાંતરે ભોજન પર આધાર નહીં રાખું, પણ જો તમે આને અપનાવા માગતા હો તો આરોગ્યના ફાયદા વિચારી લેજો."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













