રશિયા મુદ્દે ભારતને સલાહ આપનારા યુએસ-યુરોપ પર જયશંકરે કેવો પલટવાર કર્યો?
યુક્રેન વિરુદ્ધ રશિયાની આક્રમકતાની નિંદા ન કરવાને લઈને પશ્ચિમના દેશોની ટીકાનું પાત્ર બનેલ ભારતે મંગળવારે યુરોપ અને અમેરિકા પર પલટવાર કર્યો અને તેમના પર એશિયામાં ચીનના આક્રમક વ્યવહાર અંગે બેદરકારી દાખવવાની અને તાલિબાન સાથે સમાધાન કરીને 'અફઘાનિસ્તાનને સંકટમાં ધકેલવા'નો આરોપ લગાવ્યો.

ઇમેજ સ્રોત, Getty Images
જયશંકરે કહ્યું, "તમે યુક્રેન વિશે વાત કરી. મને યાદ છે, એક વર્ષ કરતાં પણ ઓછા સમય અગાઉ, અફઘાનિસ્તાનમાં શું થયું હતું, જ્યાં નાગરિકોને વિશ્વે એક સંકટ તરફ ધકેલી દીધા."
યુરોપિયન કમિશનનાં અધ્યચક્ષ ઉર્સુલા વૉન દેર લિયેનના પ્રવાસના એક દિવસ બાદ વિદેશમંત્રીએ આ નિવેદન આપ્યું છે. વૉન દેરે પોતાના પ્રવાસ દરમિયાન બૂચામાં થયેલ હત્યાઓને "આંતરરાષ્ટ્રીય કાયદાનો ગંભીર ઉલ્લંઘન" ગણાવ્યું અને કહ્યું કે યુક્રેનમાં યુદ્ધનાં પરિણામ ન માત્ર યુરોપના ભવિષ્યને નિર્ધારિત કરશે પરંતુ ભારત-પ્રશાંત ક્ષેત્ર અને સંપૂર્ણ વિશ્વ પર તેની "ઘેરી અસર" પડશે.
તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયના તમામ સભ્યોને સ્થાયી શાંતિના પ્રયાસોનું સમર્થન કરવાનો આગ્રહ કર્યો અને ભારતના સમર્થનની અપીલ પણ કરી.

યુરોપ અને અમેરિકાને જયશંકરનો જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
રાયસીના ડાયલૉગમાં લક્ઝ્મબર્ગના વિદેશમંત્રી જીન એસ્સેલબોર્નના એક અન્ય સવાલના જવાબમાં જયશંકરે કહ્યું, "જો આ પડકારોને સિદ્ધાંતના સંદર્ભમાં મૂકવામાં આવે તો જ્યારે એશિયામાં આવો જ એક પડકાર અમારા સામે હતો (ચીનના વ્યવહારના કારણે) ત્યારે અમને યુરોપ પાસેથી સલાહ મળી કે અમારે ચીન સાથે વેપાર વધારવો જોઈએ. ઓછામાં ઓછું અમે તમને એવી સલાહ તો નથી જ આપી રહ્યા. અને અફઘાનિસ્તાનના સંદર્ભમાં મને જણાવવામાં આવે કે આખરે કયા નિયમ-આધારિત આદેશોને વિશ્વે ત્યાં લાગુ કર્યા?"
ભારત એવું કહેતું રહ્યું છે કે અમેરિકા, બ્રિટન અને પશ્ચિમના અન્ય દેશોએ ન માત્ર ભારત વિરુદ્ધ, પરંતુ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં અન્ય દેશો વિરુદ્ધ પણ ચીનના વધતાં જતાં આક્રમક વ્યવહાર પ્રત્યે બેદરકારી દાખવી છે.
વિદેશમંત્રી જયશંકરની આ ટિપ્પણી યુરોપિયન કમિશનનાં અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લિયેનના રાયસીના ડાયલૉગમાં અપાયેલા ભાષણ અંગે આવી છે. જેમાં તેમણે ભારતને યુક્રેન વિરુદ્ધની આક્રમકતાની ટીકાથી બચવા માટે પોતાની નીતિ છોડવા માટે કહ્યું અને પૂર્વ રશિય અને ચીન વચ્ચે ગાઢ સંબંધોને લઈને ચેતવણી આપી.

'આ એશિયાને લઈને યુરોપ માટે વેકઅપ કૉલ છે'

ઇમેજ સ્રોત, TWITTER/DRSJAISHANKAR
ભારત રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે વાતચીત અને મુસદ્દીપણાનો આશરો લેવાનું કહેતું રહ્યું છે. જોકે ભારતે અત્યાર સુધી યુક્રેનમાં સૈન્યઅભિયાન શરૂ કરવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પગલાની નિંદા નથી કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયા સાથે ભારતના દાયકાઓ જૂની વ્યૂહરચનાત્મક ભાગીદારી અન સૈન્ય હથિયારોને લઈને ભારતની રશિયા પર નિર્ભરતાને જોતાં ભારતે યુદ્ધ પર પોતાનું વલણ ખૂબ સચેત રાખ્યું છે.
સ્વીડનના ભૂતપૂર્વ વડા પ્રધાન કાર્લ બિલ્ડ્ટે પણ જયશંકરને પ્રશ્ન પૂછ્યો કે યુક્રેન વિરુદ્ધ રશિયાના યુદ્ધથી ચીન શું નિષ્કર્ષ કાઢી શકે છે અને શું કૉમ્યુનિસ્ટ પાર્ટી સ્થિતિનો લાભ ઉઠાવી શકે છે કે કેમ અને એશિયા પોતાના આક્રમક વલણને હજુ વધારી શકે છે કે કેમ?
આના જવાબમાં જયશંકરે કહ્યું, "પાછલા એક દાયકાથી એશિયા વિશ્વનો એક સરળ ભાગ નથી રહ્યો અને આ વિશ્વનો એક એવો ભાગ છે જ્યાંની સરહદો નક્કી નથી થઈ શકી, જ્યાં આતંકવાદ હજુ પણ પ્રચલિત છે, અવારનવાર દેશ જ તેને વેગ આપે છે. આ દુનિયાનો એ ભાગ છે જ્યાં એક દાયકા કરતાં વધુ સમયથી નિયમો પર આધારિત વ્યવસ્થા સતત તાણ અને સંકટમાં છે અને મને લાગે છે કે એશિયાની બહાર, બાકીના વિશ્વ માટે આજે તેને ઓળખવું એ મહત્ત્વપૂર્ણ છે."
ભારતે સ્પષ્ટપણે આ પૉઇન્ટનો ઉલ્લેખ કર્યો જેના પર યુરોપે ધ્યાન આપવામાં મોડું કરી દીધું અને તે છે ચીનનો વ્યવહાર, ભારતે જણાવ્યું કે ચીન પહેલાંથી જ એશિયમાં નિયમ-આધારિત વ્યવસ્થાને પડકારી રહ્યું છે, ના માત્ર ભારત સાથે વિવાદિત સરહદ પર પોતાની આક્રમકતા દ્વારા પરંતુ દક્ષિણ ચીન સાગર, પૂર્વ ચીન સાગર અને તાઇવાનના અખાત સાથે સમગ્ર ભારત-પ્રશાંત ક્ષેત્રમાં તે આવું કરી રહ્યું છે.
જયશંકરે કહ્યું કે, "પાછલાં દસ વર્ષોથી એશિયામાં આવું બધું થઈ રહ્યું છે. યુરોપે કદાચ તે ન જોયું હોય તો યુરોપ માટે એશિયા તરફ જોવા માટે આ એક વેક-અપ કૉલ હોઈ શકે છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












