રાજકોટ: ઉપલેટામાં દલિત યુગલનું ભરબજારે ઑનર કિલિંગ, કેવી રીતે બની ઘટના?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
તાજેતરમાં ગુજરાત સુરતનાં ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડથી હચમચી ગયું હતું. એની કળ વળે એ પહેલાં વડોદરામાં તૃષાની હત્યા થઈ. અને હવે ગુજરાતની ગુનાખોરીમાં એક ક્રૂર ઑનર કિલિંગની ઘટના ભરબજારે ઉપલેટામાં બની છે.

ઇમેજ સ્રોત, Haresh Patel
આ ઘટનામા જેમની હત્યા થઈ છે તે નવદંપતીનું નામ અનિલ મનસુખભાઈ મહિડા અને રીના સોમજીભાઈ શિંગરખિયા છે.
અનુસૂચિત જાતિમાંથી આવતા આ બેઉએ તાજેતરમાં પરિવારજનો મરજી પ્રેમલગ્ન કર્યાં હતાં અને તેમની ભરબજારે હત્યા કરી દેવામાં પરિવારજનોનું નામ સામે આવ્યું છે.

કેવી રીતે બની ઘટના?

ઇમેજ સ્રોત, Haresh Patel
2600ની વસતિ ધરાવતા ખીરસરા ગામથી અનિલ અને રીના દાંતનો ઇલાજ કરાવવા માટે ઉપલેટા આવ્યાં હતાં. તેઓ બજારમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક કાર તેમને આંતરીને ઊભી રહી ગઈ.
કારમાંથી સૌપ્રથમ રીનાના ભાઈ ઊતર્યા અને એમની પાછળ રીનાનાં પપ્પા સોમજીભાઈ ઊતર્યા. અનિલ અને રીના કંઈ સમજે તે પહેલાં જ એમની પર ચાકૂ અને પાઇપથી હુમલો કરી દેવામાં આવ્યો.
આ ઘટના ઉપલેટામાં સતીમાની ડેરી પાસે બની હતી.
ઉપેલટાના નિવાસી કે. સી. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ઝકરિયા મસ્જિદની પાછળ આવેલા કુંભારવાડાનો રસ્તો સાંકડો છે અને અહીં સતીમાની ડેરી આવેલી છે. અહીં લોકોની અવરજવર ખૂબ હોય છે. સવારે 11 વાગે પણ ભીડ હતી.
આ બેઉ લોકો અહીંથી પસાર થઈ રહ્યાં હતાં અને હુમલો કરીને એ લોકો નાસી ગયા. હુમલાને પગલે બુમરાણ થઈ તો મેં જોયું કે એક છોકરો અને છોકરી લોહીલુહાણ હાલતમાં હતાં. લોકોએ પોલીસને જાણ કરી ત્યાં સુધીમાં બેઉ મૃત્યુ પામ્યાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પ્રેમલગ્ન અને વિવાદ

ઇમેજ સ્રોત, Haresh Patel
આ કેસની તપાસ કરી રહેલા ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, ઉપલેટાની નજીકના ખરીસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા અને અરણી ગામનાં રીનાબેન સોમજીભાઈ શિંગરખિયાએ છ મહિના અગાઉ પ્રેમલગ્ન કરેલા હતા.
તેઓ કહે છે કે, "પ્રેમલગ્ન હોવાથી રીનાનાં પિતા સોમજી શિંગરખિયા અને ભાઈ સુનિલ શિંગરખીયાને આ લગ્ન સામે વાંધો હતો અને અવાર નવાર ઝગડાં પણ થયાં હતાં. રીનાનાં પિતા સોમજીભાઈ અને ભાઈ સુનિલે હુમલો કરી મોત નિપજાવ્યું છે, અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ અને અમને મળેલા ઇનપુટના આધારે ટૂંક સમયમાં પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવશે."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
અનિલના પિતા મનસુખભાઈ મહિડા આઘાતમાં છે.
એમણે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "મારે બે દીકરા અને એક દીકરી છે. અનિલ ભાયાવદરની કૉલેજમાં ભણતો હતો ત્યારે રીનાનાં સંપર્કમાં આવ્યો હતો. બેઉને પ્રેમ થઈ ગયો હતો. આ વાતની રીનાનાં પિતા સોમજીભાઈ અને ભાઈ સુનિલને ખબર પડી ત્યારે એમણે એમની દીકરીને ધમકાવી હતી. એ પછી બેઉએ ભાગીને લગ્ન કરી લીધા હતા."
મનસુખભાઈ કહે છે કે, "અનિલ અને રીનાએ લગ્ન કર્યાં ત્યારે રીના સગીર હતી અને એટલે સોમજીભાઈ અને સુનિલે અનિલ પર ભાયાવદર પોલીસ સ્ટેશનમાં કેસ પણ કર્યો હતો અને મારા દીકરાને છ મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું."
મનસુખભાઈ ખેતમજૂરી કરે છે અને અનિલ પર કેસ થવાને કારણે એમના પરિવાર પર મોટી આફત આવી પડી હતી.
તેઓ ઉમેરે છે કે "અનિલ સામે કેસ થતા કોર્ટ-કચેરીના ચક્કરમાં ખૂબ પૈસા વપરાઈ ગયા એટલે મારો બીજા દીકરાને પણ કામે લાગી જવું પડ્યું. અનિલ જેલમાં ગયો એટલે એનું ભણતર પણ છૂટી ગયું. અનિલ ઘરમાં મદદરૂપ થવાં મિસ્ત્રીકામ શરૂ કર્યું હતું અને એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ભણવાનું પણ શરૂ કર્યું હતું."

રીના પુખ્ત વયની થઈ અને ફરી લગ્ન

ઇમેજ સ્રોત, Haresh Patel
સગીર વયને કારણે કેસ બાદ રીના અને અનિલની લવસ્ટોરી કોર્ટ-કચેરી અને પરિવારના દબાણમાં અટવાઈ ગઈ હતી પણ રીના લગ્નની કાયદેસરની ઉંમરનાં થયાં અને વાત બદલાઈ ગઈ.
મનસુખભાઈ કહે છે કે "એક દિવસ રીના એનાં ઘરેથી અમારા ઘરે આવી. એણે કહ્યું કે હવે એ પુખ્ત વયની થઈ ગઈ છે અને લગ્ન તો અનિલ સાથે જ કરશે. રીનાએ ઘરમાં અનિલ સાથે લગ્ન નહીં કરવા માટે ખૂબ માર પડતો હોવાનું પણ કહ્યું. એ પછી છ મહિના અગાઉ અનિલ અને રીનાએ કોર્ટમાં લગ્ન કરી લીધાં."
તેઓ કહે છે કે "લગ્ન થઈ ગયા એ પછી સોમજી અને સુનિલ અમારા ઘરે આવ્યાં હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પણ અમને ખબર નહોતી કે ખરેખર એવું કરશે."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મનસુખ ભાઈ કહે છે કે, "અનિલ અને રીના નવ વાગ્યે મને ફોન કરીને ઉપલેટા ડૉક્ટર પાસે જવાનું કહી નીકળ્યાં હતા અને સાડા અગિયાર વાગે પોલીસનો ફોન આવ્યો કે મારા દીકરા અને પુત્રવધૂને ઈજા થઈ છે. અમે પહોંચ્યાં ત્યારે બેઉના મોત થઈ ચૂક્યા હતા."
ઉલ્લેખનીય છે કે ઉપલેટામાં આવી રીતે ગુના બનતા નથી. જોકે, 2009માં અહીં આવી જ રીતે એક ઑનરકિલિંગની ઘટના બની હતી. જેમાં રબારી સમુદાયની છોકરીની તેનાં પિતા અને ભાઈએ હત્યા કરી હતી. એ કેસમાં મામલો રબારી સમુદાયની છોકરી અને પટેલ સમુદાયના પરિણીત પુરુષ વચ્ચેના સંબંધનો હતો. જોકે, હાલ જે ઘટના બની છે તેમાં પ્રેમલગ્ન કરનાર અનિલ અને રીના બેઉ દલિત સમાજમાંથી આવે છે.

ઑનર કિલિંગ અને જ્ઞાતિવાદ-પેટાજ્ઞાતિવાદ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
અનિલ અને રીના બેઉ એક જ સમાજમાંથી હોવા છતાં છોકરીનાં પરિવારજનોએ બેઉની હત્યા કેમ કરી દીધી એ મામલે સમાજશાસ્ત્રી પ્રોફેસર રાજેન્દ્ર જાણીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "સૌરાષ્ટ્રમાં એકવીસમી સદીમાં પણ લોકોને પ્રેમલગ્ન સામે વાંધો છે. બંને અનુસૂચિત જાતિમાંથી હોય તો પણ ઘટના પરથી લાગે છે કે છોકરીનાં પિતાનું એમના ગામમાં અને જ્ઞાતિમાં વર્ચસ્વ વધારે હશે. બેઉ પહેલાં ભાગી ગયા હતા અને જેલ થઈ હતી એટલે ખૂન્નસ પણ હોય. વળી, છોકરો મિસ્ત્રીકામ કરતો હતો અને છોકરીનાં પિતા પાસે કાર છે સામાજિક-આર્થિક મોભાને કારણે એમને સમાજનાં મ્હેણાં-ટોણાં સાંભળવા પડે. લોકો સામાજિક પ્રતિષ્ઠાને વધારે મોટી ગણે છે એમાં આવી ઘટનાઓ બને છે, ખાસ તો સૌરાષ્ટ્રના નાનાં ગામમાં આ ઘટના ઘણી મોટી બની જતી હોય છે."
સગી દીકરી અને જમાઈની હત્યા પાછળની માનસિકતાની વાત કરતાં મનોચિકિત્સક ડૉક્ટર જ્યોતિક ભચેચે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આવા કિસ્સામાં રિજેક્શનને કારણે આક્રમકતા આ છે. આવો ગુનો કરનાર લોકોએ સમાજમાં કેવી રીતે જીવવું એના નિયમો ઘડ્યાં હોય છે અને આ નિયમો સંતાનો પર લાદવામાં આવે છે પણ જ્યારે નજીકની વ્યક્તિ જ સ્વતંત્ર નિર્ણય લે ત્યારે તે લોકો સાનભાન ગુમાવી કાયદો હાથમાં લે છે અને ગુનો આચરે છે. સામાજિક દબાણને કારણે આવું બનતું હોય છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












