ગુજરાત : 'મૈયરમાં મનડું નથી લાગતું'નાં 25 વર્ષ, ગુજરાતી ફિલ્મને ફરી કેમ રિલીઝ કરાઈ રહી છે?

ગુજરાતી ફિલ્મ, અર્બન, હિતેનકુમાર, જશવંત ગાંગાણી, સિનેમા, મૈયર, ગૌરાંગ વ્યાસ, લોકસંગીત

ઇમેજ સ્રોત, Ganganai motion pictures

ઇમેજ કૅપ્શન, આનંદી ત્રિપાઠી અને હિતેનકુમાર
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

2001માં રજૂ થયેલી અને સુપરહીટ થયેલી ગુજરાતી ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું'ને 25 વર્ષ પૂરાં થયાં છે. તે નિમિત્તે આ ફિલ્મ હવે 12 સપ્ટેમ્બરે થિયેટરમાં ફરી રજૂ થવાની છે.

હિતેનકુમાર, ફિરોઝ ઇરાની, અરવિંદ ત્રિવેદી, આનંદી ત્રિપાઠી જેવાં કલાકારોને ચમકાવતી આ ફિલ્મ એ વખતે 1 કરોડ અને 40 લાખના બજેટમાં તૈયાર થઈ હતી. હાલોલ પાસેના લકી સ્ટુડિયોમાં તેનો સેટ જ 30 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.

ફિલ્મના લેખક – નિર્માતા – દિગ્દર્શક જશવંત ગાંગાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "એ વખતે ગુજરાતી ફિલ્મો જ 20-25 લાખના ખર્ચે તૈયાર થઈ જતી હતી. એનાથી વધારે અમારા સેટનું બજેટ હતું. સેટ એટલો ભવ્ય હતો કે આસપાસના લોકો ત્યાં ફિલ્મનો સેટ જોવા આવતા હતા. ફિલ્મનું શૂટિંગ પૂરુ થયા પછી રંગરોગાન કરીને અન્ય કેટલીક ફિલ્મોના શૂટિંગમાં પણ એ સેટ ઉપયોગમાં લેવાયો હતો."

શૂટિંગ શરૂ થયું એના બે મહિના અગાઉ ફિલ્મના સેટનું કામ શરૂ થયું હતું. સમગ્ર ફિલ્મનું 1 કરોડ 40 લાખનું બજેટ હતું. એટલા બજેટમાં તો બીજી ચારેક ફિલ્મો એ વખતે બની જાય.

જશવંતભાઈ કહે છે કે, "લોકો કહેતા પણ ખરા કે આ માણસ ગાંડો થઈ ગયો લાગે છે. જોકે, મને ભરોસો હતો કે ફિલ્મ ચાલશે અને હું મારા વિશ્વાસમાં ખરો ઊતર્યો એનો આનંદ છે."

'મૈયરમાં મનડું નથી લાગતું' ફિલ્મ કેમ લોકોને પસંદ પડી હતી?

ગુજરાતી ફિલ્મ, અર્બન, હિતેનકુમાર, જશવંત ગાંગાણી, સિનેમા, મૈયર, ગૌરાંગ વ્યાસ, લોકસંગીત

ઇમેજ સ્રોત, Ganganai motion pictures

ઇમેજ કૅપ્શન, ફિલ્મના સેટ પર જશવંત ગાંગાણી અને અન્ય કસબીઓ. હાલોલ પાસેના લકી સ્ટુડિયોમાં ફિલ્મનો સેટ 30 લાખના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો

મૈયરમાં મનડું… એક સામાજિક પારિવારિક કથા છે. રામ (હિતેનકુમાર) અને રતન (આનંદી ત્રિપાઠી) નામનાં બે પ્રેમીની પ્રેમકથા છે. એક સ્ત્રી પોતાનો પ્રેમ ખાતર જીવનને કઈ હોડમાં મૂકી શકે છે એની વાત ફિલ્મમાં છે. આ ફિલ્મ મહિલાકેન્દ્રી સંવેદનશીલ ફિલ્મ હતી જે તેનું હીટ જવાનું મોટું પરિબળ હતું એવું ફિલ્મ સમીક્ષક કાર્તિકેય ભટ્ટને લાગે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "મૈયર એટલે પિયર. આપણી સાદી સમજ એવી છે કે સ્ત્રીને એના પિયરમાં ખૂબ ગમે, પણ સ્ત્રી જ્યારે તેના પતિને ખૂબ પ્રેમ કરતી હોય ત્યારે તેને પિયરમાં રહેવું ન ગમે. પતિ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો હોવાથી મૈયરમાં મનડું નથી માનતું એ વાત ફિલ્મ કહે છે."

"એક મહિલાના ઉત્કટ પ્રેમ અને પ્રેમ માટે સમગ્ર કાયનાતની સામે થઈ જવાની છે ભાવના છે તેની વાત આ ફિલ્મમાં સરસ રીતે રજૂ થઈ હતી. જેની સાથે લોકોએ તાદાત્મ્ય અનુભવ્યું હતું અને ફિલ્મને ખૂબ વધાવી હતી."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ વખતના ગુજરાતી સિનેમા કરતાં મૈયરમાં મનડું... ટેકનિકલી આગળ હતી એ પણ તેનું હીટ જવાનું મહત્ત્વનું કારણ છે.

કાર્તિકેય ભટ્ટ કહે છે કે, "ગુજરાતી ફિલ્મોનું પ્રોડક્શન નબળું રહેતું હતું. ઓછા ખર્ચે બનતી હતી. જશવંત ગાંગાણીએ પ્રોડક્શન પાછળ પૂરતો ખર્ચો કરીને ફિલ્મની ઉત્કૃષ્ટ પ્રોડક્શન વેલ્યુ સાથે 35 એમએમમાં એ ફિલ્મ શૂટ કરી હતી. આવું અગાઉ કોઈ કરતું નહોતું. ઉપરાંત, ડોલ્બી સાઉન્ડમાં રજૂ થઈ હતી. તેથી એ વખતે પણ એની રંગસજ્જા અને પડદા પર પ્રિન્ટની ગુણવત્તા ખૂબ સરસ હતી. ફિલ્મ ખૂબ ચાલી એની પાછળ તેનું આ ટેકનિકલ જમા પાસું પણ ખરું."

કેટલીક ફિલ્મ સુપરહીટ થવા પાછળ તેનાં કેટલાંક દૃશ્યોમાં રહેલી છૂપી ક્રાંતિ પણ કારણભૂત હોય છે. આ વાતનો ફોડ પાડતાં કાર્તિકેય ભટ્ટ કહે છે કે, "આપણે ત્યાં એવી ઘણી ફિલ્મો બની હતી જે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન પૂરું પાડતી હોય. મૈયરમાં મનડું... ફિલ્મનો ક્લાઇમેક્સ - છેલ્લાં દૃશ્યો નિહાળશો તો એમાં અંધશ્રદ્ધા પર વિજ્ઞાનનો વિજય બતાવવામાં આવ્યો છે. એ ખરેખર તો પ્રેમ અને માનવીય સંબંધનો વિજય છે."

"સામાન્ય પ્રજા ફિલ્મમાં જે જોઈ જાય છે તે કોઈ ફિલ્મ વિશ્લેષક જોઈ શકતો નથી. આવી દરેક મેગા હીટ ફિલ્મમાં સામાન્ય પ્રજા લાગણીનો કોઈક એવો તંતુ ભાળી લેતી હોય છે. પ્રજા એના વિશે ક્યારેય કોઈને કહેતી નથી. એ તત્ત્વ કોઈ ફિલ્મ વિશ્લેષણમાં પણ આવતું નથી, પરંતુ પ્રજામાનસમાં સામૂહિક રીતે ચુપચાપ ઝીલાતું હોય છે."

'અત્યારની ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતીપણું જોવા નથી મળતું'

ગુજરાતી ફિલ્મ, અર્બન, હિતેનકુમાર, જશવંત ગાંગાણી, સિનેમા, મૈયર, ગૌરાંગ વ્યાસ, લોકસંગીત

ઇમેજ સ્રોત, Hiten Kumaar/fb

ફિલ્મનાં 'સાયબા મને નિંદરડી ના આવે...', 'કુકુ બોલે કોયલડી...', 'ઝીણા ઝીણા મોરલિયા...' વગેરે ગીતો આજે પણ લોકપ્રિય છે. એના પરથી ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર અનેક લોકો આજે રીલ્સ બનાવે છે. ફિલ્મનાં ગીતો અલકા યાજ્ઞિક, અરવિંદ બારોટ વગેરે ગાયાં છે.

ફિલ્મમાં બે સંયુક્ત પરિવારોની કહાણી છે. જશવંત ગાંગાણી કહે છે કે, "આ ફિલ્મ ફરી રજૂ કરવા પાછળ એક તાત્પર્ય એ છે કે આજકાલની પેઢીમાં એવાં ઘણાં બાળકો છે જેમને ફુવા કે ભાભુ કે મોટા બાપા એટલે શું એ ખબર જ નથી. સંયુક્ત પરિવારો રહ્યા નથી તેથી ભર્યાભર્યા કુટુમ્બમાં લોકો રહી શકે અને તેના ઇમોશન્સ રળિયામણા હોય તેની પણ તેમને ખાસ જાણ નથી."

"જે પરંપરા, પરિવારભાવના નથી જોવા મળતી તે કદાચ આજની પેઢી વંચિત છે અને એ ચિન્તાનો વિષય છે. અત્યારની ફિલ્મોમાં જે ગુજરાતીપણું જોવા નથી મળતું તે આ ફિલ્મ દ્વારા અમે નવા દર્શકોને બતાવવા ઇચ્છીએ છીએ. જો એ દશ ટકા યુવા દર્શકો પણ આ ફિલ્મ જોવા જશે તો મને આ ફિલ્મની રી-રિલીઝનો આત્મસંતોષ થશે."

રિલીઝ થઈ એ વખતે ફિલ્મો હૃદયથી જોવાતી હતી

ગુજરાતી ફિલ્મ, અર્બન, હિતેનકુમાર, જશવંત ગાંગાણી, સિનેમા, મૈયર, ગૌરાંગ વ્યાસ, લોકસંગીત

ઇમેજ સ્રોત, Ganganai motion pictures

ઇમેજ કૅપ્શન, ફિલ્મના શૂટિંગ વખતનું દૃશ્ય

આ વાતનો તંતુ જોડતાં ફિલ્મના મુખ્ય અભિનેતા હિતેનકુમાર બીબીસી ગુજરાતીને કહે છે કે, "85 ટકા હિન્દુસ્તાન આજે પણ નાનાં શહેરો અને ગામ-ગામડાંમાં વસે છે. અમદાવાદ જેવાં મોટાં શહેરોને બાદ કરીએ તો બાકીનું સિત્તેર પંચોતર ટકા ગુજરાત પણ ત્યાં જ વસે છે. અમદાવાદથી વીસ કિલોમીટર દૂર જ સાણંદ કે ડીસા કે કડી કલોલ જુઓ, એ જુદી સમજણ સાથે જીવતો વિસ્તાર છે. રાજકોટથી વીસ કિમી દૂર જાવ તો ગોંડલ પાસે કે ભાવનગર કે ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં લોકો શહેર કરતાં જુદી સમજણથી જીવી રહ્યા છે. એ દર્શકોને તો આપણે કેટલાંય વર્ષોથી કશું આપ્યું નથી."

"અમારો ટાર્ગેટ બહુ ક્લિયર છે. અમે શહેરો માટે આ ફિલ્મ ફરી નથી લાવી રહ્યા. શહેરના લોકો આવે તો તો સોનામાં સુગંધ જ છે. શહેરથી વીસ કિમી દૂરનો જે 85 ટકાનો દર્શકવર્ગ છે તેને ફરી એ અવસર આપવાનો પ્રયાસ છે."

આ જ વાતને એક સંવેદનાના આધાર સાથે આગળ વધારતાં હિતેનકુમાર કહે છે કે, "આજે આપણે કોઈ પણ ફિલ્મકૃતિ મગજથી જોઈએ છીએ, મૈયરમાં મનડું... રિલીઝ થઈ એ વખતે ફિલ્મો હૃદયથી જોવાતી હતી. એમાં કોઈ બે પાસાં ટેકનિકલી નબળાં હોય તો પણ લાગણી તો દર્શકોના હૃદય સુધી પહોંચી જ જતી હતી. દરેક ઘરમાં સંવેદના તો આજે પણ એ જ છે. ભલે હવે સંયુક્ત પરિવારો ન હોય પણ લોકોને તો પરિવારનો માળો ગમે જ છે અને તે ઝંખે જ છે."

