જ્યારે કિશોરકુમારે ઇંદિરા ગાંધી 'સરકારની પ્રશંસા કરતાં ગીતો' ગાવાની ના પાડી

ઇમેજ સ્રોત, AMIT KUMAR
- લેેખક, અશોક પાંડે
- પદ, જાણીતા લેખક
કિશોરકુમારની હરફનમૌલા ગાયકીમાં કોઈ તત્ત્વ બાધિત નથી. કિશોરકુમારે આત્માના ઊંડાણને સ્પર્શી જતા ધીરગંભીર ઉદ્દાત્તતાથી લઈને દિલને નરમ રૂ જેવું બનાવી દેતી હળવાશ સુધીના માનવ મૂડના તમામ રંગોમાં નિપુણતા મેળવી હતી.
ભારતીય સિનેમાની ગાયકીને પ્રથમ વખત ઔપચારિકતાની જંજીરોમાંથી મુક્ત કરવાનું શ્રેય તેમને જાય છે. કુંદનલાલ સહગલની છાયામાંથી બહાર આવેલા મોહમ્મદ રફી અને મુકેશ 1950ના દાયકામાં જે સ્વતંત્રતા મેળવતા ખચકાતા હતા તેને કિશોરકુમારે પળવારમાં મેળવી બતાવી.
જાહેર સ્વચ્છન્દતા છતાં પરંપરા પ્રત્યે ઊંડો આદર હંમેશાં તેમની ગાયકીના મૂળમાં રહ્યો હતો. વિશ્વભરના લોકપ્રિય સંગીતમાંથી પ્રેરણા લેવા છતાં તેઓ કુંદનલાલ સહગલને પોતાના આદર્શ માનતા હતા, જેના બે ઉદાહરણો પૂરતાં ગણાશે.
કિશોરના મોટા ભાઈ અશોકકુમાર એ જમાનાના મોટા સ્ટાર હતા. તેમના ઘરે અવારનવાર મિજબાનીઓ થતી. યોગ્ય સમયે અશોકકુમાર કિશોરને બોલાવતા અને ગાવાનું કહેતા.
10-11 વર્ષના કિશોરે એક ગીત માટે 25 પૈસાનો દર નક્કી કર્યો હતો. જોકે, તે કુંદનલાલ સહગલનું ગીત ગાવા માટે આખો રૂપિયો લેતા હતા.
એક વાર કુંદનલાલ સહગલને કિશોરકુમારનું ગીત સાંભળવાની તક મળી. સહગલે કોઈકને કહ્યું, "ગાય છે સારું, પણ એના હાથ-પગ બહુ હલે છે."
વાત કિશોર સુધી પહોંચી. તે દિવસ બાદ તેણે જ્યારે પણ સહગલનું કોઈ ગીત ગાયું ત્યારે તેના ચહેરા પરની રેખાઓ પણ નહોતી બદલી.
કિશોરકુમાર કુંદનલાલ સહગલને તેમના અઘોષિત ગુરુ માનતા હતા અને 70ના દાયકાની શરૂઆતમાં જ્યારે તેમને મોટી રકમના બદલામાં સહગલનાં ગીતો રેકૉર્ડ કરવાની ઑફર કરવામાં આવી, ત્યારે તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. એમ કહીને કે, "લોગ કહેંગે કિશોર અપને કો કુંદનલાલ સે બડા સમજને લગા હૈ!"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બહુમુખી પ્રતિભાનું સમ્માન

ઇમેજ સ્રોત, NIKITA PUBLICATION
એ વાતની નવાઈ નહોતી કે જેમની બહુમુખી પ્રતિભાને ખૂબ આદર આપતા હતા તે સહગલની એક મોટી છબી તેમના બંગલો 'ગૌરી કુંજ'માં રાખવામાં આવી હતી.
સહગલ ઉપરાંત તેમના ઘરમાં અન્ય બે લોકોના પૉટ્રેટ હતા, જેમની સમક્ષ તેઓ દરરોજ સવારે માથું નમાવતા હતા. એ બંને હતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને હોલીવૂડ અભિનેતા-ગાયક ડેની કે.
