સુરેન્દ્રનગર-ચોટીલા:'ચૂંટણીટાણે ખાતમુરત કરે અને કહે કે ચૂંટણી પતે એટલે પાણી આવશે'
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જસાપર, નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ, નાની મોરસલ સહિતના ઘણા ગામો પાણીની તંગીથી ઉજ્જડ બની રહ્યા છે. પશુપાલન પર નિર્ભર આ ગામના લોકો ધીમે ધીમે કરીને હિજરત કરી રહ્યા છે.

ચોટીલાના માલધારી આગેવાન દેવકરણ જોગરાણા બીબીસી સાથે વાત કરતા કહે છે, "ચોટીલા તાલુકાના જસાપર, નાનયાણી સહિતનાં માલધારીઓનાં આઠ જેટલાં ગામમાં છેલ્લાં 30-40 વર્ષથી, કૉંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય આજ દિવસ સુધી પાણીની પૂરતી વ્યવસ્થા કરી શકી નથી."
તેઓ ઉમેરે છે, "પંખીને એનો માળો મૂકવો પણ ગમતો નથી, આ માલધારીઓ પોતાનાં મકાનો ઘરખોરડાં અને વૃદ્ધ માવતરને મૂકીને પશુધન જીવાડવા માટે, પોતાનું પેટિયું રળવા માટે નાછૂટકે આણંદ, નડિયાદ, ખેડા જિલ્લામાં ખેતરે-ખેતરે ફરીને વર્ષોવર્ષ છથી આઠ મહિના નિભાવ માટે જવું પડે છે."

'150 જેટલાં મકાનો બંધ છે અને લોકો હિજરત કરી ગયા છે'

સ્થાનિક વિહાભાઈ કહે છે, "ગાયોને ખવડાવવા ઘાસ નથી. ખાય શું? એટલે ગાયો લઈને બધા ગુજરાતમાં જતા રહ્યા છે. ગામમાં કોઈ નથી, અમે વૃદ્ધો રહ્યા છીએ."
તેઓ ઉમેરે છે, "પાણીની અપાર તકલીફ છે. નર્મદાનું પાણી પંદર દિવસે એકવાર આવે ત્યારે ભરી લઈએ છીએ. 150 જેટલાં મકાનો બંધ છે અને લોકો હિજરત કરી ગયા છે."
ઉનાળો આવતા જ ચોટીલા તાલુકાનાં આ ગામોમાં પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. અહીંની મહિલાઓ વર્ષોથી આ પાણીની પીડા ભોગવી રહી છે.
કાખમાં બાળક અને માથે બેડાં સાથે પાણી ભરવા નિકળેલાં સ્થાનિક દેવુબેન ભરવાડ બીબીસી સાથે વાત કરતા કહે છે, "નાનાં-નાનાં બાળકો લઈને સવારના સાત વાગ્યાના પાણી સારીએ છીએ. નાનાં બાળકો હેરાન થાય છે. પાણીનું રટણ કરતા અમારા મોટા તો જતા રહ્યા પણ અમને કદી પાણીનું સુખ આવ્યું નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ઉમેરે છે, "10 વર્ષથી અમે ઘર બાંધ્યું છે (લગ્ન કર્યા છે) પણ ક્યાંય મીઠું પાણી ભાળ્યું નહીં. ન્હાવા-ધોવા, માલઃઢોર માટે પાણી સારીએ છીએ. વેચાતું પાણી લાવીને પીએ છીએ."
મોરસલના હિરીબેન કહે છે, "ગામમાં પાણી ક્યાંય નથી. નથી સરકારી બૉરવેલ. કે એમ થાય કે ચાલો ચકલે પાણી આવશે કે કૂવે પાણી સીંચીને પીશું. વેચાતા ટાંકા નાખીને પાણી પીએ છીએ. વેચાતા ટાંકા ન હોય તો અહી કાંય નથી."

'અમારો વિસ્તાર ઊંધી રકાબી જેવો છે'

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ખાતે નર્મદા કેનાલનું પમ્પિંગ સ્ટેશન આવેલું છે જ્યાંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ અહીંના લોકોનું કહેવું છે કે આ વિસ્તારોના ડૅમો ખાલી છે અને તેમને પીવા માટે પાણી ખરીદવું પડી રહ્યું છે.
માલધારી આગેવાન દેવકરણ જોગરાણા કહે છે, "અમારો વિસ્તાર ઊંધી રકાબી જેવો છે, અમારા તાલુકાનું વરસાદનું પાણી પાંચથી સાત તાલુકામાં પહોંચી જાય છે. પણ અમારા તાલુકામાં 100 ઇંચ વરસાદ પડે તોય અમારે એક ટિપું પણ કામમાં ન આવે એવો અમારો ઢાળવાળો વિસ્તાર છે."
ગામમાં પાણી આવવાની આશા-નિરાશાના ખેલ વિશે તેઓ કહે છે, "જ્યારે-જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે તેઓ વચન આપે. નાળેયેર લઈને આવે, ચૂંદડી લઈને આવે અને ગામવાળાને ભેગા કરીને કહે કે હાલો, ખાતમુહુર્ત કરવાનું છે. આ ચૂંટણી પતે એટલે પાણી આપવામાં આવશે. 10-12 વર્ષ થયાં હું જોઈ રહ્યો છું કે હજુ ડૅમમાંથી પાઇપલાઇનનું કામ કેટલે પહોંચ્યું તેની કોઈને ખબર જ નથી."

