પાકીઝા: મીના કુમારી અને કમાલ અમરોહીનું ભવ્ય સપનું જે તેમના પ્રેમના ઉતાર-ચઢાવ સાથે પૂરું થયું

ઇમેજ સ્રોત, BBC/GOPAL SOONYA
- લેેખક, વંદના
- પદ, ભારતીય ભાષાઓનાં ટીવી ઍડિટર
વાત જુલાઈ 1972ની છે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ભારત આવ્યા હતા અને વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથે શિમલામાં મહત્ત્વની વાતચીત ચાલી રહી હતી.
આશરે 19 વર્ષનાં બેનઝીર ભુટ્ટો પણ પોતાના પિતાની સાથે ભારત આવ્યાં હતાં. અચાનક તેમણે પાકીઝા ફિલ્મ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. થોડાં મહિના પહેલાં 4 ફેબ્રુઆરી 1972ના રોજ પાકીઝા રિલીઝ થઈ હતી.
પૂર્વ આઈએએસ અધિકારી એમ.કે. કૉએ પોતાનાં પુસ્તક 'એન આઉટસાઇડર એવરીવેયર'માં લખ્યું છે, "મેં તુરંત શિમલાના ડેપ્યુટી કમિશનર સાથે વાત કરી. બેનઝીર માટે રિટ્ઝ સિનેમામાં વિશેષ શો રજૂ કરાયો હતો. હૉલમાં માત્ર 3 લોકો હતા."
આ નાનો એવો કિસ્સો દર્શાવે છે કે 50 વર્ષ પહેલાં 4 ફેબ્રુઆરી 1972ના રોજ રિલીઝ થયેલી કમાલ અમરોહી અને મીના કુમારીની ફિલ્મ પાકીઝાનો જાદુ કેવો હતો.
ફિલ્મના એક સીનની મદદથી આ જાદુઈ ફિલ્મના આત્માને સમજવાનો પ્રયાસ કરીએ.
'કલ હમ એક મુજરે મેં જા રહે હૈ... એક દિન કે લિયે તુમ્હારી તકદીર હમે ચાહિયે. પરસો લૌટા દેંગે.'
ફિલ્મમાં સામેના કોઠાની ફર્શ પરથી જ્યારે એ તવાયફ મીના કુમારી એટલે કે સાહિબજાનને આ શબ્દો કહે છે તો તમે સમજી જાઓ છો કે દુનિયાની નજરોમાં સાહિબજાનનું નસીબ કેટલું સારું છે. દરેકને તેમની ઈર્ષા આવે છે.
પરંતુ કોઠા પર બેઠેલાં સાહિબજાન (મીના કુમારી) એક વિચિત્ર પ્રકારની ઉદાસીનતા સાથે જવાબ આપે છે, "હા હા, જરૂર લે જાના (તકદીર), ફિર ચાહે વાપસ ભી મત કરના."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મ પાકીઝામાં સાહિબજાન બનેલાં મીના કુમારીનાં આ શબ્દો સાહિબજાનનાં જીવન, તેની ભાવનાઓ, તેની મૂંઝવણો અને તેમની લાચારી બધુ જ દર્શાવે છે.
ધ્યાનથી જોશો તો પાકીઝાની કહાણી ઘણી વખત કહેવામાં આવી છે. એ એક તવાયફ અને એક 'ઇજ્જતદાર' ખાનદાનના દીકરા વચ્ચેની પ્રેમ કહાણી છે.
કહાણી કદાચ વિશેષ નથી, પરંતુ તેને જે રીતે કહેવામાં આવી છે તે પાકીઝાને ખાસ બનાવે છે.
આ એક તવાયફ સાહિબજાન (મીના કુમારી) અને સલીમ (રાજ કુમાર)ની કથા છે. રાત્રે ટ્રેનના ડબ્બામાં શરૂ થતી ઇશ્કની એક એવી કહાણી જ્યાં સલીમે માત્ર સાહિબજાનનાં સુંદર પગ જોયા છે.
અને સાહિબજાને માત્ર થોડાં શબ્દો ધરાવતો પત્ર વાંચ્યો છે જેને સલીમ તેમના માટે છોડી ગયા હતા - "આપકે પાંવ દેખે, બહુત હસીન હૈ. ઇન્હે જમીન પર મત ઉતારીએગા, મૈલે હો જાએંગે."
પરંતુ બે પાત્રની પ્રેમ કહાણીથી અલગ આ કહાણી ખરેખર સાહિબજાનનાં પ્રયાસો, સપનાં અને તડપની કહાણી છે - તડપ એવી કે તે જેવાં હોય તેવાં, તેમનું કામ જે પણ હોય, શું સમાજ તેમને તે જ હાલતમાં સ્વીકારશે કે તેમને નકારી દેશે?
અને આ જ સવાલ નિર્દેશક કમાલ અમરોહીની ફિલ્મ પાકીઝાને ટાઇમલેસ પણ બનાવે છે કેમ કે પાકીઝા એક એવી વ્યક્તિની ભાવનાઓને સ્પર્શે છે જેનો સામનો ક્યારેક ને ક્યારેક તો માણસને થાય જ છે - સ્વીકાર્યતાનો સવાલ.

રાજકુમારનો એ ડાયલૉગ - ઇન્હે જમીં પર મત રખીએ....

ઇમેજ સ્રોત, TAJDAR AMROHI
ફિલ્મમાં રોજ રાત્રે મીના કુમારી ટ્રેનનો અવાજ સાંભળે છે અને એ અજાણ વ્યક્તિને યાદ કરતાં કહે છે - 'હર રાત તીન બજે એક રેલગાડી અપની પટરિયોં સે ઉતર કર મેરે દિલ સે ગુઝરતી હૈ... ઔર મુજે એક પૈગામ દે જાતી હૈ.'
એક તવાયફની આ તડપ એ ગુમનામ વ્યક્તિ માટે છે જે તેમના પગના નામે એક સુંદર સંદેશ લખી ગઈ. એ પગ જે બીજા લોકો માટે સાંજના સમયે થરકે છે.
કોઠામાં રહેતાં સાહિબજાનનાં મિત્ર તેમને હકીકતનો આભાસ કરાવે છે - 'યે પૈગામ તેરે લિયે નહીં હૈ. ઉસ વક્ત તેરે પૈરોં મેં ઘુંઘરું બંધે નહીં હુએ હોંગે. અગર ઘુંઘરું બંધે હુએ હોતે તો કૈસે કોઈ કહતા કી ઇન પૈરોં કો જમીં પર મત રખના. યે પૈગામ તો હૈ લેકિન ભટક ગયા હૈ.'
પાકીઝા લાગણીઓની કહાણી છે, તવાયફો અને કોઠાની કહાણી છે, મુસ્લિમ સમાજને દર્શાવતી એક દાસ્તાં છે પરંતુ સૌથી સુંદર વાત એ છે કે આ મહિલાનાં દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી એક મહિલાની કહાણી છે જે સામાન્યપણે ઓછી જોવા મળે છે.

મીના કુમારીનો દમદાર અભિનય

ઇમેજ સ્રોત, PAKEEZAH POSTER
એમ તો પાકીઝામાં ઘણા પાત્રો છે જેમ કે રાજકુમાર, અશોક કુમાર. પણ ફિલ્મમાં પ્રાણ ફૂંક્યાં છે મીના કુમારીએ.
પોતાનાં અભિનયથી મીના કુમારીએ એક મહિલાનાં સપનાં અને એક તવાયફની મુંઝવણને ભારે ઇમાનદારી અને નજાકતથી નિભાવ્યાં છે.
દુનિયા માટે સાહિબજાન કોઠા પર બેઠેલી માત્ર એક તવાયફ છે.
ફિલ્મમાં મીના કુમારીની આંખોનું એ દુખ વાસ્તવિક લાગે છે જ્યારે હૃદયભંગ થયેલા સાહિબજાન એમ કહે છે કે- "યે હમારે કોઠે, હમારે મકબરે હૈ જિનમેં મુર્દા ઔરતો કે ઝિંદા જનાજે સજા કર રખ દિયે જાતે હૈ. હમારી કબરેં પાટી નહીં જાતી, ખુલી છોડ દી જાતી હૈ. મેં ઐસી હી કિસી ખુલ્લી હુઈ કબ્ર કી બેસબ્ર લાશ હું."
રાજકુમાર એટલે કે સલીમ પાસેથી આખી દુનિયાનો પ્રેમ મળ્યા બાદ પણ સાહિબજાન પોતાને એ 'અપરાધબોધ'થી મુક્ત કરી શકતાં નથી કે આખરે તેઓ એક તવાયફ છે.
અથવા તો એમ કહીએ કે સમાજ તેને તે ભૂલવા દેતો નથી. તે સમયે તેઓ સમાજ સામે નહીં, પોતાની સામે પણ લડી રહ્યાં હોય છે.

મીના કુમારી અને કમાલ અમરોહીના તૂટેલાં સંબંધોની કહાણી

ઇમેજ સ્રોત, ASHA RANI SING
આ ફિલ્મ મીનાકુમારી અને કમાલ અમરોહી, બંને માટે સહેલી ન હતી. ફિલ્મના બનવાની કહાણી રસપ્રદ અને ઉતારચઢાવવાળી છે. પાકીઝા કમાલ અમરોહીનું ભવ્ય સપનું હતું. 1954-1955 આસપાસ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. મીના કુમારી અને કમાલ અમરોહી બંને ગળાડૂબ પ્રેમમાં હતાં અને બંનેના નિકાહ પણ થઈ ચૂક્યાં હતાં.
પરંતુ ધીમે ધીમે મીના કુમારી અને કમાલ અમરોહી વચ્ચે સંબંધો ખાટાં થવાં લાગ્યાં અને 1964 બાદ બંને અલગ અલગ રહેવાં લાગ્યાં.
ફિલ્મ પર દમ તોડી રહેલા સંબંધોની ધૂળ જામતી રહી અને ફિલ્મનું સંપૂર્ણપણે કામ બંધ થઈ ગયું. દરમિયાન મીના કુમારી બહુ બીમાર રહેવાં લાગ્યાં. ફિલ્મી દુનિયામાં મોટું નામ કમાઈ ચૂકેલાં મીના કુમારીને દારૂની ટેવ પડી ગઈ. ઇલાજ માટે તેઓ વિદેશ ગયાં. તેમનાં શરીર અને ચહેરામાં ઘણા પરિવર્તન આવી ગયા હતા.

બીમાર મીના કુમારીની જગ્યાએ બૉડી ડબલ..

ઇમેજ સ્રોત, TAJDAR AMROHI
દિલમાં ઘર કરી ગયેલી કઠોરતાને થોડી સમયે ઓછી કરી તો થોડી પરિસ્થિતિએ. બધું એક તરફ મૂકીને મીના કુમારી અને કમાલ અમરોહીએ 1968માં ફરી ફિલ્મ પર આત્મા રેડીને મહેનત કરવાનું શરૂ કર્યું.
ફિલ્મ પાકીઝાના ગીત અને મુજરા આ ફિલ્મનો આત્મા છે. પરંતુ જ્યારે ફિલ્મ ફરી શરૂ થઈ તો મીના કુમારીનું સ્વાસ્થ્ય એવું ન હતું કે તેઓ મુશ્કેલ ડાન્સ સ્ટેપ કરી શકે.
એટલે ફિલ્મમાં કેટલીક જગ્યાએ બૉડી ડબલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મેઘનાદ દેસાઈએ પોતાના પુસ્તકમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
પાકીઝાના અંતમાં એક મુજરો છે જે ફિલ્મને ક્લાઇમેક્સ સુધી લઈ જાય છે. જ્યારે સાહિબજાન પોતાના જ પ્રેમી સલીમના લગ્ન પર મુજરો કરી રહ્યાં છે - "આજ હમ અપની દુઆઓં કા અસર દેખેંગે, જખ્મે જીગર દેખેંગે."
આ મુજરામાં અભિનેત્રી પદ્મા ખન્નાનો બૉડી ડબલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મીના કુમારીની તબિયતને હિસાબે બન્યાં કપડાં

ઇમેજ સ્રોત, KAMAL AMROHI
ફિલ્મમાં એક સુંદર ગીત છે 'મૌસમ હૈ આશિકાના'. ફિલ્મફૅર મૅગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મીના કુમારીના ભત્રીજા તાજદાર અમરોહી પોતાનાં કાકીને યાદ કરતાં જણાવે છે, "જ્યારે પાકીઝાનું શૂટિંગ ફરી શરૂ થયું તો 'મૌસમ હૈ આશિકાના' ગીત શૂટ થઈ રહ્યું હતું. બાબા (કમાલ અમરોહી)એ એ ગીતમાં કાકીને કુર્તી અને લુંગી પહેરાવી કેમ કે લિવરની બીમારીના કારણે તેમનું પેટ ફૂલી ગયું હતું. પછી તે ટ્રૅન્ડ બની ગયો. ખરાબ તબિયતને લીધે તેઓ ખૂબ થાકી જતાં હતાં પરંતુ શૉટ શરૂ થતાં જ ફરી જોશમાં આવી જતાં."
"ફિલ્મના છેલ્લા મુજરામાં તેમણે ઝડપથી અને ગોળ-ગોળ ફરવાનું હતું અને પછી પડી જવાનું હતું. પરંતુ તબિયતને જોતા તેમના ક્લૉઝ-અપ બેઠેલી મુદ્રામાં જ લેવામાં આવ્યાં. જ્યારે રાજકુમાર સાથે નિકાહના સમયે તેઓ સીઢીઓ પર દોડીને ભાગે છે, ત્યાં પણ બૉડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો. 'ચલો દિલદાર ચલો' ગીતમાં પણ તેમનાં ચહેરા પર વધારે ફોકસ કરવામાં આવ્યું ન હતું."
આ તમામ સમસ્યાઓ છતાં ન મીના કુમારીનો આત્મવિશ્વાસ ડગ્યો ન કમાલ અમરોહીનો.

બ્લૅક ઍન્ડ વ્હાઇટમાં શૂટ થયું 'ઇન્હીં લોગો ને...'
તૂટેલા સંબંધોની તિરાડ વચ્ચે અટકી પડેલી આ ફિલ્મને ફરી શરૂ કરાવવાનો શ્રેય નરગીસને પણ આપવામાં આવે છે.
મેઘનાથ દેસાઈ પોતાનાં પુસ્તક 'પાકીઝા - એન ઓડ ટૂ એ બાઇગૉન વર્લ્ડ'માં લખે છે કે એક વખત નરગીસ અને સુનીલ દત્તે પાકીઝાની શરૂઆતની પ્રિન્ટ જોઈ હતી અને જોઈને કમાલ અમરોહીને કહ્યું કે આ ફિલ્મને પૂરી કરવી જ જોઈએ.
યુટ્યૂબ પર 1956માં બ્લૅક ઍન્ડ વ્હાઇટમાં શૂટ થયેલી 'ઇન્હીં લોગોં ને..'ની એક ક્લિપ પણ તમને મળી જશે જેમાં મીના કુમારી થરકતાં જોવા મળે છે.

છ મહિનામાં બન્યો બાઝાર-એ-હુસ્નનો સેટ
પાકીઝા ફિલ્મ જેટલી તેના કલાકારોની એક્ટિંગ અને નિર્દેશન માટે ઓળખાય છે, એટલી જ બીજી વસ્તુઓ માટે પણ. જેમ કે ફિલ્મના સેટના કારણે.
દિલ્હી અને લખનૌના કોઠાની દુનિયા કમાલ અમરોહીએ પોતાની કલ્પના પ્રમાણે ખૂબ સારી રીતે ઢાળવાનો પ્રયાસ કર્યો.
બાઝાર-એ-હુસ્ન સેટ જ્યાં 'ઇન્હીં લોગોં ને..'નું શૂટિંગ થયું હતું, તેને બનાવવામાં આશરે 6 મહિનાનો સમય લાગ્યો હતો.
દાગીના જયપુરથી મગાવવામાં આવ્યા હતા અને શૂટિંગ દરમિયાન સાહિબજાનનાં રૂમમાં ઉત્તમ અને અસલી અત્તરની શીશીઓ રાખવામાં આવતી હતી.
મીના કુમારીએ કૉસ્ચ્યૂમ ડિઝાઇનરની જવાબદારી પણ જાતે જ સંભાળી હતી અને ફિલ્મ ક્રૅડિટથી એ જાહેર પણ થાય છે.

શૂટિંગ દરમિયાન સંગીતકાર અને સિનેમેટોગ્રાફરનું મોત

પાકીઝા એક તવાયફની કહાણી છે અને તેનું સંગીત અને એક એક ગીત આ કહાણીનો આત્મા છે.
ફિલ્મ શરૂ થતાં જ ઝાંઝરના રણકારથી તમે સમજી જાઓ છો કે સફર સંગીતથી ભરપૂર રહેવાની છે.
ગુલામ મોહમ્મદ આમ તો સન્માનિત સંગીતકાર હતા. પરંતુ તે સમયે બીજા સંગીતકારોની બોલબાલા હતી. પરંતુ અમરોહીની જીદ હતી કે સંગીત ગુલામ મોહમ્મદ જ આપશે.
12 ધૂનમાંથી કમાલ અમરોહીએ માત્ર છ રાખી અને એક એક ગીત આજની તારીખે અણમોલ માનવામાં આવે છે.
ફિલ્મ દરમિયાન જ ગુલામ મોહમ્મદનું મૃત્યુ થયું તો નૌશાદ સાહેબે બૅકગ્રાઉન્ડ સ્કોર આપ્યો.
'ઇન્હીં લોગોં ને..' એ ગીત સંગીત, બોલ, સિનેમેટોગ્રાફી અને ગાયન દરેક રીતે બેજોડ છે.
જ્યારે મીના કુમારી ગુલાબી રંગનાં કપડાંમાં આ મુજરા કરી રહ્યાં હોય છે તો તમે બેકગ્રાઉન્ડમાં અલગ અલગ કોઠા પર 10-12 તવાયફોને નાચતાં જોઈ શકો છો. કમાલ અમરોહીએ સિનેમાસ્કોપમાં આ ગીત ખૂબ જ સુંદર રીતે શૂટ કર્યું હતું.
સંગીતકારની જેમ જ જર્મન સિનેમેટોગ્રાફર જોસેફ વર્શિંગનું પણ ફિલ્મની વચ્ચે જ નિધન થઈ ગયું હતું અને ઘણા સિનેમેટોગ્રાફરે મળીને આ ફિલ્મને પૂરી કરી હતી.

પરફેક્શનિસ્ટ હતા કમાલ અમરોહી
આમ તો 'ઇન્હીં લોગોં ને..' વાળા ગીતનું હિંદી સિનેમામાં ઘણી વખત ફિલ્માંકન થયું છે. પછી તે 1941માં 'હિમ્મત' માટે શમશાદ બેગમનું ગાયેલું ગીત હોય કે પછી ફરી 'આબરૂ'માં યાકૂબે ગાયેલું વર્ઝન.
ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના મેઘનાથ દેસાઈ પોતાનાં પુસ્તકમાં રજૂ કરે છે. તેઓ લખે છે, "કમાલ અમરોહીએ ફિલ્મ માટે વિદેશ જઈને લૅન્સ ખરીદ્યાં, પરંતુ ત્યારે લૅન્સ કૅમેરામાં લાગેલા આવતા ન હતા. તેમને ફીટ કરવા મુશ્કેલ કામ હતું. અમરોહીએ લૅન્સથી શૂટિંગ કર્યું હતું. પરંતુ થોડાં દિવસ બાદ તેમણે કહ્યું કે બધું આઉટ ઑફ ફોકસ છે. કોઈ નિષ્ણાત માનવા તૈયાર ન હતા."
"અંતે એમજીએમ કંપની લંડનમાં ટેસ્ટ કરી આપવા તૈયાર થઈ. પછી હોલીવૂડ લૅબમાં પણ ટેસ્ટ થયો તો જાણવા મળ્યું કે 1000:1 ભાગના માર્જિનથી લેન્સ આઉટ ઑફ ફોકસ હતો. આ હદ સુધી અમરોહી પરફેક્શનિસ્ટ હતા.

સંગીત અને ગીત પણ બેજોડ
બીજા પાસાંઓની વાત કરીએ તો આખી ફિલ્મમાં સાઉન્ડનો કમાલનો ઉપયોગ થયો છે. રાતના સન્નાટાને વારંવાર ચીરતી રેલવેની સીટી સાહિબજાનને એ અજાણ્યા વ્યક્તિની યાદ અપાવે છે જેણે તેને તવાયફની ઓળખથી ઉપર જોઈ અને સાહિબજાનના મનમાં આશા જગાવી.
બીજું લતાનાં અવાજમાં એ આલાપ જે દર વખતે સંભળાય છે જ્યારે સાહિબજાન ખૂબ જ ઉદાસ હોય છે.
મજરુહ સુલ્તાનપુરી (ઠાડે રહિઓ), કૈફી આઝમી (ચલતે ચલતે યું હી કોઈ...), કૈફ ભોપાલી (ચલો દિલદાર ચલો) જેવા દિગ્ગજ ગીતકારોના શબ્દો આ ફિલ્મમાં છે. મૌસમ હૈ આશિકાનાના શબ્દો તો કમાલ અમરોહીએ જાતે લખ્યા હતા.

પાકીઝા ફિલ્મને મળ્યા હતા ખરાબ રિવ્યૂ

ઇમેજ સ્રોત, PAKEEZA
ફિલ્મનું સંગીત હોય કે બોલ કે પછી તેના સંવાદ... દરેક પાસામાં એક ઉંડાણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે એક પૈસાદાર, તવાયફ સાહિબજાનને પોતાની સાથે રાત વિતાવવા માટે શિકારા પર લઈ જાય છે. પરંતુ સાહિબજાન તો એક અજાણ્યા વ્યક્તિના પ્રેમમાં ગળાડૂબ થઈ ચૂક્યાં છે. વિચારોમાં ખોવાયેલા સાહેબજાનને જોઈને એ પૈસાદાર વ્યક્તિ કહે છે - 'તુમ્હે ખરીદા તો થા પર નુકસાન હો ગયા. દિલ કહેતા હૈ તુમ કોઈ ચુરાઈ હુઈ ચીઝ હો, જિસે ખરીદના જુર્મ હૈ.'
આ ફિલ્મ જ્યારે 4 ફેબ્રુઆરી 1972ના રોજ રિલીઝ થઈ તો તેના અસ્તિત્વમાં આવ્યા બાદ 15 વર્ષે પડદા પર આવી રહી હતી. સિનેમાપ્રેમી અમિતાભ બચ્ચન ફિલ્મી દુનિયામાં પગ મૂકી ચૂક્યા હતા.
ધીમી અને શાયરાના અંદાજમાં બનેલી આ ફિલ્મને પહેલા દિવસે ક્રિટિક્સે ખૂબ ખરાબ રિવ્યૂ આપ્યા હતા.
વિનોદ મહેતાએ પોતાના પુસ્તકમાં 'મીના કુમારી ધ ક્લાસિક બાયોગ્રાફી'માં લખ્યું હતું, "એ સમયે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ પાકીઝાને લેવિશ વેસ્ટ ગણાવી હતી એટલે કે આલિશાન બરબાદી. જ્યારે ફિલ્મફૅરના ક્રિટિકે પાકીઝાને માત્ર એક સ્ટાર આપ્યો હતો."
પરંતુ મરાઠા મંદિરમાં રિલીઝ થયેલી પાકીઝાએ ધીમે-ધીમે પોતાનો જાદુ પાથરવાનું ચાલુ કર્યું હતું.


સંક્ષિપ્તમાં: પાકીઝા: મીના કુમારી અને કમાલ અમરોહીનું ભવ્ય સપનું

- 4 ફેબ્રુઆરી 1972ના રોજ પાકીઝા રિલીઝ થઈ હતી
- કહાણી કદાચ વિશેષ નથી, પરંતુ તેને જે રીતે કહેવામાં આવી છે તે પાકીઝાને ખાસ બનાવે છે
- બે પાત્રની પ્રેમ કહાણીથી અલગ આ કહાણી ખરેખર સાહિબજાનના પ્રયાસો, સપનાં અને તડપની કહાણી છે
- પાકીઝા એક એવી વ્યક્તિની ભાવનાઓને સ્પર્શે છે જેનો સામનો ક્યારેક ને ક્યારેક તો માણસને થાય જ છે - સ્વીકાર્યતાનો સવાલ
- આ મહિલાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી એક મહિલાની કહાણી છે જે સામાન્યપણે ઓછી જોવા મળે છે
- મીના કુમારી અને કમાલ અમરોહી બંને ગળાડૂબ પ્રેમમાં હતાં અને બંનેના નિકાહ પણ થઈ ચૂક્યાં હતાં. 1964 બાદ બંને અલગ અલગ રહેવાં લાગ્યાં
- મીના કુમારી અને કમાલ અમરોહીએ 1968માં ફરી ફિલ્મ પર આત્મા રેડીને મહેનત કરવાનું શરૂ કર્યું
- મીના કુમારીની તબિયતને કારણે ફિલ્મમાં કેટલીક જગ્યાએ બૉડી ડબલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મુજરામાં અભિનેત્રી પદ્મા ખન્નાનો બૉડી ડબલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો
- બાઝાર-એ-હુસ્ન સેટ જ્યાં 'ઇન્હીં લોગોં ને..'નું શૂટિંગ થયું હતું, તેને બનાવવામાં આશરે 6 મહિનાનો સમય લાગ્યો હતો
- ફિલ્મ દરમિયાન જ ગુલામ મોહમ્મદનું મૃત્યુ થયું તો નૌશાદ સાહેબે બૅકગ્રાઉન્ડ સ્કોર આપ્યો.
- ફિલ્મફૅરના ક્રિટિકે પાકીઝાને માત્ર એક સ્ટાર આપ્યો હતો
- ફિલ્મફૅરમાં એ સમયે લોકોને ખૂબ આશ્ચર્ય થયુ જ્યારે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સંગીતનો ઍવૉર્ડ 'બેઇમાન'ને મળ્યો
- પ્રાણે બેસ્ટ સહાયક કલાકારનો પુરસ્કાર એમ કહીને તેને સ્વીકાર કરવાની ના પાડી દીધી કે પાકીઝા શ્રેષ્ઠ સંગીતના પુરસ્કારની હકદાર છે

પાકીઝાને કોઈ પુરસ્કાર નહીં, છતાં ઇતિહાસમાં અમર
ફિલ્મફૅરમાં પાકીઝાને ઘણા પુરસ્કાર મળવાની આશા હતી. પરંતુ એ સમયે લોકોને ખૂબ આશ્ચર્ય થયુ જ્યારે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સંગીતનો ઍવૉર્ડ 'બેઇમાન'ને મળ્યો.
પ્રાણને જ્યારે 'બેઇમાન' માટે બેસ્ટ સહાયક કલાકારનો પુરસ્કાર મળ્યો તો તેમણે એમ કહીને તેને સ્વીકાર કરવાની ના પાડી દીધી કે તેમની પોતાની ફિલ્મ 'બેઇમાન'ની જગ્યાએ પાકીઝા શ્રેષ્ઠ સંગીતના પુરસ્કારની હકદાર છે.
પરંતુ આ બધાથી અલગ પાકીઝા ઘણી રીતે ખાસ રહી છે. ફિલ્મ 4 ફેબ્રુઆરી 1972ના રોજ રિલીઝ થઈ અને 31 માર્ચ 1972ના રોજ મીના કુમારીએ દુનિયાને અલવિદા કહી દીધું. સિને પ્રેમીઓ માટે પાકીઝા તેમની અંતિમ ભેટ હતી.
કમાલ અમરોહીએ જીવનમાં ચાર જ ફિલ્મો બનાવી હતી જેમાંથી પાકીઝાએ તેમનું નામ હંમેશાં માટે સિનેમાના ઇતિહાસમાં અમર કરી દીધું.
ફિલ્મના અંતમાં એક સીન છે જ્યાં સાહિબજાનને સલીમના લગ્ન પર મુજરાનું નિમંત્રણ મળે છે. સલીમ સાથે નિકાહનો પ્રસ્તાવ તેઓ જાતે પહેલેથી જ ઠુકરાવી ચૂક્યાં હતાં.
સાહિબજાન મન મૂકીને નાચે છે અને તૂટેલા કાચ પર નાચતા તેમનાં પગ લોહીલુહાણ થઈ જાય છે. એ જ પગ જેમના માટે રાજકુમારે ક્યારેક કહ્યું હતું કે તેને જમીન પર ન મૂકતા.
પરંતુ આ ફિલ્મમાં અંતે એક મહિલા જ મહિલા માટે અવાજ ઉઠાવે છે. સાહિબજાનનાં માસી પોતે કોઠો ચલાવે છે અને તે સાહિબજાનનાં માતા સાથે થયેલો અન્યાય જોઈ ચૂક્યાં છે. તેઓ સાહિબજાનને અંતે તેમનો હક અપાવે છે.
ફિલ્મમાં મીના કુમારીનો ડબલ રોલ છે - તવાયફ માતા જેઓ અશોક કુમારની દીકરી એટલે કે સાહિબજાનને જન્મ આપીને મૃત્યુ પામે છે.
આમ તો ફિલ્મ એ ફ્રેમ પર સમાપ્ત થઈ શકતી હતી જ્યારે અંતમાં મીના કુમારી કોઠા પરથી દુલ્હનના રૂપે વિદાય લે છે અને રાજકુમાર સાથે તેમનાં નિકાહ થાય છે.
તે એક સુંદર દૃશ્ય છે, પરંતુ કમાલ અમરોહી પાકીઝાને કોઠાની એક અજાણી તવાયફનાં ચહેરા પર લાવીને સમાપ્ત કરે છે - તેની આંખોમાં પણ એ જ શોધ, એ જ સવાલ, એ જ તડપ હોય છે જે સાહિબજાનની આંખોમાં જોવા મળતી હતી.
કદાચ વધુ એક સાહિબજાન અહીંથી જન્મ લેશે અથવા ફરી ત્યાં જ કેદ થઈને રહી જશે.
અદ્ભુત અભિનય, સુંદર વેશભૂષા, સુંદર કલાત્મકતા સાથેના મોટા મહેલ, કિંમતી દાગીના, સુંદર દૃશ્યોથી સજેલી કૅમેરાની દરેક ફ્રેમ, ફિલ્મનું સંગીત, શાયરીમાં ઢાળવામાં આવેલા સંવાદ અને ગીત - પાકીઝા જોવા પર એ સમજવું અઘરું છે કે તમે કોના માટે આ ફિલ્મ જોવા માગો છો.
વિનોદ મહેતા મીના કુમારી પુસ્તકમાં લખે છે - "પાકીઝા એક એવું સપનું હતું જેની પાછળ તેમનો (કમાલ અમરોહી) આત્મ વર્ષો સુધી ભટકતો રહ્યો છે. આ એ પ્રેમિકા છે જે તેમની કલ્પનામાં ખબર નહીં ક્યારથી વસેલી હતી."
વાસ્તવિક જીવનમાં મીના કુમારી અને કમાલ અમરોહીની અધૂરી પ્રેમ કહાણી ભલે અધૂરી રહી, પરંતુ બંનેએ મળીને 'પાકીઝા'નું ભવ્ય સપનું પૂર્ણ કર્યું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














