તરલા દલાલ : જેમણે ગુજરાતી રસોડામાંથી દેશવિદેશની વાનગીઓ ઘરેઘરે પહોંચાડી

તરલા દલાલ

ઇમેજ સ્રોત, TARLADALAL.COM

    • લેેખક, ભક્તિ ચપળગાવકર
    • પદ, ફ્રીલાન્સ પત્રકાર

તરલા દલાલ, એ ગુજરાતી મહિલા જેમને ખાણીપીણીના શોખીનો ઓળખતા ન હોય એવું ભાગ્યે જ બને.

તેમણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ભારતીય ઉપખંડના રસોઈ બનાવવાના તમામ શોખીનો તથા ખાસ કરીને ગૃહિણીઓને એવો આત્મવિશ્વાસ અપાવ્યો હતો કે વિશ્વની વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ આપણે ઘરે બનાવી શકીએ.

પુસ્તકો, ટીવી શો, પ્રત્યક્ષ પ્રદર્શન અને યુટ્યૂબ ચેનલના માધ્યમથી તેઓ ઘરેઘરે પહોંચી ગયાં હતાં.

તારીખ સાત જુલાઈએ ઓટીટી પ્લૅટફૉર્મ ઝી5 પર તરલા દલાદના જીવન પર આધારિત ફિલ્મ રિલીઝ થઈ છે. હુમા કુરેશીએ આ ફિલ્મમાં તરલા દલાલનું પાત્ર ભજવ્યું છે.

તરલાનો જન્મ પૂણેમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. 1960માં 24 વર્ષની વયે નલિન દલાલ સાથે લગ્ન કર્યાં પછી તરલા મુંબઈ આવ્યાં હતાં.

તેમણે નલિન દલાલ સાથે મુંબઈના ભદ્ર વિસ્તાર નેપિયન્સી રોડ પરના એક ઍપાર્ટમેન્ટમાં જીવનની શરૂઆત કરી હતી.

તેઓ સાત-આઠ વર્ષનાં હતાં ત્યારથી જ રસોઈમાં મદદ કરતાં હતાં. તેઓ ગુજરાતી રસોઈ શૈલી જાણતાં હતાં.

રસોઈ બનાવવાના શોખને કારણે તેમને લગ્ન પછીના જીવનમાં સ્થાયી થવામાં મદદ મળી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આહાર સંસ્કૃતિના સંશોધક મોહસિના મુકાદમના જણાવ્યા મુજબ, "તરલા દલાલના જીવનમાં એ સમયગાળો બહુ મહત્ત્વનો હતો. એ સમયગાળા દરમિયાન જ તેમણે સ્વની શોધ કરી હતી."

"એક સાદું ઘર છોડીને મુંબઈના ઉચ્ચભ્રૂ વિસ્તારમાં રહેવા આવ્યાં તેને લીધે તરલા દલાલ તેમના જન્મજાત ઉદ્યોગસાહસિક સ્વભાવથી દૂર થઈ ગયાં હતાં."

નલિન દલાલે આખી દુનિયાનો પ્રવાસ કર્યો હતો. તેઓ સ્વાદ-શોખીન હતા.

નલિને દેશવિદેશનાં તમામ પ્રકારનાં ફૂડનો સ્વાદ દિલથી માણ્યો હતો.

તરલા દલાલ ચુસ્ત શાકાહારી. પતિના સ્વાદને સંતોષવાની ઈચ્છા અને માંસાહારી વાનગીઓ રાંધવાની અનિચ્છાને કારણે તેમણે જાતજાતની શાકાહારી વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું હતું.

તેમણે રોટલી, શાક, કઢી, ખીચડીથી માંડીને સ્થાનિક તથા વિદેશી વાનગીઓ સુધીની સફર ઝપાટાભેર પૂરી કરી હતી.

મુંબઈમાં એક પારસી મહિલા કૂકિંગ ક્લાસ ચલાવતાં હતાં. તેમાં શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારની વાનગીઓનો સમાવેશ થતો હતો.

તરલા દલાલે એક મુલાકાતમાં કહ્યું હતું કે, "જે દિવસે શાકાહારી વાનગીના ક્લાસ હોય તે દિવસે હું તેમાં જતી હતી."

તેમણે ટૂંક સમયમાં શાકાહારી વાનગીઓ રાંધવામાં નિપુણતા મેળવી લીધી હતી. એ પછી નલિને વિદેશી વાનગીઓ વિશેના સંખ્યાબંધ પુસ્તકો લાવી આપ્યાં હતાં.

સપાટાભેર કામ કરવાની આદત હોવાથી તરલા દલાલે તે તમામ પુસ્તકો જાણે કે પાઠ્યપુસ્તક હોય એવી રીતે વાંચી નાખ્યાં હતાં.

તેમનું રસોડું પ્રયોગશાળા બની ગયું હતું. પ્રયોગ કર્યા, ભૂલો કરી, તેમાંથી પાઠ ભણ્યા અને આખરે વિદેશી વાનગીઓને ભારતીય શાકાહારી વળાંક આપ્યો હતો.

વાનગી બની જાય પછી તેની રજૂઆત પણ આકર્ષક હોવી જોઈએ, એવો તેમનો આગ્રહ હતો.

ભારતીય મધ્યમવર્ગ માટે એ નવું હતું. વાનગીને સજાવીને પ્રસ્તુત કરવાની બાબતમાં તેમનો જન્મજાત પૂર્ણતાવાદી સ્વભાવ સ્પષ્ટ જોવા મળે છે.

GREY LINE

કૂકિંગ ક્લાસીસ

તરલા દલાલ

ઇમેજ સ્રોત, TARLADALAL.COM

ઇમેજ કૅપ્શન, તરલા દલાલનો જન્મ પૂણેમાં થયો હતો.

પોતાના કૌશલ્યનો થોડો ઉપયોગ કરવાના હેતુસર તેમણે પોતાના ઘરમાં કૂકિંગ ક્લાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ગુજરાતી સમાજની એક ગૃહિણી આવું કંઈક શરૂ કરે તે તેમના રૂઢિચુસ્ત પરિવારને સ્વીકાર્ય ન હતું.

અહીં ફરી નલિને તેમને મદદ કરી હતી. નલિનનાં માતા કહેતાં કે "મારી વહુએ મહારાજ (રસોઈયા)નું કામ ન કરવું જોઈએ."

નલિને તેમને સમજાવ્યાં હતાં કે "મા, તેને કરવાં દે. બે-ત્રણ મહિના શીખવશે. હોંશ પૂરી થઈ જશે એટલે જાતે જ બંધ કરી દેશે."

જોકે, તરલા દલાલનો ઉદય યોગ્ય સમયે થયો હતો. તેમણે વાનગીઓ રાંધવાનું કૌશલ્ય અને અન્યોને વાનગી રાંધતા સરળતાથી શીખવવાની ક્ષમતા તેઓ ધરાવતા હતા.

તેમણે સામાન્ય ગૃહિણીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે તમે પણ દેશી-વિદેશી વાનગીઓ બનાવીની પીરસી શકો છો. એ સમયની ભાષામાં કહીએ તો તરલા દલાલના કૂકિંગ ક્લાસ ટૂંક સમયમાં બ્લૉકબસ્ટર સાબિત થયા હતા.

તરલા દલાલને ત્રણ સંતાનઃ સંજય, દીપક અને રેણુ. ક્લાસ શરૂ થતાંની સાથે જ ઘર ખીચોખીચ ભરાઈ જતું હતું. એ સમયે સંજય આઠ કે નવ વર્ષના હતા.

સંજયે કહ્યું હતું કે "મારું કામ મમ્મીના ક્લાસ માટે ગૅલેરીમાંથી ખુરશીઓ લઈને ઘરમાં ગોઠવવાનું અને ક્લાસ પૂર્ણ થાય પછી તેને મૂળ સ્થાને ગોઠવવાનું હતું."

"ટૂંક સમયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 50 થઈ ગઈ હતી અને ઘરમાં ક્લાસ માટે જગ્યા ઓછી પડવા લાગી હતી. ક્લાસને કારણે મમ્મીની લોકપ્રિયતામાં જબરો વધારો થયો હતો."

GREY LINE

પ્લેઝર્સ ઑફ વેજિટેરિયન કૂકિંગ

ગુજરાતી રસોઈ

ઇમેજ સ્રોત, TARLADALAL.COM

ઇમેજ કૅપ્શન, તરલા દલાલનાં ત્રણ સંતાનો છે.

"મમ્મીએ 70ના દાયકામાં પુસ્તક લખવાની શરૂઆત કરી હતી. મારા પિતા તેમને કાયમ પ્રોત્સાહન આપતા હતા."

"1974માં પ્રકાશિત થયેલા મમ્મીના પુસ્તક પ્લેઝર્સ ઑફ વેજિટેરિયન કૂકિંગએ ઈતિહાસ સર્જ્યો હતો."

આખા ઘર માટે રસોઈની જવાબદારી મોટાભાગે વહુના માથે હોય છે. પરંપરાગત ઘર હોય કે આધુનિક, એ સમયે રસોઈ બનાવવાનું કામ, અમુક અપવાદોને બાદ કરતાં મોટાભાગે સ્ત્રીઓએ જ કરવું પડતું હતું.

તે કામમાં મદદ જ નહીં, પાર્ટીનું આયોજન કેવી રીતે કરવું, બાળકોને ટિફિનમાં શું આપવું, દરરોજ શું રાંધી શકાય તેનો નિર્ણય લેવામાં પણ તરલા દલાલ દેશની લાખો મહિલાઓને મદદરૂપ બનતાં હતાં.

એ મહિલાઓ આધુનિક હતી. તેમને વિદેશી વાનગીઓ બનાવવાનો શોખ હતો. તેમણે રેસ્ટોરાંમાં પોતાના પ્રદેશ સિવાયની, દેશના અન્ય પ્રદેશોની વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો.

એ બધું પોતાના ઘરે બનાવી શકાય એ સંભાવના જ તેમના માટે આશ્ચર્યજનક હતી.

તરલા દલાલ વિદેશી વાનગીઓને સંપૂર્ણપણે ભારતીય ટ્વિસ્ટ આપવામાં સફળ થયાં હતાં.

એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે વિદેશી વાનગીઓને ભારતીય બનાવવી સરળ નથી. દરેક પ્રદેશનો પોતાનો સ્વાદ હોય છે, પદ્ધતિ હોય છે.

વિદેશી વાનગી ભારતીય શાકાહારી વાનગીના સ્વરૂપમાં પરિવર્તિત થાય ત્યારે તેના મૂળ સ્વરૂપને સાચવવું પડે. ચાઈનીઝ ફૂડમાં ખાંડ ઉમેરવામાં આવે છે, પણ મૅક્સિકન ફૂડમાં તે ઉમેરવાની ન હોય.

એવું જ પંજાબી અને ગુજરાતી વાનગીઓનું છે. ગુજરાતી રસોઈમાં ખાંડનો ઉદારતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે, પણ પંજાબી વાનગીઓ મસાલેદાર હોવી જોઈએ.

મોહસિના મુકાદમના મતાનુસાર, તરલા દલાલનાં પુસ્તકો અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયાં તે બહુ મહત્ત્વનું સાબિત થયુ હતું. એ કારણે તેઓ એ સમાજ પૂરતા મર્યાદિત ન રહ્યાં. તેમના નામને ભારતીયપણું મળ્યું હતું.

રેસીપીના આકર્ષક, રંગીન ફોટોગ્રાફ્સ અને ઉત્કૃષ્ટ પ્રોડક્શન વૅલ્યૂ એ તરલા દલાલનાં પુસ્તકોની વિશિષ્ટતા હતી.

એટલું જ નહીં, 70 અને 80ના દાયકામાં અંગ્રેજી સામયિકોમાં તરલા દલાલની રેસિપી નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવતી હતી. એ પણ આકર્ષણનું કેન્દ્ર હતી.

GREY LINE

તેમની બીજી વિશેષતા વાનગીઓનું પ્લેસિંગ અને સજાવટ

ગુજરાતી વાનગી

ઇમેજ સ્રોત, TARLADALAL.COM

ઇમેજ કૅપ્શન, તરલા દલાલના પુસ્તક પ્લેઝર્સ ઑફ વેજિટેરિયન કૂકિંગએ ઈતિહાસ સર્જ્યો હતો

રસોઈના પુસ્તકો હવે આસાનીથી મળી રહે છે. પાર્ટી, ફંકશન્શ જેવા ચોક્કસ પ્રસંગો માટેની વાનગીઓના પુસ્તકો, બાળકોના ટિફિન, દર્દીઓ માટેની વાનગીઓના પુસ્તકો એમ બધું મળે છે, પરંતુ તેની શરૂઆત તરલા દલાલે કરી હતી.

તેમણે શાકાહારી ભોજનને ગ્લેમર આપ્યું હતું. એ પ્રક્રિયામાં તેમણે વાનગી રાંધવાની ચોક્કસ પદ્ધતિ બનાવી હતી.

થાઇ હોય કે ઇટાલિયન કે પછી મૅક્સિકન, તેમણે બધી વાનગીઓ રજૂ કરતાં તેને સ્ટાન્ડર્ડાઈઝ કરી હતી.

એ વાનગી સમાજના ક્યા વર્ગને ઉપયોગી છે એ તેઓ જાણતા હતાં. એટલે જે તેમણે માર્કેટ રિસર્ચ પણ કર્યું હતું અને એ જ્ઞાન તેમને તેમના ક્લાસમાં જ મળ્યું હતું.

ગુજરાતી સમાજમાં કળા અને વાણિજ્યનો સુંદર સંગમ જોવા મળે છે.

તેમને આ સમાજમાં રહેવાનો ફાયદો પણ થયો હતો. તેમનું પ્રથમ પુસ્તક 70ના દાયકામાં પ્રકાશિત થયું હતું, પરંતુ તેમની લોકપ્રિયતામાં જબરો વધારો 90ના દાયકામાં થયો હતો.

તેનું કારણ એ હતું કે અર્થતંત્રને દરવાજા વિશ્વ માટે ખોલવામાં આવ્યા પછી ભારતીય મધ્યમ વર્ગ નવાં સપનાં જોવા લાગ્યો હતો.

આપણી જીવનશૈલી સારી હોવી જોઈએ એવો તેનો આગ્રહ હતો, કારણ કે એ માટે જરૂરી પૈસા તેમની પાસે આવી રહ્યા હતા.

બદલાતા સમાજની સાથે તરલા દલાલ પણ બદલાયાં હતાં. રસોઈના મોરચે ફૂંકાઈ રહેલા પરિવર્તનના પવન તેમણે પારખ્યો હતો.

બદલાતી જીવનશૈલી સાથે સ્વસ્થ આહારની જરૂરિયાત પણ સર્જાઈ હતી. એ માટે તેમણે તેમની વેબસાઇટ tarladalal.com પર અલગ વિભાગ શરૂ કર્યો હતો.

GREY LINE

કૂક ઈટ અપ વિથ તરલા દલાલ

તરલા દલાલ

ઇમેજ સ્રોત, TARLADALAL.COM

ઇમેજ કૅપ્શન, તરલા દલાલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.

તેમણે એક ખાનગી ટીવી ચેનલ પર કૂક ઈંટ અપ વિથ તરલા દલાલ નામનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.

તેમની વેબસાઇટ 1999 પહેલાં લૉન્ચ કરવામાં આવી હતી, પરંતુ આ કાર્યક્રમને કારણે તેમનો ચહેરો લોકો માટે વધુ પરિચિત બન્યો હતો. તેઓ એ સમયના ઊભરતા અભિનેતા સુધાંશુ પાંડે સાથે તે કાર્યક્રમ રજૂ કરતા હતાં.

કાર્યક્રમનો નિવેદક માત્ર બાજુમાં ઊભો જ ન રહે, પરંતુ તરલા સરળ ભાષામાં વાનગી બનાવવાની રીત દર્શાવી રહ્યાં હોય ત્યારે કૂકિંગમાં પણ સામેલ થાય તેવી તેમની શૈલી હતી.

આ રીતે દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં તેમણે રસોઈ કળાનું પ્રદર્શન કર્યું હતું.

આ બધું પવનના વેગની જેમ આગળ વધી રહ્યું હતું ત્યારે તરલાએ અચાનક એક મોટા સંકટનો સામનો કરવો પડ્યો હતો.

સંજય દલાલે કહ્યું હતું કે "મારી મમ્મીને આંખની બીમારી થઈ હતી. તેમણે મુંબઈમાં સર્જરી કરાવી હતી, પરંતુ ડૉક્ટરની ભૂલને કારણે તેમણે એક આંખ ગૂમાવવી પડી હતી."

"અમે તેમની આંખ બચાવવા અથાક પ્રયાસ કર્યા હતા. તેમને સારવાર માટે વિદેશ પણ લઈ ગયા હતા, પરંતુ તેમની આંખ બચાવી શકાઈ ન હતી."

"પછીનાં વર્ષોમાં તેઓ માત્ર એક જ આંખથી જોઈ શકતાં હતાં એ બહુ ઓછા લોકો જાણે છે. એ કારણે તેમને રોજિંદા કામોમાં ઘણી મુશ્કેલી પડતી હતી. છતાં તેઓ સતત સક્રિય રહ્યાં હતાં."

GREY LINE

શેફ ગૃહિણી

તરલા દલાલ

ઇમેજ સ્રોત, TARLADALAL.COM

ઇમેજ કૅપ્શન, તરલા દલાલના પુત્ર

શેફ તો પુરુષ જ હોય અને મહિલા ઘરમાં જ રસોઈ કરે તેવી ખોટી પરંતુ સામાજિક રીતે સ્વીકાર કરાયેલી ધારણા તરલા દલાલે તોડી પાડી હતી.

આવું કરતી વખતે તેમને ગૃહિણી તરીકેના અનુભવનો લાભ મળ્યો હતો. રસોઈની કળાની શાસ્ત્રશુદ્ધ તાલીમ લીધા પછી વાનગી બનાવવી અને ઘરમાં જ બનાવેલી વાનગીઓ પરિવારજનોને ખવડાવીને મેળવેલા અનુભવના આધારે અન્યોને તે શીખવાડવું એ બન્નેમા ફરક હોય છે. ફરક એ કે તેમના પુસ્તકમાં સામગ્રીનું જે માપ આપવામાં આવ્યું છે તે વાટકી અને ચમચી મુજબનું છે.

આ વાનગી બનાવવી કેટલી સરળ છે અને તે કેટલી ઝડપથી તૈયાર કરી શકાય છે તેનો ઉલ્લેખ તેઓ તેમના રેસિપી વીડિયોમાં વારંવાર કરે છે. રસોઈયા પાસે બીજાં ઘણાં કામ હોય છે. રસોઈ સ્વાદિષ્ટ બનવી જોઈએ અને એ કામ ઝડપથી થવું જોઈએ એ વાત તેઓ સારી રીતે જાણતા હતાં.

રસોઈ ગૃહિણીઓની મુક્તિનો માર્ગ હોઈ શકે છે એ પણ તેઓ જાણતા હતાં.

પરંપરાગત ઘરમાં રહીને અનેક દબાણ હેઠળ કામ કરીને રસોઈ દ્વારા સર્જનનો આનંદ તેમણે અનેક લોકો સુધી પહોંચાડ્યો હતો.

2007માં ભારત સરકાર દ્વારા તેમને આપવામાં આવેલો પદ્મશ્રી પુરસ્કાર તેમના કામની યોગ્ય કદર હતો.

જીવનનાં તમામ ક્ષેત્રો અને તમામ વય જૂથના લોકો સાથે આસાનીથી સંવાદ કરી શકવાની ક્ષમતાને કારણે તેમને અનેક લોકો સાથે દોસ્તી હતી, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભારતના સૌથી શ્રીમંત લોકો પૈકીના એક કોકિલાબહેન અંબાણી અને તરલા દલાલ વચ્ચે ગાઢ મૈત્રી હતી.

કોકિલાબહેનના ભારતભ્રમણ દરમિયાન અનેક વખત તરલા દલાલ તેમની સાથે રહ્યાં હતાં.

તેમની દોસ્તી અનેક દાયકાઓ સુધી, તરલા દલાલના મૃત્યુ સુધી યથાવત રહી હતી.

કોકિલાબહેને તરલા દલાલને શીખવેલી ફરાળી ઈડલી-સાંભર અને ફરાળી દહીંવડાની રેસિપી તરલા દલાલના બ્લૉગ પર જોવા મળે છે.

તરલા દલાલનો પ્રભાવ એટલો વ્યાપક બન્યો હતો કે તેઓ એક મોટી બ્રાન્ડ બની ગયાં. તેમના મૃત્યુ પછી પણ એ પ્રભાવ યથાવત છે. તેમના મોટા પુત્ર સંજય માતાના કામને યુટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવાં નવાં માધ્યમો વડે આગળ ધપાવી રહ્યા છે.

તેઓ તેમની કંપનીની નવી રેસિપી 2013થી શૅફ યુટ્યૂબ મારફત લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

મારા મતે, તરલા દલાલે કરેલું સૌથી મહત્ત્વનું કામ એ છે કે તેમણે આપણા જીવનના સૌથી મહત્ત્વના કામ પૈકીના એક તેમજ ઉપેક્ષિત કામ રસોઈને એટલી ઊંચાઈ પર પહોંચાડ્યું, સરળ બનાવ્યું કે તે કામ ડર્યા વિના કરવાની મજા પડે છે.

તેનો અર્થ એ નથી કે રસોઈ બનાવવામાં આનંદ આવતો ન હતો.

અગાઉ તે આનંદ પાકકળામાં નિષ્ણાત લોકો માટે જ હતો, જ્યારે હવે બીજા લોકો પણ તેનો આનંદ માણી રહ્યા છે.

રસોઈ બનાવવાનું શીખતી દીકરીઓને પરિવારની માતા જે રીતે રસોઈનાં રહસ્યો સમજાવતી હોય છે એવું જ કામ તરલા દલાલે કર્યું હતું.

તેમના સૌથી લોકપ્રિય પુસ્તક ‘પ્લેઝર ઑફ વેજિટેરિયન કૂકિંગ’ની પ્રસ્તાવનામાં તરલા દલાલે ગૃહિણીઓની મૂંઝવણને ધ્યાનમાં લઈને વાનગીઓની પસંદગી બાબતે નીચે મુજબના માપદંડ સૂચવ્યા છે. જે નીચે પ્રમાણે છે -

બીબીસી ગુજરાતી
  • રેસિપી સરળ હોવી જોઈએ. રસોઈ કરવાનું ઓછામાં ઓછું જ્ઞાન ધરાવતી વ્યક્તિ પણ, વર્ષોના અભ્યાસ પછી શીખી શકાય એ કામ કરી શકવી જોઈએ.
  • તે 10 જ મિનિટમાં તૈયાર થઈ જવી જોઈએ.
  • તેનો સ્વાદ દર વખતે એકસમાન હોવો જોઈએ.
  • રેસિપીમાંની સામગ્રી બહુ મોંઘી ન હોવી જોઈએ. તે આસાનીથી ઉપલબ્ધ હોવી જોઈએ.
બીબીસી ગુજરાતી

તેમણે ચાર દાયકા પહેલાં આ વિચાર ગૃહિણીઓ માટે રજૂ કર્યા હતા. આજે સ્ત્રીઓ અને પુરુષો બન્ને રસોઈ બનાવે છે.

જેમણે સ્વાદ માણવો હોય તેમને રાંધતા આવડવું જોઈએ તે વિચાર આજે વ્યાપક બન્યો છે. તરલા દલાલની રસોઈ પ્રત્યેની દૃષ્ટિ એટલી ગહન છે કે તે આજે પણ પ્રાસંગિક છે.

(લેખિકા ફ્રીલાન્સ પત્રકાર છે. તેઓ ફૂડ કલ્ચર અને સિનેમા વિશે નિયમિત લેખો લખે છે)

બીબીસી ગુજરાતી
RED LINE