ગુજરાતી ફિલ્મ, અર્બન, હિતેનકુમાર, જશવંત ગાંગાણી, સિનેમા, મૈયર, ગૌરાંગ વ્યાસ, લોકસંગીત

ઇમેજ સ્રોત, Ganganai motion pictures

ઇમેજ કૅપ્શન, હાર્મોનિયમ પર સંગીતકાર ગૌરાંગ વ્યાસ, દિગ્દર્શક જશવંત ગાંગાણી અને ગાયિકા અલકા યાજ્ઞિક

હિતેનકુમાર કહે છે, "આજે મોટાં શહેરોમાં જીવન જે ઝડપી રીતે દોડી રહ્યું છે તેમાં એ અવકાશ જ નથી રાખ્યો કે એ લાગણી ફરી મહેસૂસ કરી શકીએ, પરંતુ શહેરથી જેવા 20-25 કિલોમીટર દૂર જાવ તો એ લોકો હજી પણ એ સંવેદનાને સાચવીને ક્યાંકને ક્યાંક જીવી રહ્યા છે. તેઓ મોટાં શહેરો કરતાં અલગ સમજણ સાથે જીવી રહ્યા છે."

મૈયરમાં મનડું... પરથી પ્રેરાઈને સૂરજ બડજાત્યાએ શાહીદ કપૂર અને અમૃતા રાવને લઈને વિવાહ (2006)માં બનાવી હતી, એવું જશવંત ગાંગાણી જણાવે છે. વિવાહ ફિલ્મ હીટ રહી હતી.

મૈયરમાં મનડું... પરથી જ સૂરજ બડજાત્યાના રાજશ્રી પ્રોડક્શને એ જ કહાણીને કેન્દ્રમાં રાખીને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ફિલ્મ બનાવી હતી.

2008માં મૈયરમાં મનડું... ફિલ્મનો બીજો ભાગ પણ રજૂ થયો હતો, જેને ગુજરાતી દર્શકોનો પ્રતિસાદ મળ્યો ન હતો.

'ફિલ્મ 2001માં લોકજીવનનો તહેવાર બની ગઈ હતી'

ગુજરાતી ફિલ્મ, અર્બન, હિતેનકુમાર, જશવંત ગાંગાણી, સિનેમા, મૈયર, ગૌરાંગ વ્યાસ, લોકસંગીત

ઇમેજ સ્રોત, Ganganai motion pictures

ઇમેજ કૅપ્શન, ફિલ્મના શૂટિંગ વખતે હિતેનકુમાર, આનંદી ત્રિપાઠી તેમજ અન્ય કલાકારો

આ ફિલ્મ ફરી થિયેટરમાં રજૂ કરતાં અગાઉ તેનું ડિજિટલી કલર કરેક્શન – રંગસુધારણા કરવામાં આવી છે. ફિલ્મનાં ગીતો અકબંધ રાખવામાં આવ્યાં છે અને અગાઉ કરતાં 25 મિનિટની લંબાઈ ઘટાડવામાં આવી છે.

જશવંત ગાંગાણી અને હિતેનકુમારને આશા છે કે જો મૈયરમાં મનડું... ફિલ્મને થિયેટરમાં ફરી દર્શકો આવકારશે તો એની સાથે સાથે અગાઉની કેટલીક હીટ ગુજરાતી ફિલ્મોને ફરી થિયેટરમાં રજૂ થવાની ખડકી ખૂલશે.

જશવંત ગાંગાણી કહે છે કે, "2001માં અમારી ફિલ્મ લોકજીવનનો તહેવાર બની ગઈ હતી અને લોકોએ હાઉસફુલ પ્રેમ આર્પ્યો હતો. અમારી ઇચ્છા એટલી છે કે એ તહેવાર ફરી ઊજવીએ. એ ઉજવણીમાં નવા દર્શકોને જોડીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન