અનેક: એક સમયે ચાઇનીઝ ગણાવાતા કલાકારોએ કેવી રીતે બૉલીવુડમાં પોતાનો સિક્કો જમાવ્યો?
- લેેખક, વંદના
- પદ, બીબીસી સંવાદદાતા
"જ્યારે હું પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા આવેલો ત્યારે પહેલા દિવસે બધા વિદ્યાર્થીઓએ પોતપોતાનાં નામ જણાવ્યાં. મેં કહ્યું કે મારું નામ સેરિંગ ફિંસો ડૅનઝોગ્પા છે. હું સિક્કિમનો હતો અને કોઈ મારું નામ બોલી જ શકતા નહોતા. મને જોતાં જ મારા ક્લાસમેટ કહેતા હતા, શ્…શ્… જાણે હું કોઈ જાનવર હોઉં. ત્યારે જયા બચ્ચન પણ ત્યાં ભણતાં હતાં. અને એમણે કહ્યું કે મારું પોતાનું એક સરળ-શું નામ રાખી લઉં - ડૅની."

ઇમેજ સ્રોત, KHUDA GAWAH MOVIE
સિક્કિમથી આવેલા હિન્દી ફિલ્મોના અભિનેતા ડૅની આ કિસ્સો અનેક વાર સંભળાવી ચૂક્યા છે.
અનુભવ સિન્હા અને આયુષ્યમાન ખુરાનાની નવી ફિલ્મ 'અનેક'માં કેટલાક સીન જોયા પછી એક વિચાર મનમાં આવ્યો કે 70ના દાયકામાં ફિલ્મોમાં આવેલા ડૅની પછી આજે પણ પૂર્વોત્તર રાજ્યોના ખૂબ ઓછા એવા ઍક્ટર છે જે હિન્દી ફિલ્મોમાં સ્થાન મેળવી શક્યા છે.
ફિલ્મ 'અનેક'ના આ ડાયલૉગ તમારું ધ્યાન વારંવાર પોતાના તરફ ખેંચે છે. જેમ કે, "પાર્લરવાળી છે? મસાજ કરે છે? કે 'નેપાળી' છે?"
પોલીસની પૂછપરછમાં પૂર્વોત્તર ભારતની એક છોકરીને આ સવાલ પુછાઈ રહ્યા છે, "જો આઇડિયો (પૂર્વોત્તરના એક રાજ્યની બૉક્સર)ને પણ ટીમમાં લઈ લઈએ તો એ ભારતીય ટીમ હશે કે ચીનની ટીમ?" ત્યારે અભિનેત્રી કહે છે, "મને ચિંકી કહે છે."

નાગાલૅન્ડની અભિનેત્રીનો ડેબ્યૂ

ઇમેજ સ્રોત, @ANDREAKEVICHUSA
'અનેક'માં આયુષ્યમાન ખુરાનાની સાથે નાગાલૅન્ડનાં ઍક્ટ્રેસ ઍન્ડ્રિયા ડેબ્યૂ કરી રહ્યાં છે. નાગાલૅન્ડથી આવીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા ઍક્ટર કદાચ તમે આંગળીના વેઢે ગણી શકો.
નાગાલૅન્ડનાં રહેવાસી ઍન્ડ્રિયા એક મૉડલ છે, જેઓ કટરીના કૈફની મેકઅપ લાઇન માટે મૉડલિંગ કરતાં હતાં અને સબ્યસાચી જેવા ડિઝાઇનરોની સાથે કામ કરી ચૂક્યાં છે. તેઓ તાજેતરના દિવસોમાં કપિલ શર્માના શોમાં પણ દેખાયાં હતાં.
ઍન્ડ્રિયાની સાથે કામ કરી રહેલા અભિનેતા આયુષ્યમાન ખુરાનાના શબ્દોમાં કહીએ તો ઍન્ડ્રિયા પવનની તાજી લહેર જેવાં છે, ભણેલાં-ગણેલાં છે, એમની પાસે નવા આઇડિયા છે, માત્ર 21 વર્ષનાં છે, પોતાના આગવા વિચાર ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવાલ એ છે કે આસામ હોય, મણિપુર હોય, નાગાલૅન્ડ હોય, ત્રિપુરા હોય કે સિક્કિમ - પૂર્વોત્તર રાજ્યોના કેટલા ઍક્ટર છે જેમને તમે મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મોમાં જુઓ છો?
ઍન્ડ્રિયા 'અનેક'માં બૉક્સરના રોલમાં છે અને એક જગ્યાએ તેઓ કહે છે, "મારા પપ્પા કહે છે કે અમે ભારતીય નથી, તેથી મારે ઇન્ડિયાની ટીમ માટે રમવું છે."
આ ડાયલૉગ જોતાં મને 'મૅરી કૉમ' ફિલ્મ યાદ આવી ગઈ. ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જ્યારે પૂર્વોત્તરમાંથી આવવા બદલ કોઈ એમના વિશે કૉમેન્ટ કરે ત્યારે લગભગ બૂમો પાડતાં હોય તેમ કહે છે, "હું ભારતીય છું, ઇન્ડિયા મારો ધર્મ છે."
'મૅરી કૉમ' ફિલ્મ એવી ગણીગાંઠી ફિલ્મોમાંની એક છે જેનું મુખ્ય પાત્ર કોઈક પૂર્વોત્તર રાજ્યનું છે, નહીં કે કોઈ સાઇડ રોલમાં. જ્યારે મણિપુરનાં ઍક્ટ્રેસ અને મૉડલ લિન લાઇશરામે એ જ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાની સાથે કામ કર્યું હતું. પાછળથી લિને 'રંગૂન' અને 'અખુની' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
તે વખતે ઘણા વાદવિવાદ થયા હતા કે શું બૉલીવુડે વધારે વૈવિધ્યપૂર્ણ કે ડાઇવર્સ ના હોવું જોઈએ અને શું 'મૅરી કૉમ'નો રોલ નૉર્થઈસ્ટ રાજ્યોમાંથી આવેલી કોઈ હીરોઇનને નહોતો મળવો જોઈતો?
2002માં વૅનિટી ફેયરને આપેલા ઇન્ટર્વ્યૂમાં પ્રિયંકા ચોપડાએ કહેલું, "જો હવે હું પાછા વળીને જોઉં તો, મૅરી કૉમનો રોલ નૉર્થઈસ્ટની કોઈ ઍક્ટ્રેસને મળવો જોઈતો હતો. એ વખતે એક ઍક્ટર તરીકે મને એક પ્રકારની લાલચ હતી કે આ બહુ જ સારો રોલ હું કરું. જ્યારે ફિલ્મ બનાવનારાઓએ દબાણ કર્યું તો મેં હા કહી દીધી."
ફિલ્મ અભિનેતા ડૅની કદાચ અપવાદ છે જે 70ના દાયકામાં સિક્કિમથી આવ્યા અને એમણે હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્થાન જમાવ્યું. તેઓ ક્યારેક ખૂંખાર વિલનના પાત્રમાં તો ક્યારેક કૅરેક્ટર અભિનેતા તરીકે જોવા મળ્યા. પરંતુ એમની મુખાકૃતિ જોતાં એ પણ આસાન નહોતું.

હિન્દી ફિલ્મોમાં કામ કરી રહેલા પૂર્વોત્તરના કલાકારો

ઇમેજ સ્રોત, LINLAISHRAM
ડૅની
આદિલ હુસૈન - સીમા બિસ્વાસ
ઍન્ડ્રિયા (ફિલ્મઃ અનેક)
દીપાનિતા શર્મા, મૉડલ અને ઍક્ટ્રેસ
પત્રલેખા (સિટીલાઇટ્સ)
ગીતાંજલી થાપા (રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા)
લિન લાઇશરામ (મૅરી કૉમ, રંગૂન, અખુની)
સામાન્ય રીતે ઊંચું કદ અને મજબૂત બાંધો ધરાવતા ઉત્તર ભારતીય હીરોને જ જ્યારે હીરો માનવામાં આવતા હતા એવા સમયે, 70ના દાયકામાં ડૅનીએ ઍન્ટ્રી કરી હતી.
એ દિવસોમાં મોટા ભાગે પારિવારિક ડ્રામાવાળી ફિલ્મો બનતી હતી અને સિક્કિમના વતની ડૅની કોઈ ઍન્ગલથી કોઈ પણ હીરોના ભાઈ કે સગા નહોતા લાગતા અને રોલ મળવો મુશ્કેલ હતો.
2018માં બીબીસીને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં ડૅનીએ કહેલું કે, "ત્યારે મને કેટલાક શુભચિંતકોએ સલાહ આપી કે જે રીતની ફિલ્મો બને છે એમાં તમારા જેવી મુખાકૃતિ ધરાવતા પાત્રની જરૂર નહીં પડે, તેથી હજુ પણ ક્યાંક નોકરી કરી લો."
જોકે 'મેરે અપને', 'ફકીરા', 'જરૂરત' જેવી ફિલ્મો પછી ડૅનીએ બૉલીવુડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. પરંતુ એની પણ લાંબી કહાણી છે.
ડૅનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહેલું, "જ્યારે એનએન સિપ્પીએ 'ફકીરા' ફિલ્મમાં શશિ કપૂરના ભાઈનો રોલ ઑફર કર્યો ત્યારે મેં કહ્યું કે હું કોઈ ઍન્ગલથી શશિ કપૂરના ભાઈ જેવો તો નથી દેખાતો. પરંતુ સિપ્પીએ કહ્યું કે દર્શકોએ તમને સ્વીકારી લીધા છે અને હવે તેઓ કોઈ પણ રોલમાં તમને સ્વીકારશે. સફળતા મળ્યા છતાં હું અંદરથી એ વાતે સહજ નહોતો કે મારા જેવા મંગોલ ચહેરો ધરાવતા ઍક્ટરને ઉત્તર ભારતીય પાત્ર ભજવવાનું કહેવાય."
70ના દાયકા પછી લગભગ 50 વર્ષ વીતી ગયાં છે. આટલાં વર્ષોમાં આદિલ હુસૈન અને સીમા બિસ્વાસ કદાચ ડૅની પછીનાં એ ખૂબ ઓછા હિન્દી ફિલ્મના કલાકારોમાંનાં એક છે જેઓ મોટા અને મહત્ત્વપૂર્ણ રોલમાં જોવા મળે છે અને આસામનાં છે.
'ઇશ્કિયાં', 'ઇંગ્લિશ-વિંગ્લિશ', 'મુક્તિ ભવન', 'બેલ બૉટમ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આદિલ હુસૈન પણ ઘણી વાર કહી ચૂક્યા છે કે 'મૅરી કૉમ'માં પૂર્વોત્તરની ઍક્ટ્રેસને રોલ ન આપીને બૉલીવુડે એક ખૂબ સારી તક ગુમાવી.

પૂર્વોત્તર ભારત ફિલ્મ શૂટિંગમાં પણ નથી દેખાતું

ઇમેજ સ્રોત, TWITTER@NFAIOFFICIAL
'અનેક'માં પૂર્વોત્તરના કલાકારોની સાથે કામ કરનારા આયુષ્યમાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "વાસ્તવમાં મેઇનસ્ટ્રીમ સિનેમામાં આપણે હંમેશાં પોપ્યુલર બિલીફ તરફ જઈએ છીએ. જે લોકો આપણા જેવા દેખાય છે, આપણી જેમ બોલે છે, આપણી તરફનાં ગીતો સાંભળે છે, એમની સાથે આપણે પોતાને વધારે રિલેટ કરી શકીએ છીએ પરંતુ એને બદલવું પડશે. જ્યારે આપણે બીજી ભાષાઓને, બધા લોકોને અપનાવીશું તો કદાચ સર્વગુણ સંપન્ન ભારતીય ફિલ્મ બનશે."
"'અનેક'માં નૉર્થ, સાઉથ, નૉર્થઈસ્ટ બધાં ક્ષેત્રોનાં લોકોએ કામ કર્યું છે. નૉર્થઈસ્ટના બે એવા ઍક્ટર છે જે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં હતા, 40 વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે તક ક્યારે મળશે. કદાચ તેઓ હિમ્મત હારી પણ ગયા હોય કે મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મમાં ક્યારેય તક નહીં મળે, કેમ કે તેઓ જેવા દેખાય છે કે એમની ભાષા છે. પરંતુ 'અનેક'માં એમની સાથે કામ કરીને ખરેખર એવું લાગ્યું કે કોઈ વેટરનની સાથે કામ કરી રહ્યો છું."
માત્ર કલાકાર જ નહીં, હિન્દી ફિલ્મોમાં લોકેશન તરીકે પણ નૉર્થઈસ્ટને ઓછું બતાવવામાં આવે છે. જેમ કે, 'દિલ સે', આમ તો આસામની એક વાર્તા છે, પણ એનું શૂટિંગ નૉર્થઈસ્ટના કોઈ રાજ્ય કરતાં વધારે તો લદ્દાખ અને કેરળમાં થયું. કલ્પના લાઝમીએ પોતાની ફિલ્મ 'દમન'નું શૂટિંગ ચોક્કસ આસામમાં કર્યું હતું કે શાહરુખ-માધુરીની 'કોયલા' અરુણાચલ પ્રદેશમાં શૂટ થઈ હતી.
જોકે, ઓટીટી પ્લૅટફૉર્મ પર કેટલાક એવાં શો અને ફિલ્મો છે જે માત્ર ઉત્તર ભારતના લોકોની સાથે થતા ભેદભાવને જ નથી દેખાડતાં બલકે ત્યાંના ઘણા કલાકારોને પ્લૅટફૉર્મ પણ આપે છે.
નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ 'અખુની' પૂર્વોત્તરના કેટલાક એવા લોકોની કહાણી છે જેઓ દિલ્હીમાં રહે છે અને પોતાની મિત્રનાં લગ્ન પહેલાં એને એક ખાસ ડિશ બનાવીને ખવડાવવા માંગે છે. પરંતુ એ ડિશની એક ખાસ પ્રકારની ગંધ છે અને દિલ્હીમાં એમને મકાનમાલિકનું ઘણું બધું સાંભળવું પડે છે કેમ કે તેઓ પૂર્વોત્તરના છે.
ફિલ્મના એક સીનમાં મકાનમાલિક (ડૉલી આહલુવાલિયા) પૂર્વોત્તરના પોતાના ભાડુઆત પર ગુસ્સે થાય છે, "મેં મકાન ભાડે આપતાં સમયે કહેલું કે તમારું વાસ મારતું ખાવાનું અહીં નહીં બનાવી શકો."
આ ફિલ્મમાં નૉર્થઈસ્ટના ઘણા બધા કલાકારોએ કામ કર્યું છે. ફિલ્મ મેઘાલયના નિર્દેશક નિકોલસ ખરકૂંગોરે બનાવી છે.

વંશવાદ કે ભેદભાવનો આરોપ

બીબીસી સાથેની વાતચીતમાં નિકોલસે જણાવ્યું કે, "'અખુની'માં જે બતાવાયું છે તે વાસ્તવમાં પૂર્વોત્તરથી આવેલા ઘણા લોકોની સાથે દિલ્હી જેવાં શહેરોમાં થતું આવ્યું છે. તમે દિલ્હી આવો છો અને પોતાના જ દેશમાં એક પ્રકારના વંશવાદનો શિકાર બનો છો. ક્યારેક ક્યારેક તો સામેવાળાને અહેસાસ પણ નથી થતો કે તેઓ રેસિસ્ટ છે કેમ કે એમણે જિંદગીમાં ક્યારેય પૂર્વોત્તરથી આવેલા વ્યક્તિ સાથે વાત જ નથી કરી. હું પણ વંશવાદનો ભોગ બન્યો છું અને એ જ મેં ફિલ્મમાં બતાવ્યું."
"ફિલ્મોની વાત કરીએ તો આજે પણ તમે ઉત્તર ભારતીય ચહેરાને જ વધારે જોશો. ક્યારેક ક્યારેક દક્ષિણ ભારતની સંસ્કૃતિ દેખાઈ જાય છે. પૂર્વોત્તર વિશે વધારે વાત નથી થતી. ફિલ્મોના કાસ્ટિંગ ડાયરેક્ટર અને નિર્દેશકોએ આગળ વધવાની અને પરિવર્તન લાવવાની જરૂર છે. જેવી રીતે પ્રાઇવેટ સેક્ટરમાં ડાઇવર્સિટી અને ઇન્ફ્લૂઝન પૉલિસી હોય છે, તેવી જ રીતે ફિલ્મોમાં પણ હોવી જોઈએ - પછી તે મહિલાઓને, દિવ્યાંગ લોકોને, એલજીબીટી સમુદાયને દેખાડવાની વાત જ કેમ ના હોય."
નિકોલસે કહ્યું કે, "ધારો કે, ફિલ્મમાં 30 પાત્ર છે અને રાજ નામનો હીરો ઑફિસ જઈને પોતાના બૉસ સાથે વાત કરે છે, તો સ્ક્રિપ્ટમાં માત્ર લખ્યું હશે - બૉસ. સ્ટીરિયોટાઇપ એ જ છે કે તમે કોઈ ઉત્તર ભારતીયને બૉસ બનાવી દેશો. (જે પુરુષ જ હશે.) બની શકે કે તે બૉસ ભારતના કોઈ પણ રાજ્યનો હોઈ શકે છે અને મહિલા પણ હોઈ શકે છે કે તે સમલૈંગિક પણ હોઈ શકે છે કે નૉર્થઈસ્ટના હોઈ શકતા હતા. જો તમે એવું કરશો તો એ બહાને તમે પરદા પર વિવિધતા જોઈ શકશો. પણ એવું થતું નથી."
પૂર્વોત્તરના એવા ઘણા કલાકાર છે જેમની ફરિયાદ છે કે જ્યારે તેઓ મુંબઈ આવે છે ત્યારે એમણે વંશવાદ કે ભેદભાવનો સામનો કરવો પડે છે, ખૂબ જ સ્ટીરિયોટાઇપ કરી દેનારા નાનામોટા રોલ મળે છે અને ઘણા તો પાછા લઈ લેવાય છે.
ડૉક્ટર મૌસુમી સહારિયા આસામનાં જાણીતાં ગાયિકા છે. તેમણે જણાવ્યું કે, "2006ની એ સાંજ મને યાદ છે જ્યારે હું સપનાંની નગરી મુંબઈ આવી હતી. હું ત્યાં સંગીત શીખવા આવી હતી અને મેં થોડુંક રેકૉર્ડિંગ પણ કર્યું. એવું નહોતું કે નૉર્થઈસ્ટની હોવાના કારણે કામ ના મળ્યું પરંતુ લોકો વિચિત્ર વાતો કરતા હતા. જેમ કે, ઓહ, તમે લોકો તો જંગલમાં રહો છો. કે, હાથી તો રોજ જોતાં હશો તમે? એ બધું ખૂબ ખૂંચતું હતું અને મારે ઘણી વાર લોકોને સતત સમજાવવા પડતા હતા."
"જો 2006માં મુંબઈ ઇન્ડસ્ટ્રીમાં નૉર્થઈસ્ટના બીજા કલાકારો હોત તો મારા માટે સફર આસાન હોત. હું એકલતાની અનુભૂતિ નથી કરતી. મને ઘણા સારા લોકો મળ્યા પરંતુ માહોલ એવો નહોતો જેને હું ઇનક્લૂઝિવ કહી શકું. જો માહોલ સારો હોત તો હું મુંબઈમાં વધારે સમય સુધી રહેવાનું વિચારત અને સિંગિંગ કરિયરને આગળ વધારત. હવે બે દાયકા પછી વસ્તુઓ બદલાઈ રહી છે."

ઇમેજ સ્રોત, ANDREAKEVICHUSA
આસામના રહેવાસી ઉત્પલ બોરપુજારી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ફિલ્મ ક્રિટિક છે અને ફિલ્મો પણ બનાવે છે.
સિક્કાનાં બંને પાસાંને સામે રાખીને તેમણે કહ્યું કે, "નૉર્થઈસ્ટ રાજ્યોએ પણ પોતાને આગળ પડતાં પ્રમોટ કરવાં જોઈએ કે ત્યાં પણ શૂટિંગ થઈ શકે છે અને બીજાં રાજ્યોની જેમ ફિલ્મ યુનિટ માટે સબસિડી સ્કીમ શરૂ કરવી જોઈએ. જ્યાં સુધી ફિલ્મોમાં નૉર્થઈસ્ટના કલાકારોના પ્રતિનિધિત્વની વાત છે તો એ ત્યારે જ થઈ શકે જ્યારે હિન્દી ફિલ્મકાર આ વિસ્તાર સાથે સંકળાયેલા થીમને ફિલ્મમાં બતાવે. અને પછી પૂર્વોત્તરના લોકોને પણ ફિલ્મમાં લે."
"'મૅરી કૉમ'માં આપણે જોયું કે જે ઍક્ટ્રેસે તે રોલ કર્યો એને અસલી બૉક્સરની એથનિસ્ટી સાથે કશી લેવાદેવા નહોતી. આ એવું જ છે જાણે કોઈ ગોરો ઍક્ટર નેલ્સન મંડેલાનો રોલ કરે. દુર્ભાગ્યે આપણા સમાજના ફિલ્મકારોમાં એવી સંવેદનશીલતા નથી. 'અનેક'માં તે થતું દેખાય છે. આદિલ હુસૈન અને સીમા બિસ્વાસને ઘણી ફિલ્મોમાં એટલા માટે લેવામાં આવે છે કેમ કે તેઓ લગભગ એવાં જ દેખાય છે જાણે કે ભારતીય વ્યક્તિનું ચિત્ર બનેલું છે. જો એમની મુખાકૃતિ મંગોલ વંશ જેવી હોત તો મને શંકા છે કે એમને 5 ટકા પણ રોલ મળી શક્યા હોત. મને આશ્ચર્ય થાય છે કે ડૅનીને સ્વીકૃતિ કઈ રીતે મળી ગઈ અને સાથે જ તે એ વાતને દર્શાવે છે કે નૉર્થઈસ્ટ લુક ધરાવતા કોઈ બીજા ઍક્ટરને એવી સ્વીકૃતિ ના મળી."
'મૅરી કૉમ'માં કામ કરનારી અભિનેત્રી લિન લાઇશરામને મુશ્કેલીઓ છતાં સારું થવાની આશા છે. તેમણે કહ્યું કે, "હું અંગત અનુભવથી કહી શકું છું કે થોડાં વરસો પહેલાં સુધી પૂર્વોત્તરના ઍક્ટર માટે રોલ લખાતા જ નહોતા. પરંતુ વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'રંગૂન'થી મારા માટે વસ્તુઓ બદલાવા લાગી, મને આનંદ છે કે ભલે ધીરે ધીરે પણ દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. વાસ્તવમાં, નૉર્થઈસ્ટનાં રાજ્યોમાં મેઇનસ્ટ્રીમ ફિલ્મો દર્શાવતાં થિયેટર પણ ઓછાં છે અને તેથી આ રાજ્યોમાંથી હિન્દી ફિલ્મોની કમાણી પણ ઓછી થાય છે. દર્શકોને ધ્યાનમાં રાખીને આ માર્કેટનો કોઈએ યોગ્ય રીતે ઉપયોગ નથી કર્યો, નહીંતર માત્ર બિઝનેસમાં વૃદ્ધિ થશે એટલું જ નહીં, પરંતુ કલાકારોને પણ તક મળશે."
'અખુની'ના નિર્દેશક નિકોલસને પણ આશા છે કે પરિસ્થિતિ પલટાશે. તેમણે કહ્યું, "હું આશાવાદી છું. જે રીતે ફૅશનની દુનિયામાં હવે તમે પૂર્વોત્તર ભારતના ઘણા બધા લોકોને જોઈ શકો છો. હવે તમને જણાવવું નથી પડતું કે આ લોકો વિદેશી નહીં, ભારતીય જ છે. 20 વર્ષ પહેલાં જો ટીવી જાહેરખબરમાં કોઈ નૉર્થઈસ્ટના મૉડલને જોતા હતા ત્યારે લોકો વિચારતા હતા કે એ હૉંગકૉંગથી આવ્યા હશે. આશા રાખું છું કે ટીવી અને ફિલ્મોમાં પણ પરિવર્તન આવશે."
નાગાલૅન્ડથી કોઈ એક ઍક્ટરનું હિન્દી ફિલ્મ (અનેક)માં આવીને કામ કરવું આજે ટૉકિંગ પૉઇન્ટ બની ગયો છે… પણ ઍન્ડ્રિયા જેવાં ઍક્ટર કે ફિલ્મકાર એ જ આશા રાખે છે કે આ 'એક' ઘણા બધા 'અનેક'માં ફેરવાઈ જાય.
(સહયોગ: બીબીસી મૉન્ટિરિંગના સચીન ગોગોઈ)

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












