'ભારત માતા કી જય'નો નારો સૌપ્રથમ મુસ્લિમ સ્વતંત્રતાસેનાનીએ આપ્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
- પદ, બીબીસી બાંગ્લા, કોલકાતા
દેશના હિન્દુત્વવાદી રાજકારણીઓ અને કાર્યકર્તાઓ વારંવાર 'ભારત માતા કી જય'નો નારો લગાવતા હોય છે. જોકે, ઇતિહાસકારોના એક જૂથનો દાવો છે કે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન એક મુસ્લિમ ક્રાંતિકારીએ સૌપ્રથમ આ નારો આપ્યો હતો.
તાજેતરમાં દેશમાં એવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકોને પ્રશ્ન કરવામાં આવે છે કે તેઓ 'ભારત માતા કી જય'નો સૂત્રોચ્ચાર કરવા કેમ તૈયાર નથી?
છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવી અનેક ઘટનાઓ બની છે જેમાં ટોળા દ્વારા મુસ્લિમો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોય. તેવા કેટલાક કિસ્સાઓમાં હિન્દુત્વના સમર્થકો તેમને આ નારો પોકારવા માટે દબાણ કરતા હોય તેવું પણ જોવા મળ્યું છે.
જોકે, ઇતિહાસકારોના એક પક્ષનું માનવું છે કે આ નારો એક મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાની દ્વારા આપવામાં આવ્યો હતો. 2024માં કેરળના મુખ્યમંત્રી પી. વિજયને એક ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, "સંઘ પરિવારના લોકો અહીં આવીને લોકોને 'ભારત માતા કી જય' બોલવાનું કહે છે. શું તેઓ જાણે છે કે આ નારો કોણે આપ્યો હતો? મને ખબર નથી કે સંઘ પરિવાર આ જાણે છે કે નહીં, પરંતુ તેમનું નામ અઝીમુલ્લાહ ખાન હતું."
ઇતિહાસકારોના મતે, અઝીમુલ્લાહ ખાન 1857ના સંગ્રામનાં સૌથી મહક્ત્વપૂર્ણ વ્યક્તિત્વો પૈકી એક હતા. ઇતિહાસકાર અને લેખક સૈયદ ઓબૈદુર રહેમાન જણાવે છે કે, "એમાં કોઈ શંકા નથી કે અઝીમુલ્લાહ ખાને જ 'માદરે વતન હિન્દુસ્તાન ઝિંદાબાદ'નો નારો આપ્યો હતો."
ઇતિહાસકારોનું કહેવું છે કે 'ભારત માતા કી જય' એ અઝીમુલ્લાહ ખાનના એ જ નારાનો હિન્દી અનુવાદ છે. જોકે, ઇસ્લામિક ધર્મશાસ્ત્રના નિષ્ણાત મુહમ્મદ કમરુઝ્ઝમાન કહે છે કે, "'માદરે વતન હિન્દુસ્તાન ઝિંદાબાદ'નો શાબ્દિક અર્થ 'માતૃભૂમિ ભારતવર્ષ ઝિંદાબાદ' થાય છે."
મુખ્યમંત્રી વિજયને એમ પણ જણાવ્યું હતું કે જે રીતે રાજદ્વારી અબ્દી હસન સફરાનીએ 'જય હિંદ'નો નારો આપ્યો હતો, તેવી જ રીતે મોહમ્મદ ઇકબાલે પ્રખ્યાત દેશભક્તિ ગીત 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા' લખ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અઝીમુલ્લાહ ખાન કોણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૈયદ ઓબૈદુર રહેમાન દ્વારા સંકલિત 'બાયોગ્રાફિકલ ઍન્સાયક્લોપીડિયા ઑફ ઇન્ડિયન મુસ્લિમ ફ્રીડમ ફાઇટર્સ'માં અઝીમુલ્લાહ ખાન વિશે એક અલગ પ્રકરણ છે. તેમાં જણાવાયું છે કે, "અઝીમુલ્લાહ ખાન 1857ના સંગ્રામના ટોચના નેતા હતા. તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચ સહિત અનેક વિદેશી ભાષાઓમાં પારંગત હતા. જ્યારે ભારતમાં મોટા ભાગના લોકો બ્રિટિશ સેનાને અજેય માનતા હતા, ત્યારે તેમણે તુર્કી, ક્રાઇમિયા અને યુરોપની મુલાકાત લઈને જોયું હતું કે ત્યાં બ્રિટિશ સેના પરાજિત થઈ રહી છે."
રહેમાનના લખાણ મુજબ, અઝીમુલ્લાહ નાનાસાહેબ પેશ્વાના દીવાન હતા અને પાછળથી તેમના મુખ્ય મંત્રી બન્યા. વિનાયક દામોદર સાવરકરે પણ તેમના પુસ્તક "ધ ઇન્ડિયન વોર ઑફ ઇન્ડિપેન્ડન્સ ઑફ 1857"માં લખ્યું છે કે, "અઝીમુલ્લાહ ખાન 1857ના બળવાનાં સૌથી યાદગાર પાત્રોમાંના એક હતા. જેમણે સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે વિચાર્યું હોય તેવા લોકોમાં અઝીમુલ્લાહને ખાસ સ્થાન મળવું જોઈએ."
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પેશ્વા બાજીરાવ બીજાના મૃત્યુ પછી નાનાસાહેબનું પેન્શન બંધ કરી દીધું હતું. આ વિવાદનો ઉકેલ લાવવા નાનાસાહેબે અઝીમુલ્લાહ ખાનને ઇંગ્લૅન્ડ મોકલ્યા હતા. અઝીમુલ્લાહ લગભગ બે વર્ષ ત્યાં રહ્યા અને 1855માં ભારત પરત ફર્યા.
ગરીબીમાં ઉછરેલા અઝીમુલ્લાહે કાનપુરમાં એક ખ્રિસ્તી મિશનમાં આશ્રય લીધો હતો અને એક સમયે બ્રિટિશ અધિકારીઓના ઘરે વેઈટર કે રસોઈયા તરીકે પણ કામ કર્યું હતું, જ્યાં તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચ શીખ્યા હતા.
અખબારો મારફતે આઝાદીની અપીલ

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપથી પરત ફર્યા બાદ અઝીમુલ્લાહ ખાને 'પાયમે આઝાદી' નામનું અખબાર શરૂ કર્યું, જે ઉર્દૂ, મરાઠી અને હિન્દીમાં પ્રકાશિત થતું હતું.
સંશોધક ફૈઝલ ફારૂકી કહે છે કે, "તેમના અખબાર દ્વારા તેમણે હિન્દુ, મુસ્લિમ અને શીખ - તમામ સમુદાયોને આઝાદી માટે લડવા પ્રેરણા આપી. તેમણે જ પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધનું કૂચ ગીત લખ્યું હતું: 'હિન્દુ, મુસલમાન, સિખ હમારા ભાઈ-ભાઈ પ્યારા, યે આઝાદી કા ઝંડા, ઇસે સલામ હમારા...'"
બળવો દબાયા પછી અઝીમુલ્લાહ લાંબો સમય જીવી શક્યા નહીં અને 1859માં નેપાળના તરાઈ પ્રદેશમાં બીમારીના કારણે તેમનું અવસાન થયું.
ઇતિહાસકાર અને લેખક સૈયદ ઉબૈદુર રહેમાન કહે છે કે તે સમયગાળા દરમિયાન તેમણે તેમના અખબારમાં 'માદરે વતન' નારો લખ્યો હતો.
તેઓ કહે છે, "એમાં કોઈ શંકા નથી કે તેમણે આ નારો લખ્યો હતો. પરંતુ આ નારાને અલગ રાખીને ન જોવો જોઈએ. તેમનું અખબાર નિયમિતપણે સ્વતંત્રતા સંગ્રામને પ્રોત્સાહન આપવા માટે અંગ્રેજો સામે બળવો કરવાની હાકલ કરતું હતું. અઝીમુલ્લાહ પણ આવા જ સૂત્ર લખતા હતા."
જોકે, કેટલાક લોકો કહે છે કે એવા કોઈ પુરાવા નથી કે ખાન 'માદરે વતન હિન્દુસ્તાન' સૂત્ર આપનાર પ્રથમ વ્યક્તિ હતા.
રહેમાન એમ પણ કહે છે કે અઝીમુલ્લાહ ખાન 1857ના મુખ્ય આયોજકોમાંના એક હતા.
બળવો દબાયા પછી અઝીમુલ્લાહ લાંબો સમય જીવિત ન રહ્યા. 1859માં નેપાળના તરાઈ પ્રદેશમાં તેમનું અવસાન થયું. બ્રિટિશ દળોથી ભાગતી વખતે તેઓ બીમાર પડી ગયા હતા. ઇતિહાસકારો માને છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરવાને કારણે તેમને યોગ્ય તબીબી સારવાર મળી શકી ન હતી.
માતૃભૂમિ સિવાય...

ઇમેજ સ્રોત, Getty Images
સૈયદ ઓબૈદુર રહેમાન કહે છે કે 'માદરે વતન' ઉપરાંત અન્ય ઘણા નારા પણ મુસ્લિમ નેતાઓએ આપ્યા હતા. જેમ કે, મૌલાના હસરત મોહાનીએ 'ઇન્કિલાબ ઝિંદાબાદ' અને યુસુફ મેહર અલીએ 'ભારત છોડો' તથા 'સાઇમન ગો બૅક'ના નારા આપ્યા હતા.
તેમના મતે 1857થી 1947 સુધી તમામ ધર્મોના લોકો ખભેખભા મિલાવીને લડ્યા હતા.
'ભારત માતા' સૂત્ર ક્યાંથી આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
'ભારત માતા કી જય', જેને હિન્દુત્વ સંગઠનો રાજકીય અને દેશભક્તિના નારા તરીકે પ્રોત્સાહન આપે છે, તેનો ઉલ્લેખ 1866 પહેલાં મળતો નથી.
હિન્દુત્વ રાજકારણનો અભ્યાસ કરતા સ્નિગ્ધેન્દુ ભટ્ટાચાર્ય કહે છે કે, "ભારતમાતાનો ઉલ્લેખ 1866માં બંગાળમાં કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના નામે ભૂદેવ મુખોપાધ્યાય દ્વારા લખાયેલા પુસ્તક 'ઉન્નિશ્વ પુરાણ'માં કરવામાં આવ્યો હતો. તે પછીના વર્ષે દ્વિજેન્દ્રનાથ ઠાકુરે એક હિન્દી મેળાના ઉદ્ઘાટન સમયે પોતાનું ગીત 'માલિન મુખચંદ્ર, મા ભારત તોમારી' ગાયું હતું. તેનો ઉલ્લેખ વિપિન ચંદ્ર પાલના લેખમાં પણ છે. આ ગીતનો ઉપયોગ 1873માં કિરણચંદ્ર બંદોપાધ્યાય દ્વારા લખાયેલા નાટક 'ભારત માતા'માં પણ કરવામાં આવ્યો હતો."
સ્નિગ્ધેન્દુએ કહ્યું, "જોકે, એ ખબર નથી કે તે સમયે બંગાળમાં 'ભારત માતા કી જય' સૂત્ર લોકપ્રિય થયું હતું કે નહીં. તેનું કારણ એ છે કે ત્યાં સુધીમાં બંકિમચંદ્ર દ્વારા લખાયેલ વંદે માતરમ ખૂબ લોકપ્રિય થઈ ગયું હતું."
તેઓ નિર્દેશ કરે છે કે 1860 પહેલાં બંગાળ કે ભારતમાં ભારતમાતા શબ્દનો કોઈ ઉલ્લેખ કે ઉપયોગ નથી. આવી સ્થિતિમાં, 'માદરે વતન' નું સૂત્ર આપનાર અઝીમુલ્લાહ ખાનને આ ખંડ પર 'માતૃભૂમિ' શબ્દના પ્રણેતા કહી શકાય.
1905માં ભારતમાતાનું પહેલું ચિત્ર અવનીન્દ્રનાથ ટાગોરે બનાવ્યું હતું.
આ વાત સમજાવતા સ્નિગ્ધેન્દુ કહે છે, "વાસ્તવમાં, એક હોવા છતાં, 'ભારત માતા કી જય' અને 'માદરે વતન હિન્દુસ્તાન' એ હિન્દુત્વવાદીઓની નજરમાં અલગ છે. ભારતીય રાષ્ટ્રવાદ, હિન્દુ રાષ્ટ્રવાદ અને બંગાળી રાષ્ટ્રવાદ, ત્રણેયનો જન્મ 19મી સદીના ઉત્તરાર્ધમાં બંગાળમાં થયો હતો. આના થોડા સમય પછી, ભારતીય રાષ્ટ્રવાદ, હિન્દુ રાષ્ટ્રવાદ અને પ્રાદેશિક રાષ્ટ્રવાદ ઊભરી આવ્યા અને અન્ય ક્ષેત્રોમાં ફેલાયા."
તેમણે દલીલ કરી હતી કે જેમ અવનીન્દ્રનાથ ટાગોરના ભારતમાતાના ચિત્રનું મૂળ શીર્ષક બંગમાતા હતું, તેમ બંકિમચંદ્ર ચેટરજીનું વંદે માતરમ પણ માતા બંગની વંદના છે. પાછળથી, કૉંગ્રેસે ભારતીય રાષ્ટ્રવાદમાં અન્ય તમામ રાષ્ટ્રવાદી વલણોને સામેલ કરવાનો પ્રયાસ કર્યો.
સ્નિગ્ધેન્દુ સમજાવે છે કે, "ભારતીય રાષ્ટ્રવાદીઓ ભારત અને હિન્દુસ્તાન બંનેનો ઉપયોગ કરે છે કારણ કે તે બધી જાતિઓ, ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓનો દેશ છે. પરંતુ હિન્દુ રાષ્ટ્રવાદીઓ 'હિન્દુસ્તાન' શબ્દનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. તેમની વાતચીતમાં ઉર્દૂ કે ફારસી માટે કોઈ સ્થાન નથી. તેથી જ તેમના માટે 'માદરે વતન હિન્દુસ્તાન' અને 'ભારતમાતા' એકસરખા નથી. જોકે, 'માદરે વતન હિન્દુસ્તાન' શબ્દો હિન્દુત્વવાદીઓના એ આરોપને ફગાવે છે કે મુસ્લિમો ભારતને 'માતા' કહેવા માંગતા નથી."
ઇસ્લામિક વિદ્વાન મોહમ્મદ કમરુઝમાં કહે છે કે હદીસમાં દેશને માતૃભૂમિ તરીકે પ્રેમ કરવાની વાત કરવામાં આવી છે.
કમરુઝમાન રાજકીય પૃષ્ઠભૂમિ પણ ધરાવે છે. તેઓ ઑલ બંગાળ માઇનોરિટી યુથ ફેડરેશનના વડા છે. જોકે, તેમણે કોલકાતાના ભૂતપૂર્વ આલિયા મદરેસા (હવે આલિયા યુનિવર્સિટી) માં અભ્યાસ કર્યો હતો.
તેઓ સમજાવે છે, "હદીસમાં હુબ્બુલ વતનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આખી આયત હુબ્બુલ વતાની મીનલ ઈમાન છે. વતનનો અર્થ માતૃભૂમિ અને હુબ્બુલનો અર્થ પ્રેમ છે. એટલે કે, માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ એ ધર્મનો એક ભાગ છે."
પરંતુ તેઓ સ્પષ્ટપણે કહે છે કે 'ભારત માતા કી જય'ના નારાનો ઉપયોગ હવે રાજકીય રીતે થઈ રહ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે મુસ્લિમો આ સૂત્ર સામે એટલે વાંધો ઉઠાવે છે કારણ કે હિન્દુત્વવાદી લોકો તેનો રાજકીય ઉપયોગ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












