ગુજરાત સ્થાપના દિવસ : ડાંગ મહારાષ્ટ્રમાં જતાંજતાં ગુજરાતમાં કેવી રીતે આવી ગયું?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
મોરારજી દેસાઈએ જ્યારે ડાંગને મરાઠી પ્રદેશ ગણાવ્યો અને ઊહાપોહ થયો હતો. તારીખ 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્ય - બૉમ્બે સ્ટેટમાંથી બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં, ગુજરાત અને મહારાષ્ટ્ર.
બે રાજ્યો માટે સંયુક્ત મહારાષ્ટ્ર અને મહાગુજરાત એમ બે આંદોલનો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયાં હતાં. ભાષાવાર પ્રાંતરચનાનાં ધોરણે બે અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
એ વખતે મુંબઈ ગુજરાતમાં જશે કે મહારાષ્ટ્રમાં એ મુખ્ય વિવાદ થયો હતો, કારણ કે મુંબઈમાં પણ ગુજરાતીઓની વસતી હતી.
જોકે, મુંબઈ ઉપરાંત ડાંગ જિલ્લો ગુજરાતમાં જશે કે મહારાષ્ટ્રમાં એનું પણ કોકડું ગૂંચવાયું હતું.
મુંબઈ મોટું શહેર હતું તેથી એનો જે વિવાદ થયો તેનાં વિશે ખૂબ લખાયું છે પરંતુ ડાંગ એક અંતરિયાળ આદિવાસી વિસ્તાર હતો તેથી તેનો જે વિવાદ હતો તેના વિશે ખાસ લખાયું નથી.
ગુજરાતના આઝાદી પછીના ઇતિહાસમાં પણ ડાંગ વિશે ઓછો ઉલ્લેખ મળે છે. બહુ લાંબી દડમજલ પછી ડાંગ ગુજરાતને મળ્યું હતું.

'ડાંગ કોનું?' એવી પુસ્તિકાઓ પણ બહાર પાડવામાં આવી હતી

ઇમેજ સ્રોત, UMESH GAVIT
સામાન્ય રીતે, બે રાજ્યો ભૌગોલિક રીતે જ્યાં સ્પર્શતાં હોય તે સરહદના વિસ્તારમાં બંને રાજ્યોની રહેણીકરણી, ભાષા કે બોલીની અસર જોવા મળતી હોય છે.
જેમકે ગુજરાતમાં રાજસ્થાનને અડીને આવેલાં ઘણાં ગામોમાં ઘણાં રીતિરિવાજ, પહેરવેશ અને બોલીમાં રાજસ્થાની છાંટ જોવા મળે છે. કચ્છના લોકસંગીતમાં પાકિસ્તાનના સિંધના સંગીતની અસર જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવી જ રીતે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં સરહદી ગામોમાં પણ બંને રાજ્યોની ભાષા અને રહેણીકરણીની કેટલીક સમાનતા જોવા મળે છે.
મરાઠી પ્રજાનો દાવો હતો કે ડાંગની ભાષા મરાઠી છે. જ્યારે ગુજરાતીઓનો દાવો હતો કે ડાંગની સંસ્કૃતિ ગુજરાતી છે. બીબીસી ગુજરાતીના પત્રકાર જય મકવાણાના રિપોર્ટમાં જણાવાયું છે કે, મરાઠી નેતાઓ ડાંગને 'સંયુક્ત મહારાષ્ટ્ર'માં ભેળવવા તત્પર હતા. 'ડાંગ કોનું?' એવી પુસ્તિકાઓ પણ બહાર પાડવામાં આવી હતી.
છોટુભાઈ નાયક, ઘેલુભાઈ નાયક જેવા સર્વોદય કાર્યકરોએ ડાંગની ગુજરાતી સંસ્કૃતિના દિલ્હી સુધી પુરાવા આપ્યા હતા અને એ રીતે ડાંગ મહારાષ્ટ્રને બદલે ગુજરાતનો હિસ્સો બન્યું હતું.
મુંબઈ રાજ્યના વિભાજનના પ્રશ્નના નિકાલ માટે કૉંગ્રેસ મોવડી મંડળે સાત સભ્યોની સમિતિ રચી હતી. હિંસા અને અવિશ્વાસના એ સમયમાં 06 ડિસેમ્બર, 1959ના રોજ દિલ્હીમાં સમિતિની બેઠક મળી હતી.
એ બેઠક પછી ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતે જણાવ્યું હતું કે, મુંબઈની બાબતમાં સમજૂતી સધાઈ ગઈ છે (એટલે કે મુંબઈ મહારાષ્ટ્રમાં જશે.) જ્યારે ડાંગને ગુજરાતમાં ભેળવવામાં આવશે.
આ બેઠકના બીજા જ દિવસે મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને આખરી મંજૂરી આપી દેવાઈ. આખરે મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર અને ડાંગ સાથેનું ગુજરાત અલગ પડ્યાં હતાં.

મોરારજી દેસાઈએ ડાંગને મરાઠી વિસ્તાર ગણાવ્યો હતો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બૉમ્બે સ્ટેટમાંથી બે રાજ્યો બન્યાં એ વખતે મરાઠીભાષી વિસ્તારોમાં 'સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ' શરૂ થઈ ચૂકી હતી. તો આ તરફ વલ્લભ વિદ્યાનગરના ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા)ની પ્રેરણાથી 'મહાગુજરાત પરિષદ' રચવામાં આવી હતી.
તેના આયોજક અમૃત પંડ્યાએ મરાઠી નેતાઓ પર એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાતી ભાષા બોલતા વિસ્તારોમાં મરાઠી નેતાઓ મરાઠી લોકોને વસાવી, સ્થાનિક પ્રજાની વિરુદ્ધ રાજભાષા અને કેળવણીની ભાષા તરીકે મરાઠી ભાષા સ્થાપી એ વિસ્તારને 'સંયુક્ત મહારાષ્ટ્ર' તરીકે માગવાનો કારસો રચી રહ્યા છે.
ડાંગ અને સાલ્હેર પ્રદેશો પણ આ જ ષડ્યંત્રનો દાખલો હોવાનું અમૃત પંડ્યા માનતા હતા.
મરાઠી નેતાઓ ડાંગ, વાંસદા, ધરમપુર, નેસુપ્રદેશ, સાગબારા, ડેડિયાપાડા વગેરે વિસ્તારોને 'સંયુક્ત મહારાષ્ટ્ર'માં સામેલ કરવા પ્રયાસો કરી રહ્યા હતા.
મોરારજી દેસાઈએ પણ ભાષાના આ જ પરિબળને ધ્યાનમાં લઈને ડાંગ અને આસપાસના વિસ્તારને 'મરાઠી વિસ્તાર' ગણાવી દીધો હતો. એ વખતે તેઓ મુંબઈ રાજ્યના ગૃહમંત્રી હતા. તેમના નિવેદન પછી ગુજરાતમાં ઊહાપોહ થયો હતો.

ડાંગ ક્યા રાજ્યમાં જાય એ નિર્ણય પ્રધાનોએ નહીં, નિષ્ણાતોએ કરવો જોઈએ

ઇમેજ સ્રોત, UMESH GAVIT
મુંબઈના તત્કાલીન મુખ્ય મંત્રી બાળાસાહેબ ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ ડાંગની મુલાકાત લીધી હતી. એ પછી મોરારજીભાઈએ કહ્યું હતું કે ડાંગપ્રદેશની ભાષા - રહેણીકરણી વગેરે ગુજરાતી કરતાં મરાઠી વિશેષ છે.
મુંબઈ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો નિર્ણય ડાંગની પ્રજાના શૈક્ષણિક વિકાસને લઈને છે, એ પ્રદેશને ભવિષ્યમાં કોની સાથે જોડવો એ અંગે નથી. ગુજરાતીમાં ભણાવવા માગતાં માબાપ 40 વિદ્યાર્થીઓ મોકલી શકે ત્યાં ગુજરાતી શિક્ષણ મૂકવાની પણ વ્યવસ્થા રાખી છે.
ટૂંકમાં, ડાંગ મહારાષ્ટ્રમાં જાય એ માટેની તૈયારીના ભાગરૂપે એ રજૂઆત હતી. આનો ઉલ્લેખ ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ઉમાશકંર જોશીએ પોતાના સામયિક 'સંસ્કૃતિ'માં પણ કર્યો છે. ઉમાશંકર જોશીની સલાહ હતી કે ડાંગ ગુજરાત કે મહારાષ્ટ્રમાં જાય એ નિર્ણય કોઈ પ્રધાનો નહીં પણ નિષ્ણાતોની સમિતિ દ્વારા થવો જોઈએ.
એ વખતે ઉમાશંકર જોશીએ લખ્યું હતું કે, "ડાંગ મહારાષ્ટ્રનું હોય અને મહારાષ્ટ્રમાં જાય તો તેનો વાંધો ન હોઈ શકે. પણ કેટલાંક વહીવટી અને ભાષાકીય કારણોથી ગુજરાત તેને પોતાનું માને એવી વિચારવા જેવી વિગતો હોઈ, ગુજરાતને એ થાય એ સ્વાભાવિક છે કે બે પ્રધાનોને બદલે કોઈ નિષ્ણાત પંચ પાસે નિર્ણય અપાવ્યો હોત તો ઠીક થાત.''
''એવી સમિતિ નીમાઈ પણ હતી. પણ એની બહુ મદદ મળી શકી નહીં. છેવટે પ્રધાનો ડાંગમાં જઈ આવ્યા અને સરકારે નિર્ણય લીધો. આ અંગે ગુજરાતમાં જે વિરોધ જાગ્યો છે તેનો પ્રધાન સૂર એ છે કે આપણા એ બે પ્રધાનો ગમે તેવા કાબેલ હોય છતાં આવા પ્રશ્ન અંગે નિર્ણય આપવાની જવાબદારી એમણે ઉપાડવી જોઈતી ન હતી."
"કોઈ ભાષા - રહેણી વગેરેની ઊંડી અને નિષ્પક્ષ તપાસ કરી શકે એવા નિષ્ણાત પંચને એ કામ સોંપવું જોઈતું હતું. આ માગણી ન સંતોષી શકાય એવી નથી."
મુંબઈ સરકારે ડાંગની પ્રજાના વિકાસ માટે ત્યાંના શૈક્ષણિક વિકાસની વાત મૂકી હતી. એ વિશે ઉમાશકંર જોષીએ કહ્યું હતું કે, "એ કામ તો ત્યાંની સ્થાનિક ડાંગી બોલીમાં કરી શકાય. અથવા તો મરાઠી - ગુજરાતી બંને ભાષામાં પ્રજાને પસંદગીની છૂટ સાથે ચલાવી શકાય."
બીજો વિકલ્પ વિદુષી અને સાહિત્યકાર વિદ્યાગૌરી નીલકંઠે સૂચવ્યો હતો. ઉમાશકંર જોશીએ તેમના નામ સાથે નિવેદન ટાંક્યું હતું.

મરાઠી નેતા એસ.એમ.જોષીની ડાંગ મુદ્દે ભૂમિકા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
મરાઠીઓની ડાંગની માગ ધીમી પડી ગઈ એની પાછળ સમાજવાદી નેતા એસ.એમ. જોષીનું વલણ પણ જવાબદાર માની શકાય. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના અગ્રણી નેતા હતા.
'લે કે રહેંગે મહાગુજરાત' પુસ્તકમાં બ્રહ્મકુમાર ભટ્ટ લખે છે કે, "મુંબઈમાં મળેલી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિની એક બેઠકમાં સમાજવાદી નેતા એસ.એમ. જોષીએ ખુલ્લામાં જાહેરાત કરી હતી કે, કેટલાક લોકોએ ડાંગનો વિસ્તાર ગુજરાતને સોંપી દેવાની વાતનો વિરોધ કરેલો છે. તે તદ્દન ગેરવાજબી અને અવ્યવહારુ છે."
મહારાષ્ટ્રમાં સામ્યવાદીઓનો આગ્રહ હતો કે ડાંગ ગુજરાતમાં ન જવું જોઈએ. તેમણે આંદોલનની ચીમકી પણ આપી હતી.
'લે કે રહેંગે મહાગુજરાત' પુસ્તકમાં લેખક લખે છે કે આંદોલનની ચીમકીને પગલે "એસ.એમ.જોષીએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી અને જણાવ્યું હતું કે, જ્યારે દેશની સરહદો ઉપર અથડામણ થતી હોય ત્યારે પણ આંદોલનની વાત કરનારા લાલ બાંધવો માત્ર ડાંગમાં આંદોલન ચલાવવા માગે છે."
એ જ અરસામાં ભારતની સરહદે ચીને આક્રમણ કર્યું હતું.

ઉમાશંકર જોશી પણ માનતા હતા કે ડાંગ કદાચ મહારાષ્ટ્રમાં જશે

ઇમેજ સ્રોત, gujaratisahityaparishad.com
બાળાસાહેબ ખેર અને મોરારજી દેસાઈનાં નિવેદન બાદ ઊહાપોહ થયો એ પછી સરકારે એવું પણ કહ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રદેશ ક્યા ભાષાકીય પ્રાંતને મળે તેને અંગે પોતે નિર્ણય આપ્યો નથી.
એક તબક્કે ઉમાશકંર જોશી પણ માનતા હતા કે ડાંગ કદાચ મહારાષ્ટ્રમાં જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, "અમારું માનવું છે કે નિષ્પક્ષ નિષ્ણાત પંચનો નિર્ણય બહુધા મહારાષ્ટ્રના પક્ષમાં આવશે. પણ ગુજરાત વિશે છાતી ઠોકીને કહી શકાય એવું છે કે એવો નિર્ણય તે માથે ચઢાવશે."
આઝાદી અગાઉ ડાંગ પ્રદેશમાં 14 રાજાઓનું શાસન હતું. એ વખતે ડાંગ પ્રદેશ સુરત અને નાસિક જિલ્લા વચ્ચે આવતો હતો. ડાંગની વસતી પચાસ હજાર હતી અને ડેપ્યુટી પૉલિટિકલ એજન્ટ તેના વહીવટદાર હતા. દેશ આઝાદ થયો એ પછી 19 જાન્યુઆરી 1948ના રોજ મુંબઈ રાજ્ય સાથે તેનું જોડાણ કરવામાં આવ્યું હતું.
અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ પુસ્તકમાં લેખક શિવપ્રસાદ રાજગોર લખે છે કે, "બાળાસાહેબ ખેર અને મોરારજી દેસાઈએ ડાંગ મરાઠીભાષી છે એવો નિર્ણય લઈ લીધો હતો તેની સામે ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિએ અને ગુજરાતની જનતાએ વિરોધ ઉઠાવતાં ડાંગને નાસિક સાથે ન જોડતાં અલગ જિલ્લાનો દરજ્જો અપાયો હતો."
"અને સ્વતંત્ર કલેક્ટરની હકૂમત નીચે મૂક્યો હતો. ગુજરાત રાજ્યની રચના થતાં ડાંગ ગુજરાતમાં મૂકવામાં આવ્યું હતું. તેના માત્ર નાસિક જિલ્લાના સરહદી બાર ગામો મહારાષ્ટ્રમાં જોડવામાં આવ્યાં છે."

સરહદોના વિવાદ ભાષાનાં ધોરણે ઉકેલાવા જોઈએ કે નહીં?

ઇમેજ સ્રોત, KALPIT S BHACHECH
ઉમાશંકર જોષી એવું માનતા હતા કે, "સરહદોના વિવાદ ભાષાપ્રેમને આધારે ઉકેલવાની જરૂર હોતી નથી.
તેમણે કહ્યું હતું કે, "કોઈ પણ ભાષા બોલનારો વર્ગ મોટો હોય કે નાનો હોય એની ઉપર એ ભાષાના ઉદયનો પ્રશ્ન અવલંબતો નથી. શેક્સ્પિયરે જ્યારે એની વિશ્વમોહિની નાટ્યવાણી રેલાવી ત્યારે અંગ્રેજી એ માત્ર મુઠ્ઠીભર માણસોથી બોલાતી ભાષા હતી."
"સરહદોના ઝઘડામાં ભાષાપ્રેમથી પ્રેરાઈને ઝંપલાવવાની ભાગ્યેજ જરૂર હોય. એવા ઝઘડામાં પડનારાઓને રાજકારણી રસ જ મુખ્ય હોય."
ડાંગ વિશેના નિર્ણયમાં ભાષાએ મુખ્ય ભાગ ભજવ્યો હોઈ ગુજરાતી ભાષાના સાહિત્યકારોએ પણ એ પ્રશ્ન ઉપાડી લેવાની જવાબદારી પોતાને શિરે આવી પડી માની હતી.
ઉમાશકંર જોશી માનતા હતા કે, "સંગીતકારો કે સાહિત્યકારોએ માત્ર ભાષા કે પ્રાંતની સંકુચિતતા સાથે આ મુદ્દાને ન જોવો જોઈએ.
ભારતીય શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ એવા પંડિત ઓમકારનાથ ઠાકુરે ડાંગ જિલ્લો મહારાષ્ટ્રમાં ન જાય તે માટે ઝુંબેશ ચલાવી હતી.
ઉમાશંકર જોશીએ તેમનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે, "પૂરી અદબ સાથે નમ્રતાપૂર્વક પં. ઓમકારનાથજીને કહી શકાય કે એકંદરે જે કામ ખોખરા થઈ ગયેલા ઢોલથી થઈ શક્યું નથી. અને તે પણ ધ્યાનમાં રાખીએ કે ઢોલ પીટનારા તો ગામમાંથી અસંખ્ય નીકળશે, પંડિતજી જેવો વીણાવાદક તો સૈકે કોઈ એકાદ પાકે તો પણ ન્યાલ થઈ જઈએ."
"આ પ્રશ્નમાં આટલો રસ લેવાયો છે તો એક પ્રશ્ન પૂછી શકાય? ડાંગમાં ઇમારતી લાકડા માટે વેપારીઓ ગયા હશે, કલાલો ગયા હશે, અમલદારો ગયા હશે, સંસ્કારસેવીઓ કેટલા ગયા? અગત્સ્યની પેઠે એ દણ્ડકારણ્યમાં બેસનાર કોઈ નીકળે - ગુજરાત કે મહારાષ્ટ્ર ગમે ત્યાંથી - એવી આશા રાખીએ."

ડાંગ જિલ્લા લોકલબોર્ડની ચૂંટણી
એક વિગત એવી પણ છે કે 1957-58માં ડાંગ જિલ્લા લોકલ બોર્ડની સ્થાપના થઈ હતી. ડાંગ જિલ્લા લોકલ બોર્ડની ચૂંટણીનાં પરિણામો ઉપર એ નિર્ભર કરતું હતું કે ડાંગ પ્રદેશ મહારાષ્ટ્રમાં રહેશે કે ગુજરાતમાં જશે. ગુજરાતની પૅનલ અને મહારાષ્ટ્રની પૅનલ વચ્ચે લોકલ બોર્ડની 30 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી.
જે પૈકી 26 બેઠકો ગુજરાતની પૅનલને મળી હતી. એ પછી રચાયેલા લોકલ બોર્ડમાં નવા પ્રમુખ તરીકે છોટુભાઈ નાયકના સાંનિધ્યમાં ડાંગ પ્રદેશ ગુજરાત સાથે જોડાશે તેવો ઠરાવ થયો. આ વિગત સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થઈ હતી.
સાથે તેમાં જણાવાયું હતું કે આ ઠરાવના વિરોધમાં ડાંગ જિલ્લા લોકલ બોર્ડના ચાર સભ્યો કે જેઓ ડાંગ પ્રદેશ મહારાષ્ટ્ર સાથે જોડાય તેમ ઇચ્છતા હતા તેમણે સભા ત્યાગ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત પૅનલમાંથી ચૂંટાયેલા કાર્યકરો પૈકી દસ કાર્યકરો ગુજરાતના હતા અને 16 કાર્યકરો સ્થાનિક આદિવાસી હતા.
આ ખટપટ ઈ.સ. 1960 સુધી ચાલી હતી. દરમિયાન ડાંગના કાર્યકરોએ રાષ્ટ્રીય આગેવાન જવાહરલાલ નહેરુને મળી ડાંગની પરિસ્થિતિથી વાકેફ કર્યા.
નહેરુ સમજ્યા અને ત્યાર બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ સાથે પણ મુલાકાત ગોઠવાઈ. આખરે ડાંગ ગુજરાતમાં જોડાય એવું નક્કી થયું હતું.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












