કુમાર ગંધર્વની 100મી જયંતી : ભારતીય સંગીતને ‘નિર્ભય-નિર્ગુણ’ બનાવનારા ગાયક

કુમાર ગંધર્વ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જાહ્નવી મૂળે
    • પદ, બીબીસી સંવાદદાતા

“તાનસેન કેવું ગાતા હતા તે મને ખબર નથી. તેમના વિશે જે કંઈ પણ કહેવાતું હોય, પરંતુ કુમાર ગંધર્વ આધુનિક સમયના શ્રેષ્ઠ ગાયક છે, એવું હું કહું તો એ અતિશયોક્તિ નથી.”

વિખ્યાત મરાઠી લેખક અને સંગીતકાર પુ. લ. દેશપાંડેએ તેમના એક પ્રવચનમાં કુમાર ગંધર્વ વિશે વાત કરતાં આ વાત કહી હતી.

પુ. લ. દેશપાંડે આરતી પ્રભુના એ નિવેદનનો ઉલ્લેખ પણ કરતા હતા, જેમાં આરતીએ કુમાર ગંધર્વ બાબતે કહ્યું હતું, “તેઓ માત્ર ગાતા ન હતા, પરંતુ સૂરોને સાંભળતા પણ હતા.”

વાસ્તવમાં કુમાર ગંધર્વ ગાવાનું શરૂ કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે એ ગીત તેમના અંતર્મનનો અવાજ છે.

ભારતીય સંગીત અને ખાસ કરીને શાસ્ત્રીય સંગીતને પસંદ કરતી લગભગ દરેક વ્યક્તિ કુમાર ગંધર્વના ગાયનથી મંત્રમુગ્ધ થઈ જાય છે.

કુમાર ગંધર્વની જન્મશતાબ્દી

કુમાર ગંધર્વ

ઇમેજ સ્રોત, Getty Images

કુમાર ગંધર્વની જન્મશતાબ્દી 2024ની આઠમી એપ્રિલે ઉજવવામાં આવી રહી છે. આ બાબતે સંગીતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કુમાર ગંધર્વના અવસાનને ત્રણથી વધુ દાયકા થઈ ચૂક્યા છે, પરંતુ તેમનાં ગીતોનો જાદુ યથાવત્ છે.

કુમાર ગંધર્વએ ગાયેલા કબીર અને સૂરદાસનાં ભજનો તથા તેમણે સર્જેલા નવા રાગો વિશે આજે પણ વાતો થાય છે.

તેમનાં ગીતોનું શ્રવણ દર વખતે નવીનતાનો અહેસાસ કરાવે છે. શાસ્ત્રીય સંગીતની સમજ ન હોય તેવા લોકો પણ કુમાર ગંધર્વનું ગાયન સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે.

શિવના પુત્ર ‘કુમાર ગંધર્વ’

કુમાર ગંધર્વ

ઇમેજ સ્રોત, KUMAR GANDHARVA PRATISHTHAN

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પંડિત કુમાર ગંધર્વનો જન્મ 1924ની આઠમી એપ્રિલે કર્ણાટકના બેલગામ નજીકના સુલેભાવી ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ શિવપુત્ર સિદ્ધારમૈયા કોમકલી હતું. ચાર ભાઈ-બહેનમાં તેમનો ક્રમ ત્રીજો હતો.

ઘરમાં શાસ્ત્રીય સંગીતનો માહોલ હતો, કારણ કે તેમના પિતા સિદ્ધારમૈયાને ગાયનમાં દિલચસ્પી હતી.

તેમના દીકરા શિવપુત્રએ સાત વર્ષની વયે એક દિવસ અચાનક ગાવાનું શરૂ કરી દીધું હતું. શિવપુત્ર એવું ગાયન શરૂ કર્યું હતું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પોતાના સંતાનની પ્રતિભાને પારખીને સિદ્ધરમૈયા તેમને પોતાના ગુરુ પાસે લઈ ગયા હતા. સ્વામીજીએ કહ્યું હતું, “ઓહ, આ તો ખરેખર ગંધર્વ છે.” એ દિવસથી શિવપુત્રને કુમાર ગંધર્વ નામ મળ્યું હતું અને એ નામે ઓળખાવા લાગ્યા હતા.

એ પછી કુમાર ગંધર્વએ તેમના પિતા સાથે મહેફિલોમાં ગાવાનું શરૂ કરી દીધું હતું. એ પણ માત્ર સાત-આઠ વર્ષની વયે. તેમનું ગાયન ઝડપભેર લોકપ્રિય થવા લાગ્યું હતું. દરેકને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે આ છોકરો કશું શીખ્યા વિના આટલું મધુર ગાયન કેવી રીતે કરે છે.

એ સમયે કુમાર ગંધર્વ કન્નડ સિવાયની બીજી કોઈ ભાષા જાણતા ન હતા, પરંતુ ગીતોને કાયમ ભાષાની જરૂર હોતી નથી. આ જ કારણસર કુમાર ગંધર્વના કાર્યક્રમોનું આયોજન સમગ્ર ભારતમાં થતું હતું. આઝાદી પહેલાં સુધીમાં તો તેમના કાર્યક્રમો કરાચીમાં પણ થવા લાગ્યા હતા.

સંગીતનું શિક્ષણ ક્યાં લીધું?

કુમાર ગંધર્વ

ઇમેજ સ્રોત, KUMAR GANDHARVA PRATISHTHAN

એવા જ એક કાર્યક્રમ દરમિયાન સિદ્ધારમૈયાને સલાહ આપવામાં આવી હતી કે તેમણે કુમાર ગંધર્વને સંગીત શીખવા માટે પ્રોફેસર બી. આર. દેવધર પાસે મુંબઈ મોકલવા જોઈએ.

એ પછી સિદ્ધારમૈયા કુમાર ગંધર્વને પ્રોફેસર દેવધરના સંગીત વિદ્યાલયમાં લઈ ગયા હતા અને પોતે સુલેભાવી પાછા ફર્યા હતા. વાસ્તવમાં ત્યાંથી કુમાર ગંધર્વની સંગીતયાત્રા શરૂ થઈ હતી.

પ્રોફેસર બી. આર. દેવધર સ્કૂલ ઑફ ઇન્ડિયન મ્યુઝિક મુંબઈના ગીરગાંવ વિસ્તારમાં ઑપેરા હાઉસ સામેની એક ઇમારતના બેઝમેન્ટમાં આવેલી છે.

સંગીતના શિક્ષણ અને પ્રચાર-પ્રસારનું કામ કરનાર બી. આર. દેવધરે લગભગ 100 વર્ષ પહેલાં આ સ્કૂલની સ્થાપના કરી હતી.

કુમાર ગંધર્વ આ સ્કૂલમાં સંગીત શીખવા 1936માં આવ્યા હતા અને 1947 સુધી દેવધરજી સાથે રહીને સંગીત શીખતા રહ્યા હતા.

એ સમયે દેવધર સ્કૂલને મુંબઈમાં સંગીતનું એક મુખ્ય કેન્દ્ર ગણવામાં આવતી હતી. દેવધર માસ્ટરના વંશજ સંગીતા અને ગિરીશ ગોગટેએ આજે પણ સંગીતની પરંપરા જાળવી રાખી છે.

વીડિયો કૅપ્શન,

ગિરીશ ગોગટે કહે છે, “તમામ પરિવારોના ગાયકો સાથે દેવધરજીને સારા સંબંધ હતા. દેવધરજી તેમના ગુરુ વિષ્ણુ દિગંબર પલુસ્કરની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરતા હતા. તેમાં દેશભરના વિખ્યાત ગાયકોને આમંત્રણ આપતા હતા.”

આ રીતે કુમાર ગંધર્વને વિવિધ ઘરાનાઓની વિશેષતા શીખવા મળી હતી અને તેમની ગાયકી વિકસી હતી.

સંગીતા કહે છે, “અમારા દાદાજી સંગીતજ્ઞ હોવાની સાથે-સાથે વિચારક પણ હતા. દાદાજીએ એવું ક્યારેય વિચાર્યું ન હતું કે આ પરિવાર અમારો નથી કે અમે તેમનાં ગીતો ગાવા ઇચ્છતા નથી કે અમે તેમને અમારું જ્ઞાન આપવા ઇચ્છતા નથી. તેમણે કુમારજીને દરેક પ્રકારના સંગીતનો પરિચય કરાવ્યો હતો અને કહ્યું હતું કે તેમાંથી જે લઈ શકતા હો તે લઈ લો.”

એ પછી કુમારજીએ આ જ સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું હતું અને 1947માં તેમનાં વિદ્યાર્થિની ભાનુમતી કંસ સાથે લગ્ન કર્યાં હતાં.

કુમારજીના સંગીતના કાર્યક્રમો ચાલતા હતા, પરંતુ એ સમયે તેમને ટીબીની બીમારી થઈ હતી.

નાઈલાજ બીમારી અને દેવાસમાં વસવાટ

કુમાર ગંધર્વ

ઇમેજ સ્રોત, KUMAR GANDHARVA PRATISHTHAN

ટીબીની બીમારી એ સમયે નાઈલાજ હતી. તેથી ડૉક્ટરોએ કુમાર ગંધર્વને વાતાવરણ શુષ્ક હોય તેવી જગ્યાએ જઈને રહેવાની સલાહ આપી હતી. તેથી કુમારજીએ દેવાસની પસંદગી કરી હતી.

ભાનુમતિનાં બહેન ત્રિવેણી કંસ દેવાસમાં રહેતાં હતાં. કુમારજીને પુત્રની માફક પ્રેમ કરતા રામુભૈયા દાતેનો પરિવાર પણ દેવાસમાં રહેતો હતો. તેથી કુમારજીએ વસવાટ માટે દેવાસની પસંદગી કરી હતી.

કુમાર ગંધર્વ વિશેના પુસ્તક ‘કાલજયી’નાં લેખિકા તથા સહ-સંપાદક રેખા ઇનામદાર સાને કહે છે, “કુમારજીનાં પહેલાં પત્ની ભાનુમતી પણ ગાયિકા હતાં, પરંતુ કુમારજીને ટીબી થયો ત્યારે ભાનુમતીએ તેમની સારસંભાળ રાખી હતી. તેમના કારણે કુમારજી બચી ગયા એવું કહી શકાય. એ દરમિયાન ભાનુમતીએ જાતે કામ કરીને પરિવારને આર્થિક મદદ પણ કરી હતી.”

“ભાનુમતીને કુમારજી સાથેના લગ્નજીવનમાં બે પુત્ર થયા હતા. મુકુલ શિવપુત્ર અને યશોવર્ધન. 1961માં યશોવર્ધનના જન્મ પછી ભાનુમતીનું અવસાન થયું હતું. 1962માં કુમારજીએ વસુંધરા તાઈ સાથે લગ્ન કર્યાં હતાં. વસુંધરા સાથેના લગ્નજીવનમાં તેમને ત્યાં પુત્રી કલાપિનિનો જન્મ થયો હતો. 1962થી 1992 સુધી કુમારજીને વસુંધરા તાઈનો સંગાથ મળ્યો હતો. તેઓ કુમારજી સાથે સ્ટેજ પર પણ જોવા મળતાં હતાં.”

કુમાર ગંધર્વના પૌત્ર અને મુકુલ શિવપુત્રના દીકરા ભુવનેશ કોમકલી કહે છે, “વસુંધરા તાઈએ કુમારજીના જીવન તથા પરિવારની દેખભાળ કરી હતી, એટલું જ નહીં, પરંતુ તેમની સંગીત પરંપરાને મારા, કલાપિનિ તાઈ અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી હતી.”

કુમાર ગંધર્વ દેવાસ આવ્યા ત્યારે બીમારીને લીધે તેમને લગભગ પાંચ વર્ષ સુધી ગાવાની છૂટ આપવામાં આવી ન હતી. એ સમય કેટલો કઠીન હશે?

તેનું વર્ણન ભુવનેશે સટિક શબ્દોમાં કર્યું છે. તેઓ કહે છે, “આપણે તાજેતરમાં જ કોવિડ મહામારીનો સામનો કરવો પડ્યો હતો. આ બીમારીને લીધે અનેક લોકોના જીવનમાં 15-15 દિવસના આઇસોલેશન અને કેટલાક મહિનાઓના લોકડાઉન જેવી નોબત આવી હતી. એ કેટલું મુશ્કેલ હતું?”

“મારા મનમાં સવાલ થાય છે કે કુમારજી પાંચ વર્ષ સુધી એકાંતવાસમાં હતા. તેમણે એ પાંચ વર્ષ કેવી રીતે પસાર કર્યાં હશે? એ સમયે કૉમ્યુનિકેશનનાં સાધનો બહુ વિકસ્યાં નહોતાં. એ પરિસ્થિતિમાં પણ મને લાગે છે કે સંગીત વિશે, પોતાના જીવન વિશે સકારાત્મક વિચારવાનું બહુ મહત્ત્વપૂર્ણ છે.”

કુમારજીનું ગાયન બંધ થઈ ગયું હતું, પણ શ્રવણ બંધ થયું નહોતું.

લોક પરંપરા અને નવા રાગોનું સર્જન

દેવાસ શહેર
ઇમેજ કૅપ્શન, દેવાસ શહેર

એ પાંચ વર્ષ દરમિયાન કુમારજીના કાને સંગીત પડ્યું હતું. બગીચામાં પક્ષીઓના ચહેકવાનો અવાજ કે પછી દેવાસની આસપાસની પ્રકૃતિ કે પછી લોકકથાઓનું સંગીત. તેઓ બધું સાંભળતા હતા.

દેવાસ મધ્ય પ્રદેશના માલવા ક્ષેત્રમાં ઇન્દોર નજીક આવેલું છે. આજે શહેર મોટું થઈ ગયું છે, પરંતુ 70 વર્ષ પહેલાં એક નાનું ગામ હતું. આ ક્ષેત્રની સમૃદ્ધ લોક પરંપરા છે.

એ માલવી પરંપરામાં માત્ર મોટા ઉત્સવો માટે જ નહીં, પરંતુ દૈનિક જીવનના દરેક વિષય માટે એક ગીત છે.

એ ગીતો કુમારજી સાંભળતા હતા ત્યારે તેમણે જોયું કે તેનો સ્વર અલગ છે. પછી તેમણે એ ગીતોને રેકર્ડ કરવાનું શરૂ કર્યું હતું. એવી લોક પરંપરાની સંગીત રચનાઓ અને ગીતોનો અભ્યાસ કરીને કુમારજીએ જે શોધ્યું તેને લીધે તેમણે ભારતીય સંગીતમાં 11 નવા ધુનુગમ રાગોનું યોગદાન આપ્યું. તેમણે સૌપ્રથમ સિદ્ધ કર્યું હતું કે રાગોનું નિર્માણ લોક પરંપરાઓથી થાય છે.

કુમાર ગંધર્વના શિષ્ય અને પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાચક સત્યશીલ દેશપાંડે કહે છે, “રાગ માત્ર સ્વરોનો સમૂહ નથી, પરંતુ તેની એક ગતિ હોય છે. લોકો કહે છે કે સૂર પલટીને કશુંક નવું લાવ્યા છે, પરંતુ કુમાર ગંધર્વએ એવું કર્યું નહીં.”

“કુમારજી માનતા હતા કે દરેક સૂરનો એક રાગ હોય છે. તેમણે એવી લોકસંગીત રચનાઓનો અભ્યાસ કર્યો હતો. જે સૂરોથી રાગ બન્યો ન હતો તેને રાગનું સ્વરૂપ આપ્યું. લોકધૂનોમાં ઉપલબ્ધ ન હોય એવા રાગોની શોધ પણ તેમણે કરી હતી અને રાગ સંગીતને સમૃદ્ધ કર્યું હતું.”

આ યોગદાન કેટલું મોટું અને મહત્ત્વપૂર્ણ હતું તેની વાત કરતાં સત્યશીલ કહે છે, “પંજાબી હોટેલમાં તમે કરી કે ભીંડીનો ઑર્ડર કરો છો. બધું એક જ ગ્રેવીમાં તૈયાર થઈ જાય છે. એ સમયે પોતપોતાનાં ઘરાનાઓમાં તમામ રાગોને ગ્રેવીમાં નાખીને ગાવાની પદ્ધતિ હતી. કુમાર ગંધર્વએ તે બંધનને તોડી નાખ્યું હતું.”

સત્યશીલ ઉમેરે છે, “તેમણે સટીકતા જયપુર સંગીત ઘરાના પાસેથી લીધી હતી. વાકપટુતા આગરા સંગીત ઘરાના પાસેથી લીધી હતી. ગ્વાલિયર પર અધિકાર પ્રાપ્ત કર્યો હતો. વિભિન્ન ચીજોનો સમૂહ બનાવ્યો હતો, પરંતુ સામાન્ય રીતે તેઓ પોતાની કોઈ ફૉર્મ્યુલા તૈયાર કરતા નહોતા. આ એ ક્રાંતિ છે, જે તેમણે સંગીતમાં કરી હતી. ઋતુસંગીત કાર્યક્રમ હોય કે બાલગંધર્વ જેવા કાર્યક્રમ, મને યાદ છે કે તેમાં કુમાર ગંધર્વની ગાયકીનાં અલગ-અલગ પાસાંને દેખાડવામાં આવ્યાં છે.”

કબીરની વાણી

કુમાર ગંધર્વનો રૂમ

ઇમેજ સ્રોત, SHARDUL KADAM/BBC

ઇમેજ કૅપ્શન, કુમાર ગંધર્વનો રૂમ

નિર્ગુણ સંતોની પરંપરા માલવાની લોક પરંપરા જેટલી જ વિશાળ છે. શીલનાથ બાબા નામના એક નામપંથી થોડો સમય દેવાસમાં રહ્યા હતા. તેમણે જે કામ કર્યું હતું તે આજે પણ ચાલી રહ્યું છે.

ભુવનેશ કહે છે, “આ નદી પાસે અનેક નિર્ગુણ સંતો એકઠા થતા હતા. તેમની ભજન કરવાની આગવી શૈલી હતી. તેઓ માત્ર પોતાના માટે ગાતા હતા. તેમનો પ્રભાવ કુમાર ગંધર્વ પર પણ પડ્યો હતો. કુમારજી તેમના માધ્યમથી કબીર, સૂરદાસ તથા અન્ય નામપંથી લોકોનાં ભજનો લોકો સુધી લાવ્યા હતા.”

જોકે, એ ભજનો હતાં, પરંતુ માત્ર ભક્તિપૂર્ણ નહોતા. એ સંતોની પરંપરામાં ગુરુ અને ગુરુ-શિષ્યના સંબંધનું સ્થાન મહત્ત્વનું હતું. તેમાંથી એક વિચાર ઊભરી રહ્યો હતો, જે આધ્યાત્મિકતાની સાથે-સાથે સંગીતને પણ સ્પર્શતો હતો.

કુમાર ગંધર્વ એક રીતે તે વિચારને શાસ્ત્રીય સંગીતની મુખ્યધારામાં પણ લઈ આવ્યા હતા. ‘ગુરુ જ્ઞાની...’, ‘ઊડ જાયેગા હંસ અકેલા...’ અને ‘નિર્ભય નિર્ગુણ’ જેવી કુમારજીએ ગાયેલી સંગીત રચનાઓ સાંભળતા જ આ વાતની અનુભૂતિ થાય છે.

સંત કબીરની રચના નિર્ભય નિર્ગુણ બાબતે રેખા ઇનામદાર સાને કહે છે, “આ નિર્ભય નિર્ગુણ છે. તમે કોઈ રીતે ભય નથી. એટલે કે સંપૂર્ણપણે નિર્ભય થઈ જાઓ. નિર્ગુણ એટલા માટે કે કબીરે ક્યારેય સગુણ ભક્તિ કરી ન હતી. તેમણે મૂર્તિ પૂજા અને સગુણ ભક્તિને ફગાવી દીધી હતી.”

“કુમારજીની ભાષામાં કહીએ તો તેમણે વિરાનિયત અને ફક્કડપણા પર પ્રકાશ ફેંક્યો છે. વિરાનિયનતનો અર્થ છે એકાંત. એકાંતમાં શોધ કરવાની છે. ફક્કડપણાથી એક પ્રકારની નિર્ભયતાનો બોધ થાય છે. તેમાં તમે અનુભવો છો અને તમને જેમાં ભરોસો છે તેને કહેવાની હિંમત હોય છે. કબીરના દોહાઓમાં કુમારજીને આ અનુભૂતિ થઈ હતી.”

કુમાર ગંધર્વનો વારસો

કુમાર ગંધર્વનું ઘર

ઇમેજ સ્રોત, SHARDUL KADAM/BBC

ઇમેજ કૅપ્શન, કુમાર ગંધર્વનું ઘર

દેવાસ શહેરની લગભગ મધ્યમાં માતાજીકી ટેકડી નામની એક નાનકડી પહાડી છે. તેના પર માતાજીનું મંદિર છે.

હવે તે મંદિર સુધી પહોંચવા માટે રોપ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ અમારે એક રસ્તા પર ચાલીને જવાનું હતું. એ માર્ગ પર, પહાડીની તળેટીમાં ‘ભાનુકુલ’ એટલે કે કુમાર ગંધર્વનું ઘર આવેલું છે.

ભાનુકુલમાં પ્રવેશતાંની સાથે જ ડાબી બાજુએ એક નાનકડો મંચ છે. ત્યાં બેસીને કોઈ પણ ગાઈ શકે છે.

પછી પીળા રંગની એક ઇમારત આવે છે. આગલા હિસ્સામાં એક વરંડો. વરંડામાં એક શયનગૃહ અને ચારેબાજુ ખીલતા ગુલાબનો બગીચો છે. ગુલાબીથી માંડીને જાંબલી વેલાઓ સુધી અહીં તમે પ્રકૃતિને જોઈ શકો છો. બપોરનો સૂર્ય બારીમાંથી સામે દેખાય છે.

ટીબીમાંથી સાજા થયા પછી કુમાર ગંધર્વએ આ ઘરમાં આખું જીવન પસાર કર્યું હતું. લિવિંગ રૂમ અને કુમારજી જે ઓરડામાં રહેતા હતા, તે આજે પણ જાળવી રાખવામાં આવ્યા છે. અહીં આવીને લાગે છે કે સંગીત આજે પણ અહીં હાજર છે.

ભુવનેશ કહે છે, “બાળપણમાં અમારા ઘરમાં સંગીતમય માહોલ હતો. સવારથી માંડીને રાત સુધીની અમારી દિનચર્યામાં સંગીત સિવાય બીજું કશું ન હતું. એટલે કે કોઈ ગાતું ન હોય તો ગીતની ચર્ચામાં સામેલ થતું હતું. તેથી મારી સંગીતયાત્રા ક્યાંથી શરૂ થઈ હતી તે કહેવું મુશ્કેલ છે.”

“હું કુમારજીને માત્ર દાદાના સ્વરૂપમાં નહીં, પરંતુ પિતાના સ્વરૂપમાં પણ નિહાળું છું. તેમણે મને જેટલો પ્રેમ આપ્યો છે, એટલો જ તેમનો ગુસ્સો મેં સહ્યો છે.”

ત્યારબાદ ભુવનેશે પહેલાં વસુંધરા તાઈ અને પછી પંડિત મધુપ મુદગલ પાસેથી સંગીતનું શિક્ષણ લીધું હતું. તેમના કહેવા મુજબ, વસુંધરા તાઈએ તેમને સીધી કુમારજીની સંગીત રચનાઓ શીખવાડી ન હતી. સૌથી પહેલાં તેમણે પારંપરિક સંગીત શીખવાડ્યું હતું.

તેઓ કહે છે, “હવે મારી પાસે જે લોકો સંગીત શીખવા આવે છે તેમને હું એ રીતે શીખવાડવાના પ્રયાસ કરું છું. વર્તમાન પેઢીના સંગીતમય વાતાવરણમાં ઘણો ઘોંઘાટ છે, પરંતુ આ પેઢી પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે અને ધીરજ સાથે કશુંક કરવામાં સફળ થશે તો આગળ પણ વધશે.”

કલાપિનિ અને તેમના ભત્રીજા ભુવનેશે કુમાર ગંધર્વ પ્રતિષ્ઠાનના માધ્યમથી કુમારજીનાં ગીતો સહિતની અનેક ચીજોને સંભાળીને રાખી છે.

કુમાર ગંધર્વનું 1992માં અવસાન થયાને હવે ત્રણ દાયકાથી વધુ સમય થઈ ગયો છે. આજની પેઢીના લોકોએ કુમારજીને ક્યારેય જીવંત જોયા નથી, તેમને સામે બેસીને સાંભળ્યા નથી કે તેઓ કુમારજી વિશે ખાસ કશું જાણતા નથી, પરંતુ કુમારજીના સંગીતનો પ્રભાવ તેમના પર પણ પડ્યો છે. તેથી કુમારજીની આવી ચીજોની જાળવણી જરૂરી છે.

ભુવનેશ કહે છે, “ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પંડિત કુમાર ગંધર્વનું સ્થાન સર્વોપરી છે. તેમણે ભારતીય પારંપરિક સંગીતમાં નવાં સૌંદર્યસ્થળો શોધીને લોકોને નવી રીતે સંગીતનો આનંદ લેતા શીખવ્યું હતું. તેમણે લોકોને શીખવ્યું હતું કે સંગીતમાં કેવી રીતે વિચારવું જોઈએ અને તે વિચારને કેવી રીતે વ્યક્ત કરવો જોઈએ. મને લાગે છે કે આ તેમનું સૌથી મોટું યોગદાન છે.”

“તેઓ માનતા હતા કે સંગીત એ માધ્યમ છે, જેમાં અભિવ્યક્તિની સૌથી વધુ સંભાવનાઓ છે અને આ માધ્યમથી વિભિન્ન વિષયોને દર્શાવવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ. એમના કારણે હવે એવું કહેવાય છે કે ભારતીય શાસ્ત્રીય સંગીત કુમાર ગંધર્વ પહેલાં કશું જ ઔર હતું અને કુમાર ગંધર્વ પછી આજે કંઈક ઔર છે.”

(આ લેખ તૈયાર કરવા માટે પુ.લ. દેશપાંડેના ભાષણ સંગ્રહ ‘રસિકહો’, કલાપિની કોમકલી તથા રેખા ઇનામદાર-સાને સંપાદિત ‘કાલજયી’, સત્યશીલ દેશપાંડેના ‘ગણ ગુણગાન’, લિંડા હેસના ‘સિંગિંગ ઍમ્પ્ટીનેસ’ પુસ્તકોની તેમજ કુમાર ગંધર્વ પ્રતિષ્ઠાનની મદદ લેવામાં આવી છે)