રશિયા: પુતિનનાં 'સિક્રેટ ફર્સ્ટ લેડી' તરીકે ઓળખાતાં 'ગર્લફ્રેન્ડ' અલિના કબાયેવા કોણ છે?
"દરેક પરિવાર પાસે યુદ્ધની વાર્તા હોય છે, અને આપણે તે વાર્તાઓને ભૂલવી જોઈએ અને તે વાર્તાઓને આવનારી પેઢીને જણાવવી જોઈએ."
રશિયાની 'સિક્રેટ ફર્સ્ટ લેડી' કહેવાતાં અલિના કબાયેવાનું આ કહેવું છે. યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.
કારણ એ છે કે અમેરિકાએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીઓ સહિત તેમના નજીકના લોકો પર પ્રતિબંધો લગાવી દીધા છે, પરંતુ અલિના પર હજી પ્રતિબંધ નથી લાગ્યો.

ઇમેજ સ્રોત, SASHA MORDOVETS/GETTY IMAGES
ધ વૉલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, અમેરિકા પુતિનનાં કથિત 'ગર્લફ્રેન્ડ' અને ભૂતપૂર્વ ઑલિમ્પિક જિમનાસ્ટ અલિના કબાયેવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ નિર્ણય બદલવામાં આવ્યો.
તેની પાછળનું કારણ એ આપવામાં આવ્યું હતું કે પુતિન તેને વ્યક્તિગત હુમલો માની શકે છે અને તેનાથી શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને ધક્કો લાગી શકે છે.
જોકે, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ સોમવારે દૈનિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન એવા દાવાઓને ફગાવી દીધા હતા કે યુએસ ઇરાદાપૂર્વક રશિયન પ્રમુખ પુતિનના કથિત ગર્લફ્રેન્ડ પર પ્રતિબંધો લાદવાનું ટાળી રહ્યું છે.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શા માટે રશિયન નેતા અને ભૂતપૂર્વ જિમનાસ્ટ અલિના કબાયેવા પર કાર્યવાહી કરવામાં આવી નથી, તો સાકીએ કહ્યું, "અમે પ્રતિબંધોની સતત સમીક્ષા કરી રહ્યાં છીએ."

કોણ છે અલિના કબાયેવા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Reuters
અલિના જિમનાસ્ટ રહી ચૂક્યાં છે અને 2004 એથેન્સ ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યાં છે. તેમણે 13 વર્ષની ઉંમરે ડૅબ્યૂ કર્યું હતું અને 1998માં તેમનું પહેલું વર્લ્ડ ટાઇટલ (રોપ) જીત્યું હતું.
આ પછી, તેમણે 2001 અને 2002માં યુરોપિયન ચૅમ્પિયનશિપમાં પણ ઘણાં મૅડલ મેળવ્યાં હતાં. 2003માં પણ તેમણે ઘણાં વર્લ્ડ ટાઇટલ જીત્યાં હતાં. તેઓ ડોપિંગ કેસમાં પણ ફસાઈ ચૂક્યાં છે. જો કે, તેમને તેનું બહુ નુકસાન સહેવું ન પડ્યું.
વર્ષ 2005 પછી તેમણે ધીરે ધીરે રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેનું નામ પુતિન સાથે જોડાવા લાગ્યું.
તેઓ 'યુનાઈટેડ રુસ પાર્ટી'નું પ્રતિનિધિત્વ કરતા રશિયન સંસદના નીચલા ગૃહ ડ્યૂમા માટે પણ ચૂંટાઈ આવ્યાં હતાં. 2014માં, તેઓ સોચી ઑલિમ્પિકમાં મશાલચી બન્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
ધ મૉસ્કો ટાઇમ્સના અહેવાલ અનુસાર, અલિના ક્રેમલિન સમર્થિત મીડિયા જૂથ 'ધ નેશનલ મીડિયા ગ્રૂપ'નાં વડાં છે, પરંતુ પશ્ચિમી પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને એપ્રિલમાં તેમનું નામ વેબસાઇટ પરથી હઠાવી લેવામાં આવ્યું હતું.
ધ મૉસ્કો ટાઇમ્સના અહેવાલમાં એમ કહેવામાં આવ્યું છે કે સ્વિટ્ઝર્લૅન્ડ, યુએસ અને યુરોપના અધિકારીઓએ વૉલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે 2015માં અલિના બાળકને જન્મ આપવા સ્વિટ્ઝરલૅન્ડ ગયાં હતાં. ત્યારબાદ, 2019માં, તેમણે મોસ્કોમાં જોડિયાં બાળકોને જન્મ આપ્યો. જોકે, પુતિને ક્યારેય આ વાતની પુષ્ટિ કરી નથી.

મૉસ્કોમાં 'અલિના ફેસ્ટિવલ' ચર્ચામાં

ઇમેજ સ્રોત, Getty Images
'ધ મૉસ્કો ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, અલિના ગયા સપ્તાહે શનિવારે રશિયાની રાજધાનીમાં 'અલિના ફેસ્ટિવલ'માં દેખાયાં હતાં. મે મહિનામાં રશિયાના વિજય દિવસના અવસરે પ્રસારિત થઈ રહેલા 'જિમનાસ્ટ' ઍક્ઝિબિશન માટે તેઓ ત્યાં ગયાં હતાં.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, "દરેક પરિવાર પાસે યુદ્ધની વાર્તા હોય છે, અને આપણે તે વાર્તાઓને ભૂલવી જોઈએ અને તે વાર્તાઓને આગલી પેઢીને જણાવવી જોઈએ."
આ અવસર પર તેમણે યુક્રેન પર રશિયાના હુમલાની થઈ રહેલી ટીકા અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રશિયન જિમ્નાસ્ટ, જજ અને કોચ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ અંગે કહ્યું કે, "આમાંથી આપણને માત્ર જીત જ મળશે."
'ડેઇલી મેઇલ'ના સમાચાર અનુસાર, અલીનાએ આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ એવા અહેવાલો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે કે તેઓ સ્વિટ્ઝર્લૅન્ડ અથવા સાઇબેરિયાના બંકરમાં છુપાયેલાં છે.
આ કાર્યક્રમમાં સેંકડો બાળકોએ ભાગ લીધો હતો અને આ દરમિયાન 'Z' પ્રતીક પણ દર્શાવવામાં આવ્યું હતું જે યુક્રેન પર રશિયાના હુમલાના સમર્થનનું ચિહ્ન બની ગયું છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












