પંકજ ઉધાસ : ફિલ્મમાં અભિનય કરવાની રાજેન્દ્ર કુમારને ના પાડી અને પછી એ જ ફિલ્મમાં ગઝલ ગાઈને છવાઈ ગયા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાજ ગોસ્વામી
- પદ, બીબીસી ગુજરાતી માટે
1986માં, મહેશ ભટ્ટ નિર્દેશિત અને સંજય દત્ત- કુમાર ગૌરવ અભિનીત ‘નામ’ ફિલ્મમાં, ‘ચિઠ્ઠી આયી હૈ...’ ગીત સાંભળીને હિન્દી ફિલ્મ સંગીતના ચાહકોને થિયેટરોમાં સિક્કા ફેંકવાનો અને સિટીઓ મારવાનો મોકો તો પછી મળ્યો, પરંતુ પંકજ ઉધાસના મખમલી અવાજમાં કેવો જાદૂ છે, તેનો સૌથી પહેલો પરિચય બે જણને હતો; એક, શોમેન રાજ કપૂરને અને બીજો ખુદ પંકજ ઉધાસને.
ફિલ્મ તૈયાર થઇ ગઈ હતી, પણ હજુ રિલીઝ થઈ નહોતી. પંકજ ઉધાસ એક કાર્યક્રમ માટે જયપુર જઈ રહ્યા હતા. ફ્લાઇટમાં તેમની આગળ જ સીટમાં રાજ કપૂર હતા. પંકજભાઈ તેમની પાસે ગયા અને તેમનો ચરણસ્પર્શ કર્યો.
રાજ કપૂર તો રાજ કપૂર હતા. તેમણે નિરાળા અંદાજમાં આશીર્વાદ આપ્યા;
“પંકજ ઉધાસ અમર હો ગયા.”
પંકજભાઈએ આશ્ચર્યથી રાજજી સામે જોયું. રાજજી હસ્યા અને બોલ્યા,
“ચિઠ્ઠી આઈ હૈ.”
‘નામ’ ફિલ્મના નિર્માતા, અભિનેતા રાજેન્દ્ર કુમાર રાજજીના સમકાલીન અને ખાસ દોસ્ત હતા. ચાર દિવસ પહેલાં તેમણે તેમના ઘરે રાજ કપૂરને ડિનર પર બોલાવ્યા હતા, અને તેમના હોમ થિયેટર ‘ડિમ્પલ’માં તેમને ‘નામ’ ફિલ્મનું “ચિઠ્ઠી આઈ હૈ” ગીત બતાવ્યું હતું. ગીત જોઈ/સાંભળીને રાજ કપૂરની આંખો છલકાઈ ગઈ હતી. રાજજીનું હૃદય ભરાયેલું જોઈને રાજેન્દ્ર કુમારને અહેસાસ થઇ ગયો કે આ ગઝલ કેટલી લોકપ્રિય થવાની છે!
પંકજ ઉધાસને તેમની કારકિર્દીનું ટેક ઓફ એ ગઝલથી થશે તેની પહેલી નિશાની જયપુર માટે ટેક ઓફ થયેલી એ ફ્લાઇટમાં મળી હતી, પણ તેમના અવાજમાં દમ છે એવો અહેસાસ તેમને બાળપણથી હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પકંજ ઉધાસનો 'વેલ્વેટ વૉઇસ'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1994માં, રાજ્યસભા ટીવી પર ‘ગુફતેગૂ’ નામના કાર્યક્રમમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેઓ મશહૂર ઇંગ્લિશ રૉક બૅન્ડ ‘ધ બીટલ્સ’ના બાળપણથી જ ચાહક હતા. જોહ્ન લેનોન, પોલ મેકાર્થી, જ્યોર્જ હેરિસન અને રિંગો સ્ટારના બનેલું આ બેન્ડ ‘એપલ’ નામની તેમની ખુદની એક સંગીત કંપનીના લેબલ હેઠળ એલપી (લોંગ પ્લ્યેઇંગ રેકર્ડ) બનાવતા હતા.
તેમની એ રેકર્ડમાં બરાબર વચ્ચે લીલા રંગનો ‘એપલ’ લોગો આવતો હતો. પંકજ કહે છે, “હું મારા સ્કૂલના દિવસોમાં એ રેકર્ડ્સ ખરીદી લાવતો હતો, અને એ એપલ જોઇને મને થતું હતું કે મારું પણ આવું જ એક લેબલ હોવું જોઈએ.”
પછી તો મોટા થયા પછી, મોટા ભાઈ મનહર ઉધાસના નકશે-કદમ પર તેઓ મુંબઈ આવ્યા અને ગઝલગાયિકાના કાર્યક્રમો કરવા લાગ્યા. તે દરમિયાન તે અલગઅલગ સંગીત કંપનીઓ સાથે પણ કામ કરતા હતા, અને તેમની કારકિર્દી પાટે ચઢી પછી 1990માં તેમણે ‘વેલ્વેટ વૉઇસ’ (મખમલી અવાજ) નામનું એક લેબલ બનાવ્યું અને પછી રેકર્ડ્સ બનાવાનું શરુ કર્યું.
અલબત્ત, એમાં ધક્કો વાગ્યો હતો ‘ચિઠ્ઠી આઈ હૈ’ની અદ્વિતીય લોકપ્રિયતાથી. ‘નામ’ બહુ બધા લોકો માટે એક વિશેષ ફિલ્મ છે. ‘નામ’ એ વર્ષની બૉક્સ ઓફિસ પર (દિલીપ કુમારની ‘કર્મા’ અને શ્રીદેવીની ‘નગિના’) પછીની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.
એક તો 1986ની આ સુપરહિટ ગઝલથી, પંકજ ઉધાસ તેમના જ્યેષ્ઠ ગાયક બંધુ, મનહર ઉધાસ (નાના ભાઈ નિર્મલ ઉધાસ પણ ગાયક-સંગીતકાર છે)ના પડછાયામાંથી બહાર નીકળીને એક આગવી ઓળખ સાથે ગઝલ અને ફિલ્મગાયિકીમાં છવાઈ ગયા. આ ગઝલના કારણે આ ફિલ્મ પ્રવાસી ભારતીયોમાં અત્યંત લોકપ્રિય થઇ હતી.
'ચિઠ્ઠી આઈ હૈ...' ગવડાવવાનો વિચાર કોનો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
‘નામ’થી સંજય દત્તની ધમાકેદાર વાપસી થઇ હતી. તે તેના ડ્રગ્સના કાળમુખા વ્યસનમાંથી હજુ માંડ ઊભો થયો હતો. રાજેન્દ્ર કુમારે તેમના દીકરા કુમાર ગૌરવની ( ‘લવ સ્ટોરી’ પછી લથડી ગયેલી) કારકિર્દીને ટેકો આપવા ‘નામ’ની યોજના બનાવી હતી.
મહેશ ભટ્ટે ફિલ્મમાં રવિ (કુમાર)ના બેરોજગાર અને રખડેલ ભાઈ વિકીની ભૂમિકા માટે સંજય દત્તની પસંદગી કરી ત્યારે, પિતા સુનીલ દત્તે ઘસીને ના પાડી દીધેલી. કારણ એ કે સંજય હજુ હમણાં જ અમેરિકાના ડ્રગ્સ રીહેબમાંથી બહાર આવ્યો હતો, અને ખુદ મહેશ ભટ્ટ તેમના LSDના પ્રયોગો માટે બોલીવુડમાં ‘મશહૂર’ થયેલા હતા. સુનીલ દત્તને બીક હતી કે ફિલ્મના શૂટિંગ દરમિયાન આગ અને બારૂદ ભેગા થાય તો ભડકો થયા વગર નહીં રહે.
ભટ્ટ સંજયને જ ઇચ્છતા હતા. આખરે રાજેન્દ્ર કુમારના કહેવાથી દત્ત માન્યા, અને સંજયને 'નામ' માટે હા પાડી. એ વખતે સંજયની ફિલ્મ કારકિર્દી (અને આત્મવિશ્વાસ) સાવ તળિયે. એને ખરેખર એક હીટ ફિલ્મની જરૂર હતી.
મહેશ ભટ્ટની એ પહેલી જ્યુબિલી હિટ ફિલ્મ હતી (તે 50 સપ્તાહ સુધી થિયેટરમાં ચાલી હતી). પટકથા લેખક સલીમ ખાન, જે જાવેદ અખ્તર સાથેની જબરદસ્ત સફળ જોડીમાંથી ઝઘડીને છુટા પડ્યા હતા, તેમની આ પહેલી સ્વતંત્ર હિટ ફિલ્મ હતી.
વાસ્તવમાં, ફિલ્મમાં પંકજ ઉધાસ પાસે ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગવાડવાનો વિચાર સલીમ ખાનનો જ હતો. ફિલ્મમાં આ ગઝલ એવા તબક્કે આવે છે, જયારે સંજય દત્તને ભાન થયું હોય છે કે તે દુબઈમાં ગેરકાયદે ઘૂસીને પરેશ રાવલની અપરાધની દુનિયામાં વિચિત્ર રીતે ફસાઈ ગયો છે અને તે પાછા ભારત જવા માટે તડપી રહ્યો છે.
રાજેન્દ્ર કુમારને જ્યારે ના પાડી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
મહેશ ભટ્ટ એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, “અમારે એ તબક્કે એક ગીતની જરૂર હતી, અને શું ગીત હતું આ! 80ના દાયકાની ફિલ્મોમાં ગઝલોની ફેશન હતી. એ સલીમ ખાનનું જ સૂચન હતું કે આપણે જો અસલી ગઝલગાયકને ફિલ્મમાં લઈ આવીએ તો મજા પડી જાય. અમે પંકજ ઉધાસ પર પસંદગી ઉતારી હતી. એ વહેલી સવારે સેટ પર આવતા અને બપોર પછી નીકળી જતા. એ બહુ મોટા સ્ટાર હતા. સાંજે અને રાત્રે તેમના શો રહેતા હતા. મને ખબર નથી કે આ બધું કેવી રીતે મૅનેજ કરતા હતા!”
પંકજ ઉધાસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને એ લોકો ગઝલગાયક તરીકે ફિલ્મમાં લેવા માગે છે એવું નહોતું કહ્યું. રાજેન્દ્ર કુમારે મને એટલું જ કહ્યું હતું કે મારે તેમની ફિલ્મમાં કામ કરવાનું છે. હું ગભરાઈ ગયો. મને ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા નહોતી. હું તો ગાવા માટે આવ્યો હતો.”
તેમણે રાજેન્દ્ર કુમારને વળતો ફોન જ ના કર્યો. એમાં કુમાર ભડક્યા અને તેમણે મોટા ભાઈ મનહર ઉધાસને ફરિયાદ કરી કે 'તમારો ભાઈ કેટલો તમીઝ વગરનો છે કે જવાબી ફોન પણ કરતો નથી!' મનહરભાઈએ પંકજને પૂછ્યું કે મામલો શું છે, તો તેમણે કહ્યું કે “મારી પાસે એ લોકો ઍક્ટિંગ કરાવવા માંગે છે અને મારે એ ગાળિયામાં ફસાવું નથી.”
મનહરભાઈએ કહ્યું કે 'જે હોય તે પણ તારે સીધી વાત કરીને ચોખવટ કરવી જોઇએ ને!' એટલે પંકજભાઈએ રાજેન્દ્ર કુમારને ફોન કરીને માફી માંગી અને કહ્યું કે “મારે ફિલ્મમાં ઍક્ટિંગ નથી કરવી.” રાજેન્દ્ર કુમારે વળતું પૂછ્યું, “પણ તમને કોણે ઍક્ટિંગ કરવાનું કહ્યું છે? તમારે તો પંકજ ઉધાસ તરીકે એક ગઝલ ગાવાની છે!” અને એ રીતે પંકજ ઉધાસ ‘નામ’માં દેખાયા. અને રેસ્ટ ઇઝ હિસ્ટરી!
એ ‘હિસ્ટરી’નો એક કિસ્સો છે. આ ગઝલ અત્યંત લોકોપ્રિય થઈ તેનું કારણ એ હતું કે તે વખતે ખાડી દેશોમાં રોજગારી માટે જવાનું બહુ ચલણ હતું એટલે ત્યાં (અને યુકે- અમેરિકામાં) એનઆરઆઈનો એક મોટો વર્ગ હતો. ફિલ્મમાં પણ એવા જ એક યુવાનની વાત હતી અને તેની મજબૂરી અને પીડાનો પડઘો આ ગઝલમાં હતો.
એક ચાહકે સિલિકોન વેલીની નોકરી છોડી દીધી
પંકજભાઈ એક વાર જયપુરમાં એક શો કરી રહ્યા હતા, ત્યાં એક ભાઈ આવ્યા અને તેમને એક પુસ્તક આપીને કહ્યું, 'સા’બ. મેં આ પુસ્તક લખ્યું છે અને તમારે તે વાંચવું જ જોઈએ. મેં આ પુસ્તક તમને સમર્પિત કર્યું છે.”
પંકજભાઈએ કહ્યું હતું, “તે ભાઈ તેઓ સિલિકોન વેલીમાં આઇટી-ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. તે દરરોજ 1500 ડૉલર કમાતા હતા, પરંતુ જ્યારે તેણે મારું ગીત 'ચિઠ્ઠી આઈ હૈ' સાંભળ્યું, ત્યારે ખબર નહીં તેમને શું પ્રેરણા મળી પણ સિલિકોન વેલીની ઉત્તમ નોકરી છોડીને ભારત પાછા આવીને આઇટી-ઉદ્યોગમાં પોતાનું કામ કરવા લાગ્યા હતા. આજે તે અબજોપતિ છે અને જ્યારે પણ મને મળે છે ત્યારે કહે છે કે જો હું 'ચિટ્ટી આઈ હૈ' ના સાંભળત તો ક્યારેય ભારત પાછો આવ્યો નહોત.”
બાળપણ અને યુવાની

ઇમેજ સ્રોત, Getty Images
પંકજ ઉધાસને તેમના એ ‘વેલ્વેટ વૉઇસ’નો આત્મવિશ્વાસ વારસામાં મળ્યો હતો. તેમનો જન્મ (17 મે 1951), ગોંડલ તાલુકાના ચરખડી ગામે ચારણ (ગઢવી) પરિવારમાં થયો હતો. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા, તો માતા જિતુબહેન ઉધાસને ગીતોનો ખૂબ શોખ હતો. તેમના દાદા એક જમીનદાર અને ભાવનગર રાજ્યના દીવાન પણ હતા. ઘરમાં લોકસંગીતનો પારંપરિક માહોલ હતો. આ કારણથી જ મનહર, પંકજ અને નિર્મલ ઉધાસનો નાનપણથી જ સંગીત તરફ ઝુકાવ રહ્યો હતો.
તેમના પિતા કેશુભાઈ તો ભાવનગર રજવાડાના ગાયક અને અચ્છા દિલરુબા-વાદક હતા. પિતાનો આ સાંગીતિક વારસો બાળકોમાં પણ આવ્યો. તેમાં મનહરભાઈને મોટા હોવાનો ફાયદો મળ્યો. તેમણે ભાવનગરની ભાવસિંહજી પોલિટેકનિકમાં ડીપ્લોમાં ઇન મિકૅનિકલ એંજિનિયરીંગમાં લઈને સંગીતક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મુંબઈનો રસ્તો પકડ્યો. એમાં જ પંકજ (અને નિર્મલ) ઉધાસનો રસ્તો પણ સાફ થયો.
ત્રણે ભાઈઓના પિંતરાઈ બનેવી લોકસાહિત્યકાર મનુભાઈ ગઢવી ત્યારે મુંબઈમાં કળાની દુનિયામાં પગ જમાવીને બેઠા હતા. આ મનુભાઈ એટલે ‘ધૂમ’ ફિલ્મના સર્જક સંજય ગઢવીના પિતા. મનુભાઈ તે વખતે ગુજરાતી ફિલ્મ ‘કસુંબીનો રંગ'ના નિર્માણમાં વ્યસ્ત હતા. તેમણે તેમાં મનહરભાઈને એક નાનકડો રોલ આપ્યો હતો અને સાથોસાથ મિત્રો કલ્યાણજી-આણંદજી સાથે પરિચય કરાવ્યો હતો.
એકવાર મનહરભાઈની કારકિર્દી મુંબઈમાં ઠેકાણે પડી એથી પ્રેરાઈને પંકજભાઈને પણ એમાં નસીબ આજમાવાનું મન થયું.
1962માં, લગભગ 11 વર્ષની ઉંમરે તેમણે લતા મંગેશકરના પ્રસિદ્ધ યુદ્ધગીત ‘એ મેરે વતન કે લોગોં’ને ગાવા માટે મોઢે કરી દીધું હતું. બાળ પંકજ જ્યાં પણ મોકો મળે ત્યાં આ ગીત ગાતા હતા. એક શ્રોતાએ તો ખુશ થઈને 51 રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું.
તેમની આ પ્રતિભાની વાત, તે જે સ્કૂલમાં ભણતા હતા તેના આચાર્ય સુધી પહોંચી હતી અને તેમણે સ્કૂલની પ્રાર્થનાસભાની ટીમની જવાબદારી સોંપી હતી. તેમાંથી જ માતા-પિતાએ તેમને રાજકોટની મ્યુઝિક ઍકેડમીમાં તાલીમ આપવાનાનું નક્કી કર્યું હતું. ત્યાં કોર્સ પૂરો કર્યા બાદ, 1969માં પંકજે નાના-મોટા સ્ટેજ શો અને ગઝલોની મહેફિલમાં પરફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી. એક દાયકાના સંઘર્ષ પછી, 1980માં તેમનું પહેલું ગઝલ આલ્બમ ‘આહટ’ આવ્યું, જેને પ્રમાણમાં સારો આવકાર મળ્યો હતો.
તે વચ્ચે તેમણે 'કામના' નામની ફિલ્મમાં એક ગીત ગાયું હતું, પરંતુ એ ફિલ્મ ના ચાલી એટલે પંકજને વધુ કામ ના મળ્યું. એનાથી નારાજ થઈને તેમણે પરદેશ જઈને નસીબ આજમાવાનો પણ વિચાર કર્યો હતો.
એ છ વર્ષ દરમિયાન પંકજ માત્ર સ્ટેજ શો દ્વારા જ પોતાની શોહરત વધારી રહ્યા હતા. કદાચ, ફિલ્મોના સાથ વગર, માત્ર સ્ટેજ શો કરીને સુપરસ્ટાર સિંગર્સ જેવી ચાહના મેળવનારા ગાયક કલાકારોમાં માત્ર મનહર અને પંકજ ઉધાસ જ હતા.
અને એ શોહરત કેવી! રાજેન્દ્ર કુમાર જેવા તે વખતના ધરખમ અભિનેતા અને ફિલ્મનિર્માતાની ફિલ્મ ‘નામ’માં કામ કરવાની પહેલા ધડાકે જ ના પાડી દીધી.