કિશોરકુમાર પોતાની પ્રતિભાના વિવિધ આયામોથી સંપૂર્ણપણે વાકેફ હતા. તેમણે તે મુજબ પોતાના રોલ મૉડલ પણ પસંદ કર્યા હતા.
16-17 વર્ષના આભાસકુમાર ગાંગુલી ઉર્ફે કિશોરકુમાર સુપરસ્ટાર મોટા ભાઈની છત્રછાયામાં બૉમ્બે પહોંચ્યા, તે ગાયક બનવા માગતા હતા પરંતુ તેમને અભિનેતા બનાવી દેવાયા.
કમને કરેલું કામ હોવા છતાં તેઓ 1950ના દાયકામાં એક કુશળ અભિનેતા તરીકે સ્થાપિત તો થઈ ગયા, પરંતુ તેમનું મન ફક્ત ગાવામાં જ લાગતું હતું.
તેમના ખાતે 'ચલતી કા નામ ગાડી' અને 'દિલ્લી કા ઠગ' જેવી શાનદાર ફિલ્મો હતી પણ તેમને લાગતું હતું કે તેઓ તેમની સંપૂર્ણ ગાયકી પ્રતિભાનો ઉપયોગ કરી શક્યા નથી.
એસ.ડી. બર્મન તેમનાં ગીતોના ચાહક હતા અને આ દાયકા દરમિયાન જ કિશોરકુમારે તેમની સાથે ગાયનની પોતાની આગવી શૈલી વિકસાવી હતી.
ટેક્સ નોર્ટન, જિમી રોજર્સ અને બૉબ વિલિસ જેવા ગાયકોથી પ્રેરિત થઈને તેમણે તેમનાં ગીતોમાં યોડલિંગનો સમાવેશ કર્યો. નોંધનીય છે કે ભારતીય સિનેમામાં યોડલિંગની શરૂઆત લગભગ 10 વર્ષ પહેલાં તમિલ ફિલ્મોના અભિનેતા-ગાયક જોસેફ ચંદ્રબાબુ રોડ્રિગ્ઝ દ્વારા કરવામાં આવી હતી.
કિશોરકુમાર ચંદ્રબાબુ વિશે જાણતા હતા કે નહીં તે અમને ખબર નથી, પરંતુ યોડલિંગને કારણે તેમની "ઈડલે ઉડલે ઈડલી ઉડલી"વાળી મસ્તમૌલા છબી બની અને તે આખી જિંદગી તેમની સાથે જોડાયેલી રહી. તેના વિના 'ઝિંદગી એક સફર હૈ સુહાના', 'મૈં હૂં ઝુમ ઝુમ ઝુમ ઝુમ ઝુમરું' અને 'ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં' જેવાં ગીતોની કલ્પના પણ કરી શકાતી નથી.

દેવ આનંદનો અવાજ બન્યા

ઇમેજ સ્રોત, NIKITA PUBLICATION
1950ના દાયકામાં મુખ્યત્વે એસ.ડી. બર્મને તેમની પાસે સતત ગીતો રેકૉર્ડ કરાવ્યાં અને દેવ આનંદના અવાજ તરીકે સ્થાપિત કરી દીધા.
'ટેક્સી ડ્રાઈવર', 'ફન્ટૂશ' અને 'પેઇંગ ગેસ્ટ' સહિત અડધો ડઝન દેવ આનંદ અભિનીત ફિલ્મોમાં ગાવા ઉપરાંત કિશોરે અન્ય સંગીત નિર્દેશકો સાથે 'ઈના મીના ડીકા' અને 'નખરેવાલી' જેવાં અનોખાં ગીતો પણ ગાયાં હતાં. પરંતુ આ સમય દરમિયાન તેમણે ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન પણ કરવાનું શરૂ કર્યું હતું. પટકથા અને ગીતો લખવામાં પણ હાથ અજમાવી ચૂક્યા હતા.
