ગુજરાત ધર્મપરિવર્તન : ધર્મ બદલનાર આદિવાસી-દલિતોને અનામતનો લાભ ન આપવાની માગણી, શું છે જોગવાઈ?

ભારતીય જનતા પાર્ટીના ભરૂચ સંસદીયક્ષેત્રના સાંસદ મનસુખ વસાવાએ રવિવારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે, 'જે આદિવાસીઓએ હિંદુ ધર્મનો ત્યાગ કરી અન્ય કોઈ ધર્મ અપનાવ્યો હોય તેમને અનામતના લાભ ન મળવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.'

ભૂતકાળમાં પણ અનામત મેળવતા ઘણા સમાજોના આગેવાનો અને અન્ય લોકો દ્વારા પણ કંઈક આવા જ મત વ્યક્ત કરાયા હતા.

મનસુખ વસાવા

ઇમેજ સ્રોત, FACEBOOK/MANSUKH VASAVA

ઇમેજ કૅપ્શન, મનસુખ વસાવા

નોંધનીય છે કે ભારતના બંધારણના સેક્શન 25માં ભારતના દરેક નાગરિકને કોઈ પણ ધર્મના સ્વીકાર, પાલન અને પ્રચારનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે.

ત્યારે ધર્મપરિવર્તનના આધારે અનામતના લાભ મળતા અટકાવી શકાય કે કેમ? તે અંગે વ્યાપક ચર્ચા શરૂ થઈ છે.

આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી.

line

'ધર્મપરિવર્તનથી ભૂતકાળના અન્યાય મટી જતા નથી'

દલિત-આદિવાસીઓને ધર્મપરિવર્તન બાદ અનામતના લાભ અંગે ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દલિત-આદિવાસીઓને ધર્મપરિવર્તન બાદ અનામતના લાભ અંગે ચર્ચા

ગુજરાતમાં દલિત અધિકાર માટે અવાજ ઉઠાવતા સમાજસેવક રાજુ સોલંકી ધર્મપરિવર્તનથી અનામતનો લાભ મળતો અટકે તે બાબત અંગે બિલકુલ સંમત થતા નથી.

તેઓ કહે છે કે, "21મી સદીમાં કોઈ આદિવાસી કે દલિતના ધર્મપરિવર્તન કરી લેવાથી આ સમુદાયો સાથે ઐતિહાસિક અન્યાયોની હકીકત બદલાઈ જતી નથી. આ સાથે જ માત્ર ધર્મપરિવર્તન કરવાથી જ તેમને જે સામાજિક કે આર્થિક અક્ષમતાઓનો સામનો કરવો પડે છે તેનો નિકાલ આવી જતો નથી. તેથી માત્ર ધર્મપરિવર્તનના આધારે અનામતના લાભ આ લોકોને મળતા અટકે એ યોગ્ય નથી."

આદિવાસી સમાજના કલ્યાણ માટે કામ કરતા કર્મશીલ આનંદ મઝગાંવકર પણ ધર્મપરિવર્તનને કારણે જ્ઞાતિ આધારિત લાભ મળતાં અટકી જવા જોઈએ એ વાતને અયોગ્ય ગણાવે છે.

તેઓ કહે છે કે, "બંધારણસભાની અનામત અંગેની ચર્ચામાં અનામતને વ્યક્તિના સામાજિક દરજ્જા સાથે સાંકળીને જોવામાં આવી છે. તેથી માત્ર ધર્મ બદલી લેવાથી જે-તે વ્યક્તિની તેના જન્મ સમયની જ્ઞાતિ બદલાઈ જતી નથી. તેથી જ્ઞાતિને આધારે મળતા લાભો પણ ન અટકી શકે."

મઝગાંવકર આગળ કહે છે કે, "ઘણા આદિવાસીઓ અને દલિતો સાથે ધર્મ બદલ્યા બાદ પણ કોઈક ને કોઈક સ્વરૂપમાં ભેદભાવ રખાતો હોય છે. તેથી માત્ર ધર્મ બદલવા માત્રથી તેમને ભોગવવી પડતી સામાજિક મુશ્કેલીઓનો ઉકેલ આવી જાય છે એવું ન કહી શકાય."

line

શું કહે છે કાયદાના નિષ્ણાત?

ધર્મપરિવર્તન અને જ્ઞાતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ધર્મપરિવર્તન અને જ્ઞાતિ

ગુજરાત હાઇકોર્ટના વકીલ અને કાયદાના નિષ્ણાત ઍડ્વોકેટ બાબુભાઈ મંગુકીયા આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, "ભારતના બંધારણમાં જે તે જ્ઞાતિને અનામત આપવામાં આવી છે, ના કે કોઈ ધર્મ સાથે સંકળાયેલી જ્ઞાતિને. જ્ઞાતિ એ જન્મજાત હોય છે. તે બદલી ન શકાય. તેથી માત્ર જે-તે વ્યક્તિ દ્વારા ધર્મ બદલવાથી તેની જ્ઞાતિ બદલાઈ જતી નથી."

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "જ્યાં સુધી જે-તે જ્ઞાતિને અનામત અંગે કેન્દ્ર સરકાર દ્વારા બંધારણની જોગવાઈમાં ફેરફાર ન કરવામાં આવે ત્યાં સુધી રાજકીય મતને કોઈ સ્થાન નથી."

ઍડ્વોકેટ બાબુભાઈ આગળ વાત કરતાં જણાવે છે કે, "ધર્મ એ અભિરુચિની વાત છે. વ્યક્તિ પોતાની પસંદગી મુજબ કોઈ પણ ધર્મ પાળી શકે છે. તેની સ્વતંત્રતા છે. પરંતુ જ્ઞાતિની બાબતમાં આવું શક્ય નથી."

દલિત વ્યક્તિની વ્યાખ્યામાં માત્ર હિંદુ, બૌદ્ધ અને શીખ જ સમાવિષ્ટ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દલિત વ્યક્તિની વ્યાખ્યામાં માત્ર હિંદુ, બૌદ્ધ અને શીખ જ સમાવિષ્ટ છે

તાજેતરમાં જ મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું હતું કે ધર્મપરિવર્તન કરવાથી જે-તે વ્યક્તિની જ્ઞાતિ બદલાઈ જતી નથી.

જોકે, હાલની જોગવાઈ પ્રમાણે દલિત વ્યક્તિની વ્યાખ્યામાં માત્ર હિંદુ, બૌદ્ધ અને શીખ જ સમાવિષ્ટ છે.

જ્યારે આ સિવાય અન્ય કોઈ ધર્મ અપનાવનાર વ્યક્તિને હાલની જોગવાઈ પ્રમાણે દલિત ગણવામાં આવતી નથી.

પરંતુ આ દિશામાં આદિવાસીઓના દરજ્જા અને તેમના ધર્મ અંગે હજુ કોઈ સ્પષ્ટ જોગવાઈ કરાઈ નથી.

line

બંધારણના સેક્શન 25ની જોગવાઈઓ

ભારતના બંધારણના અનુચ્છેદ 25માં અંત:કરણની સ્વતંત્રતા અને ધર્મના પાલન, પ્રચાર અને સ્વીકાર બાબતે વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના બંધારણના અનુચ્છેદ 25માં અંત:કરણની સ્વતંત્રતા અને ધર્મના પાલન, પ્રચાર અને સ્વીકાર બાબતે વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે

ભારતના બંધારણના સેક્શન 25માં અંત:કરણની સ્વતંત્રતા અને ધર્મના પાલન, પ્રચાર અને સ્વીકાર બાબતે વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે.

જોકે, આ સ્વતંત્રતા પર જાહેર વ્યવસ્થા, નીતિમત્તા, સ્વાસ્થ્ય અને બંધારણના આ ભાગની અન્ય જોગવાઈઓને વાજબી નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે.

આ સેક્શનની નાણાકીય, અર્થતંત્રને લગતી, રાજકીય કે અન્ય બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓ જે ધર્મપાલન સાથે સંકળાયેલ હોય તેને નિયંત્રિત કે પ્રતિબંધિત કરતા દેશના પ્રવર્તમાન કાયદા પર અસર નહીં થાય તેમજ આ અંગે રાજ્યને નવો કાયદો ઘડતા અટકાવી ન શકાય.

