ગુજરાતી ફિલ્મોનાં સુપરસ્ટાર સ્નેહલતાની બાયોપિકમાં કામ કરવા માંગતાં અભિનેત્રી મોના થીબાએ તેમનાં સાસુ વિશે શું કહ્યું?

મોના થીબા અને સ્નેહલતા

ઇમેજ સ્રોત, Hitu Kanodia

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતી સિનેમામાં હીરોઇનોની વાત આવે એટલે સ્નેહલતા, રોમા માણેક, જયશ્રી ટી, રીટા ભાદુરી, પદ્મારાણી, રાગિણી વગેરે નામોની સાથે અભિનેત્રી મોના થીબાની યાદ જરૂર આવે.

તેમણે જીવનસાથી હિતુ કનોડિયા તેમજ હિતેનકુમાર જેવા ગુજરાતી ફિલ્મોના નામી અભિનેતાઓ સાથે ફિલ્મો કરી છે. મોન થીબાએ કેટલીક ભોજપુરી ફિલ્મો પણ કરી જેમાં તેમણે રવી કિશન જેવા ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર સાથે કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મોમાં એક લાંબા અંતરાલ પછી મોના થીબાની ચારેક ફિલ્મો હવે આવી રહી છે.

અભિનેત્રી મોના થીબાને ગુજરાતી ફિલ્મોનાં સુપરસ્ટાર સ્નેહલતાની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા કેમ કરવી છે?

ઇમેજ સ્રોત, Hitukanodia/instagram

ઇમેજ કૅપ્શન, મોના થીબા

મોનાએ ફિલ્મોમાં કમબૅક કર્યું તેનું શ્રેય તેમનાં સાસુ રતનબહેનને આપે છે. દીકરાના જન્મ બાદ ઍક્ટિંગની કારકિર્દીમાંથી વિરામ લીધો ત્યારે મોનાના સસરા અને ગુજરાતી ફિલ્મોનાં સુપર સ્ટાર નરેશ કનોડિયાએ કહ્યું હતું કે, "તમે ફરી ફિલ્મોમાં કામ શરૂ કરી દો, તમારું ટેલેન્ટ ન વેડફાવું જોઈએ."

તળપદી ફિલ્મો કરનારા નરેશ કનોડિયા સસરા તરીકે મૉડર્ન વિચારના હતા એવું મોના થીબા માને છે. બીબીસી ગુજરાતીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે એમ પણ કહ્યું કે અભિનેત્રી સ્નેહલતાના જીવન પરથી બાયોપિક બને તો સ્નેહલતાનો રોલ તેઓ ભજવવા માગે છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

'સિંગલ સ્ક્રીન સિનેમાઘર ઘટી ગયાં છે, ગ્રામીણ જીવનનો પડઘો પાડતી ફિલ્મો ઘટ ગઈ છે'

સ્નેહલતા - નરેશ કનોડિયા

ઇમેજ સ્રોત, Hitu Kanodia

ઇમેજ કૅપ્શન, સ્નેહલતા - નરેશ કનોડિયા

2000ના દાયકામાં અને તે પછી મોના થીબાએ ગુજરાતી ફિલ્મો કરી હતી. સમગ્ર દેશમાં હવે મલ્ટિપ્લેક્સ સિનેમા હૉલનો વાયરો છે. નાનાં શહેરોમાં પણ એકસાથે ત્રણચાર સ્ક્રીન ધરાવતાં મલ્ટિપ્લેક્સ સિનેમા હૉલ છે. જેને લીધે ખાસ કરીને ગુજરાતી ફિલ્મોને ફટકો પડ્યો છે, એવું મોના થીબા માને છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, સિંગલ સ્ક્રીન સિનેમા હવે ઘટી ગયાં છે. તેથી અમે જે ગ્રામીણ જીવનનો પડઘો પાડતી ફિલ્મો બનતી ઓછી થઈ ગઈ છે.

સમયની સાથે જે સારા બદલાવ સિનેમામાં આવ્યા છે તે જણાવતાં તેમણે કહ્યું હતું કે, "હવે ગુજરાતી ફિલ્મો બનાવવાનું બજેટ વધી ગયું છે. ટૅક્નિકની દૃષ્ટિએ વધારે સારી ફિલ્મો બનવા લાગી છે. માર્કેટિંગની અવનવી પદ્ધતિઓ આવી ગઈ છે જે અગાઉ નહોતી. જે સારી બાબત છે. ફિલ્મમાં વાર્તા કહેવાની પદ્ધતિમાં પણ નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે, જે અગાઉ નહોતા થતા."

"'હેલ્લારો', 'કચ્છ એક્સ્પ્રેસ', 'ઝમકુડી' જેવી ફિલ્મો જોઈએ તો હરખ થાય કે હીરો નહીં બલકે હિરોઇનને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બની રહી છે. જે દર્શાવે છે કે વૈચારિક રીતે આપણું સિનેમા પ્રગતિ કરી રહ્યું છે."

"મને પણ ફિલ્મોની ટિકિટ અને પૉપકોર્નના ભાવ મોંઘા લાગે છે"

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટિકિટના મોંઘા દર અને સિનેમા હૉલના બદલાતા કલેવરને લીધે ગામડાંનો દર્શક સિનેમા હૉલથી છૂટો પડી ગયો છે. આ વિશે વાત કરતાં મોના થીબા કહે છે, "ગુજરાતી ફિલ્મોએ ટેકનૉલૉજીની રીતે ખૂબ પ્રગતિ ભલે કરી હોય પણ મલ્ટિપ્લેક્સ સિનેમાની ટિકિટના મોંઘા દરને લીધે નાનાં ગામો કે ગામડાંના દર્શકો અને સિનેમા વચ્ચે હવે અંતર પડી ગયું છે. વળી, ગામડાંના લોકો ચકાચૌંધવાળા મલ્ટિપ્લેક્સમાં જતાં ખચકાય છે. એ દર્શકો સિંગલ સ્ક્રીન થિયેટર સાથે જે આત્મીયતા અનુભવતા હતા તેવો અનુભવ મલ્ટિપ્લેક્સમાં નથી મળી શકતો."

તેમણે ઉમેર્યું, "આમાં સુખદ ઘટનાઓ પણ બને છે. જેમકે, 'હેલ્લારો' જેવી ફિલ્મ આવે છે તો એ ગામડાના માહોલની જ ફિલ્મ છે. એ ફિલ્મ નૅશનલ ઍવૉર્ડ પણ લઈ આવી. ગામડાનાં માહોલની ફિલ્મો સાથે લોકો આજે પણ જોડાય જ છે. તેથી એ પ્રકારની ફિલ્મો વધારે બનવી જોઈએ."

સીત્તેરથી નેવુંના દાયકા સુધી ગુજરાતી ફિલ્મોનો લાજવાબ દૌર હતો. એ સમયને યાદ કરતાં મોના થીબા કહે છે, "ત્યારે સિનેમાઘરોમાં માહોલ જામતો હતો. ગીત રજૂ થતાં ત્યારે સિનેમાના પડદે પૈસા ફેંકાતા અને સીટીઓ વાગતી અને ટિકિટનાં કાળાબજાર થતાં હતાં. એ વખતે કોઈ સોશિયલ મીડિયા નહોતું અને કોઈ માર્કેટિંગ સ્ટ્રૅટેજી નહોતી છતાં લોકોને ફિલ્મની ખબર પડી જતી અને ટિકિટબારી પર હાઉસફુલનાં પાટીયાં ઝૂલતાં હતાં. હવે દર્શકોને થિયેટર સુધી લાવવા ખૂબ મહેનત કરવી પડે છે. કલાકારોએ ઠેકઠેકાણે ફિલ્મના પ્રચાર માટે ઇન્ટરવ્યૂ માટે જવું પડે છે. ઘેર બેઠાં ઓટીટી પર ફિલ્મો જોવા મળી જાય છે તેથી કોણ થિયેટર સુધી લંબાય."

જોકે, આના કરતાંય સૌથી મોટું કારણ ટિકિટના દર મોંઘા છે એવું મોના થીબા માને છે. તેઓ કહે છે, "મલ્ટિપ્લેક્સમાં ફિલ્મની ટિકિટના ભાવ એટલા ઊંચા હોય છે કે નિમ્ન મધ્યમવર્ગને ન પોસાય અને મધ્યમવર્ગને પણ ક્યારેક જ પરવડે. એમાં વળી ત્રણસો રૂપિયાની પૉપકૉર્ન. બે બાળકો સાથે પતિપત્ની ફિલ્મ જોવા ગયાં હોય તો બે અઢી હજાર રૂપિયા ખર્ચાઈ જાય. તેથી થિયેટરમાં જઈને ફિલ્મ જોવી એ મોંઘું થઈ ગયું છે. મને પણ પણ પૉપકૉર્ન મોંઘા લાગે છે."

મોના થીબા ફિલ્મોમાં ફરી ક્યારે જોવા મળશે?

મોના થીબા

ઇમેજ સ્રોત, Hitu Kanodiya

ઇમેજ કૅપ્શન, મોના થીબા

ઘણા સમયથી મોના થીબા ફિલ્મોમાં ખાસ દેખાયાં નથી. દીકરા રાજવીરના ઉછેર માટે તેમણે ફિલ્મોમાંથી બ્રૅક લીધો હતો. જોકે હવે તેમની ફિલ્મો પણ આવી રહી છે.

મોના થીબાએ કહ્યું, "હું મારા દીકરા રાજવીરના ઉછેરમાં સમય ફાળવવા માગતી હતી. તેથી મેં સ્વેચ્છાએ ફિલ્મોમાંથી બ્રૅક લીધો હતો. હવે મારી ચાર ફિલ્મો આવી રહી છે. છૂટાછેડા, મંજરી અને અન્ય બે ફિલ્મો છે. છૂટાછેડા ફિલ્મ એક પરિપક્વ લવસ્ટોરી છે, જેમાં આઠ વર્ષના બ્રૅક પછી હું હિતુ કનોડિયા સાથે જોવા મળીશ."

એવી કઈ ભારતીય મહિલાઓ છે જેના જીવન પરથી બાયોપિક બને તો તમને ભૂમિકા ભજવવાનું ગમે? આ સવાલના જવાબમાં મોના થીબા કહે છે, "મને સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવલાની બાયોપિક બને તો તેમનો રોલ ભજવવો ગમશે. આ સિવાય ગુજરાતી અભિનેત્રી સ્નેહલતાની બાયોપિક બને તો મને તેમની ભૂમિકા ભજવવાની ઇચ્છા છે."

ખડખડાટ હસતાં હસતાં મોના એમ પણ ઉમેરે છે કે, સ્નેહલતાની બાયોપિકમાં નરેશ કનોડિયાની ભૂમિકા તેમના જીવનસાથી હિતુ કનોડિયા ભજવે તો મજા પડી જાય.

"હું ફિલ્મોમાં કમબૅક કરી રહી છું તેનું શ્રેય મારા સાસુને જાય છે"

મોના થીબા સાસુ અને પતિ સાથે

ઇમેજ સ્રોત, Hitukanodia/fb

ઇમેજ કૅપ્શન, મોના થીબા તેમનાં સાસુ રતનબહેન અને હિતુ કનોડિયા સાથે

આગામી દિવસોમાં મોના થીબાની એક પછી એક ફિલ્મો રજૂ થવાની છે. ફરી ફિલ્મોમાં કામ શરૂ કરવાનો શ્રેય તેઓ પોતાનાં સાસુ રતનબહેનને આપે છે.

મોનાએ કહ્યું, "ફિલ્મોમાં ફરીથી કામ શરૂ કરવાનું મારાં સાસુને આભારી છે. મને અવઢવ હતી કે ઘરમાં બાળકને સમય આપવો ધ્યાન રાખવું અને ફિલ્મમાં શૂટિંગ પણ કરવું એ બધે હું પહોંચી નહીં વળી શકું. મારાં સાસુએ મને કહ્યું કે "તું ફિલ્મોમાં કામ કર. આપણા ઘરમાં તો કામ માટે સ્ટાફ પણ છે, બાકીની જવાબદારી મારા પર છોડી દે." તેમણે મને ફરી ફિલ્મોમાં કામ માટે પ્રોત્સાહિત કરી. તેથી ફિલ્મોમાં મારું કમબૅક તેમને આભારી છે."

તેમણે ઉમેર્યું, "મારા દીકરાનાં કેટલાંક કામ હું જ કરું એવો મારો આગ્રહ હોય છે, મારાં સાસુએ મને કહ્યું કે "હું એ કામ એટલી સારી રીતે ન કરી શકું? તું આરામ કર. બધું થઈ જશે." હું શૂટીંગથી પાછી ફરું એટલે તેઓ મને તરત કહે છે કે "તારે કોઈ કામને અડવાનું નથી. તું આરામ કર." આવાં સાસુ હોય તો બીજું શું જોઈએ?

જ્યારે મોના થીબાએ નરેશ અને હિતુ કનોડિયા સાથે એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું

નરેશ કનોડિયા દીકરા હિતુ કનોડિયા સાથે

ઇમેજ સ્રોત, hitukanodia/fb

ઇમેજ કૅપ્શન, નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા

2008માં 'બાપ ધમાલ, દીકરા કમાલ' નામની એક ફિલ્મ રજૂ થઈ હતી. જેમાં મોના થીબાએ પિતા-પુત્રની જોડી નરેશભાઈ અને હિતુ કનોડિયા સાથે કામ કર્યું હતું. એ વખતે હિતુભાઈ અને મોનાનાં લગ્ન થયાં નહોતાં.

એક જ ફિલ્મમાં બંને સાથે કામ કરવાના અનુભવ વિશે મોના થીબાએ કહ્યું,"એ તબક્કે હું અને હિતુ એકબીજાને પસંદ કરતાં હતાં, પણ પપ્પાજી નરેશભાઈ એ વિશે વાકેફ નહોતા. નરેશ કનોડિયા તો મોટા કલાકાર હતા અને તેમની સાથે ફિલ્મ હતી તેથી મને મનમાં એ વખતે થોડો ફફડાટ હતો. જોકે, મારી માન્યતા ખોટી ઠરી. કેમકે, નરેશજી સેટ પર આવે ત્યારે આખો માહોલ હસીખુશીથી છલકાઈ જાય. તેઓ સેટ પર માહોલ હળવો કરી દેવામાં માહેર હતા."

એક સસરા તરીકે તમે તેમને કેવી રીતે યાદ કરો છો? આ સવાલના જવાબમાં મોના કહે છે, "મને તેઓ સસરા કરતાં પપ્પા વધારે લાગ્યા છે. દીકરાનો જન્મ થયો એ પછી મેં ફિલ્મોમાં બ્રૅક લીધો હતો. મને યાદ છે કે દીકરો રાજવીર બે વર્ષનો થયો ત્યારે તેમણે મને કહ્યું હતું કે -'મોનાબેટા, હવે દીકરો બે વર્ષનો થઈ ગયો છે. તમે ફિલ્મોમાં કામ શરૂ કરી દો. તમારું ટેલેન્ટ વેડફાવું ન જોઈએ.' પપ્પાએ મને મહેશ કનોડિયાનાં પત્ની ઉમાકાકીનો દાખલો આપતાં કહ્યું હતું કે, 'ઉમાકાકી ખૂબ સારા નર્તકી અને ગાયિકા હતાં. લગ્ન પછી તેમણે કામ બંધ કરી દીધું હતું. તમે એવું ના કરતાં.'"

ઘણા લોકોને એવું લાગે કે કનોડિયા પરિવાર થોડો રૂઢીચુસ્ત હશે એટલે મોના થીબાએ ફિલ્મોમાં કામ બંધ કરી દીધું હતું. એનો ફોડ પાડતાં મોનાબહેને કહ્યું, "એવું નથી. મેં 2014માં લગ્ન કર્યાં અને 2015માં મારે ઘરે પારણું બંધાયું પછી મેં કામ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. મારે દીકરા સાથે તેનાં બાળપણનાં વર્ષો વિતાવવાં હતાં. અમારો પરિવાર તો ખૂબ મોકળા મનનો છે."

હિરોઈનોને હીરો જેટલું મહેનતાણું મળતું નથી

મોના થીબા માને છે કે હિંદી અને અન્ય પ્રાદેશિક ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મોમાં પણ પિતૃસત્તાક માહોલ છે. અહીં પણ હિરોઇનને હીરો કરતાં ઓછું મહેનતાણું મળે છે. મોના થીબા કહે છે, "હીરોઇન જે છે તે ઘરમાં કામ કરે છે, ફિલ્મોમાં કામ કરે છે. સંતાનોને ઉછેરે છે. છતાં ફિલ્મોમાં તો તેને કામનું મહેનતાણું હીરો કરતાં ઓછું જ મળે છે. આ ચિત્ર બદલાવું જોઈએ."

તેમણે કહ્યું, "હીરો અને હીરોઇનને સરખું મહેનતાણું મળવું જોઈએ. મને તો હિતુ અને મારાં સાસુનો ખૂબ સપોર્ટ મળે છે, પણ સામાન્ય રીતે વર્કિંગ વુમન ઘરે જાય તો પણ તેને ક્યારેય આરામ મળતો નથી. તે ઘરે જઈને પણ કામે જ વળગે છે. સંસાર અને સમાજે વર્કિંગ વુમનને સમજવી જોઈએ અને તેને આદર અને આરામ આપવા જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.