જિજ્ઞેશ મેવાણીની ધરપકડ બાદ એમના સાથીદારોને ત્યાં પોલીસનું સર્ચ ઑપરેશન, શું ઘટના બની?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આસામ પોલીસની ટીમે ગત 21 એપ્રિલની રાતે 11.30 વાગ્યાની આસપાસ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસથી વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જિજ્ઞેશ મેવાણીની ધરપકડ ઉપરાંત તેમની સાથે જોડાયેલા લોકોની પણ તપાસ થઈ રહી છે.

નરેન્દ્ર મોદીને સંબોધીને કરેલી ટ્વીટને લઈને આસામ પોલીસે કરેલા એક કેસમાં જામીન બાદ આસામમાં જ જિજ્ઞેશ મેવાણી સામે બીજો એક કેસ નોંધવામાં આવ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીને સંબોધીને કરેલી ટ્વીટને લઈને આસામ પોલીસે કરેલા એક કેસમાં જામીન બાદ આસામમાં જ જિજ્ઞેશ મેવાણી સામે બીજો એક કેસ નોંધવામાં આવ્યો છે

નરેન્દ્ર મોદીને સંબોધીને કરેલી ટ્વીટને લઈને આસામ પોલીસે કરેલા એક કેસમાં જામીન બાદ આસામમાં જ જિજ્ઞેશ મેવાણી સામે બીજો એક કેસ નોંધવામાં આવ્યો છે અને હાલ તેઓ પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે.

ગત 19મી એપ્રિલે જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટર ઉપર વડાપ્રધાન મોદીને સંબોધી એક ટ્વીટ કરી હતી જેના સંદર્ભમાં થયેલી ફરિયાદમાં આસામ પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે, મામલો ફક્ત જિજ્ઞેશ મેવાણીની ધરપકડ સુધી જ સીમિત નથી. ગુજરાત પોલીસે આસામ પોલીસના સર્ચ વૉરંટને લઈને જિજ્ઞેશ મેવાણીના અંગત મદદનીશ સહિત અલગ અલગ લોકોની પણ તપાસ કરી છે અને તેમનાં મોબાઇલ, કૉમ્પ્યુટર, લેપટોપ વગેરે જપ્ત કર્યાં છે.

line

અનેક સ્થળોએ પોલીસનું સર્ચ ઑપરેશન

જિજ્ઞેશ મેવાણીના સાથી સુબોધ કુમુદે પોલીસે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ કલાકો બેસાડી રાખવાનો આરોપ મૂક્યો હતો

ઇમેજ સ્રોત, FB/Subodh Kumud

ઇમેજ કૅપ્શન, જિજ્ઞેશ મેવાણીના સાથી સુબોધ કુમુદે પોલીસે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ કલાકો બેસાડી રાખવાનો આરોપ મૂક્યો હતો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બનાસકાંઠા પોલીસ દ્વારા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડના એક દિવસ પછી તેમના અમદાવાદના મેઘાણીનગરસ્થિત નિવાસસ્થાને, ગાંધીનગરના ધારાસભ્યના ક્વાર્ટર ખાતે તથા તેમના ટેકેદારોના ઘરોમાં સર્ચ ઑપરેશન ચલાવ્યું હતું.

જિજ્ઞેશ મેવાણીના સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની કચેરી ખાતે પણ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રખિયાલની કચેરીથી ડેસ્કટૉપ કૉમ્પ્યુટર અને સીપીયુનો કબજો લીધો તો જિજ્ઞેશ મેવાણીના સાથી કમલેશ કટારિયાનો મોબાઇલ પણ જમા લઈ લેવામાં આવ્યો હોવાનો પોલીસ પર આરોપ છે.

ગાંધીનગર પોલીસે જિજ્ઞેશ મેવાણીના એમએલએ ક્વાર્ટર્સમાંથી બે ડેસ્કટૉપ કૉમ્પ્યુટર અને સીપીયુ લઈ ગયા હતા. પાલનપુરમાં રહેતા અને તેમના અંગત મદદનીશ તરીકે કામ કરતા સતીશ વણસોલાના ઘરે પણ પોલીસે તપાસ કરી હતી.

line

પોલીસ દ્વારા મનોબળ તોડવાનો પ્રયાસ

જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં પ્રદર્શન

આ અંગે માહિતી આપતાં સોશિયલ ઍક્ટિવિસ્ટ-વકીલ તેમજ જિજ્ઞેશ મેવાણીના સાથી સુબોધ કુમુદ પરમાર જણાવ્યું હતું કે, " જિજ્ઞેશ મેવાણીની જે ટ્વીટ માટે પોલીસ ફરિયાદ થઈ છે તે ટ્વીટ ખુદ મેવાણીએ પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલથી કરી છે. જે તેઓએ સ્વીકાર્યું છે તેમ છતાં પોલીસની ટીમ દ્વારા મેવાણી સાથે જોડાયેલા લોકોના ઘરે જઈને સર્ચ કરીને તેમને ડરાવવાનો અને મનોબળ તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે."

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે જોડાયેલા કમલેશ કટારિયાએ જણાવ્યું હતું કે, "આસામ પોલીસ ગત 21મી એપ્રિલે જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી લઈ ગઈ હતી જેના વિરોધમાં અમે 22મી એપ્રિલના દિવસે સારંગપુર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ આગળ ભેગા થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન પોલીસે અમારી અટકાયત કરીને પછી રિલીઝ કર્યા હતા. આ પછી હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લઈ ગઈ હતી. આ પછી મારા સાથી જગદીશ ચાવડાને પણ ત્યાં લઈ આવ્યા હતા. અમને બંનેને બપોરના ત્રણ વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી બેસાડી રાખ્યા હતા. અમારા બંનેના મોબાઇલ પણ જમા લીધા છે તેમજ મારા ઘરે અને જિજ્ઞેશ મેવાણીના ઘરે સર્ચ કરાયું હતું. "

કમલેશ કટારિયાનું કહેવું છે કે, "અમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા તે વખતે પોલીસે એક ફેક્સ દેખાડ્યો હતો જેમાં મારું અને જગદીશ ચાવડાનું નામ હતું. આ સિવાય કોઈ અન્ય પૂછપરછ કરાઈ ન હતી. "

line

જિજ્ઞેશ મેવાણીના પીએની તપાસ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જિજ્ઞેશ મેવાણીના અંગત મદદનીશ અને પાલનપુર ખાતે રહેતા સતીશ વણસોલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "ગત 21મી એપ્રિલના રોજ મેવાણીની ધરપકડ થઈ હતી પછી 22મીએ પોલીસના 30થી 40 માણસો મારા ઘરે આવ્યા હતા પણ હું ઘરે ન હતો. તેમણે મારા ઘરે સર્ચ કર્યું હતું. પછી મારાં માતા, પિતા અને ભાઈનો મોબાઇલ જપ્ત કર્યો હતો. આ ઘટનાના ત્રણ દિવસ બાદ હું પાલનપુર પોલીસને મારો મોબાઈલ ફોન જમા કરાવી આવ્યો હતો. હાલમાં મારાં માતા, પિતા અને ભાઈનો ફોન પણ પોલીસ પાસે જમા છે તે હજુ સુધી પરત આપ્યો નથી."

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસનો સ્વીકાર કરે છે પણ ફોન જમા કરી લીધા હોવાની વાત નકારે છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "આસામ પોલીસે અમને સર્ચ વૉરંટ મોકલ્યું હતું જેના આધારે અમે જિજ્ઞેશ મેવાણીના ઘર અને ઑફિસમાં સર્ચ કર્યું હતું. અમે તેમના કોઈ સાથીના ફોન કે ગૅઝેટ જમા લીધા નથી કે પૂછપરછ કરી નથી."

બનાસકાંઠા જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એસ.પી) અક્ષયરાજ મકવાણાએ બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે સતીશ વણસુલાની અટકાયત નથી કરી. અમે માત્ર સર્ચ ઑપરેશન કર્યું હતું અને તેમના પરિવારના મોબાઇલ માત્ર તપાસ માટે લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આસામ પોલીસે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કર્યા બાદ ગુજરાતમાં ઠેરઠેર વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. વડગામ, થરાદ અને અમદાવાદ શહેરમાં મોટી રેલીઓ અને સભાઓ થઈ છે તો અલગ અલ જિલ્લાઓમાં આવેદનપત્રો આપવામાં આવ્યા છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે પણ જિજ્ઞેશ મેવાણીની ધરપકડ સામે વિરોધ નોંધાવ્યો છે. આસામમાં પણ કૉંગ્રેસ દ્વારા વિરોધપ્રદર્શનો આયોજિત કરવામાં આવ્યાં છે.

જિજ્ઞેશ મેવાણી અને કૉંગ્રેસ આસામમાં થયેલા કેસોને રાજકીય કિન્નાખોરી ગણાવે છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો