પૂર્વોત્તર રાજ્યોમાંથી AFSPA નાબૂદી તરફ, પણ લોકોને ન્યાયની રાહ - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, નાગાલૅન્ડ અને મણિપુરથી પાછા આવીને
ગુરુવારે આસામના દિફૂમાં એક જનસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કરેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો જેમાં ચાર પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારોમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ એટલે કે અફ્સ્પા હટાવવાની જાહેરાત કરવામાં આવી છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં જેમ જેમ શાંતિ સ્થપાતી જાય છે તેમ તેમ જૂના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
એમણે કહ્યું કે, "ઘણા લાંબા સમય સુધી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ (અફ્સ્પા) નૉર્થ-ઈસ્ટનાં અનેક રાજ્યોમાં અમલમાં રહ્યો છે. પરંતુ છેલ્લાં 8 વર્ષ દરમિયાન સ્થાયી શાંતિ અને સુચારુ કાયદાવ્યવસ્થા લાગુ થવાના કારણે અમે અફ્સ્પાને નૉર્થ-ઈસ્ટનાં ઘણાં ક્ષેત્રોમાંથી હટાવી દીધો છે."
સાથે જ મોદીએ એમ કહ્યું કે છેલ્લાં 8 વર્ષ દરમિયાન નૉર્થ-ઈસ્ટમાં હિંસાની ઘટનાઓ લગભગ 75 ટકા જેટલી ઘટી ગઈ છે અને તે કારણે જ પહેલાં ત્રિપુરા અને પછી મેઘાલયમાંથી અફ્સ્પાને હટાવવામાં આવ્યો છે.
એમણે કહ્યું, "આસામમાં ત્રણ દાયકાથી આ ઍક્ટ લાગુ હતો. પરિસ્થિતિઓમાં સુધારો ન થવાના કારણે પહેલાંની સરકારો વારંવાર એના અમલનો સમય વધારતી રહી. પરંતુ છેલ્લાં વર્ષોમાં પરિસ્થિતિને એવી રીતે નિયંત્રિત કરવામાં આવી કે આજે આસામના 23 જિલ્લામાં અફ્સ્પા હટાવી દેવાયો છે."
"અન્ય ક્ષેત્રોમાં પણ અમે સ્થિતિને ઝડપથી સામાન્ય કરવાની કોશિશ કરી રહ્યા છીએ જેથી ત્યાંથી પણ અફ્સ્પાને હટાવી શકાય. નાગાલૅન્ડ અને મણિપુરમાં પણ આ દિશામાં ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે."

કયા વિસ્તારોમાંથી હટાવાયો છે અફ્સ્પા?

કેન્દ્ર સરકારે નાગાલૅન્ડ, આસામ અને મણિપુરમાં સશસ્ત્ર દળ વિશેષાધિકાર અધિનિયમ અર્થાત્ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ (AFSPA) હેઠળ અશાંત ક્ષેત્રોને ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે આ નિર્ણય "પૂર્વોત્તરમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો અને ઝડપી વિકાસ"ના કારણે કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિર્ણયનો સીધો અર્થ એવા થયો કે જે વિસ્તારો હવે અશાંત માનવામાં નથી આવતા ત્યાં અફ્સ્પા અમલમાં નહીં રહે.
કેન્દ્ર સરકારના નિર્ણય અંતર્ગત નાગાલૅન્ડના 7 અને મણિપુરના 6 જિલ્લામાં 15-15 પોલીસથાણાંના વિસ્તારોમાંથી અશાંત ક્ષેત્રનું જાહેરનામું હટાવી દેવાયું છે.
તેમ છતાં, મણિપુરના 16 જિલ્લાનાં 82 પોલીસથાણાં અને નાગાલૅન્ડના 13 જિલ્લાનાં 57 પોલીસથાણાંને હજુ પણ અશાંત ક્ષેત્રની યાદીમાં રાખવામાં આવ્યાં છે અને ત્યાં અફ્સ્પા અમલી રહેશે.

12 કબર અને ન્યાયની પ્રતીક્ષા
નાગાલૅન્ડના મોન જિલ્લાના ઓટિંગ ગામના એક ખૂણે આ જ ગામના 12 લોકો દફન છે.
આ તે 12 લોકો છે જેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય સેનાની એક ચરમપંથી કાર્યવાહી અને ત્યાર બાદ થયેલી હિંસામાં મૃત્યુ પામેલા 15 લોકોમાં સામેલ છે.
આ ઘટના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ખેદ પ્રકટ કરીને સ્વીકાર્યું હતું કે આ દુર્ઘટના એક ખોટી ઓળખ એટલે કે મિસ્ટેકન આઇડેન્ટિટીની બાબત હતી. સાથે જ તેમણે કહેલું કે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસની તપાસ કરશે.
ભારતીય સેનાએ પણ આ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને કહેલું કે આ ઘટનાનાં કારણોની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવી રહી છે અને કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
પરંતુ ઓટિંગ ગામના લોકોને ન્યાય મળવાની આશા બહુ ઓછી છે.
તેનું કારણ છે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ, જેના અંતર્ગત ભારતીય સેનાને અશાંત ક્ષેત્રોમાં કાર્યવાહી કરવા માટે માત્ર ખાસ પાવર જ નથી આપવામાં આવ્યા બલકે એવી જોગવાઈ કરવામાં આવી છે કે આ પાવરના ઉપયોગથી થનારી કોઈ પણ ઘટનાઓ માટે ભારતીય સેનાના સૈનિકો પર કેન્દ્ર સરકારની મંજૂરી વિના કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી નહીં કરી શકાય.

ચેમ્વાંગ કોન્યકના 32 વર્ષીય પુત્ર શોમવંગનું મૃત્યુ પણ ગયા ડિસેમ્બરમાં ઓટિંગમાં થયેલી સૈનિક કાર્યવાહીમાં થયું હતું. ખુદ કૅન્સર સામે લડી રહેલા આ પિતાનું માનવું છે કે આવી ઘટનાઓ બનવાનું કારણ અફ્સ્પા જેવો કાયદો છે.
તેમણે કહ્યું કે, "પોતાના સંતાનને ખોયાની પીડા તમને શું કહું. હું તો દર્દી છું. ભારતીય સેનાને તો અમે કશું નહીં કરી શકીએ. તો પણ બધા લોકો ખૂબ નારાજ છે. અમે કહીએ છીએ કે અફ્સ્પા હટાઓ. પરંતુ હજુ સુધી તો એને હટાવાયો નથી."
"નાગાલૅન્ડની ઘણી જગ્યાએથી હટાવાયો છે. પરંતુ મોન જિલ્લામાંથી તો નથી હટાવાયો. અમે એનાથી ખુશ નથી. માત્ર મારા પુત્રને જ નથી માર્યો, અમારા રહેણાક વિસ્તારના કેટલાક છોકરાને મારી નાખ્યા. તે બાળકો અમારું ભવિષ્ય હતાં."

23 વર્ષીય શૈવાંગ કોન્યક એ જ ગાડીમાં સવાર હતા જેના પર સુરક્ષા દળો દ્વારા ગોળીબાર થયા હતા. ગોળીઓ વાગ્યા છતાં શૈવાંગનો જીવ તો બચી ગયો પરંતુ પોતાના શરીર પર થયેલી ઈજાઓની અસર તેઓ આજે પણ સહન કરી રહ્યા છે.
શૈવાંગ ખૂબ જ તકલીફ સાથે વાત કરી શકે છે. તેમણે કહ્યું કે, "હાથ પણ હલાવી નથી શકતો. એક આંખે દેખાતું નથી. પગમાં પણ તકલીફ રહે છે. પેટમાં ઘણું દુખે છે. આખા શરીરમાં પીડા થાય છે. દુઃખમાં પસાર થઈ રહ્યું છે જીવન."

લાંબી કાનૂની લડાઈ

બબલુ લોઇતોંગબામ એક માનવાધિકાર કાર્યકર્તા છે જેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી પૂર્વોત્તર ભારતમાં થયેલા નકલી ઍન્કાઉન્ટરના પીડિત પરિવારોને ન્યાય અપાવવાની કાયદાકીય લડાઈ લડી રહ્યા છે.
એમણે કથિતપણે 1,528 નકલી ઍન્કાઉન્ટરના કેસની એક યાદી બનાવી છે જેમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે.
કેટલાક વિસ્તારોમાંથી અફ્સ્પા હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે તેમણે જણાવ્યું કે, "અમે ચોક્કસપણે આને એક હકારાત્મક દૃષ્ટિએ જોઈએ છીએ. આ યોગ્ય દિશાનું પગલું છે, પરંતુ માત્ર પહેલું પગલું છે. આ વૃદ્ધિશીલ પગલું છે અને અમે ચોક્કસપણે એ વિચારનું સ્વાગત કરીએ છીએ કે જ્યારે બિલકુલ જરૂરિયાત નથી ત્યારે તમે અફ્સ્પાને હંમેશ માટે અમલી નહીં રાખી શકો."
મણિપુરમાં કથિત નકલી ઍન્કાઉન્ટરની તપાસ કરવા માટે વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે જસ્ટિસ સંતોષ હેગડે આયોગ બનાવ્યું હતું. આ આયોગે 6 કેસની તપાસ કરી અને તેમાં જાણવા મળ્યું કે બધા નકલી ઍન્કાઉન્ટરના કેસ હતા.

વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે આ ઍન્કાઉન્ટરની તપાસ કરવા માટે સીબીઆઇની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી.
સીબીઆઇએ 39 એફઆઇઆર નોંધીને તપાસ કરી અને 30 કેસ અંગેનો પોતાનો રિપોર્ટ આપ્યો જેમાં 21 કેસમાં સંઘનાં સશસ્ત્ર દળો અને મણિપુર પોલીસની ભૂમિકા પર સવાલ કરવામાં આવ્યા.
આ 21 કેસમાંથી 6 કેસ એવા હતા જેમાં સીબીઆઇને સંઘનાં સશસ્ત્ર દળો નકલી ઍન્કાઉન્ટરમાં સામેલ જોવા મળ્યાં અને બાકીના કેસમાં લગભગ 100 મણિપુર પોલીસના કર્મીઓ નકલી ઍન્કાઉન્ટરમાં સામેલ જોવા મળ્યા.
એક તરફ તો મણિપુર સરકારે મણિપુર પોલીસને આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ પણ કેસમાં ભારતીય સેના કે અર્ધલશ્કરી દળો સામે કાયદેસર કાર્યવાહીની મંજૂરી નથી આપી.
બબલુ લોઇતોંગબામના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર પાસેથી પ્રૉસિક્યૂશન સૅન્ક્શન અથવા તો મુકદમો ચલાવવાની મંજૂરી ના મળવી તે જ ન્યાયના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે.
તેમણે કહ્યું કે, "દુર્ભાગ્યે ન્યાય મળવામાં ઘણો વધારે વિલંબ થઈ રહ્યો છે. અને એવું કહેવાય છે કે, ન્યાયમાં વિલંબ થવો એ ન્યાયથી વંચિત રાખવા બરાબર છે. પાંચ વર્ષ વીતી ગયાં પછીયે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી માટે બૅંચની રચના સુધ્ધાં નથી કરી. છેલ્લી સુનાવણી સપ્ટેમ્બર 2018માં થઈ હતી."

પ્રૉસિક્યૂશન સૅન્ક્શન

આખરે એવું કયું કારણ છે કે ઘણાં ઍન્કાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યા છતાં કેન્દ્ર સરકારે એક પણ કેસમાં ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી નથી આપી?
સુરક્ષાની બાબતોના વિશેષજ્ઞ અજય સાહની દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉન્ફ્લિક્ટ મૅનેજમૅન્ટમાં કાર્યકારી નિર્દેશક છે.
તેમણે કહ્યું કે, "સરકાર એવું વિચારે છે કે આપણે કોઈ પણ સૈનિક સામે કાર્યવાહી કરીશું તો એનાથી સેનાઓનું મનોબળ તૂટશે. હું આ વિચાર સાથે બિલકુલ સંમત નથી."
"જો તમે એ ખરાબ અધિકારીઓ કે ખરાબ સૈનિકો સામે કાર્યવાહી કરશો જે વ્યક્તિગત ઉદ્દેશો કે શ્રેય મેળવવાની હોડમાં એવી કાર્યવાહીઓ કરે છે, તો એનાથી સેનાના મનોબળ પર કશી અસર નહીં થાય. બલકે, જેઓ યોગ્ય કામ કરી રહ્યા છે એમને લાગશે કે જે લોકો એવી કાર્યવાહીઓ દ્વારા મેડલ જીતે છે કે પુરસ્કૃત થઈ રહ્યા છે એમને હટાવાઈ રહ્યા છે અને જે યોગ્ય કામ કરે છે એને સંરક્ષણ મળે છે."
તો કેન્દ્ર સરકારના તાજેતરના નિર્ણયને કઈ રીતે જોવામાં આવે?
અજય સાહનીએ કહ્યું કે, ઘણા સમયથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટના કાર્યક્ષેત્રની સમીક્ષા કરવાની જરૂર હતી.
એમણે કહ્યું કે, "આ સમીક્ષા એટલા માટે જરૂરી હતી કેમ કે એવા ઘણા વિસ્તારો છે જ્યાં આતંકવાદની ઘટનાઓ થતી રહી છે અને હવે ત્યાં ઘણાં વર્ષોથી હિંસાના સ્તરમાં ઘણો ઘટાડો થયો છે. પરંતુ સરકારે જે પહેલ કરી છે તે નાગાલૅન્ડના મોન જિલ્લામાં બનેલી દુર્ઘટનાની એક પ્રતિક્રિયા છે. આ એક તર્કસંગત નિર્ણય નથી અને આ સમગ્ર મુદ્દે એક વ્યાપક સમીક્ષાની જરૂર છે."

અફ્સ્પા હેઠળ વિશેષ સત્તાઓ

અફ્સ્પા અંતર્ગત સશસ્ત્ર દળોને અશાંત ક્ષેત્રોમાં સાર્વજનિક વ્યવસ્થાઓ જાળવી રાખવા માટે વિશેષ સત્તા આપવામાં આવી છે. આ કાયદાનો ઉપયોગ કરીને સશસ્ત્ર દળ કોઈ પણ વિસ્તારમાં પાંચ કે પાંચથી વધારે લોકોના ભેગા થવા સામે પ્રતિબંધ મૂકી શકે છે.
જો સશસ્ત્ર દળને લાગે કે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે તો એને યોગ્ય ચેતવણી આપ્યા પછી બળનો પ્રયોગ કરી શકાય છે અને ગોળી છોડી શકાય છે. સાથે જ આ કાયદો સશસ્ત્ર દળોને અમુક પ્રકારે શંકા થાય ત્યારે વૉરંટ વગર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરીને અને કોઈ પણ પરિસરમાં પ્રવેશીને ઝડતી લેવાનો અધિકાર આપે છે.
સમયાંતરે સશસ્ત્ર દળો પર આક્ષેપ થતા રહ્યા છે કે તેઓ આ વિશેષ સત્તાઓનો દુરુપયોગ કરે છે અને સીબીઆઇની તપાસમાં ઘણાં ઍન્કાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યા પછી એ આક્ષેપોને આધાર મળ્યો છે.
બબલુ લોઇતોંગબામે કહ્યું કે અફ્સ્પાના કારણે હિંસાનું એક ચક્ર બની ગયું છે. તેમણે કહ્યું કે, "ઉગ્રવાદથી નીપટવા માટે અફ્સ્પા હેઠળ વધારે બળપ્રયોગ થાય છે. એનાથી નાગરિક વસ્તીમાં જાનહાનિ થાય છે અને લોકોનો ગુસ્સો વધે છે અને વિદ્રોહ વધુ જન્મે છે."
"પૂર્વોત્તરમાં જે વિદ્રોહ એક સમૂહ દ્વારા શરૂ થયો તે આજે એટલો વધી ગયો છે કે તમે સક્રિય વિદ્રોહી સમૂહોની ગણતરી પણ ના કરી શકો. આ અફ્સ્પાની સીધી અસર છે."

'સત્ય ઉજાગર થવું જોઈએ'

મણિપુર જેવાં રાજ્યોમાં ભારતીય સેના અને સ્થાનિક પોલીસની સામે એવી ફરિયાદો થઈ રહી છે કે એમણે નકલી ઍન્કાઉન્ટર્સમાં સ્થાનિક નાગરિકોની હત્યા કરી છે. અહીંના લોકો એ વાતે પણ ઘવાયા છે કે ઘણાં બધાં ઍન્કાઉન્ટર નકલી સાબિત થયા પછીયે દોષિતો સામે હજુ સુધી કશીયે કાર્યવાહી કરવામાં નથી આવી.
એવા સંખ્યાબંધ પરિવારો છે જેમના માટે ન્યાયની પ્રતીક્ષા એક લાંબી પીડાકારક સફર રહી છે.
ઇમ્ફાલ શહેરથી થોડે દૂર સેકતા ગામમાં રીટા ફૈરોઇજામ એવી અનેક મહિલાઓમાંનાં એક છે જેઓ આજે પણ ન્યાય મળવાની રાહ જોઈ રહ્યાં છે. રીટાએ જણાવ્યું કે તેઓ પોતાનાં બાળકોથી છુપાવીને રડી લે છે અને આખી આખી રાત સૂઈ નથી શકતાં.
વર્ષ 2004માં રીટાના પતિ સાનાજિતનું એક સૈનિક કાર્યવાહીમાં મૃત્યુ થયું છે. કેસની તપાસ કર્યા પછી સીબીઆઇએ તે કાર્યવાહીને નકલી ઍન્કાઉન્ટર કહી અને ભારતીય સેનાના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ભલામણ કરી પરંતુ કેન્દ્ર સરકારે અફ્સ્પાનો આધાર ટાંકીને એની મંજૂરી ના આપી.
રીટા આજે પણ એ રાતને યાદ કરીને થથરી જાય છે.
તેમણે કહ્યું કે, "રાતના બાર-એક વાગ્યે એ લોકો આવ્યા. મારા પતિ સૂતા હતા. એમણે જગાડ્યા. મેં એમને પૂછ્યું કે એમનો ગુનો શો છે? પરંતુ એ લોકોએ કશું સાંભળ્યું નહીં."

થોડી વાર પછી રીટાને ખબર પડી કે એક સૈનિક કાર્યવાહીમાં એમના પતિનું મૃત્યુ થયું છે.
તેમણે કહ્યું કે, "હું ઇચ્છું છું કે સત્ય સામે આવે. મને એ વાતનું દુઃખ છે કે આ રીતે મારા પતિને મારી નાખવામાં આવ્યા. તેઓ એક સીધાસાદા માણસ હતા. એમની પર કઈ રીતે આરોપ થયો કે એમની પાસે હથિયાર છે, કેમ એમને વિના કારણ એવી રીતે મારી નંખાયા?"
રીટા ફૈરોઇજામે કહ્યું કે જો અફ્સ્પા હટાવી દેવાય તો સારું થશે. "અફ્સ્પાના કારણે ઘણા લોકોને મારી નંખાયા છે. મારા પતિ પણ એમાંના એક છે."
રીટા હવે પોતાનાં માતાપિતાના ઘરે રહે છે અને જુદાં જુદાં કામ કરીને પોતાનું અને પોતાનાં બાળકોનું ભરણપોષણ કરે છે.

પીડા અને ગુસ્સો

થોડેક જ દૂર ઇમ્ફાલ શહેરમાં એક માતા આજે પણ પોતાના પુત્રના મૃત્યુના દુઃખથી પીડાય છે. અપાવીના 22 વર્ષના પુત્ર અનિલ 2021માં એક સૈનિક કાર્યવાહીમાં મૃત્યુ પામ્યા છે.
અપાવીના મનમાં દુઃખની સાથોસાથ ગુસ્સો ભરાઈ ગયો છે. તેમણે કહ્યું કે, "જેણે મારા પુત્રને માર્યો એને હું મારી નાખવા માગું છું. હું ચાકુથી એના ટુકડેટુકડા કરી નાખવા માગું છું."
અપાવીએ કહ્યું કે, જ્યારે પણ કોઈ તહેવાર આવે છે તો એમને પોતાના પુત્રની વધારે યાદ આવે છે.
પોતાનાં આંસુ લૂછતાં તેમણે કહ્યું, "મારી જીવવાની ઇચ્છા ખતમ થઈ ગઈ છે. હું ઇચ્છું છું કે સત્ય સામે આવે અને જે મારા પુત્રના મૃત્યુ માટે જવાબદાર છે એને સજા મળે. અમારા નિર્દોષ બાળકો જે રીતે ખોટા આરોપો લગાડીને મારી નંખાય છે, તે ના થવું જોઈએ."

'ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ'

મણિપુરમાં એવાં જ પીડિત પરિવારોનાં લોકોએ એક્સ્ટ્રા જ્યુડિશિયલ એક્ઝિક્યૂશન વિક્ટિમ ફૅમિલીઝ મણિપુર (EEVFAM)ના નામની એક સંસ્થા બનાવી છે જેના દ્વારા તેઓ પોતાના મરાયેલા પરિજનો માટે ન્યાયની લડાઈ લડે છે.
EEVFAMનાં અધ્યક્ષ રેણુ તાખેલમ્બમના પતિ પણ વર્ષ 2007માં એક સૈનિક કાર્યવાહીમાં મરાયા છે. તેમણે કહ્યું કે, "અમને હજુ સુધી ન્યાય તો નથી મળ્યો પરંતુ અમને આશા છે કે કોઈ ને કોઈ દિવસ અમે તે હત્યાઓ પાછળની સચ્ચાઈની ખોજ કરી શકીશું."
એડિના યાઇખોમ અને નીના નિંગોમબામના પતિઓ પણ સૈન્ય કાર્યવાહીઓમાં મરાયા છે. પોતાનાં બાળકોના સારા ઉછેર સિવાય એ બંનેનું હાલ એક જ લક્ષ્ય છેઃ ન્યાય.
એડિના યાઇખોમે કહ્યું કે, તેઓ નથી જાણતાં કે ન્યાય મળવામાં કેટલો સમય લાગશે પરંતુ તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી ન્યાય માટે લડતાં રહેશે.
નીના નિંગોમબામે કહ્યું કે, "મારા પતિની હત્યા કરી દેવાઈ અને એમને એક સંદિગ્ધ આતંકવાદી કહીને ફસાવાયા. મારે એમના નામ પરથી એ ડાઘ ધોવો છે કેમ કે હું નથી ઇચ્છતી કે મારાં બાળકોને એમના ભવિષ્યના જીવનમાં કોઈ પ્રકારના ઉત્પીડનનો સામનો કરવો પડે."

વર્ષ 2004નું એ દૃશ્ય ભૂલવું મુશ્કેલ છે જ્યારે 12 મણિપુરી મહિલાઓએ ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના મુખ્યાલયની સામે નિર્વસ્ત્ર થઈને એક 32 વર્ષીય મહિલા પરના સામૂહિક બળાત્કાર અને હત્યા સામે દેખાવો કર્યો હતો.
એ પ્રદર્શનકારી મહિલાઓમાં લૌરેમબામ નગાનબી પણ સામેલ હતાં.
પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોને અશાંત ક્ષેત્રની યાદીમાંથી હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને તેઓ એક લાંબા સંઘર્ષનું પરિણામ માને છે.
તેમણે કહ્યું કે, "આ અમારા સંઘર્ષ, ઇરોમ શર્મિલાના ઉપવાસ અને EEVFAM દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ તમામ કેસનું પરિણામ છે. આ બધાના કારણે જ કેટલાક વિસ્તારોમાંથી અફ્સ્પાને હટાવી દેવાયો છે. કંઈ ન થવા કરતાં કશુંક થવું સારું છે. અમે ઇચ્છીએ છીએ કે પૂર્વોત્તરમાંથી અફ્સ્પા સંપૂર્ણપણે હટાવી દેવાય."
કેટલાક વિસ્તારોમાંથી અફ્સ્પા હટી જવો તે પૂર્વોત્તરના લોકો માટે આશાનું એક કિરણ છે.
પરંતુ ભૂતકાળમાં મળેલાં જખમો પર કદાચ ત્યારે જ મલમ લાગશે જ્યારે એમના પરિજનોનાં મૃત્યુનું સત્ય ઉજાગર થશે અને ન્યાય થશે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












