એક રાજકુંવરની હત્યા થઈ અને આખી દુનિયાને યુદ્ધમાં હોમી દેવાઈ, લાખો લોકો કઈ રીતે માર્યા ગયા?

ઑસ્ટ્રિયા, દંપતીની હત્યા, વિશ્વયુદ્ધ, મોદીની ઑસ્ટ્રિયા મુલાકાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

આજથી લગભગ 110 વર્ષ પહેલાં ઑસ્ટ્રિયન દંપતીની હત્યા થઈ હતી, જેના કારણે પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, જેમાં લગભગ એક કરોડ લોકોનાં મૃત્યુ થયાં તથા બે કરોડ લોકો ઘાયલ થયા.

જિંદગીના છેલ્લા દિવસે પણ દંપતીએ એક વખત મૃત્યુને હાથતાળી આપી દીધી હતી, પરંતુ બીજી વખત તેઓ નસીબદાર સાબિત થયાં ન હતાં અને ઇતિહાસમાં લોહિયાળ પ્રકરણના લખાણ માટે નિમિત બન્યાં હતાં.

દંપતીએ પ્રેમલગ્ન કર્યું હતું, જે બોલિવુડની કોઈ પટકથા જેવું હતું. જે દિવસે તેમનું મૃત્યુ થયું, એ દિવસ પણ તેમના પ્રેમપ્રસંગમાં મહત્ત્વપૂર્ણ હતો.

સદીની શરૂઆત, વિવાદના વાવેતર

મોદી, પુતિન, ઑસ્ટ્રિયા, પ્રથમ વિશ્વયુદ્ધ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, 28 જૂન, 1914ના દિવસે હત્યાના થોડા સમય પહેલાં આર્ક ડ્યૂક ફર્ડિનાન્ડ તથા તેમનાં પત્ની સોફિયા

1867માં એક સંધિ મારફત ઑસ્ટ્રિયા તથા હંગેરી બે રાષ્ટ્રના સંઘ બન્યા. બંનેના શાસક એક જ પરિવારના હતા. વર્તમાન યુરોપના અનેક દેશ તેમને આધીન હતા. બૉસ્નિયાને ઑસ્ટ્રિયાના તાબા હેઠળથી સ્વતંત્ર થવું હતું, તેને સર્બિયા જેવા દેશોનો ટેકો પ્રાપ્ત હતો; તો સર્બિયાને રશિયાનું સમર્થન હાંસલ હતું.

1903માં સર્બિયાનાં રાજા-રાણી તથા અનેક સૈન્ય અગ્રણીઓની હત્યા કરી દેવાઈ. તેમના સ્થાને જે શખ્સ નવા રાજા બન્યા, તેઓ રશિયાતરફી વલણ ધરાવતા હતા તથા તેમને સર્બિયાના રાષ્ટ્રવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ હતી.

વર્ષ 1908માં ઑસ્ટ્રિયા-હંગેરીએ બૉસ્નિયા હર્ઝગોવિનાને પોતાની સાથે ભેળવી દીધું. અગાઉ તે ઓટ્ટોમન સામ્રાજ્યના ભાગરૂપ હતું. વર્ષ 1912- '13 દરમિયાન બે બાલ્કન યુદ્ધ લડાયા. વર્ષ 1912ના પ્રથમ યુદ્ધમાં બલ્ગૅરિયા, મૉન્ટેનિગ્રો તથા સર્બિયાએ ઓટ્ટોમન સામ્રાજ્યને પછડાટ આપી અને તેની પાસેથી મોટાભાગનો યુરોપિયન વિસ્તાર છીનવી લીધો.

જીતેલી જમીનના હદવિસ્તાર અંગે વિવાદ થતાં પછીના વર્ષે વધુ એક યુદ્ધ થયું, જેમાં ગ્રીસ તથા સર્બિયા સામે યુદ્ધ કર્યું. આમ બાલ્કનવિસ્તારમાં અસ્થિરતા પ્રવર્તતી હતી, ત્યારે વર્ષ જૂન-1914ના છેલ્લા અઠવાડિયામાં ઑસ્ટ્રિયા-હંગેરીના તાજના વારસદાર આર્ક ડ્યૂક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ તેમનાં પત્ની બૉસ્નિયાની રાજધાની સારાયેવો પહોંચ્યાં.

બૉસ્નિયાના લોકો સર્બિયા સાથે જોડાવા માગતા હતા, આથી વર્ષ 1914માં સર્બિયનો દ્વારા બ્લૅક હૅન્ડ નામનું સંગઠનનું ઊભું કરવામાં આવ્યું. મલ્દા બૉસ્ના એટલે કે 'યુવા બૉસ્નિયા' હેઠળ બૉસ્નિયન, બૉસ્નિયન સર્બ તથા બૉસ્નિયન ક્રૉએશ લોકો અલગ-અલગ ક્રાંતિકારી વિચારણસરીને આગળ કરી રહ્યા હતા. ત્રણ અલગ-અલગ વંશીય જૂથો રહેતાં હોવાને કારણે સારાયેવોને 'યુરોપના જેરૂસલેમ' તરીકે ઓળખવામાં આવતું.

તેમણે બૉસ્નિયાની મુલાકાત વખતે ઑસ્ટ્રિયા-હંગેરીના તખતના વારસદાર આર્કડ્યૂક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. આર્કડ્યૂક ઑસ્ટ્રિયા-હંગેરીના સમ્રાટ ફ્રાન્ઝ જૉસેફના ભત્રીજા હતા એટલે તેઓ નિશાના પર હતા. આર્કડ્યૂક સાથે તેમનાં પત્ની સોફિયા પણ હતાં.

અંધાધૂંધી વચ્ચે પ્રેમકહાણી

મોદી, પુતિન, ઑસ્ટ્રિયા, પ્રથમ વિશ્વયુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંતાનો સાથે આર્ડક્યૂડ ફર્ડિનાન્ડ તથા સોફિયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઑસ્ટ્રિયા-હંગેરીના શાસક સામ્રાજ્યની સીમાઓ વિસ્તારવા માટે પ્રયત્નશીલ હતા, ત્યારે આર્કડ્યૂક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડને સોફિયા નામનાં મહિલા સાથે પ્રેમ થઈ ગયો. ઉંમરમાં સોફિયા કરતાં આર્કડ્યૂક ચારેક વર્ષ મોટાં હતાં. સોફિયા કોઈ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતાં ન હતાં તથા તેઓ રાજકુંવરી પણ ન હતાં. સોફિયાના કૂળ વિશે રાજવી પરિવારમાં વિવાદ થયો.

છેવટે સોફિયાની કૂખે જન્મેલું બાળક ઑસ્ટ્રિયા-હંગેરીના તાજનું વારસદાર નહીં બની શકે તેવી શરતે બંનેનાં લગ્નને મંજૂરી આપવામાં આવી. સોફિયાને હોહૅનબર્ગના ડચેસ બનાવવામાં આવ્યાં. ઑસ્ટ્રિયા-હંગેરીમાં તેમને શાહી બગ્ગી કે અન્ય ઇકલાબ વાપરવાની છૂટ ન હતી, પરંતુ આર્કડ્યૂક સેનાના વડા હોવાને કારણે તેમના વિદેશપ્રવાસ સમયે સોફિયાને રાજવી સત્કાર મેળવવાની છૂટ હતી.

દંપતી એક રાજકુંવર અને બે રાજકુંવરી એમ ત્રણ સંતાનોનાં માતાપિતા બન્યું. સોફિયા રાજવી પરિવારનાં ન હોવાથી તેમને શાહી કબ્રસ્તાનમાં દફનાવવાની છૂટ ન હતી. એટલે આર્કડ્યૂક ફર્ડિનાન્ડ દ્વારા વિયેના પાસેના તેમનાં કિલ્લાના દેવળમાં બંનેને પાસે-પાસે દફનાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

લગ્નની 14મી વર્ષગાંઠે દંપતી સારાયેવો પહોંચ્યું, ત્યારે જાણે મોત એમની રાહ જોઈને બેઠું હતું. એક વખત તેમણે મોતને થાપ આપી પણ દીધી, પરંતુ બીજી વખત ન આપી શક્યાં.

મૃત્યુ પહેલાં મરણને હાથતાળી

મોદી, પુતિન, ઑસ્ટ્રિયા, પ્રથમ વિશ્વયુદ્ધ

ઇમેજ સ્રોત, Topfoto

ઇમેજ કૅપ્શન, ગેવરિલો પ્રિન્સિપ

મૃત્યુ પહેલાંના એકાદ વર્ષના આર્કડ્યૂક ફર્ડિનાન્ડે બે વખત મોતને હાથતાળી આપી હોવાના બહુચર્ચિત કિસ્સા નોંધાયેલા છે. ઇંગ્લૅન્ડના ડ્યૂક ઑફ પૉર્ટલૅન્ડના આમંત્રણને માન આપીને દંપતી નવેમ્બર-1913માં નૉટિંગહમશાયર પહોંચ્યું હતું. ડ્યૂક ઑફ પૉર્ટલૅન્ડ તેમના પુસ્તક 'મૅન, વુમન ઍન્ડ થિંગ્સ'માં લખે છે:

'અમે તેતરનો શિકાર કરવા માટે ગયા હતા, એવા સમયે અમારી બંદૂકોનો એક લૉડર પડી ગયો, જેના કારણે, બંદૂકનાં બંને નાળચાંમાંથી ગોળીઓ છૂટી, જે મારા અને આર્કડ્યૂકથી અમુક ફૂટ દૂરથી નીકળી ગઈ અને અમે બચી ગયા. '

આ દુર્ઘટના પછી લગભગ એક અઠવાડિયાં સુધી દંપતી ત્યાં રહ્યું તથા અલગ-અલગ પ્રવાસ ખેડ્યાં. આર્કડ્યૂકે જીવનના છેલ્લા દિવસે પણ એક વખત મૃત્યુને હાથતાળી આપી હતી.

આર્કડ્યૂક ફર્ડિનાન્ડ તથા તેમનાં પત્ની સારાયેવોના જાહેરરસ્તાઓ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે તેમની ગાડી ઉપર મલ્દા બૉસ્નિયાના સભ્યો દ્વારા બૉમ્બ ફેંકવામાં આવ્યો. આ હુમલામાં દંપતીને કંઈ ન થયું અને આબાદ બચી નીકળ્યાં, જોકે સહપ્રવાસીને ઈજા પહોંચી.

ઉતારા પર પહોંચીને આર્કડ્યૂકે પોતાની ઉપર થયેલા હુમલા બદલ કાર્યક્રમમાં ઉપસ્થિત સારાયેવોના ગણમાન્ય લોકોને ખખડાવ્યા. એ પછી તેમણે ડ્રાઇવરને સૈન્યહૉસ્પિટલ લઈ જવાનો આદેશ આપ્યો, જ્યાં ઈજાગ્રસ્ત કર્નલની સારવાર ચાલી રહી હતી.

દંપતી સારાયેવોના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ગૅવરિલો પ્રિન્સિપ નામના શખ્સે બે ગોળીઓ છોડી અને દંપતીનું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાને પગલે સમગ્ર યુરોપમાં અંધાધૂંધી ફેલાઈ જવા પામી હતી.

સામ્રાજ્યની શતરંજનાં સોગઠાં

મોદી, પુતિન, ઑસ્ટ્રિયા, પ્રથમ વિશ્વયુદ્ધ

ઇમેજ સ્રોત, IWM

ઇમેજ કૅપ્શન, વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો

સારાયેવોમાં ઑસ્ટ્રિયાના આર્કડ્યૂકની હત્યાએ પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું તત્કાળ કારણ હતું, પરંતુ આ સાથે ચાર 'સ'ને પણ જવાબદાર માનવામાં આવે છે. જેમાં સૈન્યકરણ, સંધિઓ, સામ્રાજ્યવાદ તથા સંકીર્ણ રાષ્ટ્રવાદનો સમાવેશ થાય છે.

ભત્રીજાની હત્યા પછી ઑસ્ટ્રિયા-હંગેરીના સમ્રાટ ફ્રાન્ઝ જૉસેફ ખૂબ જ ગુસ્સામાં હતા, તેમણે સર્બિયા સામે 10 આકરી શરતો મૂકી અને જો તેનો સ્વીકાર ન કરે તો 48 કલાકમાં યુદ્ધ જાહેર કરવાની ધમકી આપી. અગાઉના બે બાલ્કન યુદ્ધને કારણે થાકેલું સર્બિયા નવ શરતો માની ગયું, પરંતુ એક મુદ્દાનો અસ્વીકાર કરતા ઑસ્ટ્રિયાએ યુદ્ધ જાહેર કર્યું.

વર્ષ 1871માં વિશ્વના નક્શા ઉપર જર્મની અસ્તિત્વમાં આવ્યું. એ પહેલાં યુકે તથા ફ્રાન્સે આફ્રિકા તથા એશિયાના અનેક વિસ્તારોને પોતાને અધીન કરીને સંસ્થાન બનાવી લીધા હતા. જર્મની પણ તેની સીમાઓ વિસ્તારવા માગતું હતું. એવામાં આર્કડ્યૂકની હત્યા પછી જર્મનીએ જાહેર કર્યું કે 'ઑસ્ટ્રિયા જે કોઈ નિર્ણય કરશે, અમે તેની સાથે રહીશું.' જર્મનીની જાહેરાતને યુદ્ધની સ્થિતિમાં પણ સમર્થન માની લેવાઈ.

સર્બિયાએ મદદ માગતા રશિયાએ પોતાની સેનાઓને આગળ વધારવી શરૂ કરી. ઑસ્ટ્રિયા-હંગેરીની મંછા ઉપર રશિયાને શંકા હતી, એવામાં પહેલી ઑગસ્ટે જર્મનીએ રશિયા સામે યુદ્ધ જાહેર કરી દીધું.

જર્મનીએ બૅલ્જિયમ અને લક્ઝમબર્ગના રસ્તે ફ્રાન્સ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું. બૅલ્જિયમની તટસ્થતાનો ભંગ થયો હોવાથી જર્મની સામે બ્રિટને (ચોથી ઑગસ્ટ) યુદ્ધ જાહેર કરી દીધું. આને કારણે અવિભાજિત ભારત સહિત અનેક સંસ્થાનોએ પણ યુદ્ધમાં જોડાવું પડ્યું.

ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન 'મિત્ર રાષ્ટ્રો' તરીકે તથા જર્મની, ઑસ્ટ્રિયા અને તુર્કી વગેરે 'ધરી રાષ્ટ્રો' તરીકે ઓળખાયાં. એ સમયે નેતાઓને હતું કે તે અમુક મહિનાઓમાં ઘર્ષણ સમાપ્ત થઈ જશે, પરંતુ તે સવા ચાર વર્ષ જેટલું ખેંચાઈ ગયું હતું. યુદ્ધમાં લગભગ છ કરોડ સૈનિકોએ ભાગ લીધો. જેમાં કેટલી ખુવારી થઈ, તેનો નક્કર આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ એક અનુમાન પ્રમણે, એક કરોડ સૈનિક મૃત્યુ પામ્યાં, જ્યારે બે કરોડ ઘાયલ થયા હતા.

લગભગ 13 લાખ ભારતીયસૈનિકો બ્રિટિશપક્ષે રહીને લડ્યા, જેમાંથી 74 હજાર 187નાં મૃત્યુ થયાં તથા હજારોની સંખ્યામાં ભારતીયો ઘાયલ થયાં કે વિકલાંગ બન્યાં.

જો આર્કડ્યૂકની હત્યા ન થઈ હોત, તો વિશ્વયુદ્ધ ન થયું હોત? પૉર્ટલૅન્ડના ડ્યૂક તેમના પુસ્તકમાં લખે છે, "હું ઘણી વખત વિચારું છું કે જો સારાયેવોમાં એ સમયે આર્કડ્યૂકનું મૃત્યુ થયું હોત, તો કદાચ 'મહાનયુદ્ધ' (વિશ્વયુદ્ધ) ટળ્યું ન હોત, પરંતુ મોકૂફ તો રહ્યું જ હોત."