1960ના દાયકાની શરૂઆતથી તેમણે અભિનય છોડી દીધો અને ગાયન તરફ વળ્યા, જેના પરિણામે તેમણે સમગ્ર દાયકા દરમિયાન એક એકથી ચડિયાતાં ગીત ગાયાં અને વિશ્વને તેમની રેંજની ઝલક બતાવી.
તેઓ દેવ આનંદ માટે તો ગાઈ જ રહ્યા હતા, હવે તેમણે રાજેશ ખન્ના માટે ગાવાનું શરૂ કર્યું. 1969માં આવેલી ફિલ્મ 'આરાધના' તેમના કરિયરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની હતી. વિશેષ તો રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર પર ફિલ્માવવામાં આવેલું અને તેમના કંઠે ગવાયેલું 'રૂપ તેરા મસ્તાના'.
જોકે 'આરાધના'નું સંગીત નિર્દેશન એસ. ડી. બર્મન પાસે હતું પરંતુ આ એક ગીત સિવાય બાકીની ધૂન તેમના પુત્ર આર. ડી.બર્મને કરી હતી. 'રૂપ તેરા મસ્તાના'નું રેકૉર્ડિંગ ચાલી રહ્યું હતું ત્યારે એસ.ડી. બર્મન બીમાર પડ્યા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. કમાન આર. ડી. બર્મને સંભાળી અને તેમના પિતાએ બનાવેલી ધૂનમાં પોતાનો જાદુ ઉમેર્યો.
એસ. ડી. બર્મને ફિલ્મમાં ગીતની શૃંગારિક પરિસ્થિતિ અનુસાર લોકધૂનની શૈલીમાં ગીતની રચના કરી હતી. ફિલ્મમાં ગીતની ઉત્તેજક પરિસ્થિતિ અનુસાર આર. ડી. બર્મને તેમાં અમેરિકન અને લેટિન સંગીત શૈલીઓનું જાઝ અને સામ્બાનું અનોખું મિશ્રણ કર્યું.
કિશોરકુમારને આર. ડી. બર્મનની નવીન શૈલી સાથે સંગતમાં સમય ન લાગ્યો. 'રૂપ તેરા મસ્તાના' આ હકીકતની પુષ્ટિ કરે છે. ગીતની શરૂઆતની પંક્તિઓ કિશોરે ખૂબ જ હળવા અવાજમાં સંભળાવી છે.
તેમનો અવાજ ધીમે ધીમે ખૂલવા લાગે છે અને પરાકાષ્ઠાના સમય સુધીમાં તે સંપૂર્ણપણે મર્દાના બની જાય છે. સાડા ત્રણ મિનિટના આ ગીતમાં કિશોરકુમારે સ્વર સંતુલનના અનેક રંગો દર્શાવ્યા હતા. આ માટે તેમને વર્ષનો શ્રેષ્ઠ ગાયકનો ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.
સિત્તેરનો દાયકો હિન્દી સિનેમાના બે સુપરસ્ટારનો હતો - પહેલા પાંચ વર્ષ રાજેશ ખન્ના અને ત્યાર બાદ અમિતાભ બચ્ચનનો. આ બંનેને કિશોરકુમારના અવાજનો પણ સાથ મળ્યો.
પરંપરાગત હિન્દી ફિલ્મોમાં મહાનાયકોના નિર્માણમાં ખાસ રીતભાત અને શિલ્પની મદદથી કરવામાં આવતું હતું. જ્યારે દેવ આનંદ નવા આઝાદ થયેલા દેશના શહેરી અને લોકશાહી રૉમેન્ટિક હીરો હતા, ત્યારે રાજેશ ખન્નાનું મિથક સંપૂર્ણપણે રોમાન્સથી વણાયેલું હતું.
આ બંને સિવાય અમિતાભ બચ્ચન એંગ્રી યંગમૅન હતા. એ જમાનામાં આ સુપરહીરોની ફિલ્મો દેશના છેવાડાના વિસ્તારોમાં છેલ્લે પહોંચતી હતી, ગીતો પહેલાં પહોંચતાં હતાં. ફિલ્મની વ્યાવસાયિક સફળતા માટે ગાયકના અવાજમાં હીરોની રીતભાત પણ પ્રતિબિંબિત થાય તે જરૂરી હતું.

અસાધારણ પ્રતિભા

ઇમેજ સ્રોત, NIKITA PUBLICATION
આ અર્થમાં કિશોરકુમારની ગાયનક્ષમતા અસાધારણ હતી, કારણ કે ત્રણેય માટે તેઓ તેમના અવાજને ફિલ્મોના વિષય અને અભિનેતાના વ્યક્તિત્વને અનુકૂળ કરવામાં સક્ષમ હતા.
ઉદાહરણ તરીકે, તમે 'તીન દેવિયાં'ના દેવ આનંદને સ્ક્રીન પર 'ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત' ગાતા જોઈ શકો છો. કલ્પના કરો કે કિશોરકુમારને બદલે કોઈ બીજું ગીત ગાતું હોય. તમે એવી કલ્પના પણ નથી કરી શકતા.
રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયેલા ગીતો સાથે તમે આ પ્રયોગ કરી શકો છો. હાવભાવ અને ભાષણોથી બનેલા કિશોરકુમારના અવાજનો એવો જાદુ છે કે દાયકાઓ સુધી આ દેશની ગાડીઓના ડેશબોર્ડ પર 'હિટ્સ ઑફ કિશોરકુમાર'ની હાજરી અનિવાર્ય માનવામાં આવતી હતી.
'પ્યાર દીવાના હોતા હૈ'થી 'આ ચલ કે તુઝે મૈં લે કે ચલૂં' જેવાં અસંખ્ય ગીતો પેઢીઓની સફરના સાથી રહ્યાં છે.
તેમના કોઈ પણ આલબમને તપાસી જુઓ. કિશોરકુમારના અવાજમાં હંમેશાં દરેક મૂડ માટે, દરેક પ્રસંગ માટે કંઈક ને કંઈક હોય છે - 'ઓ મેરે દિલ કે ચેન'થી લઈને 'હમે તુમ સે પ્યાર કિતના' અને 'ઠંડી હવા યે ચાંદની સુહાની'થી લઈને 'વો શામ કુછ અજીબ થી' જેવાં સેંકડો ગીતો છે. જે દિવસના કોઈ પણ સમયે સાંભળી શકાય છે. ભલે તમે એકલા હો કે ભીડમાં હો.
અગાઉની પેઢીના તમામ ગાયકોની સરખામણીમાં આજના યુવાનો તેમની આધુનિકતા અને બેદરકારીને કારણે કિશોરકુમારને સૌથી વધુ પસંદ કરે છે તેમાં નવાઈ નથી. કિશોરકુમારનો આ જાદુ છે કે ચેટિંગ અને ટેક્સ્ટિંગના આ યુગમાં પણ છોકરા-છોકરીઓ 'ફૂલો કે રંગ સે દિલ કી કલમ સે તુઝકો લિખી રોજ પાતી' જેવાં ગીતો સાંભળતાં અને સંભળાવતાં જોવા મળે છે.
કિશોરકુમારની ધૂન વિશે ઘણા કિસ્સાઓ અને કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે એક વખત એક પ્રોડ્યુસરે વચન આપીને પણ પૂરી ફીનો અડધો ભાગ મોકલી દીધો તો તેઓ પોતાનું અડધું માથું મુંડાવીને સેટ પર પહોંચી ગયા. એક કિસ્સો એવો છે કે એક વાર ઉનાળાના ગરમીના દિવસોમાં ઊનના કાપડના થ્રી-પીસ સૂટમાં સજ્જ એક અંગ્રેજી શૈલીના ઇન્ટીરિયર ડેકૉરેટર તેમને મળવા પહોંચ્યા.
કિશોરકુમારને આશ્ચર્ય થયું કે પરસેવો પડે એવી ગરમીમાં માણસ સૂટમાં કેવી રીતે બેસી શકે, પરંતુ તે કંઈ બોલ્યા નહીં. જ્યારે તે અડધા કલાક સુધી નકલી અમેરિકન ઉચ્ચારમાં અંગ્રેજીમાં બકબક કરતો રહ્યો, ત્યારે કિશોરે તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
તેમણે તેને કહ્યું કે તેઓ તેના ડ્રોઈંગ રૂમની દીવાલો પર પેઇન્ટિંગ્સને બદલે જીવતા કાગડા ટાંગવામાં આવે અને પંખાની જગ્યાએ વાંદરાઓને લટકાવવામાં આવે, જે સમયાંતરે હવા છોડતા રહે. બિચારો ઈન્ટીરિયર ડેકૉ઼રેટર ગમે તેમ કરીને ત્યાંથી ભાગ્યો.
કિશોરકુમાર વાર્તા સંભળાવ્યા પછી સમજાવતા હતા. તેમણે કહ્યું, "જો તમે છત્રીસ ડિગ્રીમાં વૂલન સૂટ પહેરી શકો છો, તો તમે પંખાને બદલે વાંદરાને પણ લટકાવી શકો છો."

ગલીપચી કરનારા કિશોરકુમાર

ઇમેજ સ્રોત, KIRAN SHANTARAM
આ પ્રકારનો વ્યવહાર તેઓ ઘણી વખત ઇન્ટરવ્યૂ લેનાર સાથે પણ કરતા. ઘણી વાર ખૂબ ગંભીર વિષયની તરફ આગળ વધતાં તેઓ મશ્કરી પર ઊતરી પડતા.
ખરેખર ગીતોના ખિલખિલાટથી સૌને ગલપચી કરનાર આ વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનમાં ભારે દુ:ખોમાંથી પસાર થઈ રહ્યા હતા. સંભવિતપણે એ દુ:ખોની મુશ્કેલ સ્મૃતિઓથી બચવાની આ જ એક રીત દેખાતી હશે.
કિશોરકુમારે કુલ ચાર લગ્નો કર્યાં. જેમાંથી ત્રણનો દુ:ખદ અંત આવ્યો. ભારતીય સિને ઇતિહાસના સૌથી સુંદર મનાતાં અભિનેત્રી મધુ બાલા તેમનાં બીજાં પત્ની હતાં. જેમની સાથે તેમણે મુશ્કેલીભર્યા 9 વર્ષ પસાર કર્યાં. લગ્ન સમયે જ કિશોર જાણતા હતા કે મધુ બાલાને હૃદયની ગંભીર બીમારી છે.
લગ્ન બાદ મોટા ભાગે મધુબાલા પથારીવશ રહ્યાં. 1969માં તેમનું દુ:ખદ અવસાન થયું એ પહેલાં કિશોરે તેમની ખૂબ સેવા કરી. જોકે તે બાદ તેમણે બે બીજાં લગ્ન કર્યાં, પરંતુ તેઓ મધુ બાલા જેવી ખૂબસૂરત વ્યક્તિના મૃત્યુના દર્દને ક્યારેય પોતાની સ્મૃતિમાંથી દૂર ન કરી શક્યા.
કિશોરકુમાર ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિત્વ ધરાવતા હતા, તેઓ એક એવી વ્યક્તિ હતા જેની પાસે દરેક સારા-ખરાબ અનુભવને રચનાત્મકતામાં ઢાળવાની ખૂબી હતી.
આ કારણે જ તેમના સૂરોમાં ક્યારેક પ્રેમીની ઉચ્છુંખલતા દેખાતી તો ક્યારેક કોઈ સાધુ જેવી ચિત્તની સ્થિરતા. તો બીજી તરફ તેઓ શરારતના પણ માસ્ટર હતા.
તેઓ સલિલ ચૌધરી જેવા ગંભીર સંગીત નિર્દશક અને શંકર શૈલન્દ્ર જેવા મોટા ગીતકારના કામમાં મજાક-મશ્કરીનો સમાવેશ કરવાની કળા ધરાવતા હતા. 1962ની ફિલ્મ 'હાફ ટિકિટ'નું એ ગીત 'આકે સીધી લગી દિલ પે જૈસે કટરિયા' તેનું ઉદાહરણ છે.
