સુપરસ્ટાર ફિલ્મ ડિરેક્ટર ગુરુદત્તે મુંબઈમાં ભવ્ય બંગલો બનાવી તેને કેમ તોડાવી નાખ્યો

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER PUBLISHER
- લેેખક, યાસિર ઉસ્માન
- પદ, ફિલ્મ ઇતિહાસકાર
ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓના બંગલાની વિશેષ શ્રેણીમાં અગાઉ આપણે રાજેશ ખન્નાના 'આશીર્વાદ' બંગલાની વાત કરી ગયા. આ વખતે એક નવા બંગલાની કહાણી જોઈએ.
ફિલ્મો બનાવનારાઓ ફિલ્મના પડદા પર એક સપનાની દુનિયાનું સર્જન કરતા હોય છે, પરંતુ કેટલીક વખત તેમનું પોતાનું સપનું એક ઘરનું હોય છે. 'એક બંગલા બને ન્યારા' એ દરેક ફિલ્મસ્ટારની ઇચ્છા હોય છે.
મુંબઈમાં પાલી હિલ વિસ્તારમાં જેમણે બંગલા નંબર 48 જોયો હશો તેઓ ક્યારેય તેની ભવ્યતાને નહીં ભૂલી શકે. આ બંગલો એ મહાન ફિલ્મ નિર્માતા ગુરુદત્તના સપનાનું ઘર હતું. ગુરુદત્ત અને ગીતા દત્તનું ભવ્ય અને આલીશાન રહેઠાણ એટલે 'બંગલા નંબર 48'.
પણ આ બંગલો ક્યારેય 'ઘર' ન બની શક્યો. ગુરુદત્તે પોતાનું દિલ રેડીને આ બંગલો બનાવડાવ્યો હતો, પરંતુ એક દિવસે બપોરે એટલા જ ઝનૂન સાથે તેમણે આ બંગલાને ધ્વસ્ત કરાવી નાખ્યો.
ગુરુદત્ત પર મારું પુસ્તક લખતી વખતે તેમની બેજોડ ફિલ્મોની સાથે સાથે મારા મનમાં તેમના જીવનના આ પાસાનો પણ વિચાર આવતો હતો. આ બંગલાની કહાણી ગુરુદત્તના જીવનની કહાણી પણ છે.
1950ના દાયકામાં મુંબઈ (તે સમયે બૉમ્બે)ના બાંદ્રા (પશ્ચિમ)માં પાલી હિલ એ ઘટાદાર વૃક્ષોથી આચ્છાદિત વિસ્તાર હતો.
ઢોળાવવાળી ટેકરી પર સ્થિત હોવાથી તેનું નામ પાલી હિલ પડ્યું હતું. તે સમયે પાલી હિલમાં મોટાભાગના લોકો કૉટેજ અથવા બંગલામાં રહેતા હતા.
શરૂઆતમાં અંગ્રેજો, પારસીઓ અને કૅથોલિક લોકો આ બંગલાઓના માલિકો હતા. ત્યાર પછી દિલીપ કુમાર, દેવ આનંદ અને મીના કુમારી જેવા હિન્દી ફિલ્મોના સિતારા ત્યાં રહેવાં લાગ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમય વીતવાની સાથે સાથે પાલી હિલ એક પોશ અને અત્યંત મોંઘો વિસ્તાર બની ગયો.
ગુરુદત્ત પાદુકોણનો જન્મ 1925માં બેંગ્લોર નજીક પન્નામ્બૂરમાં થયો હતો. શહેરની ચમકદમકથી દૂર, અત્યંત કઠિન આર્થિક પરિસ્થિતિમાં તેમનું બાળપણ વીત્યું હતું. એવું લાગતું હતું કે જાણે સમસ્યાઓનો કોઈ અંત જ નથી.
તેમનાં નાનાં બહેન લલિતા લાજમીએ મને જણાવ્યું હતું, “અમારા બાળપણમાં અમારી પાસે કોઈ સારું ઘર નહોતું. અમારા બહોળા પરિવારમાં સંસાધનોની હંમેશાં અછત રહેતી. આર્થિક રીતે બહુ મુશ્કેલ જીવન હતું."