'વચ્ચે ગેરકાયદે ચોરીને લીધે આ ગામોમાં પાણી પહોંચતું નથી'

માલધારી આગેવાન દેવકરણ જોગરાણા કહે છે, "ગરીબ માલધારીઓ, ખેડૂતો વેચાતું પાણી લે છે. 500-700 રૂપિયાનો પાણીનો ટાંકો (ટૅન્કર) લે છે."
ચોટીલા સીંચાઈ વિભાગ પ્રતિભાવમાં કહે છે, "નર્મદા નહેરનું પાણી લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશન થઈને ધોળી ધજા ડૅમમાં પહોંચાડવામાં આવે છે. અહીંથી પાણી થાનગઢ પહોંચે છે. ત્યાંથી દર બીજા દિવસે સાયલા અને ચોટીલા જિલ્લામાં પાણી જાય છે. પરંતુ વચ્ચે ગેરકાયદે ચોરીને લીધે આ ગામોમાં પાણી પહોંચતું નથી."

વરસાદનાં પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે

ઇમેજ સ્રોત, Getty Images
સરદાર સરોવર ડૅમના ભાગે આવતાં કુલ નવ મિલિયન એકર ફૂટ પાણીમાંથી આશરે એક મિલિયન એકર ફૂટ કરતાં પણ ઓછું પાણી પીવાના ઉપયોગ માટે અનામત રાખવામાં આવે છે.
વૉટર મૅનેજમૅન્ટ ઍક્સપર્ટ હિમાંશુ ઠક્કરે અગાઉ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "સરદાર સરોવર પ્રોજેક્ટના ભાગે આવતા કુલ પાણીમાંથી પીવાના પાણીનો ભાગ માત્ર દસ ટકા જેટલો છે. તો શું સરકારે માત્ર દસ ટકા ભાગ જ બચાવ્યો છે?"
અલગ-અલગ જિલ્લાઓમાં પીવાનું પાણી સ્રોતોની જગ્યાએ નર્મદા કૅનાલ મારફતે પહોંચતું કરાયું છે. એ પરિસ્થિતિમાં મુશ્કેલી એ છે કે સરદાર સરોવર ડૅમ અને નર્મદા કૅનાલ પર પીવાનાં પાણી માટે બહુ મોટા વિસ્તારમાં રહેતા કરોડો લોકો નિર્ભર છે.
સ્થાનિક પાણીના સ્રોતોને વિકસાવવા પર ભાર મૂકતાં કર્મશીલ સાગર રબારીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "નર્મદા ગુજરાતની જીવાદોરીસમાન છે, પરંતુ વિકલ્પના સ્વરૂપમાં સ્થાનિક સ્રોતો અને જળાશયોનો વિકાસ પણ જરૂરી છે."
નિષ્ણાતો માને છે કે દુષ્કાળ ન સર્જાય એ માટે માત્ર ડૅમના પાણી પર આધાર રાખવાને બદલે વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.
શહેરોમાં અને ગામોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે જરૂરી માળખું તૈયાર કરવાથી જેટલો પણ વરસાદ થાય તેનું પાણી સ્થાનિક સ્તરે સચવાઈ જાય છે.
સાગર રબારીએ સરદાર સરોવર ડૅમનો દાખલો આપતાં કહ્યુ હતું કે, "નર્મદાનું પાણી છેક વેરાવળ સુધી પહોંચે છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ જો સ્થાનિક સ્રોતોની જાળવણી થઈ હોત તો હજારો કિલોમિટરની પાઇપલાઇનોના ભરોસે લોકો ન રહ્યા હોત."
હિમાંશુ ઠક્કરે કહ્યું હતું, "જેટલો પણ વરસાદ પડ્યો હોય, તેનો સંગ્રહ કરવાથી મુશ્કેલીમાં રાહત મેળવી શકાય છે."
ભારતના સૌથી વધુ કપાસના જીનીંગ અને પ્રેસિંગ યુનિટ આ જિલ્લામાં

ઇમેજ સ્રોત, Getty Images
10,489 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલા અને 10 તાલુકા ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાની કુલ વસતી 17,56,268 છે.
સુરેન્દ્રનગર મીઠાના અગરને કારણે જાણીતું છે અને ભારતના મીઠાના કુલ પુરવઠા પૈકી 25 ટકા સુરેન્દ્રનગરમાંથી, વિશેષ કરીને ખારાઘોડા વિસ્તારમાંથી આવે છે. સારી ગુણવત્તાનું મીઠુ ઝીંઝુવાડાના રણ વિસ્તારમાં પાકે છે.
સુરેન્દ્રનગર સૌથી વધુ સંખ્યામાં જીનીંગ અને પ્રેસિંગ યુનિટ સાથે ભારતનું કપાસ અને જીનીંગ પ્રવૃત્તિઓનું હબ ગણાય છે. તે ઉચ્ચ ગુણવત્તાના શંકર કપાસના ઉત્પાદનમાં દુનિયાભરમાં મોખરે છે. ભારતનું પહેલું કૉટન ફ્યૂચર ટ્રેડિંગ ઍક્ચેન્જની સ્થાપના સુરેન્દ્રનગરમાં 1964માં થઈ હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ, મુળી, થાનગઢ અને સાયલા તાલુકાઓ એગ્રો ક્લાયમૅટ ઝોન-7માં આવે છે. જિલ્લામાં વાર્ષિક વરસાદ 760 મિલીમિટરથી 967 મિલીમીટર પડે છે. વરસાદની અનિશ્ચિતતાને લઈને જિલ્લામાં વારંવાર દુકાળની સ્થિતિ સર્જાય છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












