પ્રફુલ્લ દવે ડૉક્ટરમાંથી ગુજરાતના લોકપ્રિય ગાયક કઈ રીતે બની ગયા?

પ્રફુલ્લ દવે

ઇમેજ સ્રોત, Prafull Dave/FB

ઇમેજ કૅપ્શન, પ્રફુલ્લ દવે

ફિલ્મી ગીતોથી માંડી, ડાયરા, ભજનો અને લોકગીતો થકી ગુજરાતના સાંસ્કૃતિક અને કલાવિશ્વમાં છવાઈ ગયેલા અને સંગીતપ્રેમી ગુજરાતીઓના હૃદયમાં વસી ગયેલા પ્રફુલ્લ દવેના અવાજથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે.

ગુજરાતી સંગીતક્ષેત્રે પોતાના અવાજ અને આગવી કળાને બળે અદ્વિતીય સફળતા અને લોકચાહના હાંસલ કરનાર પ્રફુલ્લ દવે જેટલા તેમનાં ભક્તિગીતો, લાક્ષણિક અવાજ, ભજનો અને ફિલ્મી ગીતોને કારણે ઓળખાય છે તેટલાં જ વખાણ આ પીઢ કળાકારની સાદગીનાં પણ થાય છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં 72 વર્ષીય આ કળાકારે પોતાની દાયકાઓ લાંબી કારકિર્દી, અંગત જીવન અને આગવા અનુભવો અંગે અજાણી વાતો શૅર કરી હતી.

બીબીસી ગુજરાતી વતી પત્રકાર દિનેશ સિંધવે પ્રફુલ્લ દવે સાથે વાતચીત કરી હતી.

‘મૂળ સાથે જોડાયેલા કળાકાર’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Prafull Dave/FB

પ્રફુલ્લ દવેએ પોતાના અમદાવાદસ્થિત બંગલાના ગાર્ડનમાં તાજેતરમાં નિરાંતે આપેલી મુલાકાતમાં ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત પહેલાં પોતાના બાળપણના અંગત અનુભવો, માતાપિતા સાથેના અનુભવો અને જીવનનાં ઘણાં અજાણ્યાં પાસાં અંગે ખુલ્લા મને ચર્ચા કરી હતી.

જીવનની સમી સાંજનો આનંદ માણી રહેલા પ્રફુલ્લ દવે આજે પણ પોતાના ઘરે આવેલા મહેમાનોને પ્રથમ પોતાના આંગણે આવેલા શિવમંદિરનાં દર્શન કરાવવાનું ચૂકતા નથી.

એ દરમિયાન તેમના કંઠેથી ગૂંજતાં ‘શિવભજન’ વાતાવરણને ‘ભક્તિમય’ બનાવી દે છે.

માતા મણિમા અને પિતા દેવશંકરભાઈને પોતાની સફળતા અને જીવનમાં મેળવેલી તમામ સમૃદ્ધિનું શ્રેય આપતાં તેઓ પોતાના બંગલાનું નામ પણ માતાપિતાની યાદમાં ‘દેવમણિ’ રાખ્યાનું યાદ અપાવે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ માતાપિતા અને કુટુંબ સાથેની પોતાની બાળપણની યાદો અને સંગીત સાથેના પ્રથમ પરિચયને યાદ કરતા આંગણે રહેલી કૃષ્ણપ્રતિમા પાસે ઊભા ઊભા ‘કૃષ્ણભક્તિ પદ’ ગાઈ સંભળાવે છે. અને પોતાના કુટુંબની ‘ભક્તિગીત’ ગાવાની પરંપરા તરફ ધ્યાન દોરે છે.

ગાર્ડનમાં આવેલા ઝૂંપડા જેવા બાંધકામ પાસે પોતે ઊભા રહી તેઓ કહે છે કે, “મારા બંગલાના પાંચેય રૂમમાં ઍરકન્ડિશનર છે. છતાં જે વાતાવરણમાં મારો જન્મ થયો, બાળપણ વીત્યું, તેનાથી નિકટતા અનુભવવાના આશયથી હું મારા આંગણે રહેલા ઝૂંપડામાં ખાટલે સૂવું છું. હું એ વાતાવરણ ક્યારેય ભૂલવા માગતો નથી.”

પોતાના બાળપણના સંઘર્ષથી નવી પેઢીને પ્રેરણા મળે એ હેતુથી તેઓ જીવનના એ તબક્કા વિશે પણ મન મૂકીને વાત કરે છે.

તેમના શબ્દોમાં અહીં તેમની વાત મૂકી છે:

મારા બાપુજી શિક્ષક હતા, તેમના એક જ પગારમાં અમારા દસ જણના આખા કુટુંબનું ગુજરાન ચલાવવું પડતું. પરંતુ હડાળા ગામના લોકો બા-બાપુજીને ખૂબ પ્રેમ કરતા. એના કારણે ઓછાં સંસાધનો છતાં પરિવારને તાણીતૂસીને ગુજરાન ચલાવવાની બહુ જરૂર નહોતી પડતી. થોડી અછત સાથે પરિવાર ચાલી જતો.

તેઓ પોતાની સ્વયંશિસ્ત અને સમયબદ્ધતાના ગુણોનું શ્રેય પોતાનાં માતાનાં સંસ્કારસિંચનને આપે છે.

તેઓ કહે છે કે - બા શિસ્તનાં આગ્રહી હતાં, એના કારણે જ મારી અંદર પણ એ ગુણ ઊતરી આવ્યા છે. હું કોઈને રાહ નથી જોવડાવતો. તેમજ કોઈની રાહ જોતો પણ નથી. હું દૃઢપણે માનું છું કે કલાકારને ચાહકોને રાહ જોવડાવવાનો કોઈ હક નથી.

એ સમયે રમતની મોજ માણતાં અમારાં બાળકોનાં મનમાં માતાના શિસ્તના આ આગ્રહને કારણે સ્વયંશિસ્તના સંસ્કારસિંચન થયા.

આ વાતચીતમાં તેઓ સહજતાપૂર્વક પોતાનાં કપડાં અંગે પણ વાત શૅર કરે છે – હાલ આ મુલાકાત વખતે આ કપડાં કદાચ ‘લઘરવઘર’ લાગી રહ્યાં હશે. પરંતુ આ ટી-શર્ટ અમેરિકાની છે. મેં પાછલાં 30-32 વર્ષથી કપડાં નથી ખરીદ્યાં. વિદેશમાં વસતા મારા મિત્રો જ મને કપડાં ભેટ કરે છે.

કપડાંથી કબાટ ભરાઈ ગયું છે, બાળપણમાં ઘણી વાર સીમિત સંસાધનોને કારણે કપડાં સહિતની કેટલીક બાબતોમાં સમાધાન કરવું પડતું. પરંતુ હવે ઘણાં કપડાં એવાં છે, જે અડક્યાં પણ નથી.

વો ભી દિન થે, યહ ભી દિન હૈ.

...અને ગાયક પ્રફુલ્લ દવેનો જન્મ થયો

બીબીસી ગુજરાતી

નાનપણમાં ગાયક બનશો એવા કોઈ સંકેત મળ્યા હતા કે કેમ? શું તમે માનો છો કે ગાયક બનવાનું એ તમારા ભાગ્યમાં લખાયેલું હતું?

આ પ્રશ્નો અંગે તેઓ ખૂબ નિખાલસતાથી કહે છે કે – એવું કંઈ નથી. અમારું ગાડું ખાલી ચાલી નીકળ્યું છે. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું ગાયનક્ષેત્રે કારકિર્દી ઘડીશ.

તેઓ પોતાની ડૉક્ટર તરીકેની શરૂઆતના દિવસોની યાદોને આ અનુભવ સાથે જોડતાં કહે છે - મારા કિસ્સામાં એવું કહી શકાય કે બીએએમએસ કરી આયુર્વેદિક ડૉક્ટરની ડિગ્રી મેળવીને ઍલૉપથીની પ્રૅક્ટિસ કરવાનો દંભ એ મને ન જામ્યો.

અત્યારે આવું ઘણું થાય છે, પરંતુ મને એ યોગ્ય ન લાગ્યું.

ગાયનની શરૂઆત અંગે વાત કરતા તેઓ કહે છે કે – અમારાં વિનોદાબહેન ગામની સ્ત્રીઓને ભેગા કરીને ઓખાહરણ ગાતાં. એ સમયે હું ખૂબ નાનો હતો અને ખાટલે આડો પડીને હું તેમનાં ગીતો સાંભળી રહ્યો હતો.

એ સમયે ગવાતું પદ સાંભળીને હું અચાનક રડવા માંડેલો. તે બાદ બહેને મને પૂછતાં મેં એનું કારણ જણાવતાં કહેલું કે, “મને હાદ મીઠો લાગ્યો.”

એ વાત હકીકતમાં મારો ‘સ્વર સાથેનો લગાવ હતો.’ એ વાત મને આજે સમજાય છે.

એ પદ હતું, ‘મધુરા સાદે રે... ઓખા રુંએ માળિયે હો રાજ...’

આ ગીત મારી કારકિર્દી દરમિયાન મેં ફિલ્મ માટે પણ ગાયું હતું.

આવી જ રીતે બાળપણનાં સંભારણાંમાં રહેલાં ઘણાં ગીતો મારી કારકિર્દી દરમિયાન મેં રૂપેરી પડદે પણ ઉતાર્યાં છે.

આવો જ એક પ્રસંગ સંભળાવતાં તેઓ કહે છે - ‘મહીસાગરના આરે’ ફિલ્મમાં આવી જ રીતે એક ગીત માટે ગીતકાર અને ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા અન્ય લોકો કોઈ ગીત પસંદ નહોતા કરી શકી રહ્યા, એ સમયે બાળપણમાં સાંભળેલ એક પદ મેં ગાઈ સંભળાવ્યું અને એની જ ગીત તરીકે પસંદગી કરી લેવાઈ.

ગાયનક્ષેત્રે ઝંપલાવવાના પ્રથમ સંકેત અંગે વાત કરતાં તેઓ કહે છે, અમરેલીની કમાણીફોડ હાઇસ્કૂલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા કેટલીક શાળાઓની પસંદગી કરી પ્રવચનોનું આયોજન કરાયેલું. આ પ્રવચનો પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધના વિનાશ અને તેની અસરો પર કેન્દ્રિત હતાં.

જે અગાઉ શિક્ષકોની સૂચનાથી કવિતા ગાવાનું મને કહેવાયું. જેથી આ આયોજન નીરસ ન રહે. હું નવમા ધોરણમાં હતો અને ત્યારે ઝવેરચંદ મેઘાણીની એક કવિતા ‘ઘણ રે બોલે અને એરણ સાંભળે’ અભ્યાસક્રમમાં આવતી. જેમાં નિ:શસ્ત્રીકરણની આખી વાત છે.

આ કવિતાનો ઢાળ મને ખબર હતો. આ પર્ફૉર્મન્સ માટે મને પ્રથમ વખત રૌપ્યચંદ્રક મળ્યો. એ મારો પ્રથમ ઍવૉર્ડ હતો. આ સાથે પ્રફુલ્લ દવે નામના ગાયકનો જન્મ થયો.

આ મુલાકાતમાં તેઓ પોતાની કારકિર્દીનાં મહત્ત્વનાં સોપાનો અંગે પણ વાત કરે છે. જેમાં લતા મંગેશકર સાથેની પ્રથમ મુલાકાત વિશે તેઓ કહે છે, હું ઉષા મંગેશકર સાથેના આલબમના રેકૉર્ડિંગ વખતે રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં અચાનક જ લતાજી આવેલાં.

જ્યારે ઉષાજીએ તેમને આ મુલાકાતનું કારણ પૂછ્યું તો તેમણે કહેલું કે તેઓ મને ગાતો સાંભળવા આવ્યાં છે. એ મુલાકાત દરમિયાન તેમણે મને બીજા દિવસે ઘરે આવવાનું આમંત્રણ આપેલું. અને કહ્યું હતું કે તેઓ અડધાં ગુજરાતણ છે અને તેમને મારી સાથે ગાવાની ઇચ્છા હતી એટલે તેમણે મને ગુજરાતનાં સારાં લોકગીતો શોધવાનું કહેલું.

જ્યારે રેકૉર્ડિંગ બાદ મેં ગીત સાંભળ્યા બાદના તેમના અનુભવ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, “આપને તો ઉષા કો બિલકુલ દિવાળીબેન ભીલ બના દીયા હૈ.”

‘હુંય બેસૂરો છું’

વીડિયો કૅપ્શન, પ્રફુલ્લ દવે ડૉક્ટરમાંથી ગુજરાતના પ્રખ્યાત ગાયક કેવી રીતે બન્યા?

આજના જમાનાના ગાયકો અને ગાયનકળા અને ઘણી વખત ‘બેસૂરા અવાજોને મળતી સફળતા’ વિશે વાત કરતાં તેઓ કહે છે – બેસૂરો તો હું પણ છું, જો ઈશ્વરની કૃપા હોય તો સૂર લાગે, નહીંતર સૂર છટકી પણ જાય.

ખુદ લતાજી પણ કબૂલાત કરી ચૂક્યાં છે કે એવાં ઘણાં ગીતો છે, જ્યાં તેમનો સૂર ઠીક નથી લાગ્યો.

લતાજી સાથેના વધુ અનુભવો શૅર કરતાં તેઓ કહે છે, લતાજીને એક વખત મેં રેકૉર્ડિંગ સમયે તેમના હાથમાં રૂમાલ રાખવાની આદત અંગે પૂછેલું. તેમણે તેનું કારણ આપતાં કહેલું કે હજુ પણ રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં રેકૉર્ડિંગની શરૂઆત પહેલાંના મૌનને કારણે મૂંઝવણ થતી, આ માટે તેઓ હાથમાં રૂમાલ રાખતાં.

લતાજી સાથેની પોતાની મુલાકાત સમયે ‘સ્વરકોકિલા’ની સાદગીનાં વખાણ કર્યાં હતાં- જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે તેઓ જાતે ચા બનાવીને લાવેલાં. અને એ પણ એવા સમયે જ્યારે તેમના માટે ઘણા અન્ય માણસો કામ કરતા.

એ ખરેખર ધન્ય ઘડી હતી.

ગુજરાતી કળાભૂમિ પર પ્રફુલ્લ દવેનું પગરણ

ગુજરાતને ગાયક પ્રફુલ્લ દવે મળ્યાની વેળા યાદ કરતાં તેઓ કહે છે – હું આયુર્વેદિક હૉસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહ્યો હતો, ત્યારે એક મિત્રનો કાગળ આવ્યો, જેમાં કલાસંગમ નામની સંસ્થામાં રાસ અને ગરબી ગાવાનું કહેવાયેલું. મને 'મણિયારો' અને 'માધુબાના બાગ' ગીતો ગ્રૂપની સાથે પ્રૅક્ટિસ કરવાનું અને તે બાદ અમદાવાદ જવાનું કહેવાયેલું.

એ સમયે અમદાવાદ થયેલા એ આયોજનમાં ઘણાં બધાં પર્ફૉર્મન્સ હતાં, જેમાંથી અમારું પણ એક પર્ફૉર્મન્સ હતું. એ સમયે ક્ષેમુ દીવેટિયા, રાસબિહારી દેસાઈ, જનાર્દન રાવલ, હર્ષદાબહેન રાવલ અને ગૌરાંગ વ્યાસ જેવા લોકો આ પર્ફૉર્મન્સ જોવા આવતાં. મારો અવાજ બૅકગ્રાઉન્ડમાં હતો, એ ગીત સાંભળીને તેમણે સામાન્ય છાપ પ્રમાણે એવું જ પૂછેલું કે, ‘કોણ ગઢવી ગાય છે?’ ગજબ અવાજ છે. ત્યારે કોઈએ મારી સામે આંગળી ચીંધીને મને બતાવેલો.

આમાં મધુસૂદન વ્યાસ હતા, જેઓ લોકસાંસ્કૃતિક વર્તુળ – ડાયરો કરતા. તેમને એવો વિચાર આવ્યો કે ગુજરાતમાં પ્રફુલ્લ દવે જેવા ઘણા કળાકારો હશે, કેમ નહીં આ યુવાનો સાથે કાર્યક્રમ કરાય. અને તેમણે ‘યૌવન વીંઝે પાંખ’ નામના કાર્યક્રમનું આયોજન કર્યું.

જેમાં એમણે મારા જેવા 52 કળાકારો ભેગા કર્યા. મને એ સમયે બે જ ગીતો આવડતાં, પરંતુ અમારાં ગીતો સાંભળીને અમને ‘વન્સ મોર’ મળેલું.

એ પર્ફૉર્મન્સ ‘મંગળદાસ ટાઉનહૉલ’માં હતો.

‘મણિયારો’ અને ‘માધુબાના બાગ’ બંને ગીતોમાં ‘ઉદાસી’ શબ્દ આવે છે. એ પહેલાં ગીતો સાથે મેં પર્ફૉર્મ કર્યું. હવે આ વાત નોંધતાં મને હાલ વિચાર આવે છે કે આ ગીત બાદ જાણે મારા અસ્તિત્વે નક્કી કર્યું કે – હવે તારા દિલની ઉદાસી નહીં રહે. ગૌરાંગ વ્યાસ ‘લાખો ફુલાણી’ માટે તારા નામની ભલામણ કરશે, ફરીથી તારું ‘મણિયારો’ ગીત ખૂબ હિટ જશે, તું રેકૉર્ડિંગ માટે જઈશ તેના બે દિવસ બાદ ‘મારું વનરાવન છે રૂડું’ ગીત આશા ભોંસલે સાથે મળશે. એ ગીત મારી કારકિર્દીમાં મને મળેલા ‘બેસ્ટ પ્લેબૅક’ ગાયનના 17-18 ઍવૉર્ડ પૈકીનો પ્રથમ અપાવવામાં નિમિત્ત બનશે.

આ મુલાકાતમાં તેમણે પોતાનાં પત્ની સાથેના કારકિર્દીની શરૂઆતના અનુભવોની વાત પણ કરી – આગળ વાત કરી એ પ્રથમ સ્ટેજ પર્ફૉર્મન્સમાં મારાં 'ભાવિ પત્ની' ભારતી કુંચાલા પણ હતાં.

લગ્ન અંગેના સવાલ પર તેઓ કહે છે – અમારાં લગ્નને ‘દલડાંની આપલે’ ન કહી શકાય. એ સેલ્ફ-ઍરેન્જ્ડ મૅરેજ હતા. અમારા નિર્ણયમાં વડીલો નહોતા. અમે બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું ઠરાવેલું.

ઘણા લોકો લગ્ન બાદ ભારતીએ લીધેલા ગાયન બંધ કરવાના નિર્ણય માટે ફરિયાદ કરતા કહે છે કે ‘તમે ભારતીબહેનને દબાવી દીધાં’. પરંતુ હકીકત કંઈક અલગ છે. તેમણે નક્કી કર્યું કે લગ્ન બાદ મા તરીકેની જવાબદારી માત્ર પૈસાને કારણે જતી ન કરી શકાય.

એ સારું પણ થયું, જેથી મારાં બંને બાળકો – ઈશાની અને હાર્દિકમાં સંગીતના સંસ્કાર આવ્યા. એ સિવાય પણ બંને બાળકોમાં બરોબર સંસ્કારસિંચનનું કાર્ય થયું.

ફિલ્મ ગાયનક્ષેત્રે મળી પ્રથમ તક

પત્રકાર દીનેશ સિંધવ સાથે વાતચીત કરતા પ્રફુલ્લ પટેલ
ઇમેજ કૅપ્શન, પત્રકાર દિનેશ સિંધવ સાથે વાતચીત કરતા પ્રફુલ્લ પટેલ

જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસ સાથે કામ કરવાના પ્રારંભિક અનુભવો અંગે વાત કરતા તેઓ કહે છે – ગૌરાંગભાઈએ એક ફિલ્મના ગીત માટે મારું નામ સૂચવ્યું. જેમાં એક સરસ રાસ હતો. ફિલ્મના એ સમયના ડિરેક્ટર અરુણ ભટ્ટે ગાયક તરીકે મહેન્દ્ર કપૂરનું નામ સૂચવ્યું. પરંતુ ગૌરાંગ વ્યાસે કહ્યું કે, ‘મહેન્દ્ર કપૂર ન્યાય આપશે જ, પરંતુ મજા નહીં આવે.’

ત્યારે મને પહેલાં સાંભળીને પછી ગીત માટે અંતિમ નિર્ણય લેવાનું નક્કી થયું. એ સમયે મારો અમદાવાદ શો હતો. એ સમયે ગૌરાંગભાઈ આવીને મળ્યા અને કહ્યું કે ‘આપણે મુંબઈ જવાનું છે, મોટા ભાગે એ ગીત તમે જ ગાશો. હું ફોન કરું ત્યારે આવી જજો.’ ત્યારે હું ગયો અને અવિનાશભાઈને ઘરે અમે બેઠા હતા.

મેં ગીત ગાયું ત્યારે અરુણભાઈએ અવિનાશભાઈ સામે તેમની પ્રતિક્રિયા જોવા માટે જોયું. ત્યારે અવિનાશભાઈએ કહ્યું, ‘અરુણ મધપૂડો છે,’ બસ એટલું સર્ટિફિકેટ કાફી હતું.

પછી નક્કી થયું કે આ જ શૈલીમાં સુમન કલ્યાણપુરીનેય ગવડાવવું. બાદમાં અમે તેમના ઘરે ગયાં. તેમને કહેવાયું કે હું ગાઉં છું એ શૈલીમાં ગાવાનું છે. તેમણે મારો અવાજ રેકૉર્ડ કરી લીધો. અને કહ્યું કે, ‘મારા માટે આવું ગાવું મુશ્કેલ છે. હું રેકૉર્ડ કરું છું. વારંવાર સાંભળીને કોશિશ કરીશ.’

બધું બરાબર થયું અને ફિલ્મ સેન્ટરમાં ગીતનું રેકૉર્ડિંગ થયું, એ ગૌરાંગભાઈને પ્રથમ ફિલ્મ હતી તેથી ઇન્ડસ્ટ્રીના ઘણા બધા માણસો હતા. એ ફિલ્મમાં આ ગીત જામી ગયું અને બધાને ખૂબ ગમ્યું. એ ફિલ્મ હતી ‘લાખો ફુલાણી.’

ત્યાં ને ત્યાં જ અન્ય એક ફિલ્મનિર્માતાએ ‘ચૂંદડીનો રંગ’ ફિલ્મના ગીત ‘મારું વનરાવન છે રૂડું’માં આશા ભોંસલે સાથે મને ગવડાવવાની અવિનાશભાઈને વાત કરી. એ ગીતમાં પહેલાં મહેન્દ્ર કપૂરનો અવાજ લેવાનું નક્કી કરાયું હતું.

આમ, પ્રથમ બ્રેક બાદ જ ભારતનાં આટલાં મોટાં ગાયિકા સાથે ગીત ગાવાની તક મળી, જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

‘સર્વસ્વીકૃતિનું રહસ્ય’

તેઓ પોતાની સફળતા અને જીવનના પાઠ અંગે પણ વાત કરે છે – ભાગ્ય અને પુરુષાર્થ બંને એક સાથે ચાલે છે. પુરુષાર્થથી ભાગ્ય ખીલી ઊઠે છે.

તેઓ પોતાના જીવનના પુરુષાર્થ વિશે વાત કરતાં કહે છે – મારા બાપુજીએ મને કહેલું કે, ‘મારા પિતાએ મને કહેલું કે મેં પેટે પાટા બાંધીને તને ડૉક્ટર બનાવ્યો.’

પરંતુ એ દવાખાનું બંધ કરી, મારે એવા અંધારા કૂવામાં પડવાનું હતું જેમાં પાણી છે કે પાણો એ ખબર નહોતી. છતાં જીવનનો ખૂબ મોટો નિર્ણય લેવાનો સમય આવ્યો ત્યારે મેં નક્કી કર્યું કે મારે તો કળાકાર જ થવું છે. એ નિર્ણય મારા પુરુષાર્થની શરૂઆત હતી.

ભાવનગર જિલ્લાના વેકળિયા ગામે એક નાની ઓરડીમાં દવાખાનું શરૂ કરીને ગામના મુખીને ત્યાં હું રહેતો. દવાખાનું સારું ચાલતું પણ ખરું. પરંતુ ગાયક બનવા માટે મેં જ્યારે વેકળિયા છોડ્યું ત્યારે મને બિલકુલ ખબર નહોતી કે હું પાછો ક્યારેય નહીં ફરું.

પોતાની ગાયકી ‘સર્વસ્વીકૃત’ થવા પાછળનું રહસ્ય જણાવતાં તેઓ કહે છે – ઝવેરચંદ મેઘાણીથી માંડી, દુલા ભાયા કાગ, મેરુભા ગઢવી, હેમુ ગઢવી, અમરનાથજી, દિવાળીબહેન, કાનદાસબાપુ, રામદાસ વીરદાસ જેવા પોતાના જમાનાનાં સારાં ગાયકો હતાં.

મેં આ બધાની ગાયનકળાનું સત્ત્વ લઈ, તેનું મિશ્રણ કર્યું. આના કારણે હું કોઈ એક પ્રદેશનો ન રહ્યો. તેથી હું કોઈ ક્ષેત્ર પૂરતો સીમિત ન રહ્યો.

આ મિશ્રણને મેં ફિલ્મોના ગાયનમાં ઉતાર્યું. તેથી હું ગુજરાતના લગભગ તમામ પ્રદેશોમાં સર્વસ્વીકૃત બન્યો.

રેડ લાઇન
રેડ લાઇન