કસ્ટોડિયલ ડેથનો ભોગ દલિત, મુસ્લિમ અને આદિવાસીઓ કેમ વધુ બને છે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
8 નવેમ્બર, 2021ના રોજ ઉત્તર પ્રદેશના કાસગંજ પોલીસ સ્ટેશન ખાતે અપહરણના કેસમાં પૂછપરછ માટે બોલાવાયેલ અલ્તાફ નામના મુસ્લિમ યુવકનું પોલીસ કસ્ટડીમાં કથિત મારઝૂડને કારણે મૃત્યું થયું હતું.
કાસગંજમાં બનેલ બનાવમાં પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસનો દાવો છે કે યુવકે પોલીસ લૉક-અપના ટૉઇલેટમાં ગળાફાંસો ખાતા મૃત્યુ નીપજ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ડિરેક્ટર ટી.જે.જ્ઞાનવેલના નિર્દેશનમાં બનેલી તામિલ ફિલ્મ 'જય ભીમ'માં પણ કંઈક આવી જ વાત કરાઈ છે.
પોલીસ કસ્ટડીમાં અત્યાચારને પગલે આદિવાસી યુવકનું મૃત્યુ અને એ બાદ પોલીસ સામેની કાયદાકીય કાર્યવાહી ફિલ્મની કહાણી છે. ફિલ્મની ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉત્તર પ્રદેશમાં 'કસ્ટોડિયલ ડૅથ'ની ઘટનાએ ફરી આ મામલાની ગંભીરાતા સામે લાવી દીધી છે.
ઉત્તર પ્રદેશ અને ગુજરાત આવી ઘટનાઓ માટે 'કુખ્યાત' છે.
તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલી માહિતી અનુસાર ગત એક વર્ષ દરમિયાન દેશભરમાં 86 લોકોનાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાં, જેમાં સૌથી વધુ 15 મૃત્યુ ગુજરાતમાં નોંધાયાં હતાં.
લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપેલા જવાબમાં આ વિગતો બહાર આવી હતી. જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મૃત્યુની બાબતમાં ઉત્તર પ્રદેશ 395 મૃત્યુ સાથે ટોચ ઉપર રહ્યું હતું, જ્યારે ગુજરાતમાં 78 જ્યુડિશિયલ કસ્ટડી મૃત્યુ થયાં હતાં.

કસ્ટડીમાં મૃત્યુ બાબતે ગુજરાત ટૉપ થ્રીમાં
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પોલીસના કસ્ટડીમાં મૃત્યુની બાબતમાં ગુજરાત પોલીસ છેલ્લાં ચાર વર્ષથી 'ટૉપ થ્રી'માં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોંકાવનારી વાત એ છે કે કસ્ટોડિયલ ડેથમાં મૃતકોમાં દલિત, આદિવાસી કે મુસ્લિમોની સંખ્યા વધુ હોવાનો દાવો કરાય છે.
'નેશનલ કૅમ્પેન અગેઇન્સ્ટ ટૉર્ચર' નામની સંસ્થા દ્વારા જારી કરાયેલ રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2020માં પોલીસ કસ્ટડીમાં 111 લોકો મૃત્યુ પામ્યાં હતાં. આ યાદીમાં 11-11 મૃત્યુ સાથે ગુજરાત અને ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે હતું.
આ જ સંસ્થાના 2019ના રિપોર્ટની વાત કરીએ તો 2019માં પોલીસ કસ્ટડીમાં નોંધાયેલ કુલ 125 મૃત્યુમાંથી 60 ટકા લોકો ગરીબ અને વંચિત વર્ગના લોકો હતા. જે પૈકી 13 દલિત અને આદિવાસી હતા જ્યારે 15 મુસ્લિમ હતા.
તો શું પોલીસ કસ્ટડીમાં અત્યાચારની સંભાવના અને આરોપીની જાતિ કે ધર્મ વચ્ચે કોઈ આંતરસંબંધ છે?

દરેક ત્રીજી અંડરટ્રાયલ વ્યક્તિ SC-ST
ધ વાયર ડોટ ઇનના એક અહેવાલ પ્રમાણે નેશનલ દલિત મૂવમૅન્ટ ફૉર જસ્ટિસ અને નેશનલ સેન્ટર ફૉર દલિત હ્યુમન રાઇટ્સ દ્વારા તૈયાર કરાયેલ એક રિપોર્ટ અનુસાર ભારતમાં જેલમાં બંધ દરેક ત્રણ અંડરટ્રાયલ વ્યક્તિ પૈકી એક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિ છે.
નોંધનીય છે કે દેશની વસતીમાં 24 ટકાનું પ્રતિનિધિત્વ ધરાવતી આ જાતિઓનો અંડરટ્રાયલ કેદીઓની સંખ્યામાં 34 ટકા ભાગ છે.
આ પરિસ્થિતિ ભારતમાં આ જાતિઓ પોલીસઅત્યાચારનો ભોગ હોય તે દિશા તરફ ઇશારો જરૂર કરે છે.
તેમજ કાયદામાં પોતાના અધિકારો અને બંધારણીય ઇલાજોથી આ જાતિના મોટા ભાગના લોકો અજાણ હોય તેવો નિર્દેશ પણ ઉપરોક્ત રિપોર્ટમાં કરાયો છે.

પીડિતની જ્ઞાતિ અને ધર્મની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસની કસ્ટડીમાં થતાં મૃત્યુ અંગે સમગ્ર ભારતમાં સર્જાયેલ વિવિધ વલણો અને તેનાં કારણો અંગે વધુ વ્યાપક સમજ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ 'નેશનલ કૅમ્પેન અગેઇન્સ્ટ ટૉર્ચર' સંસ્થા સાથે સંકળાયેલ સુહાસ ચકમા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે પોલીસ કસ્ટડીમાં અત્યાચાર અને આરોપી કે પકડાયેલ વ્યક્તિની જાતિ કે ધર્મને ખૂબ જ ગાઢ આંતરસંબંધ છે.
સુહાસ ચકમા કહે છે કે, "જો પોલીસ અધિકારીને એવું લાગે કે જે વ્યક્તિની તેમણે ધરપકડ કરી છે તે સત્તાધારી છે કે સામાજિક મોભાદાર વ્યક્તિ છે તો તેવી વ્યક્તિ સાથે અત્યાચાર થવાની સંભાવના ઘટી જાય છે."
"મોટાં શહેરોમાં ભલે જાતિવાદ અને ધર્મના નામે આવો ભેદભાવ સપાટી પર ન દેખાતો હોય પરંતુ પોલીસ સ્ટેશનના લૉક-અપમાં અત્યાચાર વેઠનાર અને પોતાના જીવ ગુમાવનાર વ્યક્તિઓની વિગતો મેળવવામાં આવે તો વ્યક્તિની જાતિ, મોભો અને ધર્મ આ અંગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે."
પોલીસ અને સત્તાધારી વ્યક્તિને આરોપી પર પોતાની કસ્ટડીમાં અત્યાચાર ગુજારવાનો આત્મવિશ્વાસ કઈ રીતે મળે છે?
આ પ્રશ્નના જવાબમાં સુહાસ ચકમા કહે છે કે, "આપણા કાયદામાં જ સરકારી અધિકારીઓને આ વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. જેના થકી તેઓને કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરતી વખતે પણ પોતાની નોકરી ગુમાવવાનો કે અન્ય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તેઓ કહે છે કે, "ક્રિમિનલ પ્રોસિજર કૉડની કલમ 197ની જોગવાઈ અનુસાર કોઈ પણ સરકારી કર્મચારી પર પોતાની ફરજની બજવણીના સ્વરૂપે કરેલ કૃત્ય માટે કોઈ પણ પ્રકારનો આરોપ મૂકવામાં આવે તો તેવી પરિસ્થિતિમાં સરકારી કર્મચારી પર લગાવવામાં આવેલા આરોપ અંગે કાર્યવાહી કરવા કે તેની નોંધ લેવા માટે જે-તે ન્યાયાલયે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની પૂર્વમંજૂરીની આવશ્યકતા હોય છે."
"પરંતુ મોટા ભાગે સરકારો આ પ્રકારની મંજૂરી આપતી નથી. અને પોલીસ સહિત સુરક્ષાદળનાં ઘૃણાસ્પદ કૃત્યો માટે પણ તેમને સજા આપી શકાતી નથી."
પોલીસ કસ્ટડીમાં અત્યાચાર અને મૃત્યુ મામલે સુપ્રીમ કોર્ટના વકીલ શાંતિપ્રકાશ પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, "પોલીસ કોના પર અત્યાચાર કરશે કે નહીં કે તે અંગેનો નિર્ણય આરોપીની જાતિ, તેની પહોંચ, તેનો સામાજિક હોદ્દો, અભ્યાસ અને ધર્મના આધારે લેવામાં આવે છે."
"જો પોલીસ અધિકારીને લાગે કે તેની કસ્ટડીમાં રહેલ વ્યક્તિ સાથે તેઓ ગમે તે કરશે પરંતુ તેનું કંઈ નહીં બગડે તો તેવી વ્યક્તિને પોલીસનો અત્યાચાર સહન કરવો પડે તેવી શક્યતા વધુ છે."
તેઓ આ મુદ્દે આગળ પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, "દેશના તમામ પોલીસ સ્ટેશનોને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને અનુસરીને સીસીટીવી કૅમેરાથી સજ્જ કરવા તરફ પ્રશાસન અને સરકાર વધુ ધ્યાન નથી આપતાં. તેથી પોલીસ સ્ટેશનમાં આરોપી સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા વધી જાય છે."

સરકાર શું કહે છે?
જોકે, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી પ્રદીપ પરમાર આવા આરોપોને ફગાવી દે છે.
બીબીસી સાથેની વાતચીતમાં પ્રદીપ પરમાર કહે છે, "પોલીસ સ્ટેશનમાં કદાચ આવી ઘટનાઓ બનતી હોઈ શકે. પરંતુ તેમાં આરોપી કે વ્યક્તિની જાતિને જોઈને તેમના પર અત્યાચાર કરાતો હોય તેવું સામાન્યપણે ન માનવું જોઈએ."
"અમુક ઘટનાઓમાં અમુક જાતિ કે ધર્મના લોકો પર કોઈ એકાદ પોલીસ કર્મચારી દ્વારા અત્યાચારનો ગુનો બનતો હોય તો તેવા સંજોગોમાં આપણે બધા પોલીસ કર્મચારી કે સમગ્ર ડિપાર્ટમેન્ટ પર આરોપ ન લગાવી શકીએ. અને ગુજરાત સરકાર આવી રીતે સત્તાનો દુરુપયોગ કરતા અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવાંના સમર્થનમાં છે."
"આવા આરોપી અધિકારી સામે પુરાવાના આધારે સામાન્યપણે કોર્ટ અને સરકાર બંને કડક કાર્યવાહી કરે જ છે અને કોઈ પણ સમાજ કે વર્ગનું અહિત ન થાય એ માટે સરકાર કટિબદ્ધ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

ગુજરાતમાં નોંધાયેલાં કસ્ટોડિયલ મૃત્યુના તાજેતરના કિસ્સા
તાજેતરમાં સપ્ટેમ્બર, 2021માં કાસિમ હયાત નામની એક વ્યક્તિનું ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડી દરમિયાન મૃત્યુ થયું હતું.
કાસિમ હયાતની ગાયના માંસ સાથે ધરપકડ થઈ હતી.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે કાસિમ હયાતે કથિતપણે પોલીસ સ્ટેશનમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
મૃતકના પરિવારજનોએ મૃત્યુનું આ કારણ અંગે શંકા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ આ સંબંધે ફરિયાદ પણ કરી હતી.
આ સિવાય જુલાઈ માસમાં નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજના બે યુવાનો રવિ જાધવ અને સુનિલ પવારે કથિતપણે આત્મહત્યા કરી હતી.
બંને આરોપીઓને ચોરીના કેસમાં શંકાના આધારે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.
આ મામલે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પાંચ પોલીસકર્મીઓ સામે મૃત્યુ નિપજાવવા, કાવતરું રચવા, અપહરણ કરવા અને એટ્રોસિટી ઍક્ટની જોગવાઈઓ અંતર્ગત ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઈ હતી.
તાજેતરમાં સ્થાનિક અખબારોના અહેવાલ પ્રમાણે આ કેસમાં આ બનાવના તપાસઅધિકારી એસસીએસટી સેલના ડીવાયએસપી આર. ડી. ફળદુએ સેશન્સ કોર્ટ સમક્ષ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે 'આ ગુનામાં આરોપી પોલીસકર્મીઓ પર એટ્રોસિટી ઍક્ટ મુજબ કે હત્યાનો ગુનો સાબિત થતો નથી. કેસ માત્ર ગેરસમજને કારણે નોંધાયો છે.'
કેસમાં પોલીસકર્મીઓને બચાવવા માટે આ રિપોર્ટ કરાયો હોવાનું પણ ચર્ચાયું હતું.
આ સિવાય અન્ય એક ચકચાર જન્માવનાર કેસમાં 13 ફેબ્રુઆરી 2020ના રોજ 17 વર્ષીય ચિરાગ ચૌહાણનું પોલીસ કસ્ટડીમાં કથિત અત્યાચારના કારણે મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી હતી.
12 ફેબ્રુઆરી, 2020ના રોજ આરોપીની નરોડા પોલીસ સ્ટેશન, અમદાવાદ ખાતે ધરપકડ કરાઈ હતી. તેમના પર મહેસાણાના ઝોનલ ઑબ્ઝર્વેશન હોમ ખાતેથી નાસી છૂટવાનો આરોપ હતો.
ચિરાગના પિતાનો આરોપ હતો કે તેમના પુત્રનું પોલીસ કસ્ટડીમાં અત્યાચારના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટનામાં મૃતક ચિરાગના શરીર પર ઈજાનાં નિશાનવાળી તસવીરો મૃત્યુના બીજા દિવસે સ્થાનિક અખબારોના પ્રથમ પાને પર છપાઈ હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