તેમનું હૃદય અપાર પ્રેમથી ભરાયેલું રહેતું અને બીજી તરફ મહોબ્બત તેમના હૃદય સોંસરવા ઊતરી જતાં ગીતોમાં ઝરણાની માફક દેખાતી. સંગીતની તેમની સમજની ગહનતાનું માપ કાઢવું હોય તો ક્યારેક તેમનું ગાયેલું રવીન્દ્ર સંગીત સાંભળો. સત્યજિત રેની 'ચારુલતા'માં તેમનું ગાયેલું અને ટાગોરનું લખેલું 'ઓગ બિદેશિની' સાંભળો. શોધવા જશો તો તેના હજાર નવા રંગ મળશે.
ભીડ અને દાવત-પાર્ટીથી દૂર રહેનારા એકાંતપ્રેમી કિશોર વૃક્ષને પ્રેમ કરતા અને અલ્ફ્રેડ હિચકૉકની હૉર ફિલ્મોના દીવાના હતા. પોતાના બગીચામાં લાગેલાં વૃક્ષોને તેમણે બુદ્ધૂરામ, જનાર્દન, રઘુનંદન અને જગન્નાથ જેવાં નામ આપ્યાં હતાં અને તેઓ તેમને પોતાના સારાં મિત્રો માનતા.

સંક્ષિપ્તમાં: કિશોરકુમારના જીવનમાં ભારે વિડંબના આવી પરંતુ...

- કિશોરકુમાર કુંદનલાલ સહગલને તેમના અઘોષિત ગુરુ માનતા હતા
- સહગલની એક મોટી છબી તેમના બંગલો 'ગૌરી કુંજ'માં રાખવામાં આવી હતી
- તેમના ઘરમાં અન્ય બે લોકો રવીન્દ્રનાથ ટાગોર અને ડેની કેના પૉટ્રેટ હતા જેમની સમક્ષ તેઓ દરરોજ સવારે માથું નમાવતા હતા
- તેઓ 1950ના દાયકામાં એક કુશળ અભિનેતા તરીકે સ્થાપિત તો થઈ ગયા પરંતુ તેમનું મન ફક્ત ગાવામાં જ લાગતું હતું
- ટેક્સ નોર્ટન, જિમી રોજર્સ અને બૉબ વિલિસ જેવા ગાયકોથી પ્રેરિત થઈને તેમણે તેમનાં ગીતોમાં યોડલિંગનો સમાવેશ કર્યો
- 1950ના દાયકામાં મુખ્યત્વે એસ.ડી. બર્મને તેમની પાસે સતત ગીતો રેકૉર્ડ કરાવ્યાં અને દેવ આનંદના અવાજ તરીકે સ્થાપિત કરી દીધા
- સિત્તેરના દાયકાના બે સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનને કિશોરકુમારના અવાજનો સાથ મળ્યો
- કિશોરકુમારના અવાજમાં હંમેશાં દરેક મૂડ માટે, દરેક પ્રસંગ માટે કંઈક ને કંઈક હોય છે
- કિશોરકુમારે કુલ ચાર લગ્નો કર્યાં. જેમાંથી ત્રણનો દુ:ખદ અંત આવ્યો
- મધુબાલા તેમનાં બીજાં પત્ની હતાં, જેમની સાથે તેમણે મુશ્કેલીભર્યા 9 વર્ષો પસાર કર્યાં
- પાર્ટીથી દૂર રહેનારા એકાંતપ્રેમી કિશોર વૃક્ષને પ્રેમ કરતા અને અલ્ફ્રેડ હિચકૉકની હૉર ફિલ્મોના દીવાના હતા
- પોતાના બગીચામાં લાગેલાં વૃક્ષોને તેમણે બુદ્ધૂરામ, જનાર્દન, રઘુનંદન અને જગન્નાથ જેવાં નામ આપ્યાં હતાં

વિદ્રોહી કિશોરકુમાર

ઇમેજ સ્રોત, MOHAN CHURIWALA
1975માં જ્યારે ઇમર્જન્સી લાદી દેવાઈ ત્યારે ઇંદિરા ગાંધીએ પોતાની નીતિઓને લઈને વીસ સૂત્રીય કાર્યક્રમ બનાવ્યો અને તેના પ્રચાર માટે પોતાના વિશ્વાસપાત્ર વિદ્યાચરણ શુક્લને માહિતી મંત્રાલયનો દોર સોંપ્યો.
વિદ્યાચરણ ફિલ્મોની તાકત જાણતા હતા અને બૉમ્બે (હાલ મુંબઈ)માં તેમના ઘણા ફિલ્મવાળા સાથે નજીકના સંબંધ હતા. તે તાનાશાહીનો સમય હતો અને જેવું કે એ સમયમાં થાય છે, સત્તાના કોઈ પણ વિચારથી અસંમત થવું કલાકારની કારકિર્દી માટે ઘાતક સાબિત થાય છે.
પહેલાં કિશોરકુમારને બૉમ્બે (મુંબઈ)માં યૂથ કૉંગ્રેસની એક રેલીમાં ગાવાનું કહેવામાં આવ્યું. તેમણે સ્પષ્ટ ના પાડી દીધી.
વિદ્યાચરણ શુક્લ ઇચ્છતા હતા કે ઇંદિરા ગાંધી અને તેમના વીસ-સૂત્રીય કાર્યક્રમની પ્રશંસામાં ગીત લખવામાં આવે, જે તે સમયના મોટા ગાયકો પાસેથી ગવડાવાય. શુક્લના આદેશ પર સૂચના મંત્રાલયના અમુક ઑફિસરો આ બાબતે કિશોરકુમારને મળવા બૉમ્બે (મુંબઈ) ગયા.
કિશોરકુમારને જણાવાયું કે મંત્રાલયના આદેશાનુસાર તેમને અમુક ગીતો ગાવાનાં રહેશે. કિશોરે ગાળો દઈને આ ઑફિસરોને પોતાના નિવાસસ્થાનેથી હાંકી કાઢ્યા.
પોતાની સત્તાનું અપમાન થયેલું જોઈને માહિતી પ્રસારણ મંત્રાલયના અધિકારીઓએ તેમને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો.
લેખિત આદેશ જાહેર કરી દેવાયા કે આ 'અપરાધ'ની સજા તરીકે આકાશવાણી અને દૂરદર્શન પર કિશોરકુમારનાં ગાયેલાં તમામ ગીતોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જે ફિલ્મોમાં કિશોરે અભિનય કર્યો હતો, તેમના પર પણ નિશાન સાધવામાં આવ્યું.
આ સિવાય એવા પણ આદેશ આપવામાં આવ્યા કે કિશોરકુમારનાં ગીતોના ગ્રામોફોન રેકર્ડના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો.
ઑફિસરશાહી માનતી હતી કે તેમના આદેશથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડર પેદા થશે અને વિરોધની સંભાવના સમાપ્ત થઈ જશે. જોકે મોટા ભાગના કલાકારોએ ડરથી બધું ચૂપચાપ માની લીધું, સરકારના વિરોધમાં બોલનારાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો.
દેવ આનંદ, વિજય આનંદ, રાજકુમાર, વી. શાંતારામ, ઉત્તમકુમાર અને સત્યજિત રે જેવા લોકોએ નમવાની ના પાડી દીધી. સત્યજિત રેએ તો ઇંદિરા ગાંધીના એ પ્રસ્તાવ સુધ્ધાંને ફગાવી દીધો જે અંતર્ગત તેમણે જવાહરલાલ નેહરુ પર બનનારી એક ફિલ્મનું નિર્દેશન કરવાનું હતું.
તેઓ એવો સમયગાળો હતો જ્યારે કલાકારો પાસે પોતાનું કામ જનતા સુધી લઈ જવાના રસ્તા ખૂબ જ સીમિત હતા. આવી પરિસ્થિતિમાં સરકાર સામે ન નમનાર અમુક લોકોએ પોતાની હિંમત જાળવી રાખી, કિશોરકુમાર આવા લોકોની પ્રથમ પંક્તિમાં સામેલ હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