આ સિવાય સામાજિક કલ્યાણ અને સુધારા માટે જોગવાઈ કરવી અથવા હિંદુ ધર્મની જાહેર હિત માટેની સંસ્થાઓ તમામ વર્ગ માટે ખુલ્લી મૂકવા (શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મ સહિત) પણ પ્રવર્તમાન કાયદા અને નવા કાયદાના ઘડતર માટે રાજ્યની સત્તા બાધિત નહીં કરી શકાય.

line

અનામતની જરૂર શા માટે પડી?

ફાઇલ ફોટો

ઇમેજ સ્રોત, PRAKASH SINGH

ઇમેજ કૅપ્શન, ભારતના બંધારણના સેક્શન 25માં અંત:કરણની સ્વતંત્રતા અને ધર્મના પાલન, પ્રચાર અને સ્વીકાર બાબતે વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે.

આંબેડકરનું જીવન ચરિત્ર લખનારા ડૉ. ધનંજય કિર 'ડૉ. આંબેડકર: જીવન અને કાર્ય' પુસ્તકમાં અનામતની જરૂર શા માટે પડી એ અંગે પ્રકાશ પાડે છે.

લેખકના મતે, ''દલિત વર્ગો માટે સરકારી નોકરીમાં વિશિષ્ટ જગ્યાઓ અનામત રાખવા આંબડેકર આગ્રહી કેમ હતા તેનાં કારણો ધ્યાન રાખવાં જેવાં છે."

''સવર્ણ હિંદુઓની સરકારી નોકરીમાં બહુમતી ન હોત તો અસ્પૃશ્ય વર્ગો પર જે સિતમ ગુજારવામાં આવતો તે કાયમી ના બન્યો હોત."

''બીજું, દલિત વર્ગોના લોકો સરકારી નોકરીમાં હોય તો અસ્પૃશ્ય સમાજને ન્યાય આપવાની દૃષ્ટીએ થોડી પ્રગતિ પણ થાય અને તેનો આર્થિક દરજ્જો પણ સુધરે.''

''અનામત અંગે ભારતીય બંધારણમાં 'પ્રતિનિધિત્વ' શબ્દ અપાયો છે. વંચિત સમુદાયને પ્રતિનિધિત્વ આપવા માટેની તક એટલે અનામત."

''બંધારણ સમિતિનું માનવું હતું કે અનામતનો લાભ લેનારી વ્યક્તિ પોતે અને પોતાના સમાજને આગળ લાવી શકશે.''

ચંદ્રભાન પ્રસાદ અનામતવ્યવસ્થાની જરૂરિયાત અંગે વાત કરતાં જણાવે છે, ''1854માં ભારતમાં મૅકોલે દ્વારા ઇંગ્લિશ એજ્યુકેશન સિસ્ટમ લાગુ કરાઈ."

"આ પહેલાં દેશમાં સંસ્કૃત અને અરબી કે ફારસી અનુક્રમ મંદિરો કે મસ્જિદોમાં ભણાવાતા. દલિતો ના તો મંદિરમાં જઈ શકતા હતા કે ના તો મસ્જિદમાં."

"દેશમાં અંગ્રેજોએ જે શાળા શરૂ કરી એમાં દલિતોને પણ ભણવાનો અધિકાર હતો. જેને પગલે 1882થી 83 દરમિયાન દલિતો વિરુદ્ધ હુલ્લડો ફાટી નીકળ્યાં."

"એ વખતે હન્ટર કમિશને પણ અપૃશ્યોને શિક્ષણ આપવાની ભલામણ કરી હતી. દેશમાં એસસી-એસટીને મળતી અનામતની આ પૂર્વભૂમિકા હતી."

"વળી, અસ્પૃશ્યો પાસેથી માણસ તરીકેનો હક પણ છીનવી લેવાયો હોય ત્યારે તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અનામતની જોગવાઈ ઘણી જ જરૂરી બની જાય છે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો