પ્રેમની એવી કહાણી, જેમાં પતિના હત્યારાની પુત્રીને જ એક માતાએ બનાવી પુત્રવધૂ

    • લેેખક, યેવ્સ બુકિયાના
    • પદ, બીબીસી ન્યૂઝ, કિગાલી

ઘાને રુઝાવવા માટે પ્રેમ જોઈએ - આવું માનીને એક મહિલાએ પોતાના પતિના હત્યારાને માફ કરી દીધો. 28 વર્ષ પહેલાં રવાન્ડાના નરસંહારમાં એ મહિલાના પતિની હત્યા કરાઈ હતી. મહિલાએ પોતાના દીકરાનું લગ્ન પતિના હત્યારાની પુત્રી સાથે કરાવવા માટે મંજૂરી આપી.

રવાન્ડામાં 1994થી વિભાજિત થઈ ગયેલા સમાજમાં સમાધાન માટે કૅથલિક ચર્ચ પ્રયાસો કરી રહ્યું છે અને તેના ભાગરૂપે બર્નાડેટ મુકાકાબેરાએ પોતાની કહાની જણાવી છે.

1994માં 100 દિવસ ચાલેલાં રમખાણોમાં 800,000ની હત્યા થઈ હતી.

આલ્ફ્રેડ અને યાન્કુરિજે નરસંહારના 14 વર્ષ પછી લગ્ન કર્યા
ઇમેજ કૅપ્શન, આલ્ફ્રેડ અને યાન્કુરિજે નરસંહારનાં 14 વર્ષ પછી લગ્ન કર્યાં

બર્નાડેટ મુકાકાબેરાએ બીબીસીને જણાવ્યું, "એ વખતે જે થયું હતું તેની સાથે અમારાં સંતાનોને કંઈ સંબંધ નથી. તે બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં અને તેમના પ્રેમની આડે કશું આવવું જોઈએ નહીં."

બર્નાડેટ અને તેમના પતિ કાબેરા વેદાસ્તે બંને તુત્સી કોમનાં હતાં, જેમના પર મોટા પાયે હુમલાઓ કરાયા હતા. રવાન્ડાના પ્રમુખ હુતુ કોમના હતા અને તેમનું વિમાન 6 એપ્રિલ 1994ના રોજ તોડી પડાયું હતું. એ પછી દેશમાં તોફાનો શરૂ થઈ ગયાં હતાં.

આ અંગેની ખબર વહેતી થઈ અને એના થોડા જ કલાકોમાં હજારો હુતુ લોકોને ઉશ્કેરવામાં આવ્યા અને તે લોકો દેશભરમાં તુત્સી લોકોને શોધી શોધીને હત્યા કરવા લાગ્યા.

આવા હુમલા કરનારામાં એક હતો ગ્રેશન ન્યામિનાની. પશ્ચિમ રવાન્ડાના મુશાકામાં બર્નાડેટના ઘરની બાજુમાં જ એ રહેતો હતો. બંને પરિવારો ખેતી કરતા હતા.

આ હત્યાકાંડે આખા દેશનો ભરડો લીધો અને તે પછી તુત્સી બળવાખોરોનાં જૂથના હાથમાં સત્તા આવી. તે પછી હત્યાકાંડમાં સામેલ લાખો લોકોની ધરપકડો કરવામાં આવી હતી.

ગ્રેશ્યનને પણ પકડી લેવાયો હતો અને સમાજ દ્વારા નિમાયેલા પંચમાં તેની સામે ખટલો ચાલ્યો હતો. ગેસાસા તરીકે ઓળખાતાં પંચ રચવામાં આવ્યાં હતાં, જેણે નરસંહારમાં જોડાયેલા લોકો સામે ખટલા ચલાવ્યા હતા.

દર અઠવાડિયે ગેસાસામાં સુનાવણી ચાલતી હતી અને તેમાં પરિવારોની સામે આરોપીઓને લાવવામાં આવતા હતા. બંને પક્ષો પોતાના પુરાવા મૂકતા હતા અને જણાવતા કે ખરેખર શું થયું હતું અને કેવી રીતે થયું હતું.

2004માં ગ્રેશ્યને બર્નાડેટને જણાવ્યું કે એણે જ તેમના પતિની હત્યા કરી હતી અને આ માટે તેમણે માફી પણ માગી. એ સુનાવણી વખતે જ ગ્રેશ્યને તેને માફ કરી દેવાનું નક્કી કર્યું.

આ રીતે માફી મળી તેના કારણે ગ્રેશ્યનને 19 વર્ષની કેદ થવાની હતી તે ના થઈ, પરંતુ બે વર્ષ સુધી એને સમાજસેવાનું કામ કરવાની સજા આપવામાં આવી.

line

'હું મદદરૂપ થવા માગતી હતી'

બર્નાડેટ (જમણે) અને પુત્રવધૂ યાન્કુરિજે (ડાબે) વચ્ચે ગાઢ સંબધ છે - અને તેમના પરિવારો પણ પ્રેમના તાંતણે બંધાયા છે
ઇમેજ કૅપ્શન, બર્નાડેટ (જમણે) અને પુત્રવધૂ યાન્કુરિજે (ડાબે) વચ્ચે ગાઢ સંબધ છે - અને તેમના પરિવારો પણ પ્રેમના તાંતણે બંધાયા છે

ગ્રેશ્યને જાહેરમાં માફી માગી એ પહેલાં 10 વર્ષ સુધી તે જેલમાં રહ્યો હતો. તે દરમિયાન તેના પરિવારે બર્નાડેટના પરિવાર સાથે સારા સંબંધો રાખવા કોશિશ કરી હતી. તેમના પતિની હત્યા થઈ ત્યારે પુત્ર આલ્ફ્રેડની ઉંમર 14 વર્ષની હતી.

હત્યાકાંડ થયો તે વખતે ગ્રેશ્યનની દીકરી યાન્કુરિજે દોનાતાની ઉંમર 8 વર્ષની હતી. તે બર્નાડેટના ઘરે જતી હતી અને તેમને ઘરકામમાં મદદ કરતી હતી.

તેણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મેં નક્કી કર્યું હતું કે બર્નાડેટના ઘરે જઈશ અને તેમને ઘરકામમાં મદદ કરીશ. તેને મદદ કરનારું કોઈ નહોતું એટલે મેં તેમના ખેતરમાં પણ મદદ કરવાનું નક્કી કર્યું

હતું, કેમ કે તેમની સ્થિતિ માટે મારા પિતા જવાબદાર હતા."

"મને લાગે છે કે હું તેમના ઘરે જઈને મદદ કરતી હતી તે વખતે આલ્ફ્રેડ મારા પ્રેમમાં પડ્યો હતો."

બર્નાડેટ પણ ખુશ થઈ ગઈ હતી કે આ રીતે દીકરી મદદે આવી છે:

"તેને ખબર હતી કે તેના પિતાએ મારા પતિની હત્યા કરી છે છતાં તે મને મદદ કરવા આવતી હતી. મારો દીકરો બોર્ડિંગ સ્કૂલમાં ભણવા ગયો હતો એટલે મને મદદ કરવાવાળું કોઈ નહોતું.

રવાન્ડાની પરંપરાગત ગાકાકા અદાલતો હજારો નરસંહારના શંકાસ્પદો સામે ખટલો ચલાવે છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, રવાન્ડાની પરંપરાગત ગાકાકા અદાલતો હજારો નરસંહારના શંકાસ્પદો સામે ખટલો ચલાવે છે

"મને એનું મન અને અને વર્તન ગમી ગયાં - તેથી એણે મારા દીકરાને પરણવાનું નક્કી કર્યું ત્યારે મેં વિરોધ નહોતો કર્યો."

જોકે ગ્રેશ્યન માટે વાત આટલી સરળ નહોતી - આ રીતે લગ્ન કરવાની વાત આવી ત્યારે તેને લાગ્યું હતું કે કદાચ આવી રીતે શક્ય નહીં બને.

યાન્કુરિજે કહે છે, "તેઓ પૂછતા રહ્યા હતા કે આ રીતે જે પરિવારને બહુ જ આઘાત લાગ્યો હોય તે શા માટે મારી દીકરી માટે પરવા કરે."

જોકે બર્નાડેટે કહ્યું કે તેના મનમાં હવે કોઈ દુર્ભાવના નથી ત્યારે આખરે તેમણે પણ હા પાડી અને દીકરીને આશીર્વાદ આપ્યા.

બર્નાડેટ કહે છે, "તેના પિતાના કાર્ય માટે મારા મનમાં મારી પૂત્રવધુ માટે કોઈ જ દુર્ભાવના નથી. મને લાગ્યું કે તે સારામાં સારી વહૂ બનશે, કેમ કે તે મને બીજા કોઈ કરતાં સારી રીતે જાણતી હતી. મેં મારા દીકરાને પણ સમજાવ્યો કે આની સાથે પરણી જા."

બંનેનાં લગ્ન 2008માં સ્થાનિક કૅથલિક ચર્ચમાં થયાં.

એ વખતે ગ્રેશ્યને પણ કબૂલાત કરી હતી. બે વર્ષ સુધી સમાજસેવાનું કામ કર્યા પછી તેમણે પણ માફી માટે અરજ કરી હતી.

line

'સમાધાન નહીં ત્યાં સુધી હોલી કમ્યુનિયન નહીં'

ખુશ દંપતી બર્નાડેટ (ડાબે), ખોળામાં પુત્ર ગ્રેટિયન (જમણે)
ઇમેજ કૅપ્શન, ખુશ દંપતી બર્નાડેટ (ડાબે), ખોળામાં પુત્ર ગ્રેટિયન (જમણે)

આ વિસ્તારમાં સમાજને જોડવા માટે ચર્ચ પ્રયાસો કરી રહ્યું છે.

સ્યાનગૂગુ ડાયોસિસના ફાધર ગોબોકા થિયોજિન કહે છે કે સમાધાન માટેના પ્રયાસોને લોકોએ સ્વીકાર્યા છે. આ જ રીતે અન્ય ચર્ચ દ્વારા પણ વિભાજિત સમાજને એક કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

ચર્ચને લાગ્યું કે લોકોને એકબીજા સાથે રહ્યા વિના છૂટકો નથી, તો પછી શા માટે તેઓ શાંતિથી અને સમજૂતિથી ના રહે!

ફાધર બોકા કહે છે, "નરસંહારમાં ગુનેગાર ઠર્યા હોય તેમને જ્યાં સુધી તેઓ ભોગ બનેલા પરિવારની માફી માગી સમાધાન ના કરી લે ત્યાં સુધી સેક્રામેન્ટ લેવા દેવાતા નથી."

એકવાર સમાધાન માટે તૈયાર થઈ જાય તે પછી સૌની હાજરીમાં આરોપી અને ભોગ બનેલા પરિવારો એક સાથે ઊભા રાખવામાં આવે છે.

તેઓ કહે છે, "ભોગ બનેલા પરિવારના લોકો હાથ મીલાવવા પહેલ કરીને માફી આપી હોવાનું જણાવે છે."

નરસંહાર થયો તેના 28 વર્ષ પછી હાલમાં જ મુશાકામાં આવો જ એક કાર્યક્રમ યોજાયો હતો. તેના થોડા વખત પહેલાં જ ગ્રેશ્યનનું મૃત્યુ થયું હતું.

મુસાકા પેરિશના એપિયન નાગ્વાહબોએ કહ્યું કે "આપણે પરિવર્તનની વાત કરીએ છે ત્યારે ત્વચાના રંગ બદલવાની વાત નથી કરતાં, પરંતુ તમારા ખરાબ સ્વભાવને બદલવાની વાત કરીએ છીએ."

"હૃદયપરિવર્તન થાય તે પછી જ પવિત્ર જીવન જીવી શકાય છે."

આ પ્રસંગે જ બર્નાડેટે જણાવ્યું કે પોતાના પુત્રનાં લગ્ન તેઓ પતિના હત્યારાની દીકરી સાથે કરાવવા માગે છે.

"હું મારી પુત્રવધૂને બહુ જ ચાહુ છું, કેમ કે મને ખબર નથી કે તેના વિના હું કેવી રીતે જીવી શકી હોત! મારા પતિના મૃત્યુ પછી તે જ મદદે આવી હતી."

તેમને એ વાતનો આનંદ છે કે આલ્ફ્રેડ અને યાન્કુરિજેની પ્રેમકથાને કારણે ઘણા લોકોને પ્રોત્સાહન મળ્યું છે અને તે લોકો પણ માફી માગવા અને સમાધાન કરવા માટે તૈયાર થઈ રહ્યા છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો