રાજકોટ : કથિત પ્રણય ત્રિકોણની એ ઘટના જેમાં બે બાળકોની માતાએ જેલમાં ગળે ફાંસો ખાઈ લીધો
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દારૂડિયા પ્રેમી પર કોઈ અજાણી વ્યક્તિએ જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી. પોલીસે કેસ ઉકેલવા માટે બે બાળકોની માતા એવી પ્રેમિકાને પૂછપરછ માટે બોલાવી અને એ પ્રેમિકાએ પોલીસ સ્ટેશનના વૉશરૂમમાં જ આપઘાત કરી લીધો.
રાજકોટની આ ઘટનામાં પોલીસે એક કેસ ઉકેલવા ગઈ એમાં આપઘાતનો એક નવો કેસ ઊભો થયો છે જેની ચર્ચા થઈ રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
એક લૂંટ અને હત્યાના પ્રયાસ અને એ પછી અન્ય એક આત્મહત્યાની ઘટનાની શરૂઆત 20 મેના રોજ થઈ હતી.
આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
20 મે, શુક્રવારના રોજ એવી છે કે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં 20 મેના રોજ 108 ઍમ્બુલન્સ દ્વારા મુકેશ અઘારા નામની 41 વર્ષીય વ્યક્તિને ઘાયલ અને અર્ધબેભાન અવસ્થામાં લાવવામાં આવી હતી.
મુકેશ અઘારાને હૉસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે એમના મોંમાંથી દારુની દુગર્ધ આવતી હતી. એમને મોં પર આંખ પાસે અને માથામાં પથ્થરથી માર મારવામાં આવ્યો હતો અને ઘણું લોહી વહી જવાને કારણે તે અર્ધબેભાન હાલતમાં હતા.
મુકેશની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને એ સ્વસ્થ થતાં પોલીસ કાર્યવાહી શરૂ થઈ. સિવિલ હૉસ્પિટલના ઇમર્જન્સી ટેબલના પોલીસકર્મીઓએ મુકેશ અઘારાની ફરિયાદ નિયમાનુસાર આજી ડૅમ પોલીસ સ્ટેશને મોકલી તો પોલીસ પણ ફરિયાદની વિગતો જોઈ અચંબામાં પડી ગઈ.

લૂંટ અને ઈજાની ફરિયાદ અને પોલીસની શંકા

ઇમેજ સ્રોત, iStock
ઈજાગ્રસ્ત મુકેશ અધારાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું કે, 19 મે, ગુરુવારે રાત્રે એમણે દોસ્ત રાજુ સાથે ખુલ્લા પ્લોટમાં દેશી દારૂ પીધો હતો અને પ્લોટમાં જ સુઈ ગયા હતા.
મુકેશનું કહેવું હતું કે એ સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે કોઈ અજાણી વ્યક્તિએ એમને માર માર્યો અને પચાસ હજારની કિંમતની સોનાની ચેઇન, હાથમાં પહેરેલું પચાસેક હજારની કિંમતનું સોનાનું કડું, સોનાની વીંટી અને બે ફોન ચોરાઈ ગયા હતા.
મુકેશે પોલીસને કહ્યું કે એમને બરોબર ભાન ન હતું અને ગામનાં લોકો એમને 108માં હૉસ્પિટલ લાવ્યા હતા. જોકે, પોલીસને મુકેશ અઘારાની વાત ગળે ઊતરી રહી નહોતી.
રાજકોટના ડી. સી.પી. પ્રવીણકુમાર મીણાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મુકેશે અમને કોઈ અજાણ્યા શખ્શોએ માર્યો હોવાની અને લૂંટી લીધો હોવાની વાત કરી. એણે પહેરેલા એક લાખથી વધુની કિંમતના ઘરેણાં અને બે મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું જણાવ્યું. એ ગંભીર ઈજા સાથે સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયો હતો. એ ઇમિટેશન જ્વેલરીનું મજૂ કામ કરે છે. મજૂરી કામ કરનાર પાસે મોંઘી મોટરસાઇકલ અને આટલું સોનું હતું તથા એ બે ફોન રાખતો હતો એટલે એની પૂછપરછ કરી."
"મુકેશ બનાવ કેવી રીત બન્યો અને ક્યારે બન્યો તેની સરખી માહિતી આપતો ન હતો. એ વારંવાર કહેતો હતો કે એના દોસ્ત રાજુ સાથે મેદાનમાં પાર્ટી કરવા ગયો હતો પણ રાજુ કોણ છે એની માહિતી આપતો ન હતો. કોઈ અજાણ્યા માણસોએ એને ગંભીર માર મારી લૂંટી લીધો હોય તો રાજુ પાસેથી માહિતી મળી શકે પણ મુકેશ કહેતો હતો કે એ રાજુને બે મહિનાથી જ ઓળખે છે અને એના વિશે વધુ ખબર નથી. એટલે મુકેશની ફરિયાદ અને વિગતો શંકા ઉપજાવતી હતી."
અને તપાસમાં પોલીસને મુકેશની પ્રેમિકા નયના વિશે જાણ થઈ

જીવલેણ હુમલા અગાઉ નયના સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, Bhargav Parikh
પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સથી ખબર પડી કે એ દિવસે રાત્રે મુકેશ અઘારાની મુલાકાત એની ભૂતપૂર્વ પ્રેમિકા નયના કુકડિયા સાથે થઈ હતી. પોલીસે કેસ ઉકેલવા માટે નયનાની પૂછપરછ કરવાં એમને આજી ડૅમ પોલીસ સ્ટેશન બોલાવ્યાં.
ડી. સી. પી. મીણા કહે છે કે , "આ બંને પ્રેમીઓ રાત્રે મળ્યા હતા પણ નયના એ અમને કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો. પોલીસ તપાસમાં મદદ પણ કરી રહી ન હતી. પૂછપરછમાં ખબર પડી કે આ બંનેનાં પ્રેમસંબંધની નયનાનાં પતિને બે મહિના પહેલાં ખબર પડી ગઈ હતી અને એટલે ઘર મોટો ઝઘડો પણ થયો હતો."
ડી. સી. પી. મીણા કહે છે કે, "પૂછપરછ દરમિયાન નયનાએ અમને વિનંતી કરી કે જો એ રાતે ઘરે જશે તો એનો પતિ એને મારશે એટલે એને રાત્રે પોલીસ સ્ટેશનમાં રહેવા દેવામાં આવે."
બે સંતાનોનાં માતા એવી 36 વર્ષીય નયનાબહેનનાં ભયને જોતાં પોલીસે એમને મહિલા પોલીસનાં રેસ્ટરૂમમાં રોકાવાની મંજૂરી આપી અને સાથે એક મહિલા પોલીસ કૉસ્ટેબલને રાખવામાં આવ્યાં.
પોલીસનું કહેવું છે કે, "સવારે નયનાબહેને મહિલા પોલીસને નિત્યક્રમમાં માટે ટૉઇલેટ જવા દેવાની વાત કરી. એમને ટૉઇલેટ જવા દેવામાં આવ્યાં અને ઘણો સમય સુધી તે બહાર ન આવ્યાં એટલે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તેઓ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હાલતમાં મળ્યાં."
ડી. સી. પી. મીણા કહે છે કે, "પોલીસ પાસે નયનાબહેન ક્યાં અને કેવી રીતે હતાં એ તમામ વિગતો સી. સી. ટી. વી.માં છે જે અમે જોઈ છે. અને સવારે ટૉઇલેટ જતાં સી. સી. ટી. વી. ફૂટેજ પણ જોયા છે. આ અંગે અકસ્માતે ગુનો નોંધી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે."
બીબીસીએ ફરિયાદી મુકેશ અઘારાનો સાથે રાજકોટ સિવિલ હૉસ્પિટલના એક ડૉક્ટરની મદદથી સંપર્ક કર્યો. જોકે, એમણે પોલીસને જે વાત કરી હતી એ જ વાત બીબીસીને પણ કરી અને હુમલો અને લૂંટ કોણે કેવી રીતે કરી તે અંગે કંઈ યાદ ન હોવાનું કહ્યું.
બીબીસીએ નયનાબહેનનાં પતિ પ્રફુલ કુકડિયાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ એમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

મુકેશ અને નયનાનો સંબંધ ગામમાં ચર્ચાનો મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ ત્રંબા ગામના રહેવાસી અને અને પ્રફુલભાઈ ના સગાં અને મુકેશના પરિચિત મહેશ કોળી સાથે વાત કરી.
મહેશ કોળીએ કહ્યું, "ત્રંબા ગામમાં મુકેશ અને નયનાનાં પ્રેમપ્રકરણની બધાને ખબર હતી. અહીં નજીકમાં પવિત્ર ત્રિવેણી સંગમ છે ત્યાં દર ભાદરવી પૂનમે મેળો ભરાય છે અને મહિલાઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી મેળામાં આવે છે. આ મેળામાં બે વર્ષ પહેલાં નયના અને મુકેશની આંખ મળી હતી. ગામ નાનું છે એટલે થોડાં સમયમાં ગામમાં વાત ફેલાઈ ગઈ."
"બેઉ નજીક રહે છે અને એક વાર તો નયનાનાં પતિ પ્રફુલભાઈએ બંનેને રંગે હાથ પકડ્યાં હતાં. બે મહિના પહેલાં બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો પણ સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી નયના અને પ્રફુલનાં બે બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું."
"એ પછી પ્રફુલભાઈની અને ગામમાં સમાજનાં લોકોની પણ નયના અને મુકેશ પર કડક નજર પણ હતી. છતાં ખાનગીમાં મળતાં હતાં એની અમને હવે ખબર પડી."
પોલીસ મુકેશ અઘારા પર જીવલેણ હુમલા અને લૂંટની તથા નયનાનાં આપઘાત કેસની તપાસ કરી રહી છે. જાણી મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી નયનાનાં આપઘાત પાછળ સામાજિક ભય જવાબદાર હોઈ શકે છે એમ માને છે.
પ્રશાંત ભીમાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, આપઘાત કરનાર આ મહિલાની ઉંમર 36 વર્ષની છે. સામાજિક પરિબળોને જોતાં એમનાં લગ્ન પણ નાની વયે થયાં હશે. આવા સંજોગોમાં બે બાળકોની માતા બન્યાં પછી ઘરની જવાબદારીઓથી થાકેલી અને આર્થિક સમસ્યા ભોગવતી મહિલાઓમાં મિડલ એજ ક્રાઇસિસ જોવા મળે છે. આવી મહિલાઓને કોઈ સહારો આપનારા અથવા પ્રેમથી કાળજી રાખનાર મળે તો ઍકસ્ટ્રા મેરિટલ અફેર થાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે આગળ કહ્યું કે આનું પ્રમાણ અત્યારે ઘણું વધ્યું છે. આવામાં એક વાર પકડાયાં પછી ફરી પકડાઈશું તો સમાજ શું કહેશે એવો ભય હોય છે. વળી કિસ્સો રાજકોટ પાસેના નાના ગામનો છે અને લોકોમાં ફરી આબરુ જાય એ કરતાં મરી જવું બહેતર એવો મગજમાં ઘર કરી ગયો હોય એમ બની શકે. આ સંજોગોમાં મહિલાએ આખી રાત હવે શું કરીશ એવી અવઢવમાં ગુજારી હોય અને ઇમ્પલ્સિવ સુસાઇડ થોટને કારણે આપઘાત કર્યો હોય એમ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ કસ્ટડીમાં મૃત્યુને ગંભીર માનવાધિકારનો મામલો માનવામાં આવે છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે પોલીસ માટે અનેક નિર્દેશો આપેલા છે.
ન્યાયિક અને પોલીસ કસ્ટડીમાં મૃત્યુને મામલે ગુજરાત છેલ્લા ચાર વર્ષથી દેશમાં સતત ટોપ થ્રીમાં આવે છે. માર્ચ 2021માં બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર જયદીપ વસંતે આ અંગે અહેવાલ રજૂ કર્યો હતો.
દેશના માનવાધિકાર કર્મશીલોનો આરોપ છે કે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનારાં લોકોમાં 60 ટકા લોકો ગરીબ વંચિત વર્ગમાંથી આવે છએ જેમાં દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોનું પ્રમાણ ઘણું વધારે છે.
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના છેલ્લા સત્રમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે કૉંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીના એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં, 2020 અને 2021માં કૂલ 188 લોકો પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામ્યાં. 2020માં કસ્ટોડિયલ ડૅથની 88 ઘટનાઓ બની તો 2021માં 100 ઘટનાઓ બની.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