દેવ આનંદનું ઘર અને ગુરુદત્તનું સ્વપ્ન

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER PUBLISHER
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે સમયે ઘર વિશે વિચારવું એ પણ ગુરુદત્ત માટે એક સપના સમાન હતું. કલકત્તા, અલ્મોડા અને પૂનામાં શરૂઆતનાં વર્ષો વિતાવ્યા પછી ગુરુદત્તનું નસીબ તેમને મુંબઈ લઈ આવ્યું.
અહીં ગુરુદત્તની મુલાકાત તેમના મિત્ર અને અભિનેતા દેવ આનંદ સાથે થઈ. થોડાં વર્ષો પહેલાં પૂણેના પ્રભાત સ્ટુડિયોમાં તેમની મિત્રતા શરૂ થઈ હતી, ત્યારે દેવ આનંદ પણ ફિલ્મોમાં કામ કરવા માટે સંઘર્ષ કરતા હતા.
દેવ આનંદે પોતાની આત્મકથા 'રોમાન્સિંગ વિથ લાઇફ'માં લખ્યું છે કે, "અમે એકબીજાને વચન આપ્યું હતું કે જે દિવસે હું નિર્માતા બનીશ, તે દિવસે હું ગુરુને ડાયરેક્ટર તરીકે લઈશ અને જે દિવસે તેઓ કોઈ ફિલ્મનું નિર્દેશન કરશે, તે વખતે તેઓ મને હીરો તરીકે ફિલ્મમાં લેશે.”
દેવ આનંદને પોતાનું વચન યાદ રહ્યું. ગુરુદત્ત પર દાવ લગાવીને તેમણે પોતાની ફિલ્મ 'બાઝી'નું નિર્દેશન તેમને આપ્યું. ગુરુદત્તની આ પહેલી ફિલ્મ હતી.
ફિલ્મસ્ટાર દેવ આનંદનું સુંદર મજાનું ઘર પાલી હિલમાં હતું. ફિલ્મના નિર્માણ દરમિયાન ગુરુદત્ત વારંવાર દેવ આનંદના પાલી હિલ સ્થિત બંગલામાં આવવા લાગ્યા.
ગુરુદત્ત પરના મારા પુસ્તક 'ગુરુ દત્ત, ઍન અનફિનિશ્ડ સ્ટોરી' માટે સંશોધન કરતી વખતે હું ગુરુદત્તનાં બહેન અને વિખ્યાત આર્ટિસ્ટ લલિતા લાજમીને મળ્યો. તેમણે મને કહ્યું, “તેઓ વારંવાર દેવ આનંદના બંગલાના વખાણ કરતા. અમે બેસીને તેમની વાતો ખૂબ રસથી સાંભળતા. તેઓ કહેતા કે ઘર તો આવું હોવું જોઈએ. પોતાનું ઘર હોય એવી ઇચ્છા અમને બધાને હતી, કારણ કે અમારી પાસે ક્યારેય પોતાનું ઘર નહોતું."
દેવ આનંદના ઘરે આવ-જા કરતી વખતે ગુરુદત્તના હૃદયમાં એક ઇચ્છા થઈ કે જીવનમાં તક મળશે તો તેઓ પાલી હિલમાં જ પોતાનો બંગલો બનાવશે, જે તેમના સપનાનું ઘર હશે.
'હું તારા ભાઈ સાથે લગ્ન કરવાની છું, અમે સાથે મળીને અમારું ઘર બનાવીશું'

ઇમેજ સ્રોત, YASEER USMAN
આ ફિલ્મે ગુરુદત્તના મનમાં બંગલાની ઇચ્છા પેદા કરી અને આ ફિલ્મ 'બાઝી'ના નિર્માણ દરમિયાન તેઓ પ્રેમમાં પણ પડ્યા.
સંઘર્ષ કરતા ફિલ્મ દિગ્દર્શક ગુરુદત્ત અને તે સમયનાં વિખ્યાત પ્લેબૅક સિંગર ગીતા રૉય એકબીજાનાં પ્રેમમાં પડ્યાં. ગુરુદત્તના પરિવારને પણ ગીતા પસંદ હતાં.
ગુરુદત્તનાં બહેન લલિતા લાજમીએ મને કહ્યું, "ગીતા સ્ટાર હતાં, પણ તેમને સાદગી ગમતી. અમે મિત્રો બની ગયાં. તે મારી ખૂબ જ નિકટ હતાં. તેઓ તેમના પરિવાર સાથે 'અમિયા કુટીર' નામના બંગલામાં રહેતાં. મને યાદ છે કે એક રાત્રે પોતાના બંગલાની બાલ્કનીમાં ઊભા રહીને ગીતાએ મને કહ્યું હતું, "હું તારા ભાઈ સાથે લગ્ન કરવાની છું, અમે સાથે મળીને અમારું ઘર બનાવીશું."
26 મે 1953ના રોજ બંનેનાં લગ્ન થયાં. લગ્ન વખતે પણ ગીતા રૉય ગુરુદત્ત કરતાં વધુ લોકપ્રિય હતાં.
પ્રેમમાં ડૂબેલાં સ્ટાર સિંગર ગીતા રૉયે પોતાનું નામ બદલીને ગીતા દત્ત રાખ્યું હતું. જોકે, જીવન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ તેને અહેસાસ થવા લાગ્યો કે માત્ર નામમાં પરિવર્તન નથી થયું. તેમના જીવનમાં ઘણું બધું બદલાઈ ગયું હતું.
ગુરુદત્ત ઇચ્છતા હતા કે ગીતા દત્ત માત્ર તેમની ફિલ્મોમાં જ પ્લેબૅક સિંગર તરીકે ગાય. ગુરુદત્તની કારકિર્દી પણ ખૂબ જ ઝડપથી આગળ વધતી હતી.
'આર પાર', 'મિસ્ટર ઍન્ડ મિસિસ 55' અને પછી 'પ્યાસા'ની સફળતાના કારણે થોડાં જ વર્ષોમાં તેમની ગણતરી હિન્દી સિનેમાના સૌથી સફળ ફિલ્મ નિર્માતાઓમાં થવા લાગી.
બીજી તરફ લગ્ન પછી ગીતા દત્તની કારકિર્દીનો ગ્રોથ અટકી ગયો. લલિતા લાજમીએ મને કહ્યું હતું કે ગીતા તેમની કારકિર્દી પર વધુ ધ્યાન આપવાં માગતાં હતાં. પરંતુ ગુરુદત્ત ઇચ્છતા હતા કે તે તેઓ ઘર-પરિવાર અને બાળકોની સંભાળ રાખે અને માત્ર તેમની ફિલ્મોમાં જ ગીતો ગાય.
ગીતા દત્તને આ વાત પસંદ ન હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા, પરંતુ શરૂઆતમાં બંને તેનું સમાધાન શોધી લેતાં હતાં.
સપનું જ્યારે સાકાર થયું

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER PUBLISHER
એક દિવસ ગુરુદત્તે અખબારમાં એક જાહેરખબર જોઈ કે પાલી હિલમાં એક જૂનો બંગલો વેચવા માટે કાઢ્યો છે.
તેમણે એક લાખ રૂપિયામાં તે બંગલો ખરીદી લીધો જે તે સમયે ઘણી મોટી રકમ હતી. બંગલો નંબર 48, પાલી હિલ. ગુરુદત્તના સપનાનું આ સરનામું હતું જે હવે વાસ્તવિકતા બની ગયું હતું.
આ બંગલો લગભગ ત્રણ વિઘા જમીન પર ફેલાયેલો હતો. તેની આસપાસ ઘટાદાર વૃક્ષો અને બગીચા હતા.
દેવ આનંદના બંગલા કરતાં પણ આ બંગલો મોટો હતો. ગુરુદત્ત અને ગીતાએ તેને ઘર બનાવવા માટે ઘણો સમય અને પૈસાનો ખર્ચ કર્યા. કાશ્મીરથી લાકડું મગાવ્યું, લંડનથી કાર્પેટ આવી અને બાથરૂમ માટે શુદ્ધ ઇટાલિયન માર્બલ લાવવામાં આવ્યો હતો.
ગુરુદત્તનાં માતા વાસંતીએ તેમના પુસ્તક 'માય સન ગુરુ દત્ત'માં લખ્યું હતું કે, "પાલી હિલ પરનો બંગલો એક સુંદર ઘરમાં પરિવર્તિત થઈ ગયો. તેમાં એક વિશાળ બગીચો અને આગળ લોન હતી. સીડી પરથી પશ્ચિમ બાજુએથી સમુદ્ર અને સૂર્યાસ્ત દેખાતો હતો. તેમણે તમામ પ્રકારનાં કૂતરા, સુંદર પક્ષી, એક સિયામી બિલાડી અને એક વાંદરો પણ ખરીદ્યો હતો. તેઓ પોલ્ટ્રી ફાર્મ પણ શરૂ કરવા માગતા હતા."
બીજા પુત્ર અરુણના જન્મ પછી ગુરુદત્ત અને તેમનો પરિવાર તેમના ખારવાળા ફ્લૅટમાંથી પાલી હિલના બંગલા નંબર 48માં રહેવા આવી ગયો.
ખુશીઓથી ભરેલા આ પરિવારમાં ગુરુદત્ત અને ગીતા દત્તને બે સંતાનો હતાં, સફળતા અને સુખી જીવન જીવવાની ઇચ્છા હતી.
શરૂઆતનાં વર્ષોમાં આ બંગલો સેંકડો વાર્તાઓ, ફિલ્મ પરની ચર્ચાઓ, પાર્ટીઓ અને સંગીતભરી સાંજનો સાક્ષી હતો. પરંતુ આ વર્ષોમાં ગુરુદત્ત અને ગીતા વચ્ચેના સંબંધોમાં ઘણું બદલાઈ ગયું હતું.
હવે ગુરુદત્ત સ્ટાર હતા અને ગીતા પાછળ રહી ગયાં હતાં

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER PUBLISHER
ગુરુદત્ત હવે સ્ટાર ડિરેક્ટર હતા જ્યારે ગીતાનું સ્ટારડમ આ થોડાં વર્ષોમાં ઝડપથી ઘટી ગયું હતું.
આ સમયગાળામાં લતા મંગેશકર અને આશા ભોંસલે પ્લેબૅક સિંગિંગમાં ઝડપથી ઊભરી આવ્યાં અને ગીતા આ રેસમાં પાછળ રહી ગયાં.
ગુરુદત્ત કામમાં મગ્ન રહેતા હતા. હવે તેમનો પોતાનો સ્ટુડિયો હતો અને તેમણે સતત ફિલ્મોનું નિર્માણ કરવાનું હતું.
તેમની પાસે ગીતા માટે બહુ સમય નહોતો. અભિનેત્રીઓ સાથેના તેમના સંબંધોની પણ ફિલ્મજગતમાં ખૂબ ચર્ચા થવા લાગી હતી.
મારા પુસ્તક 'ગુરુદત્ત ઍન અનફિનિશ્ડ સ્ટોરી' માટે આપેલા એક ઇન્ટરવ્યૂમાં લલિતા લાજમીએ મને કહ્યું હતું કે, "ગીતા શંકાશીલ સ્વભાવનાં હતાં અને બહુ પઝેસિવ હતાં. એક ફિલ્મ નિર્માતા અથવા ફિલ્મ અભિનેતા ઘણી અભિનેત્રીઓ સાથે કામ કરે છે, પરંતુ ગીતા માટે આ સ્વીકારવું મુશ્કેલ હતું."
પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધતા ગયા. એકલતા કરતાં સ્ટારડમ ગુમાવવાની લાગણીએ ગીતાને ઘેરી લીધાં. અંગત અને વ્યાવસાયિક નિરાશાઓમાંથી રસ્તો ન મળવાના કારણે ગુરુદત્ત શરાબના શરણે ગયા.
ગુરુદત્તનાં માતા વાસંતીએ પોતાના પુસ્તક 'માય સન ગુરુદત્ત'માં લખ્યું છે કે, "ઘર તો બનાવી લીધું, પરંતુ કામમાં વ્યસ્તતાને કારણે ગુરુદત્ત પોતાના ઘર પર ધ્યાન આપી શક્યા નહીં."
બૉમ્બેના સૌથી પોશ વિસ્તારમાં આવેલા સૌથી સુંદર બંગલા પૈકી એકમાં હવે તેમને શાંતિથી ઊંઘ પણ નહોતી આવતી.
ગુરુદત્તના મિત્ર લેખક બિમલ મિત્રાના પુસ્તક 'બિનીદ્ર'માં જણાવાયું છે કે ગુરુદત્તે એકવાર તેમને કહ્યું હતું કે, "હું હંમેશાં મારા ઘરમાં ખુશ રહેવા માંગતો હતો. પાલી હિલની તમામ ઇમારતોમાં મારું ઘર સૌથી સુંદર છે. એ ઘરમાં બેસીને તમને એવું ન લાગે કે તમે બૉમ્બેમાં છો. એ બગીચો, એ વાતાવરણ મને બીજે ક્યાં મળશે? આમ છતાં હું તેમાં લાંબો સમય રહી શકતો નથી."
ઘણીવાર તો વહેલી સવારે આંખોમાં ઊંઘ ભરી હોય અને તેઓ પોતાના સ્ટુડિયો પહોંચી જતા. અહીં તેઓ એક નાનકડા રૂમમાં શાંતિથી સૂઈ જતા, અને અહીં જ તેમને ઊંઘ આવતી હતી.
કેટલીક વખત તેઓ શાંતિની શોધમાં બૉમ્બેથી ભાગીને લોનાવાલામાં તેમના ફાર્મહાઉસ પર જતા અને ત્યાં ઘણા દિવસો સુધી ખેતી કરતા.
બંગલામાં 'ભૂત રહે છે!'

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER PUBLISHER
ગુરુદત્ત અને ગીતા વચ્ચે અંતર વધતું ગયું. પરસ્પર સંબંધો સુધારવા માટે દિગ્દર્શક ગુરુદત્તે ગીતાને હીરોઈન તરીકે લઈને એક મોટી ફિલ્મ 'ગૌરી' શરૂ કરી.
પરંતુ શૂટિંગ દરમિયાન જ બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે શરૂઆતના શૂટિંગ પછી ગુરુદત્તે 'ગૌરી' ફિલ્મ રદ કરી દીધી. તેમના સંબંધોમાં આ એક મોટો આંચકો હતો. તણાવના કારણે ગીતા વધુને વધુ અંધશ્રદ્ધાળુ બનતાં ગયાં. તેમણે પોતાના બગડેલા પારિવારિક સંબંધો માટે બંગલાને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું.
અંદરથી તેઓ માનતાં હતાં કે જ્યારથી તેઓ પાલી હિલના પોશ વિસ્તારમાં આવેલા આ બંગલામાં શિફ્ટ થયાં છે, ત્યારથી ગુરુદત્ત અને તેમની વચ્ચે એક તિરાડ પડી ગઈ છે જે પૂરાય તેમ નથી.
તેઓ માનવા લાગ્યાં કે બંગલો નંબર 48 જ તેમના લગ્નજીવનમાં અપશુકન લાવ્યો છે.
ગુરુ-ગીતાના સંબંધોની શરૂઆતથી લઈને અંત સુધી તેના સાક્ષી રહેલાં લલિતા લાજમીએ કહ્યું કે, "ગીતા માનવા લાગ્યાં કે બંગલામાં ભૂતનો વાસ છે. ઘરની લોનમાં એક ખાસ પ્રકારનું ઝાડ હતું અને તે કહેતાં કે આ ઝાડ પર એક ભૂત રહે છે જે તેમના લગ્નજીવનને બગાડે છે. તેમના વિશાળ ડ્રોઈંગ રૂમમાં બુદ્ધની મૂર્તિ પણ હતી. તેની સામે પણ તેમને કેટલાક વાંધા હતાં. બંને વચ્ચે ઘણી વખત ઝઘડા થતા. ગીતા દત્ત વારંવાર ગુરુને તે બંગલો છોડીને બીજે ક્યાંક રહેવા જવા માટે કહેવા લાગ્યા."
ગુરુદત્ત માટે આ બંગલો છોડવાનો વિચાર જ દિલ તોડી નાખનારો હતો. તેમના માટે આ સપનાનું ઘર હતું. પરંતુ ગુરુદત્તને કડવું સત્ય સમજાવા લાગ્યું કે તેઓ જે ઘર ઇચ્છતા હતા તેવું આ ઘર નથી બની શક્યું.
લલિતા લાજમીએ મને તેમનાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “ગીતાની ઇચ્છા મુજબ ગુરુદત્ત આખરે બંગલો છોડવા સંમત થયા. પણ તેનું હૃદય તૂટી ગયું. તેઓ ગીતાને જ દોષી ઠેરવતા હતા."
તણાવ એટલો બધો વધી ગયો કે ગુરુદત્તે જે બંગલામાં રહીને ભારતીય સિનેમાની યાદગાર ફિલ્મો બનાવી હતી, એ જ બંગલામાં તેમણે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
લલિતા લાજમીએ મને કહ્યું હતું કે "બંને વખત ગુરુદત્તનો જીવ બહુ મુશ્કેલીથી બચાવી શકાયો હતો. તેમણે કહ્યું હતું કે, ઘણી વખત જ્યારે ગીતા સાથે ઝઘડો થતો ત્યારે તેઓ મને ફોન કરતા. હું અડધી રાત્રે તેમની પાસે દોડી જતી. પરંતુ તેઓ ચૂપચાપ બેસી રહેતા. મને લાગતું કે તેઓ કંઈક કહેવા માંગે છે, પણ તેઓ ચૂપચાપ બેસી રહેતા. ક્યારેય કંઈ બોલ્યા નહીં. ક્યારેય નહીં.”
બે વખત આત્મહત્યાનો પ્રયાસ કરનારી વ્યક્તિએ પોતાના પરિવાર સાથે આ વિશે ક્યારેય વાત પણ કરી ન હતી. ત્યારબાદ 1963માં તેમના જન્મદિવસે ગુરુદત્તે એક વિચિત્ર નિર્ણય લીધો હતો.
(આત્મહત્યા એ એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. તમે તણાવ અનુભવો છો તો તમે ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ)
'બંગલો તોડવા દો, મેં જ તેમને કહ્યું છે'

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER PUBLISHER
તે દિવસ બપોરે ગીતા દત્ત બંગલામાં ઊંઘતાં હતાં, ત્યારે તેમને કંઈક અવાજ સાંભળ્યો. તેમણે જોયું કે કેટલાક મજૂરો બંગલાની દિવાલ તોડી રહ્યા હતા. તેમણે તરત જ ગુરુદત્તને સ્ટુડિયોમાં ફોન કર્યો.
ગુરુદત્તે કહ્યું, “ગીતા, તેમને બંગલો તોડવા દો. મેં જ તેમને કહ્યું છે. આપણે થોડા દિવસો હોટેલમાં રહીશું. મેં પહેલેથી જ એક રૂમ બુક કરાવી લીધો છે."
ગીતાદત્ત અને તેમનાં બાળકોએ વિચાર્યું કે ગુરુ કદાચ બંગલામાં કોઈ બાંધકામ કરાવી રહ્યા છે, અને તે પૂરું થતા જ તેઓ બધા આ બંગલામાં રહેવા પાછા આવી જશે.
ગુરુદત્ત આ બધું એવી બેફિકરાઈથી બોલ્યા જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી તેનો સેટ તોડવામાં આવી રહ્યો હોય. પરંતુ આ વખતે સેટ ફિલ્મી ન હતો.
જે બંગલાને તેમણે પોતાનું 'ઘર' બનાવવાનું સપનું જોયું હતું તે જ બંગલો તોડી પાડવામાં આવી રહ્યો હતો. થોડા જ દિવસોમાં બંગલા નંબર 48 જમીનદોસ્ત થઈ ગયો. બંગલાના કાટમાળમાં રૂમની દિવાલો, વાદળી રંગના આરસના ટૂકડા, વેરવિખેર પડેલાં લાકડાં અને પ્લાસ્ટરના ટુકડા હતા. પરંતુ તેની સાથે સાથે તેમાં એક સપનાના ટુકડા પણ હતા.
ગુરુદત્તનાં બહેન લલિતા લાજમીએ મને કહ્યું, "મને યાદ છે કે તે દિવસે તેમનો જન્મદિવસ હતો. તેમને તે બંગલો ગમતો હતો. જ્યારે બંગલો તોડી પાડવામાં આવ્યો હશે, ત્યારે મને નથી ખબર કે તેમના દિલ પર શું વીત્યું હશે."

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER PUBLISHER
'બિનીદ્ર' પુસ્તકમાં જણાવાયું છે કે તેમણે પોતાના મિત્ર અને 'સાહેબ, બીબી ઔર ગુલામ'ના લેખક બિમલ મિત્રાને કહ્યું હતું કે તેમણે ગીતાદત્તના કારણે પોતાનો બંગલો તોડાવી નાખ્યો હતો.
બંગલા નંબર 48 ધ્વસ્ત થયા પછી ગુરુદત્તનાં જીવન અને તેમના પરિવારની ખુશીઓ પણ ધીમે ધીમે ખતમ થવા લાગી.
બંગલો છોડ્યા પછી ગીતા અને બાળકો સાથે ગુરુદત્ત પાલી હિલમાં દિલીપ કુમારના બંગલાની સામે આશિષ નામની બિલ્ડિંગમાં શિફ્ટ થઈ ગયા. પરંતુ ગુરુદત્ત અને ગીતાના સંબંધોમાં કોઈ સુધારો ન થયો.
થોડા સમય પછી ગીતા પોતાનાં બાળકો સાથે બાંદ્રામાં બીજા ભાડાનાં મકાનમાં રહેવાં જતાં રહ્યાં.
પોતાના ભવ્ય બંગલાની યાદોને પાછળ રાખીને ગુરુદત્ત બૉમ્બેના પેડર રોડ પર આર્ક રોયલ ઍપાર્ટમૅન્ટમાં એકલા રહેવા લાગ્યા.
'માય સન ગુરુદત્ત'માં ગુરુદત્તનાં માતાએ લખ્યું છે, "ગુરુના નસીબની પડતી શરૂ થઈ હતી. તેમણે પોતાનો સુંદર બંગલો નષ્ટ કરી નાખ્યો. તેમનો બંગલો તોડી પાડવામાં આવ્યો, ત્યાર પછી ગુરુદત્તનું પારિવારિક જીવન પણ તૂટી ગયું હતું."
લગભગ એક વર્ષ પછી 10મી ઑક્ટોબરની સવારે ગુરુદત્ત તે જ ફ્લૅટમાં તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
એ દિવસોને યાદ કરતાં લલિતા લાજમીએ મને અફસોસ સાથે કહ્યું કે ઘર જો ખુશહાલ હોત તો મારા ભાઈનો અંત આટલો જલદી આવ્યો ન હોત. ગુરુદત્ત તેમની ફિલ્મો દ્વારા અમર બની ગયા પરંતુ બંગલા નંબર 48નું હવે કોઈ નામોનિશાન પણ નથી.
ગુરુદત્તે કહ્યું હતું કે, "ઘર ન હોવાની પીડા કરતાં ઘર હોવાની તકલીફ વધુ ભયંકર હોય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












