મધુબાલા : હૃદયમાં છિદ્ર, દિલીપકુમાર સાથે પ્રેમ અને કિશોરકુમાર સાથે 'તાલમેળ વગર'નાં લગ્નની કહાણી

ઇમેજ સ્રોત, MADHUR BHUSHAN
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
મધુબાલા એક પ્રતિભાશાળી અભિનેત્રી હતાં, પરંતુ તેમના અભિનયને બદલે તેમની મનમોહક સુંદરતા જ હંમેશાં ચર્ચામાં રહી.
'ફિલ્મ ઇન્ડિયા'ના સંપાદક બાબુરાવ પટેલ કહેતા, "મધુબાલા ભારતીય ફિલ્મઉદ્યોગની સૌથી પ્રતિભાશાળી, વર્સેટાઇલ અને સૌથી સુંદર અભિનેત્રી હતી."
તેઓ ભારતીય ફિલ્મઉદ્યોગની વિનસ તરીકે ઓળખાતાં હતાં. તત્કાલીન સમયનાં પ્રસિદ્ધ અભિનેત્રી બેગમ પારાએ જણાવ્યું હતું, "મધુબાલા જ્યારે મૉર્નિંગવૉક કરવા જતી, ત્યારે ક્યારેક-ક્યારેક મને તેની ઝલક જોવા મળી જતી. જો કોઈ એક વાર તેનો ચહેરો જોઈ લે, તો તે વ્યક્તિનો આખો દિવસ સુધરી જતો."
નિરૂપા રૉયનું માનવું હતું કે, મધુબાલાનું શરીર પગથી માથા સુધી પરફેક્ટ હતું. તેમાં કોઈ ખામી ન હતી.
મીનુ મુમતાઝ કહેતાં, "મધુબાલાની ત્વચા એટલી ગોરી હતી કે, તે પાન ખાતી, ત્યારે લાલ રંગ ગળાની નીચે ઊતરતો જોઈ શકાતો."
મધુબાલા સાથે 'રેલ કા ડિબ્બા' ફિલ્મમાં કામ કરનારા શમ્મી કપૂર પણ તેમને જોઈને પોતાનો ડાયલૉગ ભૂલી ગયા હતા.
પ્રસિદ્ધ પત્રકાર બીકે કરંજિયાએ તેમની આત્મકથા 'કાઉન્ટિંગ માય બ્લેસિંગ્ઝ'માં લખ્યું હતું, "મધુબાલાના એક પણ ફોટોગ્રાફે મધુની અસાધારણ સુંદરતા સાથે ન્યાય કર્યો નથી."

મધુબાલાના ખડખડાટ હાસ્યના દીવાના હતા દેવાનંદ

ઇમેજ સ્રોત, MADHUR BHUSHAN
જોકે, એવું પણ ન હતું કે, મધુબાલામાં કોઈ ખામી નહોતી. ખતીજા અકબરે મધુબાલાના જીવનચરિત્ર 'ધી સ્ટોરી ઑફ મધુબાલા'માં લખ્યું હતું, "પિતા પ્રત્યેની નિષ્ઠા, ઉચિત સમયે યોગ્ય નિર્ણય લેવાના અસામર્થ્ય અને વધુ પડતા સંવેદનશીલ સ્વભાવે મધુબાલાનું જીવન ગૂંચવી નાંખ્યું હતું અને તેના કારણે મધુબાલાએ ઘણાં ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મ મૅગેઝિન 'સ્ટાર ઍન્ડ સ્ટાઇલ'ના ભૂતપૂર્વ તંત્રી ગુલશન ઇવિંગ કહેતા હતા, "મધુબાલામાં ચાલાકી બિલકુલ નહોતી. તેનામાં બાળસહજ નિર્દોષતા અને સાદગી હતાં."
સદાબહાર અભિનેતા દેવાનંદને મધુબાલાનું ખડખડાટ હાસ્ય ખૂબ ગમતું હતું.
તેમણે તેમની આત્મકથા 'રોમાન્સિંગ વિથ લાઇફ'માં મધુબાલા વિશે લખ્યું હતું, "તેનો ચહેરો પરોઢની ઝાકળની માફક હંમેશાં તાજગીથી ભર્યો-ભર્યો રહેતો. તેના વ્યક્તિત્વની સૌથી ખાસ બાબત હતી, તેનું મશહૂર હાસ્ય. મોકો મળતાં જ તે ખડખડાટ હસી પડતી હતી. તે શા માટે હસી પડી અને ક્યાં સુધી આમ હસતી રહેશે, તે કોઈ પામી ન શકતું. ઘણી વાર તો તે શૉટ આપતી વખતે અધવચ્ચે પણ હસી પડતી. તે પછી દિગ્દર્શક સેટની લાઇટો બંધ કરીને ચાનો ઑર્ડર આપતા અને મધુબાલાનું હસવું ક્યારે બંધ થાય, તેની રાહ જોતા."
'મહલ' ફિલ્મથી મળી દેશભરમાં ખ્યાતિ

ઇમેજ સ્રોત, FILMFARE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મધુબાલાનું સાચું નામ મુમતાઝ જહાં બેગમ દેહલવી હતું. તેમનો જન્મ 14મી ફેબ્રુઆરી, 1933ના રોજ દિલ્હીમાં થયો હતો. નવ વર્ષની વયે 'બસંત' ફિલ્મથી તેમની ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ થયો.
આ ફિલ્મના શૂટિંગ પછી મુમતાઝ દિલ્હી પરત ફર્યાં. તે પછી દેવિકારાણીએ ફિલ્મ 'જ્વાર ભાટા' માટે મધુબાલાને રોલ ઑફર કર્યો. મુમતાઝે તે રોલ ન કર્યો, પણ તેમના પિતાએ તે પછી મુંબઈ (તત્કાલીન બૉમ્બે)માં સ્થિર થવાનો નિર્ણય કર્યો.
એ દિવસોમાં વિખ્યાત દિગ્દર્શક કેદાર શર્માએ 'બેચારા ભગવાન' નામની ફિલ્મ શરૂ કરી હતી, જેમાં તેમણે હીરોઇન તરીકે તેમનાં પત્ની કમલા ચેટરજીને લીધાં હતાં, પરંતુ કમલાનું આકસ્મિક અવસાન થતાં ફિલ્મ અટકી પડી.
પત્નીના અવસાનના આઘાતમાંથી બહાર આવ્યા પછી કેદાર શર્માએ આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને તેમના આસિસ્ટન્ટ રાજ કપૂર સાથે ચાઇલ્ડ આર્ટિસ્ટ મુમતાઝને હીરોઇન તરીકે લીધાં. સાથે જ તેમણે મુમતાઝનું નામ બદલીને મધુબાલા કર્યું.
તેમણે ફિલ્મનું નામ બદલીને 'નીલકમલ' કર્યું. 1949માં આવેલી ફિલ્મ 'મહલ'થી મધુબાલા નવા-સવા આઝાદ થયેલા દેશના યુવાનોનાં 'સ્વપ્નસુંદરી' બની ગયાં.
રાજકુમાર કેશવાણી તેમના પુસ્તક 'દાસ્તાન-એ-મુઘલ-એ-આઝમ'માં લખે છે, "હીંચકે ઝૂલતી સુંદરી અને અવાર-નવાર નજીક આવીને ફરી ઓઝલ થઈ જતો પરીઓ જેવો ચહેરો. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ટંકશાળ પાડી અને તેની સાથે જ મધુબાલા કોઈ પણ ફિલ્મની સફળતાની ગૅરન્ટી બની ગઈ."
મધુબાલાને હોલીવૂડમાં રોલ મળવાની શક્યતા હતી
આ દરમિયાન ન્યૂ યૉર્કના 'થિયેટર આર્ટ્સ' મૅગેઝિને મધુબાલાની તસવીર સાથે લેખ છાપ્યો, જેનું હેડિંગ હતું, 'વિશ્વની સૌથી મોટી સ્ટાર, જે બેવર્લી હિલ્સમાં નથી રહેતી.'
ત્રણ વખત ઑસ્કર જીતી ચૂકેલા ફ્રૅન્ક કાપરા એક ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે બૉમ્બે આવ્યા હતા. તે સમયે 'મૂવી ટાઇમ્સ'ના ઍડિટર બીકે કરંજિયા તેમના મૅગેઝિનનો અંક સાથે લઈને કાપરાનો ઇન્ટરવ્યૂ લેવા જઈ પહોંચ્યા હતા.
તે અંકના કવરપેજ પર મધુબાલાની તસવીર હતી. કરંજિયાએ તેમની આત્મકથામાં લખ્યું છે, "કાપરાએ મૅગેઝિન જોતાવેંત મને પૂછ્યું કે, આ છોકરી કોણ છે? શું તે ખરેખર આટલી સુંદર છે? શું હું તેને મળી શકું? હું તેને હોલીવૂડમાં રોલ અપાવી શકું તેમ છું."
તાજ હોટલમાં મધુબાલા સાથે કાપરાની મીટિંગ ગોઠવાઈ. કરંજિયાએ ભારે ઉત્સાહમાં આવીને આ વાત મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાનને જણાવી.
"પણ, મધુબાલાના પિતાએ આખી વાત પર પાણી ફેરવી દેતાં કહ્યું કે, મધુબાલાને છરી-કાંટાથી ખાતાં નથી આવડતું, તેથી તે મીટિંગમાં નહીં જાય. જો તેમણે મારી વાત માની લીધી હોત, તો મધુબાલાને આખી દુનિયામાં પ્રસિદ્ધિ મળી હોત," એમ કરંજિયાએ લખ્યું હતું.
દિલીપકુમાર સાથે પ્રેમ

ઇમેજ સ્રોત, MADHUR BHUSHAN
દિલીપકુમાર અને મધુબાલા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, પણ મધુબાલાના પિતાને દિલીપકુમારના પડછાયા સુધ્ધાંથી નફરત હતી.
બીઆર ચોપડાની ફિલ્મ 'નયા દૌર'માં દિલીપકુમાર સાથે હીરોઇન તરીકે પહેલાં મધુબાલાને પસંદ કરવામાં આવ્યાં હતાં. બૉમ્બેમાં ફિલ્મનું શૂટિંગ થવાનું હતું, પણ પછી ચોપડાને લાગ્યું કે, અમુક શૂટિંગ ભોપાલમાં પણ કરવું જોઈએ.
ખતીજા અકબરે લખ્યું છે, "મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાને તેમની પુત્રીને બૉમ્બેની બહાર શૂટિંગ માટે મોકલવાનો ઇનકાર કરી દીધો. તેમને લાગતું હતું કે, બૉમ્બેની બહાર જવાથી મધુબાલા અને દિલીપકુમાર વચ્ચેનો પ્રેમ વધુ ખીલશે, આથી તેમણે પરવાનગી ન આપી. ત્યાં સુધીમાં ફિલ્મનું દસ દિવસનું શૂટિંગ થઈ ચૂક્યું હતું. તેમ છતાં બીઆર ચોપડાએ મધુબાલાના સ્થાને વૈજ્યંતિમાલાને લઈને ફિલ્મ પૂરી કરી."
બસ, ત્યાંથી દિલીપકુમાર અને મધુબાલાની જોડી અલગ પડી ગઈ. બીઆર ચોપડા આ મામલાને અદાલતમાં લઈ ગયા, જેને પગલે દિલીપકુમાર અને મધુબાલાના સંબંધોમાં કડવાશ વ્યાપી ગઈ.
સંબંધ તૂટવા માટે ઘણાં કારણો જવાબદાર

ઇમેજ સ્રોત, MANJUL PUBLICATIONS
બીકે કરંજિયા આ બ્રેકઅપ માટે બીજું કારણ જણાવે છે. તેઓ લખે છે, "અતાઉલ્લાહ ખાને દિલીપકુમાર મધુબાલા સાથે લગ્ન કરે, એ પહેલાં તેની બહેનોને પરણાવી દે, તેવી શરત મૂકી. જ્યારે મેં ખાનસાહેબને આવી વિચિત્ર શરત રાખવાનું કારણ પૂછ્યું, તો તેમનો જવાબ હતો, 'હું નથી ઇચ્છતો કે, મારી પુત્રી દિલીપકુમારની બહેનોનાં કપડાં ધુએ."
દિલીપકુમાર તેમની આત્મકથા 'ધી સબસ્ટન્સ ઍન્ડ ધી શેડો'માં આ બ્રેકઅપ માટે ત્રીજું જ કારણ રજૂ કરતાં લખે છે, "સામાન્ય ધારણાથી ઊલટું, અતાઉલ્લાહ ખાન મધુબાલા સાથે મારાં લગ્નના વિરોધી નહોતા. હકીકતમાં, તેમની પોતાની એક પ્રોડક્શન કંપની હતી. બે મોટા સ્ટાર્સને એક છત્ર નીચે લાવવાના વિચારથી તેઓ ભારે ખુશ હતા, પણ જો મેં આ સમગ્ર મામલાને મારા દૃષ્ટિકોણથી ન જોયો હોત, તો સઘળું તેમની ઇચ્છા પ્રમાણે જ થયું હોત."
તેઓ આગળ લખે છે, "અતાઉલ્લાહ ખાન મધુને એ સમજાવવામાં સફળ થઈ ગયા કે, હું તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો. તે તેના પિતાની દલીલો સાથે સંમત હોય, તેવું લાગતું હતું. અને મધુએ મને એમ સમજાવવાની કોશિશ કરી કે, લગ્ન પછી બધું થાળે પડી જશે. પણ મને એવું લાગ્યું કે, હું કોઈ જાળમાં ફસાઈ જઈશ અને અત્યાર સુધી મારી કારકિર્દી ઘડવામાં મેં જે સાવચેતી દાખવી છે, તે અન્યોની ઇચ્છાઓ અને પ્રયુક્તિઓમાં દબાઈને નષ્ટ થઈ જશે."
દિલીપકુમારે લખ્યું હતું કે, મધુબાલા આ મામલે તટસ્થ રહી અને તે દિલીપકુમારની તકલીફથી અજાણ હતી, જેના કારણે દિલીપકુમારે તેની સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો.
હૃદયમાં છિદ્ર હોવા છતાં કઠોર પરિશ્રમ

ઇમેજ સ્રોત, HAY HOUSE
મધુબાલાને બાળપણથી જ હૃદયની બીમારી હતી. તેમના હૃદયમાં છિદ્ર હતું અને તે સમયે આ બીમારીનો કોઈ ઇલાજ નહોતો. બીમારીની હાલતમાં પણ મધુબાલાએ 'મુઘલ-એ-આઝમ' ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું.
મધુબાલાનું કામ પ્રત્યેનું સમર્પણ ગજબનું હતું. મુઘલ-એ-આઝમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સુલતાન અહમદે જણાવ્યું હતું, "તમને યાદ હશે કે, ફિલ્મના પ્રથમ દૃશ્યમાં મધુબાલાને પૂતળાની માફક ઊભી રાખવામાં આવે છે. મધુબાલાએ જરી-ભરત ભરેલાં ભારે-ભરખમ કપડાં પહેર્યાં હોવા છતાં તે શૉટ ઓકે ન થયો, ત્યાં સુધી આગઝરતી ગરમીમાં કલાકો સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વિના ઊભી રહી. ફિલ્મના છેલ્લા સીનમાં મધુબાલાને મોટા ભાગે લોખંડની વજનદાર બેડીઓથી જકડાયેલી રાખવામાં આવી હતી."
રાજકુમાર કેશવાની લખે છે, "બેડીઓ અને સાંકળો એટલી વજનદાર હતી કે, મધુબાલા જ્યારે-જ્યારે તે પહેરવાની કોશિશ કરતી, ત્યારે ઘૂંટણિયે પડી જતી, તેમ છતાં તેણે હિંમત હાર્યા વિના પૂરું જોર લગાવીને કામ પૂરું કર્યું. આ સાંકળોનું વજન મધુબાલાના વજન કરતાં વધારે હોવાથી તે પહેરીને ચાલવું ઘણું કષ્ટદાયી હતું."
મધુબાલાની સારવાર કરનારા બૉમ્બેના મોખરાના કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટર જલ વકીલે મધુબાલાને શ્રમ માગી લેતું કામ કરવાથી દૂર રહેવાની અને ફિલ્મમાં ડાન્સનાં દૃશ્યો ન ભજવવાની ચેતવણી આપી હતી.
ખતીજા અકબર લખે છે, "નવાઈ ઉપજાવે એવી વાત છે કે, મધુબાલા પર ઘણાં નિયંત્રણો લાદનારા તેના પિતા અતાઉલ્લાહ ખાને તેને ઓછી ફિલ્મો હાથ પર લેવાની કદીયે તાકીદ ન કરી. મધુબાલાનો કામનો બોજ ઘટાડવાની ક્યારેય કોશિશ ન કરાઈ. મધુબાલાએ 'ગેટવે ઑફ ઇન્ડિયા' અને 'મુઘલ-એ-આઝમ' ફિલ્મોનાં શૂટિંગ રાતના સમયે પણ કર્યાં હતાં."
કોઈ પણ નિર્માતાએ મધુબાલાનું કામનું ભારણ ઓછું ન કર્યું. નાચવું, પાણીમાં ભીંજાવું, પગમાં બેડીઓ પહેરીને ચાલવું... મધુબાલાએ આ બધું કર્યું. ઘણી વખત તે કામ કરતાં-કરતાં બેભાન થઈ જતી હતી, પણ સાજા થયા બાદ ફરી કામ શરૂ કરી દેતી.
કિશોરકુમાર સાથે તાલમેળ વગરનાં લગ્ન

ઇમેજ સ્રોત, MANJUL PUBLICATIONS
તેમણે અગાઉ એક લગ્ન કરી ચૂકેલા કિશોરકુમાર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કિશોરકુમાર સારવાર માટે મધુબાલાને લંડન લઈ ગયા. ડૉક્ટરોએ તેમને શ્રમ માગી લેતું અને તણાવયુક્ત કામ કરવાની મનાઈ ફરમાવી દીધી. સાથે જ, મધુબાલાને બાળકો પેદા ન કરવાની પણ સલાહ અપાઈ.
ડૉક્ટરોએ તેમના સાજા થઈ જવાની કોઈ આશા ન બંધાવી. મધુબાલાને જણાવાયું કે, તેઓ દસ વર્ષ પણ જીવી શકે છે કે એક વર્ષમાં પણ તેમનું મોત નીપજી શકે છે. આખરે, તેમની પાસે વધુ સમય ન બચ્યો હોવાની લાગણી સાથે મધુબાલા બૉમ્બે પરત ફર્યાં.
મધુબાલાના જીવનનાં છેલ્લાં નવ વર્ષ ઘણાં કપરાં રહ્યાં. મધુબાલાનાં બહેન મધુરે ખતીજા અકબરને જણાવ્યું હતું, "લંડનથી પરત ફરતાં જ કિશોરકુમાર તેને અમારા ઘરે લઈ આવ્યા. તેમણે કહ્યું કે, તેઓ ઘણા વ્યસ્ત છે અને મધુબાલા માટે તેમની પાસે સમય નથી. મધુબાલાને આ વાતથી ઘણું દુઃખ થયું. તે ઘણી બીમાર હતી. તે સમયે તેને તેના પતિના સાથની જરૂર હતી. કિશોરકુમારે તેની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી, પણ શું એટલું પૂરતું હતું?"
કિશોર મધુબાલા સાથે ફોન પર વાત કરતા, પણ ધીમે-ધીમે કિશોરનું તેમને મળવા આવવાનું ઓછું થતું ગયું. ખતીજા અકબર લખે છે, "આ એક તાલમેળ વગરનાં અને ઉતાવળે થયેલાં લગ્ન હતાં. આ લગ્નથી મધુને કદી ખુશી ન મળી. મધુબાલાને કિશોરકુમાર પાસેથી અઢળક પ્રેમની જરૂર હતી, જે તેને નહોતો મળ્યો."
અંત સુધી જળવાઈ રહ્યાં સૌંદર્ય અને આકર્ષણ

ઇમેજ સ્રોત, MADHUR BHUSHAN
કિશોરકુમારનાં ત્રીજી પત્ની લીના ચંદાવરકરની માન્યતા પ્રમાણે, જ્યારે મધુબાલાને ખબર પડી ગઈ કે દિલીપકુમાર સાથે તેનાં લગ્ન નહીં થાય, ત્યારે તે કોઈને પણ પરણી શકે છે, એવું દેખાડવા ખાતર તેમણે એક એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યાં, જેને તે બરાબર ઓળખતી પણ ન હતી.
મધુબાલાએ જે પણ કારણસર કિશોરકુમાર સાથે લગ્ન કર્યાં હોય, પણ તે કારણ પ્રેમ તો નહોતું જ. તેના છેલ્લા સમયમાં દિલીપકુમાર તેને મળવા ગયા હતા. દિલીપકુમારે કહ્યું હતું કે, બીમારીની હાલતમાં પણ તેઓ એટલાં જ આકર્ષક લાગતાં હતાં.
મધુબાલાને મળવા જનારા લોકોમાં બીકે કરંજિયા પણ સામેલ હતા. તેમણે લખ્યું હતું, "મધુનો ચહેરો પીળો પડી ગયો હતો. તે કમજોર જરૂર જણાતી હતી, પણ તેની સુંદરતા અકબંધ હતી."
તેમના 36મા જન્મદિવસના નવ દિવસ પછી 23મી ફેબ્રુઆરી, 1969ના રોજ મધુબાલાએ મોત સાથેની લડાઈ છોડી દીધી અને દુનિયાને અલવિદા કહી દીધી.
દિલીપકુમાર તે સમયે મદ્રાસમાં 'ગોપી' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તે સાંજે જ્યારે તેઓ બૉમ્બે આવી પહોંચ્યા, ત્યારે તેમને મધુબાલાના અવસાનની જાણ થઈ, પરંતુ ત્યાં સુધીમાં તેમની દફનવિધિ થઈ ચૂકી હતી.
મધુને આખરી વિદાય આપવા દિલીપ કબ્રસ્તાન પહોંચ્યા અને ત્યાંથી શોક વ્યક્ત કરવા માટે મધુબાલાના ઘરે જવા રવાના થયા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












