કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી, પ્રશાંત કિશોરની પહેલી પસંદ કોણ? - BBC EXCLUSIVE
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ચૂંટણીના વ્યૂહરચનાકારનો વેશ બદલીને નેતા રૂપે આવવા આતુર પ્રશાંત કિશોરનું કહેવું છે કે મજબૂત કૉંગ્રેસ દેશના હિતમાં છે. જોકે, કૉંગ્રેસનું સુકાન કોના હાથમાં હોય એ બાબતમાં એમનો મત 'લોકપ્રિય ધારણા' કરતાં જુદો છે.
કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કે એમનાં બહેન પ્રિયંકા ગાંધી એમની પ્રથમ પસંદગી નથી.
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં પ્રશાંત કિશોરે કૉંગ્રેસ અધ્યક્ષરૂપે હાલનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાની પ્રથમ પસંદગી ગણાવ્યાં.

પ્રશાંત કિશોરે જ્યારે કૉંગ્રેસ પાર્ટીને પ્રેઝન્ટેશન આપ્યું ત્યાર પછીથી એ પ્રકારની અટકળો થવા લાગી હતી કે એમણે સૂચવ્યું છે કે પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસ અધ્યક્ષ બનાવવાં જોઈએ. તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશનો પ્રભાર સંભાળ્યો હતો.
પરંતુ પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવાનું સૂચન કરવા સાથે સંકળાયેલી તમામ અટકળોને નકારી દીધી.
પ્રશાંત કિશોરે જણાવ્યું કે એમણે કૉંગ્રેસમાં બદલાવ માટે જે પ્રેઝન્ટેશન આપેલું તેમાં લીડરશિપ (નેતૃત્વ) અંગે પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.
પ્રશાંત કિશોરે કહ્યું, "જે વાતો પ્રાઇવેટલી કહેવામાં આવી, તે વિશે હું પબ્લિકલી નહીં બોલું. જે વાતો સાર્વજનિક છે, એના વિશે જ કહીશ. લીડરશિપની બાબતે મારા મગજમાં જે કંઈ હતું, તે મેં એમને જણાવ્યું. તે આખી કમિટીએ નથી જોયું. તે કૉંગ્રેસ પ્રેસિડન્ટ (સોનિયા ગાંધી) માટે હતું."
"જ્યાં સુધી એવી વાત છે કે પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસનાં અધ્યક્ષ બનાવી દેવાય, તે બિલકુલ ખોટી વાત છે. મેં એવો કોઈ પ્રસ્તાવ નથી કર્યો કે આ વ્યક્તિને અધ્યક્ષ બનાવી દો. મારી પ્રપોઝલ માત્ર એટલી હતી કે જે કૉંગ્રેસના પ્રેસિડન્ટ હોય તે પાર્લમેન્ટમાં પાર્ટીના લીડર ના હોય. અત્યારે બંને પદ સોનિયા ગાંધી પાસે છે. મારું કહેવું હતું કે બંને અલગઅલગ વ્યક્તિ હોવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'મજબૂત કૉંગ્રેસ દેશ માટે જરૂરી'
પ્રશાંત કિશોર અને કૉંગ્રેસની વાતચીત જામી નહીં પરંતુ એમણે ભારપૂર્વક કહ્યું કે કૉંગ્રેસનું મજબૂત રહેવું એ દિશના હિતમાં છે.
એમણે કહ્યું, "જેઓ ભાજપના એકદમ પાક્કા સમર્થક છે તેઓ પણ કહેશે કે મજબૂત કૉંગ્રેસ દેશના હિતમાં છે."
કૉંગ્રેસ પાર્ટીનો ગ્રાફ પાછલા એક દાયકાથી સતત નીચે ઊતરતો જાય છે. વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. રાજ્યોની ચૂંટણીમાં પણ પાર્ટી ખાસ કશું કરી ના શકી.
તાજેતરની ચૂંટણીમાં પંજાબ જેવું મહત્ત્વનું રાજ્ય પણ કૉંગ્રેસના હાથમાંથી સરકી ગયું. જે સમયે કૉંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે એવું મનાતું હતું કે આગામી ચૂંટણીમાં પાર્ટી પોતાનું પ્રદર્શન સુધારવા માટે એમના તરફ (આશાભરી નજરે) જોઈ રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ પ્રશાંત કિશોરે કૉંગ્રેસ સમક્ષ પ્રેઝન્ટેશનની રજૂઆત કરી હતી કે પછી કૉંગ્રેસ તરફથી એમને બોલાવવામાં આવ્યા હતા?, એ સવાલનો પ્રશાંત કિશોરે ગોળગોળ જવાબ આપ્યો.
એમણે કહ્યું, "મારું કદ અને પાત્ર એટલાં મોટાં નથી કે કૉંગ્રેસની લીડરશિપ મારી પાસે આવે. એમણે મને તક આપી મારી વાત રજૂ કરવાની, એ માટે હું એમનો આભારી છું. જે બાબતે સહમતી થઈ છે, જો તેઓ એનો અમલ કરે તો એનાથી કૉંગ્રેસને ફાયદો છે, લોકતંત્રને ફાયદો છે, દેશને ફાયદો છે."
કૉંગ્રેસને અપાયેલા પ્રેઝન્ટેશન વિશે પ્રશાંત કિશોરે કહ્યું, "મારી એક જ શરત હતી. પાંચ રાજ્યોનાં પરિણામો આવ્યાં પછી જે વાત થઈ એમાં એક જ શરત મૂકી. મેં જે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી તેના પર ચર્ચા થઈ જવી જોઈએ, મારા જૉઇન કર્યા પહેલાં નક્કી કરી લો. કૉંગ્રેસ કમિટીએ લખ્યું કે (પ્રેઝન્ટેશનમાં) મોટા ભાગે જે વાતો છે, એનો અમલ કરવો સંભવ છે, એવું કરવાથી કૉંગ્રેસને લાભ થઈ શકે છે."

'મોદીને ના હરાવો, ભારતમાં જીત મેળવો'

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસને આપેલી સલાહ વિશે એમણે કહ્યું, " આ મોદીને હરાવવાની નહીં, બલકે ભારતમાં જીત મેળવવા સાથે સંકળાયેલી સલાહ છે."
પ્રશાંત કિશોરે કહ્યું કે તેઓ ભલે કૉંગ્રેસ સાથે ના જોડાય પરંતુ કૉંગ્રેસ જો તેમની સલાહનો અમલ કરશે તો તે પાર્ટી માટે સારું હશે.
પ્રશાંત કિશોર કૉંગ્રેસ સહિત દેશનાં ઘણાં રાજકીય દળો સાથે કામ કરી ચૂક્યા છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેઓ ભાજપના તે વખતના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે કામ કરતા હતા.
લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપની મોટી જીત પછી એમની ભૂમિકાને શ્રેય પણ અપાયું. વર્ષ 2015માં તેઓ મોદીની ભાજપમાંથી છૂટા થઈને બિહારમાં નીતીશકુમારના જનતા દળ યુનાઇટેડ અને લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ માટે રણનીતિ ઘડવાનાં કામમાં લાગી ગયા.
એ ચૂંટણીમાં ભાજપની સખત હાર થઈ. ગયા વર્ષે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસની જીતમાં પણ પ્રશાંત કિશોરને શ્રેય મળ્યું.
તેઓ આમ આદમી પાર્ટી માટે પણ કામ કરી ચૂક્યા છે. વર્ષ 2017માં એમણે બે રાજ્યોમાં કૉંગ્રેસને સલાહ આપી. પંજાબમાં કૉંગ્રેસને જીત મળી હતી પરંતુ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન કશો કમાલ નહોતું બતાવી શક્યું.

નીતીશથી હતા પ્રભાવિત

પ્રશાંત કિશોર પોતાની તમામ સફળતામાં વર્ષ 2017માં પંજાબમાં મળેલી જીતને સૌથી ઉપર રાખે છે.
તેઓ 2017ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને અવરોધવાને પોતાની કરિયરનો હાઈ પૉઇન્ટ માને છે. તે સમયે પ્રશાંત કિશોર પંજાબમાં કૅપ્ટન અમરિંદરસિંહની આગેવાનીમાં ચૂંટણી લડી રહેલી કૉંગ્રેસના વ્યૂહરચનાકાર હતા.
કૉંગ્રેસે બહુમત મેળવ્યો હતો અને સરકાર બનાવી હતી. બાદમાં પ્રશાંત કિશોરે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને કામ કર્યું હતું.
નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, લાલુ યાદવ અને મમતા બેનરજી જેવાં નેતાઓની સાથે કામ કરી ચૂકેલા પ્રશાંત કિશોરે કહ્યું કે તમામ નેતાઓમાંથી તેઓ સૌથી વધારે પ્રભાવિત નીતીશકુમારથી થયા છે.
તેમણે કહ્યું કે, "નીતીશજીથી હું પહેલાં પ્રભાવિત હતો. આજના જે નીતીશકુમાર છે, શક્ય છે એ વાત સાચી ના હોય પરંતુ જો હું પ્રભાવિત ના હોત તો પાર્ટી જૉઇન ના કરત. મેં એકમાત્ર પાર્ટી જે જૉઇન કરી તે જદયુ (જનતા દળ યુનાઇટેડ) છે, તો તમે માની શકો કે એક સમયે હું નીતીશકુમારથી પ્રભાવિત હતો."
પ્રશાંત કિશોરે પોતાના ભવિષ્ય વિશે પણ ચર્ચા કરી.
એમણે કહ્યું, "2 મેએ જ્યારે બંગાળનાં રિઝલ્ટ આવેલાં, મેં કહેલું કે એક વર્ષ અટકીને આગળ શું કરવું છે એના પર વિચાર કરીને હું નિર્ણય કરીશ. તે 2 તારીખ બેત્રણ દિવસમાં થઈ જશે, ત્યારે હું સાર્વજનિક રીતે જણાવી શકીશ કે હું શું કરીશ. હું જે કંઈ કરીશ બે દિવસમાં જણાવીશ."

'પીએમ મોદી ફોન કરે તો…'

ઇમેજ સ્રોત, Getty Images
પ્રશાંત કિશોર વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનનો ભાગ હતા, તો શું એમની ભાજપમાં 'ઘર-વાપસી' થઈ શકે છે, એવા પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું, "હું ક્યારેક ભાજપમાં હતો જ નહીં તો ઘર-વાપસી જેવો શબ્દ ક્યાંથી આવે."
ભાજપની સાથે જોડાવાની શક્યતાને નકારી કાઢતાં એમણે કહ્યું, "મારી પાસે એવી કોઈ ઑફર નથી."
શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ સાથે હજુ પણ એમને વાત થાય છે, આ પ્રશ્નનો પ્રશાંત કિશોરે સીધો જવાબ ન આપ્યો.
એમણે કહ્યું, "જો તમને પ્રાઇમ મિનિસ્ટરે ફોન કર્યો તો દેશમાં એવી કઈ વ્યક્તિ છે જે કહી દેશે કે હું તમારી સાથે વાત નહીં કરું? પ્રાઇમ મિનિસ્ટરની ચેરને તમે ડિસરિસ્પેક્ટ ના કરી શકો. તમારે વાત તો કરવી પડશે."
વર્ષ 2024માં ભાજપના ભવિષ્ય અને લોકસભા ચૂંટણી પરિણામોની બાબતમાં પુછાયેલા સવાલના જવાબમાં તેમણે કશું અનુમાન કરવાનો ઇનકાર કરી દીધો.
પ્રશાંત કિશોરે કહ્યું, "ભાજપ એક મજબૂત રાજકીય શક્તિરૂપે આ દેશમાં રહેશે, એનો તમે અને હું ઇનકાર ના કરી શકીએ, પરંતુ એનો મતલબ એવો નથી કે તેઓ 2024માં જીતી જશે કે 29માં જીતી જશે. બંને જુદી વાત છે."
પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે કોઈ થર્ડ ફ્રન્ટ ભાજપને પડકારી ના શકે.
એમણે કહ્યું, "હું ક્યારેય માનતો જ નથી કે કોઈ થર્ડ ફ્રન્ટ કે ફોર્થ ફ્રન્ટ આ દેશમાં ચૂંટણી જીતી શકે. જેણે પણ ચૂંટણી જીતવી છે એણે સેકન્ડ ફ્રન્ટ બનવું પડશે. એક નંબર પર સમજો કે ભાજપ અને એનડીએ છે, હું એટલો બેવકૂફ (મૂર્ખ) તો છું નહીં કે કહીશ કે Third front will defeat first front. (ત્રીજો મોરચો પ્રથમ મોરચાને હરાવશે) જે કોઈ ફ્રન્ટ ભાજપને હરાવવાની ઇચ્છા રાખે છે, તેણે સેકન્ડ ફ્રન્ટ થવું પડશે."
પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે કૉંગ્રેસ દેશની બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે પરંતુ ભાજપને પડકારનાર 'સેકન્ડ ફ્રન્ટ' નથી.
પ્રશાંત કિશોર પોતાના આગામી પગલાની માહિતી બે દિવસમાં જણાવશે, પરંતુ બીબીસી સાથેની વાતચીતમાં એમણે એટલો ઇશારો જરૂર કર્યો કે 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન દેશ એમને એક ચૂંટણી વ્યૂહરચનાકાર નહીં બલકે નેતાના રૂપમાં જોશે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













