આસામ પૂર: ‘એ રાતે ઘર ન છોડ્યું હોત તો આજે જીવતી ન હોત’ - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, આસામના બુકલુંગ ગામથી, બીબીસી માટે
"એ રાતે જો હું મારા બાળકો સાથે ઘર છોડીને ન નીકળી હોત તો કદાચ આજે અમે જીવતા ન હોત. ઘરમાં ઝડપથી પાણી ભરાઈ રહ્યું હતું. નજીકના કેટલાક લોકોએ અમને બહાર કાઢ્યા. અમે અમારી સાથે કોઈ સામાન ન લઈ શક્યા. વર્ષોથી અહીં રહીએ છીએ પરંતુ બુકલુંગ નદીનો એ રાતે જે ભયાનક અવાજ સાંભળ્યો હતો તેવો ક્યારેય નથી સાંભળ્યો. હાલ પણ વિચારું છું તો મગજમાં નદીનો અવાજ ગૂંજે છે."
આસામના બુકલુંગ ગામમાં રહેતાં 35 વર્ષના આલેહા બેગમ ખૂબ લાચારીથી આ વાત કહી રહ્યાં હતાં.

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ સતત પાણીમાં ગરકાવ પોતાના ઘર તરફ ઇશારો કરતાં રહ્યાં. પાંચ દિવસ પછી આલેહા પોતાના પતિની સાથે કેળ અને વાંસથી બનેલી હોડી (જેને અસમિયા ભાષામાં ભૂર કહે છે) પર ચડીને ઘરને જોવા માટે આવ્યા હતા.
તેઓ કહે છે, "ઘણી મુશ્કેલીથી ઘરમાં એક-એક કરીને સામાન એકઠો કર્યો હતો. પૂરે તમામ તબાહ કરી દીધું છે. હવે રસ્તા પર આવી ગયા છીએ અને કામધંધો પણ નથી."
આ ગામની આગળની તરફ રહેતાં બિનીતા લસ્કર પોતાના 13 વર્ષના દીકરાની સાથે રસ્તાના કિનારે પ્લાસ્ટિકના તંબૂમાં દિવસ પસાર કરી રહ્યાં છે.
તેઓ કહે છે, 'પૂરે અમારાં ઘરને બરબાદ કરી દીધા છે. ગત છ દિવસથી અમે રસ્તા પર રહીએ છીએ. હજી સુધી કોઈએ મદદ નથી કરી.'
પૂર આવતા પહેલાં છ બાળકોનાં માતા મોફિજા ખાતૂનનું ઘર પણ આ બુકલુંગ ગામમાં હતું પરંતુ હવે તે જગ્યા પાણીનો દરિયો છે. તે કહે છે, "પહેલાં પતિ અવસાન પામ્યાં અને હવે અમારું ઘર પણ પૂરમાં જતું રહ્યું. અમે આગળ શું કરીશું અને કયાં રહીશું."

આસામમાં એક અઠવાડિયાથી પૂરનો કેર યથાવત્ છે

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
જે બુકલુંગ ગામમાં પૂર આવ્યું છે તેની પાસેથી બુકલુંગ નદી પસાર થાય છે. આ ગામમાં રહેતા 62 વર્ષના સૂરજ અલી સરકાર તરફથી રાહત ન મળતા નારાજ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "પૂરના કારણે અમારું ગામ તબાહ થઈ ગયું છે. મારું એક મકાન પૂરમાં જતું રહ્યું. અનાજ-માછલી તમામ વસ્તુઓ ખતમ થઈ ગઈ છે. રસ્તે દિવસો પસાર કરી રહ્યા છીએ. અમને સરકાર તરફથી કાંઈ મળ્યું નથી. 40 વર્ષથી આ ગામમાં રહીએ છીએ પરંતુ આટલું મોટું પૂર ક્યારેય નથી જોયું."
આસામમાં ભારે વરસાદ પછી આવેલા વિનાશકારી પૂરનો કેર એક અઠવાડિયાથી યથાવત્ છે. આ ભીષણ પૂરના કારણે અત્યાર સુધીમાં 18 લોકો મૃત્યુ પામ્યાં છે.
સરકારી આંકડા પ્રમાણે આ વર્ષે પહેલા તબક્કામાં પૂરમાં સૌથી વધારે નુકસાન નૌગાંવ જિલ્લાના કામપુર રેવેન્યૂ સર્કલ હેઠળ આવનારા ગામોને થયું છે. આલેહા બેગમનું ગામ બુકલુંગ પણ કામપુર રેવેન્યૂ સર્કલ હેઠળ જ આવે છે.
આસામ રાજ્ય ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટ અનુસાર રાજ્યમાં કુલ 33 જિલ્લામાંથી 31 જિલ્લા પૂરની ઝપેટમાં છે. આ જિલ્લામાં 2248 ગામ પૂરની ઝપેટમાં આવવાથી 6 લાખ 80 હજારથી વધારે લોકોને અસર પહોંચી છે. પૂરના કારણે બેઘર થયેલાં લોકો માટે 496 રાહત શિબિર ખોલવામાં આવી છે. જેમાં અંદાજે 75 હજાર લોકોએ શરણ લીધી છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ 27 પર થઈને હું જ્યારે કઠિયાટોલીથી જમણી બાજુ કામપુર જતા રસ્તા પર આગળ વધ્યો તો કેટલાક કિલોમીટર પછી આખો વિસ્તાર પાણીમાં ડૂબેલો જોવા મળ્યો. જ્યાં સુધી નજર પહોંચી રહી હતી ત્યાં ચારેબાજુ પાણી જ પાણી હતું.
હું લોક નિર્માણ વિભાગના જે પાકા રસ્તા પરથી જ્યોતિ નગર નવરત્ન મધ્ય અંગ્રેજી વિદ્યાલય પાર કરીને આગળ પહોંચ્યો હતો. થોડા અંતર પછી તો આખો રસ્તો પાણીમાં ડૂબેલો મળ્યો. આગળ રસ્તો બંધ હતો. કામપુરના અનેક ગામોનો સંપર્ક કેટલાંય દિવસથી કપાયેલો છે.
જિલ્લા વહીવટીતંત્રએ પૂર પીડિતો માટે જે ખાવા-પીવાનું આપ્યું છે તેને ગામના લોકો અનેક હોડીઓમાં ભરીને લઈ જાય છે.

અનેક પૂર-પીડિતો બીમાર

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
સરકાર તરફથી રાહતના નામે આપવામાં આવેલી ચોખાની બોરીઓને નાવમાં ચડાવી રહેલાં રંજિત દાસ કહે છે, 'ગામની અંદર જવાનો કોઈ પણ રસ્તો બચ્યો નથી. અંદાજે 1500 લોકો ઊંચી જગ્યા અને પાકા પુલ પર બાળકોની સાથે શરણ લઈને બેસેલા છે. તે તમામનાં ઘર પાણીમાં ડૂબી ગયા છે.'
તેઓ કહે છે, "કેટલાંક લોકો પોતાનો સામાન અને જાનવરોને છોડીને આવવા નથી માગતા. પરંતુ જેમનો વિસ્તાર સંપૂર્ણપણે ડૂબી ગયો છે અથવા ડૂબવાનો છે, તેમને વહીવટીતંત્રનાં લોકો રાહત શિબિરમાં લઈ આવ્યા છે. કેકુરીબારી ગામની સ્થિતિ ખૂબ જ ડરામણી છે. તેતિલીખોવા, તેતેલીહારા અને ક્લાઈખોવા ગામ સંપૂર્ણ પાણીમાં છે. હરિયા અને નૌઈ નદીએ આ ગામને તબાહ કરી દીધા છે."
વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ પાણીમાં ડૂબેલા ખેતર, કાચાં-પાકાં મકાન, ઝૂંપડીઓ અને વીજળીનાં થાંભલાં જોઈને સમજી શકાય છે કે પૂરે કેવી તબાહી મચાવી છે.
કામપુરમાં પૂરની સ્થિતિ છે, કારણ કે અહીં કોપિલી નદી રસ્તા અને ગામ ઉપરથી વહી રહી છે.
તેતેલીહારા ગામમાં રહેતા 23 વર્ષનાં પલ્લવી કરથા દાસ પોતાના ઘરડાં સાસુ અને દોઢ વર્ષનાં બાળકની સાથે ગત છ દિવસથી જ્યોતિનગર નવરત્ન મધ્ય અંગ્રેજી વિદ્યાલયમાં ખોલવામાં આવેલી રાહત શિબિરમાં રહે છે. પૂર આવ્યું તે દિવસને યાદ કરીને પલ્લવી આજે પણ ડરી જાય છે.

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
તેઓ કહે છે, "તે દિવસે વરસાદ વરસી રહ્યો હતો અને પાસેની નદીમાં પાણી ધીમે-ધીમે વધી રહ્યું હતું. ગામનાં લોકો નદીના પાણી પર નજર રાખી રહ્યાં હતાં. અમે ઘર છોડવાની તૈયારી કરી ન હતી. પરંતુ રાત્રે 11 વાગે નદીમાંથી ડરામણો અવાજ આવવા લાગ્યો. થોડા સમય પછી પાણી ગામમાં ઘૂસવા લાગ્યું તો અમે રાત્રે જ થોડાં વાસણો અને પહેરવાના કપડાં લઈને ઘરમાંથી નીકળી ગયા. ખબર નથી હવે ક્યારે ઘરે પરત ફરીશું."
જિલ્લા વહીવટીતંત્ર તરફથી લોકોને રાહત સામગ્રીમાં બે કિલો ચોખા, 250 ગ્રામ દાળ, 200 ગ્રામ સરસિયાનું તેલ આપવામાં આવે છે.
અનેક લોકો પોતાના ડૂબતા ઘરમાંથી બચાવીને લાવેલા રૅશન પર જીવિત છે. પૂરથી બચીને જે લોકો રાહત શિબિરમાં આવ્યા છે તેમાંથી અનેક લોકોની તબિયત સારી નથી.
રાહત શિબિરમાં બીમાર લોકોને જોવા માટે આવેલાં ડૉક્ટર જેનિફા શબનમ કહે છે, "જે લોકોને રાહત શિબિરમાં લાવવામાં આવ્યાં છે તેમાંથી મોટા ભાગનાં લોકોમાં તાવ, ખાંસી, શરદીની ફરિયાદો મળી રહી છે. અનેક લોકોને પગમાં ચામડીનું સંક્રમણ છે. શિબિરમાં નાના બાળકો પણ છે. એટલા માટે ગત કેટલાંક દિવસથી ડૉક્ટરોની ટીમો રાહતશિબિરોમાં જઈને લોકોની તપાસ કરી રહી છે અને જે બીમાર છે તેમને દવા આપવામાં આવે છે."

ભાજપના ધારાસભ્યનો દાવો, ભરપૂર મદદ કરીએછીએ

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
વિસ્તારમાં પૂરના કારણે ઊભી થયેલી સ્થિતિ વિશે ભાજપના ધારાસભ્ય જીતુ ગોસ્વામી કહે છે, "આ વખતે ગણતરી બહારનો વરસાદ વરસ્યો છે. આ પ્રકારનો વરસાદ પહેલાં ક્યારેય પડ્યો નથી. નોર્થ કછાર હિલ્સ અને કાર્બી-આગ્લોંગમાં જે વરસાદ પડ્યો તેણે ગત તમામ રૅકર્ડ તોડી નાખ્યા છે. અમારા કામપુર વિસ્તારના અંદાજે તમામ ગામ પૂરની ઝપેટમાં આવી ગયા છે. "
તે કહે છે, "અનેક નદીઓ પરના બંધ તૂટી જવાના કારણે પાણી ગામમાં ઘૂસી ગયા અને આને રોકવું સંભવ નથી. પરંતુ હવે પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને આવનારા ત્રણ ચાર દિવસમાં સ્થિતિ સુધરી શકે છે. અમે અંદાજે સાત હજાર લોકોને પૂરના પાણીમાંથી સુરક્ષિત કાઢ્યાં છે. સરકાર તરફથી લોકોને રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે."
બુકલુંગ ગામનાં પૂર-પીડિતોની ફરિયાદનો જવાબ આપતા ધારાસભ્ય ગોસ્વામી કહે છે, "તેમની આખી ટીમ સંપૂર્ણ વિસ્તારમાં ફરી રહી છે અને મદદ કરવાના પ્રયત્નો કરી રહી છે. એવામાં જો કોઈને કોઈ તકલીફ થઈ છે તો તે ખુદ જઈને પીડિતો સાથે વાત કરશે અને તેમની મદદ કરશે."
આસામના મુખ્ય મંત્રી હેમંત બિસ્વ સરમાએ કહ્યું કે તેમની સરકાર પૂર-પીડિત લોકોની મદદ કરવા અને રાહત માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. સરકારની પાસે પર્યાપ્ત પ્રમાણમાં ખાદ્ય સામગ્રી છે. તેમણે કહ્યું કે પૂર સામે લડવા વાયુસેના અને સુરક્ષાદળોની સાથે એનડીઆરએફની ટીમ અને રાજ્ય સરકારની ટીમ સતત મદદ કરી રહી છે.
આસામના વન મંત્રી પરિમલ સુકલા બૈદ્યે કહ્યું, "કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય સંરક્ષિત જંગલોમાં જીવોને બચાવવા અને રાજ્યમાં પૂર દરમિયાન તેમને આશરો આપવા માટે વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલા 40 નવા હાઇલૅન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. "
સુકલા બૈદ્યે કહ્યું, "વનવિભાગ આખા રાજ્યમાં કાજીરંગા અને અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનો કે અભ્યારણ્યોમાં વન્યજીવોને બચાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે."

પૂરનું સાચું કારણ શું છે?

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
આસામમાં આ વર્ષે ભારે વરસાદ અને પહેલા તબક્કાના ભીષણ પૂરને પર્યાવરણીય નિષ્ણાતો જળવાયુ પરિવર્તનની અસરની સાથે જોડીને જોઈ રહ્યા છે.
જોકે કેટલાંક પર્યાવરણીય વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોઈ સંશોધન અને આંકડાઓ વિના હાલની સ્થિતિને જળવાયુની કટોકટી કહેવી સારી બાબત નહીં હોય.
આસામ યુનિવર્સિટીના સિલચરના ઇકૉલૉજી અને પર્યાવરણીય વિભાગના પ્રોફેસર જયશ્રી રાઉતે આસામમાં આવેલા પૂર અંગે કહ્યું હતું કે, "આ વખતે અહીં આવેલી પૂરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને વરસાદમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પરંતુ જળવાયુ પરિવર્તન સાથે જોડતા પહેલાં, અહીં મોટી નદીઓના વ્યવસ્થાપનથી લઈને વન આવરણને લગતી બાબતોનો અભ્યાસ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું, "ગત દિવસોમાં જે પ્રમાણે ઉત્તર ભારતનું તાપમાન અસામાન્ય રીતે વધ્યું છે તેની અસર અહીં થઈ રહેલાં સતત વરસાદ સાથે હોઈ શકે છે. જંગલોને કાપવામાં આવી રહ્યા છે જેના કારણે નદીઓમાં માટી વધી રહી છે અને નદીઓની આધારશક્તિ ઘટી રહી છે. ખાસ કરીને નદીઓની પાસે મોટાં ઝાડને કાપવા પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. કારણ કે તે ઝાડમાં પાણી રોકવાની ક્ષમતા ઘણી હોય છે."
પ્રોફેસર રાઉતનું કહેવું છે કે ન માત્ર તાપમાન વધી રહ્યું છે પરંતુ ભેજમાં પણ વધારો થઈ રહ્યો છે. વારંવાર હીટવૅવને કારણે એક વિશિષ્ટ વિસ્તારનું તાપમાન વધી રહ્યું છે, જોકે ત્યાં બાષ્પીભવન વધારે થાય છે. આ કારણે વાદળ બને છે અને ભારે વરસાદની ઘટનાઓ વધી જાય છે.
તે કહે છે કે ઝાડને કપાતાં રોકવા પડશે અને મોટી ટેક્નૉલૉજીની મદદથી મુખ્ય નદીઓનું સંચાલન કરવાથી પૂર જેવી સમસ્યાઓને નિયંત્રિત કરી શકાય છે. જોકે તે જલવાયુ પરિવર્તનની અસરને જાણવા માટે વધારે સંશોધન કરવાની વાત પર જોર આપે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












